હર્ષ બ્રહ્મભટ્ટ
(૧)
અમે રાખમાંથીયે બેઠા થવાના,
જલાવો તમે તોયે જીવી જવાના.
ભલે જળ ન સીંચો તમે તે છતાંયે,
અમે ભીંત ફાડીને બેઠા થવાના.
ધખો તમતમારે ભલે સૂર્ય માફક,
સમંદર ભર્યો છે, ન ખૂટી જવાના.
ચલો હાથ સોંપો, ડરો ના લગીરે,
તરી પણ જવાના ને તારી જવાના.
સજગતા, સહજતા અને સાહસિકતા,
અમે તક ન એકેય ચૂકી જવાના.
(૨)
હું યુગોથી વાટ તારી જોઉં છું,
આંખના પલકારની ફુરસદ નથી.
શબ્દ સાથે સંવનન ચાલ્યા કરે,
શ્વાસ લેવાની મને ફુરસદ નથી.
તરસ સહરાની મને લાગી છતાં,
પાણી પીવાની મને ફુરસદ નથી.
યાદ એની ચોતરફ વેરાયેલી,
વિસ્મરણની પણ મને ફુરસદ નથી.
રત્ન નહીંતર ક્યાં હથેળીમાં નથી ?
પણ નીરખવાની મને ફુરસદ નથી.
(૩)
એકલો હું ક્યાં કદીયે હોઉં છું,
હું હંમેશા મારી સાથે હોઉં છું.
મૌનની મહેફિલ અનેરી હોય છે,
હું જ શાયર હું જ શ્રોતા હોઉં છું.
સુર્યોદય કેવો થયો મારી ભીતર,
પહાડ જેવો હું પીગળતો હોઉં છું.
નાદરૂપે હું પ્રગટતો હોઉં છું,
હું જ વીણા, તાર પણ હું હોઉં છું.
ડુબવા, તરવા વીશે ક્યાં ભેદ છે ?
હું જ હોડી , હું સમંદર હોઉં છું.
અર્થ ક્યાં છે ? આ દિવાલોનો હવે,
બહાર પણ હું , હું જ અંદર હોઉં છું.
૧૯૭૦થી કવિતાઓ રચનાર અમદાવાદના કવિ શ્રી હર્ષ બ્રહ્મભટ્ટનું નામ હવે ‘સદા સર્વદા કવિતા’ના સૂકાની તરીકે સાહિત્ય જગતમાં સુવિખ્યાત છે. તેમની ગઝલો અત્રે પ્રસ્તૂત કરવાની અનુમતિ આપવા બદલ વે.ગુ. સમિતિ આનંદ સાથે આભારની લાગણી વ્યક્ત કરે છે.
—દેવિકા ધ્રુવ, વે.ગુ.પદ્ય સમિતિ વતી..