
ભગવાન થાવરાણી
ચર – અચરથી છેક છેટે લો હવે આવી ઊભા
સૂરના યાત્રિક પેઠે લો હવે આવી ઊભા
જો પહાડી ગુનગુનાવી સાદ દેશો – આવશું
અલવિદા નામે ત્રિભેટે લો હવે આવી ઊભા ..
આ લેખમાળાનો આ આખરી મુકામ. આજે કેટલાક રહી ગયેલા ગીતો, નામી-અનામી પરંતુ અગાઉના હપતાઓમાં જેમને આવર્યા એમના જેટલા જ ગુણી સંગીતકારોની જાણી-અજાણી પહાડી બંદિશોનો અછડતો સ્પર્શ કરીને વિરમીશું. શરુઆતમાં કહી ગયા તેમ, કુલ ફિલ્મી ગીતોના અડધા ગીતો તો માત્ર ભૈરવી, પહાડી અને યમન-કલ્યાણ એ ત્રણ રાગો-રાગિણીઓ ઉપર આધારિત – મારા અંદાજ મૂજબ – હશે. અહીં આવરી લેવાયેલા ગીતો પહાડીના પ્રતિનિધિ ગીતો હરગીઝ નથી. એ માત્ર મારી નિતાંત અંગત પસંદગી અને સ્મૃતિમાં સચવાયેલા છૂટા-છવાયા ગીતો છે. આ સિવાય પણ હશે. આથી ઉમદા પણ હશે. જાણકારોને વિનંતી કે એ ગીતોથી અવગત કરાવો. સંગીતના, પહાડીના મહોદધિમાંથી આ નાચીઝે કેવળ અંજલિભર આચમન કર્યું / કરાવ્યું છે.
પ્રારંભે આપણે એ પણ કહી ગયા કે પહાડીની લહેરખીઓને દેશ-દેશાવર, ભાષા-સંસ્કૃતિના સીમાડા નડતા નથી. પહેલા જ હપ્તામાં આપણે ‘ Irene goodnight ‘ નામના અમેરિકન લોકગીતની વાત કરેલી જેનું સર્જન આયોજનપૂર્વક પહાડીમાં નહીં જ થયું હોય પણ છે તો પહાડી જ. એવું જ બીજું એક પાશ્ચાત્ય અને અતિ-લોકપ્રિય ગીત TITANIC ફિલ્મનું, સેલિન ડિયોનનું ગાયેલું પણ પહાડીની સુરાવલિઓમાં જાણ્યે-અજાણ્યે (આમ તો અજાણ્યે જ !) મઢાઈ ગયું છે. જુઓ :
My heart will go on
હવે મુખ્ય વાત આપણા સંગીતકારોની :
૧. સલિલ ચૌધરી.
ફિલ્મી સંગીતકારોમાંના સૌથી મૌલિક, સૌથી પ્રતિભાવંત સંગીતકારોમાંના એક એટલે સલિલ દા. એમના આ બે પહાડી ગીતો (બન્ને ‘ મધૂમતી ‘ નાં અને બન્ને ખૂબ જ જાણીતાં)
આ જા રે પરદેસી
દિલ તડપ તડપ કે કહ રહા હૈ
૨. જયદેવ
ઓછું પણ સર્વોત્કૃષ્ટ આપનાર આ ઓલિયા કલાકારને કેમ ભૂલાય ? એમની એક જાણીતી અને એક ગુમનામ પહાડી કૃતિ અનુક્રમે ‘ પ્રેમ પરબત ‘ અને ‘ દો બૂંદ પાની ‘ ફિલ્મોમાંથી :
યે દિલ ઔર ઉનકી નિગાહોં કે સાયે
પીતલકી મોરી ગાગરી
૩. ગુલામ મોહમ્મદ
અવિસ્મરણીય સંગીતકાર. ‘ મિર્ઝા ગાલિબ ‘ અને ‘ પાકીઝા’ ઉપરાંત અનેક સુરીલી ઉપલબ્ધિઓ. વર્ષો સુધી નૌશાદ અને અનિલ બિશ્વાસના સહાયક રહ્યા. ‘ પાકીઝા ‘ ની આ પહાડી બંદિશ આપણે બહુધા યુગલ ગીત તરીકે સાંભળી છે .
–ચલો દિલદાર ચલો
https://youtu.be/6GI9Ed83-MQ
પરંતુ લતાનું એકલ – ગીત પણ શ્રવણીય છે
https://youtu.be/o7SLqMs_ZqA
૪. સુધીર ફડકે
એ આમ તો ‘જ્યોતિ કલશ છલકે’થી ઓળખાય છે, પણ એ અન્યાય છે. બહુ મોટા ગજાના કલાકાર. કવિ નરેન્દ્ર શર્મા એમના પ્રગાઢ સાથી. સ્વયં પણ ઉત્તમ ગાયક.
એમની ૧૯૪૯ની ફિલ્મ ‘સંત જનાબાઈ’ માં ૨૨ ગીતો હતા અને બધા જ ભજન ! એ ફિલ્મની નાયિકા હંસા વાડકર હતા, જેમના ભાતીગળ જીવન પરથી શ્યામ બેનેગલે ‘ભૂમિકા’ ફિલ્મ બનાવેલી. જુઓ એ ફિલ્મનું એક અદ્ભૂત પહાડી ભજન મન્ના ડે અને સાથીઓના કંઠે, પંડિત નરેન્દ્ર શર્મા લિખિત :
પ્રભાત વંદના કરે જાગો હે હરે
૫. હૃદયનાથ મંગેશકર
લતા મંગેશકરના આ લઘુબંધુએ ગણી-ગાંઠી ફિલ્મો કરી છે પણ બધું સર્જન ટકોરાબંધ ! સુરેશ વાડકર એમના પ્રિય ગાયક. એમના બે હલકા-ફૂલકા અને એક ગંભીર પહાડી ગીત અનુક્રમે ‘ધનવાન’, ‘મશાલ’ અને ‘લેકિન’ ફિલ્મોમાંથી. ત્રણેયમાં સુરેશ વાડકર :
યે આંખેં દેખકર હમ સારી દુનિયા ભૂલ જાતે હૈં
મુજે તુમ યાદ કરના ઔર મુજકો યાદ આના તુમ
સુરમઈ શામ ઇસ તરહ આએ
૬. ખેમચંદ પ્રકાશ
ફિલ્મ સંગીતના પ્રપિતામહોમાંના એક. ‘મહલ’ ઉપરાંત પણ એમના તરકશમાં ઘણું બધું છે પણ એ પોંખાયા એ ફિલ્મથી. એ ફિલ્મનું એક જાણીતું પહાડી લતા – ગીત :
મુશ્કિલ હૈ બહુત મુશ્કિલ
૭. એસ.એન.ત્રિપાઠી
આ મહાન અને બહુમુખી પ્રતિભા માત્ર પૌરાણિક, ધાર્મિક અને સ્ટંટ ફિલ્મોના ચોકઠામાં સમેટાઈને રહી ગઈ! સંગીતકાર ચિત્રગુપ્ત વર્ષો સુધી એમના સહાયક હતા. નિતાંત સંગીતમય ‘ સંગીત સમ્રાટ તાનસેન ‘ અને અત્યંત સફળ ‘ જનમ જનમ કે ફેરે ‘ ઉપરાંત અનેક ફિલ્મો અને અનેક સફળ ગીતો. એમના સંગીત-વિશ્વ અને પ્રતિભા વિષે પી.એચ.ડી કરી શકાય ! બહરહાલ, એમના ‘ માત્ર ‘ ચાર પહાડી ગીતો અનુક્રમે જાદુનગરી, નાગ દેવતા, ચંદ્રમુખી અને પિયા મિલન કી આસ ફિલ્મોમાંથી :
નિગાહોં મેં તુમ હો ખયાલોં મેં તુમ હો
તારોં કી ઠંડી છૈયાં હમ તુમ મિલે ઓ સૈયાં
નૈન કા ચૈન ચુરાકર લે ગઈ
ચાંદી કા ગોલ ગોલ ચંદા કે ડાલ રહા દુનિયા પે જાદુ કા ફંદા
૮. અનિલ બિશ્વાસ
આ શખ્સિયત પણ હિંદી ફિલ્મ સંગીતના પુરાણા અને મજબૂત સ્તંભોમાંના એક. ફિલ્મ સંગીતના અનેક ચીલા, અનેક પ્રથાઓ, અનેક શોધ એમને આભારી છે. ૭૦ ઉપરાંત ફિલ્મોમાં સંગીત અને અંતિમ ફિલ્મ ‘છોટી છોટી બાતેં’ સુધી ગુણવત્તાના ઉત્તમોત્તમ માપદંડ જાળવી રાખ્યા. એમની એક ઉમદા પહાડી રચના દિલીપ કુમાર-મધુબાલા અભિનીત ‘ તરાના ‘ માંથી :
બેઈમાન તોરે નૈનવા નિંદીયા ન આએ
૯. વિનોદ
અસલ નામ એરીક રોબર્ટ્સ. ‘એક થી લડકી’ ના ‘લારા લપ્પા‘ ગીતથી વિખ્યાત પરંતુ એમનું ફલક એથી ઘણું વિસ્તૃત છે. ૩૫ ફિલ્મોમાં સંગીત. એમની ફિલ્મ ‘ અનમોલ રતન ‘ નું આ પહાડી ગીત બહુ ઓછું સંભળાય છે. એમાં ‘બરસાત’ ના ‘મેરી આંખોં મે બસ ગયા કોઈ રે‘ ની છાંટ છે :
મોરે દ્વાર ખુલે હૈં આને વાલે કબ આઓગે
૧૦. સરદાર મલિક
એ અનુ મલિકના પિતા છે એ કરતાં અનુ મલિક એમના ‘ સુપુત્ર ‘ છે એ ઓળખાણ વધુ વ્યાજબી છે. ‘ સારંગા ‘ એમની સહુથી જાણીતી અને સફળ ફિલ્મ. વીસેક ફિલ્મો કરી. આ વિખ્યાત પહાડી ગીત ફિલ્મ ‘બચપન’ માંથી.
મુજે તુમસે મુહોબત હૈ મગર મૈં કહ નહીં સકતા
૧૧. આર. ડી. બર્મન
પંચમનું આમ ‘બાકીના સંગીતકાર ‘ માં ધકેલાઈ જવું કેટલાકને રુચશે નહીં. મારા મતે એ પ્રયોગશીલ અને મેધાવી સંગીતકાર અવશ્ય હતા, એમના પિતાની કક્ષાના મહાન હરગીઝ નહીં ! ત્રણ સો ઉપરાંત ફિલ્મો કરી. એમનું આ પહાડી ગીત ‘ પ્યાર કા મૌસમ ‘ માંથી.
ના જા મેરે હમદમ સુનો વફા કી પુકાર
૧૨. સી. અર્જુન
અત્યંત પ્રતિભાશાળી આ સંગીતકારની પણ માત્ર વીસેક ફિલ્મો અને એ બધી પણ એવા ગુમશુદા બેનરની કે ક્યારે આવી અને ક્યારે ગઈ એ રામ જાણે ! એમની ફિલ્મ ‘ સુશીલા ‘ ના બે ગીતો ‘ગમ કી અંધેરી રાત મેં ‘( રફી – તલત ) અને ‘બેમુરવ્વત બેવફા બેગાના-એ-દિલ આપ હૈં‘ (મુબારક બેગમ) ‘ કોણ ભૂલી શકે ? ‘ જય સંતોષી મા ‘ ફિલ્મ ટિકિટબારી પર ‘ શોલે ‘ સમકક્ષ ખડી રહી એમાં સિંહ-ફાળો એમના સંગીતનો હતો. કમનસીબે, એ સફળતા પછી પણ એમને બે-ત્રણ ‘ જય …મા ‘ સિવાયની ફિલ્મો મળી નહીં. કદાચ એમને જાતનું ‘ માર્કેટીંગ ‘ કરતાં નહીં ફાવતું હોય ! કવિ જાન્નિસ્સાર અખ્તર સાથેનો એમનો નાતો આજીવન રહ્યો. એમની એક ખૂબસુરત પહાડી બંદિશ ફિલ્મ ‘કાનૂન ઔર મુજરિમ’ માંથી, ઉષા મંગેશકર અને સુરેશ વાડકરના કંઠે :
શામ રંગીન હુઈ હૈ તેરે આંચલ કી તરહ
https://youtu.be/zm2dBilAP9I
૧૩. સોનિક ઓમી
ચાચા-ભત્રીજાની આ જોડીએ પ્રથમ જ ફિલ્મ ‘ દિલ ને ફિર યાદ કિયા ‘ થી ડંકો વગાડી દીધો. એ ફિલ્મના બધા જ ( દસ ) ગીતો સફળ હતા. કાકા સોનિક પ્રજ્ઞાચક્ષુ હતા. લોકોની પસંદગીની નાડ પારખવાની એમનામાં અજબ આવડત હતી. અનેક યાદગાર અને લોકપ્રિય તરજો આપી. પચાસ ફિલ્મો સાથે કરી. એમની પ્રથમ ફિલ્મનું ટાઈટલ ગીત એક ઉત્તમ મિશ્ર પહાડી બંદિશ હતી, રફી, સુમન કલ્યાણપૂર અને મુકેશના અવાજમાં :
દિલને ફિર યાદ કિયા બર્ક સી લહરાઈ હૈ
૧૪. કિશોર કુમાર
આ દંતકથા સમાન બહુમુખી પ્રતિભાએ શું નથી કર્યું ? એ અભિનેતા અને ગાયક તો હતા જ, પરંતુ નિર્માતા, નિર્દેશક, લેખક, પટકથાકાર, સંવાદ લેખક, ગીતકાર અને સંગીતકાર પણ હતા. એમણે નિર્માણ કરેલી દસેક ફિલ્મોમાં સંગીત એમનું. એવી એક ફિલ્મ ‘ દૂર કા રાહી ‘ નું એમણે જ ગાયેલું અને સંગીતબદ્ધ કરેલું સુંદર પહાડી ગીત ( અને એ ગીતમાંના સમૂહ સ્વરો ગીતની નજાકતને કેવી દીપાવે છે એ પણ જુઓ ! ) :
જીવન સે ના હાર જીને વાલે
https://youtu.be/AAc3yjjJPSY
૧૫. પ્રેમ ધવન
આ પણ એક બહુમુખી પ્રતિભા. એ ગીતકાર તરીકે તો જાણીતા હતા જ પરંતુ ‘ નયા દૌર ‘ ના એ નૃત્ય-નિર્દેશક પણ હોય એવું કોણ કલ્પી શકે ? એમણે પાંચેક હિંદી અને એટલી જ પંજાબી ફિલ્મોમાં સંગીત પણ આપ્યું. એમના સંગીતવાળી સફળ ફિલ્મ ‘શહીદ’ નું એમણે જ લખેલું અને લતાએ ગાયેલું પહાડી ગીત :
જોગી હમ કો લુટ ગએ તેરે પ્યાર મેં
૧૬. કૃષ્ણ દયાલ
માત્ર ચાર ફિલ્મોમાં સંગીત આપીને ખોવાઈ ગયેલા આ સંગીતકારની પહેલી ફિલ્મ ‘ લેખ ‘ ૧૯૪૯ માં આવી. એ ફિલ્મની એક ખૂબસુરત પહાડી બંદિશ મુકેશ અને સુરૈયાના કંઠે. એક જ ગીતમાં અલગ-અલગ લયની બે રચનાઓ હોય એવું લાગે પરંતુ રાગ એક જ – પહાડી ! :
બદરા કી છાંવ તલે નન્હી-નન્હી બુંદિયા
૧૭. દાન સિંગ
આ એક વધુ ગુણી પરંતુ સદંતર ઉવેખાયેલા સંગીતકાર. માત્ર ચાર જ ફિલ્મો. એમની ૧૯૭૦ ની ફિલ્મ ‘માય લવ’ ના મુકેશના બે ગીતો ખૂબ લોકપ્રિય બન્યા હતા. એમાંનું એક એટલે આ પહાડી ગીત :
વો તેરે પ્યાર કા ગમ એક બહાના થા સનમ
૧૮. જિમ્મી
‘પ્યાર કી બાઝી’ સંગીતકાર જિમ્મીની ચાર ફિલ્મોમાંની એક. ક્યારે આવી અને ક્યારે ગઈ એ કોઇને ખબર ન પડી. ફિલ્મના બે યુગલ ગીતો ખાસ્સા લોકપ્રિય થયા હતા. રફી-ગીતાનું ‘ હમે પ્યાર કરને ન દેગા ઝમાના ‘ અને રફી-સુમનનું આ પહાડી ગીત :
પ્યાર કિયા હૈ તો યે પ્યાર નિભાના
૧૯. સુધા મલ્હોત્રા
ઠીક-ઠીક માત્રામાં ગીતો ગાયા એમણે. સાહિર લુધિયાનવી સાથેના સંબંધોના કારણે પણ ચર્ચામાં રહ્યા. આ પહાડી ગીતની ફિલ્મ ‘ દીદી ‘ માં સંગીત આમ તો એન.દત્તાનું હતું પરંતુ આ એક ગીત એમણે સંગીતબદ્ધ કર્યું હતું. સ્વર પણ એમનો અને મુકેશનો. સાહિરની કલમની કમાલ આ ગીતને એક અલગ જ પરિમાણ બક્ષે છે :
તુમ મુજે ભૂલ ભી જાઓ તો યે હક હૈ તુમકો
૨૦. શૈલેશ મુખર્જી
રાજકપૂરની ૧૯૪૮ની ફિલ્મ ‘ આગ ‘ માં એક યુગલ-ગીત હતું મીના કપૂર અને શૈલેશનું ગાયેલું ‘ કહીં કા દીપક કહીં કી બાતી..દેખ ચાંદ કી ઓર મુસાફિર ‘ . આ શૈલેશ એટલે શૈલેશ મુખર્જી માત્ર ગાયક જ નહીં, અભિનેતા અને સંગીતકાર પણ હતા. શ્રીકાંત નામે એમણે ‘ મિયાં બીવી રાજી ‘ અને ‘ પ્યાર કી પ્યાસ ‘ ફિલ્મોમાં નાયક તરીકે કામ કરેલું. સંગીતકાર તરીકે ત્રણ ફિલ્મો સુહાગ સિંદૂર, સવેરા અને પરિચય ( ૧૯૫૪ ). આ ‘પરિચય’ માં એમના સાથી સંગીતકાર હતા વેદપાલ વર્મા ( જેમનો ઉલ્લેખ હવે પછી અલગ પણ છે.). આ ફિલ્મમાં પહાડીની એક અવિસ્મરણીય ધુન છે, લતા દ્વારા ગવાયેલી અને શૈલેન્દ્ર લિખિત. વાસ્તવિક જીવનમાં પતિ-પત્ની એવા અભિ ભટ્ટાચાર્ય અને પ્રણોતિ ઘોષ ફિલ્મના નાયક-નાયિકા હતાં :
જલ કે દિલ ખાક હુઆ આંખ સે રોયા ન ગયા
https://youtu.be/BJqU9SDlM_w
૨૧. વેદપાલ વર્મા
એમણે દસેક હિંદી ફિલ્મોમાં સંગીત આપ્યું પણ મોટા ભાગની ગુમનામીની ગર્તામાં ખોવાઈ ગઈ. અદ્ષ્ય થઈ ગયા પછી ૮૦ ના દાયકામાં એમનો પુનર્જન્મ થયો અને નિર્માતા – નિર્દેશક સાવનકુમારની બે ફિલ્મો ‘ ઓ બેવફા ‘ અને ‘ સૌતનકી બેટી ‘ માં સંગીત આપ્યું. એમની ૧૯૬૩ની ફિલ્મ ‘ ભૂતનાથ ‘ નું લતાએ ગાયેલું આ પહાડી ગીત એક ઉત્તમ તરજ છે :
તુમ ન આએ સનમ શમા જલતી રહી
મજાકની વાત એ કે આ આખેઆખું ગીત ફરીથી ૧૯૮૦ની ‘ ઓ બેવફા ‘ ફિલ્મમાં પણ લેવાયું, કોઈ પણ ફેરફાર વિના અને કોઈ ચોખવટ વિના !
૨૨. એસ. મદન
ગુજરાતીમાં એક શેર છે :
આંસુઓના પડે પ્રતિબિંબ એવા દર્પણ ક્યાં છે ?
કહ્યા વિના સઘળું સમજે એવાં સગપણ ક્યાં છે ?
કહે છે કે કુમુદ પટવા નામના શાયરે ( અથવા શાયરાએ ) જિંદગીમાં આ એક જ શેર લખ્યો અને અમર થઈ ગયા ! એસ. મદનનું એવું જ છે. આ પંજાબી સંગીતકારે માત્ર એક જ હિંદી ફિલ્મ ‘ બટવારા ‘ ( ૧૯૬૧ ) માં સંગીત આપ્યું અને એ ફિલ્મના અન્ય સામાન્ય ગીતો સહિત માત્ર એક અફલાતૂન યુગલ-ગીતથી અમર થઈ ગયા ! રફી-આશાનું એ પહાડી ગીત આ રહ્યું :
યે રાત યે ફિઝાએં ફિર આએં યા ન આએં
અહીં આ આલેખ અને આ શ્રેણીનું સમાપન કરીએ.
પૂરું એક વર્ષ ચાલેલી આ શ્રુંખલાએ મને અવર્ણનીય આનંદનો અહેસાસ કરાવ્યો છે. પહાડીની કોતરો, કંદરાઓ, ખીણો અને શિખરો પર ફરતાં અનેક નવા અનુભવો થયા. કેટલાક એવા પહાડી ગીતો સાંભળ્યા જેમનો પરિચય પહેલાં નહોતો તો કેટલાક હૈયે વસેલા ગીતો પહાડીમાં છે એ રહસ્ય ખૂલ્યું અને હૃદયસ્થ હતા એનું મૂળ કારણ પહાડી હતું એ ઘટસ્ફોટ થયો. આપ સૌના માટે કેવી રહી એ ખબર નથી, પરંતુ મારા માટે આ સફર નિતાંત આહ્લાદક રહી !
દરેક હપ્તાની શરુઆતમાં મૂકેલા પહાડી-પ્રશસ્તિના શેર મારા સ્વરચિત છે એનો વિનમ્ર સ્વીકાર.
‘ અભી ન પરદા ગિરાઓ ઠહરો, કે દાસ્તાં આગે ઔર ભી હૈ ‘ એ ગુલઝારની પંક્તિઓ સ્મરીને પહાડી – દાસ્તાન લંબાવી શકાય, પણ દરેક સફરનો અંત હોવો જોઈએ – જેથી પછીનો પ્રવાસ શરુ થઈ શકે.
શ્રંુખલા નિયમિત વાંચનાર ભાવકોનો ઋણી છું, વિશેષ કરીને એ મુઠ્ઠીભર આત્મીય મિત્રોનો જે અચુકપણે પોતાના લેખિત અભિપ્રાયો લેખના અંતે મુકી મારું ઉત્સાહ-વર્ધન કરતા રહેતા હતા. એમના નામ નહીં લખું. એ લોકો જાણે છે કારણ કે જાણકાર છે ! આ લેખમાળા એમને સમર્પિત છે.
અમારા whatsapp ગ્રુપ ‘ MUSIC MADNESS ‘ ના સદસ્યોનો પણ આભાર, એમના સામયિક સૂચનો માટે.
વેબગુર્જરીના સર્વશ્રી અશોક વૈષ્ણવ અને દીપક ધોળકિયાનો હાર્દિક આભાર ! એમણે મારા નખરા લગાતાર એક વર્ષ ( અને એ પહેલાં પણ ! ) ખુલ્લા દિલે સહન કર્યા છે !
અને આ મારા – અને હવે આપ સૌના – પ્રિય રાગ પહાડીને વંદન કરવાનું તો કેમ ભૂલાય !
અબ તો ચલતે હૈં મયકદે સે ‘ મીર ‘
ફિર મિલેંગે અગર ખુદા લાયા …
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.
સંપાદકીય નોંધઃ ‘હુસ્ન પહાડીકા‘ ૨૪ મણકા એક જ માળામાં માણવા માટે / ડાઉનલોડ ક્રરવા માટે હાયપર લિંક પર ક્લિક કરો.
આ શ્રેણી નો અંત લાવી ને નિ:શબ્દ કરી દીધાં છે સર. કંઈ પણ હદયસ્પર્શી સાંભળી ને કે વાંચી ને થોડા સમય માટે જાણે અવાચક થઇ જવાય. એમાં પણ જયારે પૂરી શ્રેણી નો અંત આવતો હોય ત્યારે શું કહેવું એ જ ના સમજાય. આપે લખ્યુ છે કે અંજલિ ભર આચમની પણ અમને તો જાણે રસથાળ મળી ગયો. અત્યાર સુધી જે ગીતો ને રફી સાહેબના કે લતાજી ના કે કોઇ ગીતકાર પરથી જાણતા હતા જે હવે પહાડી રાગ ની તમે ઓળખ આપી. ખુબ ખુબ આભાર તથા અભિનંદન સાહેબ.
“સંપાદકીય નોંધઃ ‘હુસ્ન પહાડીકા‘ ૨૪ મણકા એક જ માળામાં માણવા માટે / ડાઉનલોડ ક્રરવા માટે હાયપર લિંક પર ક્લિક કરો.”
કઇ રીતે હાયપર લિંક નો ખ્યાલ નથી તો બધા હપ્તા કઇ રીતે મેળવવા? Guide me please.
જ્યાં હાઇપર લિંક લખ્યું છે એની બાજુમાં બ્લ્યુ અક્ષરોમાં લખેલા ‘ હુંસ્ન પહાડી કા ‘ ઉપર ક્લિક કરો. લિંક ખુલી જશે.
Yes sir opened thank you.???
ભાવસભર પ્રતિભાવ માટે આપનો હાર્દિક આભાર, પ્રીતિબેન !
આ અતિ માહિતીસભર, ખૂબ જ અભ્યાસ થકી મહેનત થી તૈયાર થયેલી, લેખમાળા ખૂબ માણીને આનંદિત થયા..આ છેલ્લા લેખ ના પણ દરેક પહાડી ગીત સાંભળી ને ભાવવિભોર થઈ જવાયું… એક સરસ પુસ્તક માં આ બધા લેખો નો સમાવેશ અપેક્ષિત છે… શ્રી થાવરાણી જી ને ખૂબ ખૂબ અભિનંદન અને તેમનો આ પહાડી ગીતો નો ગુલદસ્તો રજુ કરવા બદલ આભાર !!!
આજે અને હરહંમેશ આ શૃંખલા વાંચવા અને નિયમિત પ્રતિભાવ માટે આપનો ઋણી છું, કિશોરભાઈ !
ભગવાનભાઈ, પહાડીની મોહિની અને ભવ્યતાનું રોચક રસદર્શન રજૂ કરવા માટે ધન્યવાદ. એક જગ્યાએ એક સાથે આ સમૃદ્ધિ ઉપલબ્ધ કરાવીને અત્યંત પ્રશંસનીય કાર્ય કર્યું છે. આશા છે કે આવો કોઈ અન્ય ખજાનો શોધીને ફરી વેબગુર્જરીના વાચકોને લાભ આપશો.
ઓહો ! ! અવાચક ! ! speechless ! ! પહાડી નો આખો સમંદર ઉલેચી દીધો સર ! ! મારું શાસ્ત્રીય રાગ વિષે નું જ્ઞાન શૂન્ય છે પણ હવે પહાડી રાગ વિષે ઘણું ઘણું જ્ઞાન થઈ ગયું .આપ સાચું જ કહો છો “પૂરું એક વર્ષ ચાલેલી આ શૃંખલાના નિયમિત વાંચકો હવે જ્યારે પણ દૂર કોઈ પહાડી ગીત પડઘાતું સાંભળશે ત્યારે મનોમન બોલી ઉઠશે, ‘ હો ન હો, લાગે છે તો પહાડી જ ! ‘
છેલ્લો મણકો તો પહાડી ની પરાકાષ્ઠા સમ છે !
કેટકેટલા સંગીતકારો ને આપ મહેફિલ માં લાવ્યા અમારાં માટે, કેટલાંય સંગીતકારો નાં નામ પણ પહેલીવાર કાને પડ્યાં .અભિભૂત ! અદ્ભુત ! અવર્ણનીય ! અલૌકિક ! ! સ્વર , સૂર અને સંગીત ની યાત્રા કરાવી આપે ! આ સામગ્રી પીરસવા આપે લીધેલી મહેનતને,ખંતને,અને નિસ્બત ને સલામ ..સલામ …સલામ ..
ફરીવાર કોઇ અન્ય બહાને , આત્મા નાં અન્ય કોઇ સાન્ગીતિક ખોરાક ની આપની પાસે અપેક્ષા એક ભાવક તરીકે નાં અધિકારપૂર્વક ની વિનંતી અને આજીજી.
બિલકુલ !
કાળગંગાના કોઈ કિનારે
અનંતતાના કોઈક આરે
ફરી મળીશું !
આત્મીય પ્રતિભાવ બદલ આભાર !
આભાર સાહેબ !
આપ સમ સુજ્ઞ વાંચકના પ્રતિભાવોએ મારૂં હંમેશા ઉત્સાહ-વર્ધન કર્યું છે, મિત્ર !
ઋણી છું.
ભગવાનભાઈ, આ પહાડી ગીતો નો ગુલદસ્તો રજુ કરવા બદલ આભાર !!! ધન્યવાદ
હાર્દિક આભાર નીતિનભાઈ !
મારો અભિપ્રાય લાંબો હોવાને કારણે પોસ્ટ નહોતો થતો એટલે આ બીજો અભિપ્રાય પોસ્ટ ક્રૂ છું .હિન્દી ફિલ્મ સંગીત માં ઘણા ગીતો ઉપેક્ષિતા નાં કંઠે મુકાયેલા છે એનો શિરમોર નમૂનો ફિલ્મ “બ્લેક પ્રિન્સ” નું ગીત “નિગાહે નાં ફેરો ચલે જાયેંગે હમ ” આવાં ગીતો ની એક શૃંખલા આપો…please ..please…please
જી. એ ગીત અને આપે સૂચવેલો વિષય ધ્યાનમાં રાખીશ.