સુરેશ જાની

૧૮૬૬માં મોસ્કોમાં જન્મેલા વાસિલી કેન્ડિન્સ્કી (વાસ્યા)ની કાકીએ તે નવ વર્ષનો હતો ત્યારે, તેને એક કલર બોક્સ ભેટ આપ્યું અને તેને રંગ મેળવતાં શીખવ્યું. તેણે પહેલો જ હાથ અજમાવ્યો અને જાતજાતના અવાજ તેને સંભળાવા લાગ્યા! રંગ સાથેનો આ તેનો પહેલો અનુભવ હતો. પછી તો વાસ્યા ભણવામાં લાગી ગયો અને ભણતરના અંતે તે કાયદા અને અર્થશાસ્ત્રના વિષયો ભણાવતો થઈ ગયો.
પણ ૧૮૯૬ ની સાલમાં મોસ્કોના બોલ્શોઈ થિયેટરમાં વેનરના સંગીતની તર્જ સાંભળતાં તેને જાતજાતના રંગો દેખાવા લાગ્યા. આ સાથે જ તેને બાળપણની સ્મૃતિઓ તાજી થઈ ગઈ. હવે કાયદાના શિક્ષણનું કામ ચાલુ રાખવાનું વાસ્યા માટે અશક્ય બની ગયું. આ અગાઉ પણ મોસ્કોની ઉત્તરે આવેલા વોલોગ્દા વિસ્તારના દેવળો અને મકાનોના રંગો તેના દિમાગમાં કોઈક અનેરી સંગીતમય અનુભૂતિ કરાવી ગયા હતા.
બધું કામ છોડીને ચિત્રકળા શીખવા તે મ્યુનિચ પહોંચી ગયો. ૩૦ વર્ષની ઉમરે ત્યાંની પ્રખ્યાત અકાદમીમાં પ્રવેશ મેળવવાનું સહેલું ન હતું. આથી તે એક ખાનગી શાળામાં જોડાયો અને ચિત્રકળાની સાધના કરવા લાગ્યો. તેનાં ચિત્રો વખણાતાં છેવટે તેને અકાદમીમાં આગળ અભ્યાસ કરવાની તક મળી ગઈ. મોનેટની Impressionist શૈલી તે કાળમાં બહુ વખણાતી હતી. વાસ્યા પણ તે શૈલીમાં ચિત્રો બનાવવા લાગ્યો. પણ તે તો કાંઈક નવું જ સર્જન કરવા સર્જાયો હતો. મોનેટની શૈલીમાં બનાવેલું blue rider ચિત્ર બહુ વખણાયું. પણ Impressionist શૈલીમાં એ તેનું છેલ્લું ચિત્ર હતું. એ ચિત્રમાં પણ વિષય કરતાં રંગનું માહાત્મ્ય વિશેષ હતું. ત્યાર બાદનાં ચિત્રોમાં વાસ્યાએ વિષય, આકાર વિ. અંગેના ચીલાચાલુ ખ્યાલોને તિલાંજલિ આપી દીધી!
એ સાથે જ રંગ અને માત્ર રંગના જ લપેડાઓથી જ ભરપૂર ચિત્રો વાળી ચિત્રકળાની એક નવી નક્કોર શૈલી – અમૂર્ત ચિત્રકળા (abstract art) નો જન્મ થયો. તે કાળમાં ફોટોગ્રાફીના વિકાસના કારણે યુરોપના કળાજગતમાં અવનવા અખતરા ખેડાઈ રહ્યા હતા. એમાં આ નવો જ પ્રવાહ ઊમેરાયો. આથી જ વાસિલીને અમૂર્ત કળાનો પિતામહ ગણવામાં આવે છે.

૧૯૧૪ માં તે મોસ્કો પાછો ફર્યો. રશિયાની સામ્યવાદી ક્રાન્તિ બાદ તે થોડોક વખત સરકારી તંત્ર સાથે સંકળાયેલો રહ્યો, પણ તેની સ્વતંત્ર રીતે વિચારવાની રીત સાથે એ સુસંગત ન હતું. ૧૯૨૦ માં જર્મનીની પ્રખ્યાત બાઉહાઉસ સ્કૂલ ઓફ આર્ટમાં જોડાવાની તક મળતાં તે બર્લિનવાસી થયો. ૧૯૩૩ સુધી તે ત્યાં કાર્યરત રહ્યો. પણ નાઝી સત્તાના ઉદય સાથે તેના કામની અવગણના થવા લાગી. આ કારણે એનું ભવિષ્ય તેને પારિસના કલાજગતમાં ખેંચી લાવ્યું. ૧૯૪૪માં અવસાન સુધી તે ત્યાં જ રહી પડ્યો.
ચિત્રકાર હોવા ઉપરાંત વાસિલી એક સમર્થ વિચારક પણ હતો અને કળા અંગે તેણે ઘણા લેખ અને વિવેચનો લખ્યાં છે. એમાં તે નોંધપાત્ર રીતે રંગને સંગીતની વિવિધ તર્જ સાથે સરખાવે છે. તે એમ પણ કહે છે કે, એક સારા ચિત્ર માટે કોઈ ચીજનું આલેખન જરૂરી નથી. રંગો પોતે જ જોનારને એક એવા સ્તરમાં ખેંચી શકે છે જ્યાં તેને લાગણી, ભાવ કે, આંતરિક ચેતનાની અનુભૂતિ થવા લાગે છે.

એ જમાનામાં મનનાં ઊંડાણનાં રહસ્યો વિશે કોઈ જાણકારી ન હતી. પણ એમ માનવામાં આવે છે કે, વાસિલી Synesthesia તરીકે જાણીતી મગજની એક વિશિષ્ઠ અવસ્થા ધરાવતો હતો! સામાન્ય માણસનું મગજ રંગને રંગ તરીકે, અવાજને અવાજ તરીકે અથવા સ્પર્શને સ્પર્શ તરીકે જ અનુભવતું હોય છે. પણ Synesthesia ધરાવતા મગજના કોશોનું વાયરિંગ થોડીક જૂદી રીતે થયેલું હોય છે! ન્યુરોલોજીમાં થયેલાં સંશોધનોના પ્રતાપે ઘણી બધી જાતનાં Synesthesia વિશે હવે જાણકારી થઈ છે. એનું એક ઘણું જાણીતું ઉદાહરણ છે – રંગ અંધાપો ( color blindness ).
Synesthesia એ સાવ અલગ જ વિષય છે. આપણે તો અહીં એ જાણવું રહ્યું કે, આવી અવનવી ઇન્દ્રિયજન્ય કાબેલિયત કે નબળાઈ સાવ અલગ જાતનાં સર્જનોનું મૂળ હોઈ શકે છે.
અહીં વાસિલીનાં ઘણાં બધાં અમૂર્ત ચિત્રો જોઈ શકશો
સંદર્ભ
https://en.wikipedia.org/wiki/Wassily_Kandinsky
https://denverartmuseum.org/article/staff-blogs/wassily-kandinskys-symphony-colors
https://en.wikipedia.org/wiki/Synesthesia
શ્રી સુરેશભાઈ જાનીનાં સંપર્કસૂત્રઃ
· નેટજગતનું સરનામું: ‘ગદ્યસૂર’ અને ‘કાવ્યસૂર’નો સમન્વય – સૂરસાધના
· ઇ-પત્રવ્યવહારનું સરનામું: sbjani2006@gmail.com
Thanks for posting a very informative article on such rare subject.