સમયચક્ર : પ્રાચીન સભ્યતાની વિદ્યાપીઠ જેવા પીરામીડ અને ઈજીપ્તની ભવ્યતા

જગતની માનવ સભ્યતાને સમજવા માટેનો આધાર હોય તો એ છે પ્રાચીન સ્થાપત્ય. કાળની થપાટ સામે પ્રાચીન સાત અજાયબીઓમાંથી છ નાશ પામી, છતાં ઈજીપ્તના પીરામીડ આજે પણ અડીખમ ઊભાં છે. સમગ્ર વર્તમાન વિશ્વ જ્યારે પ્રગતિ કરી રહ્યું છે ત્યારે આફ્રિકાના મહત્તમ દેશોમાં પ્રાથમિક સુવિધાઓ પણ નથી. ન તો એ દેશોમાં સ્થિર શાસન વ્યવસ્થા છે. તેમ છતાં જગતને પ્રાચીન સંસ્કૃતિની ભેટ આપનાર ઈજીપ્ત આફ્રિકાનો એકમાત્ર એવો દેશ છે જે સમગ્ર આફ્રિકામાં અલગ પડી જાય છે. ઈજીપ્ત ઈતિહાસકારો અને સંશોધકોની પ્રયોગશાળા ગણાય છે

માવજી મહેશ્વરી

જગતમાં ત્રણ પ્રાચીન સંસ્કૃતિઓ છે. ભારતીય, ચીની અને ઈજીપ્ત અથવા મીસર. ઈતિહાસ કહે છે કે નદી, ખેતીની સમજ અને રાજકીય સ્થિરતા આ ત્રણ બાબતો સંસ્કૃતિના આધારભૂત વિકાસ માટેના મુખ્ય પરિબળો છે. મોટાભાગની પ્રાચીન સભ્યતાઓનો જન્મ અને વિકાસ એશિયામાં થયો છે. વર્તમાન સમયમાં પાળવામાં આવતા બધા જ મુખ્ય ધર્મનો જન્મ એશિયામાં થયો છે. એશિયાની જુદી જુદી સંસ્કૃતિઓની ભીન્નતા અને વૈવિધ્ય પણ આકર્ષક છે. એશિયા સિવાય જગતના અન્ય ખંડોમાં પણ અમુક મહાન સંસ્કૃતિઓ વિકાસ પામી જેમાં આફ્રિકાખંડમાં આવેલી ઇજિપ્તની ( મીસર )પ્રાચીન સંસ્કૃતિની ગણતરી થઇ શકે છે. આ સંસ્કૃતિની અદભુત સભ્યતા અને મનુષ્ય વિકાસ યાત્રામાં તેનો ફાળો રહ્યો છે. વર્તમાન સમયમાં ઇજિપ્ત આફ્રિકાખંડનો વસ્તીની દ્રષ્ટિએ બીજો સૌથી મોટો દેશ છે. વંશની રીતે ઈજીપ્સીયનો આરબો છે. અગત્યની બાબત એ પણ છે કે ઈજિપ્ત એક દેશ તરીકે આફ્રિકા ખંડમાં આગવું સ્થાન ધરાવે છે અને ઇજિપ્તની પ્રજા આરબ જગતમાં પણ પોતાની ઓળખ ધરાવે છે. આજે આફ્રિકાના મહત્તમ દેશોમાં રાજકીય સ્થિરતા, શિક્ષણ અને વિકાસનો અભાવ છે આફ્રિકાની મોટાભાગની પ્રજા વંશવાદ, દારુણ ગરીબી રોગચાળો, ભ્રષ્ટાચાર અને અસ્થિર રાજકીય અને સામાજિક પરિસ્થિતિ વચ્ચે જીવે છે. કરુણતા એ છે કે પૃથ્વી ઉપર સૌથી વધારે ફળદ્રુપ જમીનનો ભાગ આફ્રિકામાં છે અને સૌથી વધારે ભૂખમરો આફ્રિકામાં છે. આફ્રિકાની ભૂમિમાં હીરા થી લઈને લોખંડ સહિતના ખનીજોનો ભંડાર છે છતાં જગતના સૌથી વધુ ગરીબો આફ્રિકામાં છે. પરંતુ આખાય આફ્રિકામાં સૌથી વધુ શિક્ષિત અને સ્થિર દેશ ઈજીપ્ત છે. ઈજીપ્ત પાસે તેલના ભંડારો નથી તે છતાં તે એક દેશ તરીકે સમૃધ્ધ છે.

ઈજીપ્તની પ્રજા શિક્ષણનો વારસો ધરાવે છે. ઈ.સ. ૯૭૦માં સ્થાપાયેલી જગતની એકમાત્ર પ્રાચીન વિદ્યાપીઠ અલ અઝહર યુનિવર્સિટી આજે પણ ઉચ્ચ શિક્ષણ આપવાનું કામ કરી રહી છે. આરબ દેશોમાં ઈજીપ્ત જુદી ઓળખ ધરાવતો દેશ છે. અપવાદોને બાદ કરતા મોટાભાગના આરબ દેશો ખનિજ તેલથી સમૃદ્ધ છે. તેમ છતાં આ દેશો રાજકીય, સામાજિક અને શૈક્ષણિક દ્રષ્ટિએ પછાત છે. ઉપરાંત ઇજિપ્તને બાદ કરતાં સમગ્ર આરબ જગતમાં લોકશાહીનું નામોનિશાન નથી. એક સમયે પૂર્વના જ્ઞાન અને વિજ્ઞાનને પશ્ચિમ સુધી પહોંચાડવાનું કામ કરનાર આરબ પ્રજાના દેશોમાં શિક્ષણનું સ્તર સંતોષકારક નથી. તેમ છતાં ઈજીપ્ત આ બાબતમાં અપવાદ છે. આરબ પ્રજાના પહેલા લેખક નજીબ મેહકૂજ ઈજીપ્તવાસી છે. સમગ્ર આફ્રિકા ખંડ અને આરબ જગતમાં સૌથી વધારે નોબલ પ્રાઈઝ પ્રાપ્ત કરનાર ઇજિપ્તવાસીઓ છે

આવા ઇજિપ્તનો ભૂતકાળ અતિ ભવ્ય છે. પ્રાચીન ઇજિપ્તની સંસ્કૃતિ વર્તમાન સમયમાં પણ જગત માટે સામાન્ય પ્રવાસીથી માંડીને ઇતિહાસકારોના આકર્ષણનું કેન્દ્ર રહી છે. પ્રાચીન ઇજિપ્તની સંસ્કૃતિનો ઉદય આજથી અંદાજે ૫૦૦૦ વર્ષો પહેલા જગતની સૌથી મોટી નદીઓમાની એક એવી નાઈલ નદીના કાંઠે થયો હતો. ઇસ્વીસન પૂર્વે ૩૧૫૦માં પ્રાચીન ઇજિપ્તની રાજ્યની સ્થાપના સમ્રાટ મેનીસે કરી હતી. જે ત્રણ હજાર વર્ષના શાસનની શરુઆત હતી. અને એ કાળમાં જ નિર્માણ પામેલા સિંહની વિશાળ મુખાકૃતિ ધરાવતા સ્ફિંક્ષ અને ગીઝાના પીરામીડ આજે પાંચ હજાર વર્ષ પછી પણ ઊભાં છે. ત્રણ હજાર વર્ષના શાસનકાળ દરમિયાન ત્રીસ રાજવંશોએ ઇજિપ્ત પર શાસન કર્યું અનેક વિદેશી આક્રમણો થયા પરંતુ ઇજિપ્તવાસીઓએ આ બધા જ આક્રમણોનો સફળતાપૂર્વક સામનો કર્યો હતો. એ વખતના ઈજીપ્તના શાસકો ફેરો અથવા ફિરોન કહેવાતા.

જગતની તમામ સંસ્કૃતિઓનો બારીકાઈથી અવલોકન કરતાં દેખાશે કે દરેક સંસ્કૃતિને પોતાના કેટલાક ખાસ વળગણો હોય છે. પ્રાચીન ઇજિપ્તની સંસ્કૃતિને મૃત્યુ પછીના જીવનનું વળગણ હતું. પ્રાચીન ઈજીપ્તવાસીઓ ખાસ કરીને રાજાઓને પોતાના જીવતા શરીર કરતાં મૃત શરીરની વધારે ચિંતા રહેતી. મૃત્યુ પછી પોતાના મૃતદેહને સાચવવા માટે પ્રાચીન ઇજિપ્તના રાજાઓએ વિશાળકાય અને મજબૂત પિરામિડ બંધાવ્યા છે. પીરામીડ મૂળે ગ્રીક ભાષાના પીરામીસ શબ્દનો અપભ્રંશ છે. જેનો અર્થ થાય છે કે ઘઉંની કેક જેવી વાનગી. ગ્રીકોએ જ્યારે ઈજીપ્તના રાજાઓના પીરામીડ જોયાં ત્યારે તેમણે પીરામીસ શબ્દ આપ્યો જે પછીથી પીરામીડ તરીકે તરીકે પ્રચલિત થયો. હકીકતે ઇજિપ્તમાં પીરામીડ મેરના નામે ઓળખાતા. મેરનો અર્થ ’ ઉત્થાનની જગ્યા ‘ એવો થાય છે.

પિરામીડનો આકાર ત્રિકોણ હોવા પાછળ ત્રણથી ચાર કારણો જણાય છે. પિરામિડોની રચના અતિ લાંબા સમય સુધી પૃથ્વી પર ટકી રહે તેવી બનાવવાના હેતુથી તેનો પાયો બની શકે તેટલો પહોળો અને ટોચ એકદમ સાંકડી રાખવામાં આવી હતી. પ્રાચીન મીસરવાસીઓ સૂર્યપ્રેમીઓ હતા. સૂર્યના કિરણો પૃથ્વી ઉપર ત્રિકોણાકાર રચતા હોય છે તેથી પણ પીરામીડનો આકાર ત્રીકોણ હોવાનું મનાય છે. ગણતરી મુજબ કુલ ૮૦ થી ૧૦૦ જેટલા પીરામીડ નાઈલ નદીના પશ્ચિમકાંઠે બનાવવામાં આવ્યા છે. જેને પૂર્વમાં ઊગતા સૂર્ય સાથે સંબંધ હોઈ શકે છે. પિરામિડ બનાવવા માટે પ્રાચીન સમયમાં માટે નાઈલ નદીનો જળમાર્ગ તરીકે ઉપયોગ થયો હોય તેવું જણાય છે. ૮ થી ૧૦ ટન વજન ધરાવતા પથ્થરની ગોઠવણીમાં મોટાભાગે માનવશક્તિ, પ્રાણીશક્તિ, ઉચ્ચાલન અને ગોળાકાર લાકડાનો ઉપયોગ થયો હોવો જોઈએ. ઇસ્વીસન પૂર્વે ૪૫૦માં ઇજિપ્તનો પ્રવાસ કરનાર ઇતિહાસકાર હિરોડોટ્સ એમ લખે છે કે પિરામિડ બનાવતી વખતે મહાકાય પથ્થરોને ઊંચકવા માટે પ્રાચીન ઇજિપ્તવાસીઓએ ઉચ્ચાલન વ્યવસ્થા શોધી કાઢી હતી. પરંતુ આ વાતનું સમર્થન કરતાં કોઈ પુરાવા હજુ મળ્યા નથી. જગતની સાત પ્રાચીન અજાયબીઓમાં હવે માત્ર પિરામિડો જ અકબંધ છે. સૌથી વિશાળ પીરામીડમાંથી પહેલું પીરામીડ બાંધનાર રાજા ખૂફ હતો. આ પિરામિડની ઊંચાઈ ૪૫૦ ફુટની છે અને તેનો પાયાનો વિસ્તાર ૧૩ એકરમાં ફેલાયેલો છે. એવું મનાય છે કે આ પિરામિડ બાંધવામાં એક લાખ લોકોને ૨૦ વર્ષનો સમય લાગ્યો હતો. આ પિરામિડમાં ૨૩ લાખ પથ્થર વપરાયા છે. એવું મનાય છે કે પ્રાચીન ઈજીપ્તમાં પીરામીડ બાંધવાનો એક ઉદ્યોગ હશે, જેમાં લાખો પ્રાચીન ઈજીપ્તવાસીઓ રોજગાર મેળવતા હતા. પિરામિડની દિવાલો પરના લખાણોમાં ક્યાંક બાંધનારા મજૂરોનો પણ આછો ઉલ્લેખ જોવા મળે છે.

આમ તો પીરામીડ ઈજીપ્તના સમ્રાટોની કબર જ કહી શકાય. સમ્રાટના મૃત્યુ પછી તેના દેહને અંદરથી સાફ કરી તેમાં જંતુનાશક પદાર્થો ભરી તેને પિરામિડ મૂકવામાં આવતો, જેને મમી કહેવાતું. મમીની સાથે રાજાની જરૂરિયાતને અનુરૂપ લગભગ બધી જ સામગ્રી પણ મૂકવામાં આવતી. એટલું જ નહીં, સમ્રાટના મૃતદેહની સાથે તેના નોકર-ચાકર ઉપરાંત પ્રાણીઓને પણ જીવતા દાટવામાં આવતા. ઉપરાંત પીરામીડમાં સોનું, કીમતી ધાતુઓ, વાસણો, ઘરેણાઓ પણ મૂકવામાં આવતા. આ કારણસર પિરામિડ હંમેશા ચોર લૂંટારાઓના આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે. પ્રાચીન ઇજિપ્તના પિરામિડ તેમની અંદરથી મળેલ ચીજવસ્તુઓ અને મમી જગતભરના ઇતિહાસકારો સંશોધકો અને વૈજ્ઞાનિકો માટે મૂલ્યવાન ચીજો બની રહ્યા છે. પીરામીડોએ પ્રાચીન સભ્યતાને અને મનુષ્યના વિકાસને સમજવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. વર્તમાન ઇજિપ્તવાસીઓને એક બાબત માટે અભિનંદન આપવા રહ્યા કે તેમણે પોતાની અંગત ધરોહરને વિશ્વ માટે ખુલ્લી મૂકી છે અને સારસંભાળ ચીવટપૂર્વક લીધી છે. કદાચ એટલે જ ઈજિપ્ત જગતના પ્રવાસધામો ટોચનું સ્થાન ભોગવે છે.


શ્રી માવજી મહેશ્વરીનાં સંપર્ક સૂત્રોઃ ફોન નં. +૯૧ ૯૮૨૫૭૨૫૫૯૬ Email mavji018@gmail.com


સંપાદકીય નોંધ – અહીં લીધેલ સાંદર્ભિક ચિત્ર નેટ પરથી સાભાર લીધેલ છે

Author: admin

Leave a Reply

Your email address will not be published.