સમયચક્ર : એક કચ્છી મહિલાએ પોર્ટુગીઝ સરકારને નમાવી

કચ્છીઓએ દીવમાં પગ મુકતાં પહેલાં જાણી લેવું જરુરી છે, કે દીવની ધરતી ઉપર એક કચ્છી મહિલાએ પોતાનું ખમીર બતાવ્યું છે. જેની સામે સૌરાષ્ટ્રની રાજસત્તાઓએ પણ લડવાનો વિચાર ન કર્યો એવી તત્કાલિન દીવની પોર્ટુગીઝ સરકારના કાયદાને એક બહાદૂર કચ્છી મહિલાએ હટાવ્યો છે. મૂળ માંડવીની જેઠીબાઈ ખત્રીએ પોર્ટુગીઝોએ હિન્દૂઓ માટે બનાવેલા ધાર્મિક વટાળના કાયદાને ચતુરાઈ અને સન્માન પૂર્વક દૂર કરાવ્યો. આજે પણ કચ્છની એ કુશળ ખત્રીયાણીની યાદમાં દીવના બસ સ્ટેન્ડને જેઠીબાઈનું નામ અપાયું છે. દીવના પ્રશાસને કોઈ જ ભેદભાવ વગર, કોઈ જ રાજકીય આટાપાટામાં અટવાયા વગર એક કચ્છી મહિલાનો ઈતિહાસ સાચવ્યો છે.

માવજી મહેશ્વરી

આઝાદીકાળમાં ભારતમાં અંગ્રેજો માટે ગોરાલોકો એવો શબ્દ પ્રયોજાતો હતો. એટલે સ્વરાજ્ય મળ્યું તે પહેલાં આ દેશમાં ગોરા અને ભારતયો એવી બે પ્રજાઓ રહેતી હતી. યુરોપની ગોરી ચામડીની પ્રજાને એશિયાની અને આફ્રિકાની કાળી ચામડી સામે ભારોભાર અણગમો રહ્યો છે. અંગ્રેજોના સમયમાં આખું ભારત રંગભેદની આભડછેટ ભોગવતું હતું. રંગગભેદની આ નિતીને કારણે તે વખતના પાદરીઓને મનમાની કરવાની તક મળી રહેતી જેનો તેઓએ ભરપુર ઉપયોગ કર્યો છે.

સામાન્ય ભારતીય એમ જ માને છે કે ભારત ઉપર માત્ર અંગ્રેજોની સરકાર જ હતી. પરંતુ ઈતિહાસ એ છે કે અંગ્રેજોએ આ દેશમાં વેપાર કરવાની શરુઆત કરી તે પહેલા ત્રણેક જાતિના ગોરી ચામડીવાળા લોકોએ ખાસ કરીને ભારતના તટીય વિસ્તારોમાં પોતાની હકૂમત સ્થાપી હતી. તેઓએ માત્ર વેપાર જ કર્યો ન્હોતો. તેમણે રીતસર ભારતમાં પોતાના લશ્કરી થાણાઓ સ્થાપ્યા હતા. પોતાના નામના સિક્કા પડાવ્યા હતા. ભારતમાં અંગ્રેજોના આગમન પૂર્વે અને તે પછી પણ ફીરંગી, વલંદા, ડચ જેવી જાતિઓની ગોરી પ્રજા અહીં રાજ કરી ગઈ છે. અંગ્રેજોને ભારતમાં અન્ય ગોરી પ્રજાઓ સાથે પણ લડવું પડ્યું છે. અંગ્રેજોને બરાબરની મહાત આપનારા પોર્ટુગીઝ હતા. હાલનો કેંદ્ર શાસિત પ્રદેશ દીવ સંપૂર્ણ રીતે પોર્ટુગલ તાબામાં હતો. આપણે સ્વતંત્ર ભારતના નાગરિક તરીકે એ પણ જાણી લેવું જોઈએ કે દીવ છેક ઈ.સ. ૧૫૩૬થી ૧૯૫૧ સુધી પોર્ટુગીઝોના કબજામાં હતો. અત્યારે દીવમાં જે કંઈ સ્થાપત્ય છે છે તે પોર્ટુગીઝોની દેન છે. દીવમાં પોર્ટુગીઝ સામે ગુજરાતનો બહાદુર શાહ, આરબ, ડચ, તુર્ક સહિતના હારી ગયા છે. આ બધું અત્રે લખવાનું કારણ એજ કે દીવ બંદરમાં શાસન કરતા પોર્ટુગીઝોએ બનાવેલા હિન્દુ ધર્માંતરણના કાયદાને એક મહિલાએ પડકાર્યો હતો. એટલું જ નહીં તેણે પોર્ટુગીઝ પાદરીઓનો અમાનવીય કાયદો રદ કરાવ્યો હતો. એ મહિલા હતાં કચ્છ માંડવીના જેઠીબાઈ પૂંજાભાઈ ખત્રી.

ખત્રી શબ્દ આવે એટલે કચ્છની રંગાટકલાને વિશ્વ સુધી પહૉંચતી કરનાર મુસ્લીમ ખત્રીઓ એવું કોઈ સમજે એ સ્વાભાવિક છે. પરંતુ હકીકત એ છે કે રંગાટ કલા મૂળે હિન્દૂ ખત્રીઓની કલા છે. વિવિધ કલાઓ ખત્રી જાતિનો વારસો છે. એ સમયાંતરે રીતે પ્રગટી પણ છે. જેઠીબાઈનો પરિવાર પણ રંગાટકલા સાથે જૉડાયેલો હતો. આ વાત ત્રણેક સદી પહેલાની છે.

જેઠીબાઈ અને તેના પતિ પૂંજાભાઈ ખત્રીએ દીવમાં કાપડ રંગવાનું કારખાનું નાખ્યું હતું. તેઓ વિવિધ જાતની તે વખતની જરુરીયાત અને માગ પ્રમાણે રંગાટકામ કરતા હતા. તેમના કારખાનામાં બહુધા મજુરો કચ્છથી જતા હતા. રંગાટના હુન્નરમાં જેઠીબાઈની સ્વયં પારંગત હતા. તે વખતે દીવ બંદર ધમધમતું હતું. દીવ બંદરથી જેઠીબાઈનો માલ અન્ય દેશોમાં નિકાસ થતો હતો. એક દિવસ જેઠીબાઈને ખબર પડી કે તેમના કારખાનામાં કામ કરતા કાનજી નામનો કામદાર છેલ્લા શ્વાસ લે છે પણ તેનો જીવ નીકળતો નથી. માયાળુ સ્વભાવના જેઠીબાઈ કામદારના ઘેર ગયા. મરવાની ઘડીઓ ગણતા કાનજીએ જેઠીબાઈને જોઈ રડતા રડતા પોતાની વ્યથા સંભળાવી. કાનજી સાથે તેનો એકનો એક દીકરો હતો. કાનજીની પત્ની તો વહેલી મરી ગઈ હતી. તે વખતે દીવના પોર્ટુગીઝ શાસનમાં ખ્રિસ્તી પાદરીઓની જોહુકમી ચાલતી હતી. કારણ કે પોર્ટુગલમા મહારાણી વતીથી એક ગવર્નર વહીવટ ચલાવતો હતો સાથે સાથે તે હિન્દુસ્તાનીઓને પરાણે ધર્મ પરિવર્તન પણ કરાવતો હતો. એ ગવર્નરે એક કાયદો બનાવ્યો હતો. એ કાયદા મુજબ કોઈ પણ અપરણિત હિન્દુ છોકરો કે છોકરી નિરાધાર હોય તો તેની મિલકત જપ્ત કરી તેને ખ્રિસ્તી બનાવી દેવો .ગવર્નરના એ આપખુદ કાયદાનો વિરોધ કરી શકે એવું સંઘઠન નહોતું. કાનજીનો જીવ એટલે જ ગતે જતો ન હતો. તેણે આખીય વાત જેઠીબાઈને કહી. જેઠીબાઈએ કાનજીને ધરપત આપી કે ગમે તે થાય તારા દીકરાનું ધર્મ પરિવર્તન નહીં થવા દઉં. એ સાંજે જ કાનજીના પ્રાણ છુટી ગયા.

જેઠીબાઈએ બધું જ વિચારી લીધું. તેમણે કાનજીના અવસાનની વાત જાહેર થવા દીધી નહીં. તેમણે કાનજીના મૃત્યુના દિવસે જ અન્ય એક કામદારની દીકરી સાથે કાનજીના છોકરાના લગ્ન કરાવી નાખ્યા. બીજા દિવસે તેમણે જાહેર કરાવ્યું કે કાનજી મરી ગયો. કાનજીના મૃત્યુની જાહેરાત થતાં જ પાદરીઓ પોલીસને લઈને કાનજીના દીકરાનો કબજો લેવા આવ્યા. જેઠીબાઈએ તે વખતે હાજર રહીને પાદરીઓને કાનજીના દીકરાની પત્ની બતાવીને કહ્યું કે આ છોકરો પરણેલો છે. પાદરીઓ તે વખતે તો પાછા વળી ગયા પણ તેમણે દીવની અદાલતમાં જેઠીબાઈને પડકાર કર્યો. પણ હિન્દુ ધર્મમાં પત્નીના અધિકારની રુહે દીવની અદાલતે એ લગ્ન મંજુર રાખ્યા અને કાનજીનો દીકરો હિન્દુ જ રહ્યો. આ બનાવે જેઠીબાઈને હલબલાવી નાખ્યા. તેમણે મનોમન નક્કી કર્યું કે ધર્મ પરિવર્તનનો આ કાળો કાયદો તે દૂર કરાવીને જ રહેશે. તેમણે એક બાહોશ વકીલની સલાહ લીધી. વકીલે તેમને પોર્ટુગલની રાણીને આપવા માટે અસરકારક શબ્દોમાં પોર્ટુગીઝ ભાષામાં એક પત્ર લખી આપ્યો.

જેઠીબાઈએ એક યુક્તિ કરી. ઓઢણીના માપના મોટા બીંબામાં વકીલે લખી આપેલો પત્ર કોતરાવ્યો. પછી પોતાનો રંગનો હુન્નર વાપરી ઓઢણી ઉપર કાળજીથી પૂર્વક એ આખો પત્ર છપાવ્યો. પહેલી નજરે ઓઢણી જ લાગે પણ બરાબર ધ્યાનથી જોવામાં આવે તો એ શબ્દો વંચાય. એ પત્રમાં ખ્રિસ્તી પાદરીઓના હિન્દુ પ્રજા ઉપર જુલ્મોની વાત લખેલી હતી. એ ઓઢણી કિનખાબની થેલીમાં મૂકીને જેઠીબાઈ દીવથી પોર્ટુગલ જવા નીકળ્યા.

પોર્ટુગલ પહોંચીને તેમણે રાજ્યના બે મોટા અધિકારીઓને મળી મહારાણીને મળવાનું કારણ કહ્યું. એન્ટોનિયો મેલોડ કેસ્ટ્રો અને મોનીલ કેસ્ટ્રો દરાલ નામના એ અધિકારીઓએ પોર્ટુગલના મહારાણીને મળવાની વ્યવ્સ્થા કરી આપી અને તેમની અરજી ઉપર લક્ષ આપવા ભલામણ પણ કરી. જેઠીબાઈએ પોર્ટુગલના મહારાણીને પોતાના હાથે રંગેલી ઓઢણી ભેટ ધરી. મહારાણીએ ઓઢણી ખોલીને જોયું તો તેમની જ ભાષામાં કશુંક લખેલું જોવા મળ્યું. આખુંય લખાણ વાંચી પોર્ટુગલના મહારાણીનું હૈયું પીગળી ગયું. તેમણે તે જ વખતે દીવમાં ચાલતો ધર્માંતરણનો કાયદો રદ કરવાનો હૂકમ કરાવ્યો. મહારાણીના ફરમાનને એક તામ્રપત્ર ઉપર કોતરાવી રાજ દરબારમાં પુરા સન્માન સાથે જેઠીબાઈને અર્પણ કરવામાં આવ્યો. મહારાણીએ સાથે સાથે એવો હૂકમ પણ કર્યો કે દીવમાં જેઠીબાઈના ઘેર અઠવાડિયે એકવાર રાજાશાહી બેન્ડ વગાડવામાં આવે. અને જેઠીબાઈના ઘર પાસેથી પસાર થનાર પોર્ટુગીઝ ઓફીસર પોતાની હેટ ઉતારી માથું નમાવે. આવું માન બહુ જ મોટા અમલદારોને જ મળતું. જે કચ્છ જેવા ખૂણાના પ્રદેશની મહિલાએ મેળવ્યું હતું. જેઠીબાઈએ મહારાણીને ભેટ ધરેલી એ ઓઢણી આખાય પોર્ટુગલમાં પાન દ જેઠી ( જેઠીબાઈની ઓઢણી ) તરીકે ખ્યાતિ પામી. આજે પણ પોર્ટુગલના લોકો એ ઘટના યાદ કરે છે. કચ્છના બહાદૂર જેઠીબાઈની યાદમાં દીવની સરકારે ત્યાંના મુખ્ય બસ ડેપોને ‌’ જેઠીબાઈ બસ સ્ટેન્ડ દીવ ‘ એવું નામ આપેલ છે.


શ્રી માવજી મહેશ્વરીનાં સંપર્ક સૂત્રોઃ ફોન નં. +૯૧ ૯૮૨૫૭૨૫૫૯૬ Email mavji018@gmail.com

Author: admin

1 thought on “સમયચક્ર : એક કચ્છી મહિલાએ પોર્ટુગીઝ સરકારને નમાવી

  1. પ્રો ડૉ રમેશ નાનજી વાઢેર, ૨૭, ક્રિષ્ના બંગ્લોઝ, નાના ચિલોડા (અમદાવાદ) ૩૮૨૩૩૦. says:

    જેઠીબાઈ અંગેનો લેખ વાંચીને ઘણો જ હર્ષ અને ગૌરવ થયા.
    આપનો ખુબ ખુબ આભાર.

    જેઠીબાઈના જન્મ અને મૃત્યુ અંગેની તારીખ/તિથિ ઉપલબ્ધ હોય તો આપવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published.