ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ – ૧૯૧૬થી ૧૯૩૫ : પ્રકરણઃ 3૫: ચૌરીચૌરા પછી કોંગ્રેસ

દીપક ધોળકિયા

(હજી ક્રાન્તિકારીઓ વિશે લખવાનું છે પરંતુ તે વખતે કોંગ્રેસમાં શું ચાલતું હતું તે જાણવા માટે આપણે પાછળ જવું પડશે.આગળ જતાં કોંગ્રેસનાં પ્રજાકીય આંદોલનો અને સશસ્ત્ર ક્રાન્તિકારીઓનાં વલણો એક ઐતિહાસિક બિંદુએ એક થઈ જાય છે કે ક્રાન્તિ કથામાં વિરામ આપવાની જરૂર છે. અત્યારે તો આપણે એટલું યાદ રાખીએ કે ઍસેમ્બ્લી બોંબ કાંડ પછી ભગત સિંઘ અને બટુકેશ્વર દત્ત જેલમાં છે અને એમને સજાઓ થઈ ગઈ છે. દત્તની આઝાદી પછીની કરુણ કહાણી પણ આપણે જોઈ લીધી છે. ક્રાન્તિકારીઓ પાસે પાછા આવીએ ત્યારે આટલું અનુસંધાન જરૂરી છે).

ચૌરીચૌરાની ઘટના પછી ગાંધીજીએ આંદોલન બંધ રાખ્યું. કોંગ્રેસમાં પણ એક જાતની નિરાશા ફેલાઈ ગઈ હતી. ખિલાફતનું આંદોલન પણ એની સાથે બંધ થઈ ગયું હતું. સ્થિતિ એવી હતી કે વાઇસરૉય રીડિંગે પોતાના પુત્રને લખ્યું કે ગાંધીનો રાજકારણી તરીકેનો માર્ગ અહીં પૂરો થાય છે. એણે બ્રિટનના ગૃહ મંત્રીને તાર મોકલ્યો તેમાં પણ કહ્યું કે બારડોલીના ઠરાવો પછી કોંગ્રેસ કોઈ સ્પષ્ટ લક્ષ્ય નહોતું. એ જ ઘડીથી એની વેરણ છેરણ થવાની શરૂઆત થઈ ગઈ હતી. કાર્યકરો હતાશ થઈ ગયા હતા.

આ સંજોગોમાં કોંગ્રેસમાં નવાં વલણો ઉપસવા લાગ્યાં હતાં. મોતીલાલ નહેરુ ગાંધીજીએ આંદોલન પાછું ખેંચી લીધું તેનાથી બહુ ગુસ્સામાં હતા પણ એમણે જાહેરમાં ગાંધીજીનો બચાવ જ કર્યો. એમણે જ કોંગ્રેસમાં નવો રસ્તો દેખાડવાની પહેલ કરી. ૧૯૨૨ના જૂનમાં લખનઉમાં કોંગ્રેસનું ખાસ અધિવેશન મળ્યું તેમાં અસહકાર કાર્યક્રમના એક મુદા પર તીવ્ર મતભેદો બહાર આવ્યા. એ હતો, ધારાસભાનો બહિષ્કાર. કોંગ્રેસના નેતાઓમાં એમાં રીતસરની તિરાડ પડી ગઈ. કેટલાક નેતાઓ કહેતા હતા કે અસહકાર તો ઍસેમ્બ્લીમાં જઈને પણ કરી શકાય પણ એના જવાબમાં અમુક નેતાઓ કહેતા હતા કે ધારાસભાનો બહિષ્કાર ચાલુ રાખવો જોઈએ. કોંગ્રેસના વ્યૂહમાં ફેરફાર ઇચ્છતા જૂથને ‘ફેરવાદી’ (pro-changers) અને બહિષ્કાર ચાલુ રાખવાના સમર્થકોને ‘ના-ફેરવાદી’ (no-changers) તરીકે ઓળખવામાં આવે છે.

બંગાળના નેતા દેશબંધુ ચિત્તરંજન દાસ, મોતીલાલ નહેરુ, એન. સી, કેળકર, વિઠ્ઠલભાઈ પટેલ વગેરે નેતાઓ ફેરવાદી હતા અને એમના વિરોધમાં ઊભા રહેલા ના-ફેરવાદીઓમાં જવાહરલાલ નહેરુ, વલ્લભભાઈ પટેલ, રાજેન્દ્ર પ્રસાદ, રાજગોપાલાચારી, અબૂલ કલામ આઝાદ વગેરે હતા.

આ મુદ્દા પર ૧૯૨૦ના કલકત્તા અધિવેશનમાં જ ભારે મતભેદો હતા અને ચિત્તરંજન દાસે ગાંધીજીનો સખત વિરોધ કર્યો હતો. પરિણામે, ગાંધીજીએ રજૂ કરેલો બહિષ્કારનો ઠરાવ પાતળી બહુમતીએ મંજૂર રહ્યો હતો. ચિત્તરંજન બાબુએ બંગાળમાં સ્વરાજ પાર્ટી બનાવી લીધી હતી.

સ્વરાજ પાર્ટી

૧૯૨૨માં ગયામાં કોંગ્રેસનું અધિવેશન મળ્યું તેમાં ફેરવાદીઓએ ધારાસભામાં જવાનો ઠરાવ રજૂ કર્યો પણ એનો જોરદાર વિરોધ થયો અને ૮૯૦ વિ. ૧૭૪૦ મતે એમનો ઠરાવ ઊડી ગયો. પરંતુ દેશબંધુ દાસ અને મોતીલાલ નહેરુને પોતાનો માર્ગ સાચો લાગતો હતો એટલે એ આવી સજ્જડ હાર પછી પણ વાત મૂકવા તૈયાર નહોતા. એમણે ફરીથી ગયામાં જ સંમેલન બોલાવ્યું, મોતીલાલના અસીલ, ટિકારીના મહારાજાના મહેલમાં ફેરવાદીઓ એકઠા થયા અને ‘કોંગ્રેસ-ખિલાફત સ્વરાજ પાર્ટી’ની સ્થાપના કરી.

ફેરવાદીઓ અને ના-ફેરવાદીઓ કોંગ્રેસ અને ગાંધીજી પ્રત્યે વફાદારીનો ઢંઢેરો તો પીટતા હતા પણ સામસામે ઊગ્ર જીભાજોડીમાં ગુંચવાયેલા રહેતા હતા. એકાદ વર્ષ આમ ચાલતું રહ્યું તે પછી ૧૯૨૩ના સપ્ટેમ્બરમાં દિલ્હીમાં મૌલાના અબૂલ કલામ આઝાદના રાષ્ટ્રપતિપદે (એ વખતે કોંગ્રેસ પ્રેસીડન્ટને ભારતીય ભાષાઓમાં ‘રાષ્ટ્રપતિ કહેતા), કોંગ્રેસનું ખાસ અધિવેશન મળ્યું તેમાં ગાંધીજીએ વચલો રસ્તો કાઢી આપ્યો. એમણે સૂચવ્યું કે જે લોકોન ધાર્મિક કારણો કે અંતરાત્માનો અવાજ રોકતો ન હોય એ લોકો ઍસેમ્બ્લીમાં જાય. કોંગ્રેસમાં ૧૯૦૭ના જહાલ-મવાળ સંઘર્ષ પછી ભંગાણ પડ્યું હતું, આવું ફરી ન થાય તે રોકવાનું જરૂરી હતું.

તે પછી તરત નવેમ્બરમાં ચૂંટણી થઈ, સ્વરાજ પાર્ટીએ ૧૦૧માંથી ૪૨ સીટો પર જીત મેળવી. પ્રાંતોમાં, મધ્ય પ્રાંતમાં એને સ્પષ્ટ બહુમતી મળી, બંગાળમાં એ સૌથી મોટો પક્ષ બની. યુક્ત પ્રાંત અને આસામમાં બીજા નંબરની મોટી પાર્ટી બની, પણ પંજાબ અને આસામમાં એ તદ્દન નિષ્ફળ રહી. મોતીલાલ નહેરુ કેન્દ્રીય ઍસેમ્બ્લીમાં નેતા બન્યા, બાબુ ચિત્તરંજન દાસ બંગાળ પ્રાંતની ધારાસભામાં સ્વરજ પાર્ટીના નેતા બન્યા. વિઠ્ઠલભાઈએ સ્પીકરનું પદ સંભાળ્યું. એ નિયમોના આધારે જ સરકારને એક પણ ઈંચ આઘીપાછી ન થવા દેતા. સરકારને એ આંખના કણાની માફક ખૂંચતા હતા.

ઍસેમ્બ્લીમાં સ્વરાજ પાર્ટીની શરૂઆત સારી રહી. ગૃહમાં પંડિત મદન મોહન માલવીય અને મહંમદ અલી જિન્ના પણ હતા. એક ઉત્તર, તો બીજા દક્ષિણ! પરંતુ મોતીલાલ નહેરુની કુનેહને કારણે સ્વરાજ પાર્ટીને બન્નેનો ટેકો મળ્યો અને પહેલા સત્રમાં એમણે સરકારના ઠરાવોને મતદાનથી રોકી દીધા.

સ્વરાજ પાર્ટીએ પોતાનો મૅનિફેસ્ટો બહાર પાડ્યો હતો તેમાં પોતાને કોંગ્રેસનું અંગ ગણાવી અને અસહકારના સિદ્ધાંતનો વિરોધ ન કર્યો, ઉલટું ઍસેમ્બ્લીમાં અસહકાર ચાલુ રાખવાનું જાહેર કર્યું હતું. મોતીલાલે ઍસેમ્બ્લીમાં પોતાના પહેલા ભાષણમાં પણ એ વાતનો પુનરુચ્ચાર કર્યોઃ

અમે મૂળ તો અસહકારી છીએ, પણ અહીં સહકાર આપવા આવ્યા છીએ, જો તમને ગરજ હોય તો. તમે અમારી વાત નહીં માનો તો અમે અમારા હકો માટે અડીખમ ઊભા રહીને અસહકાર કરીશું.

સ્વરાજ પાર્ટીની બહારના એક સભ્યે ભારતને ડોમિનિયન સ્ટેટસ આપવા માટે શાહી પંચ નીમવાનો ઠરાવ રજૂ કર્યો. મોતીલાલે એના પર સુધારો સૂચવ્યો કે ડોમિનિયન સ્ટેટનું બંધારણ ભારતમાં બને, એને ઍસેમ્બ્લીમાં મંજૂરી મળે તે પછી જ એના પ્રમાણે બ્રિટન કાયદો બનાવે. એમના આ સુધારાને ૭૭ વિ. ૪૮ મતે મંજૂર રહ્યો જે જિન્ના અને પંડિત માલવીયના સહકારથી શક્ય બન્યું.

સ્વરાજ પાર્ટીના પ્રવેશ પછી કોઈ કાયદા ગૃહમાં મંજૂર ન રહ્યા. પરંતુ વાઇસરૉયને ઍસેમ્બ્લીના નિર્ણયોની ઉપરવટ જવાનો અધિકાર હતો એટલે એવા બધા કાયદાઓને વાઇસરૉયની મંજૂરી મળી જતી.

ગાંધીજીએ સમાધાન કરવ્યું હોવા છતાં સ્વરાજીઓ અને એમના વચ્ચે મતભેદો ચાલુ હતા. ખાસ કરીને, ગાંધીજીની અહિંસા વિશે, એક તરફ ગાંધીજી અને બીજી તરફ સ્વરાજ પાર્ટીના બે ધરખમ નેતાઓ, ચિત્તરંજન દાસ અને મોતીલાલ નહેરુ વચ્ચે મોટી ખાઈ હતી. ગાંધીજીનું માનવું હતું કે ઍસેમ્બ્લીમાં જવું અને સહકાર ન આપવો એ હિંસાનું જ એક રૂપ છે. મોતીલાલે એનો જવાબ આપ્યો કે તમે જે કહો છો તેવી અહિંસા મેં સ્વીકારી જ નથી. મારી સાથે કોઈ જોહુકમીનું વર્તન કરશે તો હું એને એની જ ભાષામાં જવાબ આપીશ. કોઈ બળવાન માણસ નબળાને દબાવતો હોય તો હું એ બળવાન માણસને મારીશ, અને ન મારું તો એ હિંસા જ ગણાય. મોતીલાલે કહ્યું કે ગાંધીજીની અહિંસા કોંગ્રેસના કોઈ કાર્યકરે ગાંધીજી જેટલી હદે ઇચ્છે છે તેટલી હદે સ્વીકારી નથી. બંગાળમાં ગોપીનાથ શહાએ એક અંગ્રેજ અધિકાઅરીની હત્યા કરી તેને વખોડતો ઠરાવ કોંગ્રેસે પસાર કર્યો ત્યારે ચિત્તરંજન દાસ ગાંધીજી સાથે સંમત નહોતા થયા.

કોંગ્રેસને બચાવવાના પ્રયાસમાં ગાંધીજી સ્વરાજ પાર્ટીના સભ્યોને વધારે ને વધારે જવાબદારીનાં પદો સોંપતા ગયા તે એટલે સુધી કે ના-ફેરવાદીઓ નારાજ રહેવા માંડ્યા. પરંતુ ૧૯૨૫માં ચિત્તરંજન બાબુનું અચાનક અવસાન થઈ જતાં સ્વરાજ પાર્ટીનું હીર હણાઈ ગયું. મોતીલાલ એકલા પડી ગયા.

તે પછી સ્વરાજ પાર્ટી લાંબું ન ટકી. એની અસહકારની નીતિ બાબતમાં પક્ષમાં જ વિરોધ થવા લાગ્યો અને ‘જવાબદાર સ્વરાજ પાર્ટી’નો જન્મ થયો. એના પછી મોતીલાલ નહેરુ કોંગ્રેસમાં ખુલ્લા અસહકારના માર્ગે પાછા આવી ગયા અને સ્વરાજ પાર્ટી સમેટાઈ ગઈ. ગાંધીજી નવા આંદોલનની તૈયારીમાં પડી ગયા હતા. એ આંદોલન એવું થવાનું હતું કે લોકો ચૌરીચૌરાની ઘટના પછી ગાંધીજીએ આંદોલન પાછું ખેંચી લીધું હતું તે ભૂલી ગયા. એના વિશે હવે પછી.

000

સંદર્ભઃ Builders of Modern India – Motilal Nehru by B. R. Nanda, Publication Division, August 1964.

(This is an abridged version of The Nehrus : Motilal and .lawaharlal by B. R. Nanda and is published by kind permission of George Allen and Unwin, Ltd., London).


શ્રી દીપક ધોળકિયાનાં સંપર્કસૂત્રો
ઈમેલઃ
dipak.dholakia@gamil.com
બ્લૉગઃ મારી બારી

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *