ફિર દેખો યારોં : ખાક કો બૂત, ઔર બૂત કો દેવતા કરતા હૈ…

બીરેન કોઠારી

“અહીંથી સ્ટેશન જવું હોય તો કયા રસ્તે જવાશે?”

“જુઓ, અહીંથી આમ વળો, પછી સહેજ આગળ વધશો એટલે એક હાથમાં ચોપડી પકડેલા ચશ્માવાળા કાકાનું બાવલું આવશે. એમનો બીજો હાથ ઊંચો થયેલો છે. એ હાથ જે દિશામાં છે એ તરફ તમે વળી જાવ એટલે સીધા સ્ટેશને નીકળશો.”

આ સંવાદ જરાય કાલ્પનિક નથી. ‘એક હાથમાં ચોપડી પકડેલા ચશ્માવાળા કાકા’ એટલે ડૉ. બાબાસાહેબ આંબેડકર એ તો વાંચનારા સમજી ગયા હશે. દરેકને આ રીતે કોઈ ને કોઈ સ્થળે કોઈ ને કોઈ બાવલાની નિશાની રસ્તો સૂચવવા માટે ચીંધાઈ હોવાનો અનુભવ થયો હશે. રાષ્ટ્રની મહાન વિભૂતિઓને લોકો સ્મરે એ સારી વાત છે, પણ એ હકીકત છે કે બાવલાં મૂકવાથી આ હેતુ જરાય સરતો નથી. મોટા ભાગના કિસ્સાઓમાં બાવલું કોનું છે તેના કરતાં તે કોણે ખુલ્લું મૂક્યું એનું મહત્ત્વ વધુ હોય છે. બાવલાં આપણા દેશની રાજનીતિનો અભિન્ન હિસ્સો છે.

ઘણા નેતાઓને મૃતકોનાં બાવલાં મૂકાવીને પોતે અમર થઈ જવાના ધખારા હોય છે. બાવલું પોતાનું હોય કે અન્ય મહાનુભાવનું, પણ તેને મૂકાવવા પાછળનો તેમનો આશય એ જ હોય છે. આગામી ફેબ્રુઆરીમાં કોલકાતા મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે. આ ચૂંટણીની તૈયારી રૂપે બાવલાં ઊભા કરવાની પ્રવૃત્તિ અત્યારે પૂરજોશમાં ચાલુ હોવાના અહેવાલ છે. બંગાળી અસ્મિતાના પુરસ્કર્તા સમા મહાનુભાવોથી લઈને રાષ્ટ્રીય કક્ષાના મહાનુભાવોનાં પૂતળાં ઊભાં કરાઈ રહ્યા છે. સુભાષચંદ્ર બોઝ અને ગાંધીજીનાં પાંત્રીસ ફીટ ઊંચા પૂતળાંથી લઈને રવીન્‍દ્રનાથ ટાગોર, સિસ્ટર નિવેદીતાનાં પૂતળાં પૂર્વ કોલકાતાના ફૂલબાગાન વિસ્તારમાં ઊભા કરાયાં છે. ઊત્તર કોલકાતામાં વીસેક પૂતળાં ઊભાં કરાયાં છે, તો દક્ષિણ કોલકાતામાં ઘણા બધાં પૂતળાંનું આયોજન છે. કોલકાતામાં હાલ મમતા બેનરજીની આગેવાનીવાળા પક્ષ તૃણમૂલ કૉંગ્રેસનું શાસન છે. આ પક્ષના ધારાસભ્ય પરેશ પટેલના જણાવ્યા મુજબ, ‘કોઈ માતા પોતાના બાળકને લઈને રસ્તે જતી હોય તો તે પૂતળાં બતાવી શકે અને કહે કે તેઓ કોણ છે અને ભારત તથા બંગાળમાં તેમનું પ્રદાન શું છે. નાનાં, મધ્યમ અને વિશાળ કદનાં સોએક જેટલાં પૂતળાં મૂકવાનું હજી આયોજન છે, કેમ કે આપણા દેશ વિશે આગામી પેઢીને જણાવવાની આપણી જવાબદારી છે.’

હજી ગયા વર્ષના મેમાં જ કોલકાતાની વિદ્યાસાગર કૉલેજમાં ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરના પૂતળાની તોડફોડ કરવામાં આવી હતી, જે હકીકતમાં રાજનીતિનો જ એક હિસ્સો હતો. પરસ્પર આક્ષેપબાજીઓ થઈ, પણ એમાં ભોગ લેવાઈ ગયો બિચારા પૂતળાનો. થોડા વખત પહેલાં ડૉ. આંબેડકરના પૂતળાને જૂતાંનો હાર પહેરાવવાથી થયેલાં તોફાનો યાદ હશે. સૌ જાણે છે કે ગાંધીજી કે આંબેડકરનાં પૂતળાં વરસમાં બે જ દિવસે સાફ કરવામાં આવે છે. એ સિવાય તેમની સામું સુદ્ધાં કોઈ જોતું નથી. જે પૂતળાં ચોક્કસ મતબૅ‍‍ન્કને આકર્ષી શકતાં હોય, ચોક્કસ વર્ગની લાગણી તેની સાથે સંકળાયેલી હોય એ પૂતળાં જ શાસકોને કામનાં. બાકી પૂતળાંને ચીંધીને કોઈ માતા પોતાના બાળકને જે તે વિભૂતિના પ્રદાન વિષે જણાવે એ ‘દિલ કો બહલાને કે લિયે ખયાલ અચ્છા હૈ’ જેવી બાબત છે.

શું પશ્ચિમ બંગાળ હોય કે અન્ય કોઈ રાજ્ય, આ માનસિકતા સર્વત્ર સરખી જ હોય છે. પૂતળાંના મુદ્દાનું આર્થિક પાસું પણ ધ્યાનમાં લેવા જેવું હોય છે. પૂતળામાં વેડફાતા નાણાં જો ખરા અર્થમાં જનકલ્યાણ માટે વપરાય તો જેનાં પૂતળાં મૂકાયેલાં છે એ વિભૂતિઓનું પણ યોગ્ય તર્પણ થયું ગણાય.

પ્રજા તરીકે આપણે પણ વિચારવું રહ્યું કે આપણી લાગણી જે તે વિભૂતિના સિદ્ધાંતો સાથે નહીં, પણ તેમનાં પૂતળાં સાથે જોડાયેલી હોય, અને એ રીતે દુભાઈ જતી હોય તો શાસકો કરવાં જેવાં કામને બદલે પૂતળાં મૂકીને જ આપણને પપલાવતા રહેશે.

ઘણા કિસ્સામાં જાહેર સ્થળે મૂકાયેલું પૂતળું કોનું છે એની જાણ પણ થતી નથી, કે જે તે વ્યક્તિવિશેષ અંગેની જાણકારી સુદ્ધાં ત્યાં યોગ્ય રીતે લખેલી હોતી નથી. રસ્તા પહોળા કરવા, રસ્તા પર બ્રીજ બનાવવા જેવા વિકાસનાં કામો થાય ત્યારે આ પૂતળાંનું શું કરવું એ મોટો સવાલ હોય છે. એ પૂતળાનું ઉથાપન અને પુન:સ્થાપન જે રીતે કરવામાં આવે છે એ ભયાવહ હોય છે.

સુશાસન કે સુવ્યવસ્થા બદલ ગૌરવ કરવાને બદલે શાસકો પૂતળાં પર ગર્વ કરવા માંડે ત્યારે ખરેખર તો તે આપણું અપમાન કરી રહ્યા હોય છે. નજર સામે દેખાતી, ઉકેલવા લાયક સમસ્યાઓ તરફ ધ્યાન દેવાને બદલે નાગરિકોએ પૂતળાં બદલ, અને એ રીતે પોતપોતાના પ્રદેશની અસ્મિતા પર ગર્વ લેવો જોઈએ એમ શાસક માને ત્યાં સુધી ઠીક છે. નાગરિકો એમ કરવા લાગે એ અપરિપકવતાની નિશાની છે. આ અપરિપકવતા જ આપણા માથે અયોગ્ય શાસકોને લાદે છે. ગાંધીજી, સરદાર પટેલ, ડૉ. આંબેડકર કે બીજા કોઈ પણ મહાનુભાવોનું જીવનકાર્ય તેમનાં પૂતળાંઓમાં કે તેમના નામે અપાતા રસ્તાઓના નામમાં સીમિત બની રહે એટલું નથી. પણ તેમના જીવન અને કવનને જાણવાની જળોજફામાં પડે કોણ? અને શું કામ પડે?

જરા વિચારી જોવા જેવું છે કે આ પૂતળાંને વાચા હોત તો તેઓ શું કહેત? તેઓ કદાચ પોતાનું સ્થાપન જ ન કરવા દેત, કેમ કે, પોતાનું માથું પક્ષીઓનું શૌચાલય બની રહે એ ગમે એવા સહિષ્ણુ મહાનુભાવ પણ પસંદ ન કરે !


ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૬-૧-૨૦૨૦ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)


સંપાદકીય નોંધ: અહીં લીધેલ સાંકેતિક તસ્વીર નેટ પરથી સાભાર લીધેલ છે.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.