ટાઈટલ મ્યુઝીક (૨૬) – દિલરુબા (૧૯૫૦)

બીરેન કોઠારી

જાન્યુઆરીની 18 તારીખ કુંદનલાલ સાયગલની મૃત્યુતિથિ છે એ નિમિત્તે એક સંગીતકારની યાદ ખાસ આવે છે. ઈશ્વરને નજરે જોઈ શકાયો નથી, પણ તેનાં સર્જન થકી ઈશ્વર કેવો હશે એની કલ્પના સૌ કરતા હોય છે. આ સંગીતકારનું સ્થાન પણ એવું જ છે. અત્યાર સુધીમાં તેમની માત્ર એક જ તસવીર ઉપલબ્ધ છે, અને એ પણ સાવ ઝાંખીપાંખી. તેમણે સંગીતબદ્ધ કરેલી ફિલ્મોની યાદી છે, પણ તેમનાં સંગીતબદ્ધ કરેલાં ગીતો સંખ્યાની રીતે સાવ ઓછા જાણીતા છે. ‘સાગર મુવીટોન’ના ચીમનલાલ દેસાઈના પુત્ર વીરેન્દ્ર દેસાઈની બે ફિલ્મો ‘આદાબ અર્ઝ’ અને ‘સવેરા’માં તેમજ ચીમનલાલ દેસાઈના બીજા પુત્ર સુરેન્દ્ર દેસાઈ (બુલબુલભાઈ)ની ફિલ્મ ‘પૈગામ’માં તેમનું સંગીત હતું, પણ તેમના વિશે કશું જણાવી શકે એવી કોઈ વ્યક્તિ મને મળી નહીં.
કુંદનલાલ સાયગલ દ્વારા ગવાયેલાં ગીતોમાં એકથી પાંચ નંબરે કોઈ ગીત મૂકવાનાં આવે, તો લગભગ સર્વાનુમતે ‘ભક્ત સૂરદાસ’નાં ગીતમાંથી અચૂક મૂકાય. સાયગલ અને ખુર્શીદનાં શ્રેષ્ઠ કહી શકાય એવાં ગીતો આ ફિલ્મમાં હતાં.

આ સંગીતકાર એટલે જ્ઞાન દત્ત. તેમણે 58 ફિલ્મોમાં સંગીત પીરસ્યું હતું. જો કે, તેમના સંગીતવાળી બે ફિલ્મોનાં ગીતો સૌથી વધુ જાણીતાં બન્યાં. એક ફિલ્મનો ઉલ્લેખ અગાઉ કર્યો, અને બીજી ફિલ્મ તે રાજકપૂર અને રેહાનાના અભિનયવાળી ‘સુનહરે દિન’. એક તરફ ‘ભક્ત સૂરદાસ’નાં ઘટ્ટ અવાજ ધરાવતા ગાયકોનાં ધીરગંભીર ગીતો સાંભળીએ, અને બીજી તરફ ‘સુનહરે દિન’નાં મસ્ત મઝાનાં ગીતો સાંભળીએ તો આ સંગીતકારના સામર્થ્ય વિશે જાણીને નવાઈ લાગે. બદલાતા જતા યુગ સાથે તેમણે કેવો અદભુત તાલમેલ સાધ્યો છે એ સાંભળીને અનુભવી શકાય. ‘રેડિયો સિલોન’ પરના ‘પુરાની ફિલ્મોં કા સંગીત’માં જ્ઞાનદત્તની પુણ્યતિથિ નિમિત્તે વિશેષ કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો, જે https://www.youtube.com/watch?v=1mjBaZIiAFA પર સાંભળી શકાશે.

તેમના સંગીતવાળી ફિલ્મ ‘દિલરૂબા’ની રજૂઆત 1950 માં થઈ, જેમાં દેવ આનંદ, રેહાના, યાકૂબ, કુક્કૂ જેવા કલાકારો હતા. દ્વારકા ખોસલા નિર્દેશીત આ ફિલ્મમાં કુલ અગિયાર ગીતો હતાં, જેમાં મુખ્યત્વે ગીતા રૉયનો સ્વર હતો. આ ગીતો પી.એલ.(પ્યારેલાલ) સંતોષી, ડી.એન.(દીનાનાથ) મધોક, રાજેન્દ્ર કૃષ્ણ, નીલકંઠ તિવારી, બૂટારામ શર્મા અને એસ.એચ.(શમસુલ હૂદા) બિહારી- એમ છ ગીતકારો વચ્ચે વહેંચાયેલાં હતાં. ‘ધક ધક કરતી ચલી’ (ગીતા રૉય)માં તબલાં પર ટ્રેનની આકર્ષક રીધમ છે. એ ઉપરાંત ‘ચિરૈયા ઉડી જાયે’, ‘દિલ મેં કિસી કા પ્યાર બસા લે’ (ગીતા, પ્રમોદિની), ‘દેખો દેખો જી’ (ગીતા રૉય), ‘તરસા કે ન જા’ (ગીતા રૉય), ‘તુમ દિલ મેં ચલે આતે હો’ (ગીતા રૉય), ‘ઓ લીમબો’ (પ્રમોદિની, શમશાદ, સાથી), ‘હમને ખાઈ હૈ મુહબ્બત મેં’ (ગીતા રૉય, દુર્રાની), ‘ઓ પ્રીત ભૂલાનેવાલે બતા’ (ગીતા રૉય), ‘ફરિયાદ કો લબ પર’ (ગીતા રૉય), અને ‘મોરે નૈનો મેં’ (ગીતા રૉય) જેવાં ગીતો હતાં. (મોટા ભાગનાં ગીતો યૂ ટ્યૂબ પર https://www.youtube.com/watch?v=MLATBMV-T_w ઉપલબ્ધ છે.)

અહીં આપેલી આખી ફિલ્મની લીન્કમાં ટાઈટલ મ્યુઝીક 0.05 થી તંતુવાદ્યસમૂહ પર આરંભાય છે. 0.12થી તાલ પ્રવેશે છે. 0.17 થી બીજું વાદ્ય પ્રવેશે છે. એકધારા તાલમાં આગળ વધતી ટ્રેકમાં વચ્ચેનાં વાદ્ય બદલાતાં રહે છે, જેમાં સિતાર અને ફ્લૂટ પણ દેખા દે છે. બહુ જ કર્ણપ્રિય જણાતી આ ટ્રેક 1.26 પર પૂરી થાય છે.
પણ 1.27 થી તરત જ ગીત શરૂ થાય છે, જેમાં શરૂઆતમાં દોડતી ટ્રેન બતાવાય છે, અને ટ્રેનના ડબ્બામાં રેહાનાનું નૃત્ય છે. આ ગીત છેક 5.45 સુધી, એટલે કે ઠીકઠીક લાંબું કહી શકાય એવું છે, જેમાં વચ્ચે વચ્ચે ટ્રેનની રીધમ વગાડવામાં આવે છે. આ પ્રકારનાં ઘણાં ગીતો જાણીતાં છે, પણ આ ગીત કમ સે કમ મારા માટે સાવ નવું નીકળ્યું.
સાયગલની તિથિ નિમિત્તે તેમની સાથેસાથે જ્ઞાનદત્તને પણ સ્મરીને ‘દિલરૂબા’ના આ ટાઈટલ મ્યુઝીક દ્વારા તેમને અંજલિ.


(તસવીરો નેટ પરથી અને લીન્‍ક યુ ટ્યૂબના સૌજન્યથી)


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.