ચેલેન્‍જ.edu : શિક્ષણનું વ્યવસાયીકરણ કે વ્યાપારીકરણ ?

રણછોડ શાહ

માનવીના જન્મથી મૃત્યુ સુધી સતત પાંગરતી પ્રક્રિયા એટલે શિક્ષણ. શિક્ષણ માત્ર વિધિવત રીતે કોઈ શૈક્ષણિક સંસ્થામાં જ અપાય તેવું જરૂરી નથી. રોજની જીવાતી જિંદગીમાંથી પણ વ્યકિતને શીખવાનું તો મળે જ છે. કદાચ આ શિક્ષણ જીવનમાં વધુ વ્યવહારુ અને ઉપયોગી બને છે. પરંતુ આધુનિક યુગમાં શિક્ષણ માત્ર અને માત્ર આજીવિકા સાથે જોડાતાં વિધિવત શિક્ષણ વધુ જરૂરી બનવા લાગ્યું. આ શિક્ષણ માત્ર શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા જ આપવામાં આવે તેવું આપણા સમાજમાં રૂઢ થઈ ગયું. જયારે સંસ્થા કે વ્યકિતને નિરંકુશ રીતે વિકસવા દેવામાં આવે ત્યારે તે જંગલી છોડની જેમ ગમે તે દિશામાં પ્રસરે. તેનામાં સૂઝબૂઝનો અભાવ હોય. તેનું તો માત્ર એક જ લક્ષ્ય અને તે બસ વિકસવું–વિસ્તરવું ! શિક્ષણની બાબતમાં પણ તેમ જ થયું તેનો ગમે તે દિશામાં વિસ્તાર અને વિકાસ થયો.

ભારત દેશ ૧૯૪૭માં આઝાદ થયો ત્યાર બાદ તેના નાગરિકોને પ્રાથમિક સુવિધા પ્રાપ્ત થાય તે જોવાની જવાબદારી સરકારની તો હતી જ પરંતુ સ્વાતંત્ર્યસંગ્રામની લડતમાં જોડાયેલ જવાબદાર નાગરિકો પોતાની જવાબદારી પણ છે તેમ સમજી સામાજિક વિકાસના કાર્યમાં જોડાયા. લગભગ ૪૦–પ૦ વર્ષ પહેલાં ગ્રામ્ય કે શહેરી વિસ્તારમાં શૈક્ષણિક સંસ્થા શરૂ થતી ત્યારે મહદ્‌ અંશે તેમાં માત્ર અને માત્ર સેવાની જ ભાવના હતી. સમાજના શ્રેષ્ઠીઓ તેમાં આર્થિક સહકાર આપી પોતાના રહેઠાણના સ્થળે શિક્ષણના વિકાસમાં મદદ કરતા, ભાગીદાર થતા. આ સંજોગોમાં તેમના હૃદયની ભાવના સ્પષ્ટ હતી. કદાચ ઊંડે ઊંડે પોતે સદકાર્ય કર્યું તેની સમાજ નોંધ લે તેવી અપેક્ષા હોય તો તે સ્વાભાવિક છે. સંસ્થામાં થતી વિવિધ પ્રવૃત્તિઓના સમયે તેમને યાદ કરી યોગ્ય માનસન્માન આપવામાં આવતું. તેથી તેઓ રાજીપો અનુભવતા. પોતે કાંઈ સારું કાર્ય કર્યાનો આત્મસંતોષ અને આત્મગૌરવ અનુભવતા. આ સદપુરૂષો સંસ્થામાંથી પોતાને આર્થિક ઉપાર્જન થાય તેવું કરતા નહીં એટલું જ નહીં તેઓ વિચારતા પણ નહીં. તેઓ તો માત્ર ફૂલહારથી સંતોષ અનુભવતા !

આ બધી શૈક્ષણિક સંસ્થાઓની આર્થિક જવાબદારી સમાજના આગેવાનોએ લીધી હતી. તેમાંથી ધીરે ધીરે શાળા– કોલેજમાં કાર્ય કરતા વિવિધ તબક્કાના કર્મચારીઓના સંગઠનો થયા. કલિયુગમાં સંઘશકિતનો વિકાસ થાય તેમ માની તેમનાં સંગઠનો થયા. પોતાની વાજબી અને ગેરવાજબી માંગણીઓ માટે વિવિધ સંઘોએ હડતાળનો આશ્રય લીધો. Create Tension to get pension ના નારા ચલાવ્યા. મતભૂખ્યા રાજકીય પક્ષો ધીમે ધીમે આવા સંઘોના તાબે થતા ગયા. સંઘના નેતાઓ મહદ્‌ અંશે એક અથવા બીજા રાજકીય પક્ષના સભ્યો કે નેતાઓ હોવાથી તેમની સરકાર આવતાં શકય તમામ લાભો કર્મચારીઓને અપાવવા લાગ્યા. સરકારે શિક્ષણના તમામ આર્થિક પાસાંઓની જવાબદારી લીધી. શૈક્ષણિક સંસ્થાના કર્મચારીઓ બેલગામ બન્યા. સંસ્થાના સ્થાપકોને અવગણવા લાગ્યા. એકબીજા પ્રત્યે માનસન્માનની લાગણી નાશ પામી. મંડળ કે સંસ્થાના સ્થાપકોએ નોકરી આપી ઉપકાર કર્યો નથી, કામ કરીએ છીએ અને પગાર તો સરકાર આપે છે પછી સ્થાપકો સાથે અમને શું લેવાદેવા ? કયાંક સ્થાપકોએ જ્ઞાતિવાદ, જાતિવાદ કે સગાવાદ પણ ચલાવ્યો. આ રીતે શિક્ષણ સમાજમાં ઉચ્ચ કક્ષાએથી મધ્યમ કક્ષાએ આવ્યું. સૌની શિક્ષણ અને શિક્ષકો તરફ જોવાની દૃષ્ટિ બદલાઈ. શિક્ષકો પણ માત્ર ભૌતિકવાદ તરફ ઘસડાયા. તેઓ પણ શિક્ષણ એક પવિત્ર જવાબદારી છે તેમ સમજવાને બદલે માત્ર છ–સાત કલાક નોકરી કરવા આવ્યા છે તેવી માનસિકતા અનુભવવા લાગ્યા.

ભારત અને ગુજરાતમાં રાજકીય સમીકરણો બદલાવવા માંડયા. વિવિધ પક્ષોની સરકારની વિચાસરણીમાં પણ તફાવત હોય તે સ્વાભાવિક છે. સરકારે અને સમાજે શિક્ષણક્ષેત્રના કર્મચારીઓની બદલાએલી નીતિરીતિને જોઈ. શિક્ષક પણ સમાજમાં જ રહેતો હોવાથી તે પોતાની જાતની સરખામણી બેન્ક, સરકારી કે ખાનગી ક્ષેત્રના નોકરીઆત સાથે કરવા લાગ્યો. તેમાંથી તો શિક્ષણમાં બોનસનો વિચાર આવ્યો ! સામાન્ય રીતે બોનસનો વિચાર તો ઉત્પાદન સાથે છે પરંતુ શાળામાં શિક્ષકોએ જણાવ્યું કે અમે પણ વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો કરી છીએ અને તે રીતે ઉત્પાદન વધારતા હોવાથી અમને પણ બોનસ મળવું જોઈએ ! તદ્દન અપરિપકવ અને તર્કવિહિન મુદ્દો સરકારે અને સમાજે સ્વીકારી લીધો અને પરિણામ સૌએ ભોગવ્યાં.

આ રીતે સમાજના આગેવાનો, સંસ્થાના સ્થાપકો અને કાર્યકર્તાઓ બેલગામ બન્યા. સરકાર તો આર્થિક જવાબદારીમાંથી છટકવા માંગતી હતી – ‘લપસવું હતું અને ઢાળ મળ્યો’ જેવી પરિસ્થિતિ ઊભી થઈ. સરકાર લઈ આવી એક નૂતન વિચાર ! ‘સ્વનિર્ભર સંસ્થાઓ’. સ્વનિર્ભર સંસ્થાઓ એટલે તેનો લાભ લેતા વિદ્યાર્થીઓની જે ફી આવે તેનો યોગ્ય (કે અયોગ્ય!) ઉપયોગ કરી સંસ્થાઓનું સંચાલન કરવાનું. વ્યકિતના હાથમાં પૈસા આવે અને તેના ઉપર કોઈનો કાબૂ ન હોય તો શું થાય ? લગભગ સ્વનિર્ભર સંસ્થાઓમાં પણ આમ જ બન્યું. જેને જેમ ફાવે તેમ પૈસાનો વહીવટ થવા લાગ્યો.

સ્વનિર્ભર સંસ્થાઓનો લાભ સમાજના તમામ ક્ષેત્રોના લોકોએ લીધો. સાહસિક અને દૂરંદેશી શૈક્ષણિક કર્મચારીઓએ પોતાની સંસ્થાઓ શરૂ કરી (ચાલુ કરી કે ખોલી !). પોતે જે લાભો માટે સરકાર સામે લડતા હતા તે તેઓએ પોતાના કર્મચારીઓને પણ આપવા જોઈએ તેવી વાતનો અમલ કર્યો નહીં. ‘વકરો એટલો નફો’ ગણી સંસ્થાઓનું સંચાલન કરવા માંડયું. કર્મચારીઓનું બેહદ શોષણ થવા માંડયું. શોષણ સામે લડનારો વર્ગ જ ‘શોષિત’ બન્યો ! વાડ ચીભડાં ગળે ત્યારે શું થાય? લગભગ શિક્ષણ સાથે જોડાયેલ વ્યકિતઓએ પોતે શાળાઓ શરૂ કરી ત્યારે તેમને આ જ આચરણ કરતાં અન્યોને ફાવી ગયું.

શિક્ષણ સાથે સ્નાનસૂતકનો નાતો પણ નહોતો તેવા રાજકીય નેતાઓ અને બાંધકામના વ્યવસાય સાથે જોડાયેલ વ્યકિતઓએ શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરવાના કાર્યમાં ઝંપલાવ્યું. તેમની પાસે તમામ તાકાત હતી. ઉચ્ચકક્ષાએ વગ હોવાથી અને આર્થિક રીતે સદ્ધર હોવાથી શૈક્ષણિક સંસ્થાઓની શરૂઆત કરવાનું તેમને માટે સરળ બન્યું. શૈક્ષણિક સંસ્થાનું સંચાલન ધંધાદારી રીતે શરૂ થયું. ગરજ પ્રમાણે આપલે થઈ. વર્ગમાં એક વ્યકિતની હાજરી એટલે શિક્ષક તેમ સમજી ‘બજાર’માંથી જે મળ્યા તેને પકડી લાવીને શિક્ષક બનાવી દીધા. સગા, ઓળખીતા તથા પોતાના કુટુંબીજનોને શિક્ષકો બનાવવામાં સરળતા પ્રાપ્ત થઈ. ગલીએ ગલીએ અને સોસાયટી સોસાયટીએ મકાનોની સાથે શોપીંગ સેન્ટરોમાં શાળાઓ ધમધમવા લાગી. રાજકીય નેતાઓએ
વોટબેન્ક ઊભી કરવા શૈક્ષણિક સંસ્થાઓનું જથ્થાબંધ સર્જન કર્યું. કયારેક તો શિક્ષકો–પ્રાધ્યાપકો શિક્ષણકાર્ય પડતું મૂકી નેતાના ચૂંટણીપ્રચાર કાર્યમાં જોડાઈ ગયા. આવા મિત્રોને નેતાઓએ સંસ્થાના વડા બનાવ્યા કે સંચાલક મંડળમાં ડીરેકટર કે મેનેજીંગ ટ્રસ્ટીનો હોદ્દો આપી દીધો. અરે ! કયારેક તો બે મકાન ભેગા કરી ધો.૧ થી ૧૦ની શાળા શરૂ થઈ. કયાંક તો એક ઔદ્યોગિક શેડમાં શરૂ થયેલ શાળાને ધો.૧૧ (વિજ્ઞાનપ્રવાહ)ની મંજૂરી આપવામાં આવી ! શિક્ષણનું સંપૂર્ણ વ્યવસાયીકરણ થવાને બદલે વ્યાપારીકરણ થઈ ગયું. સરકારે શિક્ષણસંસ્થાઓની સંખ્યામાં થયેલ વધારાને શિક્ષણ વિકાસનું લેબલ મારી દીધું. સૌએ શિક્ષણમાં પ્રગતિ થયાના સંતોષનો ઓડકાર લઈ લીધો.

હવે વારી આવી ઉદ્યોગપતિઓની ! અત્યાર સુધી મોટા ઔદ્યોગિક એકમો પોતાના રહેઠાણના વિસ્તારમાં શાળાઓ સ્થાપી અને તેના સંચાલન માટે કોઈક કેળવણીકાર કે કેળવણી સાથે જોડાયેલ સંસ્થાને સોપતા. પરંતુ ધીરે ધીરે ઉદ્યોગપતિઓને શાળાઓના સંચાલનમાં રોકવામાં આવેલ મૂડી સલામત અને વધારે ફાયદાકારક લાગવા માંડી, પોતાના કર્મચારીઓના સંતાનો પાસે થોડીક ઓછી ફી લેવાની પરંતુ અન્યો પાસે તગડી ફી લઈ મોટો નફો રળી લેવાનો. કયારેક કર્મચારી પોતાના ઉદ્યોગમાં ન જોડાતો હોય તો શૈક્ષણિક ફીમાં માફીના નામે આકર્ષણ ઊભું કરવામાં આવ્યું. ર૦૦–પ૦૦ કરોડ રૂપિયાના મૂડી રોકાણથી શરૂ થનાર ઉદ્યોગો માટે બે–પાંચ કરોડ રૂપિયાની શાળા બનાવવાનું તદ્દન સરળ અને સાહજિક હતું. તેઓ ઉત્તમ ઈન્ફ્રાસ્ટ્રકચર આપી જ શકે. આજનો વાલી વર્ગ પણ શાળાના આત્માને જોવાને બદલે તેના બાહ્ય આકર્ષણથી શાળાનું મૂલ્યાંકન કરવા લાગ્યો. ઉદ્યોગપતિઓને મૂડી રોકાણ માટે એક નવું ક્ષેત્ર પ્રાપ્ત થયું અને વાલીઓને કહેવાતી ઉત્તમ શાળાઓ મળવા લાગી ! વાલીઓ જીવનજરૂરિયાતની વસ્તુઓ માટે બ્રાન્ડેડ ચીજોનો આગ્રહ રાખે છે તો બ્રાન્ડેડ શાળાઓ કેમ નહીં તેમ સમજી શાળાઓની ‘સાંકળો’ (chains) બનવા લાગી. શાળાના નામની ફ્રેન્ચાઇઝી અપાવવા લાગી. ‘લોભીયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે’ તેમ આવા કહેવાતા શિક્ષણકારોને વાલીઓ પણ મળી ગયા. વાલીઓ પણ ‘શાળાની જેટલી ઊંચી ફી તેટલી શાળા વધુ સારી’ તેમ માનવા લાગ્યા. ઔદ્યોગિક એકમો વાલીઓને જે જોઈએ છે તે પૂરું પાડે તો સમાજમાં ઊહાપોહ થવાનો નથી તેની સરકારને ખબર છે. ‘લાઠી ભાંગે નહીં અને સાપ મરે નહીં’ જેવી સ્થિતિ ઊભી થઈ.

આ રીતે એક જમાનામાં સમાજના શ્રેષ્ઠીઓ માત્ર ‘સેવાને કેન્દ્રમાં રાખી શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરતા હતા તે પરિસ્થિતિ અદૃશ્ય થઈ ગઈ. આજે માત્ર ‘મેવા’ માટે શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરનાર રાજકીય નેતાઓ, કહેવાતા સમાજસેવકો, ઉદ્યોગપતિઓ, બાંધકામના વ્યવસાય સાથે જોડાયેલ વ્યકિતઓ અને ધંધાદારી સંચાલકો શૈક્ષણિક કાર્યમાં જોડાતા હોવાથી શિક્ષણ સામાજિક વિકાસનું સાધન બનવાને બદલે ધંધો બની ગયું. આ કમનસીબ ઘટનાના સૌ સાક્ષી બની શાહમૃગી વૃત્તિ કેળવી મૂંગા બનીને જોઈ રહ્યા છે જે ભવિષ્ય માટે મોટી ઘાતક ઘટના સાબિત થવાની છે.


(શ્રી રણછોડ શાહનું વીજાણુ સરનામું: shah_ranchhod@yahoo.com )


(નોંધ: તસવીર નેટ પરથી લીધી છે અને પ્રતીકાત્મક છે)

Author: admin

Leave a Reply

Your email address will not be published.