ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ – ૧૯૧૬થી ૧૯૩૫ : પ્રકરણ ૪૧ :: લાહોર કાવતરા કેસ (૨)

દીપક ધોળકિયા

ભગત સિંઘ, રાજગુરુ અને સુખદેવને ફાંસી

(ત્રણ દિવસ પહેલાં, ૨૩મી માર્ચે, ભગત સિંઘ, રાજગુરુ અને સુખદેવની શહીદીને ૮૯ વર્ષ પૂરાં થયાં).

સેશન્સ કોર્ટે ઍસેમ્બ્લી બોંબકાંડમાં ભગત સિંઘ અને દત્તને આજીવન કેદની સજા કરી તે પછી કેસ હાઇકોર્ટમાં ગયો. ત્યાં પણ ભગત સિંઘે નિર્ભયતાથી નિવેદન કર્યું અને પોતાના કૃત્યની જવાબદારી લીધી. આ નિવેદનમાં એમણે કૃત્યની પાછળ રહેલા ઇરાદાને મહત્ત્વ આપવાની કોર્ટને અપીલ કરી અને કહ્યું કે એમણે બોંબ ફેંક્યો તેનો હેતુ કોઈને ઈજા પહોંચાડવાનો નહોતો. એમણે ધાર્યું હોત તો નીચે બેઠેલા સરકારી પ્રતિનિધિઓને ઈજા પહોંચાડી શક્યા હોત. પરંતુ એમનો ઇરાદો કોઈને નુકસાન કરવાનો નહોતો. કૃત્ય પોતે મહત્ત્વનું હોત તો જનરલ ડાયરને જલિયાંવાલા બાગમાં સેંકડો નિર્દોષોની હત્યા માટે ફાંસીની સજા થવી જોઈતી હતી, તેને બદલે બ્રિટનમાં સરકારે એને માન અકરામ આપ્યાં. આમ સરકાર પોતાને અનુકૂળ ઉદ્દેશ જણાય તો આવા ક્રૂર કૃત્યને પણ જરૂરી માનતી હોય છે.

ભગત સિંઘે કહ્યું કે અમારો મૂળ સિદ્ધાંત ઇંક્લાબ (ક્રાન્તિ) છે અને અમે નીચલી કોર્ટમાં એની સ્પષ્ટ વ્યાખ્યા કરી છે પણ એ ભાગ અહીં હાઇકોર્ટમાં રજૂ નથી કરાયો. એમણે કહ્યું કે અમે ઇતિહાસના ગંભીર અભ્યાસી છીએ. અમે જાણીએ છીએ કે ફ્રાન્સ અને રશિયામાં સત્તાધારીઓએ લોકોમાં વધતા અસંતોષને શાંત કરવા માટે જરૂરી પગલાં સમયસર પગલાં લીધાં હોત તો લોહિયાળ ક્રાન્તિઓ ન થઈ હોત. હિન્દુસ્તાનમાં લોકોમાં અસંતોષ વધતો જાય છે અને સરકારે જરૂરી ઉપાય કરવા જોઈએ તે જોરથી કહેવાનું કામ જ એમણે કર્યું છે.

હાઇકોર્ટના જજ એસ. ફૉર્ડે જ્યારે ચુકાદો આપ્યો ત્યારે સજા તો જે હતી તે જ રાખી પરંતુ એણે ભગત સિંઘ વિશે જે મંતવ્ય વ્યક્ત કર્યું તે ધ્યાન ખેંચે તેવું છે. જજે કહ્યું – એ કહેવાનું ખોટું નથી કે તેઓ સમાજની વર્તમાન વ્યવસ્થા બદલવાની પ્રામાણિક માન્યતાથી પ્રેરાયેલા છે અને સાચા ક્રાન્તિકારી છે. એ કહેવામાં પણ સંકોચ નથી કે એના માટે એ ખરા દિલથી તત્પર છે. કાનૂનની જગ્યાએ વ્યક્તિની સ્વતંત્ર ઇચ્છાને સ્થાપિત કરવાની એમની ભાવના છે, જે દરેક અરાજકતાવાદીની હોય છે. આમ છતાં, એમના પર અને એમના સાથી પર જે આરોપ છે તેનો ખુલાસો આમાંથી નથી મળતો.

દરમિયાન સૌંડર્સની હત્યામાં પણ ભગત સિંઘનો હાથ હોવાનું પોલીસે શોધી કાઢ્યું હતું. આમ કેસ હવે વધારે જટિલ બની ગયો હતો. આ ગુનામાં ઘણી ધરપકડો થઈ, જેમાં શિવરામ રાજગુરુ અને સુખદેવ થાપર પણ હતા. ભગત સિંઘ તો જેલમાં જ હતા, એમની નવા અપરાધ માટે ફરી ધરપકડ કરવામાં આવી.

લૉર્ડ અર્વિને ૧૯૩૦ના મે મહિનાની પહેલી તારીખે એક વટહુકમ બહાર પાડીને આ કેસ ટ્રાઇબ્યુનલ સમક્ષ ચલાવવાનો આદેશ આપી દીધો. હવે ટ્રાઇબ્યુનલના હુકમ સામે માત્ર પ્રીવી કાઉંસિલમાં જ અપીલ થઈ શકે એવો આદેશ હતો. જે. કોલ્ડસ્ટ્રીમ આગા હૈદર અને જી. સી. હિલ્ટન ત્રણ ન્યાયાધીશ હતા.

પાંચમી તારીખે સુનાવણી શરૂ થઈ. ક્રાન્તિકારીઓ દરરોજ જોશભર્યાં ક્રાન્તિગીતો ગાતા અદાલતમાં આવતા. ભગત સિંઘે આ ટ્રાઇબ્યુનલ ગેરકાનૂની છે એવી દલીલ રજૂ કરવા માટે પંદર દિવસનો સમય માગ્યો. પણ એ માગણી ટ્રાઇબ્યુનલે ન માની. ટ્રાઇબ્યુનલની નીમણૂક જાણે ક્રાન્તિકારીઓની ભૂખહડતાલને કારણે લીધો હોય એવું વટહુકમમાં જણાવ્યું હતું. આની સામે ભગત સિંઘે વાંધો લીધો બીજા જ દિવસે વાઇસરૉય શિમલામાં હતો તેને પત્ર લખીને કહ્યું કે ભૂખહડતાલ સમાપ્ત થઈ ગઈ હતી એટલે તમારો હેતુ જુદો જ છે. “તમારા વટહુકમો અમારી ભાવનાઓને દબાવી નહીં શકે. તમે થોડા માણસોને કચડવામાં સફળ થઈ જશો પણ આ રાષ્ટ્રને કચડી નહીં શકો. આ વટહુકમના સંદર્ભની વાત કરીએ તો અમે એને અમારી ભવ્ય સફળતા માનીએ છીએ.”

૨૪ ક્રાન્તિકારીઓનાં નામ લેવાયાં તેમાંથી ૧૬ પર કાર્યવાહી શરૂ થઈ, પણ બટુકેશ્વર દત્ત સામેના આરોપ પણ પછી પડતા મુકાયા. બાકીના ૧૫ હતાઃ સુખદેવ, ભગત સિંઘ, કિશોરી લાલ, દેસરાજ, પ્રેમદત્ત, જયદેવ કપૂર, શિવ વર્મા, મહાવીર સિંહ, યતીન્દ્રનાથ, અજયકુમાર ઘોષ, યતીન્દ્ર સાન્યાલ, વિજયકુમાર સિન્હા, શિવરામ રાજગુરુ, કુંદનલાલ અને કમલનાથ તિવારી.

૧૨મી તારીખે ભગત સિંઘ અને સાથીઓને હાથકડી પહેરાવીને કોર્ટમાં લાવવામાં આવ્યા, પણ હાથકડી સાથે જ બસમાંથી ઊતરવાનો એમણે ઇનકાર કરી દીધો. એમને બળજબરીથી ઉતારવાનો ટ્રાઇબ્યુનલે હુકમ કર્યો તો ક્રાન્તિકારીઓએ કોર્ટની કાર્યવાહીનો બહિષ્કાર જાહેર કર્યો. બપોરે જમવાના સમયે એમની હાથકડીઓ ખોલી નાખી પણ વળી પાછી લગાડી દેવાનો હુકમ થતાં ભગત સિંઘ અને સાથીઓએ એનો વિરોધ કર્યો. ટ્રાઇબ્યુનલના પ્રમુખ કોલ્ડસ્ટ્રીમે આથી ગુસ્સામાં હિન્દુસ્તાનીઓને ગાળો દઈને લાઠીઓથી ભગત સિંઘને પીટવાનો હુકમ કર્યો. જાહેર જનતા, પત્રકારો અને સાથીઓની નજર સામે પોલીસે ભગત સિંઘને પર લાઠી અને જોડાથી માર માર્યો. ભગત સિંઘે હિન્દી જજ આગા હૈદરનું નામ લઈને કહ્યું કે એ હિન્દુસ્તાની છે કે કેમ? આવો જજ શું ન્યાય કરવાનો? બીજા દિવસે આખા દેશે ભગત સિંઘ દિન મનાવ્યો, પરિણામે કોલ્ડસ્ટ્રીમને લાંબી રજા પર જવું પડ્યું., આગા હૈદરને હટાવી નાખ્યો અને નવી ટ્રાઇબ્યુનલ બની, જેમાં હિલ્ટન પ્રમુખ બન્યો અને જેકે. ટેપ અને અબ્દુલ કાદિર નવા જજ બન્યા.

આ દરમિયાન ઘણા દેશભક્તોનું માનવું હતું કે બચાવ ન કરવાની હઠની કારણે સજાઓ થઈ છે. ભગત સિંઘના પિતા કિશન સિંઘ ગદર પાર્ટીના સક્રિય કાર્યકર્તા હતા. પુત્રે પોતાનો બચાવ નથી કરવા માગતો જાણીને એમને દુઃખ થયું અને પ્રીવી કાઉંસિલમાં અપીલ કરવાની એમણે તૈયારી કરી. ભગત સિંઘને આ પસંદ ન આવ્યું. એમણે પિતાને પત્ર લખ્યો કે ની જાણ થતાં એમણે પિતાને પત્ર લખીને કહ્યું કે એમણે પોતાનો સૈદ્ધાંતિક પક્ષ સમજાવીને પિતાના વલણ સાથે અસંમતિ દર્શાવી કે પિતાના આ પ્રયાસથી ક્રાન્તિકારી સાથીઓમાં એમની છાપ ખરાબ થઈ હોય તે શક્ય છે.

૩૦મી સપ્ટેમ્બરે લખેલો પત્ર સરદાર કિશન સિંઘને ચોથી ઑક્ટોબરે મળ્યો. સાતમી ઑક્ટોબર ૧૯૩૦ના રોજ ટ્રાઇબ્યુનલે પોતાનો ચુકાદો સંભળાવી દીધો. ભગતસિંઘ, રાજગુરુ અને સુખદેવને ફાંસીની સજા આપી, અને બીજાઓને પણ કોઈને આજીવન કેદ, કોઈને દસ વર્ષની મજૂરી સાથેની કેદ વગેરે સજાઓ કરી. ટ્રાઇબુનલે ‘ડેથ વૉરંટ’ પર સહીઓ કરીને ૧૭મી ઑક્ટોબરે ફાંસી આપવાની તારીખ નક્કી કરી. બીજા આરોપીઓમાંથી કુંદન લાલને સાત વર્ષની અને પ્રેમ દત્તને પાંચ વર્ષની વર્ષની સખત કેદની સજા થઈ. મહાવીર સિંઘ, કિશોરી લાલ, વિજય કુમાર સિંઘ, શિવ વર્મા, ગયા પ્રસાદ, જય દેવ અને કમલનાથ તિવારીને કાળા પાણીની સજા થઈ; અજય ઘોષ, જતીન્દ્ર નાથ સાન્યાલ અને દેસ રાજ નિર્દોષ ઠર્યા.

આખા દેશમાં હાહાકાર મચી ગયો. દેશના ખૂણેખૂણેથી ભગત સિંઘ, રાજગુરુ અને સુખદેવને બચાવી લેવાની માગણી ઊઠવા લાગી. એમની સજા સામે પ્રીવી કાઉંસિલમાં અપીલ કરવા માટે પંજાબમાં ‘ડિફેન્સ કમિટી’ની રચના કરવામાં આવી. ભગત સિંઘને આ પ્રયાસો પસંદ ન આવ્યા, પણ એક ફાયદો હતો કે Bhagat Singh v. The King Emperor કેસ ચાલે તો બ્રિટનની જનતાને સંદેશો મળે કે હિન્દુસ્તાનમાં અંગ્રેજોના શાસન સામે રોષ હતો અને હિન્દુસ્તાન સોશ્યલિસ્ટ રીપબ્લિકન ઍસોસિએશન વિશે જનતા જાણતી થાય.

પ્રીવી કાઉંસિલ સમક્ષ એવી દલીલો રજુ કરવામાં આવી કે વાઇસરૉયે ટ્રાઇબ્યનલની પુનર્રચના કરીને અપીલનો અધિકાર ઝુંટવી લીધો તે ગેરકાયદે હતું. વાઇસરૉયને દેશમાં અરાજકતા જેવું સંકટ હોય ત્યારે જ ટ્રાઇબ્યુનલ નીમવાનો અધિકાર મળે છે, પણ દેશમાં એવું કોઈ સંકટ નથી. પરંતુ પ્રીવી કાઉંસિલના બોર્ડે આ બધી દલીલો નકારી કાઢી અને ૧૯૩૧ની ૨૭મી ફેબ્રુઆરીએ ભગતસિંઘની અરજી કાઢી નાખી.

ગાંધીજી અને સુભાષબાબુ

આમ છતાં ભગત સિંઘ, રાજગુરુ અને સુખદેવને બચાવવાના પ્રયાસો ચાલુ રહ્યા. સુભાષ ચંદ્ર બોઝ એ દિવસોમાં મુંબઈમાં ગાંધીજીની મળ્યા અને એમણે પણ વાઇસરૉય અર્વિન સમક્ષ આ મુદ્દો રજૂ કરવા ગાંધીજીને આગ્રહ કર્યો. સુભાષ બાબુ એમના પુસ્તક The Indian Struggle – 1919 – 1928 માં લખે છે કે તે પછી ગાંધીજી અને સુભાષ બાબુ પોતે બન્ને એ જ ટ્રેનમાં મુંબઈથી દિલ્હી સાથે આવ્યા. દિલ્હી આવતાં એમને જે સમાચાર મળ્યા તે Bomb Shell જેવા હતા – સરકારે ફાંસી આપવાની નવી તારીખ ૨૪મી માર્ચ જાહેર કરી દીધી હતી. સુભાષ બાબુ લખે છે કે લૉર્ડ અર્વિન સાથે ગાંધીજીએ પહેલાં વાતચીત કરી હતી ત્યારે એમના પર અને બીજા બધા નેતાઓ પર એવી છાપ પડી હતી કે અર્વિન સજા મુલતવી રાખવા તૈયાર હતો. સૌએ એનો અર્થ એવો જ કર્યો હતો કે સજા રદ કરવી હોય તો જ મોકૂફ રાખવાની તૈયારી વાઇસરૉયે દેખાડી છે.

“અમને ગોળીથી ઉડાડી દો”

૨૦મી માર્ચે ભગત સિંઘ, રાજગુરુ અને સુખદેવે પંજાબના ગવર્નરને પત્ર લખ્યો અને કહ્યું કે સાતમી ઑક્ટોબર ૧૯૩૦ના ટ્રાઇબ્યુનલે અમને ફાંસીએ લટકાવવાનો ચુકાદો આપ્યો તેમાં કહ્યું છે કે અમે ઇંગ્લૅંડના રાજા સામે યુદ્ધ આદર્યું હતું. આનો અર્થ એ થાય કે બ્રિટનના રાજા અને હિન્દુસ્તાનની જનતા વચ્ચે લડાઈ ચાલે છે, આવું કહીને સરકારે અમને માન આપ્યું છે. અને અમે એના સૈનિકો છીએ. આ લડાઈ હજી ચાલુ જ છે એટલે અને યુદ્ધકેદી માની લો.

જ્યાં સુધી અમારા દેશના ગરીબ ખેડૂતો અને મજૂરોનાં લોહી ચૂસીને તમે પોતાનો ઇજારો સ્થાપ્યો છે તે અમે પાછો ન લઈએ ત્યાં સુધી લડાઈ ચાલવાની છે. અને આ શોષન કરનાર હિન્દુસ્તાની હોય તો પણ લડાઈ ચાલુ રહેશે. એટલે અમને યુદ્ધ કેદી તરીકે ફાંસીએ ચડાવવાને બદલે તમારી ફોજને આદેશ આપો લે સૈનિકોની એક ટુકડી મોકલે અને અમને ગોળીથી ઉડાડી દે!

સાથીઓને છેલ્લો પત્ર

ભગત સિંઘને હજી સુધી ઘણા લોકો દયાની અરજી કરવા સમજાવતા હતા. ૨૨મી માર્ચે એમણે સાથીઓને પત્ર લખ્યો, એમાંથી દેખાય છે કે એ પોતાની ભૂમિકા અને ઇતિહાસમાં એમને મળનારા સ્થાન વિશે કેટલા સભાન હતા. એમણે લખ્યું:

સાથીઓ,

સ્વાભાવિક છે કે જીવવાની ઇચ્છા મારામાં પણ હોવી જોઈએ, હું એને છુપાવતો નથી. પણ એક શરતે જીવતો રહી શકું છું કે હું કેદમાં કે બંધાઈને જીવવા નથી માગતો.

મારું નામ હિન્દુસ્તાની ક્રાન્તિનું પ્રતીક બની ગયું છે અને ક્રાન્તિકારી જૂથના આદર્શો અને બલિદાનોએ મને બહુ ઊંચે પહોંચાડી દીધો છે – એટલો ઊંચે કે જીવતો રહું તો એટલો ઊંચે તો ક્યારેય ન પહોંચી શકું.

આજ મારી નબળાઈઓ જનતાની સામે નથી. ફાંસીથી બચી જઈશ તો એ જાહેર થઈ જશે અને ક્રાન્તિનું પ્રતીક ચિહ્ન ઝાંખું પડી જશે અને કદાચ ભુંસાઈ પણ જાય. પણ દિલેરીથી હસતાં હસતાં ફાંસી ચડી જાઉં એવી સ્થિતિમાં હિન્દુસ્તાની માતાઓ પોતાનાં બાળકો ભગત સિંઘ બને એવી પ્રાર્થનાઓ કરશે અને દેશ માટે કુરબાની આપનારાઓની તાકાત એટલી વધી જશે કે ક્રાન્તિને રોકવી એ સામ્રાજ્યવાદ અથવા તમામ શેતાની તાકાતોના ગજાની બહારની વાત બની જશે.

હા. એક વિચાર આજ પણ મારા મનમાં આવે છે કે દેશ અને માનવતા માતી કંઈક કરવાની મારાઅ મનમાં અબળખા હતી તેનો હજારમો ભાગ પણ પુરો નથી કરી શક્યો. જો સ્વતંત્ર જીવતો રહી શક્યો હોત તો કદાચ એ પાર પાડવાની તક મળી હોત અને હું મારાં અરમાનો પૂરાં કરત.

તે સિવાય મારા મનમાં કદી પણ કોઈ લાલચ ફાંસીથી બચવા માટે નથી આવી. મારાથી વધારે ભાગ્યશાળી કોણ હશે? હમણાં હમણાં તો મને સ્વયં મારા પર જ બહુ ગર્વ થાય છે. હવે તો અંતિમ પરીક્ષાની આતુરતાપૂર્વક પ્રતીક્ષા કરું છું. ઇચ્છું છું કે એ હજી પણ નજીક આવી જાય.

આપનો સાથી

ભગત સિંઘ

ખરેખર જ અંતિમ પરીક્ષા નજીક આવી ગઈ. ૨૪મીની સવારને બદલે ૨૩મીની સાંજે જ ફાંસી આપવાનો નિર્ણય લેવાયો. જેલના અધિકારીઓ આવ્યા ત્યારે ભગત સિંઘ લેનિનનું એક પુસ્તક વાંચતા હતા. એક રાત બાકી હતી તેમાં એ પુસ્તક પૂરું કરવા માગતા હતા. પણ એ અધૂરું રહ્યું અને ત્રણેય વીરો ઇન્કલાબ ઝિંદાબાદના નારા સાથે બીજા કેદીઓની બરાકો પસાર કરતા ફાંસીના ફંદા સુધી પહોંચી ગયા અને સદાને માટે હિન્દુસ્તાનની ધરતી પર અજવાળાં પાથરી દીધાં.

(આ શહીદોને બચાવવા માટે ગાંધીજીએ શું કર્યું? આ વિવાદ આજે પણ ચાલે છે. એના વિશે આવતા અંકમાં)

૦૦૦

સંદર્ભઃ

ભગત સિંઘ ઔર ઉનકે સાથિયોં કે સંપૂર્ણ ઉપલબ્ધ દસ્તાવેઝ. પ્રકાશક રાહુલ ફાઉંડેશન, લખનઉ. (બધા ફોટા પણ આ જ પુસ્તકમાંથી જ લીધા છે).

https://www.indialawjournal.org/archives/volume1/issue_3/bhagat_singh.html

૦૦૦

શ્રી દીપક ધોળકિયાનાં સંપર્કસૂત્રો
ઈમેલઃ
dipak.dholakia@gamil.com
બ્લૉગઃ મારી બારી

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.