જીવનના એ પડાવ ઉપર પહોંચ્યો છું જ્યાં ભૂતકાળમાં માણેલા વિવિધ પ્રકારના આનંદદાયી અનુભવો યાદ આવતા રહે છે. એ પૈકીના કેટલાક અહીં વહેંચવાનો અને એ સાથે જોડાયેલાં પાત્રોનું નિરૂપણ કરવાનો ઉપક્રમ છે. અમુક કિસ્સામાં પાત્રોનાં અને સ્થળનાં નામ ચોક્કસ કારણોસર બદલેલાં હશે.
– પીયૂષ મ. પંડ્યા
—————*—————-*——————-*——————-*——————*———–
મારી બાળવય દરમિયાન અમે લોકો જે રમતા એમાંની મોટા ભાગની રમતો અમને કુદરતથી ખુબ જ નિકટ રાખતી. એમાં મુખ્યત્વે તો અમારી કે અમારાં મા-બાપોની કે અમારા શિક્ષકોની વિશેષ જાગૃતિ નહીં પણ સંસાધનોની તોટ કારણભૂત રહેતી. આવા કારણથી અમે મોટા ભાગે સાતતાળી, કબડ્ડી, ખોખો, સંતાકૂકડી, નારગોલ, ઈંગણી-ઠીંગણી, ચોર સિપાહી અને એવી માત્ર હાથ-પગના ઉપયોગથી રમાતી રમતો જ રમતા રહેતા. ઉપકરણો વડે રમાતી રમતોની વાત કરીએ તો મોઈ-દાંડીયો, ગરીયો(ભમરડો) અને લગ્ગા – આ ત્રણેય રમતો માટેની સામગ્રી પ્રમાણમાં સસ્તી હોતી એટલે એ પણ રમાતી રહેતી. એક અત્યંત પ્રચલિત એવી રમત સિગારેટનાં ખોખાં વડે રમવામાં આવતી. એ ખોખાંના તો પાછા સોદા પડતા! જૂદીજૂદી બ્રાન્ડની સિગારેટનાં ખોખાંના ભાવમાં સોના અને પીત્તળના ભાવ જેવું વૈવિધ્ય રહેતું. એમાં પણ જેમની પાસે એ જમાનાની પ્રખ્યાત સિગારેટ ‘પાસીંગ શૉ’નાં ખોખાં હોય એવા છોકરાઓ તો નગરશેઠ જેવા વટથી ફરતા. એ જમાનાના એક લખપતિ કુટુંબનો નબીરો જયવીર – જયલો – તો અમારી ખોખાંબજારનો શરાફ હતો! એના દાદા, બાપા તેમ જ કાકાઓ – બધા જ અલગઅલગ બ્રાન્ડની સિગારેટ પીતા હોઈ, જયલા પાસે કાયમી ધોરણે વિવિધ પ્રકારનાં ખોખાંનો ખજાનો રહેતો. ખુબ જ ઊંચી વ્યાપારી કુશળતા ધરાવતા વડીલોની એ કાબેલિયત જયલાએ ગળથૂથીમાં જ પ્રાપ્ત કરી લીધી હોવાના પૂરાવાઓ એ ખોખાંના સોદા પાડતી વેળાએ કે પછી નાદાર થઈ ગયેલા કોઈને ખોખાં ધીરવામાં આપતો. “જો ભેરુ, એવું હોય તો મારે ઘીરે આવીને જમી જાજે પણ આયાં ધંધામાં ભાઈબંધીની વાત નો કરતો” જેવા તકિયાકલામ સાથે એ ખોખાંનો વિનિમય કરતો. એ ઉપરાંત ક્રિકેટ, વોલીબૉલ કે હોકી જેવી અન્ય કોઈ પણ રમત રમવા માટેનાં સાધનો સહકારી ધોરણે જ વસાવવાનાં રહેતાં. ઘરે બેસીને રમાય એવી કેરમ, સોગઠાંબાજી, શતરંજ કે ગંજીફો વિગેરે રમતોની સામગ્રી તો કોઈના ને કોઈના ઘરમાં મળી રહે પણ ભાઈબંધોને ઘેર બોલાવીને એવી રમતો રમવા માટે જે તે ઘરના દાદાની કૃપાદ્રષ્ટી અનિવાર્ય હતી, જે યજમાન થવા ઈચ્છતા છોકરાના આગલા બે-ત્રણ દિવસના વર્તનને અનુલક્ષીને પ્રાપ્ત થતી. વળી અમે છોકરાઓ એવું પણ માનતા કે ઘરે બેસી રહી ને તો છોકરીયું રમે, ભડભાઈડા તો ધોડા-ધોડી (દોડા-દોડી)ની રમતું જ રમે! આથી નાની વયથી જ અમે જેમાં ઝાઝાં સાધનોની જરૂર ન પડે એવી વિવિધ મેદાની રમતો રમતા થઈ જતા.
મારા જીવનની અનેક મજેદાર યાદો સાથે મારો મોટોભાઈ જગત સંકળાયેલો છે. પહેલાં જગતનો પ્રાથમિક પરિચય આપી દઉં. વડોદરાની એસ.જી. મેડીકલ કૉલેજમાંથી ફાર્મેકોલોજિ વિભાગના પ્રોફેસર અને વડા તરીકે નિવૃત્ત થનાર ડૉ. જગત ભટ્ટ મારા મામાનો દીકરો ભાઈ થાય. એ ઉમરમાં મારાથી અઢી વર્ષે મોટો છે અને એણે એક મોટાભાઈ જેમ જ આજીવન મને સાચવ્યો છે. અમે સાથે મળીને બિલકુલ નાની વયથી લઈને આજદિન સુધી પારાવાર આનંદદાયી એવા અનેક અનુભવોમાંથી પસાર થતા રહ્યા છીએ. એ પૈકીના બે અહીં વહેંચું છું.
મારા ઘરથી મારું મોસાળ માંડ અડધા કિલોમીટરના અંતરે હતું. મોટા ભાગે અઠવાડીયામાં બે-ત્રણ સાંજે હું ત્યાં પહોંચી જાઉં અને પછી જે તે દિવસના કાર્યક્રમ મુજબ જગત અને હું ‘મેદાને પડતા’. આજથી પચાસ-પંચાવન વરસ અગાઉના ભાવનગરમાં અમે રહેતા એ કૃષ્ણનગર નામે જાણીતા વિસ્તારમાં લગભગ દરેક ઘર નાના-મોટા પ્લોટમાં ચણાયેલું હોય એવું જોવા મળતું. છેવટે નાનકડું ફળીયું તો હોય જ. ઘરની બહાર નીકળતાં જ એકાદ કિલોમીટરથી પણ ઓછા અંતરે ખાલી પ્લોટ, વિશાળ મેદાન, ક્રિડાંગણ કે અખાડા જેવાં ખુલ્લામાં રમવાનાં સ્થળો હાથ-પગવગાં રહેતાં. આમ, ખરા અર્થમાં ચડવા-દોડવા-પડવાની રમતો રમાતી રહેતી. પડવા આખડવાની સાથે નાના મોટા ઘા તો રોજિંદા હતા. વળી લોહીઝાણ થઈને કે કૂતરું કરડેલો પગ લઈને ઘેર જવું પણ ‘રેરેસ્ટ ઑવ રેર’ ઘટનામાં ન આવતું.
એક વખત અમે જ્યાં વિવિધ પ્રકારનાં ઊંચાં ઝાડ હતાં એવા એક ખુલ્લા મેદાનમાં ‘આમળી-પીપળી’ રમતા હતા. આમ તો આ રમત થોડા થોડા નિયમવૈવિધ્ય સાથે અને અલગઅલગ નામ સાથે બધે જ રમાતી હશે પણ અહીં એનો ટૂંકો પરિચય કરાવી દઉં. જ્યાં ઉંચાં ઝાડ મોટા પ્રમાણમાં હોય એવા મેદાનમાં આમળી-પીપળી રમી શકાય. એ રમતમાં દાવ લેનારાઓએ દોડીને ઝાડ ઉપર ચડી જવાનું હોય અને જેની માથે દાવ હોય એણે એમને દડો મારીને આઉટ કરી દેવાના હોય. જ્યાં સુધી એ લોકો ઝાડ ઉપર હોય, ત્યાં સુધી એમને આઉટ ન કરી શકાય. કોઈ છોકરો એક ઝાડ ઉપરથી નીચે ઉતરી, બીજા ઝાડ ઉપર ચડવા માટે દોટ મૂકે, એ સમયગાળામાં એને દડો મારી શકાય. જો એને એ દડો વાગે તો એ છોકરો આઉટ થયેલો ગણાય. પછી એને માથે દાવ આવે. આ સાંજે મારી માથે દાવ હતો ત્યારે જગત એ પ્લોટમાંના સરગવાના ઝાડ ઉપર ચડી ગયો. આ ઝાડની ડાળીઓ ખુબ જ બટકણી હોય છે એ એના ધ્યાનમાં ન રહ્યું. ઉત્સાહમાં ને ઉત્સાહમાં એ વધુ ઉપર ચડવા ગયો અને ડાળી બટકી! લગભગ પંદરેક ફીટની ઉંચાઈથી એ હેઠો પડ્યો. જો કે વચ્ચેની ડાળીઓમાં અટવાતો અટવાતો પડ્યો એટલે બહુ વાગે એવી પરિસ્થિતિ ન થઈ. તો યે એ તાત્કાલિક ઉભો ન થઈ શક્યો. અમે સૌ દોડીને એની પાસે ગયા ત્યારે એ આંખો બંધ કરીને પડી રહેલો.
આ જોઈને સુરેન્દ્ર નામનો એક છોકરો મોટેથી બોલ્યો, “આ જગતો તો મરી ગ્યો લાગે શ”. આ સાંભળતાં જ મેં “મારા ભાઈ માટે જેમ તેમ બોલ શ!” કહીને સુરેન્દ્રને જોરથી બે ઢીંકા મારી દીધા. ઉમરમાં અને ખાસ તો કદકાઠીમાં મારાથી ખાસ્સા મોટા એવા એની ઉપર મને પ્રહાર કરતો જોઈને અમારા મિત્રો મારા ભ્રાતૃપ્રેમથી ખાસ્સા અંજાઈ ગયા. મેં ઈચ્છ્યું કે જગતે પણ મારા શૂરાતનની નોંધ લીધી હોય, જેથી એ ઘરે જઈને મામી-મામાને અને ખાસ તો દાદી-દાદાને આ વાત કરે. એવામાં જ એ બેઠો થયો. બે ત્રણ વડીલમિત્રોએ એના ‘સબસલામત’ ની ખાતરી કરી લીધી.
હવે એ ઉભો થઈને મારી તરફ આવવા લાગ્યો. મને એમ કે એ મારો ‘વાંહો થાબડી’, ખુબ શાબાશી દેશે એટલે હું ય હસતે મોઢે એની બાજુમાં જઈ ઉભો. એવામાં એણે તો મને જોરથી લાફો અડાડી દીધો! કારણ? ના! એના મિત્ર સુરેન્દ્રને મેં માર્યો એ કારણ નહોતું. જગતે તો મને આગોતરી સજા કરી દીધી હતી. “ઘેર જઈને કોઈને કહી નો દેતો.” એ ધમકીની સાથે થયેલી આ સંગત હતી. ઘરે જો વડીલોને આવા (સરગવે ચડ્યાના) પરાક્રમની ખબર પડી જાય તો તો નજરકેદ લાગી જાય અને બહાર રમવા જવા ઉપર એકાદ-બે અઠવાડીયાં માટે પાબંદી મૂકાઈ જાય એ શક્યતા કાઢી નાખવા જેવી નહોતી. મેં અમારા બંનેના લાંબા ગાળાના હિતને ધ્યાને રાખી, આ વાત કોઈ વડીલને નહોતી કીધી. મારો તો બેવડો લાભ હતો. રમવા જવાનું બંધ ન થઈ જાય તે ઉપરાંત જગત ફરીથી મારે નહીં એ પણ ધ્યાને લેવાનું હતું.
—————*—————-*——————-*——————-*——————*————–
હું ત્રીજું ધોરણ ભણતો ત્યારની વાત છે. મારી ‘નૂતન વિદ્યાલય’માં મારા વર્ગમાં જસુ નામનો એક છોકરો હતો. ખરા અર્થમાં હૃષ્ટપુષ્ટ એવો જસીયો ભણવા બાબતે તદ્દન નિર્લેપ અને તેથી નિશાળે આવવા બાબતે બિલકુલ અનિયમિત હતો. અમારી નિશાળની સામેના રસ્તે એના બાપાની દૂકાન હતી, જેમાં પાન, બીડી, સિગરેટ, માવા ઉપરાંત સોડા, લેમન અને વિમટો જેવાં પીણાં પણ વેચાતાં. એ ઉમરે જસીયો પાનનાં બીડાં વાળતાં અને એને માવા બનાવતાં શીખી ગયો હતો. કોઈ વાર તો એવું બનતું કે એ વર્ગમાં બેઠો હોય એવામાં એના બાપાની ત્રાડ આવે, “જસ્સ્સ્સ્સુ, ઘરાગી વધી સ્સ્સ્સ.” (ગ્રાહકો વધી ગયા છે.). અમારો વર્ગ બિલકુલ રોડ ઉપર જ પડતો, એથી એમના અવાજનો ગુંજારવ અમારા કાનમાં પડઘાતો બંધ થાય એ પહેલાં તો જામગરી ચંપાતાં છૂટતા રોકેટની છટાથી જસીયો વર્ગમાંથી નીકળી, વચ્ચેનો રોડ વીંધતો દૂકાનના થડે બેઠેલા બાપાની મદદે પહોંચી જતો એ બરાબર યાદ છે. સામાન્ય રીતે મારી સાથે એનો વ્યવહાર બહુ મૈત્રીપૂર્ણ રહેતો, પણ એક દિવસ અમારો ઝઘડો એ હદે પહોંચી ગયો, જ્યાં મેં એની ઉપર શાબ્દીક અને એણે મારી ઉપર શારીરિક પ્રહારો ચાલુ કરી દીધા. દાદાએ કહેલી વાર્તા પ્રમાણે કંસના દરબારમાં મુશ્ટીક નામનો એક મલ્લ હતો, જે હાથની મૂઠી વાળી, એના પ્રતિસ્પર્ધીને એવી રીતે મારતો કે એકાદ-બે પ્રહારમાં જ એ અધમૂઓ થઈ, મેદાન છોડી દેતો. એ પ્રહારો કેવા હશે એનો આછોપાતળો ખ્યાલ મને જસીયાએ પ્રાયોગીક નિદર્શન સહિત આપ્યો. મેં મેદાન તો છોડ્યું, પણ એની ઉપર ‘આજે તો જવા દઉં છું, બીજી કોક વાર જોઈ લઈશ!’ જેવા અર્થપૂર્ણ દ્રષ્ટીપાત સાથે છોડ્યું.
મને યાદ છે, એ દિવસોમાં ઉત્તરાયણ તો હજી દૂર હતી, પણ અમારું પતંગ ઉડાડવાનું શરૂ થઈ ગયું હતું. વ્યુત્પત્તી તો ખબર નથી પણ અમે આ પર્વને ‘ખીહર’ નામે ઉલ્લેખતા. શરૂઆતના તબક્કામાં અમે છાપાના એક પાનાનો ચોથા ભાગનો ટૂકડો કાપી, એમાંથી જાતે પતંગ બનાવતા. એવા પતંગને મીણિયા દોરીથી બાંધી, એ દોરીનો બીજો છેડો બાવળના દાતણના ટૂકડા સાથે બાંધી, અમે ખુલ્લા મેદાનમાં પતંગ ઉડાડતા. આખરે એક દિવસે દાદા “જાઓ, પતંગ લઈ આવો” જેવાં અમૃતવચન ઉચ્ચારતા. એ પછી અમારી ખરી ‘ખીહર’ ચાલુ થતી. એ સમયે ડૉન વિસ્તારમાં અલીભાઈ નામના એક સજ્જન લારી લઈને ઉભા રહેતા, જેમાં ફુગ્ગા, ગરીયા, લગ્ગા, મોઈ-દાંડીયા ઉપરાંત છોકરીઓ માટે પાંચીકા, દોરડાં અને અનેકવિધ વસ્તુઓ મળી રહેતી. વળી સમયની માંગ પ્રમાણે એ હોળીના દિવસોમાં રંગો અને પિચકારીઓ તેમ જ દીવાળી સમયે ફટાકડા અને ચિરોડીના રંગો પણ વેચતા. અલીભાઈનો ખરો દબદબો જો કે ઉતરાયણના અરસામાં જોવા મળતો. એમની લારી ઉપર ફુદ્દી, બાબલું, ઢોલો, હાંડી, કરોળીયો, ફુમતી અને બદામ જેવાં નામો વડે જાણીતા અને એ જમાનામાં પ્રચલિત એવા બધી જ જાતના પતંગ મળી રહેતા. વળી એ પાકી દોરી જાતે જ તૈયાર કરતા અને વેચતા. એ બનાવવા માટે સુતરાઉ દોરી ઉપર કાચનો ભૂકો, સરેશ અને ચોક્કસ રંગની લુગદી વડે પાતળું પડ ચડાવવાની ક્રીયાને અમે ‘માંજો પાવો’ કહેતા. આવી માંજો પાયેલી દોરી અલીભાઈ ત્રણ વિકલ્પોમાં વેચતા. એ હાથના અંગુઠા અને ટચલી આંગળી વડે દોરીનો લચ્છો વીંટીને વાળવામાં આવતી સોએક વાર જેટલી દોરી લચ્છીના નામે, કાગળનું ફીંડલું વાળી, એના ઉપર વીંટાયેલી અઢીસો વાર દોરી ‘દડા’ તરીકે અને પાંચસો વાર કે હજાર વારનું આખું રીલ ઉપયોગે લઈ, બનાવવામાં આવતી દોરી ફીરકી ઉપર વીંટીને વેચતા.
જસીયાએ મને માર્યો એ દિવસે સાંજે અમે રમવા માટે ભેગા થયા ત્યારે મેં જગતને શક્ય એટલી અતિશયોક્તિ સાથે જસીયાએ મારા ઉપર ગુજારેલા ત્રાસનું વર્ણન કર્યું. એણે મારે ખભે હાથ મૂકી ને ‘લાગ મળ્યે આપડે જસીયાને ધોકાવી નાખશું’ એમ કહી મને ખાસ્સો આશ્વસ્ત કર્યો. એ સમયે અમારા બેમાંથી એક્કેયને ખ્યાલ નહોતો કે એ લાગ બીજે જ દિવસે મળી રહેવાનો હતો. આમ તો અમે બેય ભેગા મળીને ય જસુને ધોકાવી નાખવા સમર્થ નહોતા, પણ છતાં યે અમે એની એવી તો ધોકામણી કરી કે હજી પણ એ યાદ કરીને અમે રોમાંચ અનુભવીએ છીએ. જરા વિગતે કહું. મારા ઘરેથી નિશાળે જવાના રસ્તા ઉપર જ મારા મોસાળનું ઘર આવતું. સહેજ આગળ જતાં એ સમયની નેરૉગેજ રેલ્વે લાઈનનું માણેકવાડી સ્ટેશન આવે. પાટાની બીજી બાજુ એક વિશાળ મેદાન હતું. એને વટાવીને આગળ જતાં ડૉન વિસ્તાર આવે, જ્યાં મારી નૂતન વિદ્યાલય હતી. એ દિવસે હું જ્યારે નિશાળે જતી વેળા માણેકવાડી સ્ટેશન પાસે પહોંચ્યો તો મેં જગતને ઘરમાં જોયો. આમ તો એ સમયે એ પણ નિશાળે જવા નીકળી ગયો હોય, એને બદલે ઘરે કેમ હતો એ જાણવા હું ઘરમાં ગયો તો જાણ્યું કે એની નિશાળમાં કોઈ કારણસર રજા પડી ગઈ હતી. આ જાણીને મને એમ પણ રોજે ય કપરું જ લાગતું એ નિશાળે જવું એ ક્ષણે તો અતિશય અકારું લાગ્યું. મારી મુખમુદ્રા ઉપરથી જગત મારી માનસિકતા સમજી ગયો અને એણે મને નિશાળ સુધી સાથ આપવાની તૈયારી બતાડી. અમે બેય સ્ટેશનમાંથી બહાર નીકળી, ડૉન તરફ લઈ જતા મેદાન ઉપર પહોંચ્યા ત્યાં તો જસીયાને ત્યાં ઉભો ઉભો પતંગ ઉડાડતો જોયો! અમે હજી છાપાંના જાતે બનાવેલા પતંગ મીણિયા દોરીથી ઉડાડતા હતા ત્યારે આ જસુ સરસ મજાનો પતંગ એક ફીરકી ઉપર વીંટેલી ગુલાબી રંગની પાકી દોરીથી ઉડાડતો હતો. પતંગ ખાસ્સો અધ્ધર ચડી ચૂકેલો. મારા મનમાં તરત જ આગલા દિવસનો બદલો લેવાની પ્રબળ ભાવના જાગી ઉઠી, પણ જગત તો જાણે જસુએ મને માર્યો હતો એ જાણતો જ ન હોય એમ એની પાસે ગયો અને એના પતંગ અને દોરીનાં વખાણ કરવા લાગ્યો. આટલું ઓછું હોય એમ જગત અને જસુ ત્યારનું અત્યંત લોકપ્રિય એવું ફિલ્મ ‘ભાભી’નું ગીત ‘ચલી ચલી રે પતંગ મેરી….’ ગાવા લાગ્યા. મને તો આઘાત લાગ્યો કે મારા ભાઈએ પાટલી બદલી કે શું! પણ જગત તો મારી સામે ય જોયા વિના જસીયાને ખભે હાથ વીંટાળી, એની સાથે ગુલતાન મચાવી રહ્યો હતો.
આખરે મારી ધીરજ ખૂટી. જગતને રજા પડી ગઈ હતી, જસીયો તો રજા ક્યારે પાડવી એ બાબતે કાયમી ધોરણે સાવ સ્વનિર્ભર જ હતો. હવે જો એ બેયના પ્રેમાળ વાર્તાલાપનો સાક્ષી બનવા ઉભો રહું તો મારે નિશાળે પહોંચતાં મોડું થઈ જાય એમ હતું આથી મેં જગત સાથે આવે એની રાહ જોયા વગર નિશાળના રસ્તે ચાલવા માંડવાનું વિચાર્યું. એ વિચારને અમલમાં મૂકું એ પહેલાં જસીયાના હાથ પાસેથી જ પતંગ છૂટી ગયો. એ તો આમ બનતાં હતપ્રભ થઈ ગયો! જગતે એને સૂચવ્યું કે જરાય સમય બગાડ્યા વિના એણે કપાઈને આગળ જઈ રહેલા પતંગ પાછળ દોડી, એને પાછો મેળવી લેવો જોઈએ. ખાસ્સી એવી લંબાઈની દોરી સાથે હાથમાંથી છૂટી ગયેલા પતંગને પકડવા માટે જસીયાએ દોટ મૂકી. એ થોડો આગળ ગયો એટલે જગતે મને જણાવ્યું કે જસીયાનું ધ્યાન ન પડે એમ એણે પોતે જ એની દોરી નીચેથી કાપી નાખી હતી. પછી એને ઢીલ દેવા માટે પ્રોત્સાહિત કર્યો, જેથી એના હાથમાંથી પતંગ છટકી ગયો. મને એ ક્ષણે ખ્યાલ આવ્યો કે જસીયાને ધોકાવી નાખવાની જગતની આ રીત હતી. એનો સારી રીતે ઉડી રહેલો પતંગ જગતે ભરદોરીમાં એના હાથમાંથી છટકાવી મૂક્યો હતો. હું તો ખુબ રાજી થઈ ગયો કે મારા વેરની વસૂલાત થઈ ગઈ. પણ જગતનો આખરી પેંતરો તો હજી બાકી હતો. એ મને કહે, “હવે તારે નિશાળે નથ જવાનું. હાલોપ્પ્પ, ઘરે જઈને પતંગ ઉડાડીયે.” આટલું બોલી, એણે ત્યાં પડેલી જસીયાની ફીરકી ઉપાડી લીધી. એમાં હજી સારી એવી દોરી બાકી હતી. જગત કહે, “હવે ઈ @#$%* જસીયો મળે, ત્યારે આપડે ગાવાનું, “કટી કટી રે પતંગ તેરી કટી રે”! જસુ ઘટનાસ્થળે પાછો આવી જાય એ પહેલાં અમે એ ફીરકી લઈ, ઘરે આવતા રહ્યા. જગતે દાદાને કહ્યું કે પીયૂષની નિશાળમાં ય રજા પડી ગઈ હતી અને હવે આજે એમણે અમને થોડાક પતંગ ખરીદવાની મંજૂરી આપવી જોઈએ અને એ માટેનું જરૂરી દ્રવ્ય પણ પૂરું પાડવું જોઈએ. એ માંગણી સત્વરે મંજૂર થતાં અમે જસુ સામો ન મળે એવા રસ્તે જઈ, પતંગ ખરીદી આવ્યા અને આખી બપોર અગાશીમાં ચડી, જસુની દોરીથી પતંગો ઉડાડ્યા. સાંજ પડ્યે મારે ઘરે જવાનો સમય થયો ત્યારે જગતે મને સૂચવ્યું કે મારે જસીયાની ફીરકી એને બીજે દિવસે પાછી આપી દેવાની રહેશે. “આપડે કાંઈ હરામનું લેવાય? આ તો એક દિ’ એની ફીરકી વાપરી લીધી. તારે એને કહેવાનું કે બીજો કોઈ ઉઠાવી નો જાય એટલા હાટુ તું એની ફીરકી ઘેર લઈ ગ્યો ‘તો. એટલે હવે ઈ તારો પાક્કો ભાઈબંધ થઈ જશે ને તને કોઈ દિ’ મારશે નહીં.” એમ જ થયું અને પરિણામે જસુ આજે પણ જગતનો અને મારો પાક્કો ભાઈબંધ બની રહ્યો છે. હજી પણ અમે બેય ભાવનગરમાં જ્યારે પણ ભેગા થઈએ ત્યારે જસુની દૂકાને ‘ટોપના પેટનું’ પાન ખાવાનું ચૂકતા નથી. એ કે એના દીકરાઓ ચાહે ગમે એટલો વિવેક કરે, તો યે પૈસા ચૂકવી દઈએ છીએ. હા, એની પાસે ઓલી દોરી જગતે જ બટકાવી નાખેલી અને પછી એની ફીરકી અમે કયા હેતુથી ઉઠાવી લીધેલી એ ચોખવટ આજ દિન સુધી કરી નથી. એની દૂકાને જઈ, પાન ખાઈ, પાછા ઘરે આવીએ ત્યાં સુધી એ સમયગાળા દરમિયાન મારા મનમાં ‘ચલી ચલી રે પતંગ મેરી’ અને ‘કટી કટી રે પતંગ તેરી’ એ બે પંક્તિઓ સમાંતરે ગુંજતી રહે છે.
—————*—————-*——————-*——————-*——————*————–
શ્રી પિયૂષ પંડ્યાનું વીજાણુ સંપર્ક સરનામું: piyushmp30@yahoo.com
જ્યોતીન્દ્ર દવે અને ધનસુખ લાલ મહેતા ની “અમે બધા” ગુજરાતી સાહિત્ય ની સીમા ચિન્હ રૂપ હાસ્ય નવલ કથા છે.
એવું જ રસિક અને પ્રવાહી શૈલી માં વર્ણન…
લગે રહો ,સર