ગુજરે હૈ હમ કહાં કહાંસે : (૧૨) : સાલી મજા બહુ પડેલી !

જીવનના એ પડાવ ઉપર પહોંચ્યો છું જ્યાં ભૂતકાળમાં માણેલા વિવિધ પ્રકારના આનંદદાયી અનુભવો યાદ આવતા રહે છે. એ પૈકીના કેટલાક અહીં વહેંચવાનો અને એ સાથે જોડાયેલાં પાત્રોનું નિરૂપણ કરવાનો ઉપક્રમ છે. અમુક કિસ્સામાં પાત્રોનાં અને સ્થળનાં નામ ચોક્કસ કારણોસર બદલેલાં હશે.

પીયૂષ મ. પંડ્યા

—————*—————-*——————-*——————-*——————*———–

ગઈ કડીમાં મેં મારા મામાના દીકરા (મોટાભાઈ) જગત સાથેના મારા અગણિત યાદગાર કિસ્સાઓ પૈકીના બે વહેંચેલા. આ વખતે પણ એ જ ક્રમ ચાલુ રાખું છું.

મારા મોસાળવાળા દાદાનાં મા કાશીગૌરી કે જેમને અમે ‘મોટીબા’ કહેતા, એ હું નવ વરસનો થયો ત્યારે તો જતાં રહ્યાં. મારી યાદદાસ્તમાં એ ખુબ જ વૃધ્ધ, પ્રજ્ઞાચક્ષુ અને સંપૂર્ણપણે પથારીવશ હતાં એવાં જ બચ્યાં છે. હું સાત-આઠ વરસનો અને જગત દસ-અગીયાર વરસનો હોય એવા અરસાની એક વાત કરું.

મકાનના એક સારા હવા ઉજાસ વાળા ઓરડામાં મોટીબાની પથારીની વ્યવસ્થા હતી. એમને ખાટલો ન ફાવતો એથી એ પથારી જમીનસરસી જ પાથરેલી રહેતી. એમની બધી જ સગવડ-સુશ્રુષાનું ધ્યાન દાદી અને મામી રાખતાં. પાણી પીવા માટે એમને કોઈની જરૂર ન પડે એ માટે એમની પથારીની બાજુમાં એક તાંબાનો કળશો ભરીને પાણી અને સાથે એક નાનકડો પ્યાલો એટલું રાખી મૂકાતું. એ ખાલી ન પડી રહે એની પણ કાળજી લેવાતી. મોટીબા પરાધિન ચોક્કસ હતાં, પણ નિરાધાર હરગીઝ નહોતાં. સૌ એમની સગવડો સચવાઈ રહે એ માટે પ્રયત્નશીલ રહેતાં. ત્યારનાં મકાનોમાં દરેક ઓરડાને ધોવા માટેની સગવડ રહેતી. એ પાણીને ઓરડાની બહાર કાઢવા માટે બાજુ બાજુની બે દિવાલો ભેગી થાય ત્યાં ખૂણામાં એક બાજુ આછો ઢાળ રાખી, એક ઈંચના વ્યાસ વાળી પાઈપ લગાડી દેવામાં આવતી, જેનો ચારેક ઈંચ લાંબો છેડો સીધો બહાર એક મોરીમાં ખુલતો. આ મોરીમાંથી પાણી બગીચાની એકાદી ક્યારીમાં જતું રહે એવી વ્યવસ્થા કરવામાં આવતી. મોટીબાની પથારી હતી એ રૂમમાં પણ આવી વ્યવસ્થા હતી. અને નિયમીત ધોરણે એ ઓરડો પણ ધોવાતો રહેતો.

આજની વાતમાં એ ઓરડાનું ખાસ મહત્વ છે. અમારી એ ઉમરે દોસ્તો સાથે રમતી છૂટદડીમાં કોકને ‘ટોલી દેવાનો’ હોય, કોઈ ઘરના પ્લોટના આંબે ઝળૂંબતી કાચી કેરીઓ પાડવાની હોય કે પછી લગ્ગા અથવા મોઈ દાંડીયાની રમત હોય, યોગ્ય નિશાનને સચોટપણે ‘ઈંટી દેવાની’ કૂશળતા એ ઉમરના મિત્રમંડળમાં અમારી પ્રતિષ્ઠાનું સીધું જ પ્રમાણ બની રહેતી. વિનમ્રતાને બાજુએ રાખીને કહું છું કે જગતે અને મેં એ બાબતે સારી એવી પ્રતિષ્ઠા અર્જિત કરી હતી. પરિણામે અમે અમારા પોતપોતાના મિત્રમંડળમાં ‘તાકોડી’ની પદવી પામ્યા હતા. એને જાળવી રાખવા માટે ખાસ્સો અને નિયમીત મહાવરો હોવો જોઈએ એ અમે સુપેરે સમજતા હતા અને તેથી જ જ્યારે પણ, જ્યાં પણ તક મળે ત્યારે નિશાનબાજીની પ્રેક્ટીસ કરી લેતા. હવે અમારી પાસે કાંઈ તીર-કામઠાં કે બંદૂક જેવાં સાધન સામગ્રી તો હતાં નહીં. હા, અમારે ઘરે કામ કરવા આવતાં દૂધીબહેનનો યુવાન દીકરો મોહન ગોફણ ચલાવવાનો ઉસ્તાદ હતો. મને શાગીર્દ બનાવવા એ રાજી થઈ ગયેલો. પણ એની પાસે મારો ગંડો બંધાય એ પહેલાં મોહનની નવવિવાહિત પત્ની ભાગી જતાં એણે ગોફણનો તો શું, સંસારની મોહમાયાનો જ ત્યાગ કરી દીધો! એ ભગવાં પહેરી ને કાશી જતો રહેલો એવું દૂધીબહેન અમારા ઘરના સ્ત્રીવર્ગને સજળ આંખે જણાવતાં. આમ, મારું ગોફણાભિયાન શરૂ થાય તે પહેલાં જ પૂરું થઈ ગયું. આવાં આવાં કારણથી જગતે અને મારે ‘હાજર સો હથિયાર’ના ન્યાયે જ આગળ વધવાનું રહેતું. અમે અજમાવતા એમાંની એક તરકીબની વાત કરું. મોટીબાના ઓરડામાંથી બહાર નીકળતા પાઈપના છેડા પાસે જ ઊંચો, ઘટાદાર જાંબુડો હતો. કોઈ કોઈ બપોરે જગત અને હું એ જાંબુડાના છાંયામાં બેસી, નાના નાના પથરા – પાણા – વડે તાકવાની મહારત કેળવવાનો એક આગવો પ્રયાસ કરતા. લગભગ સાત આઠ ફીટ દૂર બેસી, બરાબર નિશાન લઈ, પાણો એવી રીતે ફેંકવાનો કે એ મોટીબાના ઓરડામાંથી બહાર નીકળતા પાઈપના છેડામાં દાખલ થઈ જાય. આમ થતાં એ પાણો પાઈપમાં થઈ, ઓરડામાં થોડા અંતર સુધી જાય એમ બને. અલબત્ત, આવું તો જ બને જો બરાબર નિશાન લાગ્યું હોય. હા, વડિલવર્ગના ધ્યાને આવે એ પહેલાં અંદર ગયેલા પથરા અમે વીણી લઈને બહાર ફેંકી દેવાની કાળજી જરૂર લેતા હતા.

આગળ વધું એ પહેલાં હવે એક પાત્રનો પરિચય કરાવી દઉં. એ હતો ભકો. મોસાળના ઘરના વિશાળ પ્લોટના એક બાજુના છેડે બે ઓરડીઓ હતી, જેમાં ચીથરભાઈ નામના સજ્જન વર્ષોથી સહકુટુંબ રહેતા. એ ખાનગી નોકરી કરી, આછું-પાતળું કમાઈ લેતા. એમનાં પહેલી વારનાં પત્ની ગોદાવરીબહેનને સંતાન ન થતાં ચીથરભાઈએ કાશીબહેન સાથે બીજી વાર સંસાર માંડ્યો. આ કાશીબહેન ચીથરભાઈને એવાં ફળ્યાં કે એ બેયને પાંચ સંતાનો થયાં. વળી કાશીબહેનનાં પગલાં જેવાં ચીથરભાઈને ફળ્યાં એવાં જ ગોદાવરીબહેનને પણ ફળ્યાં ! એ પણ ત્રણ સંતાનોની માતા બન્યાં. આ બધાં મળીને આઠ સંતાનોમાં દીકરો એક જ હતો. એનું નામ ભીખો રાખેલું, પણ બધાં એને ભકો જ કહેતાં. આ ભકો લગભગ મારી ઉમરનો હતો. એ તોફાની હોવાનાં જન્મજાત લક્ષણો તો લઈને જ અવતર્યો હતો. તે ઉપરાંત સાત બહેનોનો એકમાત્ર ભાઈ હોવાનો વિશેષાધિકાર ભોગવતો હોવાથી ખાસ્સો ભરાડી પણ હતો. વળી એનું કુટુંબ અતિશય ગરીબ હોવાને લીધે મોસાળનાં વડીલો મોટે ભાગે એની જ ભેળમાં રહેતાં. “ઈ તો એવું જ કરે. તમારી જેટલો હમજણો થોડો હોય!” આ વાક્ય કોઈ પણ વડીલ ભકાની તરફેણમાં બોલતાં. આ પરિસ્થિતીનો ભકો પૂરેપૂરો લાભ ઉઠાવતો. આ કારણથી અમને એની માટે ભારોભાર અણગમો હતો. અમે બને ત્યાં સુધી એને અમારી સાથે રમવામાં ભળવા ન દેતા. હા, કોઈ રમતમાં સંખ્યાબળ ખૂટતું હોય તો એની ભરતી કરી લેતા. જ્યારે પણ ભકો અમારી આસપાસમાં હોય ત્યારે જગત એનો ઉપયોગ ‘પંચીંગ બેગ’ તરીકે કરી લેતો. રમતાં રમતાં કાંઈ પણ અસ્વીકાર્ય ઘટે એની દાઝ ઉતારવા એ ભકાને બે-ત્રણ ઝાપટ મારી લેતો. કોઈ કોઈ વાર તો જગતથી નાનો ભાઈ રાજેન અને હું પણ હાથ સાફ કરવા ભકાનો લાભ ઉઠાવતા. સામાન્ય રીતે તરત જ અમારાં વડીલો પાસે ફરીયાદ કરવા દોડી જતો ભકો અમે એને સાથે રમાડ્યા કરીએ એ અપેક્ષાએ અમારો માર સહન કરી લેતો.

હવે મૂળ વાત…. એક બપોરે જગતે અને મેં જાંબુડા નીચે બેસી, મોટીબાના રૂમ વાળી પાઈપને તાકવાની શરૂઆત કરી. અમને કાંઈક નવતર કરતા જોઈને ભકો ત્યાં આવી ગયો. એ એમાં જોડાઈ જવા માંગતો હતો પણ અમે એને અવગણીને અમારી પ્રવૃત્તિ વારાફરતી ચાલુ રાખી. એવામાં અણધારી બાબત બની ગઈ. મેં તાકેલો પથરો પાઈપ વાટે મોટીબાના ઓરડામાં ગયો, એ જ ક્ષણે ધાતુના રણકાર જેવો અવાજ સંભળાયો. જગતે ઉભા થઈને બારીમાંથી જોયું તો એ પથરો મોટીબાની પથારી પાસે મૂકેલા કળશાને ભટકાયો હતો! એ આડો પડી જતાં ઢળવા લાગેલું પાણી મોટીબાની પથારી સુધી પહોંચવામાં જ હતું. પહેલાં તો મને અર્જુને કરેલા મત્સ્યવેધની યાદ આવી, પણ એને લઈને અભિમાન જાગૃત થાય એ પહેલાં વડિલોની શી પ્રતિક્રિયા હશે એ વિચારે ધ્રુજારી છૂટી ગઈ. મારી મૂંઝવણની આ ક્ષણો દરમિયાન જગતનું મગજ ઉપાય શોધી લાવ્યું. બાજુમાં ઉભેલા ભકાને શું બની ગયું હતું એની ખબર પડી નહોતી. જગતે એકદમ વ્હાલથી એને બોલાવી, એક પથરો આપ્યો અને પાઈપ તાકવા કહ્યું. ભકાએ પાઈપ તરફ ફેંકેલા પથરાનું શું થયું એ આજ સુધી જગત કે હું નથી જાણતા. પણ જગતે “અ..ર..ર..ર….રે વાહ્હ્હ્હ્હ્હ, પહેલે જ ઘાએ સીધો અંદર!” કહીને એને ખૂબ થાબડ્યો. આટલું બન્યું પછી અમે ભકાને રવાના કરી દીધો અને ઘરમાં જઈને પહેલાં તો મોટીબાને તકલીફ ન પડે એમ એમની પથારીને એની સુધી પાણી ન પહોંચે એમ થોડી ખસેડી લીધી. પછી રસોડામાં ચા બનાવી રહેલાં મામીને ભકા માટે ચુનંદાં વિશેષણો વાપરીને જણાવ્યું કે એણે કરેલા પાણાના ઘાથી મોટીબાનો કળશો ઢોળાઈ ગયો ! આમ, જાતે ઉભી કરેલી મુસીબતને ભકાને ખભે ચડાવી, ઘાએ ઘા રવાના કરી દીધી. કાયમી દુશ્મન એવા ભકલાને આમ ફીટ કરી દીધો એની યાદ આવે ત્યારે સાલી મજા બહુ આવી જાય છે !

—————*—————-*——————-*——————-*——————*———–

એક વધુ પાત્ર….જયંત ભટ્ટ. એ મારાં માશીના દીકરા ભાઈ થાય. અતિશય બુધ્ધિશાળી અને એટલા જ આનંદી એવા જયંતભાઈ ભૌતિકશાસ્ત્રની ઉચ્ચ ડીગ્રી મેળવી, ભારત સરકારના D. R. D. O. (ડીફેન્સ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન)ની સેવામાં દેશ-વિદેશમાં વિતાવેલી યશસ્વી કારકિર્દી પછી નિવૃત્ત જીવન ભાવનગરમાં ગાળી રહ્યા છે. મારીથી સાડાપાંચ વર્ષે મોટા હોવા છતાં નાનપણથી લઈને આજ સુધી એમની સાથે મારો તુંકારાનો સંબંધ રહ્યો છે. અહીં એમનો ઉલ્લેખ એકવચનમાં જ કરીશ.

અમે રહેતાં ત્યાંથી મારું મોસાળ બિલકુલ નજીક હતું. મન ફાવે ત્યારે ત્યાં જઈ, જલસા કરવાનો અધિકાર હું પૂર્ણપણે ભોગવતો. ત્યાં ત્રીકમભાઈ નામે ઘરઘાટી હતા, જે હંમેશાં હોકલી પીતા. નવરા પડે એટલે વરંડામાં જઈ, ત્યાં દાદરાની નીચેના ગોખલામાં રાખેલ હોકલીમાં તમાકુ ભરી, અદાથી સળગાવી, બેઠા બેઠા મોજથી ઘૂંટ લગાવતા નજરે પડે.

એક વાર રજાના દિવસે હું મોસાળ ગયો ત્યારે જગતે ત્રીકમભાઈ રજા ઉપર હોવાની ખબર સહર્ષ આપી. થોડી વાર થઈ, ત્યાં જયંત પ્રગટ થયો. આ બન્નેના હાવભાવ જોતાં કાંઈક અવનવું બનવાનું હોય, એમ લાગતું હતું. હકીકતે તો ક્ષણે ક્ષણે સ્વર્ગ ઢૂકડું આવતું જતું હતું એની મને કલ્પના નહોતી. બપોરના ભોજન બાદ વડીલો આરામ માટે ગયાં. મોટાભાઈઓ દ્વારા મને વરંડામાં આવવાની સૂચના મળી. વડીલોને ખબર ન પડે એવી ખુફીયા પ્રવૃત્તિઓ માટે આ સ્થળ અનુકુળ રહેતું. કોઈ કોઈ વાર આવી કેટલીક પ્રવૃત્તિઓમાં મારી સમર્પિત સંડોવણી રહેતી. વળી હું વડીલો પાસે ચાડી ન કરતો હોવાને લીધે એ બેયનો વિશ્વાસપાત્ર પણ બની ચૂક્યો હતો. આના પુરસ્કાર રૂપે મોટાભાઈઓએ મને આજે ન્યાલ કરી દેવાનું નક્કી કર્યું હતું. વરંડાનું ઘરમાં ખુલતું બારણું અમે બહારથી બંધ કર્યું અને જાણે મારે માટે સ્વર્ગનું દ્વાર ખુલ્યું !

બેય ભાઈઓએ સિધ્ધહસ્ત કલાકારની અદાથી ત્રીકમભાઈની હોકલી સળગાવી, વારાફરતી દમ લગાવ્યા અને પછી એ ધન્ય ક્ષણ આવી પહોંચી, જ્યારે મારા હાથમાં દિવ્ય આનંદ તરફ દોરી જનારું સાધન મુકવામાં આવ્યું. પહેલો ઘૂંટ લગાવતાં જ ‘આ આપણી લેન ન હોય’ની સમજ પડી ગઈ, પણ ભાઈઓ આગળ તો એમની ટોળકીમાં માંડ મળેલ સ્થાન ટકાવી રાખવા માટે થઈને ‘બહુ મજા પડી ગઈ’ ઉચ્ચારી, ગામની પટલાઈ શરૂ કરી. એ દરમિયાન જયંતે એક જૈફ દંપતિની વાત કાઢી, જે બન્ને ઘરની બહાર આવ-જા કરવા માટે કોઈ કોઈ વાર હાથલારીનો ઉપયોગ કરતાં હતાં. ઉક્ત પતિ-પત્ની અમારીથી બહુ દૂર ન રહેતાં હોવાથી હું એમનાથી અને એમના લારીભ્રમણથી પરિચીત હતો.

આ વાત આગળ વધારું એ પહેલાં તે સમયના હાથલારી ચલાવનારાઓની એક ખાસિયત જાણવી જરૂરી છે. એ લોકો ધીમે ધીમે શરૂ કરી, પછી દોટ મૂકીને લારી ચલાવે. સમય સમયે સામી બાજુનાં બે પૈડાં ઊંચાં થઈ જાય એ રીતે પોતાના બે હાથના વજનથી લારી ઉપર ટીંગાઈ જાય! આમ થવાથી લારી બીજા છેડાથી ઊંચી થઈ જાય. હવે ઓલાં દાદી-દાદા ને બેસાડીને લઈને જતો લારીવાળો આવા ખેલ કરે ત્યારે એ બિચારાં ઢસડાઈને ઠેઠ આગળ આવી જાય. વળી એમને સમતુલન જાળવવામાં પણ તકલીફ પડી જાય. આમ થતાં એ બેય ખાસ્સી અસલામતી અનુભવે એ નજરે જોવા મળતું. જો કે આવું દ્રશ્ય મારે માટે તો રમૂજપ્રેરક જ બની રહેતું. અમે લોકો એમની નજીક રહેતાં હોવાને આવી રમૂજ એક કરતાં વધારે વાર માણી ચૂક્યો હતો. દૈહિક અને આર્થિક બન્ને પાસાંઓથી ક્ષીણ થઈ ગયેલાં વૃધ્ધોની લાચારી ઉપર હસાય નહીં એવી સમજ હજી કેળવાઈ નહોતી. આમ હોવાથી મેં જયંતની માહિતીમાં મૂલ્યવર્ધન શરૂ કર્યું. મેં જોયેલાં દ્રશ્યોનું વર્ણન સાંભળીને જગત અને જયંતને બહુ મજા પડવા લાગી. જગતે કહ્યું, “કોક વાર આપડે ય આ જોવું શ હો !” મેં બીડું ઝડપી લીધું અને ક્યારેક આવો સંજોગ ઉભો થાય ત્યારે એ બેયને જાણ કરવા માટે સજ્જતા બતાડી.

થોડા જ દિવસ પછી એકવાર મારા ઘર પાસેથી અમારા પરિચીત એવા બાબુભાઈ લારીવાળાને પસાર થતા મેં જોયા. એ ક્યાં અને શા માટે જતા હતા એ હું સમજી ગયો. એમને ઉભા રાખી, મેં એમને ઉભા રાખી, સુચના આપી કે દાદી-દાદાને લઈને ક્રેસન્ટ સર્કલ સુધી પહોંચે, ત્યાં અમે ઉભા રહેશું અમને જુએ એટલે એમણે એક વાર લારી દોડાવી ને ઊંચી કરી દેવાની રહેશે. આ બાબતને બાબુભાઈએ બિનશરતી મંજૂરી આપી એટલે હું દોડતો મોસાળ પહોંચ્યો. ત્યાંથી જગત અને હું જયંતને બોલાવવા દોડ્યા પણ એ ઘરે નહોતો. ત્યાંથી અમે દોટ મૂકીને ક્રેસન્ટ સર્કલ પાસે એક જગ્યાએ ઉભા રહી ગયા. થોડી જ વારમાં લારી અને સવારી લઈને બાબુભાઈ આવતા દેખાયા. જેવા અમે એમની નજરે ચડ્યા એવી બાબુભાઈએ લારી દોડાવી મૂકી. અમારી નજીક પહોંચ્યા એ ભેગી એમણે લારી ઊંચી કરી. આમ થતાં ઢસડાઈને સાવ આગળ આવી જતાં ઓલા દાદાના ચહેરા ઉપર પહેલાં લાચારી અને પછી ગુસ્સાના હાવભાવ જોઈને જગત અને હું ‘દાંત કાઢી કાઢીને બઠ્ઠા પડી ગયા’.

મોટા થયા પછી તો આવી હરકત કરવા માટે જાતને ઠપકો આપેલો,

પણ એક વાત છે…. સાલી મજા બહુ પડેલી !

—————*—————-*——————-*——————-*——————*————–

શ્રી પિયૂષ પંડ્યાનું વીજાણુ સંપર્ક સરનામું: piyushmp30@yahoo.com

Author: Web Gurjari

1 thought on “ગુજરે હૈ હમ કહાં કહાંસે : (૧૨) : સાલી મજા બહુ પડેલી !

Leave a Reply

Your email address will not be published.