પ્રિયદર્શન પુરુષ : રામ

દર્શના ધોળકિયા.

સંસ્કૃત સાહિત્યમાં કવિઓ દ્વારા સૌંદર્ય સૂક્ષ્મ રીતે નિરીક્ષાયું છે. આ કવિઓ માટે સૌંદર્ય અનુષ્ઠાનનું તત્વ રહ્યું છે.

વાલ્મીકિ મૂળે ઋષિ ને પછી કવિ. પોતાના મહાકાવ્ય ‘રામાયણ’માં તેમનો મુખ્ય ઇરાદો તો મૂલ્યના સંસ્થાપનનો. આથી, રામાયણમાં સૌંદર્યને પણ કવિએ મૂલ્ય તરીકે પ્રસ્થાપિત કર્યું છે.

પોતાનો ઘીરોદાત્ત નાયક આંતરસૌંદર્યથી તો ઝળહળે જ છે પણ એનું બાહ્ય સૌંદર્ય પણ આંતરસૌંદર્યની સમાંતરે ચાલ્યું છે તેનું વાલ્મીકિને ભારે ગૌરવ છે. બ્રહ્માપ્રેરિત દેવર્ષિ નારદ વાલ્મીકિ પાસે આવે છે ત્યારે પોતાને અપેક્ષિત એવા નાયકની વાલ્મીકિએ કરેલી માંગ એક અખંડ વ્યક્તિત્વની છે. મિતભાષી કવિએ ટૂંકમાં આપેક્ષેલા નાયકના વ્યક્તિત્વમાં એક ગુણ ઇચ્છ્યો છે. ‘એકમાત્ર પ્રિદર્શન પુરુષ’ હોવાનો.

રામાયણના આરંભે દેવર્ષિ નારદ દ્વારા રામના બાહ્ય સૌંદર્યનું પ્રમાણમાં સ્થૂળ પણ સ્પષ્ટ વર્ણન છે: “ઇક્ષ્વાકુવંશમાં જન્મેલા, આ રામ નામે પ્રખ્યાત પુરુષ જ જિતેન્દ્રિય, બહાબળવાન, કાન્તિવાન, ધૈર્યવાન, નીતિજ્ઞ, વક્તા અને શોભાયમાન છે. તેમની છાતી પહોળી, હાંસડી માંસલ, હાથ લાંબા, મસ્તક સુંદર, લલાટ ભવ્ય અને ચાલ મનોહર છે. એમનું શરીર મધ્યમ, સુડોળ, રંગ સુંદર ને વક્ષઃસ્થળ વિશાળ છે. તેમની આંખો મોટી મોટી છે.”

દેવર્ષિ નારદ કંઈ કવિ નથી. તેથી તેમના વર્ણનમાં પ્રગટતી સ્થૂળતા કવિના હાથમાં આવતાં કેવી તો સૂક્ષ્મરૂપે પ્રગટે છે તે જોવા મળે છે હનુમાન દ્વારા સીતા પાસે થયેલા રામના સાંગોપાંગ નિરૂપણમાં, પોતાને રામના દૂત તરીકે પ્રમાણિત કરવા માટે હનુમાન રામનું વિગતે વર્ણન કરે છે, જેમાં રામનાં બાહ્ય સૌંદર્યનું સૂક્ષ્મ વર્ણન છે:

“શ્રી રામચંદ્રનાં નેત્રો પ્રફુલ્લ કમલદલ સમાન વિશાળ અને સુંદર છે. મુખ પૂર્ણિમાના ચન્દ્ર સમાન મનોહર છે. તેઓ જન્મકાળથી જ રૂપ અને ઉદારતા આદિ ગુણોથી સંપન્ન છે.

“તેમના ખભા મોટા, હસ્ત વિશાળ, ગળું શંખ જેવું અને મુખ સુંદર છે. ગળાની હાંસડી માંસથી ઢંકાયેલી છે તથા આંખોમાં થોડી લાલાશ છે.

“તેમનો સ્વર દુંદુભિ સમાન ગંભીર અને શરીનો રંગ સુંદર અંવ સ્નિગ્ધ છે. તેમનાં બધાં જ અંગો સુડોળ છે. તેમની કાન્તિ શ્યામ છે.

“તેમનાં ત્રણ અંગો (વક્ષઃસ્થળ, કાંડું, મુઠ્ઠી) સ્થિર (સુદ્રઢ) છે. ભ્રમરો અને હસ્ત લાંબા છે; વાળનો અગ્રભાગ, અંડકોષ અને ઘૂંટણ એ ત્રણ સમાન છે. વક્ષઃ સ્થળ, નાભિની કિનાર અને ઉદર-એ ત્રણ ઊભરેલાં છે, નેત્રોના ખૂણા, નખ અને હાથ-પગનાં તળિયાં એ ત્રણ લાલ છે. શિશ્નનો અગ્રભાગ, બંને પગની રેખાઓ અને માથાના વાળ – એ ત્રણ સ્નિગ્ધ છે તથા સ્વર, ચાલ અને નાભિ – એ ત્રણ ગંભીર છે.

“એમનાં ઉદર તથા ગળામાં ત્રણ રેખાઓ છે; તળિયાનો મધ્યભાગ, પગની રેખાઓ સ્તનોનો અગ્રભાગ – એ ત્રણ ધસેલાં છે. ગળું, પીઠ તથા બંને પિંડીઓ – એ ચાર અંગો નાજુક છે. મસ્તકમાં ત્રણ ભંવર(ચક્ર) છે. પગના અંગૂઠાની નીચે તથા લલાટમાં ચાર-ચાર રેખાઓ છે. તેઓ ચાર હાથ ઊંચા હાથ ઊંચા છે. તેમના ગાલ, હસ્ત, જંઘા અને ઘૂંટણ – એ ચારે અંગો સમાન છે.”

“શરીરમાં જે બે-બેની સંખ્યામાં ચૌદ અંગો હોય છે એ પણ એમનાં સમાન છે. (ભ્રમર, ફોયણાં, નેત્ર, કાન, હોઠ, સ્તન, કોણી, કાંડા, જંઘા, ઘૂંટણ, અંડકોષ, કમરના બંને ભાગ, હાથ અને પગ) તેમના ચારેય ખૂણાઓની દાઢો શાસ્ત્રીય લક્ષણોથી યુક્ત છે. તેઓ સિંહ, વાઘ, હાથી, અને સાંઢ –એ ચારની જેમ ચાર પ્રકારની ગતિથી ચાલે છે. વાળ, નેત્ર, દાંત, ત્વચા અને પગનાં તળિયાં – એ પાંચ અંગોમાં સ્નિગ્ધતા છલછલે છે. બંને હાથ, બંને જંઘા, બંને પિંડીઓ, હાથ-પગની આંગળીઓ – એ આઠ અંગો ઉત્તમ લક્ષણોથી સંપન્ન છે.

“એમનાં નેત્ર, મુખ-વિવર, મુખ-મંડલ, જીભ, હોઠ, તાળવું, સ્તન, નખ, હાથ અને પગ – એ દસ અંગો કમલ જેવાં છે. છાતી, મસ્તક, લલાટ, ગળું, હાથ, ખભા, નાભિ, ચરણ, પીઠ અને કાન – એ દસ અંગો વિશાળ છે. પાર્શ્ચભાગ, ઉદર, વક્ષઃસ્થળ, નાસિકા, ખભા અને કપાળ – એ છ અંગો ઊંચા છે. કેશ, નખ, લોમ, ત્વચા, ટેરવાં, શિશ્ન, બુદ્ધિ અને દ્રષ્ટિ – એ નવ અંગ સૂક્ષ્મ છે.”

રામના રૂપવર્ણનનો ઉપસંહાર કરતા હનુમાન રામની બાહ્ય સુંદરતાને તેમનાં આંતરસૌંદર્ય સાથે જોડીને અખંડ સૌંદર્યશાળી નાયકનું યશોગાન કરતાં જણાવે છે: “આવા (એકમાત્ર પ્રિયદર્શન – એવા) રામ સવારે, બપોરે ને સંધ્યા પછી ક્રમશઃ ધર્મ, અર્થ અને કામ્નું અનુષ્ઠાન કરે છે. સત્યમાં સંલગ્ન, શ્રીસંપન્ન, ન્યાયસંગત, ધનનો સંગ્રહ અને પ્રજા પર અનુગ્રહ કરવામાં તત્પર, દેશકાળના વિભાગને સમજનાર તથા મધુરભાષી છે.”

સીતાને પૂરતો સંતોષ ને ખાતરી થાય એ રીતનું હનુમાન દ્વારા અહીં થયેલું રામનું સંદર્યવર્ણન ઘણું સૂચક રીતે મૂકાયું છે. રામનું પ્રિયદર્શનત્વ સંસ્થાપિત કરતા કવિ, નાયક બાહ્ય સૌંદર્ય પર પૂરતું વજન આપીને, રામના આંતરશીલ સાથે તેમની બાહ્ય છવિ પણ કેવો તાલમેલ ધરાવે છે તેનું પણ સાથેલાગું દર્શન કરાવે છે.

સામાન્ય રીતે મહાકવિને કે કવિને સ્ત્રીનું સૌંદર્ય આકર્ષતું હોવાનું બને પણ અહીં પુરુષની આંખે પુરુષના સૌંદર્યનું થયેલું વર્ણન ધ્યાન ખેંચતું બને છે. પત્ની જ જાણી શકે એવા આ સૌંદર્યને હનુમાને કદાચ ભક્તનાં પ્રજ્ઞાચક્ષુથી ને વાલ્મીકિએ કવિના દિવ્યચક્ષુથી એ નિહાળ્યું છે એ આ વર્ણનની બીજી ખાસિયત છે. “રામની એક પણ બાબત તમારાથી છૂપી નહીં રહે.” એવું બ્રહ્માએ આપેલું વરદાન અહીં છતું થયું છે ને રામનું સૌંદર્ય વાલ્મીકિએ સૌને માટે અનાવૃત્ત, ખુલ્લું કરીને પોતાના પ્રિયદર્શન નાયકની દર્શનીયતાનો આનંદ વહેંચ્યો છે.

રામનું સૌંદર્ય અહીં માત્ર કવિની જ નહીં પણ ઋષિની કલમે પણ આલેખાયું હોવાની પ્રતીતિ તો ત્યાં થાય છે કે રામમાંથી પસાર થતો ભાવક આ સૌંદર્ય દર્શનથી રોમાંચિત થવા છતાં સહેજ પણ ઉદ્દીત્પ થતો નથી. વાલ્મીકિને કહેવું એ છે કે આ સૌંદર્ય ઉપભોગનો નહીં પણ આનંદનો વિભાવ છે. રામની આ ચિત્રાત્મક, સૌંદર્યમંડિત છવિ કામુકતા જન્માવવાને બદલે જાણે આરાધનાનો વિષય બની રહે છે. હા, વાલ્મીકિ નોંધે છે તેમ, આખાય રામાયણમાં માત્ર શૂપર્ણખાને જ રામનું સૌંદર્ય ભોગવવા યોગ્ય જણાયેલું, તેના મૂળમાં આસુરી વૃત્તિનો પ્રભાવ વાલ્મીકિએ જોયો છે. બાકી રામનું સૌંદર્ય કામનો વિભાવ બનવાને બદલે શાંતનો વિભાવ બને છે.

ધીર, વીર, સત્યપ્રતિજ્ઞ, મધુરભાષી, જીવનનિષ્ઠ એવા પોતાના નાયક બાહ્ય આકૃતિને ચીંધતા વાલ્મીકિના રામના ચિત્રમાં ગૈની જગ્યાએ જાણે એક સ્થિતિ છે. કવિએ સુંદરકાંડનાં પૃષ્ઠોમાં રામને જાણે ઊભા રાખ્યા છે. પોતાનાભાવકો માટે ને બુલંદ અવાજે નિમંત્રણ આપતાં જણાવ્યું છેઃ “આવો ને જુઓ આંતર-બાહ્ય સૌંદર્ય જ્યાં હરીફાઈમાં ઊતરી પડ્યું છે તેવો મનુષ્ય, ભાવકને જ્યારે પણ રામદર્શનની ઇચ્છા થાય છે ત્યારે આ પૃષ્ઠોની વચાળે બેસી પડીને તે ગણગણી ઊઠે છેઃ ‘થોડીવાર ઊભો તો માત્ર જોઈ લઉં.’ રામની ઉપસ્થિતિનું સૌંદર્ય એટલે સુંદરકાંડનું આ સ્થિત્યત્મક ને ચિત્રાત્મક રામવર્ણન, જે એ એક ઋષિના કવિ પરના ને કવિના ઋષિ પરના વિજયનું સૂચક છે.

* * * * *

ડૉ. દર્શના ધોળકિયાનાં સંપર્કસૂત્રઃ
• પત્રવ્યવહારનું સરનામું: ન્યૂ મિન્ટ રોડ, ભુજ (કચ્છ), ભારત ૩૭૦૦૦૧
•ઇ-પત્રવ્યવહારનું સરનામું:
dr_dholakia@rediffmail.com

Author: Web Gurjari

2 thoughts on “પ્રિયદર્શન પુરુષ : રામ

Leave a Reply

Your email address will not be published.