
દેવિકા રાહુલ ધ્રુવ, હ્યુસ્ટન યુએસએ
પ્રિય નીના,
ખલીલ જીબ્રાનના હીરા જેવા વાક્યમાં પૂર્તી કરીને વિશ્વાસ, શ્રધ્ધા અને પ્રાર્થના ત્રણેને સાંકળી લેતી તારી વાત ખૂબ જ ગમી. તેમાં પણ કવિવર ટાગોર અને ઉમાશંકરભાઈની પંક્તિઓ તો મારી હંમેશની પસંદગી રહી છે. એ વાત કેટલી સાચી છે કે, પ્રાર્થનામાં માંગણી ન હોય. જે મળ્યું છે તેનો સ્વીકાર અને અહોભાવ હોય. પ્રાર્થના એક રીતે જોઈએ તો આત્મા સાથેનો સંવાદ છે. હું તો દ્રઢપણે માનું છું કે, મંદિરોમાં પ્રગ્ટાવેલા અસંખ્ય દીવડાઓ કરતાં અંતરના ઉંડાણમાં પ્રગ્ટાવેલો દીપ વધુ પ્રકાશ આપનારો નીવડે છે. હ્રદયનો એક એવો સાચો ભાવ જેમાં કોઈ શબ્દોની જરૂર જ ન હોય અને તે પછી મનની અંદર જે ઉઘડે તે મંદિર..
બીજી તારી વાત, ‘બાર ગાઉએ બોલી બદલાય’ માં ‘ળ’ ને બદલે ‘ર’ બોલતા ગોરની રમૂજ દ્વારા આખું યે ચિત્રાત્મક દ્રશ્ય આનંદ આપી ગયું. માત્ર ગુજરાતીમાં જ નહિ પણ નીના, મેં જોયું છે કે અમેરિકામાં અંગ્રેજી બોલતા લોકોના ઉચ્ચારો પણ દરેક રાજ્યોમાં જુદા જુદા સાંભળવા મળે છે. ન્યુ-યોર્ક, ન્યુ જર્સી કરતાં અહીં ટેક્સાસમાં ‘સધર્ન’ ઉચ્ચારો ઘણાં જુદા પડે છે. મને લાગે છે કે આ વાત દરેક ભાષા માટે એટલી જ સાચી હશે. તમારા બ્રીટીશ ઉચ્ચારો પણ જો ને? કેટલાં સાંકડા? અમેરિકામાં ‘વૉટર’ પહોળું બોલાય જ્યારે તમે યુકેવાળા ‘વોટર’ સાંકડું બોલો. બરાબર ને ? કેટલાંક વળી ધોળકિયાને “ઢોલકિયા” કહી નાંખે!!
ગયા પત્રમાં તેં થોડી નૈતિક મૂલ્યોની અને તેમાં સ્થળ-સમય મુજબ થતાં પરિવર્તનોની પણ વાત લખી. હવે એ આખો એક ખૂબ જ વિશદ મુદ્દો છે જેની વિગતે ચર્ચા ક્યારેક કરીશું. આજે તો મને એના જ અનુસંધાનમાં, ખાસ કરીને, શંકરે પોતાના દીકરાનું માથું કાપ્યાની તેં લખેલી વાત વાંચી તેના અનુસંધાનમાં, એક જૂની વાત યાદ આવી ગઈ.
હું ખૂબ નાની હતી ત્યારથી જ આપણી પૌરાણિક વાર્તાઓ વાંચુ કે વડિલો/શિક્ષકો વગેરે પાસેથી સાંભળું ત્યારે હંમેશા મનમાં ઘણા સવાલો ઉદભવે. પણ કુમળું મન જાત સાથે જ કંઈક સમાધાન કરી લે. આવું તે કંઈ પૂછાય તેવી થોડી ભીરુતા પણ ખરી જ. મને હમેશા એમ થાય કે, કુંતીએ મંત્રનો ઉપયોગ કર્યો અને કર્ણનો જન્મ થયો એ વાત સાચી માની જ કેવી રીતે લેવાય? બીજું, ધારો કે ઘડીભર માની પણ લઈએ તો કુંતીએ એ વાત છુપાવી કેમ? એક જ વાર હિંમત કરીને કહી દીધું હોત તો કેટકેટલાં અનર્થો અટકાવી શકાત? એ જ રીતે, ગુરુ દ્રોણાચાર્યે એકલવ્યનો અંગૂઠો માંગ્યો એ વાત ક્યારે ય મને જચતી ન હતી. પછી તો વર્ષો વીત્યા અને એ કુતૂહલતા લગભગ દબાઈ ગઇ હતી. તેવામાં પૌત્રીને વાર્તાઓ કહેવામાં એ જ વાર્તા સળવળીને નજર સામે આવી. હું જેમ જેમ કહેતી ગઈ તેમ તેમ, બિલકુલ મારી જેમ જ સાંભળતા સાંભળતા એના ચહેરાની રેખાઓમાં વિસ્મય અને પ્રશ્નાર્થ ડોકાવા લાગ્યા. છેવટે એ બોલી જ ઉઠી.” બાપ રે ! શિક્ષક થઈને વિદ્યાર્થીનો અંગૂઠો માંગ્યો? ના…ના… આ તો બરાબર ન કહેવાય. ખોટું કામ કર્યું કહેવાય !” ઘડીભર હું આનંદ અને આશ્ચર્ય વચ્ચે સ્તબ્ધ થઈ ગઈ. આનંદ એ વાતનો કે હજી આજે પણ ‘સાચું અને ખોટું’ વચ્ચેનો તફાવત સ્પષ્ટ છે અને આશ્ચર્ય એ વાતનું કે, વર્ષો પહેલાંનો સવાલ આજે ફરીથી મારા જ લોહીમાં દોહરાય છે અને જવાબ શું છે ??? નૈતિક મૂલ્યોની પરંપરા આજે પણ કોયડો બની રહી છે. એની ગૂંચને ઉકેલવા કરતાં આજે એક નવી વાત કરીએ. સમયની…
સમયની સાથે સાથે, સમયની બળવત્તા વધુ સ્પષ્ટ રીતે સમજાય છે. કઈ કેટલા યે સર્જકોએ જુદી જુદી રીતે સમય વિશે આલેખન કર્યું છે. પણ સમયની અવિરત ધારા તો કેવી ગજબની વસ્તુ છે. આપણી નજર સામે જ પલપલ વીતે છે અને છતાં ક્યારે, કેવા અને કેવી રીતે changes થયાં કરે છે ક્યાં ખબર પડે છે? એકાએક એક પળ યુગ બની બેસે છે!! ઈતિહાસના પાનાઓ ઉપર દરરોજ નવી નવી રેખાઓ ઉપસતી રહે છે. અમેરિકા,યુરોપ,ચીન,જાપાન ભારત….ગ્લોબલાઈઝેશનના માર્ગે સમગ્ર વિશ્વના સમીકરણો જ આજે બદલાઈ રહ્યાં છે. નીના, સાચું કહું તો આજે ખબર નથી કેમ પ્રાકૃત અવસ્થામાં જંગલમાં ભટકતા આદિમાનવથી માંડીને (ઈતિહાસમાં વાંચેલા) આજના અતિબૌધ્ધિક સ્તરે પહોંચેલા માનવીના ક્રમિક ફેરફાર વિશે મન વિચારે ચડ્યું છે. અંતે તો સમયને સલામ ભર્યા સિવાય કશું જ હાથ લાગતું નથી.
કુતુબ આઝાદની એક સરસ ગઝલના થોડાં શેરઃ
સંધ્યાની જેમ ક્ષણમાં ઢળી જાય છે સમય,
સદભાગી કો’કને જ ફળી જાય છે સમય.
રહેશો ના કોઈ ક્ષણ, આ સમયના ગુમાનમાં,
ઢળતા પવનની જેમ સરી જાય છે સમય.
‘આઝાદ’ અણઉકેલ, સમસ્યા છે આ સમય,
સમજી શકે છે તેમને સમજાય છે સમય.
બીજુ, આ પત્ર તને મળશે ત્યાં સુધીમાં તો શ્રાવણના તહેવારોનો માહોલ ચાલતો હશે. સદીઓથી આ રિવાજો થતાં આવ્યાં છે. અહીં અમેરિકામાં પણ એ જ નાગપાંચમ, રાંધણછઠ્ઠ, શીતળાસાતમ વગેરેનું રુટીન ઉજવાય છે. જન્માષ્ટમી અને પારણાં પર તો મંદિરમાં અધધધ…છપ્પનભોગ જોઈને તો હવે આંધળી માનસિકતા પર ગુસ્સો નહિ, દયા આવે છે. કૃષ્ણને ( જો હશે તો !) કંઈ નહિ થતું હોય? પણ ચાલને, હવે આ વિષય પર ઉંડી ઉતર્યા વગર એક મનગમતી સરસ વાત કહીને અટકું.
તું લખે છે કે આપણે વર્ષોથી ગમતાને ગૂંજે ભરતા રહ્યાં છીએ તે બિલકુલ બરાબર છે અને હવે ગમતાનો ગુલાલ કરતાં કરતાં આપણે પણ ‘નાભિમાં કસ્તુરી’ પામ્યાનો આનંદ પામીએ છીએ, જાતને વધુ ઓળખતા થયા છીએ એ પણ એટલું જ સાચું લાગે છે.
છેલ્લે, આ જ મહિનામાં આવતો તારો જન્મદિવસ કેમ ભૂલાય? તારી ક્ષણે ક્ષણ નિજાનંદની મસ્તીમાં અને તન-મન સ્વસ્થ સુખાકારીમાં વીતે એ જ શુભેચ્છા અને પ્રાર્થના..આ લખી રહી છું ત્યારે સામે ખુલ્લાં આકાશમાં શ્રાવણી પૂર્ણિમાનો ચાંદ દેખાય છે. એના તેજને આપણી મૈત્રીની ઉપમા આપી દઉં?
દેવીની સ્નેહ-યાદ.
ક્રમશ:
દેવિકા રાહુલ ધ્રુવ : હ્યુસ્ટન :: ddhruva1948@yahoo.com || નયનાબહેન પટેલ, લેસ્ટર, યુકે. :ninapatel47@hotmail.com