ટાઈટલ મ્યુઝીક (૩૦) – દિલ સે મિલે દિલ (૧૯૭૮)

બીરેન કોઠારી

એક સમય હતો કે સંગીતકારોની તસવીરો ભાગ્યે જ જોવા મળતી. હજી આજે પણ શ્યામસુંદર, ગુલામ હૈદર, વિનોદ કે ખેમચંદ પ્રકાશ જેવા ખરા અર્થમાં દિગ્ગજ કહેવાય એવા સંગીતકારોની એક કે બે જ તસવીરો ફરતી રહે છે. બીજી તરફ એવો યુગ શરૂ થયો કે સંગીતકાર પોતાના સંગીત કરતાં વધુ પોતાના દેખાવથી ચર્ચાય. આ કઢંગી પરંપરાના જનક બપ્પી લાહિરી હશે કે નહીં એ ખ્યાલ નથી, પણ તેના જોરદાર પ્રતિનિધિ અવશ્ય ખરા. તેમના પછી અમુક હદે અન્નુ મલિક પણ એ પરંપરામાં આગવી નીચાઈ સુધી પહોંચ્યા.

બપ્પી લાહિરી જેવા સંગીતકાર મારી અંગત પસંદગી કદી રહ્યા નથી કે રહેશે પણ નહી. તેનાં અનેક (મારી દૃષ્ટિએ) વાજબી કારણો છે. પણ આટલાં વરસોમાં હું હજી નક્કી કરી શક્યો નથી કે તેમની વેશભૂષા અને શણગાર વધુ ખરાબ છે, તેમનો અવાજ વધુ ખરાબ છે કે તેમનું સંગીત વધુ ખરાબ છે. આ મારું અંગત મંતવ્ય છે અને મારી પાસે તેનાં કારણો છે.

આનો અર્થ એમ નથી કે બપ્પીને કશું આવડતું નથી. તેઓ મૂળ તો બંગાળી પરંપરાના સંગીતકાર છે અને સંગીત સાથે તેમનો ખરા અર્થમાં ખાનદાની સંબંધ રહ્યો છે. 1973માં આવેલી ‘નન્હા શિકારી’થી તેમનો સ્વતંત્ર સંગીતકાર તરીકે પ્રવેશ થયો, જ્યારે તેમની ઉંમર આશરે એકવીસ-બાવીસની હતી. સાવ શરૂઆતની ‘ઝખ્મી’, ‘ચલતે ચલતે’, ‘ફીર જનમ લેંગે હમ’, ‘કોલેજ ગર્લ’, ‘શિક્ષા’, ‘તૂટે ખિલૌને’, ‘અહેસાસ’, ‘ભૂલા ન દેના’, ‘એક બાર કહો’ જેવી ફિલ્મોમાં તેમણે પોતાની સંગીતસૂઝનો પરિચય કરાવ્યો, પણ આજે પશ્ચાતવર્તી અસરથી જોતાં સમજાય છે કે તેમની જે કઈ આવડત હતી એ આટલામાં સમાઈ ગઈ હતી. હિન્દી ફિલ્મસંગીતના સ્તરને પાતાળે પહોંચાડવાની સફરનો આરંભ તેમણે કદાચ ‘સુરક્ષા’થી કર્યો.

(કિશોરકુમાર અને બપ્પી લાહિરી)

સીત્તેરના એ દાયકામાં રાહુલ દેવ બર્મનના સંગીતની બોલબાલા હતી, જેઓ પશ્ચિમી સંગીતની નકલ કરતા હતા, પણ તેમની પોતાની આવડત કમ નહોતી. બપ્પીએ આર.ડી.બર્મનની તરાહ પર પશ્ચિમી સંગીતની વરવી નકલ કરવાનું શરૂ કર્યું અને તેમાં તેમણે પોતાની એકવિધતા તેમજ બીબાઢાળપણું ઉમેર્યું. ‘દેહાભિમાન હૂતો પાશેર’ કદાચ પહેલેથી હશે, એમાં ‘ચર્ચાવાદમાં તોલે થયો’ જેવી હાલત થઈ. તેમને ધડાધડ ફિલ્મો મળવા લાગી અને તેમણે એ સ્વીકારવા લાગી. સાંભળ્યા મુજબ બપ્પીનું સંગીત લોકપ્રિય થતું જોઈને રાહુલ દેવ બર્મન પણ એક વાર લઘુતાગ્રંથિમાં આવી ગયા હતા. એક વર્ષમાં સૌથી વધુ ફિલ્મોમાં સંગીત આપવા બદલ બપ્પીનું નામ ‘ગીનેસ બુક’માં દાખલ થયું ત્યારે તેમની સ્થિતિ ‘ગુરુ થયો ત્યાં મણમાં ગયો’ જેવી થઈ.

એક ઈન્ટરવ્યૂમાં તેમણે પોતાના અહંકારનો પરચો દેખાડતાં કહ્યું, ‘હજી નૌશાદ જીવે જ છે ને! છતાં નિર્માતાઓ કેમ મારી પાસે આવે છે?’ ‘ફિલ્મફેર’માં પ્રકાશિત આ ઈન્ટરવ્યૂ પછીના અંકમાં વાચકોએ બપ્પી પર પસ્તાળ પાડી હતી. પણ સૌથી તીખી આલોચના ફિલ્મસંગીત ઈતિહાસકાર નલિન શાહે એક લેખમાં કરી હતી. તેમણે બે મુખ્ય મુદ્દા લખેલા. એક તો એ કે એક વર્ષમાં આટલી બધી ફિલ્મોમાં એ સંગીત આપે છે, તો પછી સંગીત શીખે છે ક્યારે? અને બીજો મહત્ત્વનો મુદ્દો એ હતો કે ગીનેસ બુકમાં નામ નોંધાવવા માટે આટલી બધી મહેનત કરવાની શી જરૂર? એક કલાકમાં અમુક રસગુલ્લા ખાઈ લે તો પણ નામ નોંધાઈ જશે.

(ગીતકાર : અમિત ખન્ના)

બપ્પી લાહિરીના ‘મેલડીયસ’ ગીતો જોઈએ તો એનું સંગીત એક જ પ્રકારનું જણાય. ‘ચલતે ચલતે મેરે યે ગીત યાદ રાખના’ (ચલતે ચલતે), ‘પ્યાર માંગા હૈ તુમ્હી સે’ (કૉલેજ ગર્લ), ‘હાં પહલી બાર, એક લડકી મેરા હાથ પકડકર બોલી’ (ઔર કૌન), ‘માના હો તુમ, બેહદ હસીં’ (તૂટે ખિલોને), ‘તેરી છોટી સી એક ભૂલ ને સારા ગુલશન જલા દિયા’ (શિક્ષા), ‘તુમ્હારા પ્યાર ચાહીએ મુઝે જીને કે લિયે’ (મનોકામના), ‘જીના ભી કોઈ જીના હે’ (સબૂત) સાંભળવાં ગમે, પણ એક જ કુળનાં, પુનરાવર્તન જેવાં જ લાગે. ઈન્ટરલ્યૂડમાં એની એ જ ધૂન, કોરસનો ઉપયોગ અને શૈલી.

(‘દિલ સે મિલે દિલ’નું પોસ્ટર)

૧૯૭૮માં આવેલી, કૈલાશપતિ પિક્ચર્સ નિર્મિત, ભીષ્મ કોહલી નિર્દેશીત ફિલ્મ ‘દિલ સે મિલે દિલ’માં બપ્પી લાહિરીનું સંગીત હતું. ભીષ્મ, શ્યામલી, ઓમ શિવપુરી, લીલા મિશ્રા, અભિ ભટ્ટાચાર્ય વગેરેની મુખ્ય ભૂમિકા હતી.

આ ફિલ્મનાં પાંચેપાંચ ગીતો અમીત ખન્નાએ લખ્યાં હતાં. ‘હાથોં મે મેરે ભી મેંહદી લગા દો’ (સુલક્ષણા અને વિજયતા પંડિત), ‘દિલ સે મિલે દિલ’ (કિશોરકુમાર અને સાથીઓ), ‘યે નૈના, યે કાજલ, યે જુલ્ફેં, યે આંચલ’ (કિશોરકુમાર), ‘છોડો ભી યે નખરા કરો પ્યાર હમસે’ (લતા મંગેશકર) અને ‘અફલાતૂન….મારો તીર નિશાને પે જરા’ (બપ્પી લાહિરી).

(બપ્પી લાહિરી : સંગીતને બદલે દેખાવથી ઓળખ ઉભી કરવાનો પ્રયત્ન)

આ ફિલ્મના ટાઈટલ મ્યુઝીકની શૈલી બપ્પીનો હજી આરંભ થયો હોવાથી સાંભળવી ગમે એવી છે, પણ તેમાં કલ્યાણજી-આણંદજીના ટાઈટલ મ્યુઝીકની શૈલીની અસર સ્પષ્ટ સાંભળી શકાય છે. આ ફિલ્મનું કિશોરકુમાર અને સાથીઓએ ગાયેલું ગીત ‘દિલ સે મિલે દિલ’ ઓલ ઈન્ડીયા રેડીયોની ઉર્દૂ સર્વિસના ફરમાઈશી ગીતોના શ્રોતાઓને જરૂર યાદ હશે. આ ગીતના ઈન્ટરલ્યૂડમાં સેક્સોફોન પર વાગતો પીસ ટાઈટલ મ્યુઝીકમાં પણ સાંભળી શકાય છે.

નવાઈ લાગે એવી વાત એ છે કે આ ટાઈટલ ટ્રેકમાં 2.00 થી 2.42 સુધી સેક્સોફોન પર ‘તુમ મિલે, પ્યાર સે, મુઝે જીના ગવારા હુઆ’ની ધૂન સેક્સોફોન પર એમની એમ વગાડવામાં આવી છે, જે ૧૯૭૨ માં આવેલી ‘અપરાધ’ ફિલ્મનું ગીત છે અને તેમાં કલ્યાણજી-આણંદજીનું સંગીત હતું. આનું શું રહસ્ય એ તો બપ્પી જાણે કે પછી આણંદજી જાણે!

બપ્પી લાહિરી અને તેમનું સંગીત ગમે કે ન ગમે, આ શ્રેણીમાં તેમાં સંગીતની ચર્ચા થાય એ જરૂરી છે.

અહીં ‘દિલ સે મિલે દિલ’ ફિલ્મની આખી લીન્ક મૂકી છે, જેમાં 2.42 સુધી ટાઈટલ મ્યુઝીક છે.


(તમામ તસવીરો નેટ પરથી અને લીન્ક યુ ટ્યૂબના સૌજન્યથી)


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Author: Web Gurjari

2 thoughts on “ટાઈટલ મ્યુઝીક (૩૦) – દિલ સે મિલે દિલ (૧૯૭૮)

 1. આ ફિલ્મનું તો નામ પણ આ લેખ વાંચતી વખતે પહેલી જ વાર સાંભળ્યું !

  એટલે ટાઈટલ્સ સંગીત તો સાંભળવું જ જોઈએ એમ માનીને સાંભળવાની હિંમત એકઠી કરી લીધી.

  સહ્ય નીકળ્યું.

  મનમાં સવાલ એક જ થયા કરે છે કે બીરેનભાઈને આ ફિલ્મનાં ટાઈટ્લ્સ સંગીતનો ભેટો થવા માટે શું કારણભૂત બન્યું હશે?

  1. હિંમત એકઠી કરીને સાંભળવા બદલ આભાર, અશોકભાઈ.
   એક-બે બાબતો કારણભૂત કહી શકાય. એક તો એ સમયે ઑલ ઈન્‍ડિયા રેડિયોની ઉર્દૂ સર્વિસ પર આ ફિલ્મનું ગીત લગભગ નિયમીતપણે સાંભળવા મળતું. બીજું, વિવિધ સંગીતકારોની શૈલીનો અભ્યાસ આ રીતે કરવાની મજા આવે છે. આવી ઘણી ફિલ્મો યાદ આવે ત્યારે હવે યૂ ટ્યૂબને કારણે સરળતાથી ઉપલબ્ધ છે. એટલે એ દુર્લભ રહ્યું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *