વર કન્યા સાવધાન !!

ચીમન પટેલ ‘ચમન’

ફોનની ઘંટડી રણકી ને રસોડામાં કામ કરતી પત્ની બોલી; ‘જરા ફોન લેશો? મારા હાથ લોટવાળા છે.’

તમારા હુક્ક્મને નકારાય! સોફામાંથી ઉભો થતાં થતાં હું બોલ્યો.

‘આમ વ્યંગમાં ના બોલતા હોવ તો ના ચાલે?’ ઘર્મપત્ની જરા બગડ્યા!

ફોન મેં લીધો ને પત્ની તરફ ધરતાં મેં કહ્યું; ‘તમારો છે! હવે તો તમારે લેવો જ પડશે !’

‘કોણ છે?’ ધર્મપત્નીને હતું કે કોઈ એમની બહેનપણી હોય તો ફરી ફોન કરવા મારી પાસે જ કહેવડાવી દેવું હશે, પણ મેં જ

સ્પષ્ટતા કરતાં કહિ દીધું; ‘આ બહેનતો તમારી સાથે જ વાત કરવાનો આગ્રહ રાખે છે.’ ઝટપટ હાથ ઘોઈ, સાડીના છેડે

હાથ લૂસતાં લૂસતાં મારા હાથમાંથી એમણે ફોન લઈ લીધો; મારો આભાર માન્યા વગર જ!

ફોન કરનાર કોણ હશે એ જાણવાની મને પણ ઈન્તેજારી જાગી એટલે હું એમના મોઢાના ભાવ વાંચવા આઘો ન ખસ્યો!

એમનો ચહેરો ચાડી ખાતો કહી રહ્યો હતો કે તેઓ પણ આ ફોન કરનારને ઓળખતા લાગતા નો’તા!

આમતો એ ચાલુ ટીવીએ વાત કરવા ટેવાયેલા છે, પણ આજે એ વાત કરતાં કરતાં અંદરના રૂમમાં ચાલ્યા ગયા! એ જોઈ મારી કુતૂહલતા પણ વધી! એકાદ બે કીડી કરડી જાય ને જેમ મન ઘડી ઘડી ત્યાં પહોચી જાય એમ મારું મન પણ ઘડી ઘડી શી વાત હશે એ જાણવા પહોચી જતું હતું!

વાતચીત પતાવીને ધર્મપત્ની જ્યારે મારી પાસે આવીને બેઠા ત્યારે મારા મનને શાંતિ થઈ!

હજુ હું એમને પૂછુ ત્યાં જ એ વધ્યા; ‘આપણા લોકો પણ ખરા છે!’

પણ શું થયું? મારાથી પૂછાઈ ગયું. મેં ન પૂછયું હોત તો પણ એ કહેવાના તો હતા જ, પણ જો વચમાં કૂદી ન પડીએ તો પછી પટેલ ભાયડા ન કહેવાઈએને!

‘આપણી દિકરી નયનાના લગ્નની વાત કરવા કોઈ બહેનનો ફોન હતો. મેં એમને કહ્યું કે તમે તમારા દિકરાનો ફોન નંબર આપો. મારી દિકરી તમારા દિકરાને ફોન કરી એક બીજાને વાત કરી લેવા દો પછી આપણે આગળ વાત ચલાવીએ, પણ, આ બહેન કહે કે અમારે પ્રથમ તમને મળવું છે. આપણે એક બીજાને મળીયે, ઓળખીએ પછી આગળ વાત ચલાવીએ’

‘તો તે શું કહ્યું?’ કોઈ વાત કરતું હોય તો એની વાત પૂરી ન થાય ત્યાં સુધી વચમાં ન બોલવાનો નિર્ણય હું કાયમ કરું છું,પણ લાંબો ટકતો નથી!

‘આગળ સાંભળોતો ખરા.’ આંખો પહોળી કરી ડાંટતાં પત્ની બોલી.

‘મેં તો એ બહેનને સાફ સાફ કહી દીધું કે હું એમની સાથે બિલકુલ સંમત નથી!’

‘બહું સરસ જવાબ તે આપ્યો. ‘ગુડ’….’

‘આ પહેલી વાર તમે મારી સાથે સંમત થયા છો!’

‘ …………………’મૂક રહેવામાં જ આજે મારી સલામતી હતી !!

અમેરિકામાં એવા મા-બાપો છે કે જેઓ ભારતની ચાલી આવતી કેટલીક જૂની પ્રથાઓને છોડવા તૈયા નથી. પરિણામે અહિ જન્મી મોટા થયેલા કેટલાક બાળકોના લગ્નોના પ્રશ્નો વિકટ બની જાય છે, બની ગયા છે.

ઘ્રર્મપત્નીના એક જાણીતા બહેનપણીના એકના એક દિકરાને ૩૨ થવા આવ્યા છે, પણ હજુ સુધી એનાઅ લગ્નનું ઠેકાણું પડ્યું નથી એનુમ કારણ પણ જાણવા જેવું છે. આ બહેન ખૂબ દેખાવડા છે એટલે રુપાળી પૂત્રવધુની ખોળમાં છે.

છોકરીઓના ફોટા એમની પાસે આવે ત્યારે જો એમને ન ગમે તો એ ફોટાઓ પછી ત્યાંજ ઘર કરી રહી જાય છે; ન એમના પતિને કે ન એમના દિકરાને એ ફોટાઓ જોવા મળે છે! જોવાની ખૂબીતો એ છે કે આ બહેન બધાને કહેતા ફરતા હોય છે કે જન્મ અને મરણ તો ઉપરથી લખાઈને જ આવ્યા હોય છે, તો પછી, એ ફોટાઓ દિકરાને બતાવવામાં જોખમ ખરું?

આ બહેનને ગોળાકાર મુખ ગમે છે, પણ દિકરાને એ ન પણ ગમતો હોય. દરેક વ્યક્તિનો દ્રષ્ટિકોણ અલગ અલગ હોય છે એ આ બહેન કેમ ભૂલી જતા હશે? તમે નહિ માનો, પણ સાથે નોકરી કરતી એક ધોળી છોકરી સાથે લગ્ન કરવાના એમના દિકરાના મક્ક્મ નિર્ણયને જ્યારે આ બહેન એમના બધા ઉપાયો કરી બદલી ન શક્યા ત્યારે એમના દુઃખની કોઈ સીમા નો’તી! સુખે દુઃખે દિકરાના લગ્ન તો કરાવ્યા, પણ આખી જિંદગી એક ડંખ એમને ખૂચ્યા કર્યો કે જો એમણે એ બધી ભારતીય છોકરીઓના ફોટાઓ દિકરા સુધી જવા દીધા હોત તો ભારતીય પુત્રવધૂના એમના સ્વપ્નાઓ સાકાર તો થયા હોત. આ દ્વિધામાં એમની પુત્રવધૂને એ આજીવન દિલથી ન અપનાવી શક્યા કે ન એને જોઈતો સહકાર આપી શક્યા. પરિણામે, આજે એમની આઘેડ વય વખતે પુત્ર ને પુત્રવધુ વચ્ચેનું અંતર ઘટવાને બદલે વધી ગયું છે!

મારા એક મિત્રની દિકરીની વાત અત્રે યાદ આવી જાય છે.

છોકરાઓની વાત લઈ મિત્રો કે સગાઓ ફોટા આપી જાય જાય ત્યારે દિકરી મા-બાપને ખુશ રાખવા એક પછી એક ફોટાઓ જોઈ તો જાય, પણ દિકરીનો કાયમ એકજ જવાબ હોય કે એને કોઈ છોકરો ગમતો નથી! સારા ને સંસ્કારી કુટુંબના છોકરાઓના માંગાઓની દિકરી સાથે ચર્ચા કરી કરીને મા-બાપ હવે ખૂબ કંટાળી ગયા હતા એટલે એક દિવસે દિકરીને પાસે બેસાડીને એને પૂછ્યું; તને સારા, દેખાવડા ને સંસ્કારી છોકરાઓ બતાવીએ છીએ ને તું એમની સાથે વાત કર્યા વગરજ ના પાડી દે છે તો તારું કારણ અમને કહીશ. તારી ધ્યાનમાં કોઈ છોકરો હોય તો અમને કહે. અમને એનો વાંધો નથી’

‘એવું કંઈ નથી, ડેડી. ‘ દિકરી બોલી.

‘તો પછી તને શો વાંધો છે તે અમારે આજે તો જાણવું જ છે.’

દિકરીને પણ ઘણા દિવસોથી થતું’તું કે મા-બાપ પાસે બેસીને આ અંગે સ્પષ્ટતા કરી લેવાનો સમય પાકી ગયો છે. કાગને બેસવું ને ડાળને પડવું!

‘ડેડી, ખોટું ન લગાડતા, પણ હું સમજું છું તે પ્રમાણે મા-બાપે બતાવેલા છોકરા સાથે કરેલા લગ્ન ‘એરેન્જ મેરેજ ‘ ગણાય છે ને ‘એરેન્જ મેરેજના કિસ્સાઓ સાંભળી મને એના માટે એક પ્રકારની નફરત થઈ ગઈ છે.’ દિકરીએ પેટ છૂટી વાત કરી. આ સાંભળી મા-બાપ તો બેઘડી આશ્ચર્યમાં ડૂબી ગયા! પછી, દિકરીના બાપે પોતાનો ખુદનો દાખલો આપીને દિકરીને ‘એરેન્જ મેરેજ’ કોને કહેવાય એ સવિસ્તાર સમજાવ્યું ને મા-બાપતો ‘મેસેન્જર’નો રોલ ભજવી રહ્યા હોય છે એનૉ પણ સ્પષ્ટતા કરી લીધી. પેટ છૂટી વાતો કરીને દિકરીને એ દિવસે ખૂબ ખૂબ સમજાવી.દિકરીને પણ એ દિવસે મા-બાપની વાત ગળે ઉતરી ને એની વર્તણુકમાં ફેર પડ્યો ને એ છોકરાઓના ફોટાઓમાં રસ લઈ ફોન પર વાત પણ કરવા લાગી. થોડાક જ સમયમાં એના પણ લગ્ન ઘામ ધૂમથી લેવાઈ ગયા!

અમેરિકામાં કેટલાક ભારતીય કુટુંબો એવા પણ છે કે ભારતમાં એમના પૂર્વજોએ ઉભા કરેલા ગામના વાડાઓની અંદર જ એમના અમેરિકામાં જન્મેલા કે અહિ આવી મોટા થયેલા છોકરા-છોકરીઓના લગ્ન થાય એવો અંદરથી આગ્રહ રાખે છે. એ પૂર્વજો જરું ર હોશિયાર હશે ને એમના એ ગામના વાડાઓ બાંધવાના કારણૉ પણ હશે. એ વખતે નોકરી માટે બહાર જનારા બહુંજ ઓછા હશે એટલે છોકરા-છોકરીઓના વિવાહ અંગે ગણ્યા ગાંઠા ગામના પરિવારો કૌટુંબિક પરિચય રાખવો સરળ બની રહેતો હશે; ખાસ કરીને દિકરીઓ માટે. અજાણ્યા પાણીમાં પડવાની એ પૂર્વજોની તૈયારી નહિ હોય. ગામના છોકરાઓ ગામમાં એમની નજર આગળ જ રમે એવી એમની આગવી સૂઝ હશે.

અમેરિકામાં જન્મેલા કે અહિ આવી મોટા થયેલા છોકરા-છોકરીઓને આ પૂર્વજોએ રચેલા ગામોમાં પરણાવવાનો આગ્રહ રાખતા પહેલાં એમને એ આગ્રહ પાછળની ફિલસુફી જો સમયસર નહિ સમજાવીએ તો આ બાળકો મા-બાપ વિરૂધ ડગ ભરશે ભારતમાં સ્થાયી થયેલા જો અમુક ગામોનો આગ્રહ રાખે એ વાત સમજાય છે, પણ પરદેશમાં રહેતા પરિવારો અંદરખાને આ આગ્રહ રાખે એ સમજાતું નથી. આ પરિવારો એમના મા-બાપોની ઈચ્છા મુજબ લગ્નોની બાબતમાં એ ગામોની સરહદો ભલે આળંગી નથી, પણ પૈસા કમાવવા એ સરહદો જરુંર ઓળંગી ગયા છે! એમ કરવામાં એમના દિવંગત(પરલોક વાસી) પૂર્વજોના આત્માઓને એમણે કેટલું દુઃખ પહોચાડ્યું હશે એની કોને ખબર? ગામો છોડી, દેશ છોડી, પરદેશ્માં આવવાની આપણે હિમ્મત કરી તો આપણા બાળકો આપણાથી સવાયા નિકળે તો એમાં નવાઈ શી?

ગામના છોકરાઓને ગામમાં રમવું હવે ગમતું નથી! ગામના આંગણાઓ એમને હવે નાના પડે છે. રમતો બદલાઈ ગઈ છે ને રમનારા બદલાઈ ગયા છે! નવા યુગના એ યુવાનો પાસે આઘુનિક સુખ સગવડૉ હવે આવી ગઈ છે. પટેલ્ને પટેલમાં પરણ્વું નથી ને મા-બાપોને પરાણે પરણાવવા છે. પર નાતમાં, પર પ્રાન્તમાં કે પરદેશીને પરણીને ભવિ બાળકોના ‘જીન’માં ફેરફાર લાવવાના એમના આઘુનિક વિચારોને સમજાવવામાં આપણને સમય લાગશે. એમને એમના બાળકો ખડતલ, ઊંચા, દેખાવડા ને ’ઈન્ટેલીજન્ટ’ જોઈએ છે જેની સમજણ એમને આવી ગઈ છે ને એ સમજણ જો મા-બાપોમાં આવી જાય તો સોનામાં સુગંધ ભળી જાય. પરિવારોની પ્રજાના પ્રશ્નો પણ હળવા થઈ જાય. દુ;ખના ડુંગરમાં દટાયા વગર સ્વર્ગીય સુખનો લ્હાવો આ ઘરતીપર જ મરતં પહેલાં માણી શકાય. માંડ માંડ છોકરો કે છોકરી હા પાડે ને પછી જો જન્માક્ષ્રરો મળતા ન આવ્યા કે ગ્રહોના ગોટાળાઓમાં જો ગુંથાયા તો લગ્ન અટકી ગયા સમજો.

આવો એક પ્રસંગ યાદ આવી જાય છે. છોકરો-છોકરી છ મહિના સાથે ફર્યા, ખૂબ વાતો કરીને જ્યારે બંને લગ્નના નિર્ણયપર આવ્યા ત્યારે જન્માક્ષર જોનારે કહ્યું કે આ ‘કપલ’ ને બાળક્નો યોગ નથી. છોકરાના પિતાએ તો પહેલેથી જ કહી દિધેલું કે તેઓ જન્માક્ષ્રરમાં માનતા નથી, પણ દિકરીની મા ભાવિ સંજોગો સામે આંખ આડા કાન કેમ કરી શકે? દિકરીનો બાપ વિચારતો’તો કે આજની મેડીકલ સિધ્ધીની સહાયથી આ આગાહિને ખોટી પૂરવાર કરી શકાય, પણ પત્નીને પડકારવામાં સાપના દરમાં હાથ નાખવા જેવું હતું! ગૌણ વાત હતી એ મહત્વની બની ગઈ ને મહત્વની વાત ગૌણ બની રહી ગઈ! લગ્નની વાત ત્યાંજ અટકાઈ ગઈ! થોડા સમય પછી છોકરાનું તો બીજી કોઈ છોકરી સાથે ઠેકાણુ પડી ગયું. પેલી છોકરીનું જન્માક્ષરને કારણે લંબાઈ ગયું!

જન્માક્ષરો બનાવનાર કે જન્માક્ષરો વાંચનાર પાસે ગ્રહોનું જ્ઞાન જરુંર હશે, એને અનુસરીને કરેલા લગ્નો બધા શું સફળ નિવડે છે ને ન અનુસરેલા બધા શું નિષ્ફળ જાય છે? પરદેશમાં શની-રવિના સમયની સગવડ આગળ અપવાદોને આપમેળે આપણે આવકારી લઈ અવસરતો સાચવી લઈએ છીએ ત્યારે થોડા અપવાદો વધે તો વાંધો ખરો?

છોકરા-છોકરીઓના જન્માક્ષરો જોનાને બદલે બંને પરિવારોનો મેડીકલ રીપોર્ટ જોવો હવે વધારે જરુરી છે. છોકરીને ગાંઠડિયે કે છોકરાને પાઘડીએ મંગળ નિકળે તો ચલાવી લેવાશે, પણ બંનેના પરિવારમાંથી કોઈ ડાયાબિટીસ કે રુદય રોગ જેવો વંશીય રોગો ભાવિ પ્રજામાં ન આવી જાય એ માટે સજાગ થવાનો સમય પાકી ગયો છે. જેમ સામાવાળાના જન્માક્ષર માગતાં આપણને જરાયે ક્ષોભ થતો નથી તેમ મેડીકલ રીપોર્ટ માગવામાં ક્ષોભ રાખવા જેવો હવે નથી!

પરદેશમાં આપણી આજની પ્રવૃતિ જોઈ આપણા દિવંગત પૂર્વજો હવે જરુર હરખાતા હશે, પણ આપણે જ્યારે એ અવસ્થાએ પહોચીશું ત્યારે આપણા બાળકો માટે અહિ જે થઈ રહ્યું છે ને જે થવાનું છે એ જાણી હરખાઈશું કે કેમ એ પ્રશ્ન મને તો રાત-દિ મૂઝવી નાખે છે!!


સંપર્કસૂત્રો :

બ્લોગ – chimanpatel.gujaratisahityasarita.org
ઈ મેઈલ –chiman_patel@hotmail.com
મોબાઈલ – 1- 832-372-3536

Author: admin

Leave a Reply

Your email address will not be published.