– બીરેન કોઠારી
સંસ્કૃતિનો શબ્દકોશનો અર્થ છે ‘સંસ્કારીતા’, ‘અમુક વિશિષ્ટ સંસ્કારોનો સમુદાય’, ‘સામાજિક પ્રગતિ’ અને વધુ સરળ શબ્દોમાં કહીએ તો ‘રહેણીકરણી’ યા ‘રીતરિવાજ’. આપણી ભારતીય સંસ્કૃતિની વિશેષતા ‘વિવિધતામાં એકતા’ છે. એ રીતે જોઈએ તો દરેક વસવાટ, નગર કે રાજ્ય આગવી સંસ્કૃતિ ધરાવે છે. આ ભૌગોલિક વિવિધતાની વાત થઈ, જ્ઞાતિગત રીતરિવાજો અને તેની વિવિધતા તો અલગ. વિવિધતાની માત્રા કે વ્યાપ જાણવા પૂરતાં એકાદ બે ઉદાહરણ બસ થઈ પડે. એક તરફ સંસાર ત્યાગીને સમષ્ટિના હિત કાજે નીકળી પડતા સંતમહાત્માઓ આપણા દેશમાં થઈ ગયા, તો ‘કામસૂત્ર’ સમા શૃંગારરસના પાઠ્યપુસ્તક જેવા ગ્રંથનું નિર્માણ પણ અહીં જ થયું. કામને કર્મયોગનો દરજ્જો આપનારી આ ભૂમિ છે, તો કામચોરી આપણે ત્યાં સ્વીકૃત વ્યવહાર છે. વિરોધાભાસી હોય એ હદની વિવિધતાઓ આપણા દેશમાં જોવા મળે છે. આવા સંજોગોમાં કોઈ રાજકારણી કે રાજકીય પક્ષ ભારતીય સંસ્કૃતિની દુહાઈ આપવા લાગે ત્યારે હસવું કે રડવું એ ન સમજાય.
સંસ્કૃતિ ચાહે કોઈ પણ પ્રદેશની હોય, તેને વ્યવહારની વ્યાખ્યા કે મર્યાદામાં બાંધવી અઘરી છે. તે પાણી જેવી હોય છે. જે પાત્રમાં તેને ભરો એવો આકાર એ ધારણ કરી લે. વિવિધતાસભર સંસ્કૃતિવાળા આપણા દેશ માટે તો એ ખાસ લાગુ પડે છે. આજકાલ કોરોના વાઈરસનો પ્રકોપ જે રીતે પ્રસરવા માંડ્યો છે એ જોઈને ઘણા લોકોને ભારતીય સંસ્કૃતિની મહાનતા નવેસરથી સમજાવા લાગી છે. સંસ્કૃતિગૌરવ, બલ્કે મિથ્યાગૌરવની આ જ મઝા છે. મન ફાવે એમ વર્તવાનું, અને વખત આવ્યે આપણી સંસ્કૃતિની મહાનતાનું રટણ કરવાનું. કોરોના વાઈરસ આંખ, નાક કે મોં વાટે અને આ સ્થાનોએ હાથના સ્પર્શ થકી પ્રવેશી શકે છે એ જાણ્યા પછી અચાનક સંસ્કૃતિપ્રેમીઓને ભાન થયું કે ભારતીય પરંપરામાં બે હાથ જોડીને ‘નમસ્તે’ કરવાનો રિવાજ છે. એમ કરવાથી સ્પર્શ ટળે છે. બસ, ઉપરાઉપરી સંદેશા મોકલવાનું શરૂ થઈ ગયું અને ભારતીય સંસ્કૃતિનો જયજયકાર થવા લાગ્યો.

આપણી સંસ્કૃતિમાં ચાહે ગમે એટલી વિવિધતા હોય, કેટલીક સમાનતાઓ પણ છે. સૌથી મોટી સમાનતા છે ગંદકીની. સ્વચ્છતા પ્રત્યેનો ભારતીયોનો અભિગમ કેવો છે એ જાણવા માટે કોઈ સર્વેક્ષણ કે અભ્યાસની જરૂર નથી. પોતાના ઘરની બહાર ખુલ્લી આંખે નીકળવું પૂરતું છે. માનો કે સંસ્કૃતિના નામે કોઈને આંખે પાટા બાંધવાની ઈચ્છા હોય તો ભલે, નાક ખુલ્લું હોય તો પણ વાંધો નથી. પોતાની શેરીનો, વિસ્તારનો કે નગરનો કચરો આખરે ક્યાં ફેંકાય છે? આ સવાલનો જવાબ નાક જ આપી દઈ શકે એમ છે. જે ચીજ માટે શરમ અનુભવવાની હોય, તેને માટે ગૌરવ અનુભવતા થઈ જવાથી ઘણી જફામાંથી બચી જવાય છે.

થોડા સમય પહેલાં વિચિત્ર જણાય એવા એક સમાચાર પ્રકાશિત થયા હતા. કોલકાતાના ખ્યાતનામ હાવડા બ્રીજના 78 સ્તંભો પર ફાઈબર ગ્લાસનું આવરણ ચડાવવાનો નિર્ણય ‘કોલકાતા પોર્ટ ટ્રસ્ટ’ દ્વારા લેવામાં આવ્યો હતો. વિશ્વના સૌથી વ્યસ્ત ગણાતા આ બ્રીજની જાળવણી ‘કોલકાતા પોર્ટ ટ્રસ્ટ’ને હસ્તક છે. આ નિર્ણય પાછળનું કારણ જાણવા જેવું છે. પોર્ટ ટ્રસ્ટના મુખ્ય ઈજનેરના જણાવ્યા અનુસાર, ‘લોકો પાન અને ગુટખા ખાઈને થૂંકતા હોવાથી બ્રીજની હાલત પર તેની વિપરીત અસર થઈ છે. સ્તંભને રક્ષણ કરતા લોખંડના હૂડ પર પડતા સતત થૂંકને કારણે કટાઈને તેની જાડાઈ છ મિ.મી.થી ઘટીને ત્રણ મિ.મી. જેટલી થઈ ગઈ છે. આમ, આ પુલનો આધાર નબળો પડ્યો છે.’ સોપારી અને ચૂનાના મિશ્રણવાળું થૂંક સ્તંભના પાયા માટે ઘાતક સાબિત થાય છે, કેમ કે, તેનાથી લોખંડ કટાવા લાગે છે.
ફાઈબર ગ્લાસનું આવરણ આ સ્તંભો પર લગાવવામાં આવશે એ પછી શું થશે? એ પછી થૂંકની પીચકારી લોખંડના સ્તંભને બદલે આ ફાઈબર ગ્લાસ પર પડશે. ફાઈબર ગ્લાસનો ફાયદો એ છે કે તેને ધોઈ શકાશે. એટલે કે થૂંકનો લાલ રંગ આ આવરણ પરથી સાફ કરી શકાશે. હા, થૂંકવાનું નહીં અટકાવી શકાય. થૂંકવા પર કદાચ દંડ લાગુ કરી શકાય, પણ સ્વચ્છતા પ્રત્યેનો અભિગમ કેળવીને લોકો થૂંકવાનું બંધ કરે એ શક્યતા નહીં જેવી છે. કેમ કે, આ આપણી સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. આપણી આસપાસના કોઈ પણ ખૂણે, બહુમાળી મકાનના દાદરના ખૂણે, લીફ્ટની આસપાસ એક નજર કરવાથી સમજાશે કે આ દૂષણ કોઈ એક પ્રાંત પૂરતું મર્યાદિત નથી. ચાલુ વાહને થૂંકનારા, અને અમુક તો ચાલુ વાહનનું બારણું ખોલીને થૂંકનારા પરાક્રમવીરો પણ આપણે ત્યાં પાકતા રહે છે.
પોતે પાન કે ગુટખા ન ખાતા હોય એવા લોકો કદાચ આશ્વાસન લઈ શકે કે પોતે ક્યાંય થૂંકતા નથી. પણ એવું થોડું છે કે પાન ખાધું હોય તો જ થૂંકાય? એ વિના ગમે ત્યાં થૂંકનારા કે છીંકનારાઓને દેશનિકાલ કરવામાં આવે તો દેશ આખો ખાલી થઈ જાય.
હવે તો વિવિધ રાજ્યોમાં ખુલ્લામાં થૂંકવા બદલ દંડ નક્કી કરવામાં આવ્યો છે, પણ આવા કાયદા બનાવવાની આપણને ક્યાં નવાઈ છે? ‘માંડવાળી’ પણ આપણી સંસ્કૃતિનો હિસ્સો છે. જાહેરમાં કચરો ફેંકવો, ખુલ્લામાં શૌચ જવું વગેરે ક્રિયાઓ તો પછીના તબક્કાની છે. ખુલ્લામાં અને ગમે ત્યાં ન થૂંકવાનો સ્વચ્છતાનો સાદો નિયમ પણ આપણે બરાબર પાળીએ તો ગૌરવ લેવા જેવી સંસ્કૃતિની બીજી અનેક બાબતો પર આપણું ધ્યાન જઈ શકે. આ જાગૃતિ પણ સરકાર લાવવાની હોય તો આપણે ‘નમસ્તે’ કરીને બેસી રહેવું અને ‘આપણી સંસ્કૃતિ મહાન’નું સમૂહગાન ગાયા કરવું. એટલું ધ્યાન રાખવું કે ગાતાં ગાતાં છીંક આવે તો મોં અને નાક આડો પોતાનો હાથરૂમાલ ધરી દેવો.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૨-૩-૨૦૨૦ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)
સંપાદકીય નોંધ – અહીં રજૂ કરેલી તસ્વીરો સાંકેતીક છે અને નેટ પરથી સાભાર લીધેલ છે. તેમના પ્રકાશાનાધિકાર મૂળ રચિયતાના અબાધિત છે.