સંસ્કૃતિની શોધમાં : ૨૫ : ‘હમારે મહેમાં કો પરદે કી જરૂરત નહીં હૈ”

પૂર્વી મોદી મલકાણ

આ બ્રેડબન તો છેક ૧૦૦ CE માં યુરોપમાં પહોંચેલ. નાન જેવા જ આથેલા લોટમાંથી બનતાં લોફબ્રેડને બનાવવા માટે બેકરને જે તે દેશના રાજા પાસેથી ખાસ પરવાનો લેવો પડતો અને આ પરવાનો જેની પાસે તેની પાસેથી જ બ્રેડ લેવી તેવો એક નિયમ હતો. જોવાની વાત એ કે સૌથી પહેલી બ્રેડ બની તે રિફાઈન્ડ લોટમાંથી નહીં પણ રેય ( Rey ) અને મેઝ ( જુવાર ) ના લોટમાંથી બનેલી. પણ પાછળથી જુવાર એ અરેબીક લોકોનું ખાણું છે તેવી માન્યતા યુરોપીયનોમાં પ્રચલિત થઈ તેથી તેમણે રેયબ્રેડને વધુ મહત્વ આપ્યું. જ્યારે રિફાઈન્ડ લોટ માર્કેટમાં આવ્યો ત્યારે રેય કરતાં આ લોટ થોડો સસ્તો હતો અને આ લોટની બનતી બ્રેડ સ્વાદમાં વધુ સારી હતી તેથી આ બ્રેડનો ફેલાવો જલ્દી થયો. આ બ્રેડનો ફેલાવો થવામાં બીજું કારણ એ પણ રહ્યું કે આ બ્રેડને સૂકવીને લાંબા સમય સુધી સારી રાખી શકાતી હતી પણ રેય બ્રેડની ઉંમર બહુ લાંબી ન હતી તેથી લાંબા સમય માટે વ્હાઇટ બ્રેડ વધુ ને વધુ ઉપયોગી થતી ગઈ. ( પેશાવરમાં મળેલાં ડો. રશીદ અલ ઉમરાયે પાસેથી જાણેલી વાત મુજબ ) આગળ વધતાં બ્રેડનો ઇતિહાસ કહે છે કે; એક સમયે ફ્રાંસના રાજાના કિચનમાં ૨૦ પ્રકારની બ્રેડ બનતી હતી અને આજે બ્રિટનના શાહી કિચનમાં ૧૭ પ્રકારની બ્રેડ બને છે. ટૂંકમાં એમ કહી શકાય કે આ બ્રેડ યુરોપીયન રાજાઓને એટલી ગમી ગઈ કે તેમણે પોતાના કિચનમાં સ્ટૂયું કરતાં બ્રેડને વધુ મહત્ત્વ આપ્યું તેથી આજે પણ મધ્ય એશિયા છોડીને યુરોપીયન બ્રેડનું એક અલગ જ સ્થાન રહેલું છે.

ખેર, નાન-રોટી-બ્રેડના ઇતિહાસ પર ભટકી ગયેલાં આપણાં કદમોને પાછા પેશાવરની પોસ્તોગલીમાં લઈ આવીએ. નાન-રોટીની પેશાવરની જનાનીઓની જે વાત જાણવા મળેલી કે આ બીબીઓ પોતપોતાના ઘરે બાંધેલાં લોટને લઈ બેકર પાસે પહોંચી જાય અને બેકર તેની નાન શેકી આપે. પોતાની નાનની રાહ જોતી આ જનાનીઓના ફોટાઓ લેતી વખતે આ બાબતનું આશ્ચર્ય મારી આંખ અને મુખ પર ઝળકતું હતું તે જોઈ મિસીસ કારીબ (મારી સાથે રહેલ મિત્ર ) કહે; પૂર્વી યે આપકે લિયે નયી બાત હૈ, લેકિન અભી કુછ દીનો પહેલે જબ મૈને ઈરાન કી મુલાકાત લી થી વહાં ભી યહ બાત મૈને દેખી થી. પર હમારે યહાં ( સ્લામાબાદ ) મેં ઐસા નહીં હોતા. મેરે ખ્યાલ સે યહ રિવાઝ ઈરાન સે અફઘાનિસ્તાન ગયા ઔર અફઘાન સે યહાં આયા હોગા. ક્યૂંકી પેશાવર અફઘાન બોર્ડર સે કરીબ હૈ ના….કહી તેણે વાક્ય અધૂરું મૂકી દીધું. મિસીસ કારીબની વાતથી વિભિન્ન દેશોની સીમાઓ ખાનપાનથી કેવી જોડાયેલી રહે છે તેનો મને ખ્યાલ આવી ગયો.

પોતાની નાનની રાહ જોતી પેશાવરી જનાનીઓ

પોસ્તોવાળાના અનેક ફોટાઓ લીધા પછી તો આ ગલીમાં ધબકતી પ્રત્યેક કલાના ફોટાઓ લેવા માટે હું અતિ ઉત્સાહિત બની ગઈ. જેમની જેમની પાસે જાઉં તે બધાં જ મારો અતિક્રમી આનંદ જોઈ હસી પડતાં અને સુંદર પોઝ આપી દેતાં. આ પોસ્તોવાળાની ફોટોગ્રાફી કરતાં કરતાં જેનો મને ત્રાસ રહ્યો તે મારી શાલનો. કારણ કે માથું ઢાંકીને ફરવાની આદત નહીં ને તેથી ગમે તેટલીવાર ઢાંકું પણ વારંવાર શાલ ઉતરી જાય. મારી શાલ સાથેની મારામારી જોઈ ત્યાં રહેલાં લોકો હસી પડતાં. બે-ત્રણ બોલી ઉઠ્યા કે; બીબી લગતા હૈ કી આપને કભી પરદા નહીં કીયા હૈ ઇસી લિયે આજ આપ જો પરદા કર રહે હો વોહ આપકે સર પે ઠહેરતા નહીં હૈ. આપ પરદા મત રખીયે હમારે લિયે… આપ તો હમારે મહેંમાં હો ઇસી લિયે આપકો હમારી તરહ પરદે મેં રહેને કી જરૂરત નહીં હૈ. આપ હટા શકતી હૈ….જેઓનો સ્વભાવ ઝનૂની છે, જેઓ રૂઢિચુસ્ત છે, જેઓની સ્ત્રીઓ આબાયા અને પરદા વગર નીકળતી નથી કે નીકળવા દેતાં નથી તેવી ધરતી પર “હમારે મહેમાં કો પરદે કી જરૂરત નહીં હૈ” બોલનાર એ પશ્તુ નાગરિકો મારે માટે આશ્ચર્યજનક રહ્યાં. પશ્તુ નાગરિકો વિષેની અત્યાર સુધીની અમારી બધી જ ધારણા ખોટી પડી હતી. પણ આ વાતે મને વિચારતી કરી દીધી કે, શા માટે અત્યાર સુધી અમે નાહકના ડરતાં હતાં? કદાચ વાંચેલી અને અન્યો પાસેથી જાણેલી વાતોએ અમારા મન પર ડર બેસાડી દીધેલો.

આ ગલીમાં કામ કરી રહેલાં આ મજાનાં લોકોનાં અનેક ફોટાઓ લીધાં બાદ અમે એક હટ્ટડીમાં અમે પેશાવરી નાન -રોટીનો આનંદ લેવા બેઠાં ત્યારે અહીંની અન્ય એક પ્રથા વિષે પણ ગાઈડ ઉસ્માનભાઈએ જણાવતાં કહ્યું કે અમારે ત્યાં લોકો સાથે બેસીને એક જ થાળમાંથી જ જમવાનો આગ્રહ રાખે છે. એક તરફ જનાનીઓ ગોળ સર્કલમાં બેઠી હોય અને બીજી તરફ આદમીઓ બેઠા હોય. બંને ગ્રૂપ વચ્ચે પરદો હોય છે. વચ્ચે મોટા થાળ હોય જેમાં કરી વાળી ન હોય તેવી સૂકી વાનગીઓ રાખી હોય અને નાના મોટા બધાં આ એક જ થાળમાંથી જમે છે. જમવાની બીજી આદત મારા ધ્યાનમાં આવી કે તેઓ એક હાથની હથેળીમાં નાન લે. તે નાનની વચ્ચે ચપલી કબાબ કે કોઈ જાતનું શાક મૂકે પછી બીજા હાથથી તે નાનનો ટુકડો તોડી ખાતા જાય ટૂંકમાં એમ કહી શકાય કે નાનને જ ડીશ બનાવી કાઢે. પ્લેટ્સ તો બસ નામની જ હોય. આ રીત જૂના પેશાવરમાં જ પ્રખ્યાત હોય તેવું લાગ્યું. કદાચ સભ્ય સમાજ આપણી જેમ જ જમતો હશે. પેશાવરની એ હટરીમાં મને ઇસ્લામાબાદ લાહોરમાંની સરખામણીમાં ઘણી વેજ વાનગીઓ મળી, જેનો મે ઘણો આનંદ લીધો. આ હટરીમાં અમારી પેટપૂજા પૂરી કર્યા બાદ અમે ફરી અમારો પ્રવાસ શરૂ કર્યો ત્યારે ઘણાં સ્વીટમાર્ટ શોપ પણ મારા ધ્યાનમાં આવ્યાં. આ એરિયામાં પેશાવર સ્વીટમાર્ટ ઘણું પ્રખ્યાત છે તેમ ઉસ્માનભાઈ પાસેથી જાણવા મળતાં અમે એકાદ ચક્કર એ શોપનો પણ લગાવ્યો. શોપમાં રહેલી ઘણીબધી મીઠાઈઓ આપણાં સ્વીટમાર્ટની યાદ અપાવતું હતું. અહીં રહેલ મીઠાઇનાં નામનું બોર્ડ હું જ્યારે વાંચી રહેલ હતી ત્યારે એક મીઠાઇનાં નામ પર મારી આંખમાં ચમક આવી ગઈ જે ડાર્ક કેસરી અને કથ્થાઇ રંગની હતી. આ મીઠાઇનું નામ હતું “ગુજરાતી પૈદા“. આ શબ્દ વાંચતાં જ મને લાગ્યું કે એ…લે મારું રાજકોટ અહીં આવી ગયું??? પેંડા જેવી ડિઝાઇન પણ રંગ જુદો. આ જોઈ મે એમને પૂછ્યું આ કઈ મીઠાઇ છે તો તેઓ કહે; દૂધ સે બનતી યેહ હમારી ખાસ મીઠાઇ હૈ. આ સાંભળી મે પૂછ્યું ગુજરાતી….યાને ગુજરાત-પંજાબ કા….? તે કહે; નહીં નહીં હમારાવાલા ગુજરાત નહીં ઈન્ડિયાવાલા ગુજરાત. આ સાંભળી મને ખ્યાલ આવી ગયો કે જુદા આપણાં પેંડાએ પેશાવરની એ માર્કેટમાં નવા રૂપરંગ ધારણ કરેલ છે. તેઓએ અમને એક પ્લેટમાં મીઠાઇ કાઢીને આપી પણ ઠંડી, દૂધ-દહીંની વાનગીઓથી મારે દૂર રહેવાનું હતું તેથી તેમની મીઠાઈનો સ્વાદ અન્ય મિત્રોને કરવા દીધો અને તેમનો આભાર માની હું આપણાં પેંડાને યાદ કરતી કરતી ઐતિહાસિક એવી કિસાહ ખ્વાની બઝાર તરફ આગળ વધી ગઈ.


©પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ  |  purvimalkan@yahoo.com

Author: Web Gurjari

1 thought on “સંસ્કૃતિની શોધમાં : ૨૫ : ‘હમારે મહેમાં કો પરદે કી જરૂરત નહીં હૈ”

Leave a Reply

Your email address will not be published.