સમાજ દર્શનનો વિવેક : મુહમ્મ્દ યુનુસનું વાણોતરું:[3]

કિશોરચંદ્ર ઠાકર

જોબરા ગામની સફળતા પછી યુનુસને અમેરિકાના ઓહિયો સ્ટેટ યુનિવર્સિટિના નેજા હેઠળ યોજાયેલી બાંગ્લાદેશની કે‌ન્દ્રીય બે‌ન્ક દ્વારા આયોજિત એક પરિસંવાદમાં અધ્યક્ષપદ સંભાળવા નિમંત્રણ આપવામાં આવ્યું. પરિસંવાદનો વિષય હતો ‘ગ્રામીણ બે‌ન્કોને ધીરાણ’. આ બેઠકમાં કે‌ન્દ્રીય બે‌ન્કના ડેપ્યુટી ગવર્નર ગંગોપાધ્યાય ઉપરાંત યુનિવર્સિટિના અનેક નિષ્ણાતોએ હાજરી આપી હતી. શ્રી ગંગોપાધ્યાયને યુનુસના પ્રયોગમાં રસ હતો અને તેઓ પ્રોત્સાહન પણ આપતા. હાજર રહેલા યુનિવર્સિટિના નિષ્ણાતો તથા કેટલાક બે‌ન્કરોએ યુનુસને કહ્યું કે જોબરા ગામની સફળતા તો એ વિસ્તારમાં તમારી લોકપ્રિયતા તથા મોભાને કારણે છે. યુનુસ આ વાત સાથે સંમત ન હતા. તેમણે પડકાર ઝીલી લીધો અને ગંગોપાધ્યાય પાસેથી કોઈ અન્ય જિલ્લામાં ગ્રામીણ બે‌ન્કની શાખા ખોલવા માટે મંજૂરી માગી. મંજૂરી મળી અને તાંગાઈલ જિલ્લો પસંદ થયો.

તાંગાઈલ જિલ્લો ભારતમાંની નક્ષલવાદ જેવી પ્રવૃતિ કરતી ‘ગણવાહિની’થી ખૂબ જ પ્રભાવિત હતો. ગણવાહિનીના સશસ્ત્ર ગેરિલાઓ ગમે ત્યારે ત્રાટકતા અને લોકોને મોતને ઘાટ ઉતારતા. ગામના સ્થાનિક નેતાઓ પણ તેમનાથી ડરતા. આથી યુનુસ માટે સૌ પ્રથમ તો બે‌ન્કના કાર્યકરોની સલામતીનો જ સવાલ ઊભો થયો. આવી સ્થિતિમાં કે‌ન્દ્રીય બે‌ન્કના અમલદારોની મદદ તો મળે જ શાની? યુનુસે ગણવાહિનીના યુવાનોનો કેમે કરીને પણ સંપર્ક કર્યો. પોતે જાણતા હતા કે ગણવાહિનીના ગેરિલાઓ અને ગ્રામીણ બે‌ન્ક, એ બન્નેનો ઉદેશ્ય તો લોકોને ગરીબીમાંથી બહાર લાવવાનો જ હતો. યુનુસે તેમને સમજાવીને બંદૂકો હેઠી મૂકાવી અને બે‌ન્કના કાર્યકરો બનાવ્યા. યુનુસ કહે છે કે ગણવાહિનીના ગેરિલાઓ ગ્રામીણ બે‌ન્કના શ્રેષ્ઠ કાર્યકરો પુરવાર થયા.

ગ્રામીણ બે‌ન્કે ગણવાહિનીના ગેરિલાઓના તો હથિયાર મૂકાવ્યા, પરંતુ મુલ્લાઓ અને શાહુકારોનો અવરોધ તો તેમને હંમેશા નડ્યા જ કરતો. ધર્મનો હવાલો આપીને પ્રજાઓને ગેરમાર્ગે દોરવાના જમાનાઓ જૂનાં હથિયારનો ઉપયોગ બાંગ્લાદેશના રૂઢિચુસ્ત મુસ્લિમ સમાજમાં તો સહેલાઈથી થઈ શકે. મુલ્લાઓ અને શાહુકારો એવો પ્રચાર કર્યા જ કરતા કે ગ્રામીણ બે‌ન્કનો ઇરાદો બધાને ખ્રિસ્તી બનાવી દેવાનો છે. આ ઉપરાંત બીજી અનેક રીતે મહિલાઓને ડરાવવામાં આવતી. દા.ત. જેની મા અને દાદી ભૂખે મરી રહ્યા હતા એવી ફરિદપુરની 20 વર્ષની મુસમ્મતને એવી ચેતવણી આપવામાં આવી કે ગ્રામીણ બે‌ન્કવાળા તને પશ્ચિમ એશિયામાં લઈ જશે અને ગુલામ તરીકે વેચી મારશે. ચિતાગોંગ જિલ્લાની 38 વર્ષની સકીના ખાતુનને ધમકી આપવામાં આવી કે જો તે ગ્રામીણ બે‌ન્કમાં જોડાશે તો તેને પવિત્ર કબ્રસ્તાનમાં દફનાવવામાં નહિ આવે. એટલી જ ઉંમરની મંઝિરા ખાતુનને ડર બતાવવામાં આવ્યો કે તેના હાથ પર છૂંદણા છૂંદાવાશે(મુસ્લિમ સ્ત્રીઓ છૂંદણાં છૂંદાવવાને ધર્માવિરુદ્ધ માને છે.) અને પછી તેને વેચી મારવામાં આવશે. પરંતુ યુનુસ કહે છે કે “જેમની પાસે ખાવાનું કશું જ નથી, સાવ કંગાળ છે અને ભીખ માગીને પોતાનાં બાળકોનું પેટ ભરવા પ્રયાસ કરે છે, જેમને બીજે ક્યાંયથી મદદની આશા નથી એવી મહિલાઓ મુલ્લાઓની ગમે તેટલી ધમકીઓ છતાં ગ્રામીણ બે‌ન્કમાં જોડાવા માટે મક્કમ રહે છે”

ગ્રામીણ બે‌ન્કના કાર્યકરો કદી મુલ્લાઓ કે શાહુકારની સાથે ઘર્ષણમાં આવવાનું પસંદ કરતા નહિ. જો કોઈ કાર્યકરને ગામ છોડી જવા દબાણ કરવામાં આવતું તો તે ગામ છોડી જતા. પરંતુ પછીથી બનતું એવું કે આ મહિલાઓ જ ભેગી મળીને મુલ્લાઓના ઘરે મોરચા લઈ જતી. આખરે મુલ્લાઓને નમતું આપવું પડતું અને ગ્રામીણ બે‌ન્કનો કાર્યકર ગામમાં પાછો આવી જતો.

ધર્મનો હવાલો આપીને ધમકીઓ મળવા છતાં મહિલાઓને એ સમજાઇ ગયું હતું કે મુલ્લાઓ કરતા ગ્રામીણ બે‌ન્કના મેનેજરો ઇસ્લામને સારી રીતે સમજે છે. 1994માં ઈરાનના પ્રમુખના મહિલાઓ બાબતના સલાહકાર જ્યારે ઢાકા આવ્યા ત્યારે યુનુસે તેમની પાસેથી ઇસ્લામના સંદર્ભમાં ગાર્મીણ બે‌ન્ક વિશે અભિપ્રાય માગતા તેમણે જવાબ આપ્યો કે, “સ્ત્રીઓ શા માટે ભૂખે મરવી જોઈએ? તમે જે કરી રહ્યા છો એ તો જબરજસ્ત છે. તમે બાળકોની આખી એક પેઢીને શિક્ષિત કરી રહ્યા છે અને આમાં કુરાન કે શરિયત વિરુદ્ધનું કશું જ નથી.”

ઇસ્લામના કેટલાક વિદ્વાનોનું પણ એમ માનવું છે કે વ્યાજ લેવા ઉપર પ્રતિબંધ મૂકતો શરિયતનો કાયદો ગ્રામીણ બે‌ન્કને લાગુ પડતો જ નથી. આ માટેની તેમની દલીલ એ છે કે વ્યાજ પરના પ્રતિબંધનો હેતુ ગરીબોને લૂંટથી બચાવવાનો છે અને અહીં તો લોનધારકો પોતે જ બે‌ન્કના માલિકો હોવાથી પોતે વ્યાજ લે છે અને પોતે જ આપે છે.

ગ્રામીણ બે‌ન્કનો હેતુ કોઈ વાદ કે વિચારસરણી સામે લડવાનો હતો જ નહિ, પરંતુ લોકોને ગરીબીના આતંક અને નિરાશામય જીવનમાંથી મુક્તિ અપાવવનો હતો. બે‌ન્કે લોકોને ગરીબીમાંથી મુક્ત કરવા ઉપરાંત એક સામાજિક ક્રાંતિ પણ કરી છે. ગરીબોને ગરીબ રાખવા માટે જવાબદાર એવા પિતૃસતાવાદ અને અંતિમવાદી પરિબળો સામે અસરકારક સાધન પણ પૂરું પાડ્યું છે.

બે‌ન્કની કામગીરીની અસર બાંગ્લાદેશમાં 1996માં યોજાયેલી સામાન્ય ચૂંટણી પર પણ પડી. અગાઉની બધી જ ચૂંટણીઓથી વિપરીત પુરુષો કરતા મહિલાઓના મતદાનની ટકાવારી વધારે નોંધાઈ. સૌથી વધારે અસર તો ચૂંટણીનાં પરિણામ પર પડી. અગાઉની સંસદમાં 17 બેઠકો ધરાવતી ધર્મઝનૂની ‘ઇસ્લામિક પાર્ટી’એ પોતની 14 જેટલી બેઠકો ગુમાવી. તારણ એ નીકળે છે કે મહિલાઓના સશક્તિકરણથી ધર્મઝનૂની તત્વો પાછા પડે છે અને ઉદારમતનો પ્રભાવ વધે છે.

કેટલાક અંતિમવાદી શાસકોને કારણે પશ્ચિમના મોટા વિચારકો નિરાશાવાદી બનીને ભાવિ જગતને ખ્રિસ્ત વિરુદ્ધ ઇસ્લામ એવી લડાઇમાં સપડાયેલું જુએ છે. પરંતુ યુનુસનું માનવું છે કે ગરીબમાં ગરીબ માણસ લઘુ ધીરાણ દ્વારા સ્વસહાયક બનીને વિકાસ કરવા ઉપરાંત સ્વતંત્ર, સક્રિય અને સર્જનાત્મક માનવી બને છે. અને જે પ્રજામાં સર્જનાત્મકતા ભારોભાર હોય તેનામાં ધાર્મિક કે સાંસ્કૃતિક કલહને માટે કોઇ જ સ્થાન રહેતું નથી. આમ ગરીબીનું ઉન્મૂલન એ ધાર્મિક ઝઘડાનો પણ ઉકેલ છે.

નાણાં ધીરનારી પરંપરાગત સંસ્થાઓને પોતાના ગ્રાહકોનાં જીવનના ઉત્કર્ષમાં સહેજ પણ રસ હોતો નથી. પરંતુ ગ્રામીણ બે‌ન્કે તો પોતાના સભ્યોને કેટલાક સંકલ્પો પણ લેવરાવ્યા, જેવા કે પરિશ્રમ કરી પોતાના પરિવારનું જીવનધોરણ ઊંચુ લાવવું, જીર્ણ ઘરની મરમ્મત કરાવી તેમાં ખાળકૂવાની સુવિધાઓ પ્રાપ્ત કરવી, પીવા માટે ચોખ્ખા પાણીનો પ્રબંધ કરવો, પોતાના શાકભાજી જાતે જ વાવીને પૂરતો ખોરાક લેવો, બાળલગ્નો તેમજ દહેજપ્રથાથી મુકત થવું. જીર્ણ મકાનને બદલે સારા મકાનમાં રહેવું, પોતે શિસ્તનું પાલન કરી અન્ય સભ્યો પાસે પણ કરાવવું, પોતાના કે‌ન્દ્રોમાં શારીરિક વ્યાયામની પ્રવૃતિ કરવી વગેરે.

1984માં કે‌ન્દ્રીય બે‌ન્કે ગરીબ લોકોને ઘર બનાવવા માટે લોન લેવા છાપાઓમાં જાહેરાત આપી.(કે‌ન્દ્રીય બે‌ન્ક હંમેશા અન્ય બે‌ન્કો મારફત લોન આપે છે આથી અરજી જે તે બે‌ન્કે કરવાની હોય છે.) આ યોજના મુજબ 75,000 રૂપિયાની લોન આપવાની હતી. પરંતુ ગ્રામીણ બે‌ન્કે તો માત્ર 5,000 રૂપિયાની લોન માટે જ અરજી કરી. નિષ્ણાતો અને ક‌ન્સ્લ્ટ‌ન્ટોનો અભિપ્રાય એવો હતો કે 5,000 રૂપિયામાં જે બંધાય એને ઘર કહેવાય જ નહિ. આથી કે‌ન્દ્રીય બે‌ન્કે ગ્રામીણ બે‌ન્કની અરજી ફગાવી દીધી. બે‌ન્કે બીજી અરજી કરી જેમાં ઘર નહિ પણ આશ્રય માટે લોન લેવાની વાત હતી. હવે નિષ્ણાતોએ જુદો જ મુદ્દો ઊભો કર્યો. તેમણે કહ્યું કે ગ્રામીણ બે‌ન્કનો હેતુ તો સ્વરોજગારી માટે ધીરાણ આપવાનો છે, આથી આશ્રય માટે તેને લોન આપી શકાય નહિ. પરંતુ યુનુસ હાર્યા નહિ. તેમણે નવી અરજી કરી કે અમને કારખાના માટે લોન આપો. સત્તાવાળાઓ વિચારમાં પડી ગયા કે ઘરવિહોણાઓને વળી કારખાનું કેવું? યુનુસે તેમને સમજાવ્યું કે ગ્રામીણ બે‌ન્કના સભ્યો પોતાના વ્યવસાય ઘરમાં બેસીને જ કરે છે. બાંગ્લાદેશમાં પાંચ મહિનાઓ સુધી તો વરસાદ જ હોય છે. રહેઠાણની જગ્યાએ પાણી પડતું હોવાથી સભ્યો તેમનો વ્યવસાય કરી શકતા નથી. કન્સલ્ટ‌ન્ટોએ આ દલીલ પણ ફગાવી દીધી. છેવટે યુનુસ કે‌ન્દ્રીય બે‌ન્કના ગવર્નરને રૂબરૂ મળ્યા. ઘણી સમજાવટને અંતે તેઓ લોન આપવા સંમત થયા.

યુનુસ કહે છે કે ત્યાર પછી પરંપરાગત બે‌ન્કોના બહુ ઓછા લોનધારકોએ ધીરાણ પરત કર્યું, પરિણામે ત્રણ જ વર્ષમાં તે બે‌ન્કોમાં યોજના બંધ કરી દેવામાં આવી. તેની સરખામણીમાં ગ્રામીણ બે‌ન્કે 13 વર્ષમાં 4,50,000 મકાનો બાંધવા માટેની લોન આપી. મહત્વની વાત એ છે કે લોન પરત આવવાનું પ્રમાણ લગભગ સો ટકા રહ્યું. આ વર્ષોમાં ધીરાણની રકમ વધારીને 12,000 રૂપિયા જેટલી કરવામાં આવી. મકાનોની ગુણવત્તાની બાબતે કહીએ તો દુનિયાના ઉચ્ચ સ્થપતિઓની બનેલી એક સમિતિ દ્વારા ગ્રામીણ બે‌ન્ક ‘આગાખાન આંતરરષ્ટ્રીય સ્થાપત્ય પારિતોષિક’ માટે પસંદગી પામી. આશ્ચર્યની વાત એ છે કે મકાનોની ડિઝાઈન કોઇ વ્યવસાયી સ્થપતિએ તૈયાર કરી ન હતી પરંતુ લાભાર્થી લોકોએ જાતે જ તૈયાર કરેલી!

ગરીબી એ માત્ર વિલાસશીલ દેશોની જ સમસ્યા નથી. અમેરિકા જેવા વિકસિત દેશોમાં પણ ગરીબો હોય છે. યુનુસે શોધ્યું કે અમેરિકામાં જેમને બેકારી ભથ્થુ મળે છે તેવા લોકો ખરેખર તો ગરીબ જ છે. આથી આ પ્રકારના લોકોને સ્વરોજગારી કરી શકે એ માટે ધીરાણની જરૂર છે. તેમણે ‘મેસેચુટેસ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી’ની સ્નાતક જુલિયા વિદાસિયસને ગ્રામીણ બે‌ન્કની કામગીરી સમજાવી‌. જુલિયાએ ‘ગુડ ફે‌ઇથ ફંડ’ નામની ગ્રામીણ બે‌ન્કના જેવી જ કામગીરી કરવા માટે સંસ્થા સ્થાપી. યુનુસ કહે છે કે અમેરિકનોમાં પણ આ પ્રકારનો ખ્યાલ સ્વીકૃત થઈને સફળ થયો

પછીથી તો એશિયા ઉપરાંત અમેરિકા, યુરોપ અને આફ્રિકાના ઘણા દેશોમાં પણ આ પ્રકારના સફળ પ્રયોગ થયા.

આ લેખમાળામાં ગ્રામીણ બે‌ન્કોની સિદ્ધીઓની આછી રૂપરેખા તેની સાથે સંકળાયેલા કેટલાક ચૂંટેલા પ્રસંગો દ્વારા જ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ સિદ્ધી માટેના અનેક માપદંડો હોઈ શકે છે. પરંતુ પુસ્તકની પ્રસ્તાવનામાં શ્રી સનત મેહતાએ જણાવેલ એક માપદંડ નોંધપાત્ર છે. તેઓ લખે છે કે “ગ્રામીણ બે‌ન્કે ઢાકાનાં મલમલના એક જમાનાના વિખ્યાત વણકરોનો હાથ પકડ્યો. એ સમયે ભારતમાંથી વર્ષે 1500 લાખ ડોલર એટલે કે 600 કરોડથી વધુ રૂપિયાની કિંમતનું ‘મદ્રાસ ચેક’ તરીકે ઓળખાતું કાપડ બાંગ્લાદેશમાં આયાત થતું. આના પર્યાય રૂપે 1993માં ઊભી કરવામાં આવેલી ‘ગ્રામીણ ઉદ્યોગ’ નામની કંપનીએ પહેલાં ત્રણ જ વર્ષમાં 60 કરોડ રૂપિયાનું એ જ પ્રકારના ‘ગ્રામીણ ચેક’ નામના કાપડનું ઉત્પાદન બાંગ્લાદેશના વણકરો મારફત કરાવ્યું. જોતજોતામાં સમગ્ર આયાતની જગ્યા ગ્રામીણ ચેકે લઈ લીધી”

વિશ્વની વ્યાપક ગરીબીનાં પ્રમાણમાં મુહમ્મદ યુનુસનું કામ ભલે નજીવું ગણાય, પરંતુ એક વ્યક્તિએ પોતાની સંવેદનાને જીવતી રાખીને કરેલું આ કાર્ય તો ભગીરથ જ ગણાય. એમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી કે શ્રી મુહમ્મદ યુનુસને મળેલાં નોબેલ પારિતોષિકમાં એ પારિતોષિકની જ સાર્થકતા છે. સૌથી મોટી વાત એ છે કે સમાજની માત્ર ધનિકોના જ લાભાર્થે ચાલતી વ્યવસ્થા(system)ને યુનુસે પડકારી છે. આ ઉપરાંત ગરીબી માટે ગરીબો જ જવાબદાર છે એવી ઉપલા વર્ગની સ્વાર્થપ્રેરિત ઊભી થયેલી ભ્રામક માન્યતા તેમણે ખોટી પાડી છે. યુનુસ કહે છે કે આ માટે કોઈ મોટી ઉથલપાથલ કરવાની જરૂર નથી પરંતુ પ્રવર્તમાન મૂડીવાદી સમાજમાં જ માત્ર માનવચેતનાનું તત્વ દાખલ કરવાની જરૂર છે.

અહીં આ લેખમાળા સમાપ્ત થાય છે, મને સહકાર આપવા બદલ વાચકો અને સંપાદકોનો આભાર માનું છું.


(નોબેલ પારિતોષિક વિજેતા મુહમ્મદ યુનુસની આત્મકથા ‘Banker to the Poor’ ના ‘વંચિતોના વાણોતર’ નામે હેમંતકુમાર શાહે કરેલા ગુજરાતી અનુવાદને આધારે., અનુવાદમાં નાણાની રકમ બાંગ્લા દેશનાં ચલણને બદલે ભારતીય ચલણમાં બતાવવામાં આવી છે)


શ્રી કિશોરચંદ્ર ઠાકરનં સપર્ક સૂત્રો :-પત્રવ્યવહાર સરનામું: kishor_thaker@yahoo.in  । મો. +91 9714936269

Author: admin

Leave a Reply

Your email address will not be published.