સાયન્સ ફેર : ભૂકંપ અને વાઈરસ : મંગળ ઉપર ‘અમંગળ’ની એંધાણી

જ્વલંત નાયક

કેથેરીન જ્હોન્સનનું નામ સ્પેસ એજન્સીઝ – ખાસ કરીને નાસા – સાથે સંકળાયેલા લોકો માટે મહત્વનું છે. કેથેરીન પ્રથમ આફ્રો-અમેરિકન મહિલા હતા જેમણે નાસામાં જોબ મેળવી હોય. એ સમયે એક મહિલા, અને એ ય આફ્રિકન મૂળની, નાસા જેવી બૌદ્ધિક સંસ્થામાં મહત્વના હોદ્દા પર હોય, એ બહુ મોટી સિદ્ધિ ગણાય. કેથેરીન મૂળે ગણિતશાસ્ત્રી હતા. અને શરૂઆતના વર્ષોમાં નાસાને પોતાના સ્પેસ પ્રોગ્રામ્સ માટે કરવી પડતી અટપટી ગણતરીઓ માટે કેથરીન બહુ કામ લાગ્યા. જ્યારે કોમ્પ્યુટર્સ વાપરવાની શરૂઆત થઇ, ત્યારે કેથરીન જહોન્સને નાસાના વૈજ્ઞાનિકોને કોમ્પ્યુટર વાપરતા કરવામાં બહુ મહેનત કરી. અવકાશમાં તરતા મૂકાનાર વાહનોનો માર્ગ નક્કી કરવાનો હોય, કે નાસાના ‘પ્રોજેક્ટ મર્ક્યુરી’ માટે ઈમરજન્સી રિટર્ન પાથ ડિઝાઈન કરવાનો હોય, કેથેરીનની ગણતરીઓ હમેશા નાસાને બહુ કામ લાગી. આવી મેધાવી મહિલાએ પૂરા ૧૦૧ વર્ષો લાંબુ જીવન માણીને ગત ૨૪ ફેબ્રુઆરીએ આપણી વચ્ચેથી વિદાય લીધી. ‘સિમ્પલ સાયન્સ’ તરફથી આ મેઘાવી માનુનીને અંજલિ.

જો કેથેરીન જ્હોન્સન જેવા અનેક પાયાના પથ્થર ન હોત, તો આજે આપણે સ્પેસ ક્ષેત્રે જે પ્રગતિ કરી શક્યા છીએ, એ શક્ય ન બન્યું હોત. સાથે જ બીજો એક પ્રશ્ન એવો ય ઉદભવે છે, કે આપણી આ પ્રગતિ જ ભવિષ્યમાં આપણા નિકંદન માટે જવાબદાર તો નહિ નીવડે ને? આવી કુશંકા થવા પાછળ જવાબદાર છે મંગળ ઉપર આકાર લેતી કેટલીક ઘટનાઓ. રાતો ગ્રહ મંગળ દુનિયાની દરેક સ્પેસ એજન્સી માટે રસનો વિષય છે. ઘણા વૈજ્ઞાનિકો દ્રઢપણે માને છે કે કાળા માથાનો માનવી નજીકના ભવિષ્યમાં મંગળ પર વસવાટ કરતો થઇ જશે! ઓકે ફાઈન! બની શકે કે વિજ્ઞાનને સહારે કોઈક રીતે માણસ મંગળના વાતાવરણને પોતાને અનુકૂળ બનાવી શકે, તો ય મંગળ ગ્રહની બીજી ‘જોખમી ખાસિયતો’ નજરઅંદાજ કરી શકાય એમ નથી.

જેમ પૃથ્વી પર ભૂકંપ આવે છે, એ જ રીતે મંગળ સહિતના બીજા ગ્રહો ઉપર પણ ટેક્ટોનિક પ્લેટ્સની હલનચલનને પ્રતાપે ભૂકંપ આવે છે. જે રીતે અર્થક્વેક વિનાશ વેરે છે, એ જ રીતે ‘માર્સકવેક’ પણ ઘાતક સાબિત થઇ શકે છે.[1] વીતેલા ફેબ્રુઆરી મહિનામાં નાસાએ જાહેર કર્યું કે ઇસ ૨૦૧૮થી મંગળ ગ્રહ પર કાર્યરત નાસાના રોબોટિક ઈનસાઈટ લેન્ડરે હાલ સુધીમાં નાનામોટા ૪૫૦ જેટલા ભૂકંપ નોંધ્યા છે! જો કે આ તમામ માર્સકવેક પ્રમાણમાં માઈલ્ડ હતા, પણ મંગળ ગ્રહ ઉપર સિસ્મિક ઝોન બહુ એક્ટિવ છે એ વાત તો નક્કી! વૈજ્ઞાનિકોને મંગળ પર આકાર લેતી સિસ્મિક એક્ટિવિટીઝ બાબતે શંકા હતી જ, પણ ઈનસાઈટ લેન્ડરે નોંધેલા અવલોકનો પછી પ્રથમ વાર આ વિશેની મજબૂત સાબિતી ય મળી ગઈ છે. આજે નહિ ને કાલે એકાદ મોટી સાઈઝનો ભૂકંપ આવવાની શક્યતા પૂરેપૂરી. હવે જરા વિચારો કે આપણે મંગળ ઉપર માનવ સભ્યતા વિકસાવવા માટે જે ખ્વાબ જોઈ રહ્યા છીએ, એ કેટલું સુરક્ષિત છે!

ખેર, મંગળ વસવાટને હજી દાયકાઓની વાર છે, એટલે આજની તારીખે માર્સક્વેકથી બહુ ડરવા જેવું નથી. પણ મંગળ ગ્રહના સૂક્ષ્મજીવો વર્તમાન સમયમાં ય જોખમકારક છે જ! તાજેતરમાં આખી દુનિયાને બાનમાં લેનાર કોરોના વાઈરસ આપણને બહુ અગત્યનો પાઠ ભણાવી ગયા છે, ‘સચેત રહેજો, દુનિયામાં ઘણા વાઈરસ એવા છે કે જેની સામે તમે લાચાર છો!’ જે પૃથ્વી ઉપર આપણે હજારો વર્ષોથી રહીએ છીએ, ત્યાંના જ વાઈરસનો તોડ આપણી પાસે જો ન હોય, તો જરા વિચારો કે બ્રહ્માંડના બીજા ગ્રહોના વાઈરસ સાથે આપણે કેમનોક પનારો પાડીશું?!

અમેરિકન સરકારે નાસાને એક ખાસ પ્રોજેક્ટ માટે બજેટ ફાળવ્યું છે. આ પ્રોજેક્ટ એટલે મંગળ ગ્રહ ઉપરના ખડકો-જમીનના સેમ્પલ પૃથ્વી ઉપર લાવવાનું મિશન. નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સી (ESA) સંયુક્તપણે ‘માર્સ સેમ્પલ રિટર્ન પ્રોજેક્ટ’ ઉપર કામ કરી રહ્યા છે. સ્વાભાવિકપણે આ મિશનનો હેતુ મંગળની જમીનનું બંધારણ ચકાસવાનો, અને એ જમીન ઉપર કયા પ્રકારની જીવસૃષ્ટિ પાંગરી શકે એની શક્યતા તપાસવાનો જ હોય. પ્રોજેક્ટની ટાઈમલાઈન મુજબ મંગળના ખડકના ટુકડાઓ ઇસ ૨૦૩૧ સુધીમાં પૃથ્વી સુધી પહોંચી જશે. ત્યાર બાદ વિશ્વની તમામ સ્પેસ એજન્સીઝના વૈજ્ઞાનિકો ખડકના એ ટુકડાઓની ચકાસણી કરશે.

હવે ન કરે નારાયણ, અને આમાંના કોઈ એક ખડકમાં એવા કોઈ ખાસ પ્રકારના ઓર્ગેનીઝમની હાજરી હોય, જે મંગળ ઉપર સુષુપ્ત હોય પરંતુ પૃથ્વીના વાતાવરણમાં આવતા જ સક્રિય બની જાય, તો? કોરોનો વાઈરસ પૃથ્વી ઉપર જ મોજૂદ હતો, તેમ છતાં હાલમાં WHO જેવી વૈશ્વિક સંસ્થા પણ કોરોના વાઈરસ સામે સચોટ ઉપાય શોધવામાં નિષ્ફળ જણાય છે. તો પછી મંગળ ઉપરથી પધારેલા સાવ અજાણ્યા વાઈરસ કે ઓર્ગેનીઝમનો તોડ આપણે કઈ રીતે કાઢીશું? ઇસ ૨૦૦૬થી ઇસ ૨૦૧૭ સુધી નાસા ખાતે પ્લેનેટરી પ્રોટેક્શન ઓફિસર તરીકે ફરજ બજાવી ચૂકેલા કેથરીન કોનલેના કહેવા મુજબ મંગળ પરથી આવનાર અવશેષોમાં કોઈ ખાસ પ્રકારનું ઓર્ગેનીઝમ હાજર હશે, તો એને પૃથ્વીની માનવ સહિતની પ્રજાતિઓમાં ફેલાતા વાર નહિ લાગે! એનો સીધો અર્થ એ થાય, કે મંગળથી આવેલા એ ઓર્ગેનીઝમમાં વાઈરસ હશે, તો કોરોના જેવો જ રોગચાળો ફાટી નીકળવાની શક્યતા પૂરેપૂરી!

તો આખરે કરવું શું? અવકાશીય સંશોધનો બંધ કરી દેવા? જી ના, જેમ જરૂરીયાત શોધખોળની જનની છે, એમ સમસ્યાઓ જ નવા ઉકેલ તરફ દોરી જતી હોય છે. ભૂકંપ અને વાઈરસ જેવી અમંગળ એંધાણીથી ડરી જાય તો વિજ્ઞાન શું કામનું? નવી મુશ્કેલીઓ આવશે તો વિજ્ઞાન નવા ઉકેલ ખોળી જ કાઢશે.


શ્રી જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com પર થઇ શકે છે.


સંપાદકીય નોંધ – અહીં લીધેલ તસ્વીરો અને વિડીયો ક્લિપ્સ નેટ પરથી લીધેલ છે. તેનો આશય લેખના સંદર્ભને સમજવામાં મદદરૂપ થવા માટેનો છે. તે દરેકના પ્રકાશાનાધિકાર જે તે વેબસાઈટ / મૂળ કર્તાના રહે છે.


[1]

Author: admin

Leave a Reply

Your email address will not be published.