મારું વાર્તાઘર : દસની નોટ

રજનીકુમાર પંડ્યા

કંડક્ટરે માત્ર પંચ કટકટાવ્યું. આંખનો ઉલાળો કરીને જ પૂછ્યું : ‘ક્યાં?’

મોરારે પ્લાસ્ટિકની કોથળી તૈયાર જ રાખી હતી. એમાંથી બબ્બેની નોટો દેખાતી હતી. ગણી રાખેલું. આઠ હતા. બોલ્યો : ‘આટલામાં જ્યાં લગી જવાય ત્યાં લગીની ફાડો.’

આ પંથકમાં આવા નમૂના બહુ મળે. ઉમરભાઈ ટેવાયેલો હતો. કેટલાક તો એવા મળતા જે એમ કહેતા : ‘લ્યો આ લોટરીની ટિકીટ. ટિકીટ સામે ટિકીટ આપો. ઈનામ લાગે તો મહીંથી આવી બે બસુંના ધણી થઈ જજો. અત્યારે દાંત કાઢો છો. પણ પછી રડવાનો વારો ન આવે એટલા સારું કહું છું કે આ લોટરી નથી, પણ રૂપિયાનું બિયારણ છે.’

ઉમરે એમ કહેનારનું એક વાર મોં સુધી જોયું હતું. ‘કંટ્રી’ની વાસ આવતી હતી. એને પૂછ્યું : ‘ચડવીને નીકળ્યો લાગછ?’ જવાબમાં : ‘ત્યારે જ આવી ઊંચા માઈલી વાતું થતી હોય ને !’ ઉમરભાઈ જાણતો હતો. જે ગામથી એ ચડ્યો હતો એ આખું ગામ ભઠ્ઠીપરા કહેવાતું. ગામમાં ચૂલા કરતાં ભઠ્ઠીઓ વધારે હતી. ‘શરમ નથી આવતી ? દારૂ ગાળવાની ભઠ્ઠી ચલાવો છો ?’ જવાબ : ‘પીવાજોગું ઘેર જ ગાળી લઈએ એ તો આપઝલાઈ (સ્વાવલંબન)ની નિશાની, માસ્તર ! લે આ લોટરી ને ફાડ ટિકીટ ! એસ.ટી.ને ન્યાલ થતી રોકનાર તું કોણ, ટિકીટમાસ્તર !’

એ વખતે પણ આ મોરાર બસમાં બેઠો હતો.આજે પણ એ બેઠો છે. લુલજરથી બેઠો છે. પણ ક્યાં જવું છે ? તો કે ‘આઠ રૂપિયામાં જવાય ત્યાં લગી’. મતલબ સાફ છે. લેવી છે એને બાર રૂપિયાવાળી ટિકીટ. જવું છે ઠેઠ રાજકોટ. પણ રૂપિયા પૂરા આપવા નથી. ભઠ્ઠીવાળા દારૂ પીને બોલે છે. જ્યારે આની રગ-રગમાં દોંગાઈ છે, ને ત્યારે આવું બોલે છે.

‘આઠમાં તો રાજકોટ નહીં પહોંચાય દોસ’ ઉમરે ચાલુ બસના હડલા ખાતાં ખાતાં કહ્યું:’જંગલીયા વહેળાને પાટીયે ઉતરાય, બોલ ફાડું ? કે પછી તારા મનમાં જે પડ્યું હોય એ કહી દે.’ એણે પંચનું ટકટક કર્યું. અંડરલાઈન કરી જાણે.

‘રાજકોટ નથી જવું. જવું તો છે દૂનાસર.’ એમ બોલવાને બદલે મોરારે કહ્યું : ‘આઠમાં જવાય ત્યાં લગીની ફાડો….’

‘ખા ઠેબા ત્યારે !’ ઉમરે રૂપિયા લઈ લીધા. ટિકીટ ફાડી. મનમાં સવાલ ચમક્યો. ‘સાળાને કોણ જાણે ક્યાં જવું હશે ?’ ને સવાલને ઠારી પણ નાખ્યો: ‘આપણે શું પંચાત ? મરશે. જ્યાં જવું હોય ન્યાં જાઈની!’

મોરારના મનમાં ગણતરી ચાલુ થઈ ગઈ. જંગલીયાના વહેળાના પાટીયેથી દૂનાસૂર કેટલું થાય ? એકાદ વાર એ પંથકમાં ગયો હતો. કમ સે કમ બાર કિલોમીટર. આ બસ ત્યાં થઈને જ રાજકોટ જાય. જવું છે દૂનાસર, પણ લઈ કોણ જાય ? દોઢ બે રૂપિયા જ દુનાસરના ભાડામાં ખૂટ્યા કહેવાય ને ! અરે ? એના મનમાં પાછલા વિતેલા કલાકોની વિંટાઈ ચૂકેલી કમાન ઉખળી. આ આઠ રૂપિયા માટેય કેવા કેવા દાખડા કરવા પડ્યા ? ઓહોહો…. ઓહોહો….ઓહોહો…. બાએ પહેલાં રસોડામાં તપેલાં પછાડ્યાં. પછી તાવીથો લોઢીમાં જોરજોરથી ઘસ્યો. પછી વઘારનો જોરદાર છમકારો આપ્યો અને ‘ ઠોં ઠોં’ કરવા માંડી. આ બધું જ દૂનાસર સુધી જવાની ખર્ચી માગી એના જવાબમાં. મોરારે બાપ સામે એ વખતે ટેકાના બે વેણ માટે જોયું તો એ પાઘડી માથે મૂકીને બહાર જવાનું પરિયાણ કરવા માંડ્યા. બાનો પડતપો જ એવો હતો. બાપને બહુ તપારો લાગતો ત્યારે બહાર ચોરે બેસવા જતા રહેતા. ત્યાં જઈને બહાદુરીની વાતો ખોંખારી ખોંખારીને કરતા ત્યારે એમની બે પગ વચ્ચે ઘલાઈ ગયેલી પૂંછડી કલ્પીને મોરાર મનોમન રમૂજ પણ અનુભવતો અને પીડા પણ. સમજણો થયો ત્યારથી આજ અઠ્ઠાવીસ વરસની ઉંમર લગી જોતો આવ્યો. આજે પણ એમ જ. એન્જીન વરાળ છોડવા માંડે એમ બાએ રાંધણીયામાંથી જ ગોગડી બોલીમાં જીભની કાતર ચલાવવા માંડી. ‘મારા રોયાને પરણવા ઊપડ્યો છે. ઉઠીયાણ ! પહેલાં બે પૈસા લાવતો તો થા. બાયડીને શું ખવડાવીશ ? તારા ડોસાનું કપાળ ? મારા હાથના રોટલા કડવા લાગે છે? વામીટ થઈ જાય છે ?’ એ પછીના વેણ અનેક. પણ સીંદરીના દડા જેવા. વીંટાયેલા જ સારા. મોરારને ઘણું મન થયું કે તું તો મારી સગ્ગી મા છો કે સાવકી ? તારે પેટે પડ્યો એ મારો ગુનો ? માવડી, મહિનો આખો રાતદિવસ નામું લખીને ચારસે રૂપિયા ઘરમાં કોણ નાખે છે ?તેં મને ભણવા દીધો ? સારી નોકરી ભેગો થાવા દીધો ? ધાવણમાં ય કટકટારો પાયો હશે. રોટલામાંય ખવડાવ્યો. મારા બાપ તો ઠીક કે તારા માટે પારકું લોહી. પણ હું ! હું તો તારી જ કોથળીનો છું ને ?’ પણ આવું કાંઈ બોલાયું નહીં. સામેના સુસવાટા જ એવા હતા. કાયમના એવા. ધરાઈને કદી ધાન ખાવા દીધું નહીં. કદી માથે શીળો હાથ ફેરવ્યો નહીં. સદાયનો તીરના ઘાએ રાખ્યો. દાદી જીવતી હતી ત્યારે કહેતી એમ કોઈક આસુરી આત્મો. મોરારે નિશ્વાસ નાખ્યો અને ઊઠીને બાપની પાછળ પાછળ બહાર નીકળ્યો. છ ડગલાં ઝડપથી ચાલીને આંબી ગયો. સાદ પણ ન દેવો પડ્યો. એમણે જ પાછું વાળીને જોયું. કોઈ અણદીઠો ગાળીયો ગળે પડ્યો હશે. પાછું વળીને જોયું તો મોરાર હેબક ખાઈ ગયો. અંદર કોઈ ભયાનક પીડા ઉપડી હોય ને દર્દીનો થઈ ગયો હોય એવો એમનો ચહેરો થઈ ગયો હતો. ત્રાસી ગયેલી સિકલ. ધોળી ફરફરતી લાંબી મુછોની નીચેથી હોઠ કંઈક બોલવા માગે એમ વરતાય. પણ છૂપું સિલ માર્યું હોય એમ પણ ચોખ્ખું વરતાય. મોરાર ફરિયાદના શબ્દો ગળી ગયો. સીધો ખુલાસે આવી ગયો : ‘મારી ભૂલ કહેવાય કે મેં માગ્યા. આવતા પગારે ગયો હોત તો શું વાંધો હતો! હવે જાવા દો, બાપુ, દુઃખી થાઓ મા. મારી બાની વાત આમ સાચી છે. મારે ક્યાં ઉતામર ફાટી જાય છે?’

“તને એ લોકોએ આજે જ બોલાવ્યો છે ?”

“બોલાવ્યો છે તો આજે જ.” મોરાર બોલ્યો :

“પણ એમાં ન જાઉં તો ક્યાં આભ તૂટી પડવાનું છે ?”

“કોણ કહ્યા તેં ?” બાપુએચાલતાં ચાલતાં અટકીને પૂછ્યું : ‘હું નામ ભૂલી ગયો.’

“જીવરાજ કાનજી.” મોરારે પણ યાદ કરવું પડ્યું: “સાખે ઉસદડીયા… હમણાં લગી આફ્રિકે હતા. ત્રણ ચાર વરસથી આવ્યા છે. દૂનાસરમાં ખેતી છે. કંત્રાટીનું પણ કરે છે.” પછી બાપાએ નહોતું પૂછ્યું તોય કહ્યું : “રૂડાબાપાનો મનજીડો બધું ગોઠવી આવ્યો છે.”

“મનજીડો પોત્યે ભેળો નથી આવતો ?”

“એને આજે ખેતરે વાહોલવા જાવાનું છે. રૂડેબાપે મના કરી કે મોરાર ભેગું નથી જાવાનું. મનજીડો આવીને કહી ગયો કે તું એકલો જ જઈ આવ !”

“આ નવું !” ત્રણ ભેંસ સાંકડી ગલીમાં ચાલી આવતી હતી એટલે બાપુ એક તરફ થઈ ગયા. મોરારને પણ બાવડું પકડીને ખેંચી લીધો. વાત સાંધી : “માણાહ પહેલાં મા-બાપ હાર્યે વાત કરે કે સીધો મૂરતીયાને સાધે?”

“સુધરેલા છે. મનજીડા સાથે કેવાર્યું કે પહેલાં છોકરો પાસ કરે પછી જ વડીલોને બરકવાના. એ વળી શું કે છોકરાને ઘીરેથી આખું ઘાડિયું છોકરી જોવા આવે ! મા-બાપ, ભાઈ-બહેન, કાકો-મામો…”

“કપાળે કપાળે નોખી મતિ.” એ બોલ્યા : “જઈ આવ ત્યારે.”

મોરાર બોલતાં ખચકાયો. કેવી રીતે જવું ? જવા આવવાનું ભાડું તો…

પણ બોલવું ન પડ્યું. બાપુ ખીસામાં ઊંડે ઊંડે હાથ નાખતા હતા. બધું કાઢતા હતા.પહેલાં ચલમના સૂકાની પડીકી કાઢી. પછી સહકારી મંડળીની ખાતરની બેવડ ત્રેવડ વળી ગયેલી પહોંચ કાઢી. કોર વળી ગયેલી રેવન્યુ સ્ટેમ્પ, માચીસની ડબ્બી. પછી બબ્બેની નોટો કાઢી. ચાર નીકળી. એમ ને એમ ડૂચ્ચા હાલતમાં જ મોરારના હાથમાં આપી દીધી. “ચંપલ પહેરવાય ઘેર જઈશ મા. લે આ…” એમ કહીને એમણે પોતાના પાવલા (રબ્બર ટાયરના સસ્તા ચંપલ) કાઢ્યા : “આ પહેરી લે, ને વેતી મેલ…”

“આ ને આ લુગડે જાઉં ?” મોરારે પૂછ્યું: “કાંઈક ધોયેલા તો જોશે ને?”

“હવે રે’વા દેને !એક વાર ઘેર જઈશ તો પછી નીકળી રહ્યો.” એ મોરારનાં કપડાં સામે જોઈને સમજાવટના સ્વરથી બોલ્યા : “જોનાર તને જોવાનું છે. લૂગડાંને નહીં.” પછી નિ:શ્વાસ નાખીને બોલ્યા: “લૂગડાં તો જો ને માણસ કેવાં ધજમાં ધજ પહેરે–ઓઢે છે ? પણ આત્મા કેવા આસુરી હોય છે! જોતો નથી?”

આ આખી વાતચીતના વેણેવેણ યાદ આવતા હતા આખા બસરસ્તે !

પણ ત્યાં તો જંગલી વહેળે ટિકિટમાસ્તરે ઉતારી મેલ્યો. કહ્યું : ‘ થા હાલતીનો! બીજા સાટુ મગન થાય !

એ ઉતરીને ચાલવા માંડ્યો.

**** **** ****

“આંયાં વયા આવો.”

બસ. આટલો જ આવકારો.

મોરાર નજીક ગયો. એટલે હાથની ઈશારતથી એને ખાટલામાં સમાયે બેસાર્યો. મોરારના બુશર્ટની ફાટેલી ખાંપાવાળી બાંય બરાબર જીવરાજભાઈની નજર સામે જ આવી. મોરાર ખસિયાણો પડી ગયો. હાથથી એને ઢાંકીને બોલ્યો : “આજે જ બસમાં…”

“તમારા બાપા શું કરે છે?”

મોરાર છોકરીની દિશામાં જોવા માંડ્યો. છોકરી ફરી વાંચવામાં મશગુલ થઈ ગઈ. મોરારે નજરને વારી લીધી. બોલ્યો: “ખેતી છે. ચાલીસેક વીઘાનું પડું છે.”

“ભાઈ-બહેન?”

“કોઈ નથી.”

“કેટલું ભઇણા તમે? શું કરો છો ?”

“અગ્યાર ધોરણ…. ખાનગી દુકાનમાં બેસું છું.” પછી પૂછ્યું નહોતું તોય કહી નાંખ્યું : “મહિને સાડી ચારસો– દિવાળીએ એક આખો પગાર બોનસ, બે જોડ લૂગડાં… આગળ ઉપર નવી દુકાન સોંપવાની બોલી કરી છે…”

પાણી પીતાં પીતાં મોરારે વિચાર કર્યો. આફ્રિકાથી આવીને પાછા અહીં ઠામ થયેલા આ માણસને આટલું કાફી લાગશે ? ફરી ફરી વિચાર આવ્યો. કાંઈક વધુ કહ્યું હોત તો ? જેમ કે નવસો પગાર. બે બોનસ…પછી હસવું આવ્યું. અરે. એમાં તો પકડાઇ જવાય. કારણ કે મનજીડો અહિં આવ્યો ત્યારે સાચું ભખી ગયો હોય તો ?તો તો આ જ મિનીટે કહી દે કે ‘હાલતીના થાવ… બનાવટ કરો છો ?’

બીજા તીખા સવાલના સાચા જવાબ માટે એ તત્પર થઈ ગયો ત્યાં એકાએક જીવરાજભાઈ બોલ્યા : “અમે આફ્રિકાવારા જૂનવાણી લાંબા લહરકમાં માનતા નથી. ટૂંકી વાત…” એમણે છોકરી તરફ આંગળી ચીંધી: “જુઓ. આ બેઠી બેઠી વાંચે ઈ મારી બેબી. પ્રજ્ઞા નામ છે. તમે જોઈ લ્યો.”

“મતલબ?” મોરારથી અનાયાસ જ પૂછાઈ ગયું.

“પહેલાં અહીં બેઠાંબેઠાં જ જોઈ લ્યો.” બાપા બોલ્યા : “પછી સિકલ તમને ઠીક લાગે તો વાં જાઓ. જઈને મળી લો, બે વાત કરો. અહીં ફળીમાં બેઠાં બેઠાં જ. પછી તમે એને પાસ પડો. તમને ઈ પાસ પડે તો પછી તમારા મા-બાપને મોકલો. કાં અમે તમારે ત્યાં આવીએ. પણ પહેલા તમે અહીં બેઠાં બેઠા જ જોઈ લ્યો.”

બહુ અકળામણ થઈ આવી મોરારને. છોકરીને એના બાપની હાજરીમાં ટકટકી માંડીને કેવી રીતે જોવાય? એ આખો સંકોચ સંકોચ થઈ ગયો.પણ અચાનક એનું ધ્યાન પડ્યું કે છોકરી પણ એના સામે ટગરટગર જોઈ રહી હતી. ચોપડી બંધ કરીને ખાટલીમાં મૂકી દીધી હતી. મોરાર એની સામે જોઈ રહ્યો. છોકરી, છોકરી છતાં પુખ્ત, પૂર્ણ વિકસીત લાગે… આંખોમાં સવાલ. સવાલ કે વિસ્મય ? રૂપાળી એટલે કે ધોળી ! બા જેવી ધોળી? ગોરી ? એકાએક મોરારના વિચારોમાં જાણે કે ગાંઠ આવી ગઈ. બાની વાત આમાં ક્યાં આવી ? વિચારોને છંટકોરી નાખવા હોય એમ એણે માથું ધૂણાવી નાખ્યું. પછી ફરી સ્થિર થઈ ગયો. ગરદન, બાવડાં, ડોકની માળા, છાતીનો ઉભાર… ફરી એકાએક એને બા શા માટે યાદ આવી ગઈ ? ઓહ, પણ આ વેળા એણે માથું ન ઝટકાર્યું. ભલે થોડી વાર એ સાવ બાળક થઈ ગયો. હજુ સુધી બાળપણની છાંટ જળવાઈ રહી હતી. બા અચાનક ધાવણ વછોડાવીને ઉભી થઇ જતી. ખાલી હોઠ બુચકારા બોલાવ્યા કરતા અને પછી શાંત થઇ જતા. બસ એટલે જ અંદરથી કોઈ અતૃપ્ત અતૃપ્ત કામના જાગી, સળવળી અને શાંત થઈ ગઈ. છોકરી ખોળામાં બે હાથ રાખીને બેઠી હતી. અચાનક પછી એ આડું જોઈ ગઈ.

“મળી લઉં.” મોરાર બોલ્યો.

“ખુશીથી…” જીવરાજભાઈ બોલ્યા : “જાઓ…”

મોરાર ઊભો થયો. ચાર ડગલાં આગળ ચાલ્યો ત્યાં જ પોતાનાં મેલાંદાટ ચોળાયેલા કપડાં, સસ્તા પાવલા ચંપલ, બાંયે આવેલ ખાંપાનો, તેલ વગરના વાળના ઉડુઉડુપણાનો તીવ્ર અહેસાસ થયો. મને તો એ આમ દેખાવે પાસ પડે છે. પણ હું ? ન પાસ પડું તો ગામમાં પાછા ગરતાં પગ કેમ ઉપડશે?

છતાં એ આગળ ચાલ્યો. પાછળથી ખોંખારો સંભળાયો. મોરારે ચમકીને જોયું. કંઈ ખોટું થયું? ના, એ તો જીવરાજભાઈ અંદરના ઓરડે જતા રહ્યા એનો સંકેત. ફળીયામાં હવે ખુલ્લું એકાંત.

“આવો ને!” પ્રજ્ઞા હસી ત્યારે એના અવાજની ઓળખ થઈ. થોડો થોડો બા જેવો અવાજ હતો. ઓહ, ફરી બા ! એણે જીભ પરથી કોઈ ફોતરી ઉડાડી દે એમ વિચારને ઉડાડી મેલ્યો. એ આગળ આવ્યો. સહેજ ડોકી લંબાવી. પછી પ્રજ્ઞા ખાટલીમાં એકદમ દૂર જઈને બેઠી એટલે એ સાવ ઈસ પર બેઠો. પછી પૂછ્યું:

“કેમ છો ?”

“અમને શું વાંધો છે?” એ હસીને બોલી : “તમે આવ્યાથી વિશેષ આનંદ.”

“સરસ સરસ બોલો છો.” મોરાર બોલ્યો: “અમને આવું બોલતાં ન આવડે.”

પ્રજ્ઞા બોલી : “કંઈ જરૂરી થોડું છે ? મીઠું બોલતાં તો પોપટને પણ આવડે.”

“તમારા ફાધર…” મોરાર ખાસ બાપુજીને બદલે ‘ફાધર’ શબ્દ બોલ્યો. આફ્રિકાવાળા હતા ને!: “એમણે કહ્યું કે દૂરથી પહેલાં જોઈ લો. પાસ પડે તો પછી જ વાત કરવા જાઓ.”

પ્રજ્ઞા લજ્જાથી નીચે જોઈ ગઈ : “પણ વાત કર્યા પછી પાસ ન પડે તો ?”

“કોને?” એકદમ મોરારના મનમાં હતું તે જીભે આવી ગયું : “તમને હું પાસ ન પડું એની વાત કરો છો ?”

પ્રજ્ઞા જરી હાંફવા માંડી. એની છાતીના ઉભારમાં હાંફ ઉછળતી હતી. મોરારના મનમાં ઉથલપાથલ થઈ ગઈ. બીજી કોઈ વ્યક્તિના ચિત્રને એણે મનમાં આવતાં માંડ રોક્યું. છતાં મનમાં બળતરા તો ઉઠી જ. દાદી અને ફઈબાના શબ્દો યાદ આવી ગયા. પણ તુરત જ મનનિકાલ કરી નાખ્યા.

પ્રજ્ઞા પોતાના નખ જોવા માંડી. મોરાર સમજી ગયો. આણે જવાબ નથી આપ્યો. હું પાસ ન પડું તો? એમ પૂછ્યું. એના જવાબમાં છૂપો જવાબ મળી ગયો- નથી જ પડ્યા. પડ્યા હોત તો તો ‘પાસ પડ્યા છો’ એમ ખખડીને કહી જ ન દેત ! વાજબી છે. એ ક્યાં ? હું ક્યાં ? છતાં….

“મારો પગાર સાડી ચારસોમાંથી સાડી પાંચસો તો આ દીવાળીએ જ થઈ જશે.” એ બોલ્યો: “મુંબઈ લઈ જવાની પણ શેઠની વાત છે. મુંબઈની જિંદગી તો તમે જાણો ને ! ભલે આફ્રિકા જેવું નહિં હોય પણ ગામડાગામમાં ન હોય એ બધુંય ત્યાં હોય. તમને શું કહેવાનું હોય! આફ્રિકાથી આવતા હોય એને ગામડાની જિંદગી ન જ ગમે.એટલે કઉં છું.”

બહુ ભોળો ચહેરો કરીને પ્રજ્ઞાએ એની સામે જોયું. પૂછ્યું : “ચા પીઓ છો ને ?”

ડોકી હલાવીને મોરારે હા પાડી. ચા શું ? પેટમાં બિલાડા બોલતા હતા. ને આ હજુ પૂછે છે ‘પીઓ છો ને!’ મોરારે હાથની હથેળીથી ફરી બાંયના ખાંપાને ઢાંક્યો. ત્યાં પ્રજ્ઞા ઉઠીને અંદર ચાલી ગઈ.

મોરારે જોયું. ફળીયામાં થોડાં ચકલાં ઉડાઉડ કરતાં હતા. બાકી કોઈ જ નહોતું. આસપાસ નજર ફેરવો તો પણ બે મિનિટમાં લપેટો લેવાઈ જાય આખા ફળીયાનો. હવે જોવામાં બહુ રસ પણ શું ? નાપાસ…. નાપાસ….એને આપણા જેવા મુફલીસ ક્યાંથી ગમે? કેવી ભણેશરી હોય ? કેવું કેવું વાંચતી હોય ? મોરારે બંધ કરેલા પુસ્તક તરફ જોયું જે થોડીવાર પહેલાં એ વાંચતી હતી. શેનું પુસ્તક હશે ? એણે હાથમાં લીધું. ખોલ્યું. અંદરથી એક લાલ પેન્સીલ નીકળી. એમાં ઠેરઠેર લાલ લીટા કર્યા હતાં. પણ પુસ્તક શેનું હતુ? ઓહ! નવી નવી વાનગીઓનું હતું !અંદર રંગીન ચિત્રો પણ હતા. વાંચવા કરતાય જોવાનું ગમે એવું વધારે. એણે પાનાં ફેરવ્યાં. એકદમ એક પાને આંગળી અટકી. અરે! અંદર દસની નવી કડકડતી નોટ પડી હતી. મોરારની નજર ખોડાઈ રહી. દસની નોટ ! કેટલી બધી મોટી અસ્કયામત ? બસભાડું આખું નીકળી જાય.આરામથી ઘેર પહોંચી જવાય. પણ બીજી ક્ષણે એને વિચાર આવ્યો. ક્યાં આપણી હતી ? આ દસની નોટ કે નોટવાળી ? એણે જેમની તેમ નોટ મૂકીને પુસ્તક બંધ કરી દીધું. હતું તેમ મૂકી દીધું. ખાલી ખિસ્સાના વિચારો આવવા માંડ્યા.

એણે જોયું. સામેથી પ્રજ્ઞા હાથમાં ટ્રે લઈને આવતી હતી. ચહેરા પર સ્મિત હતું. ટ્રેને નીચી કરી ત્યારે ખબર પડી કે એમાં તો ફળફળતી ચા સાથે નાસ્તાની મોટી બધી પ્લેટ પણ હતી. બટાટાપૌંઆ હતા. ઉપર દાડમ ભભરાવીને ચમચી ખોસેલી હતી.

“આટલું બધું ?”

“કંઈ આટલું બધું નથી.” એ બોલી અને ખાટલી પર ટ્રેને મૂકીને અંદર બાજુ પર મૂકેલો પાણીનો ગ્લાસ એણે ધર્યો. જરૂર જ હતી. મોરારનું ગળું ક્યારનું સૂકાતું હતું. પ્લેટ લંબાવી, ભૂખ તો એટલી બધી કકડીને લાગી હતી! પણ થોડું એમ બધુ સામટું ઝાપટી જવાય!

“તમે બનાવ્યા?’” એણે ખાતાં ખાતાં પૂછ્યું.

પ્રજ્ઞાએ સ્મિત કર્યું : “કેમ ? ગળે ઉતરે એવા નથી ?”

“અરે, શું વાત કરો છો? એવું હોય ?” મોરાર બોલ્યો, ને બીજી મોટી ચમચી ભરીને મોંમાં મૂકી : “ફસક્લાસ થયા છે.” પછી ‘આવા તો કદી ચાખ્યા નથી’ એમ બોલવું હતું, પણ કેવું ખરાબ લાગે ? એણે પ્રજ્ઞા સામે જોયા કર્યું. પૂછ્યું : “તમે નહીં લ્યો?”

“મને જોવું બહુ ગમે.”

ખરેખર! જોવું બહુ ગમતું હશે કોઈને ખાતું ? મોરારે એની આંખોમાં વાંચવા પ્રયત્ન કર્યો. સંતોષથી જોયા કરતી હતી એ નક્કી… મોરારે ઊભા થઈ ખૂણામાં જઈ જરા આંગળીઓ ધોઈ. આજે ખાઈ લો આના હાથનું. જીંદગીભર ખાનાર તો પેદા થઈ ચૂક્યો હશે કોઈ નસીબદાર.

“ચા….” પ્રજ્ઞાએ ઢાંકીને રાખેલી ચા લંબાવી. મોરારે લીધી – પણ રકાબીમાં કાઢીને સબડકે થોડી પિવાય? કેવું ખરાબ લાગે ? હોઠ દાઝે તો પણ કપ જ મોંએ માંડવો જોઈએ. પણ હોઠ વધુ પડતા દાઝ્યા.ચા ઢળીને પોતાના જ કપડાં પર પડી… કેવું ખરાબ ? મોરારને શરમ શરમ થઈ ગયું. એ કપ નીચે મૂકીને અધૂરા પાણીના ગ્લાસથી શર્ટનો ડાઘ સાફ કરવા ગયો. ત્યાં એ જ ઊભી થઈ. “રહેવા દો… પહેલાં પી લો… ડાઘ તો પછી ય ધોવાશે. હું ધોઈ દઈશ…”

ઠીક છે આ બધો લોલોપોપો. મોરારને મનોમન હસવું આવ્યું. આ બધી કાંઈ જ જરૂર નથી. જરૂર શેની છે હવે ?

એનું ધ્યાન પુસ્તક તરફ ગયું. હવે જવું જોઈએ–શર્ટનો ડાઘ પણ ધોવાઈ ગયો હતો. સુકાવા પણ આવ્યું, એટલે હવે નીકળી જવું જોઈએ. સાડાચાર વાગ્યા. હાઈવે ઉપર આવતાં પાંચ વાગશે. ખાલી ખિસ્સે બસમાં કોણ બેસારશે? કોઈ ટેમ્પો મળે તો મળે, નહીં તો પગની કઢી. જવાય ત્યાં લગી….

ફરી એનું ધ્યાન પુસ્તક તરફ ગયું.

“ચોપડી બહુ ગમી ગઈ કાંઈ?” પ્રજ્ઞાએ પૂછ્યું.

“ચોપડી તો નહીં.” મોરાર બોલ્યો: “એમાંની એક ચીજ.”

“એમ?” પ્રજ્ઞાની આંખો આશ્ચર્યમાં પહોળી થઈ ગઈ: “કઈ વાનગી ? તમે પણ સવાદિયા છો ? એમ?” એ આખી હસુંહસું થઈ ગઈ.

મોરારના મોઢા ઉપર મૂંઝવણનું જાળું ઊભરાઈ આવ્યું. વળી અચાનક પેલા બાંયના ખાંપા ઉપર હથેળી ગઈ. ન બોલવાનું નક્કી કર્યું હતું, પણ એ જ ટાણે અંદરથી ધક્કો ઊઠ્યો. એનાથી બોલાઈ જવાયું : “અંદર દસની એક નોટ…”

“હા છે.” પ્રજ્ઞા બોલી : “રજકાવાળો હમણાં આપી ગયો. મેં પુસ્તકમાં મૂકી છે.”

“એ…” મોરાર બોલ્યો : “એ મને આપી શકશો?”

પ્રજ્ઞાને સમજાતું નહોતું. કેમ આ માણસ આમ ગળચવા ગળતો હતો ?

“મારી પાસે…” મોરાર ગળા નીચે થૂંક ઉતારીને બોલ્યો : “મારી પાસે પાછા મારે ગામ જવાનું ભાડું નથી. આવવાનું અર્ધુંપર્ધું હતું. આવી ગયો, પણ હવે પાછા કેવી રીતે જવું એ સવાલ છે. મેં કહ્યું નહોતું?” એ શ્વાસ ખાઈને બોલ્યો: “હું તો સાવ મુફલીસ માણસ છું. સાડી ચારસોની નોકરી પણ હવે ટકે ત્યાં સુધી ટકે.”

પ્રજ્ઞા એની નજીક આવી. પુસ્તક હાથમાં લીધું. દસની નોટ અંદરથી કાઢી અને એક ક્ષણ એના તરફ જોઈ રહી. પછી લંબાવી. બોલી : “હું બધું જ જાણું છું. બધું જ. મનજીભાઈએ મને બધું જ કીધું છે. તમારા બાપુ, તમારાં બા…. એમની બાબત…”

મોરાર આખો અંદરથી હલી ગયો. ખલ્લાસ…!

“હું તો ઉછીના માગું છું હો.” એણે દસની નોટ હાથમાં લીધી: “બેચાર દિ’માં જ પાછા મોકલી દઈશ. લગભગ તો મનજીડા હારે જ…”

પ્રજ્ઞા એકદમ સ્થિર નજરે મોરાર તરફ જોઈ રહી. એનો આખો ચહેરો કશુંક બોલતો હતો. જે જીભ બોલી શકતી નહોતી. છતાં માંડ માંડ એ બોલી : “કોઈ સાથે મોકલવાની જરૂર નથી.”

“એવું હોય કાંઈ?” મોરાર બોલ્યો : “કોઈના ઉછીતા પાછા તો આપી દેવા જોવે ને ?”

“આપજો ને!” પ્રજ્ઞા બોલી: “દસના અગીયાર કરીને આપજો….” પછી જરી લજવાઈને, જરી અટકીને બોલી : “આપણા હથેવાળા વખતે પહેલાં હું જ શુકનમાં માગી લઈશ.”

એણે છાતી પર કસકસીને છેડો વીંટ્યો. મોરાર એકાએક જુવાન થઈ ગયો.

**** **** ****

આ વાર્તાની સર્જનપ્રક્રિયા

દરેક વાર્તાનું મૂળ શોધવાનું અઘરું છે. કારણ કે એના મૂળ સુધી જવાની કેડી અમુક હદથી આગળ વધ્યા પછી લેખકને પોતાને અગોચર પ્રદેશમાં ખેંચી જતી હોય છે. આમ તો ‘અગોચર’ એટલે કશોક અમૂર્ત પ્રદેશ કે જે કદી નજરે નથી ચડવાનો. પણ એકદમ જૂની કાઠીયાવાડી બોલીમાં અગોચરમાંથી ઉચ્ચાર ‘અઘોચર’ થઈ ગયો અને એ સાથે જ એના અર્થ ઉપર પણ બહુ બિહામણો રંગ ચડી ગયો. ‘અઘોચર’ એટલે જ્યાં જવાથી સાપ-વિંછી કે એવા કોઇ ઝેરી જીવ કરડી જવાનો ભય હોય. ‘ત્યાં માળીયે ચડતો નહિં, ત્યાં એકદમ અઘોચર જેવું છે.’ એમ વડિલો બાળકોને કહેતા. ત્યાં ‘અઘોચર’ના અંધકારમાં પડેલી અનેક અવ્યવસ્થિત, અસ્તવ્યસ્ત, સાફ કરાયા વગરની, નકામી, કટાઇ ગયેલી, તૂટેલી, ફૂટેલી, અડકતાંવેંત વાગી જાય અને લોહી કાઢે તેવી વસ્તુઓ ઘણા લાંબા સમયથી પડી રહી હોય અને ઝેરી જીવોનું આશ્રયસ્થાન બની રહી હોય.

પણ મારી મૂળ વાત પર આવું તો મારી અનેક વાર્તાઓ આવા ‘અઘોચર’માંથી આવી છે. એના કોઇ ખૂણે જૂનો, વિસરાયેલો અને તદ્દન નક્કામો બની ગયો હોય તેવો કચરો ધૂળ ખાતો પડ્યો હોય પણ અચાનક એમાંથી જ કંઇક અણધાર્યું, અચાનક સ્ફૂરી આવે અને એમાંથી વાર્તા સાવ ‘અન-આયાસ’ કાગળ પર ઉતરી આવે. સર્જનની આ ગૂઢ પ્રક્રિયાને પગથિયાંવાર સમજાવવાનું અશક્ય છે.

પણ મારી આ વાર્તા ‘દસની નોટ’ સાવ એવી નથી. એના મૂળમાં તો ‘ગોચર’ એવું પણ કંઇક છે. અને એ 1955ની ફિલ્મ ‘શ્રી 420’નું અતિ જાણીતું અને અવિસ્મરણીય દૃશ્ય છે. પડી ચુકેલા યા પડવાના વરસાદની ટાઢોડાભરી ભીની સાંજે મુફલીસ નાયક (રાજ કપૂર) અને નાયિકા (નરગિસ) એક ફૂટપાથિયા ચાવાળાની સામે એક નીચી પાળી ઉપર બેસીને ચા પીતા બેઠાં હોય છે. એ બેઉ એકબીજાથી પૂરા પરિચિત પણ નથી, પણ નિકટતાની શરૂઆતની એ ક્ષણો હોય છે. નાયક પાસે ચાના બે આના ચુકવવાની સગવડ નથી, પણ પ્રુરુષ તરીકે એ ચુકવવાની પોતાની ફરજ એ સમજે છે. એટલે એ અતિશય સંકોચથી નાયિકાને પૂછે છે: ‘આપકે પાસ છૂટ્ટે દો આને હૈ ?’

નાયિકા ગરવું સ્મિત કરે છે અને હળવેથી પોતાનું પર્સ ખોલીને એની એ અપેક્ષા પૂરી કરે છે.

આમ તો એ ફિલ્મ મેં 1955થી માંડીને અનેક વાર જોઇ હતી પણ વર્ષો પહેલાં એક વાર એક મોડી રાતે એક મિત્ર સાથે હું એ આખી ફિલ્મ મારા ડીવીડી પ્લેયર પર ફરી વાર જોતો હતો અને આ દૃશ્ય આવતાં જ કોઇ અકળ હલચલ મારા ભીતરી તંત્રમાં ઉપજી આવી. એ દૃશ્ય સાથેના મારાં અનેક સંધાનો સ્મૃતિમાં ઉભરી આવ્યાં. એ પછી ‘હવે બાકીની ફિલ્મ કાલે જોઇશું’ એમ કહીને એ મિત્રને વિદાય કર્યા.

એ રાતે તો નહિં, પણ બીજે દિવસે એ અકળ પૂર્વસંધાનો સાથે ચિત્તમાં જે રસાયણ રચાયું તેમાંથી આ વાર્તા ઉતરી આવી. નાયિકા નાયકને દસની નોટ આપે છે એ ઘટના તો છેક છેલ્લે આવે છે પણ એ પહેલાંનો જે એક આખો ગોરંભો છે તે રચી શકાયો ન હોત તો એ દસની નોટ આપવાની ઘટના તો થોડી સ્થૂળ ચમત્કૃતિ બનીને જ રહી જાત.

આમ તો આ વાર્તા અન્યત્ર બે ચાર વાર પ્રગટ થઈ ચૂકી છે. ‘આર.આર.શેઠની કું.’ દ્વારા પ્રકાશિત મારા વાર્તાસંગ્રક ‘ઝાંઝર’ (1996)માં પણ મેં તેને લીધી છે. છેલ્લે આ નવેમ્બર 2019માં ગુજરાત સાહિત્ય અકાદમીના સાહિત્યિક માસિક ‘શબ્દસૃષ્ટિ’ના દિવાળી અંકમાં એક ચુનંદી ગુજરાતી ટૂંકી વાર્તા તરીકે સંપાદક શ્રી અજયસિંહ ચૌહાણ દ્વારા તેને લેવામાં આવી છે.


લેખકસંપર્ક:

રજનીકુમાર પંડ્યા,

બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦

મો.95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન-079-25323711/ ઇ-મેલ: rajnikumarp@gmail.com

Author: Web Gurjari

4 thoughts on “મારું વાર્તાઘર : દસની નોટ

  1. નમસ્તે વાર્તા પહેલા પણ વાંચી છે બહુ આનંદ થયો આપની વાર્તા કલાકારો જાણે જાદુઇ છે ખૂબ ધન્યવાદ

  2. શ્રી રજનીભાઈ,
    વાર્તા તો ગમી પણ એના તળપદી શબ્દો મનને લહેર કરાવી ગયા. ઠાંસો ઠાંસ ભરેલા આવા શબ્દો વાળી વાર્તા કદાચ વારંવાર વાંચવાનું મન થશે.
    પ્રફુલ્લ

Leave a Reply

Your email address will not be published.