મારું વાર્તાઘર : સીનો

રજનીકુમાર પંડ્યા

માથે છાંયો હતો છતાં ગરમ ગરમ લૂનો દઝારો ચામડીને લાગ્યો; એટલે જરા વાર માટે ઝબકેલી આંખ ફરી ઊઘડી ગઈ. તરત જ મનમાં થડકારો થઈ આવ્યો. અરે, હજુ તો કેટલે દૂર ચાલીને પહોંચવાનું હતું ! હું અત્યારે આ લાકડાના ચરક ચરક બાંકડે બે ઘડી વિસામો ખાવા બેઠો ત્યાં સિંહેન્દ્ર એટલી વારમાં ઘેરથી નીકળી ગયો તો ?

તરત ઊભા થઈને ચાલતાં પગની ઘૂંટી લગીર કળી – વૃદ્ધાવસ્થા છતાં વગર ચાલ્યે છૂટકો નહીં. બસનો આ રૂટ નથી. અને અમારા દક્ષિણ ગુજરાતના ગામડાનું આ એક દુઃખ ભારે. એક ઘર આ પાર, તો બીજું ઘર પેલે પાર. ગજરાનું ઘર જેટલું આજે દૂર લાગે છે તેટલું પહેલાં ન લાગતું. સંબંધ જ એવો થઈ ગયેલો તે એનો માટીય થોડું થોડું જાણી ગયેલો, પણ ચાલ્યું ગયેલું જિંદગી આખી આમ ને આમ. સિંહેન્દ્રનું મોં અસલ મારા જેવું. જાણનારા સૌ જાણી જાણીને મરકે. માથેથી લેલૂંબ ઝાડ હટી ગયાં એટલે લમણે ઝીંકાયો. લમણાં તપવા મંડ્યાં. સૂકાં પાદડાં પગલાં નીચે કચડાયાં. મહીં થોડી સૂકી સળીઓ પણ હશે. એ ચાતરીને ઊની ઊની લાય ડામરની સડકે ચડ્યો ત્યાં બરફ ભરેલો છકડો ધમધમાટ નીકળ્યો. એની પાછળના નિતાર નિતાર પાણીમાં ચાલવું મને બહુ ગમ્યું.

“કાં !” પાછળથી કોઈનો તરડાયેલો અવાજ આવીને કાને અથડાયો : “વકીલસાહેબ ! રોજના ઠેકાણે કે ?”

તરડાયેલા અવાજવાળો ટપુડો. ગધેડાં હકાલીને જતો હતો. દરેકના માથે શણિયાની ખોલમાં નદીના પટમાંથી સારેલી ભીની ટપકતી રેતી ઠાંસોઠાંસ.

મેં જરી ખીજવાઈને કહ્યું, “ગધેડાં હકાલ, ગધેડાં…..રસ્તે પડ. જા.”

“હી….હી….હી….” એ ધીરે ધીરે આગળ નીકળી ગયો. મેં ચાલ ધીમી કરી. આજની વાત ગજરાને એવી કરવાની હતી કે સમજે તો સાર નહીંતર ફોફાં. આજે જો હું સિંહેન્દ્રનો દુનિયાની નજરે બાપ હોત, ગજરાનો ધણી હોત તો ધોકો મારીને ધાર્યું કરાવત, પણ ગજરા લોભણી છે. સિંહેન્દ્રે શરીર વધારી જાણ્યું છે. મીઠું નથી. ગજરાનો ઘરવાળો તો હવે છે જ ક્યાં કે એની આશા કરવી ?

લમણાં તપ્યાં. વિચારો કર્યા કર્યા. ડામરની સડક ઊતરીને એને ઘેર જઈને પાણીના બે ગ્લાસ ખાલી કરી નાખ્યા, “સિંહેન્દ્ર ?” મેં પૂછયું.

“હમણાં જ નીકળી ગયો.” ગજરા બોલી : “તમને સામે ના ભૂટકાણો ?”

“આવા તાપમાં ઘેર જમવા ન આવતો હોય તો ?” મેં કહ્યું, “એને સવારના ડબ્બો જ સંગાથે દઈ દેવો જોઈએ.”

ઈશ્ક-બિશ્કની વાત હવે પતી ગઈ. નહીં તો કંઈ ગજરાએ મને પૂછવાનું હોય ? “શું ધક્કો ખાધો, વકીલ ?”

એક પળ મારી આંખમાં સાપોલિયું રમી ગયું. ગજરા હવે કરચલીવાળી થઈ ગઈ. છોકરો પરણવા જેવડો થઈ ગયો; એટલે એવી રંગીલી બોલી બંધ. મારી આંખ પાછી હતી તેવી. ગજરા સમજીને નીચું જોઈ ગઈ. સૂપડેથી ચોખા ઝાટકવા માંડી.

“તારા ભલાની વાત લઈને આવ્યો છું.” સાંભળીને ગજરાએ સુપડું કોરાણે મૂક્યું. બોલી : “વધારે પાણી લાવું?”

“પાણી બહુ છે મારામાં.” અંતે હું જુવાનીમાં આવી જ ગયો. આંખ ચમકાવીને બોલ્યો : “તને ક્યાં નથી ખબર?”

“મુદ્દાની વાત કરો.” એ હોઠને ડાબી તરફ ફરકાવીને બોલી, “હવે નથી સારા લાગતા આ પાંસઠ વરસે.”

“હું શું કહેતો’તો ?” મેં કહ્યું, “સારા માઈલી વાત લઈને આવ્યો છું.”

“તી કરોની !” એ બોલી.

લમણાં બહુ તપી ગયાં હતાં તે રૂમાલ પલાળીને મેં કપાળે મૂક્યો,બોલ્યો:“મારું વેણ પાછું ના કાઢતી, શું સમજી ?’” પછી લાગ્યું કે વાક્યમાં કાંઈક ઉમેરવાનું રહી ગયું. એટલે બોલ્યાની સાથે સાંધો કરીને વળી બોલ્યો : “શું ?”

“હમજ્યા હવે ! ?” એ બોલી, “બોલો તો ખરા….?”

“સિંહેન્દ્રનું કાંઈક વિચાર્યું ?”

“શું વિચારવાનું હતું વળી ?”

“કેમ ? એને પરણાવવાનો નહીં કે ?”

ગજરાએ સુપડું હાથમાં લીધું. ચોખા વીણવા માંડી.

“કેમ કંઈ બોલી નહીં ? સિંહેન્દ્રને કેટલાં વરસ થયાં ?”

ગજરાએ મારી આંખ સામે આંખ નોંધીને જોયું. ચોવીસ વરસ અગાઉ વલસાડની બજારમાં મને પહેલી વાર આવી તેજ તેજ આંખોથી જ મળી હતી. વકીલાતનો નવો નવો કાળો કોટ મેં ચડાવેલો. સિંહેન્દ્રને કેટલાં થયાં હોય? એથી એક-બે ઓછાં જ ને ?

“તે તમે ના જાણો ?” એ તરત આંખ બુઝાવીને બોલી. નીચું જોઈ ગઈ.

“જાણું.” મેં કહ્યું, “છોડ એ વાત. બધું જાણું ને બધું યાદ બી છે..”

સામેની ભીંતે સિંહેન્દ્રનો ફોટો મઢાવીને લટકાવેલો. મને એમ કે હું મારો જ ફોટો જોઉં છું. ચોખંડુ ચોકઠું. ગરદન સુધી ઊતરતાં ઓડિયાં જાણે કે સિંહની જ કેશવાળી. ચોડો સીનો. ઉપર મારે બેટે વગર વકીલાતનો કાળો કોટ ચડાવેલો. જોનારની તો છાતી જ ફાટે, ને જોનારી કોઈ હોય તો તો….

મેં ખોંખારો ખાધો.

ગજરા કાયમ બોલતી એમ આજે ય બોલી : “પુરુષાતનનું કાંઈ બહુ અભિમાન, કાંઈ બહુ અભિમાન…..”

મેં ફરી ખોંખારો ખાધો.

“બહુ અભિમાન સારાં નથી….” એ બોલી.

“અહીં ગરમ ગરમ લૂ વાય છે.” મેં કહ્યું “ચાલની, અંદર જઈએ.”

“સખણા રે’જો હો.” એ મને અંદર દોરી જતી બોલી, “ખબર છે, તમારી અંદર તો બધું જ છલકાય છે. હવે મસ્તી નહિં, કહી દઉં છું, હા..”

અંદર જઈને સાચોસાચ હું ઠાવકો બેઠો. એ મારી સામે આવીને બેઠી,બોલી, “ત્રણ દીકરીઓને પરણાવતા વાંકડો આપી આપીને ખેતર ખોરડાં વેચાઈ ગયા સમજ્યા ! હવે આ છોકરાથી કંઈ ઘર ભરાય તો ભરાય….”

“તે તારે વાંકડો લેવો છે, એમ જને ?”

“સૌ લે છે અમારા અનાવલામાં. અમારો કાંઈ વાંક છે ?”

હું કાંઈ બોલ્યો નહીં. અટકાવાનું હતું તે અહીં જ અટકવાનું હતું. તે અટક્યો. શું બોલવું તેની સૂઝ ન પડે, ત્યાં ગજરા બોલી, “કેમ સામું ઘર કાંઈ નબળું છે ?”

“નબળું કંઈયે નથી.” હું બોલ્યો : “મઝાનાં પાંચ આંબાવાડીયાં છે. હવેલી જેવાં ઘર છે. પહોંચતા પામતાં કુટુંબી છે.”

“તે પછી ?”

“ પણ છોકરી માથાની ફરેલી છે. કહે છે કે વાંકડો આપીને ના પરણું તે ના જ પરણું. છોકરો ભલે ને કેમ રાજા રામ નથી ?”

“ભણેલી ઓહે ?”

“ડબ્બલ ગ્રેજ્યુએટ.” હું બોલ્યો, “મહિને દહાડે વીસ હજાર કમાતી છે.”

“એમ ?” ગજરાએ ઝીણી આંખ કરીને પૂછયું, “શું કામ કરતી છે તે એટલા પૈહા મલે ?”

“મુંબઈમાં એક બેંકમાં નોકરી કરતી છે. હર શનિ-રવિ પાછી વલસાડ ભેગી. ને સાવ સીધી લીટીની. કોઈ લપ્પન-છપ્પન ની મલે.”

આટલું બોલી લીધા પછી પેલું “કહેવું કે ના કહેવું” તેના વિચારમાં એકાએક હું આવી પડ્યો. કહેવું તો ખરું જ એમ નક્કી કરેલું, પણ હમણાં કે પછી ? વકીલનું ભેજું ય વિચાર માંગી લે. પણ હું વગર વિચાર્યે બોલી જ ગયો. ને પછી પૂરું પણ કર્યું, “એક વાર સગાઈ પણ થયેલી.”

આ તોપ ફોડી એટલે ગજરા ચમકવાની. તરત જ મેં ઢાલ આગળ ધરી, “આજ કેમ મને ચાનો ભાવ પણ પૂછતી નથી ?”

પણ એની ઝીણી આંખો વધારે ઝીણી થઈ ગઈ. ચાની વાત જ એને ફોતરાં જેવી લાગી હશે તે ઓગાળી ગઈ. બોલી, “એમ ? ત્યારે આવી ચેરાઈ ગયેલી છોકરીની વાત લઈને શું ચાઈલા આવતા હશો મારા સિંહેન્દ્ર માટે.”

“ચેરાઈ ગયેલી નથી.” હું બોલ્યો, “તું ચા મૂકની, એટલે વાત કરું. અરે, આ તો સિંહણ છે. પેલાને વાંકડો માગનારને ફાડી ખાધો.”

ઘૂંટણે ટેકો દઈને ગજરા બે વાર જોર કરીને માંડ ઊભી થઈ. સહેજસાહજ પુષ્ટ કાઠું થઈ ગયેલું. તે ચાલે ત્યારે જરા બંને બાજુ થોડું થોડું થથરે. આના કારણે ઉંમર વરતાય. નહિતર શરીર ખાસ કંઈ વધેલું ની મલે, બૈરીની જાત તે વળી લટકતો છેડો કમર ફરતો જોરથી વીંટાળ્યો. કેમ જાણે હું પરાયો પુરુષ હોઉં ! પછી વિચાર આવ્યો. હા ભઈ, હા. આમ તો પરાયો જ ને ! આમ ભલે સિંહેન્દ્ર મારો ખરો, પણ એની પછવાડે મારું નામ તો નહીં ને !

ચાનો કપ હાથમાં પકડાવીને બોલી : “તમારી કંઈ સગી થાય કે ?”

“હા.” ચાનો કપ બાજુમાં મૂકીને કપાળેથી પસીનો લૂછયો : “મારા સાઢુના છોકરાની છોકરી, પણ ટંકણની ખાર હો !”

“સિંહણ….” એ મરડમાં બોલી, “કો’કને ફાડી ખાધો તે હવે મારા સિંહેન્દ્રને ફાડી ખાવા મેલવો હશે કાં ?”

“સિંહેન્દ્ર તારો એકલીનો છે ?.” મારા શરીરમાં ફરી મરદાનગીનો જુસ્સો વ્યાપી રહ્યો. ટટ્ટાર થઈને રકાબીની ધાર હોઠેથી આઘી કરીને બોલ્યો : “આપણો કહે આપણો. સિંહ જેવો જ પાક્યો છે ને ! મારા જેવો. જો ને –” એના ફોટા તરફ જોઈને વળી ચાનો સબડકો ભરીને બોલ્યો : “એનો સીનો તો જો ! તારા ઘરવાળાનો સીનો હતો કદી આવો ?”

“અભિમાન……અભિમાન…..” એ બોલી, પણ ઠર્યું ઠર્યું. એમાં તિખારો ન મળે. હાથના આંકડા ભીડીને ઘૂંટણની આજુબાજુ કર્યા. કશુંક આઘે આઘે જોતી હોય એમ બોલી : “તો ઇવડી ઇએ અગાઉના મુરતિયા સાથે કેમ તોડી મેલ્યું ?”

“અરે,એ એને ફોસલાવતો હતો.” મેં કહ્યું : “અમેરિકાથી આવેલો. પહેલાં બોલ્યો કે દાયજાને નામે રાતી પાઈ ની માગું. આ છોકરી….નામ કુંતી, રાજીના રેડ થઈ ગઈ. સગાઈ કરી. નોકરીમાંથી રાજીનામું બી આપ્યું. અમેરિકા જવા માટે બિચારી થનગને. પાસપોર્ટ માટે અરજી પણ પેલાએ કરાવી. પાસપોર્ટનો એજન્ટ કહે કે ભલે સગાઈ જ થઈ, પણ લગ્ન થઈ ગયા હોય એ રીતે પાસપોર્ટની અરજીમાં પતિ-પત્ની તરીકે સહી કરો તો જ વીસા મલે. બિચારીએ વગર પરણ્યે એ પણ કર્યું. એના માટે મુંબઈના ત્રણ ચાર ધક્કા પેલા જોડે ખાવા પડ્યા.”

એકાએક મને લાગ્યું કે આ ઠેકાણે ગજરાની આંખમાં એક ચમકારો આવ્યો. મનોમન અહીં અટકી ગયેલી મેં એને દેખી. અમારા તો તારતાર વરસોથી મળેલા ને ? હું સમજી ગયો. એના મનમાં વહેમની તરત જ ચોખ કરી, મરકીને બોલ્યો, “વહેમાઈશ મા હો…મુંબઈ પેલા જોડે ગયેલી તો પોતાના ભાઈને સાથે લઈને હો ! એટલે હર્યાંફર્યાં. હૉટલમાં ખાણાં ખાધાં, પણ જાતને તો ચોખ્ખી જ રાખેલી હો….ને….” વળી મારામાં ઉન્માદ છલકાયો. વિકારી નજરે ફરી એના દેહ તરફ નજર કરીને બોલ્યો : “ને બધાંય કાંઈ મારા જેવા મરદ ની મલે કે તને જેમ તારા સગા ભાઈની ચોકીમાંથી છટકાવીને હી…..હી…..હી….”

“અભિમાન…..અભિમાન !” એને બધું યાદ આવ્યું ને ચહેરા પર રેલાઈ રહ્યું તે મેં ચોખ્ખું દેખ્યું. મારો સીનો વળી વધારે ચોડો થયો.

પછી મેં કહ્યું : “વીસા પાસપોર્ટ બધું તૈયાર ! લગનની તિથિ બી નક્કી. કંકોત્રી બી છપાવી. સગાંવહાલાંઓને વહેંચી બી ખરી. નજીકનાઓને ફોન ખખડાવી ખખડાવીને ખબર કર્યા. હવે બન્યું એવું કે….”

ગજરા એકકાન થઈને સાંભળી રહી. મને તો લાગ્યું કે ફોટોમાંનો સિંહેન્દ્ર પણ એકકાન થઈને સાંભળે છે.

“પછી ?”

“લગ્નના આડા છ જ દિવસ….” મેં કહ્યું : “ને છોકરાએ પોત પ્રકાશ્યું. જાતે જ ઘેર આવ્યો. એ વખતે છોકરી સુરત લગનની ખરીદી કરવા ગયેલી. એનાં મા-બાપ ઘેર હતાં. છોકરો કહે, ભલે વાંકડાને નામે રોકડો રૂપિયો ના આપશો. પણ સો તોલા દાગીના, એક કાર અને એક આંબાવાડિયું મારા નામે કરી જ આપવું પડશે. નહિતર લગ્ન નહીં થાય. છોકરીના મા-બાપ માથે જાણે વીજળી પડી.”

“પણ તમે તો કહેતા હતા ને !” ગજરા બોલી,” વાંકડો તો લેવાનો ના હુતો ?”

“હકીકત છે.” હું બોલ્યો : “વાંકડો કાં લેવાનો હતો ?” પછી હળવેથી પેલા છોકરાવાળી લુચ્ચાઈ મારી પોતાની આંખમાં પેદા કરી બતાવીને બોલ્યો :

“વાંકડો નહીં. ને વાંકડાનો બાપ ! છેલ્લી દાડીએ નાક દબાવ્યું એટલે પછી છોકરીના મા-બાપ બિચારા જાય ક્યાં ? માણસ પહોંચતા. ધારે તો આપી બી શકે, પણ આ રીતે ? બંદૂકની અણીએ ? બહુ કાલાવાલા કર્યાં, બહુ કાલાવાલા કર્યાં, પણ પેલો તો ઊઠીને ચાલતો જ થયો. વળી ધમકી આપતો ગયો. પાસપોર્ટ-વીસાનાં કાગળોમાં તમારી છોકરીએ મારી પરણેતર તરીકે સહીઓ કરેલી છે. કપલ ફોટો બી પડાવેલ છે….હવે જો ના પાડશો તો વિચારી જોજો કે પરિણામ શું આવશે ?”

“હાય…હાય…” ગજરા બોલીને સામેની બારીમાંથી ગરમ ગરમ લૂ આવતી હતી તે ઊભી થઈને બંધ કરી આવી. ઓરડામાં વધારે અંધારું થયું તેની અસરથી મારી હથેળીઓમાં ફરી જૂનું લોહી ગરમ થઈને ઘસી આવ્યું. ઊભા થઈને મેં એનું કાંડું પકડી લીધું. પણ ગજરા જાણે પહેલાંની ગજરા જ નહીં. મારા ચોડા સીનામાં આમ કરું ત્યારે સમાઈ જતી એ જાણે આ નહીં. આણે તો પટ્ટ દઈને ઝાટકો મારીને કાંડું છોડાવ્યું. ને દૂર હટીને ઊભી રહી – કહે, “વાંદરો ઘરડો થયો તો ય ગુલાંટ ની ભૂલ્યો…”પછી મારા તરફ સાચોસાચ ખીજની કપાળકરચલી પાડીને બોલી : “દેહના ઉફાનમાંથી હવે છૂટો…હવે છૂટો…. નથી સારા લાગતા….”

પછી સામેની ખુરશીએ જઈને બેઠી. હું બોલ્યો, “હું હજુ ઘરડો નથી થયો હોં ! જોવું છે ?”

“અભિમાન….અભિમાન…” એ ફરી એકનું એક વાક્ય બોલી : “અભિમાન સારાં નથી.”

“અરે ભક્તાણી !” મેં કહ્યું, “ત્યારે સાંભળ આખી વાત. પેલો આમ બોલ્યો એટલે છોકરીના મા-બાપ તો વીજળી પડી એમ લાકડું જ થઈ ગયાં. પાંચની ફાસ્ટમાં છોકરી આવી. મા-બાપના ચહેરા કાળા ભઠ્ઠ જોઈને પૂછ્યું કે શું થયું ? ત્યારે માએ ધ્રુસકે રડતાં વાત કરી. એને એમ કે છોકરી માથું કૂટશે, પણ છોકરી તો વાત સાંભળતાવેંત ચંડી થઈ ગઈ. જાણે કે સિંહણ જોઈ લો. પગમાંથી પૂરાં ચંપલ કાઢ્યાં નથી ને પહોંચી છોકરાને ત્યાં. કંકોત્રીનો થોકડો બી સાથે લઈ ગયેલી. છોકરો સ્ટિરિયો પર ડિસ્કો કરતો હશે. જઈને કંકોત્રીઓ એના ઢગરે ફટકારી. પછી એક એક કંકોત્રીના ચીરેચીરા કરતી જાય ને પેલાને ઢગરે ફટકારતી જાય….તારાથી થાય એ કરી લેજે. મારા તારી સાથેના ફોટા છાપામાં છપાવજે. હવે તો તું સામેથી કરોડ રૂપિયા આપે તો ય તારા જેવા નામર્દ સાથે ફેરા ફરવાની નથી. બદમાસ….હિજડા….કાયર…..”

ગજરા ફાટી આંખે વાત સાંભળી રહી.

મેં કહ્યું : “મને ય થયું કે જે થયું તે ઠીક થયું. આવા વેંતિયા હાથે પરણીને એ બી શું સુખી થતે ? હેં ! આને લાયક તો જોઈએ કોઈ સિંહ જેવો મરદ….તરત મારી નજરમાં આપણો….” પછી જરા અચકાઈને બોલ્યો, “હા આપણો જ ને ! સિંહેન્દ્ર આવ્યો. કેવો પાંચ હાથ પૂરો પડછંદ. પંજાદાર છે ! મારા જેવો ચોડો સીનો, ચોખુણિયા મોંવાળો. કમાતો….ધમાતો…જાણે મારી જ અસલ ધોળી કોપી જોઈ લે.”

“પણ વાંકડો ?”

“પાછી વાત કરી ?” મેં કહ્યું, “વાંકડાને નામે રાતી પાઈ છોકરીના મા-બાપ સામેથી આપવા માગશે તોપણ છોકરી આપવા નહીં દે. હા, લગન પછી સિહેન્દ્રને અમેરિકા મોકલે….. મોટર, વાડી, બંગલો આપે….ત્યારે છોકરી થોડી જ ના પાડવાની છે ? અત્યારે તો તને ખબર છે ને ! આપણે માન ખાટી જવાનો વખત છે. અનાવલામાં ચારેકોર સન્માન થાય….છાપાંઓમાં આવે. સમાજસુધારકો હારતોરા લઈને પાછળ પડી જાય…. અરે, રિસેપ્શનમાં જ ભેટને નામે લાખ રૂપિયાની જણસ આવે. તું સમજતી કેમ નથી ? પૈહા, પ્રેમ અને પ્રસિદ્ધિ ત્રણેય મળે…”

ગજરાની આંખની કીકી ચમકી, “મારા સિંહેન્દ્રને એવું બહુ ગમે હોં.”

મેં કહ્યું. “બસ ત્યારે….છોકરી અપસરા જેવી છે સમજી લે. ઘરમાં ફરતી હોય ત્યારે માની લે કે આરસની પૂતળી ફરે છે. ને હેં !” મેં માંચીની ઈસ પર હાથ ટેકવતાં આંખ મીંચકારી…. “જોજેને, સિંહેન્દ્રેય મારા જેવો હશેને ! અગન જેવા એનાં છોકરાં થાય એ પણ જોજે….ત્રણ વરસમાં તો….”

ગજરાની કલ્પનામાં ચિત્ર બરાબર દોરાયું. મને તેની આંખોમાં વરતાયું. એ બોલી, “સાંજે સિંહેન્દ્રને તમારે ત્યાં મોકલીશ….બસ !”

ત્યાંથી પાછા ફરતા ફરી પેલા ચરક ચરક બાંકડે જરા ચોખવાડું કરીને શ્વાસ ખાવા બેઠો. થોડો થોડો પવન ઢળવા માંડેલો. લૂ ઓછી થયેલી છતાં પવનનો ઝપાટો આવ્યો તે સૂકા પાંદડાં અને ડાળખાં મારી નજર સામે ચક્કર ચક્કર ફરીને ઊંચે ચડ્યાં.

**** *** ***

“રૂપાળી. રૂપાળી જ નહીં, પણ રૂપ રૂપનો અંબાર. પાતળી સાગના સોટા જેવી. ડબ્બલ ગ્રૅજ્યુએટ. સ્વભાવે સાચક, તેજી છતાં સંસ્કારી. ભરત-ગૂંથણ, રસોઈ પાણી, બોલી-ચાલી બધું ઉત્તમ- ચારિત્ર્યમાં તો આ જમાનામાં બીજી એવી મલવી મુશ્કેલ. વાંકડાની વિરોધી; પણ એનો બાપ અવળે હાથે આપે તો વાંકડા કરતાં વીસ ગણું આપે. બાકી અમેરિકા જવાનો ચાન્સ. આ તો તારા બાપનો હું મિત્ર અને મરતી વખતે મને તારી ભાળવણી કરી ગયેલા એટલે તારી આટલી ચિંતા કરું છું. બાકી છોકરી એવી તો એને તો એક કરતાં એકવીસ મળશે. એની આગલી સગાઈ તૂટ્યાની હિસ્ટરી બી તારાથી છૂપાવતો નથી. મારું માન તો કર. ન્યાલ થઈ જઈશ. ને આપણા અનાવલાઓમાં ઊપાડ્યો નહીં ઊપડ.”

આટલું મેં કહ્યું. બહુ વિસ્તારીને વકીલ રીતે કહ્યું હતું. સાંજે એ મને મળવા આવ્યો ત્યારે.

હું પણ પડછંદ-પંજાદાર ખરો, પણ જુવાન એ. તેથી મારી સામે એ પણ પડછંદ-પંજાદાર ઊભો રહ્યો ત્યારે બે ઘડી હું ઓઝપાયેલો. કદાચ મારા મનમાં એની મા સાથેના મારા સંબંધને કારણે ગુનાની લાગણી પણ હોય. પણ છતાંય આટલું તો હું પૉઈન્ટ ટુ પૉઈન્ટ બોલી શક્યો.

આટલું કહી લીધા પછી મેં એની સામે નજર માંડી. રોમન શિલ્પનું હોય એવું ચોખંડું પુરુષાતનથી ભર્યું ભર્યું મોં. મહીં સિંહ જેવી આંખો માંજરી તગતગે. ગરદન પર ઓડિયા. મૂછો થોડી થોડી કાતરેલી. કોટની અંદર શર્ટનાં બટન ખુલ્લાં રાખેલાં તે વાળના ગુચ્છા દેખાય. દૂર દૂરના એક છાને ખૂણે ગર્વ થઈ આવ્યો. કોનું બચ્ચું ? બચ્ચું કોનું ?

થોડી વાર વિચાર કરીને એણે મોં પર સ્મિતની એક રેખા ફરકાવી. પછી બોલ્યા : “ભલે કાકા, તમે કહો તેમ….”

“લગન પણ પંદર દહાડામાં જ હો !”

“ભલે….” એ બોલ્યો : “તમે કહો ત્યારે મળી આવીએ.”

એ ગયો ત્યારે હું ક્યાંય સુધી એની પીઠ પર જ નજર તાકી રહ્યો. મહીંમહીં એક જાતનો ઠારકો થતો હતો.

**** **** ****

ઉનાળામાં ધગધગતી હતી તે જમીન ઑગસ્ટમાં તો સાવ પચકાણ થઇ ગયેલી. મારા ચંપલનું ચપચપ થાય ને મને જાત પર ખીજ ચડે. ઉતાવળી ચાલે ચાલુ તે પેલો ચરકવાળો બાંકડો આવ્યો અને સહેજસાજ શ્વાસ ચડેલો તો પણ મને બેસવાનું મન ના થયું. “તારી તો જાતનો….” કોણ જાણે કોને મેં ગાળ આપી…. બાંકડાને? કે સૂકેલા પાંદડાં-ડાળી પલળીને લોચો થઈને એક તરફ પડેલાં ને ખિસકોલાં એની ઉપર દોડાદોડ કરતાં હતાં એને ! લીલા ઊગેલાં ઘાસ પર મછરાં ઝુંડ ઝુંડ થઈને ઊડતાં હતાં. આ હું સિંહેન્દ્રના લગન કરાવીને બે મહિના દુબઈ ચાલી ગયો એમાં તો દુનિયા પલટાઈ ગઈ! ‘સાલ્લી’ મારા મનમાં એ ગાળ ખાનારીનું નામ ધુમ્મસમાંથી તાડ નીકળી આવે એમ સ્પષ્ટ નીકળી આવ્યું…સાલ્લી…. ગજરા, તારી જાતની….

ડામરની સડક પર સાવ રાબડ, તે લપસતાં માંડ બચ્યો. મોઢા ઉપર ઝીણી ઝરમર ઝીંકાણી તે રૂમાલમાંથી લૂછી કાઢી….સાલ્લી, મને વાત કરતી નથી….મને….મને છેતર્યો ?

એને ઘેર પહોંચ્યો ત્યારે સિંહેન્દ્ર નહોતો. ક્યાંથી હોય ? મુંબઈ ગયેલો. ગજરા અઘોરીની જેમ આડેપડખે થયેલી. કમરેથી પહાડ ઊપસી આવ્યો હોય એમ ઢોચો થઈ ગયેલો…માથાના વાળ જાણે રેલો થઈને જમીન પર વહી ગયા હોય એમ ભોંય પર ફેલાયેલા.

ભીંતે ત્રણ ફોટા નવા ઉમેરાયેલા. સિંહેન્દ્રને અનાવિલા સુધારક મંડળે સન્માનપત્ર આપેલું તેનો તાજો રંગીન ફોટો, ધોતિયાધારી કાર્યકરોની વચ્ચે લાંબો સિંહેન્દ્ર મરકતે મોંએ ઊભેલો…. બાજુમાં નવવધૂના પહેરવેશમાં કુંતી. બીજો ફોટો લાયન્સ ક્લબવાળાએ દહેજ વિરોધી ચળવળના કાર્યક્રમમાં એને પચ્ચીસ હજારની જણસો ભેટ આપેલી તે સમારંભનો. હું તો લગનને બીજે જ દહાડે દુબઈ ચાલ્યો ગયેલો. મેં આ જોયેલું નહીં.

પાછળથી ખબર પડેલી કે ભાઠલાની (અનાવલામાં) નાતમાં ચારે તરફ સિંહેન્દ્ર….સિંહેન્દ્ર થઈ ગયેલું. વટ પડી ગયેલો. વાંકડો લીધા વગર પરણેલો વીરપુરુષ….ક્રાંતિકારી નવજુવાન…..દાખલારૂપ દંપતી….આવા શબ્દોની ફૂલછોળ ઊડેલી-ભાઈ એમાં નહાયેલા.

તરત જ ભીંત ઉપરથી મારી નજર નીચે સરકી આવી. ગજરા હજુ કોણીનું ઓશિકું માથા નીચે રાખીને સૂતેલી. પહેલાં હું એને હાથ પકડીને ઉઠાડવા ગયો. પછી ગુસ્સાનું ભયાનક મોજું માથા પર સવાર થઈ ગયું. પગનો હળવો ગોદો એના ઠાઠાં પર માર્યો ને લાલ આંખે કહ્યું, “ઊઠ, ઊભી થા.”

હડબડીને એ બેઠી થઈ. જલદી હળવેથી છૂટા વાળને ફીંડલું વાળી દીધા. આંખો ચોળી બોલી : “આવી ગયા દૂબઈથી ?”

“હા.” મેં કહ્યું, “કમજાત….”

“એમ ગાળ નઇ દેવાની.” એ બોલી પણ બળ વગરનું. થોડું બરડ ખરું.

“ગાળ ના દઉં તો શું પૂજા કરું ?” મેં મારા ભીના વાળને આંગળાંથી કપાળ પરથી ઊંચા કર્યા : “કોઈ કુંવારી છોકરીનો ભવ બગાડતાં શરમ ના આવી ?”

“હું કાંઈ સામે ચાલીને બોલાવવા ની આવેલી.” એ બોલી : “તમે જ કાળા ઉનાળામાં મારો ઉંબરો ટોચતા આવેલા….”

“તે ?” મારાથી ત્રાડ જેવો અવાજ થઈ ગયો, “તે શું થઈ ગયું ?”

“ધીરે બોલો….” એણે આંખોમાં સહેજ ગરમી આણી. “આ તમારું ઘર નથી. ને હું કંઈ તમારી ઘરવાળી નથી.”

હરિકેનની વાટ કોઈકે જાણે ઝડપથી ધીમી કરી નાખી એમ મારા દિમાગમાં એકાએક જાણે કે ઉજાસ તૂટી ગયો. સમજાવીને હું કાંઈક આકરું બોલવા જતો હતો, પણ હોઠ ફફડ્યા ને શબ્દો ઓટોગોટો વળી ગયા. ગમે તેવા મરદને પારકું બૈરું આ રીતે બોલીને તોડી નાખે છે.

છતાં હું ગરજ્યો : “પણ સિંહેન્દ્રમાં ખામી હોય એ તને ખબર ના હોય ?” એ માણસમાં નથી એની તને ખબર ન હોય એવું બને ?”

“મને શી રીતે ખબર હોય ? એ ધગીને બોલી : “ દીકરો ઉઠીને સગ્ગી માને કંઈ એવી વાત કરતો હશે ?”

“હવે ખબર પડી.” હું બોલ્યો, “ એ વાંકડા વગર લગન કરવા કેમ તૈયાર થયો મારો બેટો….”

“મારો બેટો” શબ્દો આમ તો ક્રોધમાં બોલાયેલા, પણ એના ઉપર ગજરાએ એવી રીતે મોં મરડ્યું કે હું ઊભો ને ઊભો સળગી ગયો.

“હાસ્તો વળી” એ ચાબુકની જેમ શબ્દો વીંઝતી હોય એમ બોલી, “બહુ અભિમાન હતું ને ? સિંહ જેવો સીનો, મારા જેવું ચોખંડું મોઢું. ગરદન પર કેશવાળી જેવા ઓડિયાં કાં ? તમારું બુંદ….કાં ?

હું શું બોલું ? મને કુંતા સાંભરી ગઈ. દુબઈથી આવ્યો કે તરત સાઢુ અને એના કુટુંબે મારા નામનાં છાજિયાં લીધાં હતાં..

કુંતી એક જ રાતમાં સિંહેન્દ્રની પૂંઠે લાત મારીને પાછી આવતી રહેલી. પાછી ઘેર આવીને મા-બાપ સામે બંગડીઓનો સીધ્ધો કર્યો ઘા. ચાંલ્લો ભૂંસી નાખ્યો. ચોધાર આંસુએ રડી તો નહીં પણ આગ વરસાવી મા-બાપ સામે…. ચામડાની સૂટકેસમાંથી ઓટોગોટો વાળેલાં પાનેતરનો કર્યો ઘા ઉંબરા વચ્ચે જ. ચાર જોડ લુગડાં લઈને છંછેડાયેલી વાઘણની જેમ ઘર છોડી ગઈ. ફરી મુંબઈ ચાલી ગઈ નોકરી શોધવા. “તને….તને…..” મેં ગજરાને કહ્યું : “ છોકરાની આ ખામીની લગીર બી ખબર નહીં ?”

“કેવી રીતે હોય ?” એ બોલી : “મા સાથે દીકરો કંઈ એવી વાત કરતો હશે ?’

પછી જરી મારી સામે નજર નોંધીને બોલી:‘ને મને પણ શું, કે હશે તમારા જેવો જ…” ફરી વાર એ ચીપી ચીપીને બોલી : “એનો સીનો અદ્દલ તમારા જેવો નહીં ?” પછી ફરી પથ્થરમાં કોતરવા હોય એટલા ભારથી એ જ શબ્દો ફરી બોલી : “તમે જ નહોતા કહેતા ? નહીં તમારા જેવો સીનો! ” પછી વળી ફરી ગાજી, “નહીં?”

“શી ખબર ?” હું બોલ્યો : “કદાચ તારા ઘરવાળાનો જ….” બહાર ફરી વરસાદ તૂટી પડ્યો. અહીં મારી અંદરની આગ ઠરી ગઈ. હું નીચે પડેલી ગાયની ચારનું એક તણખલું મોઢામાં ચાવતાં બોલ્યો, “સાલ્લી આભની અને ગાભની શી ખબર પડે હેં ? કદાચ સિંહેન્દ્ર મારો ના પણ હોય….શું કે છો ?”

બહાર વાદળાંની ગડગડાટી થઈ. એ બોલી, “અભિમાન – અભિમાન….”

“ચમકીને મેં કહ્યું : “હેં ? શું બોલી તું ?”

“કાંઈ નહીં.” એ બોલી : “તમારા સીનાની વાત કરતી છું.”

**** **** ****

આ વાર્તાની સર્જનપ્રક્રિયા

‘સીનો’ વાર્તાના સીનાની ભીતર

પ્રત્યેક વાર્તાના, એના જેમના તેમ ઘટનાક્રમના ધોરણે સગડ પામવા શક્ય નથી. મનમાં કોઇ અકળ ક્ષણે ધરબાતા બીજ પર સતત અનેક સંસ્કારો થતા રહેતા હોય છે અને ત્યારે પણ એમાંથી વાર્તા નિપજે તો નિપજે અને ન ય નિપજે.

આ વાર્તા હું ૧૯૮૨થી ૧૯૮૫ના ગાળામાં દક્ષિણ ગુજરાતના નવસારીમાં વસતો હતો ત્યારની છે. અનાવલા (અનાવિલ બ્રાહ્મણો)માં જડ ઘાલી ગયેલી વાંકડા એટલે કે દહેજની ભયાનક કહી શકાય તેવી પ્રથા મેં સગી આંખે જોઇ. એ રિવાજની સામે ઝુકીને દિકરીની સાથોસાથ આખેઆખા લુંબ-ઝુંબ આંબાવાડીયાને જમાઇ સાથે ‘વળાવી આપતા’ અનાવિલોના પરિચયમાં હું આવ્યો. દિકરાને અમેરિકા મોકલવા માટે પણ કન્યાના બાપ સાથે વરના મગરુર બાપ દ્વારા થતા ‘સોદા’ થતા મેં નજરે જોયા. અને લગ્નેતર સંબંધો તો ક્યા સમાજમાં નથી ! સાડીના લેસની જેમ લાંબા પટ્ટે પથરાયેલાં લીલાંછમ ગામડાં, અને કાચી સેકંડમાં મગજ ગુમાવી દેતા તીખા મગજના અનાવિલ પ્રુરુષો, અને દરેક રીતે બહાદુર, પણ વાંકડાના રીવાજને કોઇ જીવડંખ વગર સહજતાથી સ્વીકારી લેતી કન્યાઓને પણ મેં જોઇ. આવું આવું તો મારા ‘કેમેરા’એ ભરી ભરીને ઝીલ્યું.

પણ આ બધી લખી તે ભૂમિકામાં વાર્તાનો કોઇ અંશ નથી. એ કેવળ વાર્તાની ક્યારી છે. અને એ ક્યારીમાં વાર્તા ‘સીનો’ પાંગરી છે. પણ વાર્તા એ ક્યારીની નથી. એ તો અલગ અલગ રીતે ક્યાંક ક્યાંકથી ઉડી આવીને ચિત્તમાં વસી ગયેલાં વાર્તાના અણુઓનું એકરસ Preparation છે. એનો ડંખ છેડે નથી, પણ આખી વાર્તામાં ભળી ગયેલો છે. આવું લખનારને જ (એમ કોઇ પણ ફિક્શનલ રાઇટરને) એટલે માત્ર લેખક જ નહિં, સર્જક પણ કહ્યો છે. એ પોતાની દુનિયાનો સ્ત્રષ્ટા છે.

આ વાર્તા વિષે બે વાત કહેવાની છે.

એક તે એ કે શંકરસિંહ વાઘેલાના અમલમાં રચાયેલા ગુજરાત ફિલ્મ વિકાસ નિગમના વડા તરીકે જ્યારે હાસ્ય લેખક અને ‘પત્તાની જોડ’ નાટકના નિર્માતા દિગ્દર્શક વિનોદ જાની(હવે તો સ્વર્ગસ્થ) હતા ત્યારે એમને આ વાર્તા અતિશય ગમી ગઇ અને એમણે મશહૂર અભિનેતા કે. કે. (કૃષ્ણકાંત)ને એનું દિગદર્શન સોંપ્યું. અમદાવાદની નજીકના કોઇ લીલાછમ પટ્ટામાં એમણે એનો મુહૂર્ત શોટ રાખ્યો અને પહેલી ક્લેપ આપવા માટે એમણે મને નિમંત્ર્યો. મેં એ કર્યું પણ ખરું. પણ એક બે દૃશ્યના શૂટિંગ પછી તો સરકાર જ પલટાઇ ગઇ અને ફિલ્મ તો ઠીક પણ વિનોદ જાની અને કે.કે. પણ એમાંથી રુખસત થયા, આગલી સરકારના બધા પ્રોજેક્ટ્સ પણ અભેરાઇ પર ચડી ગયા. વાત રફેદફે થઇ ગઇ.

બીજું, આ વાર્તા ગુર્જર પ્રકાશન દ્વારા પ્રકાશિત 121 ગુજરાતી વાર્તાઓ અને વાર્તાકારો’ (સં.ગુલાબદાસ બ્રોકર, ડૉ પ્રવીણ દરજી અને ડૉ. અસ્મા માંકડ)માં એક પ્રતિનિધી વાર્તા તરીકે સ્થાન પામી છે.

————————————————————————————————-

લેખક સંપર્ક-

રજનીકુમાર પંડ્યા.,બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦

મો.+91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન-+91 79-25323711/ ઇ મેલ: rajnikumarp@gmail.com

Author: Web Gurjari

1 thought on “મારું વાર્તાઘર : સીનો

  1. સચોટ કટાક્ષ ભારી વાર્તા ઉપરથી શબ્દોની જમાવટ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *