લ્યો, આ ચીંધી આંગળી : ઉપેન્દ્ર ત્રિવેદી અને હું…(૧)

-રજનીકુમાર પંડ્યા

1976ની સાલની એક બળબળતી બપોરે હું જ્યારે વિજયા બૅંન્કની વડોદરાની રાવપુરા શાખામાં મૅનેજર-ઈન-ચાર્જ તરીકે મારી ચેમ્બરમાં બેઠો હતો ત્યારે પરસેવે રેબઝેબ ઉપેન્દ્ર ત્રિવેદી એક પંજાબી પણ ક્લિનશેવન ચહેરાવાળા જુવાનને લઈને અંદર પ્રવેશ્યા.

રૂપેરી પડદા બહાર મેં એ વખતે એમને પહેલી વાર જોયા. ‘જેસલ-તોરલ’ માંડીને ગુજરાતી ફિલ્મો તો અનેક પણ 1971ની મદ્રાસની એક હિંદી ફિલ્મ ‘પરદે કે પીછે’માં પણ વિનોદ મહેરા અને યોગીતા બાલી સાથે એક નાના રોલમાં જોયા હતા, એટલે એમનો તો ચહેરો જ વિઝિટિંગ કાર્ડ ! કોણ ના ઓળખે ? પણ એમની સાથે આવનાર કોણ ? અને શા માટે આવ્યા ?

“હું….” એ પોતાનું નામ બોલવા જતા હતા, જેની જરૂર નહોતી. નામ તો ખરેખર મારે મારું બોલવું જોઈતું હતું, કારણ કે ટેબલ ઉપર નેઈમબ્લૉક રમેશ રાવના નામનો હતો, જે મૅનેજર હતા, ને હું તો માત્ર હંગામી ધોરણે ચાર્જમાં હતો.

“હું…” એમને અટકાવીને પછી હું મારું નામ બોલ્યો ત્યારે એમને થોડી નિરાશા ઊપજી કે પોતે જેને મળવા આવ્યા હતા તે ચોક્કસ વ્યક્તિ રમેશ રાવ તે હું નથી. મારે તેમને તેમની જ અભિનયસમ્રાટની ભાષામાં કહેવાનું થયું : “ના, હું તે નથી.”

“રાવસાહેબ ક્યારે આવશે ?”

“નક્કી નથી. એ બહાર ડિપોઝિટો માટે ફરે છે. અંદરનું કામ હું સંભાળું છું. બોલો…”

કોઈ ભારે-જોખમી કામ હશે તો એ મારી સત્તાની બહારનું હશે એ એય જાણતા હશે ને હું પણ. છતાંય એ બોલ્યા, “ આ સુભાષ સાગર છે. રામાનંદ સાગરના પુત્ર. અહીં એમની ફિલ્મ ‘વીર માંગડાવાળો‘નું શૂટિંગ ચાલે છે. અમજદખાને અમુક પેમેન્ટ આજ ને આજ માગ્યું છે. મામા (સાગર પ્રોડક્શનનો નાણાકીય વહીવટ સંભાળનાર – ચોપરા ) બૉમ્બે છે. તેમને ફોન કર્યો. તેમણે રૂપિયા દોઢ લાખની વ્યવસ્થા પણ કરી છે, પણ ત્યાંથી ટી. ટી. (ટેલિગ્રાફિક ટ્રાન્સફર ) થઈ શકતું નથી. ત્યાં હડતાલ ચાલે છે.”

“તો ?” મેં નિર્લેપભાવે પૂછયું.

“તમે આવનારા ટી. ટી.ની અગેઈન્સ્ટ દોઢ લાખ રૂપિયા આપી શકો ?”

મારા મનમાં વાજબી રીતે જ વિજળીક નકાર પ્રગટ્યો. બોલ્યો.“એવી સત્તા મને તો શું, મૅનેજરને પણ નથી.”

સુભાષ સાગર જે અત્યાર સુધી અબોલ હતા તે હવે બોલ્યા : “તો ફિર અમજદ શૂટિંગ નહીં કરેગા. હમારા ક્યા હોગા ?”

“કલ નહીં કર સકતે ?”

“જી ના” એમણે કહ્યું : “ સ્ટુડિયો કી કલકી કોઈ શિફ્ટ હમારે પાસ નહીં હૈ. ઔર અમજદજી ભી કલ સુબહા બમ્બઈ ચલે જાયેંગે. હમને જો સેટ આજ લગવાયા હૈ વો બેકાર હો જાયેગા. લાખોં કા નુકસાન હોગા.”

અમજદખાનની ફિલ્મ ‘શોલે’ એ દિવસોમાં જ વડોદરામાં ધૂમ મચાવી રહી હતી અને એના કામને લોકો બે મોઢે વખાણી રહ્યા હતા. અને એના સંવાદોની લોકો મિમિક્રી કરતા હતા. પણ અહીં એનો જે છૂપો સંવાદ (‘રૂપયે લાઓ, વર્ના મૈં સેટ પે નહીં આઉંગા’) મને સંભળાવવામાં આવતો હતો તે વધુ ખતરનાક હતો. જે પડદા ઉપરનો નહીં, પડદા પાછળનો હતો. મશ્કરીમાં હું એમને અમજદની સ્ટાઈલમાં પૂછી શકત, ‘કિતને રૂપિયે ચાહીએ ?’– પણ મશ્કરીનો મૂડ નહોતો – મારાથી એવું અમસ્તુંય પુછાય તેમ નહોતું, કારણ કે મને એક રૂપિયો ધીરવાની પણ સત્તા નહોતી. રામાનંદ સાગર જેવા મહારથી કે જેમને હું માત્ર પ્રોડ્યુસર તરીકે નહીં, રાજકપૂરની ‘બરસાત’ના વાર્તાકાર તરીકે પણ જાણતો હતો તે, તો બીજા ગુજરાતી પડદાના મહારથી ઉપેન્દ્ર ત્રિવેદી, ને ત્રીજા ફિલ્મી દુનિયાના અતિખ્યાત ખલનાયક અમજદખાન – આ ત્રણે મોટાં માથાં મને ભીડવી રહ્યાં હતાં. કમનસીબે મૅનેજર રમેશ રાવ હાજર નહોતા એટલે ‘ડેલા આડેના ઊંટ’ની જેમ મારી દશા બૂરી થઈ રહી હતી.

“મારી ભલામણ છે, પંડયાસાહેબ !” ઉપેન્દ્રભાઈ મને પરદા ઉપર બહુ ગમતા એમના ઘેઘુર સ્વરે બોલ્યા, જે હું પ્રત્યક્ષ પહેલી જ વાર સાંભળી રહ્યો હતો, જે મારામાં રોમાંચને બદલે માનસિક તાણ પ્રગટાવી રહ્યો હતો, અકિંચન ભગતને “તેરે દ્ધાર ખડા ભગવાન, ભગત ભર દે રે ઝોલી”ની કફોડી સ્થિતિમાં મૂકી રહ્યો હતો.

એટલામાં ચોથું મોટું માથું – અરવિંદ ત્રિવેદી – અંદર પ્રવેશ્યા. એ તો આ બૅંન્કમાં બે-ચાર વાર આવી ગયા હતા. આંખની ઓળખાણ ઊભી થઈ હતી. મેં એમને એ વખતે પ્રગટ થયેલું મારું એક માત્ર પુસ્તક ‘ખલેલ’ ભેટ આપ્યું હતું, જે એ સાદ્યંત વાંચી ગયા હતા ને એમાંથી એમને ગમતી વાર્તાઓ મને જ કહી બતાવતા હતા. ‘કુંવરબાઈનું મામેરું’ ફિલ્મથી હું એમનો ‘ફૅન’ બન્યો હતો, ને તેઓ ‘ખલેલ’થી મારા ફૅન બન્યા હોવાનો દાવો કરતા હતા.

એમણે આવતાંવેંત ઉપેન્દ્રભાઈને કહ્યું : “ અરે, આ તો લેખક છે. આપણું કામ કરે જ – કેમ ના કરે?”

ઊંટની પીઠ ઉપરનું આ છેલ્લું તરણું હતું ! સમગ્ર નોકરીની સલામતી, અને હું આખો વેચાઈ જાઉં તોય ભરપાઈ ન થઈ શકે તેવા કરજની તૈયારી સાથે મેં ધ્રૂજતા હાથે બૉમ્બેથી ટી. ટી. આવ્યા વગર, આવનારા ટી. ટી. સામે દોઢ લાખ ‘ઈન અન્ટિસિપેશન ઑફ હેડ ઑફિસ સેન્ક્શન’ મંજૂર કરી દીધા. ત્રણેયના મોં પર હાશ પ્રગટી પણ મારા મનમાં આ દુઃસાહસનો ખટકો હતો. છેવટે એ ત્રણેય દોઢ લાખ રૂપિયા ગણીને અને ચાનો ઘૂંટ પીને રવાના થયા. જતાં જતાં ઘેઘૂર અવાજે ઉપેન્દ્રભાઈ બોલ્યા : “થૅન્ક યુ, રજનીકુમાર !”

પણ એ ‘થૅન્ક યુ’ મારામાં ભયની ભયાનક ઘંટડી વગાડતું હતું.

‘ભગત ભર દે રે ઝોલી’ ની પછીની પંક્તિમાં પ્રદીપજીએ લખ્યું છે,” તેરા હોગા બડા અહેસાન, કે જુગજુગ તેરી રહેગી શાન”– વાસ્તવમાં એ અહેસાન મારો નહીં વિજયા બૅન્કનો હતો. માત્ર ગજા બહારનું રિસ્ક મારું હતું. પણ મારા માટે ‘જુગજુગ તેરી રહેગી શાન’ ને બદલે ‘માન’ પૂરતી એ વાત સાચી સાબિત થઈ. એ વાત તો પતી ગઇ.

સુભાષ સાગર એ પછી મારા અંગત મિત્ર બન્યા. ‘તું તા’ના સંબંધો થયા. વર્ષો લગી બૉમ્બે જાઉં ત્યારે ધર્મેન્દ્રના બંગલાની અડોઅડ આવેલા એમના વિશાળ બંગલામાં વારંવાર જવાનું બનતું હતું. પાપાજી (રામાનંદ સાગર)ને એ મારી ઓળખાણ ‘ઈસ આદમીને હમારી ઈજ્જ્ત રખ્ખી’ એમ કહીને આપતા અને અમે ત્રણે સાથે બેસીને ડ્રિંક્સ લેતા. સંબંધો તેમના 2011 માં થયેલા અવસાનપર્યંત યથાવત રહ્યા. વડોદરામાં એમની ‘સાગર ફિલ્મસીટી’નો ઘણી વાર મહેમાન બન્યો.

માન મળ્યું. ને રિસ્ક ? એનું શું થયું ?

એ તો એ જ સાંજે પતી ગયું હતું. દોઢ લાખનું ટી. ટી. સાંજે આવી ગયું હતું. સ્ટાફને વધુ વખત બેસાડીને તારને ‘ડી-કોડ’ કરીને રકમ સાગર ફિલ્મ્સના ખાતામાં જમા કરી દીધી હતી. રિસ્ક ખરેખર જબરદસ્ત હતું. પણ થોડા કલાકમાં એનાથી મારો છેડાછૂટકો થઈ ગયો હતો.

**** *** ****

ઉપેન્દ્ર-અરવિંદ ત્રિવેદી સાથેના સંબંધો ભલે માત્ર એ કારણે જ નહીં, પણ એ બનાવ પછી વધતા ચાલ્યા. એ દિવસોમાં એકાંતરા દહાડે હું સ્કૂટર લઈને લક્ષ્મી સ્ટુડિયો પહોંચી જતો ને એ બધાં સાથે મહેફિલમાં જોડાતો. (ફોટો જુઓ) અમજદખાન અર્ધો કલાક-કલાક પછી વધુ ખીલતા અને ‘સાગર ફિલ્મ્સ’ ઉપર ન્યોછાવર થઈ જવાની વાતો કરતા , ત્યારે સ્વાભાવિકપણે મને પેલા દિવસની ઘટના યાદ આવી જતી. જેમાં એ કહેતા કે ‘રૂપિયે લાઓ વર્ના….’

ઉપેન્દ્રભાઈ ક્યારેક જ અમારી સાથે જોડાતા. અરવિંદભાઈ સાથે એ પછી મારી મૈત્રી વિકસી. એ જ દિવસોમાં ત્રીજા ભાઈ – મોટાભાઈ – ભાલચંદ્રભાઈ સાથે માત્ર સાહિત્યને કારણે પરિચય થયો. (એ ભાલચંદ્રભાઇના પુત્ર કૌસ્તુભ ત્રિવેદી આજે અનેક ઇવેન્ટ્સ અને નાટકોના નંબર વન આયોજક છે.) ભાલચંદ્રભાઇ તો મારા મહેમાન પણ બનતા. હું 1994 માં અમેરિકા ગયો ત્યારે ‘તમારે આની ત્યાં વધુ જરૂર પડશે’ એમ કહીને મારા માટે મુંબઇથી કેન્વાસના સરસ સફેદ બુટ લઈ આવ્યા હતા કારણ કે, પોતે થોડા સમય પહેલાં અમેરિકા જઇ આવ્યાનો એમને અનુભવ હતો. એમની સાથેનો સંબંધ તરત જ પ્રેમાળ દોસ્તીમાં પલટાયો. બૉમ્બે જાઉં ત્યારે ઘેર જવા-આવવા-જમવાના સંબંધો વિકસ્યા. ખાસ તો હું એમનાં બા કમળાબાથી વિશેષ પ્રભાવિત થયો. આ બે ભાઈઓનાં ચરિત્રઘડતરમાં સૌથી વધુ ફાળો મને એમનો લાગ્યો. ને પછી મોટાભાઈ ભાલચંદ્રભાઈની ઉચ્ચ સંસ્કારિતાનો ફાળો લાગ્યો.

એક વાર મેં તેમનાં બાનો લાંબો ઈન્ટરવ્યુ કર્યો ને મારી કટારોમાં તે લંબાણથી આલેખ્યો જે મારા પુસ્તક ‘અક્ષરની આંખે’માં સંઘરાયો છે.

થોડા જ વખતમાં મેં અરવિંદભાઈ સાથે અને મિત્ર કાંતિ રામી સાથે મળીને ‘તર્જલ મીડિયા’ નામની ટી.વી.-ફિલ્મ નિર્માણસંસ્થા સ્થાપી. મારી પુત્રી તર્જની અને કાંતિ રામીના પુત્ર જલદીપના નામ પરથી એનું નામ અમે તર્જલ મીડિયા રાખ્યું હતું. પહેલું જ કામ અમને ગુજરાત સ્ટેટ આઈ બૅન્ક ફેડરેશનની ચક્ષુદાન પરની ટેલીફિલ્મ ‘તિમિર ઝંખે તેજનો ફુવારો’ બનાવવાનું મળ્યું. એમાં ઉપેન્દ્રભાઈનો કોઈ રોલ નહોતો, છતાં વારંવાર સેટ પર આવીને ઝીણુંઝીણું માર્ગદર્શન આપતા અને એ રીતે આત્મીયતાનો મીઠો અનુભવ કરાવતા. એક આડવાત લેખે જણાવું તો એ ટેલીફિલ્મમાં પહેલી જ વાર (અને આજ સુધીની વાત કરીએ તો છેલ્લી વાર) વિખ્યાત ગઝલ ગાયક પંકજ ઉધાસે મિત્રદાવે મારું લખેલું ટાઈટલ સૉન્ગ ગાયું હતું અને તે પણ એક પણ પૈસો લીધા વગર !

અલબત્ત, અરવિંદભાઈ સાથે અને ભાલચંદ્રભાઈ સાથે જેટલી વાર મળવાનું થતું તેટલી વાર ઉપેન્દ્રભાઈ સાથે ના થતું, પણ મળીએ ત્યારે એવું ક્યારેય લાગતું નહીં કે વારંવાર મળતા નથી.

**** *** ****

પણ મુંબઈમાં પ્રદીપજીના ઘરની લગભગ એક જ દિવાલે એમનો ફ્લેટ –Queens Lawn કોમ્લેક્સમાં હતો. એક વાર પ્રદીપજીને ત્યાં હું બેઠો હતો ત્યારે ઉપેન્દ્રભાઈને માત્ર ફોન કરીને મેં જાણ કરી. તેઓ ત્યાં અમારી બેઠકમાં સામેલ થવા આવી ગયા. ત્યારે ફરી એક વાર એમની નિરાડંબરતાનો અનુભવ થયો.

વર્ષો પછી જ્યારે તેઓ ગુજરાત રાજ્યમાં મંત્રી બન્યા ત્યારે સહેજ મને એમ લાગતું હતું કે કલાકાર ઉપેન્દ્રભાઈને મળવાનું અને એમની નજદીકી પામવાનું જેટલું સરળ હતું, સ્વાભાવિક હતું, એટલું હવે સરળ નહીં રહે. પણ એ માન્યતામાં હું ખોટો પડ્યો. 1993ની સાલમાં જ્યારે કશા પણ દેખીતા કારણ વગર અમેરિકન કોન્સ્યુલેટ દ્ધારા મને વિઝા આપવાનો ઈન્કાર થયો ત્યારે મને અમેરિકન કોન્સ્યુલેટ ઉપર ભલામણપત્ર લખી આપનારા ઉપેન્દ્રભાઈ સૌથી પહેલા હતા. મને બરાબર યાદ છે કે એમને હું સચિવાલયમાં મળવા ગયો અને મળનારાઓની ભારે લાંબી લંગાર જોઈ ત્યારે જરા નિરાશ થયો. પણ મારી ભારે નવાઈ વચ્ચે મારું કાર્ડ મળતાંની સાથે જ એમણે મને અંદર બોલાવી લીધો. ત્યારે એમની સામે અભિનેતા અનંગ દેસાઈ બેઠા હતા. એમને મારી ઓળખાણ કરાવતાં ઉપેન્દ્રભાઈએ અનંગ દેસાઈને જે શબ્દો કહ્યા હતા તે મારા મનમાં હજી આજેય પડઘાય છે. તેમણે કહ્યું હતું : ‘અનંગકુમાર, જુઓ, આ અમારો ચોથો ભાઈ છે !’

**** *** ****

વર્ષો વીતવાની સાથે સંબંધ વધુ ગાઢ થતો ગયો. અધરાતે-મધરાતે તેમના ફોન આવે. અને મારું કંઈ લખેલું તેમને સારું લાગ્યું હોય તો દિલના પૂરા ઉમળકાથી એનાં વખાણ જ નહીં પણ વિશ્લેષણ કરે. મારો એક વાર્તાસંગ્રહ ‘આત્માની અદાલત’ તેમના હાથમાં ક્યાંકથી આવ્યો હશે તે વાંચીને એટલા તો રાજી થયા કે મને એની પ્રશંસામાં એક પોસ્ટકાર્ડ પણ લખી નાખ્યું (જે અહિં મૂક્યું છે).

હું તો અંગત બેઠકોમાં તેમના અગાધ સ્મૃતિભંડારમાંથી એમને ગમતા સાહિત્યની જે રસાળ વાતો તેમના હોઠેથી સરતી તે સાંભળીને અભિભૂત જ થઇ જતો. એમની એ ખૂબી હતી કે એ કલાકો સુધી અસ્ખલિત બોલે તો પણ એકની એક વાત બીજી વાર પુનરાવર્તિત ના થાય. આ લાભ તો મને એમની સાથેની અનેક બેઠકો અને ગોષ્ઠિઓમાં પણ મળ્યો છે.

**** *** ****

તેમની સાથે, તેઓ પોતે જ કાર ચલાવતા હોય તે રીતે તેમના મતવિસ્તારમાં પણ અનેક મુસાફરીઓ કરી છે, પણ તેમાંના બે પ્રસંગો તેમની ખુમારીના સંદર્ભે વિશેષ યાદ આવે છે.

સાબરકાંઠા જિલ્લાની જ એક સંસ્થામાં અમે બંને અતિથિવિશેષપદે હતા. ત્યારે વાતવાતમાં યજમાનથી કંઈ એવો ઉલ્લેખ થઈ ગયો કે ઉપેન્દ્રભાઈ જેવા અભિનયસમ્રાટના હાથે જાણ્યેઅજાણ્યે ગુજરાતી ફિલ્મો દ્ધારા અંધશ્રદ્ધાના ફેલાવામાં સાથ દેવાઈ ગયો છે. યજમાનનો ઈશારો ગુજરાતી ફિલ્મો અને તેની કક્ષા અને વિષયવસ્તુ ભણી હતો. સાધારણીકરણની રીતે એ આરોપ ગુજરાતી ફિલ્મો અને તેમાં આવતી વાહિયાત, અંધશ્રદ્ધા, ચમત્કારની બેહૂદી વાતોના અતિરેક ભણી હતો. અને ઉપેન્દ્રભાઈએ તેવી કેટલીક ફિલ્મોમાં કામ કરીને તેમાં સાથ આપ્યો છે તેવું તેમનું અર્થઘટન હતું. આ આખો મુદ્દો જરા ઉપરની ભૂમિકાએ ચર્ચાવો જોઈતો હતો, જેનું આ પ્લૅટફૉર્મ નહોતું. હું પણ માનું છું કે જેમ દિલીપકુમાર, દેવ આનંદ કે રાજકપૂર અમુક પ્રકારની ફિલ્મોમાં કામ કરવાનો ઈન્કાર કરી શકતા હોય તો ગુજરાતી ફિલ્મોના તે જ કક્ષાના સ્ટાર તેમ કેમ ના કરી શકે ? અથવા તેમની જેમ કથા-પટકથાઓમાં, પોતાના રોલમાં તેવી વસ્તુઓ સામે વિરોધ કેમ ના કરી શકે ?

પણ આવી ચર્ચાનું આ પ્લૅટફૉર્મ નહોતું, ને વળી ઉપેન્દ્રભાઈ અહીં અતિથિવિશેષ હતા, જ્યારે સંચાલક યજમાન સો ટકા સેવાધર્મી અને દુનિયાદારી કે ઔપચારિકતાથી બેખબર હતા. તેથી તેમણે કરેલી ટીકા અથવા કૉમેન્ટ્સ ઉપેન્દ્રભાઈને વાગી અને તેમણે પોતાના વક્તવ્યમાં ખૂબ ધ્રુજારી બતાવી. તેમણે કહ્યું કે જેમ શરાબનો એક નશો હોય છે તેમ સેવાનો પણ એક નશો હોય છે. એ નશો વ્યક્તિને સારાસાર-બોલવા-ન-બોલવા જેવી વાતોનો વિવેક ચુકાવી દે છે. નિમંત્રીને આંગણે બોલાવેલા મહેમાન સાથે સંચાલકનું વલણ બરાબર નથી. એ પછી તેમણે એ પણ દાખલો આપ્યો કે ‘સત દેવીદાસ’ જેવી ફિલ્મોમાં તેમણે મુખ્ય પાત્ર ભજવીને રક્તપિત્તગ્રસ્તોની સેવાનો સંદેશો પણ ફેલાવ્યો છે. તો બીજી અનેક ફિલ્મોમાં ટેક, ખુમારી, શૌર્ય જેવા ગુણો પ્રબોધતાં પાત્રો પણ ભજવ્યાં છે.

શેહશરમ રાખ્યા વગરની ઉપેન્દ્રભાઈની સ્પષ્ટવાદિતાનો પરિચય મને થયો.

બીજો એક પ્રસંગ એથીય વધુ સૂચક છે. ઉપેન્દ્રભાઈ અને અરવિંદભાઈનું નિમંત્રણ આવતાં હું તેમની સાથે તરણેતરના મેળામાં જવામાં જોડાયો. કાર્યક્રમ પૂર્વનિર્ધારિત નહોતો અને એ વખતે ઉપેન્દ્રભાઈ મંત્રી પણ નહોતા. અમદાવાદથી નીકળીને અમે સુરેન્દ્રનગરના અતિથિગૃહમાં ચા-પાણી લીધાં અને ત્યાં અમારી સાથે ધારાસભ્ય નંદકિશોર દવે પણ જોડાયા.

કાફલો મેળામાં પહોંચ્યો ત્યારે વિરાટ માનવમેદનીમાં કોઈને ખબર નહોતી કે ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર ઉપેન્દ્રભાઈ અને સાથે અરવિંદ ત્રિવેદી મેળો માણવા આવ્યા છે. પણ જેમજેમ લોકોને ખબર પડતી ગઈ તેમ તેમ ટોળું એકઠું થવા માંડયું, જે અમારી પાછળ પાછળ ફરવા માંડ્યું. થોડી જ વારમાં આ બંનેને જોવા માટે એટલી મોટી જંગી ભીડ એકત્ર થઈ ગઈ કે પોલીસ બંદોબસ્ત અનિવાર્ય થઈ પડ્યો. મારા જેવાને બરાબર સમજાયું કે એકલા એકલા- વણઓળખાયા રહીને ફરવામાં કેટલું સુખ છે ! ગ્રામ્યજનો એ બંનેની સાથે હાથ મિલાવવા કે એમનો એક સ્પર્શ પામવા એટલી બધી તો ધક્કામુક્કી કરી રહ્યા કે મેળાનું આખું આકાશ ધૂળના ગોટાથી છવાઈ રહ્યું. ઉપેન્દ્ર ત્રિવેદી અને અરવિંદભાઈની લોકપ્રિયતા કેટલી પ્રચંડ હતી તે એના ઉપરથી જણાઈ આવતું હતું.

માંડમાંડ આખો રાઉન્ડ લઈને અમે સનત મહેતાની છાવણીમાં આવી પહોંચ્યા. સનત મહેતા તેમના ટેન્ટમાં આરામથી બેઠા હતા, પણ એમના ચહેરા ઉપર અકળામણ સ્પષ્ટ જણાઈ આવતી હતી. ઉપેન્દ્ર સાથે એમનો નાટ્યપ્રવૃતિ વગેરેને કારણે જૂનો અને આત્મીયભર્યો નાતો હશે એટલે એમણે ઉપેન્દ્રને આવકાર્યા : “આવ, ઉપેન્દ્ર, આવ. તું આવવાનો હતો એવી ખબર હતી, પણ ચોક્ક્સ દિવસની જાણ કેમ ના કરી ?’

જવાબમાં ઉપેન્દ્રભાઈએ કંઈ સ્પષ્ટતા કરી હશે, પણ સનતભાઈના મોં પર અકળામણ યથાવત્ હતી. એમ લાગતું હતું કે ભલે એમણે આવકાર તો આપ્યો, પણ ઉપેન્દ્રના આગમનથી એમના ચહેરા ઉપર કોઈ ખુશીનો ભાવ ઝલકતો નહોતો. મને પણ એમણે આંખથી આવકાર આપ્યો અને અરવિંદભાઈને પણ, પણ એમાં ક્યાંય ઉમળકો વંચાતો નહોતો.

સનતભાઈ એમના આખાબોલા સ્વભાવ માટે જાણીતા હતા, એટલે છેવટે એ બોલી જ ગયા : “તારે આ રીતે ના આવવું જોઈએ, ઉપેન્દ્ર. આખા મેળાની વ્યવસ્થા ખોરવાઈ જાય. લોકો પછી મેળામાં ફરવાનું મૂકીને તને જોવા દોટ મૂકે છે. આ સારું ના કહેવાય.”

વર્ષો પહેલાંની વાત છે એટલે હોઈ શકે કે મારા સ્મૃતિના આધારે લખાયેલા આ શબ્દોમાં થોડું આઘુંપાછું હોય. પણ ધ્વનિ, બેશક, બેશક આ જ હતો, જેમાં રહેલી વાત સાચી હશે, પણ રુચિકર રીતે કહેવાયેલી નહોતી.

ઉપેન્દ્રભાઈનો ચહેરો તમતમી ગયો. એમના એ જ ચિરપરિચિત ઘેઘૂર સ્વરે એમણે કહ્યું : “તમારા નિમંત્રણથી આવ્યો છું, સનતભાઈ, અને જુઓ, લોકપ્રિયતા એમ કંઈ માગી મળતી નથી, એને કમાવી પડે છે. મેળાનું લોક જો રાજી થતું હોય તો તમારે એનાથી દુઃખી ના થવું જોઈએ.”

અલબત્ત, એ કોઈ ઝઘડો નહોતો, બોલાચાલી નહોતી અને સંવાદોની પટ્ટાબાજી પણ નહોતી.

પણ સનતભાઈએ તરત જ વાતને વાળી લીધી. એ સહેજ મરક્યા. ને કહ્યું : “બેસ, બેસ શાંતિથી-આપણે ચા-પાણી પીએ.”

ઉપેન્દ્ર ત્રિવેદીના વ્યક્તિત્વનું એક આ પાસું મને બહુ પ્રભાવિત કરી ગયું. જરા પણ ‘હ્યુમિલીએશન’ સાંખવું એ એમના સ્વભાવની વિરુદ્ધની વસ્તુ છે.

**** *** ****

ગુજરાત રાજ્યની ગુજરાતી ફિલ્મ ઍવૉર્ડ જ્યુરીમાં ત્રણ ટર્મ સુધી હું હતો. અમારા ચેરમૅન શ્રી કે. કે. (કૃષ્ણકાંત) હતા. એન. એસ. ડી.ના ઑડિટૉરિયમમાં રોજની ત્રણ-ત્રણ ચાર-ચાર ફિલ્મો અમારે જોવાની હતી. એ વખતે યુવાન હીરો બનવાની ઉપેન્દ્રભાઈની ઉંમર વીતી ગઈ હતી ને અમસ્તા ગુજરાતી ફિલ્મો નહીં જોનારા એવા મને ઉપેન્દ્રભાઈને વયસ્ક રોલમાં જોવાની તક મળી. ‘કેટલો સારો મારો વર ! ‘ કે ‘મા બાપને ભૂલશો નહીં’ જેવા ફિલ્મોમાં મેં એમને ચરિત્ર અભિનેતા રૂપમાં જોયા. બે-ચાર વર્ષ પહેલાં જ ‘માનવીની ભવાઈ’માં એમને મુખ્ય પાત્રમાં જોયા હતા. ને એમના ઊંડાણભર્યા અભિનય દ્ધારા એમણે પન્નાલાલ પટેલની નવલકથાના પાત્રને તાદૃશ્ય કર્યું હતું. પણ આ ફિલ્મોમાં ચરિત્ર અભિનેતા તરીકે પણ એમનો અભિનય એવો જ ઉત્કૃષ્ટ હતો. મને યાદ છે કે સર્વાનુમતે શ્રેષ્ઠ અભિનેતા ઍવૉર્ડ એમને જ એનાયત થયો હતો.

એમના અભિનયને કદી કાટ ના લાગ્યો. છેલ્લે ‘અભિનયસમ્રાટ’ નાટકમાં પણ એમની અદાકારીનું સર્વોચ્ચ શિખર જોયું. અને એ શા માટે આજ સુધીના શ્રેષ્ઠ ગુજરાતી અભિનેતાઓમાં ‘બિગ બી’ ની જેમ ‘અલ્ટિમેટ યુ – અલ્ટિમેટ ઉપેન્દ્ર’ છે એ સમજાયું.


(ઉપેન્‍દ્ર ત્રિવેદીનું આત્મકથન સમાવતા પુસ્તકના અનુભવો તેમ જ તેમના અંતિમ દિવસોની વાતો આગામી સપ્તાહે)


લેખક સંપર્ક: ર

જનીકુમાર પંડ્યા.,

બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦

મો.+91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન-+91 79-25323711/ ઇ મેલ: rajnikumarp@gmail.com

Author: Web Gurjari

7 thoughts on “લ્યો, આ ચીંધી આંગળી : ઉપેન્દ્ર ત્રિવેદી અને હું…(૧)

  1. મજા આવી સારા પ્રસંગોનું વર્ણન વાંચીને. રિસ્ક પણ જબરું લીધું હતુ. કદાચ ના પાડવી હોય તો પણ ,,,,
    ખૈર, સરસ આલેખન.

  2. ખૂબ સરસ માહિતી મળી .ગુજરાતી ફિલ્મ કલાકાર સાથે નાં આત્મીય સંબંધો અને અનુભવ પહેલી વાર વાંચ્યા.મે શ્રી તારક મહેતા ની આત્મકથા વાંચી છે (ઇન્ડિયા ટુ ડે ગુજરાતી માં સિરિયલ રૂપે) આપશ્રી પાસે પણ એવી અપેક્ષા છે.

  3. તમે ચીંધી આંગળી – અમે આપ્યો અંગૂઠો.
    બહુજ સુંદર સ્મૃતિપટ…રાહ જોઈ એ છીએ આગળ…

  4. બહુજ રસાળ શૈલીમાં ઉપેન્દ્રભાઇને ચિતરવાનુ કેનવાસીંગ
    આપે સુંદર રીતે કર્યું છે..

Leave a Reply

Your email address will not be published.