ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ – ૧૯૧૬થી ૧૯૩૫ : પ્રકરણઃ ૩૦: ક્રાન્તિકારીઓ (૩)

દીપક ધોળકિયા

ક્રાન્તિકારી સંગઠન હિન્દુસ્તાન રીપબ્લિકન ઍસોસિએશન

ચૌરીચૌરાની ઘટના પછી દેશમાં નિરાશા અને સુસ્તીનું વાતાવરણ છવાઈ ગયું હતું. આંદોલન બંધ રહેવાની ખરાબ અસરો દેખાતી હતી. પ્રજામાં જોશનું જે મોજું ઊછળતું હતું તે ઠંડું થવા લાગ્યું હતું. ખુદ કોંગ્રેસ પણ અવઢવમાં હતી. એક જાતનો શૂન્યાવકાશ હતો. એની એક અસર એ થઈ કે લોકોને જલદ પગલાં લેવાની જરૂર દેખાવા લાગી. ગાંધીજીના નેતૃત્વે જે આશા અને ઉત્સાહનો જનતામાં સંચાર કર્યો હતો તેનાથી લોકોમાં વિશાળ જન-આંદોલનો દ્વારા આઝાદી પ્રાપ્ત થવાનો વિશ્વાસ બંધાયો હતો. પણ હવે ગાંધીજીના નેતૃત્વથી નિરાશા પેદા થઈ હતી. ચારે બાજુથી ગાંધીજીની ટીકા થતી હતી (અને આજે પણ થાય છે!). એમની રીત અને વ્યવહારમાં લોકોનો વિશ્વાસ ડગવા લાગ્યો હતો. પરંતુ એ સમય સુધીમાં ગાંધીજીએ કોંગ્રેસ પર સંપૂર્ણ પ્રભુત્વ મેળવી લીધું હતું અને એમની બરાબરી કરી શકે એવો કોઈ નેતા નહોતો. સૌ એ પણ સમજતા હતા કે લોકોની નાડ માત્ર ગાંધીજી પારખતા હતા અને એ એક માત્ર એવા નેતા હતા કે જે અવનવા કાર્યક્રમો દ્વારા ફરી ઉત્સાહ જગાવી શકે તેમ હતા. આમ જ્યાં સુધી ગાંધીજી કંઈ નવું ન કરે ત્યાં સુધી કોંગ્રેસ પણ કંઈ નવું કરવાની નહોતી.

આ સંજોગોમાં બંગાળના ક્રાન્તિકારી શચીન્દ્રનાથ સાન્યાલે દેશના બધા ક્રાન્તિકારીઓને એક મંચ પર લાવીને દેશવ્યાપી પાર્ટી બનાવવાનું બીડું ઝડપ્યું. ૧૯૨૩માં એમણે ‘હિન્દુસ્તાન રીપબ્લિકન ઍસોસિએશન’ (HRA)ની સ્થાપના કરી. એમણે એનો ઘોષણાપત્ર પણ તૈયાર કર્યો, જે ૧૯૨૫ના વર્શના પહેલા દિવસની રાતે જ આલ્ખા ઉત્તર ભારતમાં ઘેરઘેર પહોંચી ગયો. ઘોષણાપત્ર પર ૧૯૧૭ની રશિયાની ઑક્ટોબર ક્રાન્તિની સ્પષ્ટ છાપ હતી અને એનો પહેલો ઉદ્દેશ સશસ્ત્ર ક્રાન્તિ દ્વારા સત્તા પલ્ટો કરીને હિન્દુસ્તાનનાણ બધાં રાજ્યોનો સંઘ બનાવવાનો હતો.

એમણે એ પણ સ્પષ્ટતા કરી કે ભારતીય ગણ્રાજ્યનું અંતિમ બંધારણ તો આખા દેશના બધા પ્ર્રતિનિતિહો સાથે મળીને બનાવશે પણ એનો આધાર, માણસ દ્વારા માણસનું શોષણ થઈ શકે એવી વ્યવસ્થાના અંતમાં નિહિત હશે. લોકો સાર્વત્રિક મતાધિકારના આધાર પ્રમાણે પોતાના પ્રતિનિધિની પસંદગી કરશે અને પ્રતિનિધિ બરાબર કામ ન કરે તો એને પાછો બોલાવવાનો પણ જનતાને અધિકાર હશે. શચીન્દ્રનાથ સાન્યાલના ઘોષણાપત્રમાં એ પણ દાવો કરવામાં આવ્યો કે એમની પાર્ટી સમગ્ર માનવજાતના સહકારના સિદ્ધાંત પર રચાયેલી હોવાથી એ માત્ર રાષ્ટ્રીય નહીં, આંતરરાષ્ટ્રીય પાર્ટી છે. આમ છતાં એમાં એક જાતનો આદર્શવાદ હતો. પાર્ટી ભારતના મહાન ઋષિઓના ઉપદેશો અને આચરણ તેમ જ રશિયાની બોલ્શેવિક ક્રાન્તિના આદર્શોનો સમન્વય કરીને કામ કરવાની હતી.

એમાં આધ્યાત્મિકતાના અંશ પણ હતા – આ વિશ્વ માયા કે ભ્રમ નથી એટલે એના તરફ આંખ બંધ કરીને ન રહેવાય. વિશ્વ અવિભાજ્ય આત્માનું નજરે ચડતું રૂપ છે અને આત્મા શક્તિ, જ્ઞાન અને સૌંદર્યનો સર્વોચ્ચ ઉદ્‍ગમ છે. ઘોષણા પત્ર કહે છે કે “આપણા જીવનના દરેક પાસામાં લાચારીની ભાવના છે, અને આતંકવાદ જ એમાંથી જનતાને બહાર લાવી શકશે.” ખરેખર તો લાચારી કે નિરાશાની ભાવના અસહકાર આંદોલન પાછું ખેંચાવાને કારણે પેદા થઈ હતી.

પરંતુ ઉત્તર ભારતમાં આ ઘોષણાપત્રની બહુ અસર થઈ. રામ પ્રસાદ બિસ્મિલ, અશ્ફાકુલ્લાહ વગેરે પણ એમાં સામેલ થઈ ગયા. આમ HRA સંગઠન યુક્ત પ્રાંતમાં પણ ફેલાવા લાગ્યું. પરંતુ કાકોરી લૂંટ કેસમાં બિસ્મિલ, અશ્ફાક, રાજેન્દ્દ્ર લાહિડી અને રોશન સિંઘને ફાંસી આપી દેવાતાં સંગઠન નબળું પડી ગયું. નવા સાથી મળતા નહોતા અને સરકારનો કડક જાપ્તો હતો. પરંતુ ક્રાન્તિની ભાવના તો ફેલાઈ ગઈ હતી. તેમાં પણ ચંદ્રશેખર આઝાદ અને કુંદન લાલ ગુપ્તા કાકોરી કેસમાં કદીયે સરકારના હાથમાં સપડાયા નહીં, એટલે સશસ્ત્ર સંગઠન ફરી ઊભું થવાની શક્યતાઓ તો હતી જ. આ ચારેય ફાંસીઓને પગલે ફાટી નીકળેલાં કોમી રમખાણોમાં ગણેશ શંકર વિદ્યાર્થીની હત્યા પછી કાનપુર ફરી સક્રિય થયું હતું. આપણે જોયું કે ભગત સિંઘે કાનપુર આશરો લેવા આવ્યા હતા અને વિદ્યાર્થીજીના પત્ર ‘પ્રતાપ’માં કામ કરતા હતા. તે પછી એ લાહોર ગયા પણ ત્યાંથી પાછા ન આવ્યા.

લાહોરમાં પણ ક્રાન્તિકારીઓ સક્રિય હતા. એમાં ભગત સિંઘ, સુખદેવ થાપર, ભગવતી ચરણ વોહરા ક્રાન્તિના સૈદ્ધાંતિક પાસા પર વધારે ભાર મૂકતા અને ઢગલાબંધ પુસ્તકો વાંચતા. કાનપુરમાં સત્યભક્ત અને મૌલાના હસરત મોહાની રશિયન ક્રાન્તિથી પ્રેરાઈને સમાજવાદ તરફ વળ્યા હતા, જો કે, બન્ને પર ધર્મનો પ્રભાવ પણ હતો. કાનપુરના ક્રાન્તિકારીઓ આ દરમિયાન ચન્દ્રશેખર આઝાદ અને કુંદન લાલ ગુપ્તા સાથે સંપર્કમાં આવી ગયા હતા.

હિન્દુસ્તાન સોશ્યલિસ્ટ રીપબ્લિકન ઍસોસિએશન (HSRA)

૧૯૨૮ના સપ્ટેમ્બરમાં ભગત સિંઘે હિન્દુસ્તાન રીપબ્લિકન ઍસોસિએશનની પુનર્રચના કરવાની દરખાસ્ત મૂકી. ભગત સિંઘે ચાર મુદ્દા રજૂ કર્યા. એક, સમાજવાદને પાર્ટીનું અંતિમ લક્ષ્ય છે એમ જાહેર કરવું; બે, આપણે માત્ર એવાં કામો હાથમાં લેવાં કે જેનો સીધો સંબંધ જનતાની જરૂરિયાતો કે ભાવનાઓ સાથે હોય; ત્રણ, ધન માટે માત્ર સરકારી ખજાના પર હુમલા કરવા, ખાનગી ઘરો પર નહીં; અને ચાર, સામૂહિક નેતાગીરીના સિદ્ધાંતનું કડકાઈથી પાલન કરવું.

આના પછી દિલ્હીમાં મળવાનું નક્કી થયું અને બિહાર, પંજાબ, રાજસ્થાન, બંગાળ અને યુક્ત પ્રાંત, એમ પાંચ પ્રાંતોના ક્રાન્તિકારીઓને આમંત્રણ મોકલાયાં. ચંદ્રશેખર આઝાદ પર તો પોલીસની નજર હતી એટલે એ નહોતા આવવાના પણ એમની પહેલાં જ સંમતિ લઈ લેવાઈ હતી જો કે બંગાળે જોડાવાની ના પાડી, માત્ર ચાર પ્રાંતોના દસ ક્રાન્તિકારીઓ દિલ્હીના ફિરોઝશાહ કોટલા (કિલ્લા)માં એકઠા થયા.

યુક્ત પ્રાંતના પાંચ પ્રતિનિધિ હતા, એમાંથી બે જણે અમુક શરતો મૂકી જે બીજાઓએ ન માની એટલે માત્ર આઠ જણ રહ્યા. એમાંથી બિહારના બે જણે સમાજવાદને મુખ્ય ધ્યેય બનાવવાનો વિરોધ કર્યો. બે દિવસની ચર્ચાઓ પછી ભગત સિંઘનો ઠરાવ ૬ વિ. ૨ મતથી મંજૂર રહ્યો. આમ હિન્દુસ્તાન સોશ્યલિસ્ટ રીપબ્લિકન ઍસોસિએશનની સ્થાપના થઈ.

સ્વાભાવિક રીતે જ ભગત સિંઘ એના માત્ર સક્રિય કાર્યકર્તા નહીં પણ વૈચારિક માર્ગદર્શક પણ બની ગયા. હવે સશસ્ત્ર ક્રાન્તિ માટે હથિયારો એકઠાં કરવાનું અને બોઁબ બનાવવાનું કામ શરૂ થઈ ગયું.

આગળની ઘટનાઓ હવે પછી.

૦૦૦

સંદર્ભઃ भगत सिंह और उनके साथियों के सम्पूर्ण उपलब्ध दस्तावेज़. संपादकः सत्यम. राहुल फाउण्डेशन, लखनऊ ISBN 978-81-87728-95-5. #- 350-00


શ્રી દીપક ધોળકિયાનાં સંપર્કસૂત્રો
ઈમેલઃ dipak.dholakia@gamil.com
બ્લૉગઃ મારી બારી

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.