શબ્દસંગ : કચ્છી ગિરાના ગગનમાં અમીવર્ષણ ચન્દ્રરાજ: દુલેરાય કારાણી

-નિરુપમ છાયા

કચ્છડો ખેલે ખલકમેં, જીં મહાસાગરમેં મચ્છ ,
જિત હિકડો કચ્છી વસે, ઉતે ડીયાણો કચ્છ

એક એક કચ્છીનાં હૃદયમાં સ્થિર થઇ ગયેલી આ પંક્તિ જાણે રસાઈને લોકોક્તિ બની ગઈ છે. આ પંક્તિઓ દ્વારા લોકહૃદયમાં સ્થાન મેળવનાર કવિ દુલેરાય કારાણીએ વિપુલ વૈવિધ્યસભર બળકટ્ટ સર્જન દ્વારા સાહિત્યાકાશને જાણે દીર્ઘકાલીન પ્રકાશિત કર્યું છે. પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષપણે જ્યાં પણ કચ્છી ભાષાની વાત થાય છે કે અધ્યયન થાય છે ત્યાં શ્રી કારાણીનું નામ અચૂકપણે અને સર્વપ્રથમ લેવાય છે. કચ્છી સાહિત્યના સંદર્ભમાં લગભગ છેલ્લા પાંચ કે છ દાયકાને ‘કારાણી યુગ’ કહેવાય તો એમાં અતિશયોક્તિ ન લાગે. ઈ. સ. ૧૯૨૮માં પ્રકાશિત ‘કચ્છનાં રસઝરણાં’ થી આરંભાયેલ એમની સર્જન યાત્રા, સાહિત્યસેવા ૧૯૮૮ સુધી અવિરત રહી. લગભગ ૬૦ પ્રગટ અને ૧૦ -૧૨ અપ્રગટ પુસ્તકો તેમણે આપ્યાં. આમાં કાવ્યો, નાટકો, નવલકથા, જીવનચરિત્ર, બાળગીતો, બાળવાર્તા, બાળ રમતો, બાળ જોડકણા સાથેનું બાળ સાહિત્ય , કોશસાહિત્ય, કચ્છી કહેવતો અંગેનાં ત્રણ પુસ્તકો જેવાં સંશોધન, સંપાદન અને ભાષા શીખતાં શીખતાં જ વર્ણમાળા શીખવી દેવાય એવી રીતે કચ્છી ભાષા શીખવવા બે ભાગમાં કચ્છી ભાષાની પ્રથમ પોથીનો પણ સમાવેશ થાય છે. વળી તેમણે કચ્છ રાજ્યની ‘કચ્છ સમાચાર પત્રિકા’ પાક્ષિકના અને સોનગઢમાં ‘સમયધર્મ’ માસિકના તંત્રી રહી, પત્રકાર તરીકે પણ કાર્ય કર્યું. આટલાં અને આવાં પોતાનાં આ સર્જનકાર્ય માટે કારાણી કહે છે,”કોઈવાર પ્રબળ ભાવનાથી દ્રવી ઉઠેલા હૃદયમાંથી ટપકી પડેલાં ફોરાં ભલે મોતી ન હોય, તો પણ તેમને એકત્ર કરી લેવાનો મારો નમ્ર પ્રયાસ છે.”

કારાણીજીનાં જીવનની વિગતો જોઈએ તો, મૂળ ચૌહાણ વંશનું કુટુંબ. ત્રણસો ચારસો વર્ષ પહેલાં અજમેરથી એમના વંશજો કચ્છ આવ્યા. કારાણીજીનો જન્મ મુન્દ્રામાં સંવત “ઉનઈસો બાવન વાળ સાતમ ને બુધવારે.” અર્થાત્ ૧૩મી ફેબ્રુઆરી ૧૮૯૬ ન રોજ. પિતાનું નામ લાખાભાઈ. પરિવારના વડીલોમાં કોઈ શિક્ષક,વાર્તાકાર તો કોઈ જાદુગર પણ ખરા. આ વારસો એમને પણ મળ્યો. હા, જાદુગર ખરા પણ શબ્દો, ભાષા, વાણી અને શબ્દના, જેણે અનેકોને પેઢીઓ સુધી મોહિત કર્યા. મુન્દ્રાની દરબારી શાળામાં અભ્યાસ શરુ કર્યો. છ સાત વર્ષની ઉમરે પહેલી કવિતા ગોખી એ કવિ દલપતરામની.

સારી ચોપડીઓ શોભાય, હૈયું તે દેખી હરખાય,
નિત્ય નવું નિશાળમાં, ભણવું ચોડી ચિત્ત ,
ગુરુની શિક્ષા માનવી, રૂડી રાખો રીત.

પણ બહુ અભ્યાસ કરવાનું નહીં નિર્માયું હોય તે પરિવારની વિષમ પરિસ્થિતિ આવી, ભાઈ કમાવા આફ્રિકા ગયા અને કારાણીજીને અભ્યાસ છોડવો પડ્યો. મુન્દ્રાની દરબારી શાળામાં કોરી ચાર (રૂપિયા પંદર)ના પગારે સંવત ૧૯૬૮માં શિક્ષક તરીકે જોડાયા અને બન્યા દલુ માસ્તર. શાળામાં આ જ પગારમાં શિક્ષણ કાર્ય ઉપરાંત હિસાબકિતાબ, નાઈટ સ્કૂલ, અને પુસ્તકાલયની જવાબદારી પણ સંભાળવાની હતી જેને કારણે વિશાળ વાચનનો લાભ મળ્યો. એ સાથે જ અંગ્રેજી, ફારસી અને ઉર્દુ ભાષા પણ અનુક્રમે આર ડી હાઈસ્કૂલના શિક્ષક લાલજી વસનજી ચોથાણી, એ જ સ્કૂલના હેડમાસ્તર અને સૈયદ અલીશા પાસેથી શીખ્યા. અંગ્રેજી માટે પાઠમાળા ના ચાર ભાગ, ઉપરાંત અંગ્રેજી લેખક RENALDનાં પ્રખ્યાત પુસ્તક MYSTERIES OF THE COURT OF LONDONના આઠ ભાગ પાછળ મંડી પડ્યા. તે ઉપરાંત, SOLDIER’S WIFE તેના ગુજરાતી અનુવાદ ‘સૈનિકની સુંદરી” સાથે જ વાંચ્યું. એ જ રીતે ઉર્દુનો અભ્યાસ, વાચનમાળા “ તાલીમનામા “થી પાયાથી જ શરુ કર્યો. સિંધી ભાષા પણ શીખ્યા. આ શિક્ષણ એમને BLACKHILLS OF KUTCHના અને શાહ જો રસાલો પુસ્તકોના અનુવાદમાં મુલ્યવાન બન્યું. પણ સર્વગ્રાહી રીતે તો જાણે એક સર્જકનું સૂક્ષ્મ રીતે ઘડતર થઇ રહ્યું હતું. બીજી વાત એ પણ સમજાય છે કે એક ઉમદા સર્જક માટે અભ્યાસ અને ધગશ કેટલાં જરૂરી છે! આ બધુંયે કરતાં પરિવારની જવાબદારી ,આર્થિક સંઘર્ષ તો હતો જ. આને પહોંચી વળવા ટ્યુશન પણ કર્યા. તેમણે લખ્યું છે, “આખાં મુન્દ્રાની એકપણ શેરી નહિ હોય કે જ્યાં ટ્યુશન માટે મારાં પગલાં ન પડ્યાં હોય.” પણ, કચ્છના રાજવંશ વિશેનાં પુસ્તક કચ્છના કલાધારોથી તે સમયના દિવાન એટલા પ્રભાવિત થયા કે રાઓ શ્રી મદનસિંહજી બાવા પાસે એની પ્રસંશા કરી અને પરિણામે કચ્છ કેળવણી ખાતાંના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર તરીકે વિરોધ વચ્ચે પણ એમની નિમણુંક થઇ. છેવટે ૧૯૪૯-૫૦ માં કારાણીજી સ્વેચ્છાએ નિવૃત્ત થયા અને સોનગઢના આત્મીય મુની શ્રી કલ્યાણચંદ્રજીન પ્રેમાગ્રહથી સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલયમાં જોડાવાની ઈચ્છાને પણ ત્યાગીને ,શ્રી મહાવીર જૈન ચરિત્ર રત્નાશ્રમમાં વ્યવસ્થાપક અને ગૃહપતિનું કાર્ય સંભાળવા લાગ્યા. આ બંને અલગ અલગ ઘટનાના સંદર્ભમાં કારાણીજીના શબ્દો સાંભળવા જેવાં છે: “મિત્ર એક જ ધારવો, કાં તો ભૂપતિ કાં તો કોઈ ત્યાગી. મારાં તો સદભાગ્ય કે મને એકને બદલે બે મળ્યા, મહારાજ મદનસિંહ અને જૈન મુની સોનગઢવાળા કલ્યાણચન્દ્રજી મહારાજ.”

એમનાં વ્યક્તિત્વ પર અસર પડી હોય તો, તેઓ પોતે સ્વીકારે છે તેમ ગાંધી અને સ્વામી દયાનંદ. એ બંને “મેરે પ્રકાશસ્તંભ થે.” એટલે જ ગાંધીજીના દેહાંતના સમાચાર જાણી, ધ્રુસકે ધ્રુસકે રડેલા અને એક વરસ સુધી પ્રિય એવી પાઘડી પણ પહેરી નહોતી.

કારાણીજીનાં સાહિત્ય પ્રદાન વિષે જોઈએ તો, એમણે લગભગ ૨૫ પુસ્તકો કચ્છી ભાષામાં આપ્યાં. લોકસાહિત્યના મર્મજ્ઞ શ્રી જયમલ્લ પરમાર નોંધે છે કે “કચ્છી સાહિત્યને ગુજરાતી લીપીમાં લખવાની શરૂઆત ૧૮૫૬થી થઇ.” પણ એ પદ્ય સ્વરૂપમાં જ. એ જોતાં કારાણીજીનું લેખન પોણી સદી પછીનું ગણી શકાય અને કચ્છી પદ્ય સાથે ગદ્યમાં પણ સર્જન એમની વિશેષતા બની રહે છે. કારાણીજી પોતે કહે છે કે,”મારું જીવન માત્ર મારી કચ્છી વાણી, બાબાણી બોલી માટે જ છે એમ હું માનું છું.” શૈલી, સાહિત્યસ્વરૂપ અને પ્રવૃત્તિની દૃષ્ટિએ તેમની કાવ્યસૃષ્ટિ વિપુલ છે. કચ્છી ભાષાના અભ્યાસુ પ્રભાશંકર ફડકે તો સ્પષ્ટપણે કહે છે કે “HE WAS POET FIRST AND A POET LAST.’ કચ્છની રસધાર , કારાણી કાવ્યકુંજ, મીઠે મેરામણજા મોતી, ઝારે જો યુદ્ધ અને બાવની સાહિત્યમાંનાં સોનલ બાવની, કલ્યાણ બાવની, મહાવીર બાવની, કચ્છી સુબોધ બાવની અને હરિજન બત્રીસી કચ્છીમાં રચાયેલી કૃતિઓ છે. ઈ. સ. ૧૯૩૧માં મૂર્ધન્ય કવિ અને વિદ્બાન બ. ક.ઠાકોરે સંપાદિત કરેલ ‘આપણી કવિતા સમૃદ્ધિ’ માં ‘ઝારાનું મયદાને જંગ’ કાવ્ય લીધું અને આમ આ દુરારાધ્ય વિદ્વાન દ્વારા તેઓ સ્વીકૃત થતાં ગુજરાતી સાહિત્યમાં તેમની ગણના થઇ. કાવ્યોમાં એમનો વતનપ્રેમ સ્પષ્ટ જણાઈ આવે છે. ‘મોરચંગના સૂર”માં ડૉ ધીરેન્દ્ર મહેતા લખે છે, ‘ વતનપરસ્તી એ કારાણીની કવિતાનો મુખ્ય સૂર છે’.

કારાણીજીના સાહિત્યનાં વૈવિધ્યમાં એક સૂર સામાન્ય રહે છે. ‘કચ્છ ગઈકાલ અને આજમાં’ હરેશભાઈ ધોળકિયા નોંધે છે તેમ ‘દુલેરાય કારાણીના અનેકવિધ સાહિત્યમાંથી સૌથી ધ્યાન ખેંચતું હોય તો તે છે તેમનું સંશોધનાત્મક ઐતિહાસિક સાહિત્ય’. ડેપ્યુટી એજ્યુ. ઇન્સ્પેકટર તરીકે એમને કચ્છમાં ઊંડાણના વિસ્તારોમાં પ્રવાસ કરવાનું થયું અને તેમના જીજ્ઞાસા અને અભ્યાસુ દૃષ્ટિને કારણે જ્યાં જતા ત્યાં પાળીયાઓ જોતા, એના વિષે માહિતી પણ મેળવતા અને અન્ય મબલખ સાહિત્ય પણ મેળવતા.તેમણે પોતે લખ્યું છે કે ,”ગામેગામના પાળીયાઓને હું પ્રશ્ન પૂછતો રહેતો અને જવાબ મળતા રહેતા.” વ્રજવાણીના ઢોલી અને આહીરાણીઓની ઘટના એમને આ રીતે જ મળેલી.

સાહિત્યકાર તરીકે અનેક અગ્રણી સર્જકો વિદ્વાનોએ તેમને પોંખ્યા છે. તેમાંથી સારરૂપ, કલાગુરુ રવિશંકર રાવળના શબ્દો ઘણું કહી જાય છે: “એમનાં ‘ઝારાનું મયદાને જંગ ’ અને ‘ઢોલી’ કાવ્યોના પ્રસંગચિત્રો દોરું તો એમાં રંગરેખા હોય, પણ પ્રાણ તો કારાણીજીના શબ્દો જ આપી શકે. એક એક પંક્તિ એક એક ઉત્તમ ચિત્ર બક્ષે છે.”

પોતાની કૃતિઓનું પઠન કરતાં તેમને સાંભળવા એ એક લ્હાવો હતો. મોરલાના ષડજ સૂર સાથે જાણે લહેકો અને ગહેકો કૃતિને જીવંત કરી દેતા. આકાશવાણી પાસે એમનાં પઠનનાં ધ્વનિમુદ્રણો સચવાયા હોય તો એ આપણા સદભાગ્ય.

આપાદ મસ્તક કચ્છી લેબાશ અને પાઘડીમાં ઓપી ઉઠતું એમનું વ્યક્તિત્વ એમને જોનારના હૈયે અચૂક વસ્યું હશે.

કચ્છની તળભૂમિને સાહિત્ય થકી જીવંત કરનારાં આ વ્યક્તિત્વને બારોટ વજ્રાંગ ભગતની પંક્તિઓ દ્વારા વંદન કરીએ.

તુલસી કબીર સૂર , હિન્દીજા તાં હીરા જેડા,
તેડો કચ્છી ભાષા જો તાં કવિ હિ કારાણી આય.


શ્રી નિરુપમ છાયાનું વિજાણુ સંપર્ક સરનામું : njcanjar201@gmail.com

Author: admin

1 thought on “શબ્દસંગ : કચ્છી ગિરાના ગગનમાં અમીવર્ષણ ચન્દ્રરાજ: દુલેરાય કારાણી

  1. સૌરાષ્ટ્ર ના લોકસાહિત્ય માટે જે સ્થાન ઝવેરચંદ મેઘાણી નું છે તે સ્થાન કચ્છ માટે દુલેરાય કારાણી નું છે.
    સુંદર લેખ, નીરુપમભાઈ !

Leave a Reply

Your email address will not be published.