મન્ના ડેનાં હાસ્યરસપ્રધાન ગીતો : મેહમૂદ [૪]

સંકલન અને રજૂઆત:  અશોક વૈષ્ણવ

મન્ના ડેના સ્વરમાં મેહમૂદ્દ માટે ગવાયેલાં કાસ્યપ્રધાન ગીતોના ત્રણ અંક પાર કરતાં કરતાંમાં આપણે દેખીતી રીતે ‘૭૦ અને ક્યાંક ‘૮૦ના દાયકા સુધી ચક્કર કાપી લીધાં છે. પણ હકીકતે આપણી દડમજલ હજૂ મેહમૂદની કારકીર્દીનાં ૧૯૬૬/૬૭નાં વર્ષની આસપાસ જ અટકી પડેલી છે. એક હાસ્ય કલાકાર તરીકે મેહમૂદે આપાણાં રોજબરોજનાં જીવનનાં પાત્રોને પરદા પર અભિનિત કરવાનો અભિગમ રાખ્યો છે.જોકે ‘૬૦ના દાયકાના અર્ધે સુધીમાં પહોંચતાં, મેહમૂદની કારકીર્દીમાં હવે પાત્ર પસંદગીમાં વૈવિધ્ય જળવવા છતાં તેમણે પોતાને ફાળે ફરજીયાત ફાળવવામાં આવતાં ગીતોની સીચ્યુએશન, એ ગીત ગાવાની શૈલી, પાત્રને અભિનિત કરવા માટેનાં પોતાનાં ટાયલાંવાયલા જેવાં અંગોમાં જાણ્યે અજાણ્યે એક અજબ પ્રકારની એકવિધતા દાખલ થઈ જવા દીધેલી જણાય છે.

તે સામે, તેમની ફિલ્મોમાં જૂદા જૂદા સંગીતકારોનો સમયાંતરે ઉમેરો થતો ગયો છે. પરંતુ ‘૬૦ના દાયકાની શરૂઆતમાં મેહમૂદનાં મન્ના ડે દ્વારા ગવાયેલાં ગીતોમાં શાસ્ત્રીય પશાદભૂની પાછળ નવા પ્રયોગો થતા દેખાવાની જે ખુબી દેખાતી હતી, તે હવે કોઈ પણ સંગીતકાર પુનઃજીવિત કરી શકતા જોવા નથી મળતા.

જોકે એ વર્ષોમાં ફિલ્મી ગીતોનાં સ્તરમાં પણ ‘૫૦ના દાયકા જેવાં દીર્ઘકાલીન અસર કરતી મીઠાશ તો ઓસરતી જતી જણાતી જ હતી. ફિલ્મોનાં ફિલ્માંકનમાં તકનીક સુધરતી ગઈ, કલાકારો સ્ટાર્સ બનવા લાગ્યા, સંગીતકારોની ફી પણ વધતી ગઈ પણ એ સંગીતકારોનાં ગીતોમાં પહેલાં જે એક અવર્ણનીય જાદુ અનુભવાતો તે હવે સફળતાની દેવી પાસે ક્યાંક ભોગ દેવાતો બની જતો જોવા મળવા લાગ્યો હતો.

આ બધાં પરિબળોની એકસામટી અસર મન્ના ડેનાં મેહમૂદ માટેનાં હાસ્યપ્રધાન ગીતોની સહજ ગુણવત્તા પર પડે તે ભલે આપણને ઓછું સ્વીકાર્ય હોઈ શકે, પણ સમજી જરૂર શકાય તેમ છે.

જોકે આટલો વસવસો પ્રદર્શિત કરતાં કરતાં યાદ આવી જાય છે કે મન્નાડેનાં જન્મ શતાબ્દીનાં વર્ષમાં તેમનાં ગીતો યાદ કરવા પાછળનો આપણો મૂળ આશય તેમનાં ખુબ જાણીતાં અને વખણાયેલાં ગીતોને મમળાવતાં રહેવાનો તો હતો જ નહીં. આપણે તો મન્ના ડેનાં ગીતોની સફર તેમણે અલગ અલગ નાયકો માટે ગાયેલાં ગીતોનાં માધ્યમથી કરવા માટે આ લેખોનું ખેડાણ કરી રહ્યાં છીએ.

મન્ના ડેએ મેહમૂદ ગાયેલાં હાસ્યરસપ્રધાન ગીતોના આ ચોથા, અને આખરી, મણકાની શરૂઆત આપણે ઉઅપર વર્ણવેલ સંદર્ભમાં કરીએ છીએ.

વર્ષવાર ક્રમ જાળવીને સંગીતકારને કેન્દ્રમાં રાખવાની આપણી વ્યવસ્થા અનુસાર હવે પર્દા પર મેહમૂદનાં પાત્રો માટે રવિએ મન્ના ડેના સ્વરમાં સર્જેલ રચનાઓથી આજના અંકનો આરંભ કરીશું.

દે દાતા કે નામ દે દે,,, તુઝકો રખ્ખે રામ તુઝકો અલા રખ્ખે – આંખેં (૧૯૬૮) – આશા ભોસલે, મેહમૂદ સાથે – સંગીતકાર: રવિ – ગીતકાર: સાહિર લુધ્યાનવી

દેશપ્રેમ અને જાસુસી કથાના વાઘા ચડાવાયેલી આ એ સમયની ‘સફળ’ રહેલી મસાલા ફિલ્મ હતી.મેહમૂદ અને માલા સિંહા ભિખારીઓના છદ્મવેશમાં એમના સાથીની શોધમાં નીકળી પડ્યાં છે. ઠેલણ ગાડીમાં ધુમલ બેઠાં બેઠાં કોઈક યંત્ર વડે એ સાથી પાસેનાં કોઈ ‘બગ’ની ભાળ મેળવવા મથતા રહે છે. જોકે હિંદી ફિલ્મોમાં હાસ્ય કલાકારોને વિલન સામેની લડતમાં સફળ પામે તે પણ એક બહુ પ્રસ્થાપિત ચલણ હતું. એ મુજબ અહીં પણ આ ત્રિપુટી સફળતા વરે છે.

ફિલ્મમાં રવિનાં રચેલાં ગીતો રવિને સામાન્ય તરાહનાં હતાં. તે સમયે ફિલ્મની સાથે સાથે ચાલી પણ ગયાં હશે. મન્ના ડે અને આશા ભોસલે તેમની ભૂમિકાઓ સંન્નિષ્ઠતાથી અદા કરી જાય છે.

મુસ્લિમ કો તસ્લીમ… અર્ઝ હૈ – દો કલિયાં (૧૯૬૮) = અછંદાસ પંક્તિઓ મેહમૂદના સ્વરમાં સંગીતકાર: રવિ – ગીતકાર: સાહિર લુધ્યાનવી

નોકરી ધંધા વગરના યુવાન તરીકે ચલતાં ફરતાં સલુનનો આ જુગાડી નુસ્ખો કેટલો સફળ રહ્યો હશે તે તો ગીતમાં દર્શાવતા તેના (બે)હાલ પરથી અંદાજી શકાશે.

ખાલી ડબ્બા ખાલી બોટલ દે દે મેરે યાર – નીલકમલ (૧૯૬૯) – સંગીતકાર: રવિ – ગીતકાર: સાહિત લુધ્યાનવી

શેરીએ શેરીએ ફરીને રદ્દી એકઠી કરવાનો વ્યવસાય લગભગ દરેક સમયે એટલો જ પ્રચલિત રહ્યો છે. જોકે ન તો ત્યરે, કે ન તો અત્યારે,મેહમૂદની જેમ આ વ્યવસાયનાં લોકો ડબ્બા બાટલીઓના હાર પહેરીને નીકળી પડે ! દરેકની પોતપોતાની આગવી આલબેલ જ તેમની પ્રસિધ્ધિનું અસરકારક માધ્યમ હતું.

સાઈકલ પે હસીનોં કી ટોલી – અમાનત (૧૯૭૫) = આશા હોસલે, મોહમ્મદ રફી સાથે – સંગીતકાર: રવિ – ગીતકાર: સાહિર લુધ્યાનવી

દેખીતી રીતે તો ફિલ્મની રજૂઆતા ૧૯૭૫માં થઈ હોય એમ જાણાય, પણ મનોજ કુમાર કે સાધનાની ઉમર, રવિની ગીતોની બાંધણીની શૈલી (એ સમયે પ્રચલિત બનેલ મતલબ નીકલ ગયા હૈ તો પહેચાનતે નહીં અને દૂર રહ કે કરો બાત, કે ઓછું જાણીતું કેડિટ ટાઈટલ ગીત હર એક દિલમેં અરમાન હૈ અમાનત – બધાં ગીતોના ગાયક મોહમ્મદ રફી- યાદ કરીએ) જેવી બાબતોથી જરૂર સ્પષ્ટ થાય કે ફિલ્મની રજૂઆત કોઈ કારણસર અટકી ગઈ હશે અને એકાદ દાયકા પછી તે પરદા પર દેખાઈ હશે. કૉલેજ જતાં યુવાનોનું સાઈકલ પર પિકનિક પર જવું, સાથેની છોકરીઓની મીઠી છેડછાડ કરવી – એ બધું પણ એ સમયમાં બહુ ચલણી હતું.

તે પછી ક્રમમાં આવનારા કલ્યાણજી આણંદજીએ દેખીતી રીતે તો મેહમૂદ માટે મન્ના ડે પાસે એક જ ગીત ગવડાવ્યું છે. જોકે મેહમૂદ માટે તેમણે લોરી સુના સુના કે (પુર્ણિમા, ૧૯૬૫), ગલી ગલી ગાંવમેં (પારસ, ૧૯૭૧) કે હોશિયાર રહેના ખબરદાર રહેના (વરદાન, ૧૯૭૪) જેવાં ત્રણેક ગીતો તો મેહમૂદના સ્વરમાંજ તો બીજાં અમુક ગીતો મોહમ્મદ રફીના સ્વરમાં પણ રેકોર્ડ કર્યાં છે.

મેરે દિલ સે દિલ કો જોડ દો – સુહાગ રાત (૧૯૬૮)- સંગીતકાર કલ્યાણજી આણંદજી – ગીતકાર ઈન્દીવર

છેડ છાડની આવી સ્થૂળ શૈલી અને તેવાં જ સરેરાશ ગીતો મેહમૂદના ચાહકોનાં નસીબમાં લખાઈ ચુક્યાં જણાય છે.

https://www.youtube.com/watch?v=Ktqy6JTdY40

આજના, અને મન્ના ડે મેહમૂદ માટે ગાયેલાં હાસ્યપ્રધાન ગીતોની આપણી શ્રેણીના છેલ્લા સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ છે. ૧૯૬૩માં હિંદી ફિલ્મ જગતમાં પદાર્પણ કર્યા પછી શરૂઆતની થોડી સંધર્ષમય શરૂઆત બાદ લક્ષ્મી-પ્યારેની જોડીએ થોકના હિસાબે ગીતો બનાવવાનું ચલણ પ્રસ્થાપિત કરવાનું શ્રેય પણ પોતાને અંકે કરી લીધું.

અહીં એક વાતની કબુલાત કરી લેવી ઊચિત રહેશે. અહીં રજૂ કરેલાં ગીતો ઉપરાંત પણ હજૂ બીજાં કોઈ લક્ષ્મીકાંત પ્યારેલાલે મેહમૂદ માટે રચેલાં મન્ના ડેનાં ગીતો કદાચ હશે તો પણ મેં તે ખોળવાની મહેનત નથી લીધી. આટલાં ગીતોથી જ તેમણે રચેલાં આ પ્રકારનાં ગીતોના વ્યાપનો પૂરતો અંદાજ આવી જસ્જે તેમ મારૂં સંન્નિષ્ઠપણે માનવું છે.

ઓ મેરી મૈના માન તૂ લે મેરા કહેના – પ્યાર કિયે જા (૧૯૬૬) -ઉષા મંગેશકર સાથે – સંગીતકાર: લક્ષ્મીકાંત પ્યારેલાલ – ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ

મેહમૂદ અને તે સમયે હજુ મોટા બૅનરની ગણાતી ફિલ્મોમાં પાપા પગલી ભરતી, મુમતાઝ કોઈક અજબ પ્રકારનું ગીત ગાતાં ગાતાં ગજબ પ્રકારનું નૃત્ય કરી રહ્યાં છે. ફિલ્મ નિર્માતાઓ શેને શેને હાસ્ય જગાવનાર સીચ્યુએશન ગણશે તે હવે તો અકળ બની જતું ભાસે છે .

એ ફોર એપલ બી ફોર બેબી – સાધુ ઔર શેતાન (૧૯૬૮) – આશા ભોસલે – સંગીતકાર: લક્ષ્મીકાંત પ્યારેલાલ – ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ

મેહમૂદનો બાળક જેવી મુદ્રાઓ કરવાનો પ્રયાસ સફળ થતો હોત તેવું તો આ ક્લિપ જોતાં જણાય છે.

ક઼તલ હુઆ નાઝોંકા પાલા મેરા – મેરી ભાભી (૧૯૬૯) – સુમન કલ્યાણપુર સાથે – સંગીતકાર: લક્ષ્મીકાંત પ્યારેલાલ – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી

લક્ષ્મીકાંત પ્યારેલાલે કન્યા વિદાયનાં ગીતની પૅરોડીનો પ્રયોગ કર્યો છે.

મના ડે – મેહમૂદની જોડી ને સંકળતાં હાસ્યપ્રધાન ગીતોની શ્રેણી અહીં પુરી કરીએ છીએ, ત્યારે દિલમાં ખેદનો ભાવ ખટકે છે. શાસ્ત્રીય સંગીત આધારિત ગીતોના પ્રયોગથી હાસ્યરસપ્રધાન રચનાઓ બનાવવાના પ્રયાસમાં શરૂ થયેલો તેમનો સહયોગ શરૂઆતમાં બહુ આશાઓ પેદા કરી ગયો. તે સમયે બીજા કલાકારો પણ આ પ્રયોગ આધારિત મન્ના ડેનાં ગીતો પણ બહુ જ ઉત્તમ કક્ષાનાં બન્યાં. એક બાજુ મેહમૂદ જેમ જેમ તેમની કારકીર્દીમાં આગળ વધતા ગયા તેમ તેમ સમાજનાં નવાં નવાં લોકોનાં પાત્રોને જીવંત કરવાના તેમના અનોખા અભિગમને તેમનાં અભિનયમાં વધતી જતી સ્થૂળતાએ ગ્રહણ લગાડવાનું શરૂ કરી દીધું. બીજી બાજુ જે સંગીતકારોએ મન્નાડે પાસે ઉત્તમ હાસ્યરસપ્રધાન ગીતો ગવડાવ્યાં તેઓ જ હવે અતિસામાન્ય ગીતો ઘસડવા લાગ્યા હોય તેવું જણાવા લાગ્યું. પરિણામે બન્ને કળાકારોની પ્રતિભાઓ સાથે સરાસર અન્યાય થતો રહ્યો. આમ અફસોસ એ પણ રહે કે હાસ્ય પેદા થવા માટે બનેલાં ગીતો સાંભળતાં સાંભળતાં શ્રોતાએ ગમગીન બનતાં જવું પડ્યું.

હવે પછી આપણ એઅન્ય હાસ્ય કલાકારો માટે મન્ના ડેએ ગાયેલાં ગીતોને યાદ કરીશું.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.