‘ત્યાં તો મહેફીલ જામી જામી’

પીયૂષ મ. પંડ્યા

જાણકારોનો એક વર્ગ માને છે કે જે ઘડીએ એક પ્રચંડ વિસ્ફોટ સાથે એક સુક્ષ્મતમ બિંદુમાંથી બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ એ જ ઘડીએ સંગીત પણ જનમ્યું હતું. એ વિસ્ફોટ એ જ મૂળ નાદ હતો. એ મહાવિસ્ફોટ પછી નીમિષમાત્રમાં જ બ્રહ્માંડ અકલ્પનીય વેગથી વિસ્તરવા લાગ્યું. અને એ જ સાથે તાજો જન્મેલો નાદ ૧૧૦૦ ફીટ પ્રતિ સેકન્ડની મર્યાદિત ગતિથી આગળ વધવા લાગ્યો. વીકિરણનાં મોજાં તરીકે આગળ વધી રહેલા એ નાદે તાલને જન્મ આપ્યો. આમ, સંગીતનાં બે પારસ્પરિક રૂપો – નાદ/સ્વર અને તાલ — બ્રહ્માંડના ઉત્પત્તિકાળથી જ ઉદ્ભવેલાં છે એમ માની શકાય. આપણી પૃથ્વી ઉપર કરોડો વર્ષોની ઘટમાળ દરમિયાન ફુંકાતા રહેલા પવનના સૂસવાટા, જ્વાળામુખીઓના વિસ્ફોટો અને વાદળોના ગડગડાટ તેમજ એ પછી શરૂ થયેલા વરસાદ થકી નાદમાં વૈવિધ્ય આવ્યું. ધીમે ધીમે સાગરોની લહેરો, નદીઓના પ્રવાહો અને ઝરણાંનાં વહેણ વડે વૈવિધ્યની સાથે માધુર્ય ભળ્યું. જીવસૃષ્ટીના ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ પછી એક તબક્કે અવાજ ઉત્પન્ન કરી શકે એવા સજીવો અસ્તિત્વમાં આવ્યા. છેવટે અસ્તિત્વમાં આવી માનવજાત અને એના સતત ઉત્ક્રાંત થતા રહેવાની પ્રક્રીયા દરમિયાન કોઈ એક ધન્ય ક્ષણે એક આદિ સ્ત્રી/પુરૂષને ખ્યાલ આવ્યો હશે કે સ્વરપેટી અને એની સાથે સંકળાયેલા સ્નાયુઓના યોગ્ય ઉપયોગ વડે કર્ણપ્રિય એવો તાલબધ્ધ અવાજ નીપજાવી શકાય છે. આ રીતે નિષ્પન્ન થયેલ સંગીત સહસ્ત્રાબ્દીઓ સુધી સતત વિકસતું રહ્યું છે અને હજી પણ એ વિકાસયાત્રા વણથંભી આગળ વધી રહી છે એમ કહી શકાય.

આપણા ભારતીય ઉપખંડના સંગીતજ્ઞોની સમજણ મુજબ સંગીતના મુખ્ય ત્રણ વર્ગો પડે છે –શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય અને હળવું/સહજ/સુગમ/ફિલ્મી સંગીત. આ અલગ અલગ પ્રકારોને અજમાવનારા સંગીતકારોમાં મુખ્યત્વે વાદકો તેમ જ ગાયકોનો સમાવેશ થાય છે. હવે એક કડવી વાસ્તવિકતા તરફ નજર નાખીએ. ‘તું નાનો હું મોટો’ એવા જગતના ખ્યાલને કવિ પ્રેમશંકર ભટ્ટ ભલે ખોટો કહેતા હોય, હકિકત એ છે કે કોઈ પણ સમાજમાં વર્ગભેદ આદિકાળથી ચાલ્યો આવ્યો છે. અહીં આપણે આ વાત સંગીતના સંદર્ભે કરીએ. એક સામાન્ય નિરીક્ષણ મુજબ શાસ્ત્રીય સંગીતને અપનાવનારાઓ અન્ય પ્રકારના સંગીતસાધકોને ઉતરતા ગણતા આવ્યા છે. એ જ રીતે ફીલ્મી સંગીતના સંગીતકારો, ગાયકો અને વાદકોને તો કેટલાક જાણકારો અસ્પૃશ્યની કક્ષાએ ઉતારી પાડે છે. હદ તો ત્યારે થયેલી જ્યારે સને ૧૯૫૨માં આપણા માહિતી અને પ્રસારણ ખાતાના પ્રધાન બી. વી. કેસકરે રેડીઓ ઉપર ફીલ્મી ગીતો વગાડવા ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો! આ એવા દિવસોની વાત છે, જ્યારે સામાન્ય લોકો માટે મનોરંજનના અતિશય મહત્વના – કે કદાચ એકમાત્ર – સ્રોત તરીકે માત્ર રેડીઓ હતો. એ રેડીઓ ઉપરથી દિવસના અલગ અલગ સમયે ફીલ્મી ગીતો વાગતાં. એ જમાનામાં મધ્યમવર્ગીય કુટુંબો માટે આવો સમયગાળો રોજબરોજની સંઘર્ષભરેલી દોડધામથી લાગેલા થાક અને કંટાળાને દૂર કરવામાં મદદગાર થતો. જે કુટુંબો રેડીઓ વસાવી શકતાં, એવાં કુટુંબોમાં પણ મોટા ભાગે એક વડીલ પુરુષનું આધિપત્ય રહેતું. ‘દાદા’ અથવા અન્ય માનવાચક ખિતાબથી ઓળખાતા એ વડીલોમાંના મોટા ભાગનાઓ માનતા કે રેડીઓ ઉપર વાગતું ફીલ્મી સંગીત તો આપણી ભવ્ય સંસ્કૃતિ ઉપર દૈત્યો દ્વારા આકાશી માર્ગે થતો હુમલો હતો અને એને ખાળીને કેસકરજી એ ઉત્તમ કાર્ય કર્યું હતું. આ સમયગાળામાં રેડિયો સિલોન ફિલ્મસંગીતનાં રત્નોને શોધી શોધીને વિવિધ કાર્યક્રમો દ્વારા શ્રોતાઓ સમક્ષ મૂકતું હતું, જેનો એક આગવો ચાહક વર્ગ હતો. આજે ‘ભાંગ્યું ભાંગ્યું તોય ભરુચ’ જેવી સ્થિતિમાં પણ આ ઉચ્ચ પરંપરા રેડિયો સિલોન પર જળવાયેલી છે. આમ જોઈએ તો ઘરમાં રહેલા રેડીઓ ઉપર ફીલ્મી ગીતો વાગે એ માટે દેશના મંત્રી તેમ જ ઘરના વડીલની મોહતાજી આવશ્યક બની રહેતી. રેકોર્ડ્સ, ગ્રામોફોન કે ટેપ રેકોર્ડર/પ્લેયર જેવાં સાધનો સ્વપ્નકુસુમવત હતાં. હજારો, લાખો કુટુંબોમાંથી ગણ્યાંગાંઠ્યાં આવી જણસો વસાવી શકતાં. સમગ્રપણે જોતાં પોતાની પસંદગીનું એક સારું ફીલ્મી ગીત સાંભળવા માટે કરવી પડતી મથામણ કોઈ સંઘર્ષથી કમ ન્હોતી. આવા કપરા સંજોગોમાં પણ ફીલ્મી ગીતોએ મક્કમ ગતિથી રસીયાઓનો એક બહોળો વર્ગ ઉભો કર્યો,

શાસ્ત્રીય અને ઉપશાસ્ત્રીય સંગીતના આરાધકો માટે પારાવાર માનની લાગણી સાથે કહેવું છે કે એમાંના મોટા ભાગના મૂર્ધન્યોએ ફીલ્મી સંગીત ઉતરતું હોવાની આવી માન્યતાને દ્રઢ બનાવવામાં સિંહફાળો આપ્યો છે. કેમ કે, ફિલ્મસંગીત તરત લોકપ્રિય થઈ જતું, અને લોકપ્રિય એટલે ઊતરતી કક્ષાનું એમ માનનારો ઉન્નતભ્રૂ વર્ગ આજે પણ દરેક ક્ષેત્રમાં છે. હા, જૂજ અપવાદરૂપે કેટલાક દિગ્ગજોએ ફીલ્મોમાં મૂકવામાં આવેલાં ગીતોમાં ગાયું/વગાડ્યું પણ છે. વળી સમગ્રપણે જોતાં એ બાબત પણ ધ્યાને પડે છે કે સંગીતના જાણકારો ગાયકોની સરખામણીએ વાદકોને હંમેશાં એક પાયરી ઉતરતા ગણતા-ગણાવતા આવ્યા છે. પરિણામે જનસામાન્યમાં પણ એવી જ છાપ બની રહી છે કે સંગીતના ક્ષેત્રમાં મુખ્ય કલાકાર હંમેશાં ગાયક જ હોય અને વાદકો તો મોટે ભાગે સંગત કરવા માટે જ ચાલે! આ રીતે ઉતરતી ભાંજણીનો વિચાર કરવામાં આવે તો ફિલ્મી દુનિયાના વાદકોને તો સાવ છેવાડે જ બેસાડી દેવામાં આવ્યા હોય એમ લાગે. કેટલાક જૂજ અપવાદો બાદ કરતાં આ વાદક કલાકારો ક્યારેય પ્રકાશમાં આવતા નથી.

આટલી પશ્ચાદભૂના પરિપ્રેક્ષ્યમાં આપણે વાતને આગળ વધારીએ. એક સામાન્ય, સરાસરી સંગીતપ્રેમીને માટે ફીલ્મી ગીતો જ સંગીતના પર્યાયરૂપ હોય છે. એને રાગરાગીણીની અને તાલની શાસ્ત્રીયતામાં કે બારીકિઓમાં કશી જ સમજ પણ નથી હોતી અને એમાં રસ પણ નથી હોતો. એને સિતાર અને સારંગીમાં કે પછી ઢોલક અને કોંગોમાં કશો જ તત્વભેદ નથી જણાતો. કદાચ અતિશયોક્તિભર્યું વિધાન લાગશે પણ આ પ્રકારની સૂઝબૂઝ(?) ધરાવતા એ સામાન્યજનને પણ સંગીતમાં રસ પડ્યો અને એને સંગીતનો શોખ જાગ્યો એનો યશ મહદઅંશે ફીલ્મી ગીત-સંગીતને જ આપવો રહ્યો.

વીસમી સદીના ત્રીજા દાયકામાં આપણા દેશમાં બોલપટની શરૂઆત થઈ એની સાથે જ એ ફિલ્મોમાં ગીતોનો પણ પ્રવેશ થયો અને એક નવા યુગનો ઉદય થયો એમ કહી શકાય. શરૂઆતના તબક્કે જે તે પાત્ર ભજવનાર અભિનેત્રી/અભિનેતા ફીલ્માંકન સમયે જ ગીત ગાય અને જૂજ સંખ્યામાં સાજીંદાઓ કેમેરાની પહોંચથી દૂર રહી, તે જ સમયે પોતપોતાનું સાજ વગાડે એ પરિસ્થિતી હતી. બહુ ઝડપથી એમાં ફેરફારો થતાં પાર્શ્વગાયન અને પાર્શ્વસંગીતનો જમાનો આવી ગયો. પરંપરાગત નાટ્યસંગીતની અસરમાંથી ફીલ્મી સંગીત મક્કમ ગતિથી બહાર આવતું ગયું. નવા નવા સંગીતકારો-ગાયકો ક્ષેત્રમાં આવતા ગયા અને સંગીતનિયોજકોનો એક આગવો વર્ગ ઉપસી આવ્યો. એવા જ અરસામાં ધ્વનીમુદ્રણ માટેની સુસજ્જ પધ્ધતિઓ વિકસી. આવા બધા સુયોગોને પરિણામે સને ૧૯૪૧ સુધીમાં ફીલ્મી ગીતોની રેકોર્ડ્સ માટેની માંગ પણ ઉભી થઈ.

બજારના સાદા નિયમ પ્રમાણે જે ક્ષેત્રમાં નામના તેમ જ કસદાર બદલો મળી રહે એમાં ક્ષમતાવાન ખેલાડીઓ દાખલ થાય છે. આ ન્યાયે સને ૧૯૪૧ થી ૧૯૫૦ના દસકામાં તો ધુરંધર સંગીતકારો, ગીતકારો અને ગાયકો તખતા ઉપર આવી ગયા. એમને પોતાની સર્જકતા પૂરી ક્ષમતાથી બતાડવા માટેના અનુકૂળ સંજોગો પણ મળી રહ્યા. આમ થતાં હિંદી ફીલ્મોને લાગે વળગે છે ત્યાં સુધી પાર્શ્વગાયન અને પાર્શ્વસંગીતના ક્ષેત્રમાં ક્રાંતિકારી સુધારાઓ થતા રહ્યા. રાયચંદ બોરાલ અને પંકજ મલિક જેવાઓ કલકત્તા અને મુંબઈ વચ્ચે આવન-જાવન કરવા લાગ્યા. અનિલ બીશ્વાસ, સચીન દેવ બર્મન, હેમંતકુમાર મુખરજી અને અન્ય કેટલાક સંગીતકારો બંગાળ છોડીને મુંબઈ આવી વસ્યા. નૌશાદઅલી અને મદનમોહન ઉત્તરપ્રદેશથી, ઓમપ્રકાશ નૈયર પંજાબથી અને ખેમચંદ પ્રકાશ રાજસ્થાનથી પોતપોતાનો કસબ લઈને આવી પહોંચ્યા. આમ, એક પછી એક નામી સંગીતકારો આ કાફલામાં જોડાતા ગયા. એમાંના થોડાનાં નામ યાદ કરી લઈએ….હુશ્નલાલ-ભગતરામ, સજ્જાદ હુસૈન, ગુલામ હૈદર, શંકર-જયકિશન, રોશનલાલ નાગરથ, વિગેરે પોતપોતાનો હૂન્નર લઈને આવ્યા અને જામી ગયા. એ જ રીતે શકીલ બદાયુંની, મજરૂહ સુલતાનપુરી, નક્શ લાયલપુરી, પ્રદીપજી, શૈલેન્દ્ર, હસરત જયપુરી જેવા નામી કવિઓ ફીલ્મો માટે ગીતો લખવા લાગ્યા. ગાયકોની વાત કરીએ તો જોહરાબાઈ અંબાલાવાલી, ખુરશીદ બેગમ, સુરૈયા, શમશાદ બેગમ, ગીતા દત્ત, લતા મંગેશકર અને સુમન કલ્યાણપુર જેવી ગાયીકાઓ તેમ જ પંકજ મલિક, કુન્દનલાલ સાયગલ, મહમદ રફી, મુકેશ, તલત મહમૂદ અને હેમંતકુમાર જેવા ગાયકો પણ કાફલામાં જોડાયા.

કોઈ પણ રસિક અને સુજ્ઞ વાચકને તરત જ ઉક્ત યાદીમાં સંગીતકારોમાં રામચન્દ્ર ચીતલકર અને સજ્જાદ હુસૈન, ગીતકારોમાં સાહિર લુધયાનવી અને ભરત વ્યાસ તેમ જ ગાયકોમાં આશા ભોંસલે અને મન્નાડે જેવાં કેટલાંય નામો ખૂટતાં હોવાની લાગણી થવા લાગે. હવે એક વધુ યાદી બનાવીએ. મ્યુઝીક એરેન્જર સેબેસ્ટીયન ડી’ સોઝા અને એન્થની ગોન્સાલ્વીસ, એકોર્ડીયન વાદક ગુડી સરવાઈ અને સુમીત મિત્રા, વાંસળી વાદક પન્નાલાલ ઘોષ અને હરીપ્રસાદ ચૌરસીયા. બહુ ઓછા શોખીનો આ યાદી અધૂરી હોવાની ફરિયાદ કરશે કે પછી એમાં પૂર્તતા કરવાનો પ્રયત્ન કરશે. કેમ કે, એમનાં નામ ઓછાં જાણીતાં કે અજાણ્યાં કહી શકાય એવાં છે. મ્યુઝીક એરેન્જર તરીકે અત્યંત પ્રતિષ્ઠીત એવું નામ દતારામનું પણ લઈ શકાય, જેમણે સ્વતંત્ર સંગીતકાર તરીકે પણ કેટલીક ફીલ્મોમાં સંગીત આપ્યું હતું. એ ઉપરાંત કેટલાક એરેન્‍જરોએ સ્વતંત્ર સંગીતકાર બનવાનો પ્રયત્ન કર્યો, અને એમાં ઓછેવત્તે અંશે સફળ પણ રહ્યા. એમાં મુખ્યત્વે સોનિક-ઓમી, બાસુ-મનોહરી, બાબલા અને ઉત્તમસીંઘ જેવાં નામો ગણાવી શકાય.

એકોર્ડીયન વાદકોમાં એનોક ડેનીયલ્સનો ઉલ્લેખ ન કરીએ તો એ યાદી અધૂરી ગણાય. એ જ રીતે વાંસળીવાદક સુમંત રાવ પોતાનું આગવું સ્થાન બનાવી ગયા છે. કેરસી લોર્ડ, બરજોર લોર્ડ, હોમી મુલ્લાં, કિશોર દેસાઈ, મનોહરી સીંઘ, એસ. હજારાસિંઘ…..! આ બધા એવા કલાકારો છે જેમનાં નામ ભાગ્યે જ પ્રકાશમાં આવ્યાં છે અથવા તો આવ્યાં જ નથી. ભાવક તરીકે આપણે ગીત સાથે ગાયક અને એના સંગીતકારને જોડીએ છીએ. બહુ બહુ તો ગીતકારને એમાં યશભાગી બનાવીએ. પણ એરેન્જર અને વાદકો બાબતે જાણવાની ભાગ્યે જ કોઈ દરકાર કરશે. તેમની ભૂમિકા કેટલી મહત્ત્વની હોય છે એનાં માત્ર બે-ત્રણ ઉદાહરણ જોઈએ. ‘આરાધના’ના ગીત ‘રૂપ તેરા મસ્તાના’ના મુખડાની લીંટી ‘ભૂલ કોઈ હમ સે ના હો જાયે’ પૂરી થાય કે તરત જ આવતો સેક્સોફોનનો અદ્‍ભુત ટુકડો કોણે વગાડ્યો છે? ‘બસંતબહાર’ના ગીત ‘મૈં પિયા તેરી તૂ માને યા ના માને’માં વાંસળી કોણે વગાડી છે? ‘કિસ્મત’ના ગીત ‘કજરા મોહબ્બતવાલા’માં હાર્મોનિયમ પર કોનાં આંગળાં ફર્યાં છે? ‘નવરંગ’ના ગીત ‘તૂ છુપી હૈ કહાં’માં શરણાઈવાદક કોણ? સ્વાભાવિકપણે જ આ યશ મુખ્ય સંગીતકારના નામે જમા થાય છે, પણ તેના અધિકારી જે તે વાદક હોય છે. એવા વાદકો, જેમના વિશે શ્રોતાઓ ભાગ્યે જ જાણે છે.

“ફિલ્મસંગીતના નક્શીકારો” ની લેખશ્રેણીમાં આપણે ફીલ્મી ગીત-સંગીતના પાયામાં ઢબૂરાઈને પડેલા મ્યુઝીક એરેન્જર્સ અને વિવિધ વાદકો વિશે વાત કરશું.

અહીં મ્યુઝીક એરેન્જરની ભૂમિકા વિશે થોડી જાણકારી મેળવવી જરૂરી છે. આપણે એવા સમયની વાત કરશું, જ્યારે ગીતો સર્જાતાં, અત્યારની જેમ ‘બેસાડાતાં’ નહીં. હાલના સમયમાં તો મોટા ભાગે ડેટાબેઝમાં પડેલી તરજો જ ઉપયોગે લેવાતી હોય છે, જ્યાં એરેન્જરની કોઈ મોટી ભૂમિકા રહેતી નથી. આ પધ્ધતિને વખોડ્યા વિના આપણે ફીલ્મી ગીત-સંગીતના સુવર્ણયુગમાં પ્રદાન કરી ગયેલા કસબીઓને યાદ કરવાનો ઉપક્રમ રાખશું. એ અરસાનું કોઈ પણ ફીલ્મી ગીત ગમી જાય તો આપણે જે તે સંગીતકાર/રોને એને માટેનું સંપૂર્ણ શ્રેય આપીએ છીએ. હકીકતે, એક વાર સંગીતકાર ગીતની સ્વરબાંધણી કરી લે પછી જ એ ગીતનો ખરો ઘાટ ઘડાવાનું શરૂ થતું. એ ગીત દરમિયાન કયા મકામ પર કયા વાજિંત્ર ઉપર કયો ટુકડો વગાડવાનો છે એ બાબતનું નિયમન એરેન્જર અથવા ઓરકેસ્ટ્રા કંડક્ટર તરીકે ઓળખાતા સંચાલક કરતા. જે તે વાદ્યના સાજીંદા પોતાના ભાગે આવતો ટૂકડો યોગ્ય સમયે વગાડી, એ ગીતમાં અનોખો રંગ પૂરી દેતા. આને માટે એ બધા જ કલાકારો સાથે મળીને દિવસો સુધી મહેનત કરતા. એક વાર એરેન્જરને બરાબર સંતોષ થાય પછી સંગીતકારની હાજરીમાં ગાયકો સાથે રીહર્સલ થતાં. આખરે બધું જ બરાબર હોવાની ખાત્રી થાય પછી એ ગીતનું ધ્વનિમુદ્રણ થતું. આપણે એવા સમયની વાત કરી રહ્યા છીએ જ્યારે ગીતનું ધ્વનિમુદ્રણ રેકોર્ડીંગ સ્ટુડીઓમાં સંપૂર્ણ વાદ્યવૃંદની સાથે એક જ સમયે થતું. આપણા કાને પડી, આપણને તરબતર કરી દેતા એક એક ગીત પાછળ મહિનાઓ માટે મહેનત કરવામાં આવી હોવાનાં ઉદાહરણ પણ નોંધાયેલાં છે. એમાં જોડાયેલા અનામી કલાકારોને આ રીતે યાદ કરવાથી આપણને સંતોષ મળશે. અહીં જાણીતા શાયર કિસ્મત કુરેશીની એક રચનાનો મુખડો યાદ આવે છે.

‘સ્વર-શબ્દ તણા અમે સ્વામી, કહી બજાવ્યું ગાયું ત્યાં તો મહેફીલ જામી જામી’

બસ, આવી આવી મહેફીલો જમાવી, આપણી વચ્ચે એમની કલાનો નિચોડ રમતો મૂકી, અલોપ થઈ ગયેલા એ અનામી ગાંધર્વોને આ બહાને યાદ કરવાથી આપણને પણ આનંદ-આનંદ વ્યાપી રહેવાનો છે.

હિન્‍દી ફિલ્મીસંગીતના વાદકો અને નિયોજકોનો પરિચય કરાવતી “ફિલ્મસંગીતના નક્શીકારો” ની શ્રેણી દર મહિનાના ત્રીજા શનિવારે પ્રકાશિત થશે.


શ્રી પિયૂષ પંડ્યાનું વીજાણુ સંપર્ક સરનામું: piyushmp30@yahoo.com

Author: admin

5 thoughts on “‘ત્યાં તો મહેફીલ જામી જામી’

  1. વાહ વાહ.. અનુંઠો વિષય.. એવી લાગણી થઈ કે આ લેખ પૂરો જ ન થાય.. એક મહિનો શેં નીકળશે!

  2. ખૂબ સરસ માહિતી, એરેન્જરની ભૂમિકા જાણવા મળી

  3. ખૂબજ સુંદર રજુઆત.ઘણી અજાણી વાતો જાણવાની ચોક્કસ મઝા જ આવશે, એમાં કોઈ શક નથી. નવા લેખની રાહ જોવાનું ગમશે.

  4. આ સિરીઝ એક ઓછાં જાણીતાં અંગ વિશે ચર્ચા કરવાનો પ્રયત્ન કરશે એ કારણે રસપ્રદ બનવાની સંભાવના લઈને આવે છે. અંગ્રેજીમાં આવાં વણસ્પર્શ્યા રહેલાં પાસાંઓની મૂલ્યવાન માહિતી થોડા પ્રમાણમાં ઉપલબ્ધ છે, પણ ગુજરાતીમાં કંઇ જ નથી.

Leave a Reply

Your email address will not be published.