ફિર દેખો યારોં : પૈસાને પાણીની જેમ વાપરવાથી પણ પાણી ન ખરીદી શકાય

-બીરેન કોઠારી

સમૃદ્ધિ હોય ત્યારે સંપત્તિનું યોગ્ય રોકાણ કરવાને બદલે તેને મનફાવે એમ ઊડાડી મારવી અને તંગી હોય ત્યારે રોદણાં રડવાની પ્રકૃતિ કેવળ વ્યક્તિગત જ નહીં, સામૂહિક, રાષ્ટ્રિય યા આંતરરાષ્ટ્રિય પણ હોઈ શકે છે. કુદરતી સંપદા અને નૈસર્ગિક સ્રોત બાબતે આ હકીકત કોઈ એકલદોકલ માટે નહીં, વૈશ્વિક સ્તરે પુરવાર થઈ ચૂકી છે. પહેલાં શોધ, પછી ઉપયોગ, વેડફાટ, ગંભીર આડઅસરો, તંગી અને છેલ્લે ભાન થાય ત્યારે ઉપાય વિચારવા- આ ચક્ર મોટા ભાગના પ્રાકૃતિક સ્રોત બાબતે સાચું છે.

તમામ પ્રાકૃતિક સ્રોતમાં પાણી એવો સ્રોત છે કે જે સીધો જીવન સાથે જોડાયેલો છે. વક્રતા એવી છે કે આ સ્રોતને જ સૌએ સૌથી વધુ અવગણ્યો છે અને હજી અવગણી રહ્યા છીએ. નાણાં ખર્ચીને પાણીને પાઉચ, શીશી, જગ કે કાર્બોયમાં ખરીદતી વખતે આપણે એ બાબતે ભાગ્યે જ સભાન હોઈએ છીએ કે પાણી કેવળ નાણાં ખર્ચીને મેળવી શકાતી ચીજ નથી.

એક અંદાજ અનુસાર આપણા દેશની વસતિ વિશ્વની વસતિના 16 ટકા જેટલી છે. વિશ્વની સમગ્ર વસતિ વિશ્વના 2.5 ટકાથી ઓછા વિસ્તારમાં વસે છે અને તેની પાસે પાણીના સ્રોત વૈશ્વિક જળસ્રોતના કેવળ 4 ટકા છે. આ દર્શાવે છે કે આપણી મૂળભૂત જરૂરિયાત હોવા છતાં પીવાના પાણીનો જથ્થો કેટલો મર્યાદિત છે. આપણા દેશની મહત્ત્વની સંસ્થા ‘કેન્‍દ્રિય જળ આયોગ’ દ્વારા આપણા દેશના જળસ્રોત વિશે કેટલીક મહત્ત્વની વિગતો દર્શાવી છે.

એ મુજબ આપણા દેશની નદીઓમાંના પાણીનો પ્રાકૃતિક જથ્થો 1,999 બી.સી.એમ. (બીલીયન ઘન મીટર) છે. આમાંથી 1,122 બી.સી.એમ. જેટલો જથ્થો ઉપયોગને પાત્ર હોય છે. અને આ જથ્થામાંથી 690 બી.સી.એમ. જળસપાટીરૂપે તથા 432 બી.સી.એમ. ભૂગર્ભ જળ તરીકે હોય છે, જેને પુન: ભરી શકાય છે. આ સંસ્થાએ જણાવ્યા અનુસાર આપણા દેશમાં 2025 સુધીમાં વ્યક્તિદીઠ કેવળ 1, 434 ઘન મીટર પાણી ઉપલબ્ધ હશે. વર્ષ 2050 સુધીમાં તે ઘટીને વ્યક્તિદીઠ 1,219 ઘન મીટર થશે. વ્યક્તિદીઠ 1,700 ઘન મીટરથી ઓછું પાણી મળે ત્યારે પાણીની તાણની સ્થિતિ પેદા થાય છે, અને વ્યક્તિદીઠ 1,000 ઘન મીટરથી ઓછું પાણી ઉપલબ્ધ બને ત્યારે પાણીની અછત ઊભી થાય છે. આપણા દેશની ઘણી નદીઓના જળક્ષેત્રમાં પાણીની અછતની સ્થિતિ પેદા થવા લાગી છે. કાવેરી, પેન્નાર, સાબરમતી તેમ જ પૂર્વની અને કચ્છ તથા સૌરાષ્ટ્રની નદીઓના જળક્ષેત્રમાં આ પરિસ્થિતિ અતિ વિકટ બની ગઈ છે.

‘કેન્‍દ્રિય જળ આયોગ’ દ્વારા પ્રકાશિત અહેવાલમાં દર્શાવાયેલા આંકડા પર એક નજર કરવા જેવી છે. એ મુજબ 2017માં ભારતમાંના ભૂગર્ભજળના સ્રોતમાં 432 બી.સી.એમ. પાણી છે, જેમાંનું 393 બી.સી.એમ. પાણી ‘ઉપયોગ’ કરી શકાય એવું છે. દેશના ભૂગર્ભજળમાંના 90 ટકા બધું મળીને કુલ 15 રાજ્યોમાં આવેલા છે, જેમાંના સૌથી વધુ 16.2 ટકા ઉત્તર પ્રદેશમાં અને સૌથી ઓછા 5.2 ટકા ગુજરાતમાં છે. હાલ વપરાતા ભૂગર્ભજળનું પ્રમાણ 249 બી.સી.એમ. છે, જે મોટે ભાગે કૃષિ ક્ષેત્રે વપરાય છે.

2009-18ના દાયકાની સરેરાશની સરખામણીએ ભૂગર્ભ જળસ્રોતમાંના પાણીના સ્રોતમાં 61 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે.

આ આંકડા અને સંબંધિત વિગત પરથી સમજાશે કે પાણીની પરિસ્થિતિ કેટલી વિકટ છે અને આવનારાં વરસોમાં વધુ વિકટ બનતી જવાની છે. આ સંજોગોમાં વર્તમાન વડાપ્રધાને ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં એક મહત્ત્વાકાંક્ષી યોજનાની ઘોષણા કરી છે, જેનું ધ્યેય જ ભૂગર્ભજળ સ્રોતોના વ્યવસ્થાપનનું છે. ‘અટલ ભૂજલ યોજના’ નામની આ યોજના આરંભિક તબક્કે સાત રાજ્યો-ગુજરાત, હરિયાણા, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં 2020-21થી 2024-25ના પાંચ વરસ દરમિયાન અમલી કરવામાં આવશે. કુલ 78 જિલ્લાની 8,350 ગ્રામ પંચાયતો તેનાથી લાભાન્વિત થશે. જલશક્તિ મંત્રાલયના સ્રોત અનુસાર જળતંગીયુક્ત ક્ષેત્રોમાં તેનો હેતુ સિદ્ધ થશે તો યોજનાને દેશના અન્ય હિસ્સાઓમાં અમલી કરવામાં આવશે.

આ યોજનાનું મુખ્ય લક્ષ્ય ભૂગર્ભજળના ઉતરતા જતા સ્તરના દરને તેમ જ પાણીના ઉપયોગને નાથવાનો છે. કુલ 6 હજાર કરોડના અંદાજિત ખર્ચમાંના 3 હજાર કરોડ વિશ્વ બૅન્ક લોનરૂપે પૂરા પાડશે. આ યોજના, તેના હેતુ અને તેની ઘોષણા એક રીતે આનંદ આપે એવાં છે કે આ અતિ ગંભીર સમસ્યાના ઊકેલ બાબતે પગલાં લેવાની કંઈક શરૂઆત તો થઈ. હવે જોવાનું એ રહે છે કે આ યોજના વાસ્તવમાં સફળ થાય છે કે બીજી અનેક યોજનાઓની જેમ કેવળ કાગળ પર અને સરકારી પોસ્ટરોમાં જ ઝળહળતી સફળતાને વરે છે! પાણીની અછત, મર્યાદિત સ્રોત અને તેના વિવેકપૂર્ણ ઉપયોગ બાબતે કોઈને કશું સમજાવવાની જરૂર ભાગ્યે જ હોય છે. આમ છતાં તેનો અમલ વ્યક્તિગત કે સામૂહિક સ્તરે એટલો વ્યાપકપણે થયેલો જોઈ શકાતો નથી. એક સમયે એમ કહેવાતું કે નર્મદા બંધ અને સરદાર સરોવર પૂરેપૂરાં બની ગયા પછી પાણીની તંગી રહેશે નહીં. પણ એ પછીની પરિસ્થિતિ આપણે સૌ જાણીએ છીએ.

ગત વર્ષનું ચોમાસું અતિવૃષ્ટિવાળું બની રહ્યું હતું, પણ એ રીતે વરસેલા અતિશય જળનું યોગ્ય વ્યવસ્થાપન કરવામાં નહીં આવે તો આ વરસે ઊનાળો આવતાં સુધીમાં રાબેતા મુજબ પાણીની તંગી પેદા થઈ જશે. સરકાર અને તેની યોજના થકી જે પગલાં લેવાય તે ખરાં, પણ વ્યક્તિગત રીતે આપણે જળવિવેક કેળવવો જરૂરી નહીં, બલ્કે અનિવાર્ય છે. એટલું સમજી લેવાની જરૂર છે કે પાણી એ પૈસાથી ખરીદી શકાતી ચીજ નથી. તે નૈસર્ગિક સ્રોત છે, અને તે ખૂટશે ત્યારે નહીં પૈસા કામ આવે કે નહીં સરકાર. પાણીનો વગર વિચાર્યો વેડફાટ થતો રહ્યો તો એ દિવસ દૂર નથી કે દુકાળ એ નૈસર્ગિક આપત્તિ નહીં પણ માનવસર્જિત આપત્તિ બની જાય. કોને ખબર એની શરૂઆત થઇ પણ ગઇ હોય!


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨-૧-૨૦૨૦ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.