બીરેન કોઠારી
સત્તા અને અધિકાર બહુ વિચિત્ર બાબતો છે. તે હાથમાં આવતાં જ વ્યક્તિ આખેઆખી બદલાઈ શકે છે, ભલે ને અધિકારક્ષેત્રનો દાયરો ગમે એટલો નાનો કેમ ન હોય! આવી વ્યક્તિ અન્યોને પોતાની એડી તળે દબાવવા ઈચ્છે એમ બનતું હોય છે. એમાં પણ મહિલા વર્ગ તેમના અધિકારક્ષેત્રમાં આવતો હોય તો એ વિકૃતિનું નવું ક્ષેત્ર ખોલી શકે છે. આમ બને એ અનિવાર્ય નથી, પણ બનવાની સંભાવના ઘણી હોય છે. બહુ ઓછા સત્તાધીશોના મગજનો કાંટો સત્તા પ્રાપ્ત થયા પછી કેન્દ્રમાં રહી શકતો હોય છે. ફરી એક વાર એ બાબત જણાવવી રહી કે સત્તા યા અધિકારક્ષેત્રનો દાયરો ગમે એવો સાંકડો હોય તો પણ આ બાબત શક્ય છે.
તાજેતરમાં પ્રકાશિત એક અહેવાલ થકી આ બાબતને વધુ એક વાર સમર્થન મળ્યું. કેન્દ્ર સરકાર હસ્તકની ‘સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ઈન્ડિયા’ દેશભરમાં રમતગમત પ્રત્યેની જાગૃતિ અને સભાનતા કેળવવા અને તેને ઉત્તેજન આપવા માટે 1984થી સ્થપાયેલી છે. માહિતી અધિકારના કાયદા અંતર્ગત અગ્રણી અંગ્રેજી અખબાર ‘ઈન્ડિયન એક્સપ્રેસ’ દ્વારા કરવામાં આવેલી એક અરજીના જવાબમાં પ્રાપ્ત થયેલી વિગતો પર એક નજર કરવા જેવી છે.
છેલ્લા દાયકામાં એટલે 2010 થી 2019 દરમિયાન આ સંસ્થાનાં 24 વિવિધ કેન્દ્રોમાં થઈને જાતીય સતામણીની કુલ 45 ફરિયાદો નોંધાઈ છે. આમાંની 29 ફરિયાદો કોચ એટલે કે પ્રશિક્ષકો સામેની છે. મોટા ભાગના કિસ્સાઓમાં લાંબી લાંબી તપાસ ચાલ્યા કરે અને બહુ બહુ તો જે તે પ્રશિક્ષકને તેના પગાર યા પેન્શનમાં મામૂલી ઘટાડા દ્વારા શિક્ષા કરવામાં આવે એમ બનતું આવ્યું છે.
જેમ કે, જાન્યુઆરી, 2014માં આ સંસ્થાના હિસાર (હરિયાણા)ના તાલિમ કેન્દ્રમાં પાંચ છોકરીઓએ પોતાના પ્રશિક્ષક પર આરોપ મૂક્યો કે તેણે ‘વર્લ્ડ કિસ ડે’ના બહાને બળજબરીથી ચુંબન અને સ્પર્શ કર્યો. આ બાળાઓ સગીર હતી. તેમણે પોલિસ ફરિયાદ નોંધાવી, પણ પછી આ મામલામાં ગ્રામ પંચાયત વચ્ચે પડી અને કેસને પાછો ખેંચાવડાવ્યો. ત્રણ વર્ષ પછી સંસ્થાની સમિતિએ આ પ્રશિક્ષકને અપરાધી ઠેરવ્યા અને સજા સુણાવી ત્યારે તે નિવૃત્ત થઈ ચૂક્યા હતા. આથી સજારૂપે તેમને મળતા પેન્શનમાં દસ ટકાનો કાપ મૂકવામાં આવ્યો. અલબત્ત, આ પ્રશિક્ષક વિરુદ્ધ આવી ગેરવર્તણૂકની અનેક ફરિયાદો ભૂતકાળમાં થતી રહી હતી.
બે કિસ્સા ગાંધીનગર કેન્દ્રના છે, જેમાં 2013માં બે છોકરીઓએ પોતાના પ્રશિક્ષક પર જાતીય સતામણીનો આરોપ મૂક્યો હતો. તેમણે તત્કાલીન મંત્રાલયને પત્ર દ્વારા પણ જાણ કરી હતી, જેમાં પ્રશિક્ષક તેમને ‘બ્લેકમેલ’ કરતા હોવાનું જણાવ્યું હતું. આ ફરિયાદને પગલે પૂછપરછ થઈ અને પ્રશિક્ષકની બદલી સોનેપતના કેન્દ્રમાં કરી દેવામાં આવી. આવી અન્ય એક ફરિયાદમાં પણ પ્રશિક્ષકની બદલી અન્યત્ર કરીને ‘શિક્ષા’ કરવામાં આવી હતી.
આવા અનેક કિસ્સા છે, જેમાં ફરિયાદીનાં નામ બદલાય છે, પણ ફરિયાદનો પ્રકાર અને તેની તીવ્રતા એની એ જ રહે છે. દસ વર્ષમાં નોંધાયેલા આટલા કિસ્સાઓ પરથી એમ માનવાની જરૂર નથી કે તેનું પ્રમાણ સાવ ઓછું છે. હકીકત એ હોઈ શકે છે કે નહીં નોંધાયેલી ફરિયાદોનું પ્રમાણ અનેકગણું વધુ હોઈ શકે છે. અને આ કંઈ અંગત મંતવ્ય નથી, બલ્કે મહિલા સશક્તીકરણ અંગેની સંસદીય સમિતિનું પણ આમ માનવું છે. ‘સત્તા અને અધિકાર’ના બળે પ્રશિક્ષકો આમ કરતા હોવાનું આ સમિતિએ પોતાના અહેવાલમાં જણાવ્યું છે.
સંસ્થાના એક અધિકારીએ પ્રશિક્ષક અને અધિકારીઓ વચ્ચેની સાંઠગાંઠને તેમ જ મહિલા પ્રશિક્ષકોની અછતને આવી ફરિયાદો માટે કારણભૂત ગણાવી છે. પ્રશિક્ષકોની અછતને કારણે તેમની પર લેવાતાં પગલાંમાં વિલંબ થાય છે. તેમની પર પગલાં લઈને તગેડવામાં આવે તો તેમનું સ્થાન ભરવા કોઈ મળતું નથી, પરિણામે કાં બદલી કે પગારમાં ઘટાડા જેવાં પગલાં શિક્ષારૂપે લેવામાં આવે છે. સંસ્થાના ભૂતપૂર્વ ડિરેક્ટર જનરલ જિજી થોમસને પણ આ પ્રકારની ફરિયાદોમાં તથ્ય હોવાનું કબૂલ્યું છે. પ્રશિક્ષકોની નિમણૂક સંસ્થા દ્વારા કરવામાં આવે છે, પણ તેઓ ફેડરેશન સાથે સંકળાયેલા હોય છે, અને ફેડરેશન જ તેમને નિયંત્રણમાં રાખે છે. તેમના જણાવ્યા અનુસાર નેવુ ટકા કિસ્સામાં ફરિયાદોને પાછી ખેંચવામાં આવે છે કાં નિવેદનોને બદલી નાખવામાં આવે છે. આ વાત વિચિત્ર લાગે, પણ તેની પાછળ સામાજિક, આર્થિક કે મનોવૈજ્ઞાનિક કારણ છે. થોમસનના કહેવા મુજબ મોટા ભાગની છોકરીઓ નબળી સામાજિક-આર્થિક પૃષ્ઠભૂમિમાંથી આવે છે. આથી ફરિયાદ પાછી ખેંચવા કે નિવેદન બદલવા માટે તેમની પર દબાણ કરવામાં આવે છે. આ છોકરીઓ માટે રમતમાં આગળ આવવું એક ઉજ્જ્વળ ભાવિનો અને પોતાની ગરીબીમાંથી બહાર નીકળવાનો માર્ગ છે. તેમને લાગે છે કે પોતાનું ભાવિ પ્રશિક્ષકોના હાથમાં છે. આથી તેઓ પછી ફરિયાદ પડતી મૂકે છે. ‘ચક દે, ઈન્ડિયા’, ‘દંગલ’ જેવી ફિલ્મો થકી સત્યઘટનાત્મક કિસ્સાઓ રૂપેરી પડદે સ્થાન પામે ત્યારે આનંદ થાય, પણ પડદા પાછળ રહેલી આવી વાસ્તવિકતાઓ કેવી વરવી હોય છે એ જાણીને વિષાદ થઈ આવે.
કેવી વિચિત્ર પરિસ્થિતિ ! એક તરફ મહિલા સશક્તીકરણની હાકલો કરવામાં આવે, અને બીજી તરફ તેમના શોષણની એક તક જતી કરવામાં ન આવે. એ થતું હોવાની જાણ થયા પછી પણ તેનું નિવારણ મુશ્કેલ ગણાય એ વાસ્તવિકતા વધુ શરમજનક ગણાય. તંત્ર પણ જાણે કે આ સમસ્યા આગળ લાચાર થઈને ઘૂંટણ ટેકવી દેતું હોય એમ લાગે છે. સરકાર કોઈ પણ હોય, આ પરિસ્થિતિમાં અત્યાર સુધી ખાસ કશો ફેર પડ્યો નથી. હવે પછી એ પડશે કે કેમ એ પણ ખબર નથી. પ્રસારમાધ્યમો આવા વધુ ને વધુ કિસ્સાઓને પ્રકાશમાં લાવે અને તેને લઈને કંઈક ફેરફાર થાય તો થાય! બાકી તો ‘જ્યાં નારીઓ પૂજાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે’ની પંક્તિ પોપટની જેમ રટતાં અને સ્ત્રીને શક્તિનું સ્વરૂપ ગણીને આપણી સંસ્કૃતિની મહાનતાની દુહાઈ આપતાં આપણને કોણ રોકવાનું છે!
ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૬-૨-૨૦૨૦ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)