ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – ૨૧

ચિરાગ પટેલ

उ. ४.५.३ (८७१) रायः समुद्राँश्चतुरेस्मभ्यँसोम विश्वतः। आ पवस्व सहस्त्रिणः॥ (त्रित आप्त्य)

હે સોમ! અમારી હજારો ઇચ્છાઓની પૂર્તિ માટે ઐશ્વર્યથી ભરપૂર ચારેય સમુદ્ર વગેરે સાધનો અમને હસ્તગત કરાવો.

આ શ્લોકમાં “સહસ્ત્ર” શબ્દનો ઉલ્લેખ છે, જે ભારતમાં વેદિક કાળથી સુનિયોજિત ગાણિતિક વ્યવસ્થા વ્યવહારમાં હોવાનું સૂચવે છે. વળી, અહીં “ચાર સમુદ્ર”ની ઉપમા પ્રયોજાઇ છે. કોઈ વ્યક્તિને ચાર સમુદ્ર હોવા એવી ઉપમા અંગે કોઈ વ્યવસ્થિત સંદર્ભ મળતો નથી. પરંતુ, ચાર વેદ (રુક, સામ , યજુર, અથર્વ) કે ચાર આશ્રમ (બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ, સન્યસ્ત) અથવા ચાર વર્ણ (બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર) કે ચાર પુરુષાર્થ (ધર્મ, અર્થ, કામ, મોક્ષ) કે પછી ચાર મૂળભૂત વૃત્તિઓ (આહાર , નિદ્રા, ભય, મૈથુન) વિષે વેદ-ઉપનિષદ-પુરાણમાં નિર્દેશ થયેલો છે. વળી, વ્યક્તિગત સાધના માટે ચાર વાણીઓ (પ્રાર્થના, સ્તુતિ, ઉપાસના, જપ) પણ પ્રચલિત રૂપે પ્રયોજાતી હતી. સમગ્ર શ્લોકનો મર્મ સમજીએ તો ચાર આશ્રમ કે ચાર વર્ણ અથવા ચાર વાણી માટે આ ઉપમા પ્રયોજાયેલી હોઈ શકે.

उ. ४.५.६ (८७४) सहस्त्रधारः पवते समुद्रो वाचमीङ्ख्यः। सोमस्पती रयीणांसखेन्द्रस्य दिवेदिवे॥ (ययाति नाहुष)

વાણીનો પ્રેરક, ઇન્દ્રનો મિત્ર, જળ મિશ્રિત સોમ હજારો ધારાઓથી પ્રતિદિન કળશમાં પ્રાપ્ત થાય છે.

આ શ્લોકમાં “સહસ્ત્ર” શબ્દનો ઉલ્લેખ છે, જે ભારતમાં વેદિક કાળથી સુનિયોજિત ગાણિતિક વ્યવસ્થા વ્યવહારમાં હોવાનું સૂચવે છે. અહીં સોમને વાણીનો પ્રેરક અને ઇન્દ્રનો મિત્ર ગણાવ્યો છે જેની હજારો ધારાઓ સમુદ્રની જેમ પ્રતિદિન પ્રાપ્ત થાય છે. આ ઉપમાનું એક વિવરણ એવું કરી શકાય કે, વેદકાળના ઋષિઓ પ્રત્યેક દિન સોમરસનું પાન કરતાં હશે અથવા યજ્ઞમાં આહુતિ આપતાં હશે. વળી, વેદના મંત્રોથી સોમરસની આહુતિ આપવાની રીત પ્રચલિત હશે કે જેથી સોમને વાણીનો પ્રેરક ગણાવ્યો છે. આ વિશ્લેષણ પ્રમાણે ઇન્દ્રનો મિત્ર સોમ પણ બંધ બેસે છે. યજ્ઞમાં આહુતિથી મેઘ બનવાની પ્રક્રિયામાં ફાળો આપવાથી સોમ ઇન્દ્રનો મિત્ર બને છે. બીજા એક વિશ્લેષણ પ્રમાણે, ઇન્દ્ર એટલે મન અને ઇન્દ્રના મિત્ર સોમના મનમાં ઉઠતાં હજારો તરંગો વાણી બને છે.

उ. ४.५.७ (८७५) पवित्रं ते विततं ब्रह्मणस्पते प्रभुर्गात्राणि पर्येषि विश्वतः। अतप्ततनूर्न तदामो अश्नुते शृतास इद्वहन्तः सं तदाशत॥ (पवित्र आङ्गिरस)

હે મંત્રોના સ્વામી સોમ! આપનો શુદ્ધ ભાગ સર્વત્ર વ્યાપ્ત છે. સામર્થ્યવાન સાધકોને જ આપ ઉપલબ્ધ થાઓ છો. પરિપક્વ તેજસ્વી સાધક જ યજ્ઞ કરતા આપને પ્રાપ્ત કરે છે. શરીરને તપાવ્યા વિના કોઈ આપનુ સુખ મેળવી શકતું નથી.

આ શ્લોક સંપૂર્ણ પણે સૂક્ષ્મ કે આદ્યાત્મિક અર્થનો દ્યોતક છે. અહીં તપ કે સાધના દ્વારા ઋષિ સોમ એટલે કે આનંદ-રસની પ્રાપ્તિ કેવી રીતે થાય એ જણાવે છે. આ સોમરૂપી આનંદરસ સર્વત્ર વ્યાપ્ત છે અને તપસ્વી સાધકને જ પ્રાપ્ત થાય છે. એટલે, આ રસ અથવા સોમને ચૈતન્ય કે જીવનરસ માની શકાય જેની ઉત્પત્તિ મગજમાં થાય છે.

उ. ४.५.८ (८७६) तपोष्पवित्रं विततं दिवस्पदेऽर्चन्तो अस्य तन्तवो व्यस्थिरन्। अवन्त्यस्य पवितारमाशवो दिवः पृष्ठमधि रोहन्ति तेजसा॥ (पवित्र आङ्गिरस)

સોમના પવિત્ર અંગ શત્રુને સંતાપ આપવા દ્યુલોકમાં ફેલાય છે. એ ચમકતાં કિરણો દ્યુલોકના પૃષ્ઠ ભાગે વિશેષ સ્થિર થયાં છે. આ કિરણો યાજ્ઞિકોનું રક્ષણ કરે છે.

અહીં શ્લોકની શરૂઆતમાં સોમનો ભૌતિક અર્થ અભિપ્રેત છે. દ્યુલોક અર્થાત વાતાવરણમાં ઘણે ઉપર સુધી સોમવલ્લી ફેલાય છે , કારણ કે એ હિમાલયમાં થતી વેલ કે છોડ છે. પછી, શ્લોક આધ્યાત્મિક અર્થ તરફ વળાંક લે છે. દ્યુલોકનો પૃષ્ઠ ભાગ કયો હોઈ શકે? વાતાવરણનો પૃષ્ઠ ભાગ એટલે પૃથ્વી પરથી જે ઉપર તરફનો દ્રષ્ટિગોચર ન થતો ભાગ! સોમવલ્લી એટલી તો ઊંચી નથી કે એ આટલી ઊંચાઈ આંબી શકે. એવો કોઈ ઉલ્લેખ બીજા કોઈ શ્લોકમાં નથી! ઇન્દ્ર અને સોમ મિત્ર છે. દ્યુલોક એટલે મગજ કે જેના પૃષ્ઠ ભાગમાં સોમ વિશેષ સ્થિર થાય છે! વળી, સોમ વાણીનો પ્રેરક છે. શરીર વિજ્ઞાનની દ્રષ્ટિએ હાઇપોથેલેમસ વિવિધ રસાયણોના સ્ત્રાવ માટે ઉત્તરદેય છે, જે મગજના આંતરિક-પૃષ્ઠ ભાગમાં છે. વળી, નાનું મગજ કે સેરીબેલમ વિવિધ શારીરિક કાર્યવાહી સંભાળે છે, પરંતુ વાણીનું જનક સ્થાન મગજનો આગળનો ભાગ છે. આ પ્રમાણે પણ કોઈ ચોક્કસ નિષ્કર્ષ મળતો નથી. એટલે, આધ્યાત્મિક અર્થઘટન કરવું જ યોગ્ય રહે!

આદ્યાત્મિક અર્થ પ્રમાણે, પ્રાણનું આનંદ સ્વરૂપ સર્વત્ર વ્યાપ્ત છે જે દોષોનું દાહક છે. તેનો પોતાની અંદર વિસ્તાર કરનારા સાધક અર્ચના/સ્તુતિ દ્વારા અમૃત સ્થાનમાં સ્થિત થાય છે અને પુનઃ પરમાત્મ પ્રાપ્તિ કરે છે.

उ. ४.५.९ (८७७) अरुरुचदुषसः पृश्निरग्रिय उक्षा मिमेति भुवनेषु वाजयुः। मायाविनो ममिरे अस्य मायया नृचक्षसः पितरो गर्भमा दधुः॥ (पवित्र आङ्गिरस)

ગ્રહોમાં અગ્રણી સૂર્ય પ્રકાશિત બની સર્વે લોકમાં કિરણો ફેલાવે છે અને બધાંને અન્નાદિ આપે છે. બધાંને પ્રકાશિત કરતાં કિરણો ગર્ભની જેમ જળને ધારણ કરે છે.

ભારતીય જ્યોતિષવિજ્ઞાન મુજબ સૂર્ય એ મુખ્ય ગ્રહ ગણાય છે. સામવેદના કાળમાં જ્યોતિષ કે ખગોળ વિકસી ચૂક્યું હશે એમ આ શ્લોક પરથી માની શકાય! વળી, સૂર્ય વનસ્પતિના પોષણ માટે આવશ્યક છે એ તથ્ય પણ સામવેદ કાળના મનુષ્યો જાણી ચુક્યા હશે એમ અહીં જણાય છે. શ્લોકના ઉત્તરાર્ધમાં કિરણો જળને ગર્ભની જેમ ધારણ કરે છે એવી પ્રગલ્ભ ઉપમા પ્રયોજાઇ છે! કિરણો વિશાળ જળરાશી પર આઘાત કરી વરાળ જન્માવે છે અને વર્ષા ચક્રને સંચારિત કરે છે!


શ્રી ચિરાગ પટેલનાં સપર્કસૂત્રઃ

· નેટજગતનું સરનામું: ઋતમંડળ

· ઈ-પત્રવ્યવહારનું સરનામું: chipmap@gmail.com

Author: Web Gurjari

2 thoughts on “ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – ૨૧

  1. उ. ४.५.३ (८७१) रायः समुद्राँश्चतुरेस्मभ्यँसोम विश्वतः। आ पवस्व सहस्त्रिणः॥ (त्रित आप्त्य)

    ચારના બીજા સમુચ્ચયો પણ છે. માંડુક્ય ઉપનિષદ કહે છે, अयं आत्मा चतुष्पादः આ આત્મા ચાર પગ (પાદ)વાળો છે. વૈશ્વાનર પાદ, તૈજસ પાદ, પ્રાજ્ઞ પાદ અને ચોથો પાદ જેનું કોઈ વિવરણ નથી. એ તુરીય સ્થાન છે.
    એ જ રીતે, વાણી ચાર સ્તરની છે – પરા, પશ્યંતી. મધ્યમા વૈખરી (સૌથી ઊંચેથી છેક નીચેના ક્રમમાં)
    ધર્મ, અર્થ. કામ અને મોક્ષ.

Leave a Reply

Your email address will not be published.