સમાજ દર્શનનો વિવેક : મુહમ્મદ યુનુસનું વાણોતરું:[૨]

ગતાંક [૧]થી આગળ

કિશોરચંદ્ર ઠાકર

યુનુસે જોયું કે ગરીબીની બહાર આવવા માટે ગરીબ મહિલાઓ સખત મહેનત કરે છે કારણ કે સહન તો તેમણે જ વધારે કરવું પડતું હોય છે. પોતાનાં બાળકોનાં ભાવિ વિષે તેઓ જ વધારે ચિંતિત હોય છે. પરિણામે પુરુષ કરતા મહિલા મારફત કુટુંબમાં થતી આવક વધારે સાર્થક થાય છે. માટે જ યુનુસે પોતે સ્થાપેલી ‘ગ્રામીણ બે‌ન્ક’માં મહિલાઓને ધીરાણ આપવાને પ્રાથમિકતા આપવામાં આવી.

પરંતુ એમાં તો તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. સૌથી મોટો વિરોધ તો એ મહિલાઓના પતિદેવોએ જ કર્યો. ત્યાર પછી મુલ્લાઓ અને જેમનું સ્થાપિત હિત છે તેવા ધીરધારનો ધંધો કરનારા આવ્યા. સરકારી અધિકારીઓએ પણ વિઘ્નો નાખ્યા કર્યા. હદ તો ત્યારે થઈ કે કે‌ન્દ્રીય બે‌ન્કે (આપણી રિઝર્વબે‌ન્ક જેવી બે‌ન્કે) લોનધારકોમાં મહિલાઓની ટકાવારી ઊંચી કેમ છે તે જણાવવા કારણદર્શક નોટિસ આપી! આનું કારણ એ છે કે માત્ર બાંગ્લાદેશમાં જ નહિ, પરંતુ. દુનિયા આખીમાં મહિલાઓને આર્થિક પરિબળ તરીકે ભાગ્યે જ જોવામાં આવે છે.

બાંગ્લાદેશમાં તો મહિલાઓ પડદામાં જ રહેતી હોવાથી ધીરાણ લેવા માટે બહાર તો નીકળે જ શાની? આથી યુનુસ પોતાની વિદ્યાર્થીનીઓને સાથે લઈને ગામડે ગરીબ મહિલાઓ પાસે પહોંચી જતા. પોતે ઘરની બહાર જ ઊભા રહીને મહિલા સાથે વાત કરવા માટે વિદ્યાર્થીનીને મોકલતા. વિદ્યાર્થીની મહિલા જોડે વાત કરે અને તેના સવાલનો જવાબ આપે. જો વિદ્યાર્થીની પાસે ઉત્તર ના હોય તો તે બહાર ઊભેલા યુનુસ પાસે જતી અને યુનુસે આપેલો જવાબ પેલી મહિલાને પહોંચાડતી. આ બધું કરવાં છતાં ધીરાણ આપવાનો પ્રયાસ થોડા દિવસોના ધક્કામાં કદી સફળ થતો નહિ.

એક વાર બન્યું એવું કે આ રીતે યુનુસ બહાર ઊભા હતા અને વરસાદ શરૂ થઈ ગયો. આથી ઘરની મહિલાએ પેલી વિદ્યાર્થીની મારફત યુનુસ માટે છત્રી મોકલાવી. પરંતુ આવજા કરતી વિદ્યાર્થીનીને તો ભીંજાવું જ પડતું. છેવટે તેના ઉપર દયા આવતા મહિલાએ યુનુસને બાજુનાં એક ખાલી મકાનમાં આવવા કહેવરાવ્યું. યુનુસ ત્યાં પ્રવેશ્યા અને બન્ને મકાનો વચ્ચેની વાંસની ભીતની આડશ લઈને પહેલી જ વખત આવી કોઈ મહિલા સાથે સીધેસીધી વાત કરી શક્યા.

અનેક પ્રયાસોને અંતે યુનુસ મહિલાને ધીરાણ કરવામાં સફળ થયા. જેમ જેમ અનુભવ થયો તેમ તેમ ધીરાણ આપવાની પદ્ધતિમાં પણ ફેરફાર કરતા ગયા. ધીરાણ માટે તેમણે સંભવિત પાંચ લોનધારકનું એક એવા જૂથો બનાવ્યા દરેક જૂથમાં એક અધ્યક્ષ નક્કી થતો. જો કે ધીરાણ તો વ્યકતિગત જ આપવામાં આવતું. પરંતુ જૂથના કારણે સભ્યોને એક પ્રકારે હુંફ અને પરત ચૂકવવા માટેનું દબાણ અનુભવાતાં સૌ પ્રથમ, જૂથના બે સભ્યોને ધીરાણ આપવામાં આવતું. જો આ સભ્યો નિયમિત પણે લોનની રકમ પરત કરે તો છ મહિના પછીથી બીજા બે સભ્યોને ધીરાણ અપવામાં આવતું. જૂથના અધ્યક્ષને સૌથી છેલ્લે ધીરાણ અપાતું.

સભ્યો નિયમિત રીતે આપસમાં મળતા, અને બે‌ન્કના ઉદેશ્યો અને કામગીરીથી વાકેફ થતા. આમ એક નાનકડું સંગઠન બનતા એકબીજાના ક્ષેમકુશળ પૂછતા અને તકલીફોમાં મદદગાર થવાના પ્રયાસો કરતા. જો કોઈ સભ્યને લોનની પરત ચૂકવણીમાં મુશ્કેલી આવતી તો બધા જ સભ્યો ભેગા મળીને કોઈ રસ્તો શોધતા.

કોઈપણ સભ્યને સાતાસો રૂપિયાની ધીરણની રકમ તો અધધ થઈ પડતી. પરત ચૂકવણી માટે માસિક હપ્તની રકમ પણ આ ગરીબો માટે તો ઘણી મોટી હતી. આથી પહેલા તો દૈનિક ધોરણે પરત ચૂકવણી કરવાનું નક્કી કરેલું. પરંતુ દૈ‌નિક ચૂકવણી વ્યવહારુ ન બનતાં સાપ્તાહિક હપ્તો નક્કી થયો.

ઉપર પ્રમાણેનાં આઠ જૂથોનું એક કે‌ન્દ્રીય સંગઠન બનાવવામાં આવ્યું. સંગઠનના વડા અને નાયબ વડાની ચૂંટણી થતી. જોગવાઈ એવી કરવામાં આવી હતી કે એક વર્ષથી વધારે સમય તેઓ હોદ્દા પર રહી ના શકે. બધાની સમયાંતરે નિયમિત બેઠકો મળતી અને પૈસાની લેવડદેવડની ખૂલ્લેઆમ ચર્ચા થતી. એક પ્રકારે પારદર્શિતા રહેતી. વળી જૂથ બનતા બે‌ન્કના વહીવટદારોની કામગીરી પણ ઘટતી.

નાણાં ધીરવા માટે કોઈપણ પ્રકારની જામીનગીરીની જરૂર ન હતી, સૌથી મોટો જામીન તો લોનધારક પરનો વિશ્વાસ હતો અને પરત ચૂકવણીનો દર ઘણો ઊંચો રહેતો. જેને શકમંદ કહેવાય તેવું દેવું એક ટકાથી પણ ઓછું રહેતું, જે એક ટકો સભ્યો સમયસર ધીરાણ પરત કરી ન શકતા તેમને નહિ પણ એમના સંજોગોને ખરાબ માનવામાં આવતા.

આપણા સૌનો અનુભવ એવો છે કે ગરીબો અને અભણ લોકો માટે બે‌‌ન્કનું ખાસ કરીને સરકારી બે‌ન્કનું કાર્યાલય એ ભયાનક સ્થળ હોય છે. આથી ગ્રામીણ બે‌ન્કે કામ કરવાની અનોખી પદ્ધતિ અપનાવી. બે‌‌ન્કના કાર્યકરો કાર્યાલયમાં હાજર રહેવાને બદલે લોનધારકો અને સંભવિત લોનધારકો પાસે પોતે જ પહોંચી જતા. એક સિદ્ધાંત ઊભો કરવામાં આવ્યો કે લોકોએ બે‌ન્ક પાસે જવાનું ના હોય પરંતુ બે‌ન્કે લોકો પાસે જવું જોઈએ. ગ્રામીણ બે‌ન્કનાં કાર્યાલયમાં એવી નોટિસ મૂકવામાં આવતી “જો કોઈ કાર્યકર કાર્યાલયમાં દેખાશે તો ગ્રામીણ બે‌ન્કના નિયમનો ભંગ થયેલો ગણાશે”!

આથી સ્વાભાવિક રીતે નવા કાર્યકરો પૂછતા, ”તો પછી અમારે ક્યાં હોવું જોઈએ?”

એમને જવાબ મળતો ”બહાર જાઓ , કોઈ ઝાડ નીચે સૂઈ જાઓ, ચાની લારી પર બેસી ગપ્પાં મારો, પણ કચેરીએ ના આવો.” અલબત્ત લોનધારકના પૈસા જમા કરાવવા કે તેમની વિગતો આપવા કાર્યાલયમાં મુકરર સમય દરમ્યાન જવું પડતું, પરંતુ તે સિવાયના સમયમાં જો તેઓ કાર્યાલયમાં દેખાય તો તેમને સજા થશે એમ કહેવામાં આવતું. કારણ કે બે‌ન્કનું માનવું હતું કે કાર્યકરોને લોકો સાથે રહેવાનો પગાર આપવામં આવે છે નહિ કે કાર્યાલયમાં બેસી રહેવાનો! કહેવાની જરૂર નથી કે કાર્યકરોને ઘનિષ્ઠ તાલીમ આપવામાં આવતી તે પણ વર્ગખંડમાં નહિ પણ લોકો સાથે પ્રત્યક્ષ કામ કરીને.

સોથી ઊડીને આંખે વળગે એવી વાત એ હતી કે બે‌ન્કના ગ્રાહકે એ બતાવવની જરૂર ન હતી કે તેમની પાસે કેટલી સંપત્તિ છે, પરંતુ તેમણે પુરવાર એ કરવાનું રહેતું કે તેઓ ખૂબ ગરીબ છે અને તેમની પાસે નહિવત બચત છે.

વાચકોને સમજાશે કે બે‌ન્કની કામ કરવાની રીત પરંપરાગત બે‌ન્કોથી તદ્દન વિપરીત હતી, આ બાબતની શોધ પણ યુનુસે એવા સીધા સમીકરણથી કરી કે પરંપરાગત બે‌ન્કોથી -જેમને તેઓ નિષ્ફળ ગયેલી માનતા તેમનાથી- ઉલ્ટું જ કરવું!

એ સમયે જેણે ધનવાનોને જ ધીરાણ આપેલું એવી બાંગ્લાદેશની ‘બાંગ્લાદેશ ઔદ્યોગિક બે‌ન્ક’ નામની એક સરકારી બે‌ન્કનો વસૂલાતનો દર માત્ર દસ ટકા જ હતો. આથી યુનુસે તે બે‌ન્કના પ્રમુખને બે‌ન્કનું નામ બદલીને ‘અમીર સખાવત સંસ્થા’ ‘રાખવા કહ્યું!

નારાજ થયેલા પ્રમુખે યુનુસને પૂછ્યું “તો પછી જો તમને બે‌ન્કનું સંચાલન કરવાનું કહેવામાં આવે તો તમે કઈ રીતે બે‌ન્ક ચલાવો?” હવે જાણીએ યુનુસનો જવાબ

“હું તો નોટોના થોકડા લઈને હેલિકોપ્ટરની બારીમાંથી આખા દેશમાં નોટોનો વરસાદ વરસાવીશ. બીજે દિવસે હું અખબારોમાં અને રેડિયો પર જાહેરખબર આપીશ કે ઔદ્યોગિક બે‌ન્ક પૈસાનો વરસાદ વરસાવી રહી છે, જે કોઈને પૈસા મળે તે અમુક સમયમાં તેના પર વ્યાજ ઉમેરીને પરત કરે તમે આ પૈસાનો સારો ઉપયોગ કરશો તો હું તમારો આભાર માનીશ!”

યુનુસ કહે છે કે પ્રમુખ હસ્યા પણ હું તો ગંભીર જ હતો અને આગળ બોલ્યો, “હું ખાતરી આપું છું કે આ રીતે ધીરેલા પૈસાની વસૂલાતનો દર તમારા દસ ટકાથી ઘણો વધારે હશે! ઉપરાંત ફાયદો એ થશે કે અરજદારોની અરજીઓનું મૂલ્યાંકન કરવાનું, લોન અધિકરીઓ સહિત કર્મચારીઓના પગારોનાં અને વકીલો-દસ્તાવેજોનાં ખર્ચ બચી જશે, અન્ય સ્થાયી ખર્ચ પણ થશે નહિ, માત્ર હેલિકોપ્ટર અને જાહેરાતનો જ ખર્ચ થશે!

યુનુસના મત પ્રમાણે પરંપરાગત બે‌ન્કોનો વ્યાપક અનુભવ એવો છે કે ધનવાનો જ્યારે દેવું ચૂકવી નથી શકતા ત્યારે તેઓ એમ કહે છે કે અમારા ઉદ્યોગો માંદા પડી ગયા છે અને તેમને સુધારવા માગીએ છીએ, માટે અમને વધું ધિરાણ આપો! ખરેખર તો તેમના પર કાયદેસર કામ ચલાવીને જેલમાં મોકલવા જોઈએ, પરંતુ જેમના મિત્રો અને સગાઓ સમાજના ઉચ્ચ વર્ગની કરોડરજ્જૂ સમાન ધનવાનો, મોટા અમલદારો અને રાજકારણીઓ હોય , એમને તો જેલમાં શી રીતે મોકલાય?

જે પણ હોય, આપણે તો ગ્રામીણ બે‌ન્ક વિષે જ વાત કરવી છે. અગાઉ જણાવ્યા પ્રમાણે તે અંગેની કામગીરીમાં અનેક લોકોએ વિઘ્નો નાખ્યા તે અને અન્ય વાતો આપણે હવે પછીનાં પ્રકરણમાં કરીશું.


(નોબેલ પારિતોષિક વિજેતા મુહમ્મદ
યુનુસની આત્મકથા ‘Banker to the Poor’ ના ‘વંચિતોના વાણોતર’ નામે હેમંતકુમાર શાહે કરેલા ગુજરાતી અનુવાદને આધારે., અનુવાદમાં નાણાની રકમ બાંગ્લા દેશનાં ચલણને બદલે ભારતીય ચલણમાં બતાવવામાં આવી છે)


શ્રી કિશોરચંદ્ર ઠાકરનં સપર્ક સૂત્રો :-પત્રવ્યવહાર સરનામું: kishor_thaker@yahoo.in  । મો. +91 9714936269

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.