વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી : કવિતામાં વ્યાવસાયિક આરોગ્ય

જગદીશ પટેલ

આ મહિનાનો લેખ વાચકોને બહુ જુદો લાગશે. આજે વાત કરવી છે સાહિત્યમાં – ખાસ કરીને કવિતામાં – વ્યાવસાયિક આરોગ્ય કેટલું ડોકાય છે તે અંગે. હું સાહિત્યકાર નથી કે આ વિષય પર સંશોધન કરનાર કોઇ અધ્યાપક નથી કે કોઇ સમાજ્શાસ્ત્રી પણ નથી. પણ રસ છે એટલે વિષય માડવાની ધ્રુષ્ટતા કરું છું.

છેક ૧૭૮૯માં બ્રિટનના જાણીતા કવિ વિલિયમ બ્લેકે ચીમની સાફ કરનારા બાળમજૂરની યાતના પર આ કાવ્ય લખ્યુઃ

When my mother I was very young And my father sold me
While yet my toung could scarcely cry “ ‘weep.’weep,’weep”
So your chimenys I sweep and in soot I sleep

શ્રમજીવીઓની યાતનાઓ અંગ્રેજી સાહિત્યમાં જે રીતે ઝીલાઇ તેવી ગુજરાતી સાહિત્યમાં ઝીલાઇ છે ખરી? અંગ્રેજીમાં વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી પર અનેક પુસ્તકો લખાયા જેમાં તબીબી વિજ્ઞાનને લગતાં ટેકનીકલ પુસ્તકો બાદ કરતાં કામદારો અને કર્મશીલોના અનુભવો અને ઇતિહાસના જોવા મળે છે. કેટલાંક ટાઇટલ આવાં છેઃ Don’t let your job kill you, Peril on the job, We offer ourselves as evidence વગેરે.

શ્રમ અને શ્રમજીવીઓને આપણો સમાજ કેટલું મહત્વ આપે છે? અબ્રાહમ લિંકને કહેલું, શ્રમ મૂડી કરતાં આગળ અને સ્વતંત્ર છે. જો શ્રમ પહેલાં ન હોત તો મૂડીનું અસ્તિત્વ જ ન હોત. મૂડી તો શ્રમનું ફળ જ છે. શ્રમ મૂડી કરતાં ચડિયાતું છે અને ઘણું વધારે ધ્યાન માગી લે છે. (Labor is prior to and independent of capital. Capital is only the fruit of labor and could never have existed if labor had not first existed. Labor is the superior of capital and deservs much the higher consideration.)

વ્યાવસાયિક આરોગ્ય વિષે ૫૦૦ વર્ષથી લખાય છે. ૧૪૭૩માં જર્મન નિષ્ણાત એલન બોગે વ્યાવસાયિક આરોગ્ય પર નિબંધ લખ્યો. ૧૫૮૭માં સ્વીઝરલેંડના પેરસેલ્સસે આ વિષયે લેખ લખ્યો. ૧૭૧૩માં ઇટાલીના બર્નાડીનો રામાઝીનીએ પુસ્તક લખ્યું. ભારતીય સંસ્કૃતિ ઘણી જુની હોવા છતાં ૧૦૦ વર્ષ જુનાં લખાણ પણ મળતાં નથી.

ગુજરાતી સાહિત્યની વાત કરીએ તો ગાંધી યુગના સાહિત્યમાં ગરીબો અને શ્રમજીવીઓ પ્રત્યે સંવેદના વ્યક્ત થતી દેખાય છે. તેમ છતાં વ્યાવસાયિક આરોગ્યની વેદના બહુ ઓછી ઝીલાઇ છે. સુંદરમ અને મેઘાણીએ બહુ તિવ્રતાથી આ વાતો પોતાના સાહિત્યમાં વણી છે.

કરસનદાસ લુહારે શ્રમજીવીઓ ની ફરિયાદ આ રીતે રજુ કરી છે.

અમારી વેદનાને એક ખુણો માંડ આપે છે,
આ છાપાંઓ બડેખાંનો બધો બબડાટ છાપે છે.

મેઘાણી લખે છેઃ

કવિ, તને કેમ ગમે
દિનરાત જેઓની નસેનસમાં
પડે ઘોષ ભયંકર યંત્ર તણા
પીએ ઝેરી હવા જે દમેદમમાં
એને શાયર શું ! કવિતા શું ! ફૂલો અને તારલિયામાં એ કેમ રમે
ત્યારે હાય રે હાય, કવિ! તુને કૃષ્ણ કનૈયાની બંસરી કેમ ગમે

એમણે બીડીઓ વાળનારીનું ગીત લખ્યું જેમાં બીડીઓ વાળનારી શ્રમજીવી નારીની છબી આબાદ ઝીલાઇ છે.

પાંદડાં કાપું – આવતી નીંદર
આંગળી વાઢે ઉંધમાં કાતર
ટેરવાં તુટે વીંટતાં સુતર બીડીઓ વાળો રે
હાંફતી છાતી, ખાંસીઓ ખાતી, બીડીઓ વાળો રે
નાકનાં પાણી લ્હોતાં લ્હોતાં બીડીઓ વાળો રે
કંથને જોશે પાન સોપારી બીડીઓ વાળો રે
લોહીના બળખા મારે આવે, બીડીઓ વાળો રે
છાતીએ ચાંપી શેકના ગોટા બીડીઓ વાળો રે

કલ્યાણી મહેતાઃ

અહીં ઝેર પીવાય છે ધીમું ધીમું
અને રોજ જીવાય છે ધીમું ધીમું

હરીશ ધોબીઃ

છાતી થૈ ગૈ છે સીદી સૈયદની જાળી જ્યારથી
ટાંક્ણું લૈ કોઇ ક્ષણ અમને પીડે છે ત્યારથી

મણીલાલ હ. પટેલ

કાળિયો મજૂર ખાય પાણીમાં રોટલો ઝબોળી, ઓધવજી
જન્મારો જાત ઘસી તોય રહ્યો કોળીનો કોળી, ઓધવજી<

>

સુંદરમની “ત્રણ પાડોશી”માં દળણાં દળી પેટ ભરતી માકોર ડોશીની વાત છે.

અંગ થાક્યું એનું આંચકા લેતું, હૈડે હાંફ ન માય
બે પડ વચ્ચે દાળ દળે તેમ કાયા એની દળાય
દળી જો દાળ ન આપે રે,
શેઠ દમડી ન આપે રે,

બીજો ઉપવાસ માકોરને થાય
ઘરર ઘરર આંજણહીણી ઘંટી ભારે થાય

વારે વારે થાકેલ હાથથી ખીલડૉ ભારે થાય

ચણાની દાળ દળંતી રે,
માકોરનો દેહ દળંતી રે
ઘંટીના ઘોર તહીં ઘેરાય.

ટી.બી. ગ્રસ્ત હીરાઘસુના ગીતમાં પાર્ષદ પઢીયાર લખે છેઃ

હીરાનું નામ મને કાળઝાળ ખોતરે ને જીવવું થયું છે સાવ હોળી
હીરાના પહેલ જેવા આરસીયા ચહેરાને માણવાના શ્વાસે ઢંઢોળી

હેમખેમ લોહી મહીં ઘુસ્યો છે રોગોની બુકાની બાંધી
ઉનાળુ શ્વાસ પહેરી લાયલાય જીવું, રૂડાં અષાઢી ઓરતાને સાંધી

લોઢા સરાણ પરે હીરો ઘસાય એમ કાળની સરાણ પરે હું
પંડયના તે મેલ જેમ સાવ હવે નક્કામો નભ્ભરમો લાગું હવે હું

અમે ૨૫ વર્ષથી ખંભાતના અકીક કામદારો વચ્ચે તેમને થતા સીલીકોસીસ મુદ્દે કામ કરીએ છીએ. પણ એમની વેદનાઓ ક્યારેય સાહિત્યના કોઇ પ્રકારમાં દેખાઇ નહી. કારણ સીધું છે. જે શ્રમજીવી છે તે આવું સર્જન કરતા નથી. જે સર્જન કરે છે તે શ્રમજીવી નથી. આપણે ત્યાં ભદ્રવર્ગીય લોકો સાહિત્ય સર્જન કરે છે. એમના અને શ્રમજીવીઓના વિશ્વ સાવ જુદા છે. ભદ્રવર્ગીયો જે સર્જન કરે છે તે તો પોતાના અનુભવો અને પોતાની કલ્પનાઓમાંથી આવે છે.

પેલા વિલિયમ બ્લેક વિષે હું બહુ જાણતો નથી. એ પેલા ચીમની સાફ કરનારા ટાબરીયા વિષે કેમ લખે છે? એનો પોતાનો તો અનુભવ નહી જ હોય. સાંકડી ચીમનીમાં અંદરથી ઉપર ચડી સાફ કરવાની. તેણે પરકાયા પ્રવેશ કર્યો હશે? તેણે એ કલા શી રીતે સાધ્ય કરી હશે અને શા માટે? એને શું મળ્યું હશે?

આજે ૨૩૦ વર્ષ પછી ગુજરાતના એક ખુણામાં બેઠેલો મારા જેવો સાહિત્યકાર ન કહેવાય તેવો એક તળનો કાર્યકર એને યાદ કરે છે તે એની સિદ્ધિ. કોઇ સમાજ્શાસ્ત્રીએ કે સાહિત્યકારે આ વિષયે સંશોધન કરવું જોઇએ.

વાચકો આ અંગે વધુ માહિતી હોય અને મોકલે તો ગમશે.


શ્રી જગદીશ પટેલના વિજાણુ સંપર્કનું સરનામું:  jagdish.jb@gmail.com  || M-+91 9426486855


સંપાદકીય નોંધ – અહીં લીધેલ સાંદર્ભિક ચિત્ર નેટ પરથી સાભાર લીધેલ છે

Author: Web Gurjari

6 thoughts on “વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી : કવિતામાં વ્યાવસાયિક આરોગ્ય

  1. જગદીશભાઈ, તમે નવો જ વિષય લઈને આવ્યા છો. “મઝા આવી” એમ તો કેમ કહું? “આંચકો લાગ્યો” એમ કહું તે વધારે સાચું છે. મોટા ભાગે આપણું સાહિત્ય મધ્યમ વર્ગનું રહ્યું છે. પરંતુ એનો અર્થ એ નહીં કે બીજાંનાં દુઃખો ન દેખાય. આમ છતાં, વાસ્તવિકતા તો એ જ છે. મેઘાણીજીની ‘ઘણ રે બોલે ને એરણ સાંભળે”નો ઉલ્લેખ કરું. એમાં તલવારને બદલે હળ બનાવવાની ચાહત લોહાર વ્યક્ત કરે છે. ‘ખેમી’ પણ વ્યવસાય, નાતજાતને કારણે સામાજિક દરજ્જો અને દુઃખની વાર્તા છે. પરંતુ એકંદરે આવું સાહિત્ય ઓછું છે.

  2. ગરીબો અને ગરીબીની પીડા વ્યક્ત થતી હોયુ તેવી કૃતિઓ તો ઘણી હશે પણ મે તો વ્યવસાયનાં જોખમોને કારણે જે પીડા થાય છે તેની વાત કરી છે .ક્યાંક ખૂણે ખાંચરે પડ્યુમ હોય તો શોધવું પડે. કૃષ્ણલાલ શ્રીધરાણીએ મલમલ વણતા કારીગરોના આંગળા કપાયા તેની વાત પોતાના કાવ્યમાં કરી છે પણ તે આર્થિક અને રાજકીય કારણો હતા

  3. “સાહિત્યમાં ગરીબો અને શ્રમજીવીઓ પ્રત્યે સંવેદના વ્યક્ત થતી દેખાય છે. તેમ છતાં વ્યાવસાયિક આરોગ્યની વેદના બહુ ઓછી ઝીલાઇ છે.”
    આપે લખેલ ઉપરોક્ત બાબત ખરેખર સમજવાની જરૂર છે. સાહિત્યકાર ની અનુભૂતિઓ શ્રમજીવીઓ ના પ્રત્યે ની સંવેદના અને કલ્પના હોય છે પરંતુ વ્યાવસાયિક આરોગ્યની વેદનાની અનુભૂતિ ફક્ત અનુકંપા ના ઉદય થકી થાય છે જે શ્રમજીવીના રોજબરોજ ના જીવન સાથે સતત સંકળાયેલા હોય તેઑ વધુ સારી રીતે ઝીલી શકે છે.
    આપ ના માં સાહિત્ય પ્રત્યેની અભિરુચિ છે અને શ્રમજીવીઓના જીવનને નજદીક થી સમજીને તેઓની પ્રત્યેની અનુકંપા કેળવીને તે વેદનાને શબ્દો દ્વારા વ્યક્ત કરવાની ક્ષમતા પણ છે. બંનેનો સમનવ્યવ પ્રશંસનીય છેજ.

Leave a Reply to S.K.Arora Cancel reply

Your email address will not be published.