સાયન્સ ફેર : ટ્રેઈનની ગરમીથી ઘરો હૂંફાળા રાખવાનો કીમિયો!

જ્વલંત નાયક

સોશિયલ મીડિયા પર એક ચબરાકિયું ખાસ્સું ફોરવર્ડ થઇ રહ્યું છે. “અત્યારે મફતમાં મળતી કડકડતી ઠંડીને સાચવી રાખો, ચાર-પાંચ મહિના પછી આ જ ઠંડી ઊંચા દામે ખરીદવી પડશે!” વાત તો સાચી છે. અત્યારે આપણે ઠંડીથી ભલે કંટાળીએ, પણ એપ્રિલની ગરમી શરુ થતા જ મોંઘા ભાવની વીજળી બાળીને પણ એસી ચાલુ રાખવું પડશે! અત્યારે પડતી ઠંડીને જો કોઈક રીતે સાચવી શકાતી હોત, અને ઉનાળામાં વાપરી શકાતી હોત, તો વાતાવરણને લગતી કેટકેટલી સમસ્યાઓ ઉકેલાઈ જાત! અત્યારે હીટર અને ઉનાળામાં કુલર વાપરીને આપણે જે વાયુ-પ્રદુષણ ફેલાવીએ છીએ અને વીજળી વાપરીએ છીએ, એ પણ અટકાવી શકાત. પહેલી નજરે શેખચલ્લીના તરંગ જેવી લાગતી આ વાત લંડન શહેરમાં જરા જુદી રીતે સાચી પાડવા જઈ રહી છે.

થેમ્સ નદીના કિનારે વસેલું લંડન યુનાઈટેડ કિંગડમનું સૌથી મોટું શહેર છે. ઇસ ૨૦૧૯નાં અંદાજ મુજબ લંડનમાં એકાણું લાખથી વધુ લોકો વસે છે. બિઝનેસ અને જોબ્સ માટે લંડન એક આકર્ષક સ્થાન ગણાય. એ સિવાય દુનિયાભરના ટુરિસ્ટ્સ આ પૌરાણિક છતાં અદ્યતન શહેરને જોવા-માણવા માટે લાખોની સંખ્યામાં ઠલવાતા રહે છે. આટલો મોટો વિસ્તાર અને આટલા બધા લોકો જે શહેરમાં રહેતા હોય, ત્યાંની પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ઉમદા જ હોવી જોઈએ. લંડન પાસે માત્ર મુસાફરોની સગવડ માટે જ બનાવાયેલું અલાયદું તંત્ર છે, જે ‘ટ્રાન્સપોર્ટ ફોર લંડન – TfL’ તરીકે ઓળખાય છે. મોટા પાયે માસ ટ્રાન્સપોર્ટેશન તંત્ર કાર્યરત હોય એટલે સ્વાભાવિક રીતે જ વાતાવરણમાં ગરમી અને પ્રદૂષણનું પ્રમાણ સામાન્ય કરતા ઊંચું જ રહે. એમાંય TfL માટે માથાના દુખાવા સમાન સમસ્યા હોય તો એ છે અન્ડર ગ્રાઉન્ડ દોડતી અને ‘ટ્યુબ’ તરીકે પ્રસિદ્ધ રેલ્વે સર્વિસ. જમીનની નીચે કાર્યરત આ ટ્યુબ સર્વિસને કારણે ગરમીના પ્રમાણમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે.

જમીન ઉપરના તાપમાન કરતા અન્ડરગ્રાઉન્ડ ટ્યુબ સ્ટેશન્સનું તાપમાન વધુ નોંધાય છે. જૂન-જુલાઈ-ઓગસ્ટ મહિનાઓ દરમિયાન આ સ્થળોએ સરેરાશ તાપમાન ૩૦ ડિગ્રી કરતા વધુ હોય છે. પ્રમાણમાં ઠંડો પ્રદેશ ગણાતા આ વિસ્તારમાં આટલું તાપમાન લોકોને બેબાકળા કરી મૂકે એ સ્વાભાવિક છે. TfLની તકલીફ એ છે કે વિશાળ નેટવર્કમાં ફેલાયેલી અન્ડરગ્રાઉન્ડ રેલ સિસ્ટમનું એરકન્ડીશનિંગ કરવાનું કામ અતિશય ખર્ચાળ અને અતાર્કિક છે. આથી લોકો માટે ગરમી સહન કર્યા સિવાય કોઈ છૂટકો નથી! ટ્યુબ્સમાં આટલી ગરમી પેદા થવા પાછળનું વૈજ્ઞાનિક કારણ સમજવા જેવું છે.

ઠેઠ અઢારમી અને ઓગણીસમી સદીઓ દરમિયાન લંડનમાં આ પ્રકારના અન્ડર ગ્રાઉન્ડ રેલ નેટવર્કનું બાંધકામ થયેલું. એ સમયે લંડનનાં વિસ્તારોની જમીન કોતરીને ટનલ્સ બનાવવામાં આવેલી. એ વખતના ઈજનેરોને જે વાતનો ખ્યાલ નહોતો આવ્યો, એ બાબત એટલે માટીનું બંધારણ. આ માટીના ગુણધર્મો એવા કે એ ગરમીને પસાર ન થવા દે. એનો અર્થ એ કે જો તમે આ માટી કોતરીને બનાવાયેલી અન્ડરગ્રાઉન્ડ ટનલમાં ગરમી પેદા કરો, તો એ બધી ગરમી લાંબા સમય સુધી ટનલમાં જ ‘લોક’ થઇ જાય, આસાનીથી બહાર ન નીકળી શકે!

ઈજનેરોએ બીજો જે લોચો માર્યો એ તો વધુ ગૂંગળાવી મારે એવો નીવડ્યો! ટનલનાં બાંધકામ દરમિયાન કોણ જાણે કઈ ગણતરીને આધારે ઈજનેરોએ ટ્રેઈન પસાર થવા માટેની જગ્યા બહુ ઓછી રાખી! ટ્યુબ્સમાં પ્રવાસ કરનાર મુસાફર બારીની બહાર જુએ તો એને થોડા જ ઈંચ દૂરથી પસાર થતા અન્ડરગ્રાઉન્ડ કેબલ દેખાય! (આના કરતા કુદરતી દ્રશ્યો બતાવતી ઇન્ડિયન લોકલ શું ખોટી, હેં?!)

આવી ચુસ્ત ડિઝાઈનનું પરિણામ એ આવ્યું કે અન્ડરગ્રાઉન્ડ રેલ માર્ગો ઉપર એરકન્ડિશનનિંગ માટે પૂરતી જગ્યા જ ન બચી! હવે હવાની અવરજવર માટે પૂરતી જગ્યા ન હોય અને અન્ડરગ્રાઉન્ડ ટનલની ચારે તરફ ઉષ્માને પ્રસરવા ન દે એવી અવાહક માટી હોય, તો સ્વાભાવિક રીતે જ આખી સિસ્ટમ એક ‘ઓવન’ જેવી બની રહે! ટ્યુબમાં પ્રવાસ કરતાં લંડનવાસીઓ વર્ષોથી નછૂટકે આ ગરમીનો ત્રાસ વેઠી રહ્યા છે.

પરંતુ હવે પરિસ્થિતિ બદલાવાની શક્યતા ઉભી થઇ છે. ઉર્જા અને અર્બન ડિઝાઈનના ક્ષેત્રમાં કાર્યરત એવી એક જાણીતી કંપનીએ સીટી કાઉન્સીલ સાથે કોલોબરેશન કરીને ગજબ તોડ કાઢ્યો છે. આ લોકો ટ્યુબ્સમાં પેદા થતી ગરમીને લંડનવાસીઓના ઘરો સુધી પહોંચાડવા માંગે છે. ઉત્તરી લંડનના ૧,૩૫૦ ઘર અને કેટલાક કોમ્યુનિટી બિલ્ડીંગ્સ આ ગરમીનો ઉપયોગ કરી શકશે. આ માટે લંડનની આઈલીંગટન કાઉન્સિલે બનહિલ વિસ્તારમાં ‘એનર્જી સેન્ટર’નું બાંધકામ શરુ કર્યું છે. બનહિલ એનર્જી સેન્ટર તરીકે ઓળખાતું આ કેન્દ્ર ટ્યુબ ટ્રેન્સને કારણે પેદા થતી વધારાની ગરમીને ઘરો સુધી પહોંચાડશે, જેને કારણે ઘર હૂંફાળા રાખવામાં મદદ મળશે. હાલમાં બનહિલ પાવર નેટવર્ક દ્વારા આશરે સાતસો જેટલા ઘરોને હૂંફાળા રાખવામાં આવી રહ્યા છે.

આ મહત્વાકાંક્ષી પાવર પ્રોજેક્ટ માટે ટ્યુબ-વે સ્ટેશન્સ ઉપર સ્પેશિયલી ડિઝાઈન વેન્ટીલેશન શાફ્ટ્સ મુકવામાં આવશે. આ શાફ્ટ ટ્યુબ-વેના વાતાવરણમાં રહેલી વધારાની ગરમીને શોષીને એનર્જી સેન્ટર સુધી પહોંચાડશે. અને સેન્ટરના નેટવર્ક દ્વારા આ ઉષ્મા લોકોના ઘરો સુધી પહોંચશે. આ રીતે મેળવાયેલી ગરમીનું સૌથી મહત્વનું પાસુ એ છે કે આમાં કોઈ પણ પ્રકારના બળતણનો ઉપયોગ કર્યા વિના ઉર્જા (એટલે કે ઉષ્મા) મેળવવામાં આવશે. કોઈ મોંઘીદાટ પ્રક્રિયા ન થતી હોવાને કારણે આ ઉષ્મા ઉર્જા અતિશય સસ્તી પડશે. (ઠંડાગાર શિયાળામાં લંડનવાસીઓના હીટરનું બિલ કેવું તોતિંગ આવતું હશે?!) વળી, આ ઉર્જા મેળવવા માટેનો ‘કાચો-માલ’ સાવ મફતમાં મળે છે, એટલું જ નહિ પણ ટ્યુબ વેમાં પેદા થતી ગરમીનું પણ નિરાકરણ થઇ જશે! આને કહેવાય ખરા અર્થમાં ‘આમ કે આમ, ગુટલીયોં કેભી દામ!” આશા રાખીએ કે ભવિષ્યમાં દુનિયાના તમામ દેશો પોતાના ઇન્ડસ્ટ્રીયલ પ્રદૂષણને ઠેકાણે પાડવા માટે આવો જ કોઈ રસ્તો શોધી કાઢે.


શ્રી જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com પર થઇ શકે છે.


સંપાદકીય નોંધ – અહીં લીધેલ તસ્વીરો અને વિડીયો ક્લિપ્સ નેટ પરથી લીધેલ છે. તેનો આશય લેખના સંદર્ભને સમજવામાં મદદરૂપ થવા માટેનો છે. તે દરેકના પ્રકાશાનાધિકાર જે તે વેબસાઈટ / મૂળ કર્તાના રહે છે.

Author: Web Gurjari

2 thoughts on “સાયન્સ ફેર : ટ્રેઈનની ગરમીથી ઘરો હૂંફાળા રાખવાનો કીમિયો!

Leave a Reply

Your email address will not be published.