સમયચક્ર : ભૂકંપ અવિરત ચાલતી એક કુદરતી પ્રક્રિયા છે

કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપને બે દાયકા થવામાં માત્ર બે વર્ષ બાકી છે. ત્યારે આ વિનાશક પ્રક્રિયાના સત્ય વિશે જાણી લેવું જરુરી છે. વિનાશ સર્જતી આ કુદરતી પ્રક્રિયાને પાપ કે પૂણ્ય સાથે કંઈ લાગતું વળગતું નથી. માણસની સમજવાની ક્ષમતાને આંચકો આપતું આ રૌદ્ર સ્વરૂપ આજકાલનું નથી. આપણી પૃથ્વીનું બનવું એ પણ એક મહા વિસ્ફોટનું પરિણામ છે. પૃથ્વી ઉપર રહેલા મહાસાગર અને પર્વતો ભૂકંપ થકી જ નિર્માયા છે. ભૂકંપ અવિરત ચાલતી એક કુદરતી પ્રક્રિયા છે. પૃથ્વીનું પીંડ બંધાયું ત્યારથી માંડીને આજ સુધી તેના પેટાળમાં થતી ઊથલ પાથલની જાણ સપાટી ઉપર ભૂકંપ રુપે જ થાય છે. એ ક્યારે અટકશે કે કઈ રીતે અટકશે તે વિશે માણસો બહુ બહુ તો અટકળ કરી શકે છે.

માવજી મહેશ્વરી

૧૯૦૦થી ૨૦૧૭ સુધીમાં વિશ્વમાં થયેલા ધરતીકંપો

કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપને અઢાર વર્ષ પૂરાં થઈ ગયાં. ભૂકંપ એક આપત્તિ તરીકે દૂર ચાલ્યો ગયો છે. ભૂકંપ સમયે જેઓ ચાલતા પણ નહોતા શીખ્યા તેઓ આજે સ્વતંત્ર ભારતના મતદારો બની ગયા છે અથવા સરકાર રચવા લાયક બની ગયા છે. તેમણે એ આપત્તિ જોઈ હશે પણ અનુભવી નથી. પરંતુ જેઓ ૨૦૦૧માં સ્થુળ જગત અને માનવીય લાગણીઓનું વિષ્લેશણ કરવા સક્ષમ અથવા પુખ્ત હતા. તેઓને આ અઢાર વર્ષમાં અનેકવાર એ દિવસ આંખો સામેથી પસાર થઈ ગયો હશે. અનેકવાર આંખ ભીની થઈ હશે. અનેકોને હજુ પણ વારંવાર એ દિવસ યાદ આવતો રહ્યો હશે. આ માનવ મનનું એક જટીલ પાસું છે. આ જગતમાં ભૌતિક ચીજ વસ્તુઓ, સત્તા, સંપતિ વગેરેનો એક પ્રભાવ ચોક્કસ છે. એનાથી જગત ચાલે છે એ પણ સત્ય છે. તેમ છતાં મોટાભાગે કુદરતી આફતો વખતે જ માણસને સમજાય છે કે તે માણસ છે અને તેના શરીરમાં હૈયું છે. જેની સામે સત્તા કે નાણાંની ચમક દમક ફિક્કી છે.

અઢાર વર્ષમાં ઘણું બધું બદલાઈ ગયું છે. આખુંય કચ્છ અંદર બહારથી બદલાઈ ગયું છે. નથી બદલાયા તો માત્ર ભૂકંપ આવવાના કારણો અને કુદરતી પ્રક્રિયાઓ. જે સદીઓથી અવિરતપણે ચાલુ જ છે. માણસ ભલે તેને પાપ-પૂણ્ય સાથે જોડતો હોય, પરંતુ ભૌતિક વિજ્ઞાનના સત્યો અચલ છે અને રહેવાના છે. એ વાવાઝોડું હોય, અતિવૃષ્ટિ હોય કે ભૂકંપ હોય. કુદરતમાં જે પ્રક્રિયાઓ થયા કરે છે તે થતી રહેવાની. ભૂસ્તર શાસ્ત્રીઓ કહે છે કે ભૂકંપ પૃથ્વીના પિંડની અંદર સતત ઘટતી ઘટનાનું નામ છે.

પૃથ્વીના ગોળાના મધ્યબિંદુથી ગણીએ તો પૃથ્વીની સપાટીની ઊંચાઈ ૬૩૯૦ કિલોમીટરની છે. આ મધ્યબિંદુને કોર અથવા મેન્ટલ કહેવામાં આવે છે. પૃથ્વીના મધ્યબિંદુમાં તાપમાન એટલું ઊંચું હોય છે કે ત્યાં કોઈ પદાર્થનું ઘન સ્વરૂપ હોવું અસંભવ છે. ગ્રેનાઈટ જેવો સખત પથ્થર પણ એ જગ્યાએ પ્રવાહી અથવા અર્ધપ્રવાહી સ્વરૂપ ધારણ કરી લે છે. ઊકળતો લાવા ( મેગ્મા) અને અત્યંત ઊંચા તાપમાન ધરાવતી આ ભઠ્ઠીને એસ્થિનોસ્ફિર કહેવામાં આવે છે. પૃથ્વીના ગોળાનો આ મધ્ય્ભાગ પ્રવાહી અથવા અર્ધપ્રવાહી સ્વરૂપનું હોવાથી સ્વાભાવિક છે કે તે સતત ગતિશીલ અને અસ્થિર હોય. સખત ખડકને પણ થોડી પળોમાં ઓગાળી નાખતો પૃથ્વીના આંતરિક મધ્યભાગ આવેલો અગ્નીકુંડ એકાદ ડઝન જેટલી અનિયમિત આકારની વિશાળ શીલાઓ ( પ્લેટસ )થી ઢંકાયેલો છે. આ શીલાઓને ટેટોનિક્સ પ્લેટ્સ કહેવાય છે. પૃથ્વી ઉપર આવેલાં તમામ મકાનો અને બાંધકામો એકાદ ડઝન જેટલી શીલાઓ પૈકી કોઈ એક શીલા ઉપર આવેલાં છે. આ પ્લેટનો આકાર અને તેની વિશાળતા આપણી કલ્પના શક્તિની આકરી કસોટી કરી લે તેવી છે. હવે વિચારીએ કે પૃથ્વી પર આવેલા ભૂખંડો જેટલી શીલાઓ જે તરલ પદાર્થ ઉપર પડેલી છે તે સ્થિર તો રહેવાની નથી જ. ભૂસ્તરશાસ્ત્રીઓ કહે છે કે આ પ્લેટસ આપણાં શરીરના નખના વૃધ્ધિ દરના હિસાબે સરકે છે. આગ સ્વરૂપ રગડા પર પડેલી અનિયમિત આકારની શીલાઓ સમયાંતરે એકબીજા સાથે ટકરાય છે.

ભૂકંપનું પહેલું અને મુખ્ય કારણ તોતિંગ શીલાઓ વચ્ચે થતું ઘર્ષણ અથવા ટકરાવ છે. બે શીલાઓની ધાર ઘસાય છે તે રેખાને ઘર્ષણ રેખા ( ફોલ્ટ લાઈન ) કહેવાય છે. મોટાભાગના ભૂકંપો ૪૦૦૦૦ હજાર કિલોમીટર લાંબી ઘોડાની નાળના આકારની ‘ પેસેફિક રીંગ ઓફ ફાયર ‘ તરીકે ઓળખાતી પેસેફિક ફોલ્ટ લાઈન પર અનુભવાયા છે. પૃથ્વીની સપાટીથી આ પ્લેટસ ૭૦૦ કિલોમીટર નીચે છે. પ્લેટસથી પૃથ્વીની ઉપલી સ્પાટી વચ્ચેની જગ્યાને લિથોસ્ફિર કહેવામાં આવે છે.

ભૂકંપ આવવાનું બીજું મુખ્ય કારણ આંતરિક ઊર્જા વિસ્ફોટ છે. પૃથ્વીના ગર્ભમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિમાં ક્યારેક ઉર્જા વિસ્ફોટ થાય છે. ગરમીને કારણે પેદા થયેલી ઊર્જા સમયાંતરે બે પ્લેટસની વચ્ચેની ધાર કે પ્લેટની તિરાડમાંથી વિસ્ફોટિત થાય છે. આ ઉર્જા વિસ્ફોટની શક્તિ અણુધડાકા જેટલી હોય છે. પૃથ્વીના પીંડમાં જે સ્થળે વિસ્ફોટ થાય તે બિંદુને હિપો સેન્ટર કહે છે અને હિપો સેન્ટરની સીધી રેખામાં બરાબર ઉપર પૃથ્વીની સપાટી ઉપર જ્યાંથી ઉર્જા બહાર નીકળે છે તેને એપી સેન્ટર કહેવાય છે. ઉર્જા વિસ્ફોટ અથવા શીલાઓના ઘર્ષણને કારણે જે મોજાઓ ઉત્પન થાય છે તેનાથી ભૂકંપ આવે છે. અને તે પછી શું શું થઈ શકે છે તે કોઈ કચ્છવાસીને જણાવવાની જરુર નથી. જેમણે ૨૦૦૧માં ભૂકંપને જોયો છે.

ભૂકંપના તરંગોની ગતિ અને માર્ગનો આધાર તેમના માર્ગમાં આવતા ભૂતલના પ્રકાર ઉપર રહેલો છે. આ ભૂતલને બેડરોક કહેવાય છે. ભૂકંપ થવાથી થતી ખુવારી તે કેવા ભૂતલ ઉપર રહેલા છે તેના ઉપર છે. ભૂતલમાં પાણી અથવા રેતીનો ભાગ વધારે હોય તો વધુ નુકશાન થાય છે. ભૂકંપ આખીય પૃથ્વી ઉપર આવી શકે છે. એટલે માત્ર જમીન ઉપર જ નુકશાન થતું નથી. મહાસાગરોના તળિયે આવતા વિનાશક ભૂકંપોને કારણે સમુદ્રમાં વિશાળ તરંગો ઉત્પન થાય છે જે સુનામી તરીકે કુખ્યાત છે. ઈન્ડોનેશિયાની આસપાસના સાગરમાં આવેલા ૨૦૦૪ના ભૂકંપ પછી સુનામીએ છેક ભારતના સાગરકાંઠે ભયંકર તબાહી સર્જી હતી. વર્તમાન સમયમાં ભૂકંપની તિવ્રતા માપવાના યંત્રને સીસ્મોગ્રાફ કહેવાય છે જેનું મૂળનામ સાઈસ્મો ગ્રાફ છે. કેલિફોર્નિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજીના ડૉ. ચાર્લ્સ એફ. રીચરે વિકસાવેલું આ યંત્ર રિચર સ્કેલના નામે પણ જાણીતું છે. આ યંત્ર જે જગ્યાએ ગોઠવાયેલું હોય ત્યાંના ભૂકંપની તિવ્રતા કેટલી હતી તે લોગેરીધમમાં દેખાય છે. ભૂકંપની તિવ્રતા માપવા માટે નવા વિકસાવેલા ઉપકરણનું નામ મર્કાલી સ્કેલ છે. આ મશીન ભૂકંપની તિવ્રતા ( મેગ્નીટ્યુડ ) ૧ થી ૧૨ એમ રોમન અંકમાં બતાવે છે. આ યંત્રો કાગળ ઉપર ભૂકંપના તરંગોને રેખાઓ દ્વારા દોરી બતાવે છે. જેનો અભ્યાસ કરી વૈજ્ઞાનિકો ભૂકંપનો સમય, ગાળો, હિપો સેન્ટર, એપી સેન્ટર અને ફોકલ ડેપ્થ ( હિપો સેન્ટરથી એપી સેન્ટરનું અંતર ) વગેરે શોધી કાઢે છે.

૨૬ જાન્યુઆરી ૨૦૦૧ના રોજ કચ્છમાં આવેલા ભૂકંપને વૈજ્ઞાનિકો વિશ્વના મોટા ભૂકંપોમાનો એક માને છે. એ વિશે થયેલાં સંશોધનો દર્શાવે છે કે એ ટેટોનિક પ્લેટ્સના ઘર્ષણના કારણે થયેલો નહોતો. ભૂજથી અંદાજે ૨૦ કિલોમીટર દૂર ૨૩.૬ ઉત્તર અક્ષાંશ અને ૬૯.૮ પૂર્વ રેખાંશ પર સપાટીથી ૧૭ કિલોમીટર નીચે ટેટોનિક પ્લેટની તિરાડમાંથી ઉર્જા વિસ્ફોટ થયો હતો. જેને કારણે ભૂકંપ આવ્યો હતો. જેની તિવ્રતા બાબતે પણ મતમતાંતર છે. પરંતુ આ બિંદુ પ્લેટની ધારથી ખૂબ જ અંદર તરફ આવેલું મનાય છે એટલે આ સ્થળે સામાન્ય રીતે આટલો મોટો ભૂકંપ ન આવવો જોઈએ એવો પણ મત છે.

પરંતુ આ તો કુદરત છે. કુદરતનું ગણિત અત્યાર સુધી ન કોઈ સમજી શક્યું છે ન તો સમજાશે.


શ્રી માવજી મહેશ્વરીનાં સંપર્ક સૂત્રોઃ ફોન નં. +૯૧ ૯૮૨૫૭૨૫૫૯૬ Email mavji018@gmail.com


સંપાદકીય નોંધ – અહીં લીધેલ સાંદર્ભિક ચિત્ર નેટ પરથી સાભાર લીધેલ છે

Author: Web Gurjari

1 thought on “સમયચક્ર : ભૂકંપ અવિરત ચાલતી એક કુદરતી પ્રક્રિયા છે

  1. નમસ્તે,માવજીભાઇ, બહુ જ માહીતીસભર લેખ. આપણે જે ધરતીને સ્થિર માનીએ છીએ, એના પર મહેલો ને બહુમાળી મકાનો ખડકીએ છીએ. એ આટલી અસ્થિર ને પળભરમાં પલટી જાય એ જાણીએ ત્યારે બીક લાગે.
    કહેવાય કે આભ,ગાભ ને ધરતીનું પેટ કોઇ કળી નથી શકતું. જોકે હવે વૈજ્ઞાનિકો આગાહીણ કરી શકે છે. એવું પણ કહેવાય છે કે અમુક પ્રાણી કે પંખીઓ એની આગાહી રુપે અમુક પ્રકારનું વર્તન કરે છે. એ સિવાય સિંકહોલ કે જેમાં ધરતી અચાનક ફાટે છે ને આજુબાજુ જે કોઇ વસ્તુ કે માણસ અંદર ખેંચાઇ જાય છે. મને લાગે છે કે આપણા સીતામાતા પણ આવા સિંકહોલમાં જ સમાઇ ગયા હશે.

Leave a Reply

Your email address will not be published.