ફિર દેખો યારોં : ગાયમાતાને અમે પ્લાસ્ટિક પણ ખવડાવીએ, તમે કહેનાર કોણ?

બીરેન કોઠારી

વ્યંગ્ય અને કટાક્ષથી ભરપૂર કાર્ટૂનકળાનો સમૃદ્ધ વારસો ધરાવતા બ્રિટનમાં એક કાર્ટૂનને લઈને વિવાદ જાગ્યો છે. અનેક લોકોની લાગણી દુભાઈ છે અને તેના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે. પહેલાં એ કાર્ટૂનની વાત.

સ્ટીવ બેલ નામના કાર્ટૂનિસ્ટે આ કાર્ટૂનમાં બે જણને બતાવ્યાં છે. એક છે વડાપ્રધાનનાં હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ અને બીજા છે વડાપ્રધાન બોરિસ જહોનસન. પ્રીતિ અને બોરિસને અનુક્રમે ગાય અને બળદ તરીકે ચીતરવામાં આવ્યાં છે. બન્નેના નાકમાં કડી ભરવાયેલી બતાવવામાં આવી છે અને તેમને અડધાં એટલે કે બેઠેલી મુદ્રામાં બતાવાયાં છે. વડાપ્રધાનનો એક હાથ પ્રીતિ ના ખભે છે, જે સૂચવે છે કે તે પ્રીતિ નો બચાવ કરી રહ્યા છે. આ કાર્ટૂનનું શિર્ષક છે: ‘વડાપ્રધાનને પૂછાતા સવાલો બાબતે પ્રીતિ પટેલનો બચાવ કરતા બોરિસ જહોનસનના વિષયે સ્ટીવ બેલ.’

Illustration: Steve Bell / Guardian

આ કાર્ટૂનનો સંદર્ભ સ્પષ્ટ કરવાથી તેનો વ્યંગ્ય બરાબર સમજી શકાશે. વિપક્ષી નેતા જેરમી કોર્બિન દ્વારા માર્ચના પ્રથમ સપ્તાહમાં હાઉસ ઑફ કૉમન્‍સ ‘પી.એમ.ક્યૂ.’ (પ્રાઈમ મિનીસ્ટર્સ ક્વેશ્ચન્‍સ) દરમિયાન પ્રીતિ પટેલની નિમણૂક બાબતે ધારદાર સવાલ પૂછવામાં આવ્યા. હોમ સેક્રેટરી જેવા પ્રતિષ્ઠિત પદ માટે સરકારના ત્રણ ત્રણ વિભાગ સાથે ‘આંચકાજનક અને અસ્વીકૃત કહી શકાય એવી વર્તણૂંકની પેટર્ન’નો ઈતિહાસ ધરાવતાં પ્રીતિ પટેલની નિમણૂંક શાથી કરવામાં આવી એમ તેમણે પૂછ્યું. તેમની પર વારંવાર હેરાનગતિ કરવાનો (બુલીઈંગ) અને દમદાટી આપવાનો આરોપ પણ છે અને તેમના કાયમી સેક્રેટરી સર ફીલીપને તેમનું પદ ત્યાગવું પડ્યું. જેરમી કોર્બિનના આ સવાલોના પ્રત્યુત્તરમાં વડાપ્રધાન જહોનસને જણાવ્યું, ‘હોમ સેક્રેટરી (પ્રીતિ પટેલ) સુંદર કામ કરી રહ્યાં છે અને મને તેમનામાં સંપૂર્ણ વિશ્વાસ છે.’ જહોનસને ઉલ્ટાનો કોર્બિન પર આક્ષેપ મૂક્યો કે પોતાના પક્ષમાંથી દમદાટીને નાબૂદ કરવામાં તેઓ નિષ્ફળ રહ્યા છે. કોર્બિનને જહોનસને ‘પૂર્ણ સમયના નિઓ-માર્ક્સિસ્ટ’ કહ્યા.

આ ઘટના આધારિત કાર્ટૂન ઈન્ગ્લેન્‍ડના દૈનિક ‘ધ ગાર્ડિઅન’માં પ્રકાશિત થયું. એ સાથે જ ત્યાં રહેતા હિન્‍દુ સમુદાયમાં આક્રોશ ફાટી નીકળ્યો. ગાય અને બળદ (નંદી) હિંદુ ધર્મનાં આસ્થાનાં પ્રતીકો છે, અને કાર્ટૂનિસ્ટે પ્રીતિ ને ગાય તરીકે ચીતરીને એ પ્રતીકોની, અને એ રીતે હિંદુ આસ્થાની મજાક ઉડાવી છે એવી લાગણી સામાન્ય રીતે પ્રવર્તી રહી. આ કાર્ટૂનને વંશીય ભેદભાવયુક્ત, નારીદ્વેષી ગણાવવામાં આવ્યું. વિવિધ હિન્‍દુ સમુદાયોએ પોતપોતાની રીતે આ કાર્ટૂન સામે વિરોધ પ્રદર્શિત કર્યો છે.

કાર્ટૂનિસ્ટનો ડાબેરી ઝોક જાણીતો છે. તેણે ગાયનું પ્રતીક હિન્‍દુ ધર્મનું અપમાન કરવાના હેતુથી જ મૂક્યું છે કે કેમ એ કહી શકાય એમ નથી. એવા સવાલ પણ પૂછવામાં આવી રહ્યા છે કે આ કાર્ટૂનિસ્ટે અમુકતમુક ધર્મ કે તેના પ્રતીકની મજાક કરવાની હિંમત કરી હોત ખરી? જો કે, પ્રાણીઓને આપણે, એટલે કે મનુષ્યો કઈ રીતે જોઈએ છીએ એ કોઈથી અજાણ્યું નથી. કોઈને ઉતારી પાડવા માટે તેને જે તે પ્રાણીના નામથી સંબોધવામાં આવે છે. થોડા સમય પહેલાં જ એક સંપ્રદાયના સાધુએ એ મતલબનું ‘જ્ઞાન’ પીરસતાં કહ્યું હતું કે માસિક ધર્મમાં હોય એવી સ્ત્રીના હાથે રોટલા ખાનાર પુરુષનો બીજો અવતાર બળદનો જ છે. સ્ત્રી પોતે માસિક ધર્મમાં હોય અને પોતાના પતિને રોટલા ખવડાવે તો એનો બીજો અવતાર કૂતરીનો જ છે. વિવિધ ધર્મ અને સંપ્રદાય કે ફિરકાઓમાં વિવિધ પશુઓને પવિત્ર કે અપવિત્ર ચીતરવામાં આવ્યાં છે. પશુઓ તો પોતાની નૈસર્ગિક વૃત્તિને વશ થઈને જીવન ગુજારે છે, પણ બધી વાતમાં તેને ઢસડી લાવીને માનવ પોતાના માનવપણાને લજવે છે. તે પશુના સ્તરે ઊતરી જાય છે એમ કહેવામાં પશુનું અપમાન છે.

કોમી રમખાણો શરૂ કરવામાં ગાય અને ડુક્કરથી જીવલેણ હથિયાર કયાં હોઈ શકે? થોડા ગૌમાંસ કે ડુક્કરના માંસે કેટકેટલા નિર્દોષ લોકોનો ભોગ લીધો હશે અને હજી લેવાઈ રહ્યો છે એ ક્યાં અજાણ્યું છે! ગાયને આપણે માતા ગણીએ છીએ, તેનું દૂધ તો ઠીક, છાણમૂત્ર પણ પવિત્ર ગણીએ છીએ, છતાં તેની જીવતેજીવ શી દશા હોય છે એ આપણે નથી જાણતા? આ જ પવિત્ર માતાઓ શહેરના ઊકરડા ખૂંદતી, પ્લાસ્ટિકની કોથળીઓ ચાવતી જોવા મળે છે, અને રસ્તાની વચ્ચોવચ્ચ તે અડિંગો જમાવી દે છે. ગાયોના ચારા માટેનું ઘાસ ઉગાડવા માટે જ જેનો ઉપયોગ હતો એવાં ગૌચરની જમીનના બારોબાર સોદા થતા રહે છે. ખરેખર લાગણી દુભાવાની હોય તો પોતાને પવિત્ર ગણાવવા બદલ ગાયની દુભાવી જોઈએ.

આપણને એમ જ હતું કે ગાયનો આવો ઉપયોગ માત્ર આપણા દેશમાં જ છે. બ્રિટન જેવા દેશમાં વસેલા ભારતીયો પણ ગાયના નામે પોતાની લાગણી દુભાયાની વાત કરે એ નવાઈ તો ખરી જ. એમ પણ સૂચવવાનું મન થાય કે ગાય એટલી જ પવિત્ર લાગતી હોય, માતા સમાન મનાતી હોય અને આસ્થાનું પ્રતીક હોય તો ભારતના રસ્તાઓ પર ફરતી ગાયોને જોઈ લેવી. કચરાપેટીમાં ખોરાકની સાથેસાથે પ્લાસ્ટિકની કોથળીઓને ચાવીને ગુજારો કરતી ગાયોને જોયા પછી કોઈની લાગણી દુભાય તો ખરું.

જો કે, પ્રીતિ પટેલ સામેના આક્ષેપોમાં વજૂદ હોવાનું મોટા ભાગનાનું માનવું છે, કેમ કે, તેમની આવી વર્તણૂકનો આ એકલદોકલ કિસ્સો નથી, બલ્કે તેમની વર્તણૂંકની આવી જ તરાહ છે, એમ તેમની સાથે કામ કરી ચૂકેલાનું કહેવું છે. અને કાર્ટૂનનો વિરોધ કરનારાઓને પણ મુખ્ય વાંધો ગાય ચીતરવા સામેનો જ હોય એમ જણાઈ રહ્યું છે.

સારું છે કે પશુઓને વાચા નથી, અને તેમનાં મંડળો નથી. નહીંતર લાગણી દુભાવાની સૌથી વધુ ફરિયાદો તેમણે મનુષ્યો સામે કરી હોત.


ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૯-૩-૨૦૨૦ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ:
bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)


સંપાદકીય નોંધ – અહીં રજૂ કરેલી તસ્વીર નેટ પરથી સાભાર લીધેલ છે. તેમના પ્રકાશાનાધિકાર મૂળ રચિયતાના અબાધિત છે.

Author: admin

Leave a Reply

Your email address will not be published.