સંસ્કૃતિની શોધમાં : ૨૭ : સુપરસ્ટાર કોના આપણા કે પેશાવરના?

પૂર્વી મોદી મલકાણ

કિસા ખ્વાની બઝારમાં બહુ થોડો સમય પસાર કરી અમે બહાર નીકળ્યાં અને જૂના પેશાવરની ગલીઓમાં ખોવાવાં લાગ્યાં હતાં. બજારોથી તદ્દન ભિન્ન દેખાતી આ ગલીઓ હિલ સ્ટેશનમાં હોય તે રીતે ઊંચા-નીચા ઢોળાવો પર વસેલી હતી અને તેની આરપાર જવા માટે પર્વતીય વિસ્તારના ટેરેસ લેન્ડ હોય તે રીતે પગથિયાંઓનો ઉપયોગ કરાયો હતો જેને કારણે આ જૂની ગલીઓ પણ એક વિશિષ્ટ ડિઝાઇનમાં ફેરવાઇ જતી હતી. આ ગલીઓમાં ફરતાં બીજી વાત એ ય ધ્યાનમાં આવી કે અમે પાકિસ્તાનના અત્યાર સુધી જોયેલ જગ્યાઓની જેમ આ સિટી પણ અમને પ્રમાણમાં ઘણું જ ચોખ્ખું લાગ્યું. એકાદ -બે કાગળના ટુકડાઓ છોડીને ખાસ કચરો અમારા જોવામાં આવ્યો નહીં. આ ચોખ્ખાઈ જોઈ અનુમાન થયું કે કદાચ સ્વચ્છતાની બાબતમાં પાકિસ્તાને ઈન્ડિયાની આગળ જવા ખરેખરની દોટ લગાવી છે.

(પેશાવરની-એક-ગલી)

આ ગલીઓમાંથી આમતેમ જતાં અમે આખરે એ જૂની ગલીઓ તરફ વળ્યાં જ્યાં ગઈકાલે આપણાં સુપર સ્ટારોના ઘરો હતાં. આ સુપર સ્ટારના ઘરોમાં અમે સૌથી પહેલાં જોયું યુસુફખાનજી અકકા દિલીપ કુમારજીનું ઘર, જે બહુ જર્જરિત અવસ્થામાં હતું. ત્યાર પછી જોયું શાહરૂખ ખાનનું ઘર જ્યાં તેમનાં સંબંધીઓ રહે છે, ત્યાર પછી અમે વિનોદ ખન્નાના ઘર તરફ વળ્યાં. વિનોદખન્નાના ઘરમાં મેઇન સ્ટ્રક્ચરનો પાયો એમ જ રાખી બાકીના આખા ઘરને તોડીને તેનું રિનોવેશન કરી નવું બનાવી દેવામાં આવેલું,પણ તેમના ઘરની ગલી એ જ ચડતાં ઉતરતા પગથિયાંવાળી હતી.

વિનોદ ખન્નાનાં ઘર ને જોઈ અમે અંતે કપૂર ગલી તરફ ગયાં. કપૂર ગલી… જાણીતી છતાં અજાણી એવી આ ગલી એ જૂના પેશાવરમાં ખૂબ જાણીતી છે, પણ અમે અહીં પહોંચ્યાં ત્યારે ત્યાંનો માહોલ કઇંક જુદો જ નઝારો વ્યક્ત કરતો હતો.

(કપૂર-હવેલી-બહારથી)
(કપૂર-હવેલી-અંદરથી_

દિલિપકુમારજી, એસઆરકે અને વિનોદ ખન્નાના ઘરની સરખામણીમાં કપૂર ગલીમાં આવેલું આ ઘર સૌથી વિશાળ હોઈ તેને હવેલી તરીકે ઓળખવામાં આવે છે, જેને લાલા બસેશ્વરનાથે ૧૯૧૮ થી ૧૯૨૨ ની વચ્ચે બનાવેલ. આ હવેલી મૂળે પાંચ મંઝિલા હતી, જેમાં ૪૦ રૂમ હતાં. વિભાજન દરમ્યાન પૃથ્વી રાજકપૂરજીનાં આ હવેલી ત્યજયા બાદ આ હવેલી બે વાર વેચાઈ પણ બંને વારના માલિકો આ હવેલી તરફ ધ્યાન આપી શક્યાં નહીં, જેને કારણે આજે આ હવેલી લગભગ ખખડધ્વજ બની ગઈ છે. આ હવેલીનાં બીજા માલિક ૨૦૧૨ સુધી હેરિટેજ સીન સિનેરી, શાદી-બ્યાહ અને મૂવી માટે આ હવેલીને રેન્ટલ આપતાં હતાં પણ અંતે એ ય બંધ થઈ ગયું. આ બીજા માલિકે કોઈ બિલ્ડરને આ હવેલી વેચી દેવાની તૈયારી કરેલી ત્યારે પેશાવર હેરિટેજ કમ્યુનિટીએ આ હવેલી તોડવા પર સ્ટે લગાવી દીધો. જેને કારણે આજેય આ હવેલી તેના ભવ્ય ભૂતકાળને યાદ કરતી ત્યાં રહેલી છે.

અમે જ્યારે આ હવેલીની આજુબાજુ ફરી રહ્યાં હતાં ત્યારે જોયું કે, કેવળ આ હવેલી જ નહીં, પણ ગલી પણ નિસ્તેજ અને સુમસાન લાગતી હતી. હવેલીનાં મુખ્ય દરવાજે જૂનું કાટ ખાયેલું તાળું હતું, પણ કદાચ ગલીઓમાં રમવા ગયેલાં નાના નાના છોકરાઓ રૂપી ભવ્ય અતીત ચોર પગલે પાછા આવશે તે આશાએ હવેલીની અમુક બારીઓ ખુલ્લી હતી. પણ એ કેવળ નિર્રથક આશા હતી. એ ગલી અને હવેલી પાસે થોડીવાર માટે અમે રહી વિભાજન પહેલાનો સમય સૂંઘી લીધો પછી તે સમયમાંથી અમે ય બહાર નીકળી અમારે રસ્તે ચાલી નીકળ્યાં. આમેય જેમનાં મૂળ ત્યાં હતાં તે પંખેરૂઓએ ( કે કપૂરોએ ) પોતાનો કોઈ અધિકાર ત્યાં જાળવ્યો ન હતો.

તો અમે તો કોણ ??? અમે તો પ્રવાસી હતાં – કેવળ પ્ર વા સી.


©પૂર્વી મોદી મલકાણ. યુ.એસ.એ  | purvimalkan@yahoo.com

Author: admin

2 thoughts on “સંસ્કૃતિની શોધમાં : ૨૭ : સુપરસ્ટાર કોના આપણા કે પેશાવરના?

  1. મૂળ પાકિસ્તાનનાં પણ ભારત આવેલાં રાજકપૂર, રાજેન્દ્રનાથ, ગુલઝાર, સાધના, પ્રાણ સાહેબ, મોહમ્મદ રફી, વિનોદખન્ના, અમરીશપૂરી, શારૂખખાન અને એના સિવાયે કેટલાય લોકોએ આપણાં બોલિવૂડ જગતમાં પોતાનું સ્થાન બનાવ્યું, તેનું લિસ્ટ બનાવવું જોઈએ, ને સામેથી પાકિસ્તાન ગયેલાં કેટલા લોકોએ પાક ફિલ્મો કે અન્ય ક્ષેત્રમાં પોતાનું સ્થાન બનાવ્યું તે જાણવું ગમશે. પણ હાલમાં આ લેખ વિષે વાત કરૂ. આ લેખ વાંચીને મને ઋષિકપૂરનાં એક લેખની વાત યાદ આવી ગઈ. હાલમાં જ ઋષિકપૂરે કીધું હતું કે, જ્યાં પાપાજી નું બચપણ ગયું છે તે અમારી પૈતૃક હવેલી મને જોવાનું મન થાય છે, કદાચ એ હવેલીમાં જઈને હું થોડીવાર માટે પાપાજી અને મારા દાદાજીને સ્પર્શ કરી શકું.ઘણીવાર રણવીર અને રિધ્ધિ પણ કહે છે, કે અમને ય દાદાનું એ ઘર જોવું છે, ચાલો પેશાવર જઈએ. બાળકોની વાત સાંભળી ઘણીવાર લાગે છે, જ્યાં બે હૃદય વહેંચાયેલ છે તેવી જગ્યામાં અમે ન ચાહતા હોવા છતા વહેચાઈ ગયા છે, કાશ આ બંને દેશો વચ્ચેની દુશ્મનાવટ પૂરી થઈ જાય અને અમે અમારા ઘરે જઈ શકીએ.

    1. પૂર્વીબેન ઋષિકપૂરની વાતથી તેના હૃદયની ઈચ્છા તે દિવસે દેખાઈ ગયેલી, પણ બધી ઈચ્છાઓ પૂરી નથી થતી તેમ ત્યારે માની લીધું હતું. આજે તમે એ જ જગ્યાએ આ લેખ દ્વારા લઈ ગયા તેની અનુભૂતિ અલગ જ પ્રકારની છે. ઋષિકપૂર ને તેનોપરિવાર તો જોશે ત્યારે જોશે, પણ એ પહેલા તમે મને સફર કરાવી દીધી તે બદલ ખૂબ ખુબ આભાર.

Leave a Reply

Your email address will not be published.