સમયચક્ર : કપડાં સીવવાનો સંચો શોધાયો ન હોત તો ?

વસ્ત્ર ! આ શબ્દ સાથે કેટલું બધું જોડાયેલું છે. માનવ સભ્યતા અને જુદી જુદી જાતિઓની ઓળખ એવાં વસ્ત્રો માણસનો શોખ છે. વસ્ત્રો માણસ હોય તે કરતા વધારે સુંદર દેખાડે છે. વસ્ત્રો સુંદરતાને નિખારે છે સાથે સાથે કેટલીય કદરુપતાને ઢાંકે છે. વસ્ત્રોના મૂળિયાં તો વૃક્ષોના પાદડાં અને વલ્કલની છાલમાં સુધી લંબાય છે. કાપડની શોધ પછી પણ માનવદેહ ઢંકાયો ખરો પણ સુરક્ષિત ત્યારે થયો જ્યારે સોય, દોરો અને સીવવાનો સંચો શોધાયો. આજે તૈયાર કપડાંનું ચલણ વધતું જાય છે તોય પણ દરજીને માપ દેવું અને પોતાનું વસ્ત્ર સીવાતુ જોવું તે રોમાંચ પણ અકબંધ છે.

(સિલાઈ મશીનનું એક સમયનું બહુ પ્રચલિત સ્વરૂપ)

માવજી મહેશ્વરી

વસ્ત્રો વિશે કહેવાયું છે કે એક નૂર આદમી હજાર નૂર કપડાં. કહેનારે તો આગળ ઘણું કહ્યું છે. પણ અહીં લખેલા વાક્યમાં જીવનમાં વસ્ત્રોનું મહત્વ કેટલું છે તે પ્રતિત થાય છે. ઘડીભર કલ્પના કરીએ કે જો સોય અને દોરો શોધાયા જ ન હોત તો ? આપણે પૂર્વજોની જેમ વસ્ત્રો વીંટીને ફરતા હોત. વસ્ત્ર પહેરવા કરતાં વીંટવા કેટલા અસુવિધાજનક છે એ જ્યારે કોઈ ખાસ પ્રસંગે ધોતિયું પહેરવું પડે કે આધુનિક યુવતિને સાડી પહેવાનું થાય છે ત્યારે સમજાય છે. અને જો સીવવાનો સંચો શોધાયો ન હોત તો ? વસ્ત્રોની આજની આ ફેશન હોત ખરી ? જાત જાતના વસ્ત્રોની ડીઝાઈન હોત ખરી ? ત્યારે વિચાર આવે કે દુનિયાના અસંખ્ય યંત્રોમાનું એક યંત્ર એવો કપડાં સીવવાનો સંચો આપણી કેટલી બધી સેવા કરે છે. સુંદર વસ્ત્રો પહેરવાની અને દેખાવડા લાગવાની ઈચ્છા મનુષ્યના લોહીની અંદર વહે છે. તેમાંય મહિલાઓનો વસ્ત્ર શોખ આદિકાળનો છે. સુંદર વસ્ત્રો મહિલાનો શોખ નહીં, મોટાભાગે સ્વભાવ હોય છે. વસ્ત્રોની બજાર મહિલાઓના આ સ્વભાવ ઉપર જ ચાલે છે એમ કહીએ તો પણ ચાલે. એટલે જ બજારમાં પુરુષોના પ્રમાણમાં મહિલાઓના વસ્ત્રોની ડીઝાઈન અને રંગોની વિપુલતા વધારે હોય છે. જોકે સંચાની સાથે સાથે દરજીને પણ યાદ કરવો જોઈએ. કેમકે દરજી આપણાં દેહના આકારને નિખારી આપતો કારીગર છે. સીલાઈનો સંચો શોધાયો તે સમય અને વર્તમાન સમય વચ્ચે ઘણું અંતર પડી ગયું છે. પણ તેમ છતાં ભારતીય ઉપખંડની પ્રજાની વસ્ત્ર પરંપરા જ એવી છે કે તે વસ્ત્રો કોઈ ફેક્ટરીમાં સીવવા શક્ય નથી. જેમકે પોલકું ( બ્લાઉઝ ). આ વસ્ત્ર પરંપરાએ જ હજુ સીલાઈના સંચાને સામાન્ય માણસની સાથે જોડી રાખ્યો છે. એટલું જ નહીં, નાના મોટા અનેક કારીગરોનું રોજીનું કારણ બની રહ્યો છે સીલાઈનો સંચો.

આમ તો દુનિયાની કેટલીય એવી શોધો છે જેણે મનુષ્યના જીવનનો અર્થ બદલાવી નાખ્યો છે. મનુષ્ય જીવનને ગૌરવ બક્ષ્યું છે. ઔદ્યોગિક ક્રાંતિનો અઢારમી સદીનો એ સમય પશ્ચિમની પ્રજાનો ઉર્જા વિસ્ફોટનો સમય હતો. એ સમય દરમિયાન જ કેટલીય એવી મશીનો શોધાઈ જેણે જગતની અનેક ક્ષિતિજોને વિસ્તારી નાખી. એ પ્રારંભિક શોધોના અતિ આધુનિક સ્વરૂપો જગત આજે જોઈ રહ્યું છે. સીલાઈનો સંચો પણ એમાનું એક યંત્ર છે જેના આજે પોર્ટેબલ ( હેરફેર કરી શકાય તેવા ) સ્વરૂપો ઉપલબ્ધ છે. એટલું જ નહીં ચામડું, કપડાંના બે પડને જોડવાના યંત્ર તરીકે બનાવાયેલું આ યંત્ર પેટ્રોલિયમ પદાર્થોની શોધ અને તેમાંથી જ બનતી ZEEP ( ચેન )ની રચના પછી આ મશીને અનેક સીમાઓ વિસ્તારી દીધી. વર્તમાન સમયમાં સરેરાશ બે હજાર જેટલા જુદી જુદી જાતના સીલાઈ કરવાના સંચા કપડાં સીવવા તેમજ અન્ય ઔદ્યોગિક એકમોમાં ખપ લેવાય છે.

સીવવાના સંચાની શોધથી પહેલાં એવું ન્હોતું કે લોકો સીવેલાં કપડાં પહેરતાં ન હતા. સીવેલાં કપડાંનો ઈતિહાસ ઘણો જૂનો છે. પરંતુ એ વસ્ત્રો હાથથી સીવાતા હતા. અહીં એક વિચાર આવે કે હાથથી સીવાતા વસ્ત્રઓના સમયમાં સોય તો હશે ને ? એટલે સીલાઈના સંચાની શોધથી પહેલા સોય અને દોરાની શોધ થઈ ચૂકી હતી. સોય અને દોરા પરથી જ સીવવાનો સંચો અસ્તિત્વમાં આવ્યો છે. એટલું જ નહીં, તેની પાછળ મોચીની યુક્તિ સમાયેલી છે. મોચી જ્યારે ચામડાના બે પડને સાંધે છે ત્યારે ખાંચાવાળી આર દ્વારા સળંગ દોરા ઉપર બીજા દોરા વડે આંટી મારે છે. મોચી હાથથી જે કામ કરે છે એજ પ્રયુક્તિ દરજીનું મશીન સોય અને બોબિન વડે કરે છે. પરંતુ આ મશીન અનેક પડકારો અને મુશ્કેલીઓ વચ્ચેથી પસાર થયું છે.

સિલાઈ મશીનની વાસ્તવિક શોધ ૧૮૪૫માં થઈ હતી. જોકે તેનાથી પહેલા ૧૭૫૫ અને ૧૭૯૦માં સીલાઈ મશીનની પેટન્ટ રજુ થઈ હતી પરંતુ તેને ખાસ કોઈ આવકાર મળ્યો ન હતો. ૧૯૩૦માં બાર્થલેમ થિમાનિયર નામના એક ગરીબ દરજીએ ફ્રાન્સમાં લાકડાનું સીલાઈ મશીન પેટન્ટ માટે મૂક્યું. કોઈ કારણસર કેટલાક લોકોએ એ દરજીના વર્કશોપ ઉપર હૂમલો કર્યો. પોતાની મશીન અને જીવ બચાવી દરજીએ ભાગવું પડ્યું. જોકે તેણે તે પછી લોખંડનું મશીન બનાવ્યું અને ૧૮૪૫માં અમેરિકામાં એક મશીન તરીકે નોંધાવ્યું. પરંતુ દુનિયાની મશીનોના શોધકર્તાની યાદીમાં સીલાઈ મશીનની શોધ અમેરિકાના ઈલિયાસ હોવેના નામે ચડેલી છે. ઈલિયાસ હોવે ૧૦મી સપ્ટેમ્બર ૧૮૪૬ના રોજ આધુનિક સીલાઈ મશીનના પેટન્ટ લીધા હતા. ઈલિયાસ હોવેનો જન્મ ૧૮૧૯ની ૯મી જુલાઈએ થયો હતો જેમણે ૧૯૩૫માં અમેરિકાની એક ટેક્સટાઈલ કંપનીમાં પ્રશિક્ષક તરીકે કારકિર્દીની શરુઆત કરી હતી. તેમણે ૧૮૪૬માં મૂકેલી સીલાઈ મશીન લોક સ્ટીચ ડીઝાઈન માટે તેમને સીલાઈ મશીનના શોધકર્તા તરીકે પુરસ્કૃત કરાયા હતા. પરંતુ થયું એવું કે તેમણે મૂકેલી મશીન અમેરિકામાં કોઈ ખરીદવા તૈયાર થયું નહીં તો તેમના ભાઈએ છેક બ્રિટન જઈને એ મશીન ૨૫૦ પાઉન્ડમાં વેચી. તેમણે તે પછી માત્ર સાત વર્ષમાં જ ૧૯૫૩માં ZEEPER ( પેન્ટમાં લગાવાતી ચેન )ની શોધ કરી. દુનિયાને એક અદભૂત મશીન આપી જનાર ઈલિયાસ હોવે લોહીની બિમારીને કારણે માત્ર ૪૮ વર્ષની ઉમરે દુનિયા છોડી ગયા.

(સિલાઈ મશીનના શોધક – ઈલિયાસ હોવે અને ભારતમાં આવનાર પહેલી મશીન)

ભારતમાં ઓગણીસમી સદીના અંત ભાગમાં સીલાઈ મશીને પ્રવેશ કર્યો હતો. એ મશીનો અન્ય દેશોમાંથી જ આયાત થયેલી હતી. જેમા મુખ્ય બે જાત હતી. અમેરિકાની સીંગર અને ઈંગલેન્ડની પફ. ભારતની આઝાદી બાદ ભારતમાં સ્વનિર્મિત સીલાઈ મશીન બની જેમા સીંગર આધારિત મેરીટ બની. પરંતુ ૧૯૩૫માં કલકતાના કારખાનામાં બનેલી ઊષા સંપૂર્ણ ભારતમાં બનેલી મશીન હતી. ઊષા કંપનીએ ભારતમાં બનતી સિલાઈ મશીનોમાં આજ પર્યંત પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. જોકે હવે ભારતમાં અન્ય કેટલીક કંપની સીલાઈ મશીન બનાવે છે અને અન્ય દેશોમાં નિકાસ પણ કરે છે. શરુઆતના સિલાઈના સંચા પગ વડે અને હાથ વડે ચાલતા હતા. હવે વિજળી દ્વારા ચાલતા સિલાઈના સંચા સામાન્ય બની ગયા છે.

સામાન્ય માણસ ભલે સિલાઈ મશીનને ફક્ત કપડાં સિવવાના મશીન તરીકે ઓળખતો હોય છે. પરંતુ મૂળે કપડાં સિવવા માટે બનેલી આ મશીનો આપણને બીજી અનેક ભેટ આપી રહી છે. સીલાઈ મશીનના જુદા જુદા સ્વરૂપો દ્વારા જ આપણને સગવડવાળી બેગ્સ, પગરખાં, ગાદલાં જેવી રોજ બરોજની વસ્તુઓ મળે છે. તે ઉપરાંત વિશાળ તંબુઓ, અનેક જાતના લશ્કરી સરંજામને આકાર આપનાર સિલાઈ મશીન જ છે. આજે કપડાંની ડીઝાઈન અને ફેશન બદલવાની ઝડપ એટલી છે કે વેપારીઓ મુંઝાઈ જાય છે. ઉપયોગ કરો અને ફેંકી દોની વિચાર ધારા વચ્ચે ભારત સહિત દુનિયામાં એવાય કમનશીબ લોકો છે જેમની પાસે તન ઢાંકવા પૂરતાં વસ્ત્રો નથી. ત્યારે માનવીની મૂળ જરુરિયાત એવો રોટી કપડાં ઔર મકાનનો મુદ્દો વિજ્ઞાનની આ હોનહાર સિધ્ધિઓ વચ્ચે પણ સપાટી ઉપર ચર્ચાતો રહે છે.


શ્રી માવજી મહેશ્વરીનાં સંપર્ક સૂત્રોઃ ફોન નં. +૯૧ ૯૮૨૫૭૨૫૫૯૬ Email mavji018@gmail.com


સંપાદકીય નોંધ – અહીં લીધેલ સાંદર્ભિક ચિત્ર નેટ પરથી સાભાર લીધેલ છે

Author: Web Gurjari

1 thought on “સમયચક્ર : કપડાં સીવવાનો સંચો શોધાયો ન હોત તો ?

Leave a Reply

Your email address will not be published.