ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ – ૧૯૧૬થી ૧૯૩૫ : પ્રકરણ ૪૦ :: લાહોર કાવતરા કેસ (૧)

દીપક ધોળકિયા

આપણે આ ભાગના ૩૧મા પ્રકરણમાં સૌંડર્સની હત્યાની વાત વાંચી અને તે પછી ૩૩મા પ્રકરણમાં ઍસેમ્બ્લીમાં ભગત સિંઘ અને બટુકેશ્વર દત્તે બોંબ ફેંક્યો તેના વિશે વાત કરી. ભગતસિંઘ અને બટુકેશ્વર દત્તને સજાઓ થઈ અને દત્તની આઝાદ ભારતમાં શી હાલત થઈ તે પણ આપણે જોયું. પરંતુ આપણે એ વાત ત્યાં જ અધૂરી છોડી દીધી હતી.

મેરઠમાં કમ્યુનિસ્ટો અને ટ્રેડ યુનિયન કાર્યકર્તાઓ વિરુદ્ધ કેસ ચાલતો હતો ત્યારે લાહોરમાં પણ સરકારને ઉથલાવી પાડવાની કોશિશના આરોપસર એક કેસ ચાલતો હતો. આ ‘લાહોર કાવતરા કેસ’ એટલે ભગત સિંઘ અને એમના ૨૭ સાથીઓ વિરુદ્ધનો કેસ. ઇતિહાસ આ કેસને બીજો લાહોર કાવતરા કેસ કહે છે, પહેલો કેસ ગદર પાર્ટીના વિદ્રોહીઓ વિરુદ્ધ ચાલ્યો એમાં ૧૯ વર્ષના કરતાર સિંઘ સરાભા, જગત સિંઘ સુરસિંઘ, વિષ્ણુ ગણેશ પિંગલે, હરનામ સિંઘ સ્યાલકોટિયા અને ત્રણ ભાઈઓ બખ્શીશ સિંઘ, સુરૈણ સિંઘ અને સુરૈણ સિંઘ (બીજા)ને લાહોરની જેલમાં ફાંસીની સજા થઈ હતી (જુઓ પ્રકરણ ૧૪, ૨૦//૨૦૧૯).

૧૯૨૯ની છઠ્ઠી જૂને દિલ્હીમાં સેશન્સ કોર્ટ સમક્ષ ભગત સિંઘ અને બટુકેશ્વર દત્ત સામે ઍસેમ્બ્લી બોંબકાંડમાં કેસ શરૂ થયો. એમણે ‘અપરાધ’નો સ્વીકાર કર્યો પરંતુ પ્રોસીક્યુશને ઘડી કાઢેલા નકલી આરોપોનો ઇનકાર કર્યો. એમણે જ્યારે બોંબ ફેંક્યો ત્યારે પબ્લિક સેફ્ટી ઍક્ટ અને ઇંડસ્ટ્રિયલ ડિસ્પ્યૂટ ઍક્ટ પર ચર્ચા ચાલતી હતી અને એ બિલને હાઉસ નામંજૂર કરે તેવું હતું ત્યારે જ સરકારી મંત્રીએ જાહેરાત કરી કે વાઇસરૉયે એ બિલને પહેલાં જ મંજૂરી આપી દેતાં એને હવે કાયદાનું રૂપ મળી ગયું છે.

મેરઠમાં સામ્યવાદીઓ અને ટ્રેડ યુનિયન નેતાઓ સામે પણ આ જ કાયદા હેઠળ કેસ ચાલતો હતો. ભગત સિંઘ અને બટુકેશ્વર દત્તના નિવેદનમાં મેરઠના બિરાદરોનો ઉલ્લેખ છે. એમણે કહ્યું કે,

અમે આ કામ કોઈ વ્યક્તિગત સ્વાર્થ કે દ્વેષભાવથી નથી કર્યું. અમારો હેતુ માત્ર એ શાસન વ્યવસ્થાનો વિરોધ કરવાનો હતો, જેના દરેક કામ દ્વારા માત્ર એની અયોગ્યતા નહીં, પરંતુ લોકોનું બુરું કરવાની એની અપાર ક્ષમતા પણ દેખાય છેઅને એ એક બેજવાબદાર અને નિરંકુશ શાસનનું પ્રતીક છેટૂંકમાં અમને આ સંસ્થા (બ્રિટિશ સરકાર)નું અસ્તિત્વ સમજાયું નથીમજૂર આંદોલનના નેતાઓની ધરપકડ વિશે અમે વિચારતા હતા તે જ વખતે સરકાર ઇંડસ્ટ્રિયલ ડિસ્પ્યૂટ ઍક્ટ લઈ આવી કાનૂન, જેને અમે જંગલી અને અમાનવીય માનીએ છીએ, તે દેશના પ્રતિનિધિઓના માથા પર ઠોકી બેસાડ્યો અને એ રીતે કરોડો સંઘર્ષરત ભૂખ્યા મજૂરોને પ્રાથમિક અધિકારોથી પણ વંચિત કરી દીધા અને એમના હાથમાંથી એમની આર્થિક મુક્તિનું એકમાત્ર હથિયાર પણ ઝુંટવી લીધું. જેણે પણ કમરતોડ મજૂરી કરનારા મૂંગા મહેનતકશોની હાલત જોઈ છે, તે કદાચ મન સ્થિર રાખીને આ બધું જોઈ ન શકે. બલિના બકરાની જેમ શોષકોનીઅને સૌથી મોટી શોષક તો સરકાર જ છેબલિવેદી પર રોજબરોજ અપાતાં મજૂરોનાં બલિદાનો જોઈને જેનું હૈયું રડી ઊઠતું હશે તે પોતાના અંતરાત્માના આર્તનાદની ઉપેક્ષા ન કરી શકે.”

માત્ર ભગત સિંઘ કે બટુકેશ્વર દત્ત જ નહીં હિન્દુસ્તાન સોશ્યલિસ્ટ રીપબ્લિકન ઍસોસિએશનના બધા સભ્યોનો નિર્ણય હતો કે એમણે પોતાના કૃત્યનો કોર્ટમાં સ્વીકાર કરવો પરંતુ કોર્ટ દ્વારા બોલવાની તક મળે તેનો ઉપયોગ પોતાના વિચારો રજૂ કરવા માટે કરવો જેથી એને બહોળી પ્રસિદ્ધિ મળે. રામ પ્રસાદ બિસ્મિલ, અશ્ફાકુલ્લાહ વગેરે કાકોરી કાંડના શહીદોએ પણ એ જ રસ્તો લીધો હતો.

ભગત સિંઘ અને બટુકેશ્વર દત્તે પોતાના નિવેદનમાં ‘હિંસા-અહિંસા’ વિશેની પોતાની અવધારણા પણ સ્પષ્ટ કરીઃ

હુમલાના ઉદ્દેશથી હિંસા થતી હોય તો તેને નૈતિક દૃષ્ટિએ વાજબી ન ઠરાવી શકાય; પરંતુ હિંસા કોઈ માન્ય આદર્શ માટે આચરી હોય તો તેનો નૈતિક આધાર છે.

ભગત સિંઘને નિચલી કોર્ટમાં જજે સવાલ પૂછ્યો હતો કે તમે ક્રાન્તિની વાત કરો છો તેનો અર્થ શો છે? ભગત સિંઘે જવાબ આપ્યો કે

ક્રાન્તિ માટે લોહિયાળ લડાઈઓ જરૂરી નથી. વ્યક્તિગત બદલાની હિંસાને એમાં સ્થાન નથી. ક્રાન્તિ બોંબ અને બંદૂકનો સંપ્રદાય નથી. ક્રાન્તિ એટલે વર્તમાન અન્યાયપૂર્ણ સમાજ વ્યવસ્થામાં ધરમૂળથી ફેરફાર.

ભગત સિંઘ અને બટુકેશ્વર દત્તને કોર્ટે આજીવન કારાવાસની સજા કરી. કેસ હાઇકોર્ટમાં ગયો ત્યારે પણ ભગત સિંઘે ફરી એમના દર્શનની છણાવટ કરતું નિવેદન કર્યું પણ એમની સજા મંજૂર રહી. જો કે, હાઈકોર્ટના જજ એસ. ફૉર્ડે ચુકાદો આપતાં જે લખ્યું તે ધ્યાન માગી લે તેવું છે –

કહેવાનું જરાયે ખોટું નથી કે આ બયાન દેખાડે છે તેમ આ લોકો ખરા હૃદયથી વર્તમાન સમાજના માળખાને બદલવા માગે છે. ભગત સિંઘ એક સાચા અને નિષ્ઠાવાન ક્રાન્તિકારી છે અને મને એ કહેતાં સંકોચ નથી કે સપનું લઈને એ નિષ્ઠાથી ઊભા છે કે વર્તમાન સમાજને તોડ્યા વિના નવો સમાજ રચી ન શકાય. તેઓ કાયદાની જગ્યા વ્યક્તિની સ્વતંત્ર ઇચ્છાને આપવા માગે છે. અરાજકતાવાદીઓની હંમેશાં એ માન્યતા રહી છે. આમ છતાં ભગત સિંઘ અને એમના સાથી પર જે આરોપ છે તેનો આ બચાવ નથી.”

૧૨મી જૂને આ ભગત સિંઘને પંજાબમાં મિયાંવાલીની જેલમાં લઈ ગયા અને બટુકેશ્વર દત્તને લાહોર સેંટ્રલ જેલમાં રાખવામાં આવ્યા. બન્નેને એક સાથે એ જ ટ્રેનમાં લઈ જવાયા પણ ડબ્બા જુદા રખાયા. પરંતુ ભગત સિંઘની વિનંતિથી એમને સાથે બેસવા દેવાયા. એ જ વખતે બન્નેએ નક્કી કર્યું કે જેલમાં રાજકીય કેદીઓની સ્થિતિ ખરાબ હોય છે એટલા માટે ઉપવાસ શરૂ કરવા. ઉપવાસ દ્વારા સતત લોકોની ચર્ચાઓમાં રહેવું, એવો ભગત સિંઘનો વ્યૂહ હતો. બન્ને જણે જેલમાં પહોંચતાંવેંત ઉપવાસ શરૂ કરી દીધા, અને એમની સાથે બીજા બધા રાજકીય કેદીઓ પણ જોડાયા.

જતીન દાસ (યતીન્દ્રનાથ દાસ) પણ ઉપવાસ કરનારામાં હતા, એમણે સરકારને પત્ર લખ્યો તેમાં એમની ઓળખ પરેડનું નાટક થયું તેનો ભંડો ફોડી નાખ્યો છે. એમને એક જગ્યાએ લઈ જવાયા ત્યાં ગલીમાંથી પાંચ-છ સફાઈ કર્મચારીઓ આવ્યા. જતીન દાસ લખે છે કે ગલીમાં મૅજિસ્ટ્રેટની કાર ઊભી હતી તેમાં એક માણસ બેઠો હતો તે એ લોકોને સમજાવતો હતો. જતીન દાસ એમને ઓળખવાનો દાવો કરનારાને ચકાસવા માટે સવાલો પૂછવા માગતા હતા પણ એમને મોકો ન અપાયો. એમણે કહ્યું કે પંજાબીઓની વચ્ચે બંગાળી જોતાંવેંત ઓળખાઈ જાય, એટલે એમની સાથે એમના જેવા જ બંગાળીઓને ઊભા રાખવા જોઈતા હતા.

ઉપવાસ લાંબા ચાલ્યા અને સરકાર એમને રાજકીય કેદીઓનો દરજ્જો આપવા તૈયાર નહોતી. ઉપવાસી કેદીઓએ હોમ સેક્રેટરીને એક સંયુક્ત પત્ર લખીને જતીન દાસની સ્થિતિની જાણ કરી પણ સરકારે કંઈ ન કર્યું. ૬૩ દિવસના ઉપવાસને અંતે ૧૯૨૯ના સપ્ટેમ્બરની ૧૩મીએ જતીન દાસે પ્રાણ ત્યાગ કર્યો. મૃત્યુ સમયે એમની ઉંમર ૨૪ વર્ષની હતી.

લાહોરથી એમના પાર્થિવ દેહને કલકત્તા લઈ જવાયો. ભગવતી ચરણ વોહરાનાં પત્ની દુર્ગાભાભીએ લાહોરમાં શ્મશાન યાત્રાની આગેવાની લીધી. કલકત્તામાં હાવડા સ્ટેશને સુભાષ ચંદ્ર બોઝ ઉપસ્થિત રહ્યા. કોંગ્રેસના બધા નેતાઓએ જતીન દાસને અંજલિ આપી. પંજાબમાં મહંમદ આલમ અને ડૉ. ગોપીચંદ ભાર્ગવે ઍસેમ્બ્લીમાંથી રાજીનામાં આપી દીધાં. મોતીલાલ નહેરુએ સેંટ્રલ ઍસેમ્બ્લીનું કામકાજ સ્થગિત રાખવાનો ઠરાવ રજૂ કર્યો, જે ૫૫ વિ.૪૭ મતે પસાર થયો. સુભાષ ચંદ્ર બોઝે જતીન દાસને દધીચિ મુનિ સાથે સરખાવ્યા. દધીચિએ ઇન્દ્રનું વજ્ર બનાવવા માટે પોતાનાં હાડકાં આપી દીધાં હતાં. જવાહરલાલ નહેરુએ પ્રાર્થના કરી કે આઝાદી માટે જતીન દાસે અધૂરી મૂકેલી લડાઈને આગળ વધારવાની અને વિજય સુધી લડતા રહેવાની શક્તિ દેશવાસીઓને મળો.

ગાંધીજીએ અંજલિ કેમ ન આપી?

જતીન દાસને ગાંધીજીએ અંજલિ ન આપી. આ મુદ્દો ચર્ચાસ્પદ પણ બન્યો. એમને કેટલાયે વાચકો પત્ર લખીને પૂછતા અને ગાંધીજી એનો એક જ જવાબ આપતા કે મારું મૌન રાષ્ટ્રહિતમાં હતું. એમણે ૧૭.૧૦.૧૯૨૯ના Young Indiaમાં વિગતે લખ્યું જે ટૂંકમાં આ પ્રમાણ હતું – ગાંધીજી જે કારણે જેલમાં જતીન દાસ, ભગત સિંઘ વગેરે કેદીઓએ ઉપવાસ શરૂ કર્યા હતા, તેની સાથે સંમત નહોતા. એમનું માનવું હતું કે દેશની આઝાદીથી નાના, કોઈ પણ કારણ માટે ઉપવાસ કરીને પ્રાણ ન અપાય. ગાંધીજી જાહેરમાં આ અભિપ્રાય આપવા નહોતા માગતા. એમણે કહ્યું કે જો એમણે અભિપ્રાય આપ્યો હોત તો સરકાર એનો પોતાને અનુકૂળ અર્થ કરીને આ ઘટનાને ઉતારી પાડે. ગાંધીજીએ કહ્યું કે જાહેર જીવનમાં ક્યારેક મૌન રાખવું એ બોલવા કરતાં વધારે સારું હોય છે. એમણે રાજકીય કેદીઓને વધારે સગવડો માટેની માગણી વિશે કહ્યું કે હું તો માનું છું કે દરેક કેદીને સારી સગવડો મળવી જોઈએ. એમણે કહ્યું કે મને સાંભળવા મળ્યું છે કે જતીન દાસ હિંસાને ખાળવામાં મારા કરતાં પણ વધારે સમર્થ હતા. આમ ગાંધીજીએ એમના બલિદાન અને મૂલ્યોની પ્રશંસા કરી પણ ઉપવાસ અને એને કારણે મૃત્યુ થઈ જાય તે એમને સ્વીકાર્ય નહોતું.

હજી આ કથા આવતા અઠવાડિયે પણ ચાલુ રહેશે.

૦૦૦

સંદર્ભઃ ભગત સિંઘ ઔર ઉનકે સાથિયોં કે સંપૂર્ણ ઉપલબ્ધ દસ્તાવેઝ. પ્રકાશક રાહુલ ફાઉંડેશન, લખનઉ.

૦૦૦

શ્રી દીપક ધોળકિયાનાં સંપર્કસૂત્રો
ઈમેલઃ
dipak.dholakia@gamil.com
બ્લૉગઃ મારી બારી

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.