ચેલેન્‍જ.edu : કિશોરોમાં હિંસાના કારણો અને ઉપાયો

રણછોડ શાહ

કિશોરાવસ્થા જીવનનો અત્યંત નાજૂક તબક્કો છે. આ ઉંમરે શારીરિકની સાથે સાથે થતો માનસિક વિકાસ કિશોરને મૂંઝવણમાં મૂકે છે. તે પોતાની જાતને અસુરક્ષિત સમજે છે. બાળકોનો ‘ટીનએજ’માંનો પ્રવેશ મમ્મી–પપ્પા અને શિક્ષકો સમક્ષ અનેક સમસ્યાઓ ઊભી કરી દે છે. આ ઉંમરે કિશોર જો રચનાત્મક પ્રવૃત્તિઓ કરે તો સર્જનાત્મક બને. પરંતુ જો તે વિઘાતક પ્રવૃત્તિઓમાં જોડાઈ જાય તો સર્વનાશ તરફ જતો રહે. આ ઉંમર અત્યંત સંવેદનશીલ હોવાથી તે વિજાતીય આકર્ષણથી લઈને નશીલા પદાર્થોના સેવન સુધી ઘસડાઈ જાય તેવી પણ શકયતાઓ રહેલી છે.
આજકાલ વર્તમાનપત્રોમાં ચોરી, લૂંટફાટ, મારામારી, હડતાળ, રાજકીય ષડયંત્ર અને ભ્રષ્ટાચારના સમાચારો ખૂબ મોટા પ્રમાણમાં હોય છે. થોડાક સમયથી આ સમાચારોની સાથે બાળકો દ્વારા થતા ગુનાઓના સમાચારો પણ પ્રગટ થવા લાગ્યા છે. કારણ કે બાળકો દ્વારા સમાજમાં મારામારી અને ખૂનના પ્રસંગો પણ બનવા લાગ્યા છે. થોડા સમય પહેલાં ગુડગાંવ, હરિયાણામાં બે બાળકો વચ્ચેનો ઝઘડો એટલો વધી ગયો કે એક વિદ્યાર્થીએ બીજાને ગોળી મારી તેનું ખૂન કરી નાખ્યું. બીજી એક શાળામાં એક વિદ્યાર્થીએ બીજાના પગ ઉપર ચપ્પુ મારી લોહીલુહાણ કરતાં તેનું મૃત્યુ થયું. મુખ્ય સવાલ એ છે કે પેન–પેન્સિલ કે બોલ પકડનાર વિદ્યાર્થીના હાથમાં પિસ્તોલ, ચપ્પુ કે અન્ય મારક હથિયારો આવ્યા કેવી રીતે ?

બાળકો જન્મથી હિંસક હોતા નથી. વૈશ્વિકરણની પ્રક્રિયા બાદ બદલાયેલી કૌટુંબિક વ્યવસ્થામાં વ્યવસાયી મમ્મી–પપ્પાઓ બાળકોને પૂરતો ગુણાત્મક સમય આપી શકતા નથી. આ અપરાધીપણાની લાગણીમાંથી ઉત્પન્ન થતી પ્રતિક્રિયારૂપે તેઓ બાળકોને જરૂર કરતાં વિશેષ ભૌતિક સુવિધાઓ આપવા પ્રયત્ન કરે છે. શિક્ષણ અથવા શિસ્તના નામે ઘર કે શાળામાં થતું દબાણ અથવા શારીરિક સજા બાળકને હિંસક બનાવે છે. આ માર માત્ર શારીરિક રહેવાને બદલે તેના હૃદય કે મન સુધી ઘર કરી જાય છે. તેના મનમાં કોઈ નાની કે મોટી ઘટનાનો બદલો લેવાની વૃત્તિ જન્મ લઈ લે છે.
કિશોરોમાં વધતી હિંસક પ્રવૃત્તિના કારણો:
(૧) ઘરનો માહોલ : સંયુકત કુટુંબની સંખ્યામાં થતો ઘટાડો અને વિભકત કુટુંબોમાં થયેલા વધારાની સૌથી ખરાબ અસર કિશોરો ઉપર પડી છે. આજે અનેક મમ્મી–પપ્પાઓ વ્યવસાયી બન્યા છે. સુખ–સુવિધાઓ વધી પરંતુ ફૂરસદનો સમય ઘટયો. દાદા–દાદી પાસે બેસીને વાર્તાઓ સાંભળવાની ઘટનાઓ ભૂતકાળ બની ગઈ છે. મોબાઈલ અને ટીવીના શોરબકોર વચ્ચે ઘરમાં સંવાદમય વાતાવરણ ઘટતું જાય છે. બાળકો માતા–પિતા કે મોટા ભાઈ–બહેનને પોતાની મુશ્કેલીઓ જણાવતા નથી. તેઓ એકલા જ તેની સામે ઝઝૂમે છે. સમસ્યાનો ઉકેલ ન મળે તો પોતાની ખીજ અને ગુસ્સો બીજાને મારીને કે તોડફોડ કરીને વ્યકત કરે છે. તમામ સુખ–સુવિધાઓ સહેલાઈથી મળી જવાને કારણે તેમની સહનશકિત અને સંઘર્ષ કરવાની ક્ષમતામાં ઘટાડો થયો છે.

(ર) દબાણ વચ્ચે જીવતા કિશોરો : માતા–પિતા બાળકો પાસે ખૂબ ઊંચી અપેક્ષાઓ રાખે છે. કેટલીકવાર તે પૂરી ન કરી શકવાનું દબાણ, મિત્રો સાથે અયોગ્ય સ્પર્ધા અને ઈર્ષા, મિત્રો સાથે ઝઘડો અથવા જે જોઈએ તે ન મળી શકવાને કારણે તથા આધુનિક અને પાશ્ચત્ય જીવનશૈલી સાથે પારંપારિક મૂલ્યોનો તાલમેલ મેળવવાનું કાર્ય કિશોરો માટે કઠીન બન્યું છે.

(૩) શાળાઓનું વધતું વ્યવસાયીકરણ (વેપારીકરણ) : એક જમાનમાં ગુરુ–શિષ્યનો સંબંધ ખૂબ આદરણીય અને આદર્શ ગણાતો હતો. સમયની સાથે પરિવર્તનનું વાવાઝોડું આવી ગયું. શાળાઓ વ્યવસાયીક કેન્દ્રોમાં બદલાઈ ગઈ. શાળાઓ એમ માનતી થઈ ગઈ છે કે બાળકોને નૈતિકમૂલ્યોનું શિક્ષણ આપવાની જવાબદારી હવે શિક્ષકોની રહી નથી. શિક્ષકોએ તો માત્ર સારા માર્કસ પ્રાપ્ત કરવા માટે જ શિક્ષણ આપવાનું છે. બાળકોની નાની–નાની ભૂલો માટે સમજાવટ કે પ્રેમને બદલે સજા ફટકારવાની પદ્ધતિને કારણે બાળકો ક્રોધી બની ગયા.

(૪) ટીવીનો પ્રભાવ : એક સંશોધનના આધારે એવું તારવવામાં આવ્યું છે કે છેલ્લા બે દસકામાં ટીવી ઉપર રજૂ થતા હિંસક કાર્યક્રમોની કિશોર અવસ્થાના છોકરા– છોકરીઓ ઉપર ખૂબ ઊંડી ઘાતક અસર પડી છે.

(અ) સ્ત્રીઓની થતી છેડતી અને બળાત્કારના દૃશ્યો ટીવી ઉપર વારંવાર દેખાડવામાં આવે છે. બાળકોને લાગે છે કે આજુબાજુનો સમાજ અત્યંત દૂષિત છે.
(બ) કાર્ટૂન્સ પણ બાળકોને હિંસક બનાવે છે. સ્ટંટ દેખાડવાવાળી ધારાવાહિક સિરિયલો તેમના વિકસતા ચારિત્ર્ય ઉપર અવળી અસરો ઊભી કરે છે. તેઓને લાગે છે કે તેઓ પણ તેવા સ્ટંટ કરવા શકિતશાળી અને બહાદૂર છે.
(ક) સમુહ માધ્યમો (Media) દ્વારા રજૂ થતા ખૂનખરાબા અને સનસનાટીભરી જાહેરાતોની બાળમાનસ ઉપર ખૂબ નકારાત્મક અસર પડે છે. તેઓ સમય કરતાં વહેલાં પુખ્ત બની રહ્યા છે. બાળકોની સંવેદનશીલતાનો નાશ કરવામાં ટીવીનો સિંહ ફાળો છે.
(ડ) એકલા એકલા ટીવી જોવું અત્યંત નુકશાનકારક છે. બાળકો તેમની બુદ્ધિ પ્રમાણે ટીવીમાં રજૂ થતાં દૃશ્યોને તેમની સમજને આધારે મૂલવે છે.
(પ) વિજાતીય આકર્ષણ : વિજાતીય આકર્ષણ કુદરતી અને સ્વાભાવિક છે. વર્તમાન સમયમાં કિશોરો અગાઉની સરખામણીએ વહેલા પુખ્ત બની રહ્યા છે. કિશોર વિજાતીય પાત્રથી સૌથી વધારે પ્રભાવિત થાય છે. છોકરા–છોકરીઓનું હળવા મળવાનું યોગ્ય રીતે આયોજન કરવામાં આવે તો તે બંનેના વ્યકિતત્વ વિકાસમાં તે ખૂબ ઉપયોગી બની શકે છે. જો તેમ ન થાય તો તેમાં ભટકાઈ જવાની શકયતાઓ પણ ઓછી નથી. તેમાં થતી નાનકડી ભૂલ પણ સમગ્ર જિંદગી માટે પસ્તાવવાનું કારણ બની શકે.
(૬) સહાધ્યાયીનું દબાણ (peer pressure): સહપાઠી, સરખી ઉંમર અને સાથી મિત્રો દ્વારા થતો વ્યવહાર અને પ્રત્યાયન મૂલ્યોમાં મોટો બદલાવ લાવવાનું કારણ બની શકે છે. કેટલીક વાર ટીનએજર્સ પોતે મિત્રો સાથે અનુકૂલન સાધી શકતા નથી તેથી એકલા પડી ગયાનો અનુભવ કરે છે. કયારેક લઘુતાગ્રંથી અથવા તો ગુરૂતાગ્રંથીને કારણે મિત્રો સાથે હળીમળી શકતા નથી. ખોટી ટેવો અને મિત્રોના અયોગ્ય દબાણને કારણે તેઓ વર્ગખંડમાં જવાનું માંડી વાળે છે, ડ્રગ્સ કે ધુમ્રપાનની કુટેવમાં ફસાઈ જાય છે, જૂથ બનાવી શિક્ષકોને પજવે છે, વર્ગના અન્ય વિદ્યાર્થીઓને ડરાવે–ધમકાવે વગેરે જેવી અયોગ્ય હરકતોના શિકાર બની જાય છે. ઘરમાંથી પ્રેમ ન મળતાં કિશોરો તે બહાર શોધે છે.

કિશોરોમાં હિંસાત્મક પ્રવૃત્તિઓ રોકવામાં વડીલોની ભૂમિકા:

બાળકોને યોગ્ય માર્ગદર્શન આપવાની જવાબદારી વડીલોની જ છે. બાળકોને જે મૂલ્યો બાળપણમાં આપવામાં આવે છે તે તેઓ કદી છોડતા નથી. મૂલ્યોના વિકાસ બાદ ચારિત્ર્યનિર્માણનું કાર્ય સરળ બને છે. માતા–પિતાએ નીચે જણાવેલ બાબતો ઉપર અવશ્ય ધ્યાન આપવું જોઈએ :
(૧) સામાન્ય રીતે કિશોરોમાં આવતા શારીરિક ફેરફારો સમજવામાં તેઓ મુશ્કેલીઓનો અનુભવ કરે છે. તેઓ અતડા થઈ જાય છે. મિત્રો સાથે પોતાના શારીરિક ફેરફારોની સરખામણી કરીને ચિંતાની લાગણી અનુભવે છે. તેમને સમજાવો કે આ બાબતે કાંઈ અસામાન્ય નથી. તેમને પોતાના અનુભવ કહો. તેમના શારીરિક ફેરફાર દરમિયાન ખાસ કરીને વજન વધવા–ઘટવા બાબતે ટોણા મારશો નહીં.
(ર) તેમના પ્રશ્નોના જવાબ આપવાને બદલે તેને સજા ન કરો. તેમને પ્રશ્ન પૂછતા કરો. તેમની વય અને સમજની કક્ષાએ જઈ તર્ક દ્વારા તેમને સમજાવવાનો પ્રયત્ન કરો. તેના મિત્રો બાબતે જરૂરી માહિતી મેળવતા રહો અને શિક્ષકોને પણ મળો. જો વાલીને એમ લાગતું હોય કે તે કાબૂ બહાર જઈ રહ્યો છે, મિત્રો સાથે સમય વેડફે છે તો તેના મિત્રો અને તેમના મમ્મી–પપ્પાને આમંત્રણ આપી ઘેર બોલાવો. કિશોર સાથે સરખી ઉંમરના મિત્રની જેમ વ્યવહાર કરો. જરૂરિયાત લાગે તો મનોવૈજ્ઞાનિકની સલાહ જરૂરથી લેવી.
(૩) નગણ્ય બાબતો તરફ આંખ આડા કાન કરો. તેના પોષાક, સ્વાસ્થ્યની ટેવો ઉપર ટીકા–ટીપ્પણી કરવાને બદલે તેના મિત્રવર્તુળ ઉપર ધ્યાન આપો. મિત્રો ખોટી દિશામાં તો લઈ જતા નથી ને ? તેને જવાબદારીઓ સોંપો. તેને નાના નાના નિર્ણય લેવા માટે પ્રોત્સાહન આપો.
(૪) કિશોરોને ‘ના’ કહેવાનું શીખવો. તેનો મિત્ર તેને જબરદસ્તીથી કોઈ કાર્ય કરાવવા માંગતો હોય તો તે સૌજન્યશીલ રીતે ‘ના’ કહી શકે તેવું સમજાવો. જો તે સીધી રીતે ‘ના’ ન કહી શકતો હોય તો તેને ‘ના, આભાર’ અથવા ‘મારે અહીંયાંથી જવું જોઈએ’… જેવાં વાકયો બોલવાનું જરૂરથી શીખવો.
(પ) બાળકો મોટા થાય છે ત્યારે તેમને ગુણવત્તાસભર સમય (Quality time) આપો, તેમની વાતો ગંભીરતાપૂર્વક સાંભળો. ઘરમાં એવું વાતાવરણ તૈયાર કરો કે તે ખુલીને પોતાની વાત નિર્ભય બનીને રજૂ કરી શકે.
(૬) તેની રચનાત્મક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપો. પુસ્તકોનું વાચન, સંગીત સાંભળવાની ટેવ, વિવિધ પ્રકારની સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે તેને પ્રેરણા અને પ્રોત્સાહનનું પીયૂષ પીવડાવો. ક્રિકેટ, ફૂટબોલ, બેડમિન્ટન, હોકી જેવી રમતોમાં તેની ભાગીદારી વધે તેવા સંનિષ્ઠ પ્રયત્ન કરો.
(૭) બાળકો માટે મમ્મી–પપ્પા રોલ મોડેલ હોય છે. તેથી તેમની હાજરીમાં વડીલોએ વ્યવહાર અને વર્તન શિસ્તબદ્ધ રાખવું. અંદરો અંદર ઝઘડા કરવા નહીં.
(૮) હારવું પણ જીવનનો એક ભાગ છે તેમ સમજાવો. બાળકો નિષ્ફળ જાય તો તેમને ઠપકો આપી હતોત્સાહ ન કરો. હારમાંથી પાઠ શીખી જીતવાની ભાવનાનો વિકાસ કરે તેમ શીખવો.
(૯) બાળકની નજરે આપણી આજુબાજુનું વાતાવરણ નિહાળો. તેની વાતનો બિનજરૂરી વિરોધ ન કરો. તેના દૃષ્ટિકોણને સમજો. પોતાનો અહમ્‌ સંતોષવા બાળકને હથિયાર બનાવશો નહીં. તેના મનમાં પણ તમારા તરફ પ્રેમ અને વિશ્વાસ પેદા થાય તેમ વર્તો. અંદોરોઅંદર સમજણ વધારવાથી સંવાદપૂર્ણ વાતાવરણ પેદા થશે અને બંને વચ્ચેનું અંતર ઘટશે.
(૧૦) આજકાલ મોટાભાગના ઉચ્ચ અથવા મધ્યમવર્ગના ઘરોમાં ઘરના કોઈપણ કાર્યમાં બાળકો મદદ કરતા નથી. જો તેમને ઘર અને કુટુંબના નાના નાના જરૂરી કાર્યોમાં સાંકળવામાં આવે અથવા તો તેમને જાતે કામ કરવાની પ્રેરણા આપવામાં આવે અને યોગ્ય કાર્ય કરવા બદલ અભિનંદન આપવામાં આવે તો તેમનો આત્મવિશ્વાસ વધશે.
(૧૧) આજના અત્યંત ઊંચા સ્પર્ધાત્મક યુગમાં સૌ પોતાના સંતાનને જલ્દીમાં જલદી શિસ્તબદ્ધ અને પુખ્ત બનાવવા ઈચ્છે છે. પરંતુ તેમની આ પ્રવૃત્તિ બાળક ઉપર શારીરિક અને માનસિક દબાણ ઊભું કરે છે. જે તેના વ્યકિત વિકાસને કુંઠિત કરે છે. મમ્મી–પપ્પા પોતાની તાણ અને મહત્વકાંક્ષા બાળકો ઉપર બોજની જેમ નાંખી દે છે. પ્રત્યેક બાળકનું એક અલગ વ્યકિતત્વ હોય છે. વાલીએ બાળકને પોતાની પસંદ–નાપસંદ કે મહત્વકાંક્ષા પૂર્ણ કરવાનું સાધન બનાવવું જોઈએ નહીં. વાલીએ પક્ષપાતી વલણથી દૂર રહેવાનું છે.
(૧ર) બાળમાનસ ઉપર દબાણ નાંખવા માટે હાથનો ઉપયોગ કરવો કયાં જરૂરી છે ? તેને સમજવા માટે તમે તમારા બે હાથ તેના ગાલ ઉપર પ્રેમથી ફેરવી તેને વહાલ કરો. તેનો હાથ તમારા હાથમાં લઈ વિશ્વાસપૂર્વકનો એક અતૂટ સંબંધ બાંધવો જરૂરી છે.
(૧૩) બાળકની ઉંમર વધતાં વધારે ઉર્જા (શકિત) પેદા થતી હોય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના જણાવ્યા પ્રમાણે રોજ એક કલાક શારીરિક વ્યાયામ કરવો આવશ્યક છે. શરીરને સુડોળ રાખવા માટે અઠવાડિયામાં ઓછામાં ઓછા બે કલાક કસરત કરવી હિતાવહ છે. તેમ તેને સમજાવો.
(૧૪) ટી.વી. પરના કાર્યક્રમો બાબતે નિયંત્રણો મૂકવાને બદલે તેને ગમતા હોય તેવા તેવા કાર્યક્રમો તેને સાથે રાખી તમે પણ જુઓ તથા સાર–અસારની ચર્ચા કરો તથા કાર્યક્રમોની પસંદગી કરતા શીખવો.

શિક્ષકોની ભૂમિકા

શિક્ષક સામાજિક અને નૈતિક દૃષ્ટિએ બાળકો સાથે યોગ્ય વહેવાર કરે તે અપેક્ષિત છે. પોતાના શૈક્ષણિક કાર્ય દરમિયાન વિવિધ પદ્ધતિઓ અને પ્રવિધિઓનો ઉપયોગ કરે. બાળકોને કોઈ વાત ન સમજાય તો પ્રેમપૂર્વક તેમને બીજીવાર સમજાવે. તેના ઉપર ગુસ્સે ન થાવ અને ધમકાવો પણ નહીં. વર્ગમાં વિદ્યાર્થીનું કયારેય અપમાન નહીં કરે, વિજાતીય પાત્રની હાજરીમાં તો કયારેય નહીં. બાળકોના વ્યકિતત્વનો સંપૂર્ણ વિકાસ થાય તે બાબતનું કાળજીપૂર્વક ધ્યાન રાખે. વર્ગના નબળા વિદ્યાર્થીઓ ઉપર વિશેષ ધ્યાન આપે. જુદી જુદી સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે તમામ વિદ્યાર્થીઓને સમાન તક પૂરી પાડે. બાળકો ઉપર વ્યકિતગત ધ્યાન આપે. તેમની વ્યકિતગત મુશ્કેલીઓ સમજે અને તેમની સાથે પ્રેમપૂર્વકનો વ્યવહાર કરે. પક્ષપાત કયારેય ન કરે. બાળકોને વિશ્વાસમાં લઈ તેમની ખાનગી સમસ્યાઓના ઉકેલ લાવવામાં મદદરૂપ બને તથા તેમની ખાનગી વાતો ખાનગી જ રાખે. બાળકોના સામાજિક વિકાસને ધ્યાનમાં રાખી તેમનામાં સંસ્કાર અને મૂલ્યોના બીજારોપણ કરે, તોફાની અને આક્રમક બાળકોની નાનામાં નાની સિદ્ધિઓને પણ બિરદાવે.
યુવાશકિતનો પડકાર

સંવેદના અને સાહસ યુવાનોની શકિતને પ્રજ્વલિત કરે છે. જ્યાં ભાવ છલકાય છે અને સાહસને પ્રોત્સાહન આપવામાં આવે છે ત્યાં યુવાનોમાં નવીન ઉર્જાના સ્રોત પ્રગટી જ ઉઠે છે. કોઈ યુવાન મનથી હારેલો કે શરીરથી થાકેલો હોતો નથી. યુવાનોઓએ પોતાનું લક્ષ્ય જાતે જ નક્કી કરવું જોઈએ. લક્ષ્ય ન હોવાને કારણે યુવાનો બરબાદ થઈ જાય છે. મેઘધનુષી સ્વપ્નોની કોઈ ઉંમર હોતી નથી. પરંતુ આ કયા સ્વપ્નો છે ? સ્વપ્નો પરપોટાની જેમ બને અને તૂટી જાય તો તેનો અર્થ નથી. સંબંધ બાબતે જે નિર્ણય લઈએ તે હૃદયથી વધારે અને મનથી ઓછો હોય તો બંનેમાંથી કોઈને ફાયદો થતો નથી. હૃદયની સાથે મનને પણ સમજો અને સાંભળો. તમે તમારા કાર્યો બાબતે તમારા વાલીને પણ જાણકાર કરો. જેથી તમે ખોટા રસ્તે જતા હોય તો તેઓ તમને બચાવી શકે.
યુવાઓ દ્વારા થતી હિંસક પ્રવૃત્તિઓને કારણે મૃત્યુ થતાં હોવા છતાં પણ સરકારની ભૂમિકા સકારાત્મક નથી. બાળકોને ગેરમાર્ગે દોરે તેવા અને વ્યકિતત્વ ઉપર નકારાત્મક પ્રભાવ નાંખે તેવા સાહિત્ય તથા ચેનલો પરના કાર્યક્રમો ઉપર સરકારે તાત્કાલિક પ્રતિબંધ મૂકવો જોઈએ. વ્યકિત, સમાજ, દેશ અને છેવટે સમગ્ર વિશ્વને ઉન્નત બનાવવા માટે બાળકોમાં નૈતિકતા અને ચારિત્ર્યનો વિકાસ થાય તે આવશ્યક છે. બાળક અપરાધી, કુસંસ્કારી અને નકામો બને તો તેને માટે મુખ્યત્વે વાલી અને શિક્ષક જ જવાબદાર  (દોષી) હોય છે. મૂલ્યોને માત્ર જ્ઞાનના સ્તર સુધી જ સિમિત રાખવાને બદલે તેને ભાવનાત્મક અને ક્રિયાત્મક સ્તર સુધી લઈ જ જવા પડશે. પરિવાર અને શાળા બંનેની જવાબદારી છે કે તે ચારિત્ર્ય અને સદાચારને પોતાનું લક્ષ્ય રાખે જેથી બાળકના વ્યકિતત્વના વિકાસની સાથે સાથે રાષ્ટ્રનું નૈતિક અને આધ્યાત્મિક ઉત્થાન પણ કરી શકાય.


(શ્રી રણછોડ શાહનું વીજાણુ સરનામું: shah_ranchhod@yahoo.com )


(નોંધ: તસવીર નેટ પરથી લીધી છે અને પ્રતીકાત્મક છે)

Author: admin

Leave a Reply

Your email address will not be published.