ટાઈટલ મ્યુઝીક (૨૫) – નાતા (૧૯૫૫)

બીરેન કોઠારી

કેટલાય સંગીતકારો એવા છે કે જેમનાં ગીતો અતિ લોકપ્રિય હોવા છતાં જાણકારો સિવાયના સામાન્ય લોકોને એમના નામ વિશે જાણ ન હોય. અથવા તો લોકોને એમ જ હોય કે એ ગીત અન્ય કોઈ જાણીતા સંગીતકારે સંગીતબદ્ધ કર્યું હશે. ૧૯૮૭ માં રજૂઆત પામેલી ફિલ્મ ‘ખુદગર્ઝ’નું ગીત ‘મય સે, મીના સે, ન સાકી સે, ન પૈમાને સે’ ખૂબ જાણીતું બનેલું, જે હકીકતમાં રાજેશ રોશને સ્વરબદ્ધ કરેલું હતું. પણ લોકોને એમ લાગતું કે બપ્પી લાહિરીએ બનાવેલું છે. (ત્યારના ‘ફિલ્મફેર’માં આ અંગે કમેન્ટ વાંચેલી કે બિચારા રાજેશને આમેય ફિલ્મો ઓછી મળે છે, અને એનું એકાદ ગીત હીટ થાય તો એની ક્રેડીટ બીજાને મળે છે.) જૂનાં હિન્‍દી ગીતો અને તેના સંગીતકારોની શૈલીના પરિચયનો અમારો આરંભ થયો ત્યારે અન્ય એક ગીત બાબતે અમારે આવું બનેલું. એ ગીત હતું ‘શીરીં ફરહાદ’ ફિલ્મનું ‘ગુજરા હુઆ ઝમાના, આતા નહીં દુબારા, હાફીઝ ખુદા તુમ્હારા.’ ગીતના સ્વરાંકનની શૈલી સાંભળતાં અમને એમ જ હતું કે તે નૌશાદનું છે. જો કે, પછી જાણ થઈ કે તેના સંગીતકાર એસ. મોહીન્દર છે. પણ એસ. મોહીન્‍દર કોણ?

એસ. મોહીન્દર એટલે કે મોહીન્દર સીંઘ. તેઓ 1982 થી અમેરિકા જઈ વસ્યા છે, અને હજી હયાત છે.
આ પ્રતિભાશાળી સંગીતકારે કુલ 37 હિન્દી અને ચૌદેક પંજાબી ફિલ્મોમાં સંગીત આપ્યું હતું. એકાદ ગીતમાં તેમણે સ્વર પણ આપ્યો હતો. તેઓ અમેરિકામાં હોવાથી તેમનો સંપર્ક નહોતો. આ કારણે તેમના વિશે અનેક દંતકથાઓ ચાલતી હતી, જેમાંની એક તેમની હયાતિ વિશેની હતી. પણ 2015 માં તેમને ભારત આવવાનું બન્યું ત્યારે મુંબઈસ્થિત સંશોધક મિત્ર શિશિરકૃષ્ણ શર્માએ તેમની વિસ્તૃત મુલાકાત લીધી અને પોતાના બ્લૉગ ‘બીતે હુએ દિન’ પર મૂકી. (એ મુલાકાત હિન્દી યા અંગ્રેજીમાં અહીં
http://beetehuedin.blogspot.in/…/guzra-hua-zamana-aata-nahi… વાંચી શકાશે.)
1955માં રજૂઆત પામેલી ફિલ્મ ‘નાતા’માં તેમનું સંગીત હતું. આ ફિલ્મનું નિર્માણ મધુબાલાએ કરેલું (કન્‍ટ્રોલર ઑફ પ્રોડક્શન તરીકે તેમના પિતા આતાઉલ્લાહ ખાનનું નામ વાંચી શકાય છે.) અને દિગ્દર્શન દીનાનાથ મધોકે. આ ફિલ્મની એક નોંધપાત્ર બાબત એ હતી કે તેના ગીતો તનવીર નક્વી અને કૈફી આઝમીએ લખેલાં હતાં. દીનાનાથ મધોક ખુદ એક અચ્છા ગીતકાર હતા, પણ આ ફિલ્મમાં તેમણે એકે ગીત લખ્યું નથી.

તનવીર નક્વી અગાઉ હિન્દી ફિલ્મોમાં અનેક સફળ ગીતો (‘અનમોલ ઘડી’ તેમાંનું એક) લખ્યા પછી પાકિસ્તાન જઈને વસ્યા હતા.

‘નાતા’માં કુલ અગિયાર ગીતો હતાં, જેમાંના નવેક ગીતોમાં લતા મંગેશકરનો સ્વર હતો. ‘સુન સખી રી’, ‘મત સમઝો નીર બહાતી હૂં’, ‘સુનો સુનો એક નઈ કહાની’, ‘મોરે સલોને કાન્હા’, ‘ઈક મુદ્દત સે દીવાના દીલ’, ધડકે ધડકે રહ રહ કે દિલ બાવરા’, ‘જવાની ઝૂલતી હૈ’, ‘ઘિર ઘિર છાઈ મસ્ત ઘટાયેં’, ‘લગન લગી હૈ સજન મિલન કી’, ‘ઈસ બેવફા જહાં કા દસ્તૂર હૈ પુરાના’ અને ‘દેખતે દેખતે જલ ગયા આશિયાં’. આ અગિયારે ગીતો https://www.lyricsbogie.com/category/movies/naata-1955 પર સાંભળી શકાશે.

આ ફિલ્મનું ટાઈટલ મ્યુઝીક બહુ વિશિષ્ટ છે. તેનો ઉઘાડ વિવિધ વાદ્યોથી થયા પછી 0.32 પર તાલ પ્રવેશે છે. અહીંથી શરૂ થતી ધૂન ‘બાઝાર’ના ‘સાજન કી ગલિયાં છોડ ચલે’ની યાદ અપાવે છે. પછી તંતુવાદ્યસમૂહ પ્રવેશે છે. તેનો પાછલો ભાગ ‘સુન મેરે સાજના દેખોજી મુઝકો છોડ ના જાના’ના પાછલા હિસ્સાની યાદ અપાવે છે.

(એસ. મોહીન્‍દર યુવાવયે)

યોગાનુયોગે આ બન્ને ગીતોના સંગીતકાર અનુક્રમે શ્યામસુંદર અને હુસ્નલાલ-ભગતરામ ત્રણેય પંજાબી છે. સામ્ય કદાચ તેને કારણે હોય એમ બની શકે. એમ તો તેના બીટ્સ ‘છોડ બાબુલ કા ઘર’ના બીટ્સની યાદ તાજી કરાવે છે, પણ એસ. મોહીન્દરે આ ધૂનની સાથે વાદ્યસમૂહના આયોજનમાં કમાલ કરી છે, જેથી આ આખી ટ્રેક પર તેમની વિશિષ્ટ મુદ્રા જણાઈ આવે છે.
અહીં આપેલી ‘નાતા’ ફિલ્મની આખી લીન્કમાં 2.12 સુધી ટાઈટલ મ્યુઝીક છે.


(તસવીરો નેટ પરથી અને લીન્‍ક યુ ટ્યૂબના સૌજન્યથી)


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Author: Web Gurjari

2 thoughts on “ટાઈટલ મ્યુઝીક (૨૫) – નાતા (૧૯૫૫)

  1. બીરેનભાઈની આ શ્રેણીનો એક બહુ જ મહત્ત્વનો ફાયદો આજના લેખથી થયો.

    એસ મોહિન્દર જેવા , અનોખી શૈલીની કેડી કોતરનાર, પણ વ્યાવસાયિકપણે એકલા પડી ગયેલ, સંગીતકારનાં ગીતો ખાસ યાદ કરી કરીને માણવાની તક ઝડપવાનૂં બનતું રહ્યું છે,. પણ એ સંગીતકારોએ ક્રેડીટ ટાઈટ્લસમાં પણ એવી જ કમાલ કરી હશે તે વિચારવાનું જ યાદ નથી આવ્યું. તેમનાં જેવા સંગીતકારોની ફિલ્મો પણ ભાગ્યેજ જોવાનું બને. એટલે કેડીટ ટાઈટલ્સનાં સંગીતની તેમની ખુબીઓ તો ક્યાંથી સાંભળી જ હોય.

    ‘નાતા’નાં કેડીટ તાઈટ્લ્સનું સંગીત સાંભળ્યા પછી ખ્યાલ આવે છે કે જેને આપણે અવિસ્મરણીય ગીતો તરીકે યાદ કરીએ છીએ તેની પાછળ ઊંડે છૂપાયેલી પ્રેરણા ભારતની લોક સંસ્કૃતિ છે.

    ફિલ્મ સંગીતના સર્જકો કેવી કેવી કમાલ કરતા હતા એ આજે ફરી એક વાર યાદ કરાવવા બદલ બીરેનભાઈનો ખુબ ખુબ આભાર.

    1. ધન્યવાદ, અશોકભાઈ. આપણું હિન્‍દીફિલ્મસંગીત રત્નોની ખાણ સમું છે. જેમ ઊંડા ઊતરીએ એમ વધુ રત્નો હાથ લાગે. સમરસિયાઓ સાથે એ વહેંચવાનો આનંદ.

Leave a Reply

Your email address will not be published.