લીલાપુરુષ: રામ

દર્શના ધોળકિયા

પુત્ર, પતિ, ભાઈ, શત્રુ, મિત્ર જેવી વિભિન્ન ભૂમિકાઓ કુશળતાથી નભાવતા, ઓઅસાર કરતા રામ એમની દરેક ક્ષણમાં અસંગ, અનાસક્ત પ્રમાણિત થતા રહ્યા છે. પણ મનુષ્યને – અસામાન્ય કહેવાય તેવા મનુષ્યને ભાગે કેટલીક એવી ઘટનાઓ પણ આવે છે જ્યારે એ જીવનનાં વિષમ પાસાંઓના આધિક્યને સહજ રીતે વેઠવા છતાં એની વિષમતાને તો પ્રમાણે જ છે; એની વરવી બાજુને અનુભવે છે. ક્યારેક લોકમાં, લોક માટે જીવતા અસાધારણ મનુષ્યને પોતે પણ લોકમાંનો જ છે એવું વ્યક્ત કરવા, લોકની ભૂમિકાએ ઊતરીને પણ કેટલોક લોકાચાર વ્યક્ત કરવાનું આવશ્યક બને છે. બહારથી એ પરિસ્થિતિને વશ થતો, અકળાતો, અમળાતો દેખાય છે ત્યારે પણ એનું કેન્દ્રબિંદુ અડોલ જ હોય છે. અવતારમાત્રનું આ રહસ્ય એ છે જે રામમાં પણ અભિવ્યક્ત થયું છે.

રામ, સ્વભાવે ધીર પુરુષ છે. જીવનના વાળા-ઢાળાને તેમણે પૂરા તાટસ્થ્યથી સ્વીકાર્યા ચી. જીવનની આત્યંતિક ક્ષણોમાં પણ આસપાસના જગતે આપેલી વેદનાઓ પચાવતા ગયેલા રામે ક્યારેક પોતાની લીલા પ્રગટ કરીને સાધારણ મનુષ્યને છાજે એવાં વ્યવહાર-વર્તન કરીને ક્ષણેક પોતાના અવતારીપણા પર પડદો પાડીને એક રીતે કહીએ તો પોતાનું જીવનાભિમુખપણું જ વ્યક્ત કર્યું છે. આવા કેટલાક પ્રસંગો રામને ‘લીલાપુરુષ’ તરીકે રજૂ કરે છે.

રામાયણમાં લીલીપુરુષ રામને વ્યક્ત કરતો પહેલો પ્રસંગ વનવાસની પ્રવેશક્ષણનો છે. રામના વનવાસની એ પ્રથમ રાત્રિ છે. એ રાત્રે જ એમણે લક્ષ્મણની પરીક્ષા કરતાં લક્ષ્મણ સાથે સંવાદ કરતાં જણાવ્યું છેઃ “લક્ષ્મણ! આજે મહારાજ ચોક્કસપણે દુઃખથી રાત્રિ વ્યતીત કરશે; પણ કૈકેયી સફળમનોરથ થવાથી ખૂબ સંતુષ્ટ હશે.

“ક્યાંક એવું ન થાય કે કૈકેયી ભરતને આવેલો જોઈને મહારાજના પ્રાણ હરી લે!

“મહારાજનો કોઈ રક્ષક ન હોઈ, એ આ સમયે અનાથ છે. એક તો, તેઓ વૃદ્ધ છે અને તેમાં એમને મારો વિયોગ સહન કરવાનો આવ્યો છે. તેમની ઇચ્છા અનમાં જ રહી ગઈ છે, એવી દશામાં તેઓ પોતાની રક્ષા માટે શું કરી શકશે?

“આપણા પર આવેલા આ સંકટને અને રાજાના આ મતિભ્રમને જોઈને મને એવું લાગી રહ્યું છે કે અર્થ અને ધર્મની અપેક્ષાએ કામનું ગૌરવ અધિક છે.

“લક્ષ્મણ! પિતાએ જે રીતે મને ત્યાગી દીધો છે એ રીતે અત્યંત અજ્ઞાની હોવા છતાં ક્યો મનુષ્ય એવો હોય જે એક સ્ત્રી માટે પોતાના આજ્ઞાંકિત પુત્રને ત્યાગી દે?

“કૈકેયીકુમાર ભરત જ સુખી અને સૌભાગ્યવતી સ્ત્રીનો પતિ છે, જે એકલો જ સ્વસ્થ માનવોથી સભર કૌશલદેશનું સમ્રાટની જેમ પાલન કરશે.

“પિતાજી અત્યંત વૃદ્ધ થઈ ગયા છે અને હું વનમાં ચાલ્યો આવ્યો છું, એવી દશામાં ભરત જ સમસ્ત રાજ્યનાં શ્રેષ્ઠ સુખોનો ઉપભોગ કરશે.

“એ સાચું જ છે કે જે અર્થ અને ધર્મનો પરિત્યાગ કરીને કેવળ કામનું જ અનુસરણ કરે છે, એ તરત જ આપત્તિમાં પડી જાય છે, જેવી રીતે અત્યારે મહારાજ પડી ગયા છે.

“હું સમજુ છું કે મહારાજ દશરથના પ્રાણોનો અંત કરવ, મને દેશનિકાલ કરવા અને ભરતને રાજ્ય અપાવવા માટે કૈકેયી આ રાજભવનમાં આવી હતી.

“ આ સમયે પન સૌભાગ્યના મદથી મોહિત થયેલી કૈકેયી મારે કારણે કૌશલ્યા અને સુમિત્રાને કષ્ટ પહોંચાડી શકે છે.

“આપણે કારણે તારી માતા સુમિત્રાદેવીને ભારે દુઃખથી રહેવું પડશે. આથી તું કાલે સવારે અયોધ્યા પાછો ફરી જા. હું એકલો જ સીતાની સાથે દંડકારણ્યમાં જઈશ. તું ત્યાં મારી અસહાય માતા કૌશલ્યાનો સહાયક બન.

“ધર્મજ્ઞ લક્ષ્મણ! કૈકેયીનાં કર્મો જુઠ્ઠાં છે. એ દ્વેષવશ અન્યાય પણ કરી શકે છે. આપણા બંનેની માતાઓને ઝેર પણ આપી શકે છે.

“હે તાત! આગલા જન્મમાં ચોક્કસ મારી માતાએ કોઈ સ્ત્રીઓનો એમના પુત્રથી વિયોગ કરાવ્યો હશે, એ પાપનું જ આ પુત્રવિયોગરૂપી ફળ તેને આજે પ્રાપ્ત થયું છે.

“મારી માતાએ લાંબા કાળ સુધી મારું પાલન-પોષણ કર્યું અને જાતે દુઃખ સહન કરીને મને મોટો કર્યો. હવે જ્યારે પુત્ર તરફથી સુખરૂપી ફળ ભોગવવાનો અવસર આવ્યો ત્યારે મેં કૌશલ્યાથી મને અળગો કર્યો. મને ધિક્કાર છે!

“સુમિત્રાનંદન! કોઈ પણ સૌભાગ્યવતી સ્ત્રી એવા પુત્રને જન્મ ન આપે, જેવો હું છું, કારણ કે હું મારી માતાને અનંત શોક આપી રહ્યો છું.

“લક્ષ્મણ! હું તો એવું માનું છું કે માતા કૌશલ્યાને મારાથી વધુ પ્રેમ તો એની પાળેલી મેના કરે છે. જે સતત માતાના દુશ્મનથી માતાની બચાવવાનું રટ્યા કરે છે.”

“હે શત્રુદમન! જે મારે માટે શોકમગ્ન રહે છે, મંદભાગિની જેવી બની ગઈ છે અને પુત્ર હોવાનું કોઈ ફળ ન મળવાને કારણે અપુત્ર જેવી બની છે, એ માતાને કંઈ જ ઉપકાર ન કરનાર મારા જેવા પુત્રથી શું પ્રયોજન છે!

લક્ષ્મણ! જો હું કોપાયમાન થાઉં તો મારાં બાણો વડે એકલો જ અયોધ્યા તથા સમસ્ત ભૂમંડળને નિષ્કંટક બનાવીને મારા અધિકારમાં કરી શકું તેમ છું. પણ પારલૌકિક હિત માટે બળ-પરાક્રમ કારણરૂપ ન હોતાં હું એમ કરતો નથી. વળી અધર્મ તેમ જ પરલોકથી ડરીને હું અયોધ્યાના રાજ્ય પર મારો અભિષેક કરાવતો નથી.”

આટલું કહેતાંમાં રામને ગળગળા થઈને વિલાપ કરતા બતાવ્યા છે. શોકસંતત્પ રામને આશ્વાસન આપતાં લક્ષ્મણને કહેવું પડ્યું છે તેમ રામ માટે આ પ્રકારનો શોક ઉચિત નથી. લક્ષ્મણ ને સીતા – બંને રામ વિના એક ક્ષણ પણ જીવી શકે તેમ નથી. લક્ષ્મણનાં આવાં વચનોથી શાંત થયેલા રામે ચૌદ વર્ષ સુધી લક્ષ્મણને સાથે રહેવાની અનુમતિ આપી દીધી છે તેમ જ પોતે પણ સ્વસ્થ થઈને વનવાસ સ્વીકાર્યો છે.

રામનાં આ વચનો ને વિલાપમાં સંબંધોના આટાપાટા છે, સંબંધે જગવેલા આસક્તિના ભ્રમનું નિરસન છે, સ્વજનોનું તટસ્થ મૂલ્યાંકન પણ છે ને એમાંથી પ્રગટતી રામની લીલા પણ છે ને એ બહાને રામે કરેલી લક્ષ્મણની ભાતૃભક્તિની પરીક્ષા પણ છે.

લીલાપુરુષ રામનો બીજી વાર પરિચય થાય છે વનમાં આવેલા ભરતને મુખેથી પિતા દશરથનાં મૃત્યુના સમાચાર સાંભળે છે તે સમયે. ભરત પાસેથી પિતાના મૃત્યુની વાત સાંભળતાં જ રામ દુઃખથી અચેત થઈ ઢળી પડે છે. ભરતમુખેથી નીકળેલું એ વચન રામને વજ્ર સમું ભાસે છે. મનને પ્રિય ન લાગનાર એ વાક-વજ્રને સાંભળીને શત્રુઓને સંતાપ આપનાર રામચંદ્ર બંને હાથ ઉપર ઉઠાવીને ખીલેલી ડાળીઓવાળા, કપાયેલા વૃક્ષની જેમ પૃથ્વી પર ઢળી પડ્યા. શોકથી દુર્બળ થયેલા રામને ઘેરીને સીતા સમેત સૌ ભાઈઓ, સીતા સમેત રડવા લાગ્યા. થોડી વાર પછી હોશમાં આવતાં શ્રીરામે નેત્રોથી આંસુ વહાવતાં દીન વાણીમાં વિલાપ શરૂ કર્યો ને ભરત પ્રત્યે કહ્યું:

“ભાઈ, જ્યારે પિતાજી પલોકવાસી થઈ ગયા છે ત્યારે હું અયોધ્યા આવીને શું કરું ? રાજશિરોમણિ પિતા વિના દીન થયેલી અયોધ્યાનું પાલન હવે કોણ કરશે ?

“હાય! જે પિતાશ્રી મારા શોકથી જ મૃત્યુ પામ્યા, એના અંતિમસંસ્કાર પણ હું ન કરી શક્યો! મારા જેવા વ્યર્થ જન્મ લેનાર પુત્રથી એ મહાત્મા પિતાનું ક્યું કાર્ય સિદ્ધ થયું ?

“નિષ્પાપ ભરત! તું કૃતાર્થ થયો. તારું અહોભાગ્ય છે, જેથી તેં અને શત્રુઘ્ને પિતાના પારલૌકિક કાર્યો કરીને મહારાજનું પૂજન કર્યું છે.

“મહારાજ દશરથ વિનાની થયેલી અયોધ્યા એના પ્રધાન શાસકથી રહિત થયેલી હોઈ અસ્વસ્થ અને વ્યાકુળ બની છે ત્યારે વનવાસથી પાછા ફર્યા પછી પણ મારા મનમાં અયોધ્યા પાછા ફરવાનો ઉત્સાહ રહ્યો નથી.

“પરંતપ ભરત! વનવાસની અવધિ સમાપ્ત કરીને જો હું અયોધ્યા આવીશ તો કોણ મને કર્તવ્યનો ઉપદેશ આપશે, કેમકે પિતાજી તો પરલોકવાસી થયા છે.

“પહેલાં જ્યારે હું એમની કોઈ આજ્ઞાનું પાલન કરતો હતો ત્યારે પણ સદવ્યવહારને જોઈને મારો ઉત્સાહ વધારવા તેઓ જે-જે વાતો કરતા હતા એ કાનને સુખ પહોંચાડનારી વાતો હવે હું કોના પાસેથી સાંભળી શકીશ?”

પુત્રની ભૂમિકામાં રામનો આ વિલાપ એમની પુત્રભક્તિની લીલાનો પરિચયાક છે.

રામની લીલા દર્શાવતો ત્રીજો મહત્વનો પ્રસંગ મૃગવેશધારી મારીચ પ્રત્યેના રામે દર્શાવેલા વિસ્મયનો છે. રામાયણની મહત્વની ઘટના, કહો કે વળાંકબિંદુ વ્યક્ત કરતા આ પ્રસંગે રામે સુવર્ણમૃગ પ્રત્યે અનુભવેલું વિસ્મય ભાવકના મનમાં આશ્ચર્ય જગવે છે. મૃગ પ્રત્યે સીતા જ્યારે મોહ અનુભવે છે ને તેના ચર્મની અપેક્ષા તેના મનમાં જાગે છે ત્યારે લક્ષ્મણે તરત જ એમાં રાક્ષસી માયા નિહાળી છે, એટલું જ નહિં પણ મૃગના વેશમાં આવેલ વ્યક્તિ મારીચ જ છે એવું લક્ષ્મણે અનુમાન પણ કરી લીધું છે ત્યારે પણ રામ એ સુવર્ણમૃગને પકડવા માટે નિશ્ચયાત્મક ધારણ કરતા રામ સીતાથી પ્રેરાઈને હર્ષયુક્ત થઈને લક્ષ્મણને જણાવે છે: “લક્ષ્મણ! જો તો ખરો; સીતાના મનમાં આ મૃગને મેળવવાની કેવી પ્રબળ ઇચ્છાઓ જાગી છે! ને ખરેખર એનું રૂપ પણ એવું જ સુંદર છે! એના રૂપની શ્રેષ્ઠતાને લઈને જ આ મૃગ આજે જીવતું રહી શકશે નહીં.

“સુમિત્રાનંદન! દેવરાજ ઇન્દ્રના નંદનવનમાં કે કુબેરના ચૈત્રરથવનમાં પણ આવું કોઈ મૃગ નહીં હોય, જે આની બરોબરી કરી શકે! તો પૃથ્વી પર તો આવું મૃગ મળે જ ક્યાંથી?

“આ મૃગની ઊંચી થયેલી રોમાવલિ સોનેરી ટપકાંઓથી ચિત્રિત થયેલી હોઈ ભારે શોભા ધારણ કરે છે.

“જો ને, એ જ્યારે વળીને જુએ છે ત્યારે એના મુખમાંથી પ્રજ્વલિત અગ્નિશિખાની જેમ ઝબકતી જીભ બહાર છે અને વાદળમાંથી ચમકતી વીજળી જેવી ચમકે છે.

“આ મૃગનો મુખસંપુટ ઇન્દ્રમણિથી બનેલા પાનપાત્ર જેવો જણાય છે; ઉદર શંખ અને મોતી સમાન સફેદ છે. આ અવર્ણનીય મૃગ કોના મનને લોભાવે નહીં? અનેક પ્રકારનાં રત્નોથી વિભૂષિત આ મૃગના સોનેરી ચમકવાળા રૂપથી કોનું મન ન લોભાય નહીં? અનેક પ્રકારનાં રત્નોથી વિભૂષિત આ મૃગના સોનેરી ચમકવાળા રૂપથી કોનું મન ન લોભાય ?

“આ રત્નરૂપ શ્રેષ્ઠ મૃગના બહુમૂલ્ય સોનેરી ચામડા પર સુંદરી વિદેહરાજનંદિની સીતા મારી સાથે બેસશે.” આટલું કહ્યા પછી આ મૃગ મારીચ હશે તો એ પણ વધ કરવા યોગ્ય હોઈ, આપણું કાન સંપન્ન થશે એમ માનીને રામે આ મ્ગની પાછળ જવાનું ઉચિત ધાર્યું જ છે.

સીતાની મૃગ પ્રત્યેની આસક્તિ જોઈને રામ પોતાનું ધનુષ્ય લઈને મૃગ પાછળ જવા નીકળતાં પહેલાં નિર્ણાત્મક બનીને લક્ષ્મણને જણાવે છે: “મૃગને મારવાનો મારો મુખ્ય હેતુ છે એના ચામડાને પ્રાપ્ત કરવું તે. આજે આ જ કારણે આ મૃગ જીવતો નહીં રહી શકે.” ને મૃગપ્રાપ્તિ માટે રામ સજ્જ થયા જ છે.

મૃગરૂપધારી મારીચને જોતાં જ રામને લક્ષ્મણનો તર્ક યથાર્થ જણાયો છે ને તેમણે મારીચનો વધ કરતાંવેંત આશ્રમની વાટ પકડી છે. એ ક્ષણે તેમને જાતજાતનાં અપશુકનોનો અનુભવ થતાં સીતાની ચિંતા જાગી છે. ઉતાવળે આશ્રમ ભણી જતા રામને વાટમાં જ સામે આવતા લક્ષ્મણનો ભેટો થાય છે ત્યારે ફરી લીલાપુરુષની ભૂમિકામાં આવતા રામ ચિંતિત થઈને લક્ષ્મણને પૂછે છે:

“લક્ષ્મણ! દંડકારણ્યમાં પ્રસ્થાન કરતી વેળા અયોધ્યાથી જે મારી પાછળ પાછળ આવી તથા જેને એકલી છોડીને તું અહીં ચાલ્યો આવ્યો તે સીતા અત્યારે ક્યાં છે?

“હું જ્યારે રાજ્યથી ભ્રષ્ટ અને દીન બનીને દંડકારણ્યમાં ફરી રહ્યો છું ત્યારે એ દુઃખમાં જે મારી સહાયક બની એવી પાતળી કેડવાળી સીતા અત્યારે ક્યાં છે?

“હે વીર! જેના વગર હું બે ઘડી પણ જીવી શકીશ નહીં એવી મારા પ્રાણોની સહચરી, દેવકન્યા સમાન સુંદર સીતા અત્યારે ક્યાં છે?

“લક્ષ્મણ! તપાવેલા સોના સમાન કાન્તિવાળી જનકનંદિની સીતા વિના હું આ પૃથ્વીનું રાજ્ય અને દેવતાઓનું આધિપત્ય પણ ઇચ્છતો નથી.

“જે મને પ્રાણથીય વિશેષ પ્રિય છે એ સીતા શું અત્યારે જીવતી હશે? સીતાને ખોઈને મારું વનમાં આવવું વ્યર્થ તો નહીં જાય?

“સીતાના નષ્ટ થવાથી હવે હું મૃત્યુ પામીશ, તું એકલો જ અયોધ્યા પાછો ફરશે અને તેથી શું માતા કૈકેયી સફળમનોરથ અને સુખી થશે?

“જેનો એકનો એક પુત્ર હું મૃત્યુ પામીશ, એવી તપસ્વિની માતા કૌશલ્યાને શું પુત્ર અને રાજ્યથી સંપન્ન અને કૃતકૃત્ય થયેલી કૈકેયીની સેવામાં વિનમ્ર ભાવથી ઉપસ્થિત થવું પડશે?

“લક્ષ્મણ! જો વિદેહનંદિની સીતા જીવંત હશે, તો જ હું આશ્રમમાં પગ મૂકીશ. જો સદાચારપરાયણા સીતા મૃત્યુ પામી તો હું પણ પ્રાણોનો પરિત્યાગ કરીશ.

“લક્ષ્મણ! જો આશ્રમે પહોંચીને વિદેહરાજકુમારી સીતા સસ્મિત ચહેરે સામે આવીને મારી સાથે વાત નહીં કરે તો હું જીવતો નહીં રહું.”

આ રીતે લક્ષ્મણને પીડતા રા, આશ્રમમાં આવીને સીતાને ન જોતાં વ્યથિય થઈ ઊઠીને વિલાપ કરે છે:

“હાય! સીતાનું કોઈએ હરણ તો નથી કર્યું? એ મૃત્યુ તો નથી પામે કે પછી ખોવાઈ ગઈ છે કે કોઈ રાક્ષસે તો એનું ભક્ષણ નથી કર્યું? એ ભીરુ ક્યાંય છુપાઈ તો નથી ને? કે પછી ફળ-મૂળ લેવા માટે વનની અંદર તો નથી ગઈ?” આવું વિચારતા રામની આંખો રડીને લાલ થઈ ગઈ છે, તેઓ ઉન્મત્ત જેવા બનીને એક વૃક્ષથી બીજા વૃક્ષ તરફ દોડતા, પર્વતો, નદીઓ અને સમુદ્રને કિનારે ઘૂમે છે ને શોકના સમુદ્રમાં ડૂબીને વિલાપ કરતાં કરતાં વૃક્ષોને પૂછે છે:

“કદંબ! મારી પ્રિયા સીતા તારાં પુષ્પોને ખૂબ ચાહતી હતી, શું એ અહીં છે? તેં એને જોઈ છે?

“જો તું જાણતું હોય તો એ શુભાનના સીતાનો પત્તો બતાવ. તેનાં અંગો સ્નિગ્ધ પાંદડાંઓ જેવાં કોમળ છે તથા શરીર પર પીળા રંગની રેશમી સાડી શોભી રહી છે. મારી પ્રિયાનાં સ્તન તારા જેવાં જ છે. જો તેં એને જોઈ હોય તો બતાવ.

“અથવા અર્જૂન! તારા ફૂલો પર મારી પ્રિયાને વિશેષ અનુરાગ હતો; આથી તું જ એના સમાચાર કહે, કૃશાંગી જનકકિશોરી જીવે છે કે નહીં?

“આ કકુભ (એક વૃક્ષ) પોતા સમાન જંઘાવાળી મિથિલેશકુમારીને ચોક્કસ જાણતું હશે, કારણ કે એ વનસ્પતિ, લતા, પલ્લવ તથા ફૂલોથી સંપન્ન થઈબે ખૂબ સુંદર દેખાઈ રહ્યું છે. આ તિલક વૃક્ષ અવશ્ય સીતાના વિષયમાં જાણતું હશે, કારણ કે મારી પ્રિયા સીતાને તિલકથી પ્રેમ હતો.

“હે અશોક! તું શોકને દૂર કરનારું છે. અહીં હું શોકથી મારી ચેતના ખોઈ બેઠો છું. મને મારી પ્રિયતમાનું દર્શન કરાવીને શીઘ્ર તારા જેવા નામવાળો બનાવી દે.(શોકહીન કરી દે.)

“હે તાલ વૃક્ષ! તારાં પાકેલાં ફળની સમાન સ્તનવાળી સીતાને તેં જોઈ હોય તો બતાવ. જો તને મારા પર દયા આવતી હોય તો એ સુંદરી વિશે મને અવશ્ય કહે.

“જે જાંબુ! જામ્બુનદ (સુવર્ણ) સમાન કાન્તિધારી મારી પ્રિયા જો તારી દ્રષ્ટિએ પડી હોય, જો તું એના વિશે કશું જાણતું હોય તો નિઃશંક થઈને મને બતાવ.

“કનેર! આજે તો ફૂલોના લચી પડવાથી તારી ભારે શોભા થઈ રહી છે. અહો! મારી પ્રિયા સાધ્વી સીતાને તારાં ફૂલો ખૂબ પસંદ હતાં. જો તેં એને જોઈ હોય તો મને કહે.”

આ રીતે આંબલી, કદંબ, શાલ, કુરવ, ધવ અને અનાર વગેરે વૃક્ષોને પણ જોઈને મહાયશસ્વી રામચંદ્રજી તેમની પાસે ગયા અને બકુલ, પુન્નાગ, ચંદન તથા કેવડાનાં વૃક્ષોને પણ પૂછતા ફરવા લાગ્યા. એ સમયે તેઓ વનમાં પાગલની જેમ જ્યાં-ત્યાં ભટકવા લાગ્યા. હરણ, ગજ, વાઘ આદિ પ્રાણીઓને પણ સીતાની ભાળ પૂછતા રામ વિલાપ કરતાં કરતાં સંભ્રમિત થવાથી સીતીને જોઈ હોય એમ કહેવા લાગ્યા:

“પ્રિયે! ભાગી કેમ જઈ રહી છે? કમલલોચને! મેં તને ચોક્કસપણે જોઈ લીધી છે. તું વૃક્ષોની ઓથે છુપાઈને મારાથી વાત કેમ નથી કરતી?

વરારોહે! ઊભી રહે,ઊભી રહે! શું તને મારા પર દયા આવતી નથી? વધારે મશ્કરી કરવાનો તારો સ્વભાવ તો નહોતો, તો પછી મારી ઉપેક્ષા શા માટે કરે છે?

“હે સુંદરી! પીળી રેશમી સાડીથી તું ક્યાં છે એની મને જાણ થઈ જાય છે. તું ભાગી જાય છે તોપણ મેં તને જોઈ લીધી છે. જો તને મારા પ્રત્યે પ્રેમ અને સૌહાર્દ હોય તો ઊભી રહી જા.”

(ફરી ભ્રમ દૂર થતાં જણાવે છે): “અથવા ચોક્કસપણે એ નથી. એ સુંદર સ્મિતવાળી સીતાને રાક્ષસોએ મારી નાખી છે, નહીંતર આ રીતે સંકટમાં પડેલા મારી એ ક્યારેય ઉપેક્ષા ન કરે.

“સ્પષ્ટ રીતે જાણી શકાય છે કે માંસભક્ષી રાક્ષસોએ મારાથી વિખૂટી પડી ગયેલી મારી ભલી-ભોળી પ્રિયા મૈથિલીને તેનાં બધાં અંગો છૂટાં પાડીને ખાઈ લીધી છે.

“સુંદર દાંત, મનોહર હોઠ, સુઘડ નાસિકાવાળું મુખ તથા રુચિર કુંડલોથી અલંકૃત એ પૂર્ણચંદ્રમા સમાન અભિરામ મુખ રાક્ષસોનો કોળિયો બનીને ચોક્ક્સ પોતાની પ્રભા ખોઈ બેઠું છે!

“રોતી-કકળતી પ્રિયતમા સીતાની એ ચંપાવર્ણી કોમળ અને સુંદર ડોક જે હાર અને હંસલી આદિ આભૂષણ પહેરવા યોગ્ય હતી, એ આજે નિશાચરોનો આહાર બની ગઈ છે.

“એ નૂતન પલ્લવો સમાન કોમળ હાથ, જે અહીંતહીં પટકવામાં આવ્યા હશે અને જેનો અગ્રભાગ કાંપી રહ્યો હશે, એ હાથનાં આભૂષણ તથા બાજુબંધસહિત સઘળું રાક્ષસોના પેટમાં ચાલી રહ્યું હશે.”

“મેં રાક્ષસોનો ભક્ષ બનવા માટે એ અબળાને એકલી છોડી દીધી! ઘણા બંધુ સ્વજનોવાળી છતાં યાત્રિકોના સમુદાયથી છૂટી પડી ગયેલી કોઈ એકલી સ્ત્રીની માફક એ નિશાચરોનો કોળિયો બની ગઈ!” સીતા માટે ઝંખતા, લક્ષ્મણને સતત પૂછતા રહેતા રામ આ રીતે વારંવાર વિલાપ કરતા એક વનથી બીજા વન ભણી, થાક્યા વિના પાગલની જેમ દોડતા રહ્યા છે.

લક્ષ્મનની સમજાવટથી સાવધાન થતા ને ફરી સંભ્રમિત થતા રામે આ ક્ષણોમાં લક્ષ્મણને અયોધ્યા જવાની પણ આજ્ઞા આપી દીધી છે. રામની આ પ્રકારની મનોદશાથી (રામથી છોટા પડવાના ડરથી) ગભરાયેલા ધીર લક્ષ્મણ પ્રતિ રામે કહેવા માંડ્યું:

“સુમિત્રાનંદન! લાગે છે કે મારા જીવું પાપ-કર્મ કરનાર આ પૃથ્વી પર બીજું કોઈ નથી. કારણ કે એક પછી એક શોક મારાં હૃદય અને મનને વિદીર્ણ કરતો લગાતાર મારા પર આવી રહ્યો છે.

“પૂર્વજન્મમાં મેં ચોક્કસ મારી ઇચ્છાનુસાર વારંવાર બહુ પાપકર્મો કર્યાં છે; એમાંથી કોઈ કર્મોનું આ પરિણામ મને આજે મળ્યું છે, જેને કારણે એક દુઃખમાંથી બીજા દુઃખમાં હું પડી રહ્યો છું.

“પહેલાં હું રાજ્યથી વંચિત થયો; પછી મારો સ્વજનોથી વિયોગ થયો; એ પછી પિતાજીનો સ્વર્ગવાસ થયો; પછી માતાથી મારે વિખૂટા પડવાનું આવ્યું, લક્ષ્મણ! આ બધી વાતો જ્યારે મને યાદ આવે છે ત્યારે મારા શોકના વેગની વૃદ્ધિ થાય છે.

“લક્ષ્મણ! વનમાં આવીને ક્લેશનો અનુભવ કરવા છતાં આ બધાં દુઃખો સીતાની સમીપ રહેવાથી મારામાં શમી ગયાં હતાં. પણ સીતાના વિયોગથી એ ફરી ઉદ્દિપ્ત થઈ ઊઠ્યાં છે, જેવી રીતે સૂકાં લાકડાંનો સંયોગ થવાથી આગ સહસા પ્રજ્વલિત થઈ ઊઠે છે !

“હાય! મારી શ્રેષ્ઠ સ્વભાવવાળી ભીરુ પત્નીને ચોક્કસ કોઈ રાક્ષસે આકાશમાર્ગથી હરી લીધી છે. એ સમયે સુમધુર સ્વરમાં વિલાપ કરતી સીતા ભયની મારી વિકૃત સ્વરે ક્રંદન કરવા લાગી હશે.

“મારી પ્રિયાનાં એ બે ગોળ સ્તનો, જે સદાય લાલ ચંદનથી અર્ચિત કરવા યોગ્ય હતાં, એ ચોક્કસ રક્તના કીચડમાં દટાયાં હશે. આટલું વિચારતાં પણ મારું મૃત્યુ થતું નથી!

“રાક્ષસોના વશમાં પડેલી મારી પ્રિયાનું એ મુખ, જે સ્નિગ્ધ અને સુંદર વાર્તાલાપ કરનારું તથા કાળા વાળથી સુશોભિત હતું એ રાહુના મુખમાં પડેલા ચંદ્ર જેવું શ્રીહીન બની ગયું હશે.

“ઉત્તમ વ્રતનું પાલન કરનારી મારી પ્રિયાનો કંઠ હંમેશાં હારથી સુશોભિત થવા યોગ્ય હતો, પણ રક્ત પીનારા રાક્ષસોએ સૂના વનમાં ચોક્કસ તેને ફાડીને તેનું લોહી પીધું હશે.

“મારી અનુપસ્થિતિમાં નિર્જન વનમાં રાક્ષસોએ તેને ઘસેડી હશે અને વિશાળ તથા મનોહર નેત્રવાળી એ જાનકી અત્યંત દીનભાવથી કુરરીની જેમ વિલાપ કરતી રહી હશે.

“લક્ષ્મણ! આ શિલાતલ છે, જેના પર ઉદાર સ્વભાવવાળી સીતા પહેલાં એક દિવસ મારી સાથે બેઠી હતી. એનું સ્મિત કેટલું સુંદર હતું! એ સમયે તેણે તારી સાથે પણ હસી-મજાક્પૂર્વકની વાતો કરી હતી.

“સતિતાઓમાં શ્રેષ્ઠ આ ગોદાવરી મારી પ્રિયતમાને સદાય પ્રિય રહી છે. મને લાગે છે કે કદાચ એ એના તટ પર જ ગઈ હશે, પણ એકલી તો એ ક્યાંય જતી નથી!

“…સંભવ છે એ કમળપુષ્પ લાવવા માટે ગોદાવરીતટે ગઈ હોય. પણ એય સંભવ જણાતો નથી, કારણ કે એ મને સાથે લીધા વિના ક્યારેય કમળો પાસે જતી નથી.

“કદાચ એ આ પુષ્પિત વૃક્ષસમૂહો વિભિન્ન પ્રકારનાં પક્ષીઓથી સેવાયેલાં વનમાં ભ્રમણ માટે ગઈ હોય. પણ એ પણ સંભવિત જણાતું નથી. કારણ કે એ ભીરુ એકલી વનમાં જતાં તો ખૂબ ડરતી હતી.

“હે સૂર્યદેવ! સંસારમાં કોણે શું કર્યું અને શું નહીં – તેને તમે જાણો છો. લોકોનાં સત્ય-અસત્ય કર્મોનાય તમે સાક્ષી છો. મારી પ્રિયા સીતા ક્યાં ગઈ છે અથવા એનું કોણે હરણ કર્યું, એ બધું જ મને બતાવો, કારણ કે હું એના શોકથી પીડિત છું.

“હે વાયુદેવ! સમગ્ર વિશ્વમાં એવી કોઈ વાત નથી, જેને તમે ન જાણતા હો. મારી કુલપાલિની સીતા ક્યાં છે એ બતાવી દો. એ મૃત્યુ પામી છે, હરવામાં આવી છે અથવા માર્ગમાં જ છે?” આ પ્રકારે શોકાતુર રામ સંજ્ઞાશૂન્ય થઈ ગયા.

સીતા માટે વ્યથિત થઈને વિલપતા રામ, ગોદાવરી નદીને, મૃગોને, પર્વતોને સીતાના સમાચાર પૂછતા ફરે છે ને ઉત્તર ન મળતાં નિરાશ થઈને લક્ષ્મણને કહે છે: “બંધુ-બાંધવાથી તો મારો વિરહ થયો જ હતો, હવે મારે સીતાનાં દર્શનથી પણ વંચિત થવું પડ્યું. એની ચિંતામાં નિરંતર જાગવાથી હવે મારી રાતો ભારે લાંબી થઈ પડશે.”

સીતાના અદ્રશ્ય થવાથી રામે જગતના સ્વાર્થ ને નિસ્સારતા વિશે પણ લક્ષ્મણ સાથે વિગતે સંવાદ કર્યો છે. રામનું માનવું છે તેમ, જે મનુષ્ય કરુણાવાન હોય છે તેને લોકો નિર્બળ માની બેસે છે. પોતા વિશે પણ સ્પષ્ટ ખયાલ ધરાવનાર રામને આ ક્ષણે ઇન્દ્રાદિ દેવતાઓ પ્રત્યે પણ લાગી આવ્યું છે. આ વિશે પોતાનો વિષાદ વ્યક્ત કરતાં રામ જણાવે છે: “હું લોકહિતમાં તત્પર, યુક્તચિત્ત, જિતેન્દ્રિય તથા કરુણાવાન હોવાથી ઇન્દ્ર આદિ દેવેશ્વર મને નિર્બળ માની બેઠા છે. લક્ષ્મણ, જો તો ખરો! આ દય વગેરે ગુણો મારા પાસે આવીને જાણે દોષ બની ગયા!” આ કારણે હવે પોતે પોતામાં રહેલ શક્તિ દર્શાવવી પડશે એવું પ્રમાણીને રામે કહેવું પડ્યું છે: “જેવી રીતે પ્રલયકાળમાં ઊગેલો મહાન સૂર્ય ચંદ્રમાની ચાંદનીનો સંહાર કરીને પ્રચંડ તેજથી પ્રકાશિત થઈ ઊઠે છે, તેમ હવે મારું તેજ આજે જ સમગ્ર પ્રાણીઓ અને રાક્ષસોનો અંત કર્વા માટે આ કોમળ સ્વભાવ વગેરે ગુણોને સમેટીને પ્રચંડ રૂપમાં પ્રકાશશે એ તું જોજે.

“લક્ષ્મણ! હવે ન તો યક્ષ, ન ગંધર્વ, ન પિશાચ, ન રાક્ષસ, ન કિન્નર અને ન તો મનુષ્ય ચેનથી રહી શકશે.

“સુમિત્રાનંદન! જોજે, થોડી જ વારમાં આકાશને હું મારાં ચલાવેલાં બાણોથી ભરી દઈશ અને ત્રણે લોકમાં વિચરનાર પ્રાણીઓને થંભાવી દઈશ.

“ગ્રહોની ગતિ અટકી જશે, ચન્દ્રમા છુપાઈ જશે, અગ્નિ, મરુત્ગણ તથા સૂર્યનું તેજ નષ્ટ થઈ જશે, બધું જ અંધકારથી આચ્છાદિત થશે, પર્વતોનાં શિખરો વલોવાઈ જશે, તમામ જળાશયો સૂકાઈ જશે, વૃક્ષ, લતા અને ગુલ્મ નષ્ટ થઈ જશે અને સમુદ્રોનો પણ નાશ થશે. આ રીતે હું ત્રૈલોક્યમાં કાળની વિનાશલીલાનો આરંભ કરી દઈશ.

“સુમિત્રાનંદન! તો દેવેશ્વરગણ આ ક્ષણે મને દેવી સીતા સકુશળ પાછી નહીં સોંપે તો તેઓ મારું પરાક્રમ જોશે.

લક્ષ્મણ! મારા ધનુષની પ્રત્યંચામાંથી છૂટેલો બાણસમૂહ આકાશમાં ખીચોખીચ ભરાઈ જવાથી એમાં કોઈ પણ ઊડી શકશે નહીં.

“સુમિત્રાનંદન! જો, આજ મારાં બાણોથી રગદોળાઈ જઈને આખું જગત વ્યાકુળ અને મર્યાદારહિત બની જશે. અહીંનાં મૃગો અને પક્ષી વગેરે પ્રાણીઓ નષ્ટ અને ઉદભ્રાન્ત બની જશે.

“ધનુષ્યને કાન સુધી ખેંચીને છોડેલાં મારાં બાણોને રોકવાનું કાર્ય આ જીવજગત માટે ભારે મુશ્કેલ બનશે. હું સીતા માટે આ બાણો દ્વારા જગતના સમગ્ર પિશાચો અને રાક્ષસોનો સંહાર કરી નાખીશ.

“રોષ અને અમર્ષપૂર્વક છોડેલાં મારાં ફલરહિત દૂરગામી બાણોનું બળ આજે દેવતાઓ જોશે.

“મારા ક્રોધથી ત્રૈલોક્યનો વિનાશ થવાથી ન તો દેવતા, ન દૈત્ય કે ન તો પિશાચ કે રાક્ષસો બચી શકશે.

“દેવતાઓ, દાનવો, યક્ષો અને રાક્ષસોના જે લોક છે, એ મારા બાણસમૂહોથી ટુકડે-ટુકડા થઈને વારંવાર પતન પામશે.

“સુમિત્રનંદન! જો દેવેશ્વરગણ મારી હરાયેલી કે મૃત્યુ પામેલી સીતા મને સુપરત નહીં કરે તો હું મારાં અણિયાળાં બાણોથી ત્રણે લોકને મર્યાદાભ્રષ્ટ કરી નાખીશ… જ્યાં સુધી સીતાનું મને દર્શન નહીં થાય ત્યાં સુધી મારાં બાણોથી હું સંસારને સંતપ્ત કરતો રહીશ.” આટલું કહેતાંમાં રામચંદ્ર ક્રોધથી લાલ બન્યા છે, તેમના હોઠ ફડકવા લાગ્યા છે તથા તેમણે વલ્કલ ને મૃગચર્મને કસીને બાંધી લીધાં છે. સંહાર માટે ઉદ્યત થયેલા રામ એ ક્ષણે પૂર્વકાળમાં ત્રિપુરનો સંહાર કરનાર રુદ્ર સમાન દેખાય છે. લક્ષ્મણના હાથમાંથી પોતાનું ધનુષ્ય લઈને, વિષધર સર્પ જેવું બાણ એના પર ચઢાવીને રામ પ્રલયાગ્નિ સમાન કુપિત થઈને કહે છે:

“લક્ષ્મણ! જેવી રીતે વૃદ્ધાવસ્થા, મૃત્યુ, કાળ અને વિધાતા હંમેશા બધાં જ પ્રાણીઓ પર જ્યારે પ્રહાર કરે છે ત્યારે કોઈ એને રોકી શકતું નથી, તેવી રીતે ક્રોધે ભરાયેલા મને પણ નિરસંદેહ કોઈ રાકી શકશે નહીં… હું સારા સંસારને ઊથલ-પાથલ કરી દઈશ.”

રામની રોષસભર એવી આ ક્ષણોમાં લક્ષ્મણે તેમને નાથવા પડ્યા છે. રામને સમજાવતાં લક્ષ્મણ જણાવે છે:

“આર્ય! આપ પહેલાં તો કોમળ સ્વભાવવાળા, જિતેન્દ્રિય તથા બધાં પ્રાણીઓના હિતેચ્છુ રહ્યા છો, અત્યારે ક્રોધને વશ થઈને આપની પ્રકૃતિનો ત્યાગ ન કરો.

“ચંદ્રમા શોભા, સૂર્યમા પ્રભા, વાયુમાં ગતિ અને પૃથ્વીમાં ક્ષમા જેવી રીતે હંમેશા વસે છે, એવી રીતે આપમાં સર્વોત્તમ યશ વસેલો છે.”

“આપ કોઈ એકના અપરાધને કારણે સમસ્ત લોકનો સંહાર ન કરો…રઘુનંદન! આપની પત્નીના વિનાશ કે અપહરણને કોણ ઉચિત ગણે? જેવી રીતે યજ્ઞમાં દીક્ષિત થયેલ પુરુષનું સાધુપ્રકૃતિના ઋત્વિજો કદી અપ્રિય કરતા નથી, તેવી રીતે નદીઓ, સમુદ્ર, પર્વત, દેવતા, ગંધર્વ અને દાનવ – કોઈ પણ આપથી પ્રતિકૂળ આચરણ ન કરી શકે.”

રામને અનુનયપૂર્વક સમજાવતા લક્ષ્મણને રામનાં મૂળ સ્વરૂપથી રામને અવગત કરાવવા પડે છે. ભારે શ્રમાપૂર્વક લક્ષ્મણ રામને જાગ્રત કરતાં વિનમ્રતાપૂર્વક કહે છે:

“ભાઈ આપણા પિતા મહારાજ દશરથે ભારે તપ અને મહાન કર્મનું અનુષ્ઠાન કરીને આપને પુત્રરૂપે પ્રાપ્ત કર્યા, જેમ દેવતાઓએ મહાન પ્રયત્નથી અમૃત મેળવ્યું તેમ.”

“આપે ભરતને મોઢેથી સાંભળ્યું તેમ, પૃથ્વીપતિ મહારાજ દશરથ આપના ગુણોથી બંધાયેલા હતા અને અપનો વિયોગ થવાથી જ સ્વર્ગલોક પામ્યા.

“હે કકુત્સ્થકુલભૂષણ! જો આપ આપના પર આવેલા આ દુઃખને ધૈર્યપૂર્વક સહન નહીં કરો તો જેની શક્તિ અત્યંત ક્ષીણ છે એવો સાધારણ મનુષ્ય તો કોઈ દુઃખ સહન જ કેમ કરી શકશે?”

રામને ધીરજ બંધાવતાં લક્ષ્મણે અનેક મહાન વ્યક્તિઓનાં ઉદાહરણો ટાંકીને છેવટે થોડા ઠપકાપૂર્વક કહ્યું છે: “વિદેહરાજકુમારી સીતા કદાચ મૃત્યુ પામે કે નષ્ટ થઈ જાય તોપણ તમારે બીજા ગમાર મનુષ્યોની જેમ શોક કે ચિંતા નહીં કરવાં જોઈએ.

“શ્રીરામ! આપ જેવા સર્વજ્ઞ પુરુષ મોટામાં મોટી વિપત્તિ આવવા છતાં પણ શોક કરતા નથી. તેઓ નિર્વેદરહિત થઈને પોતાની વિચારશક્તિને નષ્ટ થવા દેતા નથી. આપે પહેલાં અનેકવાર મને આવી વાતો સમજાવી છે. આપની શીખવવા કોણ સમર્થ છે? સાક્ષાત્ બૃહસ્પતિ પણ આપને ઉપદેશ આપવા શક્તિમાન નથી.

“મહાપ્રાજ્ઞ! દેવતાઓ માટે પણ આપની બુદ્ધિનો પાર પામવો કઠિન છે. આ સમયે શોકને કારણે આપનું જ્ઞાન ખોવાયેલું જણાય છે. એટલે હું એને જગાડું છું.

“ઈક્ષ્વાકુકુલશિરોમણિ! આપનાં દેવોચિત તથા માનવોચિત પરાક્રમને જોઈ-તપાસીને એનો અવસર ને ઉચિત ઉપયોગ કરીને આપ શત્રુઓના વધનો પ્રયત્ન કરો.

“પુરુષપ્રવર! સમસ્ત સંસારનો વિનાશ કરીને આપને શો લાભ થશે? પાપી શત્રુનો પત્તો મેળવીને એને ઉખાડીને ફેંકે દેવાનો પ્રયત્ન કરવો જ ઉચિત છે.” લીલા પુરુષ રામે આજ્ઞાંકિત શિલ્પ કે બાળકની જેમ લક્ષ્મણની વાત સ્વીકારીને ધનુષ્યને ખભેથી ઉતારી નાખ્યું છે. જાણે પહેલી જ વાર આ વાત સમજ્યા હોય તેમ!

સીતાહરણથી ઉદ્દીપ્ત ક્રોધવાળા થયેલા રામે બીજી વાર આવો ક્રોધ લંકા જવા માટે સમુદ્ર પ્રત્યે અંજલિબદ્ધ થયા છતાં સમુદ્રે પ્રતિસાદ ન આપવાથી તેના પ્રત્યે વ્યક્ત કર્યો છે. ત્યારે પણ લીલાપુરુષ રામની છવિ સુપેરે અંકાઈ છે. ત્રણ રાત્રિપર્યંત સમુદ્રને ઉપાસના કરવા છતાં સમુદ્રના સાક્ષાત્કારથી વંચિત રહેલા રામ ત્યારે પણ ગુસ્સે થઈને લક્ષ્મણ પ્રતિ બોલ્યા છે:

“સમુદ્રને પોતા ઉપર ભારે અહંકાર છે, જેથી એ મારા સામે પ્રગટ થતો નથી. શાંતિ, ક્ષમા, સરળતા અને મધુર ભાષણ – એ જે સત્પુરુષોના ગુણ છે, એને ગુણહીન પ્રત્યે વ્યક્ત કરવાની મુશ્કેલી એ છે કે તેઓ ગુણવાન પુરુષને અસમર્થ માની બેસે છે.

“જે પોતાની પ્રશંસા કરનારો, દૃષ્ટ, ધૃષ્ટ, બધી જગાએ દાવો કરનારો અને સારા-નરસા દરેક લોકોને કઠોર દંડ દેનારો હોય છે, તેનો બધા માણસો સત્કાર કરે છે.

“લક્ષ્મણ! સામનીતિ દ્વારા આ જગતમાં ન તો કીર્તિ મળે છે, ન યશનો પ્રસાર થાય છે કે ન સંગ્રામમાં વિજય મળે છે…મગરોના નિવાસરૂપ આ સમુદ્ર મને ક્ષમાવાન જાણીને અસમર્થ સમજે છે. આવા મૂર્ખા પ્રત્યે કરેલી ક્ષમાને ધિક્કાર છે!”

“સુમિત્રાનંદન! સામનીતિનો આશ્રય લેવાથી આ સમુદ્ર મારા પાસે પ્રગટ થતો નથી, આથી ધનુષ્ય તથા વિષધર સર્પો જેવાં બાણ લઈ આવ. હું સમુદ્રને સૂકવી નાખીશ. પછી વાનરો ચાલતા જ લંકાપૂરી જઈ શકશે.” ત્યારે તો લક્ષ્મણની સમજાવટ છતાં રામનો ક્રોધ શાંત થયો નથી! સમુદ્રના પ્રગટ પછી પણ રામ પોતાનું બાણ સાંધીને જ શાંત થયા છે.

કોમળ સ્વભાવને કારણે વેઠવી પડતી વિપત્તિ પ્રત્યે આત્યંતિક પરિસ્થિતિ આવતાં રામે પોતાની આંખ લાલ કરી છે ને જેમ લીલાપુરુષ તરીકે વ્યક્ત થયા છે તેમ, સીતાના વિરહમાં દાહ અનુભવતા રામ રસિક ને પ્રેમી પુરુષ તરીકે પણ અભિવ્યકત થયા છે. રામે પોતાનો પ્રેમ, વૈરાગી લક્ષ્મણ પાસે વિગતે વ્યક્ત કર્યો છે એ ઘટના પણ ઘણી નોંધપાત્ર જણાય તેવી છે. રામના આ પ્રકારના વિલાપમાં એમના જીવનમાં કામનુંય વિશેષ સ્થાન રહ્યું હોવાનો ઈંગિત મળે છે.

પંપા સરોવરને કાંઠે આવી પહોંચેલા રામ ત્યાંનાં પ્રકૃતિતત્વોમાં રહેલાં સીતા સાથેના સામ્યને જોઈને હર્ષોલ્લાસથી ચંચળ બનીને સીતાનાં દર્શન ઝંખે છે તેમજ લક્ષ્મણ પાસે પોતાના મનોભાવોને ઉદઘાટિત કરે છે.

પંપાના સૌંદર્યને જોઈને પ્રસન્ન થયેલા રામથી ભરતનાં દુઃખને સીતાનાં હરણની ચિંતાથી એ સૌંદર્યને માણી શકાતું નથી એનું રામને દુઃખ છે. ચોપાસ ફેલાયેલી પ્રકૃતિને નિહાળતાં રામ કહે છે:

“વિયોગના શોકથી તો હું પીડિત છું જ, ત્યાં આ કામદેવ મને વધારે સંતાપ આપે છ, કોકિલ સહર્ષ કલનાદ કરતો મને જાણે લલકારી રહ્યો છે.

“લક્ષ્મણ! વનમાં રમણીય ઝરણાની નજીક અત્યંત હર્ષ સાથે બોલતો આ જળકૂકડો સીતાને મળવાની ઇચ્છા ધરાવતા મને શોકમગ્ન કરી દે છે.

“આ પંપાતટ પર પક્ષીઓનાં ઝૂંડ આનંદમગ્ન થઈને કલરવ કરી રહ્યાં છે. જળકૂકડાઓનું રતિકૂજન તથા નરકોકિલના કલનાદથી વ્યાપ્ત આ વૃક્ષ જાણે મધુર બોલી બોલે છે અને મારી અનંગવેદનાને ઉદ્દીપ્ત કરે છે.

“લાગે છે કે આ વસંતરૂપી આગ મને બાળીને ભસ્મ કરી દેશે. અશોક-પુષ્પના લાલ-લાલ ગુચ્છા આ અગ્નિનો અંગાર છે, નવાં પાંદડાં તેની લાલ લપટો છે તથા ભ્રમરોનો ગુંજારવ આ જલતી આગનો ‘ચર-ચર’ શબ્દ છે.

“અનંગવેદનાથી ઉત્પન્ન થયેલ મારો શોકાગ્નિ વસંતઋતુના ગુણોના ઇંધણ મેળવીને વૃદ્ધિ પામ્યો છે. લાગે છે કે એ મને તરત જ, વિનાવિલંબે બાળી નાખશે.

“ફૂલોની સુગંધ ફેલાવતો આ વાયુ, જેનો સ્પર્શ અત્યંત સુખદ છે, એ પણ પ્રાણવલ્લભા સીતાની યાદ આવતાં મને આગની જેમ તપાવે છે.

“અહો! આ કામદેવ કેટલો કુટિલ છે, જે અન્ય જગાએ ચાલી ગયેલી અને પરમ દુર્લભ હોવા છતાં પણ કલ્યાણમય વચન બોલનારી એ કલ્યાણસ્વરૂપ સીતાનું વારંવાર સ્મરણ કરાવે છે!

“જો ખીલેલાં વૃક્ષોવાળી આ વસંત મારા પર પ્રહાર ન કરે તો જ મને પ્રાપ્ત થયેલી કામવેદનાને હું કોઈક રીતે મનમાં રોકી શકું!”

“લક્ષ્મણ! જો, પર્વતનાં વિચિત્ર શિખરો પર આ હરણો પોતાની હરિણીઓ સાથે વિહાર કરે છે અને હું મૃગનયની સીતાથી વિખૂટો પડી ગયો છું. અહીં-ત્યાં વિચરતાં, આ મૃગ મારા ચિત્તને વ્યથિત કરે છે.”

“મત્ત પક્ષીઓથી ભરેલા આ પર્વતના રમણીય શિખર પર જો પ્રાણવલ્લભા સીતાનાં દર્શન પ્રાપ્ત કરી શકીશ તો જ મારું કલ્યાણ થશે.

“સુમિત્રાનંદન! સુમધ્યમા સીતા મારી સાથે રહીને આ પંપાસરોવરના તટ પર સુખદ સમીરનું સેવન કરી શકે તો જ હું મારું કલ્યાણ થશે.

“લક્ષ્મણ! જે લોકો પોતાની પ્રિયતમાની સાથે રહીને પદ્મ અને સુગંધી કમળોની સુગંધથી યુક્તાઅ શીતળ, મંદ અને શોકનાશન પંપા-વનના વાયુનું સેવન કરે છે તેઓ ધન્ય છે.

“લક્ષ્મણ! ધર્મજ્ઞ સત્યવાદી રાજા જનક જ્યારે જનસમુદાયમાં બેસીને મને સીતાના કુશળ સમાચાર પૂછશે, ત્યારે એમને હું શો ઉત્તર આપીશ?

“હાય! (મને) પિતા દ્વારા વનમાં મોકલવાથી ધર્મનો આશ્રય લઈને મારી પાછળ પાછળ અહીં આવી, એ મારી પ્રિયા આ સમયે ક્યાં હશે?

“લક્ષ્મણ! જેણે રાજ્યથી વંચિત અને હતાશ થવા છતાં પણ મારો સાથ ન છોડ્યો એના વિના અત્યંત હીન થઈને હું કેમ જીવન ધારણ કરીશ?

“જે કમલદલ જેવી સુંદર, મનોહર અને પ્રશંસનીય નેત્રોથી સુશોભિત છે, જેનામાંથી મીઠી સુગંધ નીકળતી રહે છે, જે નિર્મળ તથા શરીર પર કોઈ પણ ચિહ્નો વિનાની છે, એવી જનકકિશોરીનાં દર્શનીય મુખને જોયા વિના હું સૂધ-બૂધ ગુમાવું છું.

“લક્ષ્મણ! વૈદેહી દ્વારા ક્યારેક હસીને કહેવાયેલી એ મધુર, હિતકર અને લાભદાયક વાતચીત – જે અતુલનીય છે, એ મને ક્યારે સાંભળવા મળશે?

“સોળ વર્ષની અવસ્થા ધરાવતી સાધ્વી સીતા વનમાં આવીને કષ્ટો વેઠતી હોવા છતાં જ્યારે મને કામઝંખના કે માનસિક કષ્ટથી પીડાતો જોતી ત્યારે પોતાને કાંઈ જ દુઃખ ન હોય એ રીતે પ્રસન્નતાપૂર્વક મારી પીડીને દૂર કરવા સુંદર વાતચીત કરતી.

“અયોધ્યા જઈને માતા કૌશલ્યા ‘મારી પૂત્રવધૂ ક્યાં છે?’ એમ પૂછશે ત્યારે હું શો ઉત્તર આપીશ?

“લક્ષ્મણ! તું જા, ભાતૃપ્રેમી ભરતને મળ. હું તો જનકનંદિની સીતા વિના જીવી નહીં શકુ.” રામના વિલાપને સાંભળી લક્ષ્મણે તેમને ધીરજ બંધાવી છે ને પરિણામે રામ ફરીથી સાવધાન બનીને વનમાં આગળ વધવા તત્પર થાય છે.

રામે સુગ્રીવનો રાજ્યાભિષેક કર્યા પછી ચોમાસાના ચાર માસ પૂર્ણ થયા પછી સીતાની શોધ કરવા જણાવેલું, જે સમય અવવા છતાં એ અંગે સુગ્રીવનો કોઈ પ્રયત્ન ન જોતાં લીલાપુરુષ રામ વિક્ષુબ્ધ થયા છે. પોતાનું દુઃખ લક્ષ્મણ પાસે અભિવ્યક્ત કરતાં વ્યથિત રામ જણાવે છે: “સીતાને ન જોવાથી હું શોકથી સંતપ્ત બન્યો છું. વર્ષાના આ ચાર માસ મારા માટે સો વર્ષ જેટલા લાંબા વીત્યા છે.

“જીવી રીતે ચકવી પોતાના સ્વામીનું અનુસરણ કરે છે તેવી રીતે કલ્યાણી સીતા આ ભયંકર અને દુર્ગમ દંડકારણ્યને ઉદ્યાન સમજીને મારી પાછળ અહીં સુધી ચાલી આવી હતી.

“લક્ષ્મણ! હું મારી પ્રિયતમાથી વિખૂટો પડી ગયો છું; મારું રાજ્ય છીનવાઈ ગયું છે અને મને દેશનિકાલ કરવામાં આવ્યો છે આવી અવસ્થામાં રાજા સુગ્રીવ મારા પર કૃપા કરતો નથી.

“સૌમ્ય લક્ષ્મણ! હું અનાથ છું. રાજ્યથી ભ્રષ્ટ થઈ ગયો છું; રાવણે મારો તિરસ્કાર કર્યો છે; હું હીન છું; મારું ઘર અહીંથી ખૂબ દૂર છે; હું સીતાની પ્રાપ્તિની કામના લઈને બેઠો છું તથા સુગ્રીવ એ પણ સમજે છે કે હું રામ તેમનાં શરણમાં આવેલો છું. આ કારણોથી જ વાનરોનો રાજા દુરાત્મા સુગ્રીવ મારો તિરસ્કાર કરી રહ્યો છે. પણ તેને ખ્યાલ નથી કે હું શત્રુઓને સંતાપ આપવામાં હંમેશા સમર્થ છુ.”

“એણે સીતાની શોધ માટે સમય નિશ્ચિત કરેલો, પણ તેનું કામ થઈ ગયું તેથી એ દુર્બુદ્ધિ વાનરને પ્રતિજ્ઞા કર્યા છતાં કંઈ ખબર પડતી નથી.

“આથી લક્ષ્મણ! તું મારી આજ્ઞાથી કિષ્કિન્ધાપુરી જા અને વિષય-ભોગમાં ફસાયેલા મૂર્ખ વાનરરાજ સુગ્રીવને આ પ્રમાણે કહે:

“જે બળ-પરાક્રમથી સંપન્ન તથા પહેલાં જ ઉપકાર કરનાર કાર્યોથી પુરુષને પ્રતિજ્ઞાપૂર્વક આશા આપીને પાછળથી એને તોડી નાખે છે, એ સંસારના તમામ મનુષ્યોમાં નીચ છે.

“જે પોતાને મુખેથી પ્રતિજ્ઞાના રૂપમાં નીકળેલાં ભલાં બૂરાં-બધા પ્રકારનાં વચનોને અવશ્ય પાલન કરવા યોગ્ય સમજીને સત્યની રક્ષાના ઉદ્દેશથી એનું પાલન કરે છે, એ વીર શ્રેષ્ઠ મનાય છે.

“જે પોતાનો સ્વાર્થ સિદ્ધ થતાં, જેનું કાર્ય પૂરું થયું નથી એવા મિત્રોનો સહાયક બનતો નથી એવા કૃતઘ્ન પુરુષના મૃત્યુ પછી માંસાહારી પ્રાણીઓ પણ તેનું માંસ ખાવા તૈયાર થતાં નથી.

“સુગ્રીવ! તું ચોક્કસ યુદ્ધમાં મારા દ્વારા ખેંચાયેલા સોનાની પીઠવાળા ધનુષ્યનું ઘાતક વીજળી જેવું રૂપ જોવા ઇચ્છતો લાગે છે.

“સંગ્રામમા ક્રોધિત થવાને કારણે મારા દ્વારા ખેંચાયેલી પ્રત્યંચાના ભયંકર ટંકારને – જે વજ્રના ગડગડાટને પણ હરાવે એવો હોય છે – ફરી સાંભળવાની તને ઇચ્છા થઈ લાગે છે.” સુગ્રીવ પર પ્રભાવક રીતે ગુસ્સે થયેલા રામ ફરી લક્ષ્મણ પ્રતિ કહે છે: “વીર રાજકુમાર! સુગ્રીવને તાર જેવા સહાયકની સાથે રહેનાર મારા પરાક્રમનું જ્ઞાન થવા છતાં, એને એ વાતની ચિંતા ન હોય કે આ લોકો વાલીની જેમ મને પણ મારી શકશે તો એ બહુ મોટા આશ્ચર્યની વાત છે.

“જેને માટે આ મિત્રતા વગેરેનું આખું આયોજન કર્યું, સીતાની શોધ માટેની એ પ્રતિજ્ઞાને વાનરરાજ ભૂલી ગયો છે, કારણ કે તેનું કામ પૂરું થઈ ગયું છે.

“સુગ્રીવે વર્ષાનો અંત થતાં સીતાની શોધ આરંભવાની પ્રતિજ્ઞા કરેલી પણ એ ક્રીડાવિહારમાં એટલો તો તન્મય થઈ ગયો છે કે એને વીતેલા ચાર માસનો પણ ખયાલ રહ્યો નથી.

“સુગ્રીવ મંત્રીઓ તથા પરિજનો સાથે ક્રીડાજનિત આમોદ-પ્રમોદમાં ફસાઈને પેય પદાર્થોના સેવનમાં પડી ગયો છે. આપણે લોકો શોકમાં વ્યાકુળ થઈ ગયા છે તોપણ એ આપણા પર દયા કરતો નથી.

“મહાબલી વીર લક્ષ્મણ! તું જા. સુગ્રીવ સાથે વાતચીત કર. આ રોષનું સ્વરૂપ સમજાવીને મારો આ સંદેશ પણ એને કહી સંભળાવ:

“સુગ્રીવ! વાલી માર્યો જઈને જે રસ્તે ગયો છે એ રસ્તો આજે પણ બંધ થયો નથી એટલે તું તારી પ્રતિજ્ઞાને વળગી રહે; વાલીના માર્ગનું અનુસરણ ન કર.

“વાલી તો રણક્ષેત્રમાં એકલો જ મારા બાણથી મૃત્યુ પામ્યો પણ તું જો સત્યથી ચળ્યો તો હું તને પરિવાર સમેત કાળના ફંદામાં ફસાવી દઈશ.” ને લક્ષ્મણ પ્રત્યે ફરી કહે છે: “આ રીતે કામ બગડવા લાગે એવા અવસર સમયે જે-જે વાત કરવી ઉચિત હોય, જે કહેવાથી આપણું હિત થાય, એ બધું જ કહેજે. ઝડપ કર, કારણ કે કાર્યારંભનો સમય વીતી રહ્યો છે. સુગ્રીવને કહે: “વાનરરાજ! તું સનાતન ધર્મ પર દ્રષ્ટિ રાખીને તેં કરેલી પ્રતિજ્ઞાને સત્ય કરી બતાવ, નહીંતર ક્યાંક એવું ન થાય કે તારે આજ જ મારાં બાણોથી પ્રેરાઈને પ્રેતભાવને પ્રાપ્ત થઈ યમલોકમાં વાલીનાં દર્શન કરવાં પડે!”

રામનાં વચનોથી લક્ષ્મણ! પણ સ્તબ્ધ બન્યો છે. પહેલી જ વાર ગુસ્સામાં આવીને રામને આટલું બોલતા તેણે જોયા-સાંભળ્યા ચી. આથી તેનો રોષ પણ ઉદ્દીપ્ત થયો છે ને સુગ્રીવ પ્રતિ વેર લેવાનું નકી કરીને લક્ષ્મણ જવા તૈયાર થાય છે ત્યારે લીલાપુરુષ રામ, લક્ષ્મણની શક્તિને જાણતા હોઈ, તેને પસવારતાં કહે છે: “તારે આ રીતે સુગ્રીવને મારવાનો નિશ્ચય ન કરવો જોઈએ. એના પ્રત્યે તને જેટલો પ્રેમ તને પહેલાં હતો તેનું જ અનુસરણ કર અને એના સાથે પહેલાં કરેલી મિત્રતા નભાવ. સુગ્રીવને માત્ર સીતાની શોધનો સમય જ યાદ કરાવવાનો છે.” ગુસ્સાનો રામે અહીં માત્ર દેખાવ જ કર્યો છે – પરિસ્થિતિએ જન્માવેલી ભૂમિકા અદા કરવા!

પોતાનાં પરાક્રમોથી સભાન રામે એમનું મનુષ્યપણું દાખવવા માગ્યું છે ત્યારે પરિસ્થિતિવસાત્ ચિંતાઓ પણ સેવી છે. પોતે વીર છે તેથી આપોઆપ બધું શક્ય બનશે એવી આકાશકુસુમવત્ વાતો રામે ક્યારેય કરી નથી. પોતાના વાસ્તવને પિછાનતા રામ ક્યાંક ચિંતાગ્રસ્ત પણ બન્યા છે. હનુમાન દ્વારા સીતાના સમાચાર મળતાં ખુશખુશાલ થતા રામ, બીજી જ ક્ષણે ચિંતાગ્રસ્ત થતાં કહે છે: “બંધુઓ! સીતાની શોધનું કાર્ય તો સુચારુ રીતે સંપન્ન થઈ ગયું; પણ સમુદ્રતટની દુરસ્તરતા જોતાં મારા મનનો ઉત્સાહ ફરી નષ્ટ થઈ ગયો છે.

“મહાન જલરાશિથી સભર આ સમુદ્રને પાર કરવો એ ભારે કઠણ કાર્ય છે. અહીં એકઠા થયેલા વાનરો સમુદ્રના દક્ષિણ તટ પર કેમ પહોંચશે?

“મારી સીતાએ પણ આ જ શંકા ઉઠાવેલી, જેનો વૃતાંત હમણાં જ મને કહેવાયો. આ વાનરો માટે સમુદ્ર પાર જવાનો જે પ્રશ્ન ઊભો થયો છે તેનો વાસ્તવિક ઉત્તર શો છે?” હનુમાનને આમ કહીને રામ શોકાકુલ બની ઊઠયા છે. સુગ્રીવને લાંબી સમજાવટ ને રામના અસલ પરાક્રમની તેણે કરાવેલી ઓળખ પછી જાણે નિદ્રામાંથી જાગતા હોય તેમ વિષાદ ખંખેરીને રામે પોતાની સભાનતાને સંકોરતાં કહ્યું છે: “હું તપસ્યાથી પુલ બાંધીને અને સમુદ્રને સુકાવીને કોઈ પણ રીતે મહાસાગર ઓળંગવામાં સમર્થ છું.”

સમુદ્રતટ પર પડાવ નાખીને રહેલા રામનો વિરહાગ્નિ ફરી પ્રજ્વળ્યો છે ને દિવસ જતાં શોક ઘટવાને બદલે વધતો જવાનું લીલાપુરુષ રામે અનુભવ્યું છે.

યુદ્ધભૂમિમાં પણ રામે માનવભાવને વ્યક્ત કરતું વર્તન અનેક વાર પ્રગટ કર્યું છે. ઇન્દ્ર્જિત દ્વારા નાગપાશથી બંધાયેલા રામ-લક્ષ્મણને પક્ષીરાજ ગરુડ મુક્ત કરે છે ત્યારે ગરુડને જોઈને વિસ્મિત થયેલા રામે તેમને પૂછ્યું છે: “આપ અત્યંત સ્વરૂપવાન છો; દિવ્ય પુષ્પોની માળા અને દિવ્ય અંગરાગથી વિભૂષિત છો. આપે બે સ્વચ્છ વસ્ત્રો ધારણ કર્યાં છે તથા દિવ્ય આભૂષણો આપની શોભામાં વૃદ્ધિ કરી રહ્યાં છે. હું એ જાણવા માંગુ છું કે આપ કોણ છો? ગરુડને ત્યારે રામને ઢંઢોળતાં કહેવું પડ્યું છે: “હું આપનો પ્રિય મિત્ર ગરુડ છું; બહાર ફરનારો આપનો પ્રાણ છું. આપ બંનેની સહાયતા માટે હું આ સમયે આવ્યો છું… હું દેવતાઓના મુખેથી આપ લોકોના નાગપાશમાં બંધાવાના સમાચાર સાંભળીને ભારે ઉતાવળથી અહીં આવ્યો છું. આપણા બે વચ્ચે જે સ્નેહ છે, એનાથી પ્રેરિત થઈને મિત્રધર્મનું પાલન કરવા હું તરત પહોંચી આવ્યો છું… વીર રઘુનંદન! મેં તમને મારા મિત્ર તરીકેની ઓળખ આપી છે. એ વિષયમાં આપે કૂતુહલ નહીં રાખવું જોઈએ. આપ યુદ્ધમાં સફળતા પ્રાપ્ત કરતાં જ મારા આ સખ્યભાવને જાતે જ જાણી લેશો.” વિષ્ણુના અવતાર ગણાયેલા રામનું વાહન જ ગરુડ છે, પણ આ ક્ષણે રામ, સામાન્ય મનુષ્યની જેમ ગરુડને જોઈને પ્રભાવિત થતા બતાવાયા છે.

વનવાસ દરમ્યાન અનેક પ્રકારના રાક્ષસોને જોઈ ચૂકેલા રામ, કુંભકર્ણને પહેલીવાર જોઈને આશ્ચર્યચકિત થયા છે ને પોતે પહેલી જ વાર આવું પ્રાણી જોયાનો ભાવ વ્યક્ત કર્યો છે.

યુદ્ધમાં ઈન્દ્રજિત પોતાની માયાથી સીતાવધ કરવાનું છળ આચરે છે ને રામ એ ઘટનાને સત્ય માની મૂર્છા પામે છે ત્યારે ફરી એક વાર તેમને સમજાવતાં લક્ષ્મણને પણ વિષાદપૂર્વક કહેવું પડે છે: “આપ પરમ બુદ્ધિમાન અને પરમાત્મા છો. એ સ્વરૂપમાં સ્થિત રહેલા આપ આપને સમજી કેમ શકતા નથી?” એ ક્ષણે વિભીષણ પણ રામને સમજાવતાં આ ઘટનાને ઇન્દ્રજિતની માયા તરીકે ઓળખાવે છે ને ઇન્દ્રજિતનો વધ કરવા માટે લક્ષ્મણને આજ્ઞા આપવાની પ્રાર્થના કરે છે ત્યારે પણ વિભીષણના સંવાદને શોકથી અચેત થયેલા રામ સાંભળી – સમજી શકતા નથી!

સીતાના વિરહસંદર્ભે જ વિશેષત: લીલાપુરુષ સિદ્ધ થતા રામ, રાવણના મૃત્યુ પછી સીતાને પ્રાપ્ત કરે છે ત્યારે લોકાચાર જાળવવા માટે ભારે કઠોર રૂપ ધારણ કરે છે. સીતાની રીતસરની નિર્ભર્ત્સના કરતા રામનાં વચનો સીતા તો શું, ભાવક માટે પણ અસહ્ય થઈ પડે તેવાં મર્મવિદારક છે. વિનયયુક્ત થયેલી સીતાને પોતાની પાસે ઊભેલી જોઈને રામે જણાવ્યું છે:

“હે ભદ્રા! યુદ્ધભૂમિમાં શત્રુઓને પરાજિત કરીને મેં તને એમની ચુંગાલમાંથી મુક્ત કરી છે. પુરુષાર્થ દ્વારા જે થઈ શકતું હતુ, એ બધું જ મેં કર્યું છે.

હવે મારા ક્રોધનો અંત આવ્યો છે. મારા પર લાગેલા કલંકનું મેં નિવારઃ કર્યું છે; શતુજનિત અપમાન અને શત્રુ – બંનેને મેં એકસાથે નષ્ટ કર્યા છે.

“આજે બધાંએ મારું પરાક્રમ જોઈ લીધું છે. મારો પરિશ્રમ સફળ થયો છે અને આ સમયે પ્રતિજ્ઞા પૂર્ણ કરીને એના ભારથી હું મુક્ત ને સ્વતંત્ર બન્યો છું.

“જ્યારે તું આશ્રમમાં એકલી હતી, એ સમયે એ ચંચળ ચિત્તવાળો રાક્ષસ તને હરી ગયો. આ દોષ દૈવવશ પ્રાપ્ત થયેલો જેનું મેં માનવસાધ્ય પુરુષાર્થથી નિવારણ કર્યું છે.

“હનુમાને જે રીતે સમુદ્રનું લંઘન કર્યુ6 ને લંકાનો વિધ્વંસ કર્યો, એ એમનું પ્રશંસનીય કાર્ય આજ સફળ થઈ ગયું.

“સેનાસમેત સુગ્રીવે યુદ્ધમાં પરાક્રમ દેખાડ્યું તથા સમયે-સમયે મને હિતકર સલાહ આપી, એ તેમનો પરિશ્રમ પણ હવે સાર્થક થઈ ગયો.

“આ વિભીષણ દુર્ગુણોથી ભરેલા એના ભાઈને ત્યાગીને જાતે જ મારા પાસે આવેલા. એમણે પણ આજ સુધી કરેલો પરિશ્રમ નિષ્ફળ નથી ગયો.”

રામનાં આ વચનોથી સીતાની આંખો ભરાઈ જાય છે. એ જોઈ શકી છે કે રામ તેની સામે જોવા છતાં લોકાપવાદના ભયથી મનોમન છટપટી રહ્યા છે. પણ રામનો વાણીપ્રવાહ તો ત્યારે વણથંભ્યો વહ્યે જ ગયો છે. સીતાને તેઓ ફરી કહે છે: “પોતાના તિરસ્કારનો બદલો ચૂકવવા માટે મનુષ્યનું જે કર્તવ્ય છે એ મેં મારી માનરક્ષાની અભિલાષાથી રાવણનો વધ કરીને પૂરું કર્યું છે.

“જેવી રીતે તપસ્યાયુક્ત અંતઃકરણવાળા મહર્ષિ અગત્સ્યે રાક્ષસો (વાતપિ,ઇલ્વલ્ય)ના ભથી દુર્ગમ બનેલી દક્ષિણ દિશાને જીતેલી તેમ મેં રાવણના વશમાં આવી પડેલી તને જીતી છે.

“તારું કલ્યાણ થાવ. તને ખબર હોવી જોઈએ કે મેં જે આ યુદ્ધનો પરિશ્રમ કર્યો તથા આ મિત્રોના પરાક્રમથી જે વિજય મેળવ્યો, એ બધું તને મેળવવા માટે કર્યું નહોતું.

“સદાચારની રક્ષા, બધી બાજુ ફેલાયેલા અપવાદનું નિવારણ તથા મારા સુવિખ્યાત વંશ પર લાગેલા કલંકનું પરિમાજન કરવા માટે જ મેં આ બધું કર્યું છે.

“તારા ચારિત્ર્યમાં સંદેહનો અવકાશ ઊભો થયો છે, તોપણ તું મારી સામે ઊભી છે. જેવી રીતે આંખના રોગીથી દીપકનો પ્રકાશ સહી શકાતો નથી તેમ આજે તું મને અત્યંત અપ્રિય લાગી રહી છે.

“આથી હે જનકકુમારી! તારી જ્યાં ઇચ્છા હોય ત્યાં તું જા. હું મારા તરફથી રજા આપું છું. હે ભદ્રા! આ દસે દિશાઓ તારા માટે ખુલ્લી છે. હવે મને તારું કોઈ પ્રયોજન નથી.

“એવો કોણ કુલીન પુરુષ હશે, જે તેજસ્વી હોવા છતાં પણ બીજાના ઘરમાં રહેલી સ્ત્રીને – માત્ર એ મારા સાથે લાંબો સમય રહીને સૌહાર્દ સ્થાપિત કરી ચૂકી છે – એવા લોભથી મનથી પણ એને ગ્રહણ કરી શકે?

“રાવણ તને પોતાના ખોળામાં બેસાડીને ઉઠાવી ગયો ને તારા પર એની દૂષિત દ્રષ્ટિ નાખી ચૂક્યો, આવા સંયોગોમાં મારા કુળને મહાન ગણાવતો હું તને કેમ ગ્રહણ કરી શકું?

“આથી જે ઉદ્દેશથી મેં તને જીતી હતી, એ સિદ્ધ થઈ ગયો, મારા કુળના કલંકનું નિવારણ થઈ ગયું. હવે મને તારા પ્રત્યે મમતા કે આસક્તિ નથી. આથી તું જ્યાં જવા ચાહે, ત્યાં જઈ શકે છે.

હે ભદ્રા! આ મારો નિશ્ચિત વિચાર છે. એના પ્રમાણે જ મેં તને આ વાતો કહી છે. તું ઇચ્છે તો ભરત કે લક્ષ્મણના સંરક્ષણમાં સુખપૂર્વક રહેવાનું વિચારી શકે છે.

“સીતા! તારી ઇચ્છા હોય તો તું શત્રુઘ્ન, વાનરરાજ સુગ્રીવ અથવા રાક્ષસરાજ વિભીષણ પાસે પણ રહી શકે છે. જ્યાં તને સુખ મળે ત્યાં તારું મન લગાડ.

“સીતા! તારા જેવી દિવ્ય રૂપ-સૌંદર્યથી સુશોભિત મનોરમ નારીને પોતાના ઘરમાં રહેલી જોઈને રાવણ લાંબા કાળ સુધી તારાથી દૂર રહેવાનું કષ્ટ સહન નહીં કરી શક્યો હોય.”

સીતાને દગ્ધ કરનારાં આ વચનો લીલાપુરુષ રામનાં છે. જાણી જોઈને, પોતાની લાગણીઓને દમિત કરીને રામે અહીં રાજવીનો પાઠ ભજવ્યો છે. રામનાં વચનોથી વીંધાયેલી સીતાએ અગ્નિમાં ઝંપલાવ્યું છે. એ ક્ષણે રામની આંખો આંસુથી ભરાઈ ગઈ છે ને ચૂપચાપ આ દ્રશ્યના તેઓ સાક્ષી બન્યા છે. એ જ ક્ષણે બ્રહ્માને તમામ દેવતાઓ પ્રગટ થયા છે. તેમની પાસે કરબદ્ધ બનીને ઊભેલા રામ પ્રત્યે દેવતાઓએ સંવાદ કરતાં લીલાપુરુષ રામને અવતાર સિદ્ધ કરતાં ઢંઢોળ્યા છે.

“શ્રીરામ! આપ સમસ્ત વિશ્વના ઉત્પાદક, જ્ઞાનીઓમા શ્રેષ્ઠ અને સર્વવ્યાપક છો. તો પછી આ સમયે આગમાં કૂદી પડેલી સીતાની ઉપેક્ષા કેમ કરો છો? આપ સમસ્ત દેવોમાં શ્રેષ્ઠ વિષ્ણુ જ છો, આ વાતને આપ કેમ સમજતા નથી?

“…રુદ્રોમાં આઠમા રુદ્ર અને સાધ્યોમાં પાંચમા સાધ્ય પણ આપ જ છો. બે અશ્ચિનીકુમારો આપના કાન છે અને સૂર્ય તથા ચન્દ્ર આપનાં નેત્રો છે.”

“શત્રુઓને સંતાપ આપનાર દેવ! સૃષ્ટિના આદિ, અંત અને મધ્યમાં પણ આપ જ પ્રવર્તો છો. તેમ છતાં એક સાધારણ માણસની જેમ આપ સીતાની ઉપેક્ષા શા માટે કરો છો?

દેવોના આ કથનને સાંભળીને ધર્માત્માઓમાં શ્રેષ્ઠ એઆ રામે દેવતાઓને ઉત્તર આપતાં પણ લીલા જ પ્રગટ કરી છે: “દેવગણ! હું તો મને દશરથપુત્ર રામ જ સમજું છું. ભગવન! હું જે છું ને જ્યાંથી આવ્યો છું, એ બધું તમે જ મને કહો.” રામના આ કથનનો ઉત્તર વાળતાં બ્રહ્માજીએ રામને સમજાવતાં રામનું મહિમાગાન કરીને તેમને અવતાર ગણાવતાં જણાવ્યું છે તેમ, રામ સ્વયં નારાયણ છે; સૃષ્ટિના આદિ, મધ્ય ને અંતસ્વરૂપ છે; લોકમાં વિદ્યમાન ધર્મ છે; રામના આવિર્ભાવ ને તિરોભાવથી સૌ અજાણ છે. તેઓ સિદ્ધ અને સાધ્યોના આશ્રય તથા પૂર્વજ છે. બ્રહ્મા તેમનું હૃદય છે ને સરસ્વતી તેમની જિહવા છે. સ્વયં બ્રહ્માએ જે સૃષ્ટિ ઊભી કરી છે તેમાંના દેવતાઓ પણ રામના વિરાટ સ્વરૂપના રોમરૂપ છે. રામનાં નેત્રોનું બંધ થવું તે રાત્રિ ને ખૂલવું તે દિવસ છ; અગ્નિ તેમનો કોપ છે અને ચંદ્ર પ્રસન્નતા, રાવણનો વધ કરવા માટે જે તેમણે આ લોકમાં મનુષ્યશરીરમાં પ્રવેશ કરેલો છે.

બ્રહ્માએ કરેલી પ્રશંસાને સાંભળીને કોઈ જ પ્રતિભાવ ન દર્શાવીને લીલાપુરુષની ભૂમિકા પર રામે પૂર્ણવિરામ મૂક્યું છે.

રામનો ભરપૂર પ્રકૃતિપ્રેમ, લોકવ્યવહારનું જ્ઞાન ને જીવનના શિસ્તનું ચુસ્ત પાલન પણ અસંગ રામની જીવનાભિમુખતાના પરિચાયક બને છે.

* * * * *

ડૉ. દર્શના ધોળકિયાનાં સંપર્કસૂત્રઃ
• પત્રવ્યવહારનું સરનામું: ન્યૂ મિન્ટ રોડ, ભુજ (કચ્છ), ભારત ૩૭૦૦૦૧
•ઇ-પત્રવ્યવહારનું સરનામું:
dr_dholakia@rediffmail.com

Author: admin

1 thought on “લીલાપુરુષ: રામ

Leave a Reply

Your email address will not be published.