ફિર દેખો યારોં : ઉંઘતા ભલે ન જાગે, જાગતા જાગે તોય ઘણું!

બીરેન કોઠારી

આફ્રિકાનાં અભયારણ્યમાં મુક્તપણે વિહરતાં જંગલી પશુઓને જોઈને પ્રવાસીને શરૂઆતમાં નવાઈ લાગે, રોમાંચ થાય, સહેજ ભય લાગે, પણ પછી ધીમે ધીમે તેનાથી એવા ટેવાઈ જવાય કે આ બધા ભાવથી પર થઈ જવાય. તેની સરખામણીએ આપણા દેશમાં રસ્તે રખડતાં ઢોર બાબતે સાવ ઊંધુ થાય. તેનાથી રોમાંચ કે નવાઈ જરા પણ ન અનુભવાય, અને તેની હાજરીથી ટેવાતા જઈએ એમ ભય લાગવા માંડે. તમે ચાહે પગપાળા ચાલતા હો યા દ્વિચક્રી કે ચતુષ્ચક્રી વાહનની સવારી કરતા હો, ક્યારે કઈ દિશામાંથી કોઈ ચોપગું પાલતૂ જાનવર તમારો કાળ બનીને આવે એ કહેવાય નહીં. એ રસ્તાની વચ્ચોવચ્ચ પણ ખોડાયેલું હોઈ શકે, કે આગળ, પાછળ યા પડખેથી ઓચિંતું ધસી આવી શકે.

આ સ્થિતિ દેશનાં મોટા ભાગનાં ગામ, નગર યા શહેરમાં પ્રવર્તે છે, જેને નાગરિકોએ તો ઠીક, સત્તાવાળાઓએ પણ સ્વિકારી લીધેલી છે. એમ તો ઘણા તંત્રવાળા રખડતાં ઢોરને પકડવા માટેનું આખું તંત્ર નિભાવે છે, છતાં આ સમસ્યાનો જડબેસલાક ઊકેલ કાઢી શકતા નથી. ચાહે સી.સી.ટી.વી. કેમેરા મૂકાય, રસ્તા પહોળા થાય, કે સ્માર્ટ સીટીના દરજ્જા માટે લાયક બનાય, આ સમસ્યા કદાચ ત્યારે જ દૂર થશે, જ્યારે રાજકારણ ભ્રષ્ટાચારથી મુક્ત બનશે કે પછી પૃથ્વી પોતાની ધરી પરનું ભ્રમણ બંધ કરશે. ગૌવંશના રક્ષણ અને સંવર્ધન માટે ‘રાષ્ટ્રીય કામધેનુ આયોગ’ની રચના થઈ શકે, તો હજી સુધી કોઈ વ્યવસાયી શિક્ષણખોરને ‘સ્ટ્રે કેટલ મેનેજમેન્‍ટ’ (રખડતાં ઢોરનું વ્યવસ્થાપન) વિષેનો કોઈ અભ્યાસક્રમ શરૂ કરવાનું કેમ નથી સૂઝ્યું એ જ આશ્ચર્ય છે!

આવી પરિસ્થિતિમાં પંજાબના ભટિંડા જિલ્લાના નગર મૌરના રહીશોએ નવી દિશા ખોલી આપી છે. આ નગરમાં મહિનામાં એક વાર, વીસમી તારીખે, એમ વરસભરના કુલ બાર દિવસ માટે ‘પશુ મંડી’ ભરાય છે, જેમાં દૂધાળાં ઢોરની લે-વેચ થાય છે. 28 એકરની આ ખુલ્લી જગ્યાની માલિકી સરકારની છે. આ નગરમાં રખડતાં ઢોરની સમસ્યાથી પરેશાન નાગરિકોએ એક ઊકેલ વિચાર્યો, એટલું જ નહીં, તેનો અમલ કર્યો. ‘પશુ મંડી’ ભરાય છે એ સ્થળનો ઉપયોગ કરવાની પરવાનગી તેમણે સરકાર પાસે માગી. આશય એ હતો કે રખડતાં તમામ ઢોરને ત્યાં મૂકી આવવાં. સરકાર તરફથી કશો પ્રતિભાવ મળ્યો નહીં. આથી આ નાગરિકોએ પોતાના વિચારને અમલમાં મૂકી દીધો. હાઈવેની આસપાસ કે તેને જોડતા માર્ગો પરથી ગામના ખેડૂતો અને અન્ય નાગરિકોએ મળીને રખડતાં ઢોરને ‘પશુ મંડી’ના મેદાનમાં ખસેડી દીધાં. એક જ મહિનામાં આશરે ચારસો જેટલી ગાયભેંસ અહીં એકઠી થઈ. દોઢ વર્ષમાં આ સંખ્યા 2,200 એ પહોંચી છે. અત્યારે અહીં કુલ 12 ઢોરવાડામાં આ પશુઓને રાખવામાં આવે છે. મહિને એક વાર મેળો ભરાય ત્યારે ચાર ઢોરવાડામાં તેમને સમાવી લેવામાં આવે છે, જેથી મેળામાં આવનારા લોકોને તકલીફ ન પડે.

100 જેટલા નિયમીત સભ્યો પ્રતિ માસ 1000 રૂ. આપે છે, તેમ જ ખેડૂતો નિ:શુલ્ક ઘાસ પૂરું પાડે છે. અન્ય દાતાઓ પણ રકમ આપે છે. આ રીતે રખડતાં ઢોરોનો ત્રાસ ઘટ્યો છે, ખેડૂતોના પાકને થતું નુકસાન ઘટ્યું છે, તેમ જ પશુઓની યોગ્ય કાળજી પણ લેવાય છે. ચાલીસેક કર્મચારીઓ તેમ જ એટલા જ સ્વયંસેવકો આ પશુઓની દેખરેખ રાખે છે. નજીકના લંગરમાંથી કર્મચારીઓ માટે ભોજન મોકલવામાં આવે છે.

આ દોઢેક વર્ષના સમયગાળામાં મૌરના માર્ગ પર રખડતાં ઢોરને લઈને થતા અકસ્માતો અટકી ગયા છે એ મોટી ઉપલબ્ધિ.

હવે ખેડૂતો રખડતાં ઢોરને સીધાં જ અહીં લાવતા થયા છે, જે બાબત ‘પશુ મંડી’નું આયોજન કરનાર કંત્રાટીને ખૂંચી છે અને તેણે કેટલાક લોકોની સામે નામજોગી પોલિસ ફરિયાદ નોંધાવી છે. તેને પગલે પંજાબની સરકારે આ મામલાનું સંચાલન કરતી ગૌશાળા સમિતિ પાસે જવાબ માગ્યો છે કે તેઓ શા માટે સરકારી જમીન પર ગૌશાળા ચલાવી રહ્યા છે. પોતે જ રખડતાં ઢોરની સંભાળ લેશે એમ જણાવીને રાજ્ય સરકારે આ ગૌશાળાનો વહીવટ પોતાને હસ્તક લેવાની પેરવી કરી. એ લઈ પણ લીધો, પછી એમાં ફાવટ ન આવતાં વહીવટ પાછો સમિતિને સોંપી દીધો.

વિવિધ અખબારોમાં પ્રકાશિત આ અહેવાલ અને તેની વિગત દર્શાવે છે કે નાગરિકો ધારે તો પોતાને સતાવતી સમસ્યાનો ઊકેલ સૂઝપૂર્વક કાઢી શકે છે. આ મામલે સરકારનો હસ્તક્ષેપ હોવા છતાં સૌએ ભેગા મળીને રજૂઆત કરી છે. આ સમિતિએ સરકાર દ્વારા વસૂલ કરાતા ગૌ ઉપકર (કાઉ સેસ)માંથી ગૌશાળાના સંચાલન માટે રકમની માગણી કરી છે.

મૌરના નાગરિકોનું આ પગલું દિશાસૂચક બની રહે એવું કહી શકાય. એક વાર સમસ્યાની ઓળખ બરાબર થઈ જાય, તેની તીવ્રતા બરાબર પરખાઈ જાય એ પછી તેનો સુયોગ્ય ઊકેલ વિચારવામાં આવે તો તે અવશ્ય નીકળે છે. સરકારના તંત્ર દ્વારા કોઈ સહાય મળે યા ન મળે, નાગરિકો કટિબદ્ધ થાય તો તેઓ કદાચ સરકાર કરતાં વધુ અસરકારક રીતે કામ કરી શકે છે. સરકારી તંત્રને દોષ જ દીધા કરવા યા તેની પર આધારીત થઈને બેસી રહેવાને બદલે તેના સંકલનમાં યા પોતાની રીતે પોતાના વિસ્તારની આવી અનેક સમસ્યાઓ ઊકેલી શકાય. કચરાના નિકાલની, પાણીના સંચયની, પોતાના વિસ્તારના સૌંદર્યીકરણની, રખડતાં ઢોરની કે એવી બીજી અનેક સમસ્યાઓ શાશ્વત હોય છે. સામૂહિક ધોરણે સૂઝપૂર્વક તેના ઊકેલની પહેલ કરવામાં આવે તો કોને ખબર, તંત્રની આખ પણ ખૂલે! ભલે ને નાગરિકોના પ્રયાસને અટકાવવા, પણ એટલા પૂરતું તો એ જાગે અને સક્રિય થાય! નાગરિકો પક્ષીય રાજકારણને બદલે સ્થાનિક સમસ્યાઓના ઊકેલ બાબતે વિચારતા થાય અને એક થાય તો ઘણું!


ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૯-૧-૨૦૨૦ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)


સંપાદકીય નોંધ: અહીં લીધેલ સાંકેતિક તસ્વીર નેટ પરથી સાભાર લીધેલ છે.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.