વ્યંગ્ય કવન : ૪૬ : વેચવા માંડો

શેખાદમ’ ઉપનામથી જાણીત થયેલા શેખ આદમ મુલ્લાં શુજાઉદ્દીન આબુવાલા ઈશ્કની ગઝલ લખનારા કવિ હતા. પરંતુ તેમણે રાજકિય કટોકટીના સમયમાં ‘ખુરશી’ નામે કટાક્ષ કાવ્યસંગ્રહ લખ્યો હતો. અત્રે તકસાધુઓ પર કટાક્ષ કરતી, શેખાદમ આબુવાલાની એક ગઝલ પ્રસ્તૂત છે.

— દેવિકા ધ્રુવ, ’વેગુ’ સાહિત્ય સમિતિ.પદ્ય વિભાગ.

તિમિરના હાથે સૂરજના ઈશારા વેચવા માંડો
ગગન ખાલી કરી દો ચાંદતારા વેચવા માંડો

કિનારાની જરૂરત ક્યાં રહી છે ડૂબનારાને
કે એ ડૂબી જશે હમણાં કિનારા વેચવા માંડો

કે ઓ સોદાગરો લાચારીના સોનેરી તક આવી
ઘણી મજબૂર છે દુનિયા સહરા વેચવા માંડો

કે આ દૂરત્વના બદલામાં છે નૈકટ્યનો સોદો
કે આંસુના બદલામાં સિતારા વેચવા માંડો

જો વેચી નાખો તો સારું કે એ છે વિઘ્ન રસ્તાના
તકાદો મંઝિલોનો છે ઉતારા વેચવા માંડો

હવે બાગોને ભડકા જોઈએ ફૂલો નહીં આદમ
બુઝાઈ જાય તે પહેલા તિખારા વેચવા માંડો

હકીકતનો તો એવો તાપ છે લાચાર દુનિયામાં
કે આદમ સ્વપ્નના શીતલ ફુવારા વેચવા માંડો

                                              – શેખાદમ આબુવાલા


સંકલનકાર સુશ્રી દેવિકાબહેન ધ્રૂવ નાં સંપર્કસૂત્ર: :

email:   ddhruva1948@yahoo.com
Phone ++281 415 5169

Author: admin

Leave a Reply

Your email address will not be published.