સમયચક્ર : કેલેન્ડર ( તારીખિયું ) ક્યારથી આવ્યું ?

માવજી મહેશ્વરી

સમયના પરિપ્રેક્ષ્યમાં એક સેકન્ડની કિમત કેટલી મોટી હોઈ શકે એ જ્યારે કોઈ અવકાશયાનને ધરતી પરથી છોડવાનો હોય ત્યારે વૈજ્ઞાનિકને જ સમજાતી હોય છે. એક દિવસથી મહાયુગથી સુધીની કાલગણના કરનારા કરે છે. પરંતુ સામાન્ય માણસ માટે પોતાનો એક દિવસ, મહિનો કે કોઈ ચોક્કસ વર્ષ અગત્યનો હોય છે. કેટલીક બાબતો રોજિંદા જીવનમાં સાવ સામાન્ય લાગતી હોય છે. પણ તે અત્યંત મહત્વની હોય છે. તેની રચના અનેક તબક્કાઓમાંથી પસાર થઈ હોય છે. એવું એક સાધના છે જેને તારીખિયું કે કેલેન્ડર કહેવાય છે. આજે એક હજાર વર્ષ પછી કઈ તારીખે કયો વાર આવશે તે ફટાફટ ગણતરી કરી આપતાં સાધનો છે. પરંતુ આ ગણતરી અનેકજાતના વિચારો, પ્રક્રિયા, વાદ વિવાદોમાંથી પસાર થઈ છે.

માનવજાતના જુદા જુદા સમુહો પૃથ્વી ઉપર જુદી જુદી જગ્યાએ સ્થિર થયા. પ્રાથમિક અવસ્થાના જીવનમાં એમના માટે રાત અને દિવસ એવા બે જ સમયના સ્વરૂપ હતા. પરંતુ માનવ સભ્યતાનો જેમ જેમ વિકાસ થતો ગયો તેમ તેમના માટે સમયની ગણતરી અગત્યની બનતી ગઈ. એ માટે તેમની પાસે સૂર્ય અને ચંદ્ર એવા બે અવકાશી પીંડ હતા. સૂર્યે દિવસ અને રાત આપ્યા, તો ચંદ્રની વધતી-ઘટતી કલાઓએ તેને ત્રીસ દિવસની ગણતરી શીખવાડી. મહિનાના આધારે વર્ષ બન્યું. પંચાંગ અને ઘડિયાળની શોધ સમયના વિભાજન કરવા જરુરી બની હતી. માનવ સમુહો જ્યાં સુધી એક જગ્યાએ જ રહેતા હતા ત્યાં સુધી સ્થાનિક વ્યવસ્થા પૂરતી હતી. પરંતુ સમય જતાં જળજહાજો શોધાયા અને માણસે દરિયામાર્ગે મુસાફરી કરી તે પછી વૈશ્વિક કેલેન્ડર બનાવવું જરુરી બન્યું. વર્તમાન સમયમાં ગ્રેગેરીયન પંચાંગના આધારે ચાલતું વિશ્વનું કેલેન્ડર સર્વસ્વીકૃત છે. દુનિયાની તમામ વ્યવસ્થાઓ આ કેલેન્ડર પ્રમાણે ગોઠવાયેલી છે. તેમ છતાં ખાસ કરીને એશિયામાં રહેતી પ્રજાઓના તહેવારો, અને ધાર્મિક વ્યવહારો તેમના પૂર્વજોએ રચેલા કેલેન્ડર મુજબ જ ચાલે છે. ભારતની જ વાત કરીએ તો મૂળ ભારતીય હિન્દૂ પ્રજામાં જ જુદા જુદા સોળ સંવત છે. જેમાં શક સંવત, જૈન સંવત, અને વિક્રમ સંવત મુખ્ય છે. આજના મોટાભાગના હિન્દુ વ્યવહારો વિક્રમ સંવતને આધારે ચાલે છે. ભારતીય ન હોય તેવા કુલે અઢાર સન છે. જેમાંથી હીજરી સન, ઈસ્વીસન, પર્શીયન સન જેવા વર્ષ ભારતમાં પ્રચલિત છે.

દિવસ, અઠવાડિયું, પખવાડિયું, મહિનો, વર્ષ, દાયકો, શતાબ્દિ, યુગની ગણતરી કરવા માટે કેલેન્ડર બન્યું છે. દુનિયાના વિવિધ ભાગમાં અલગ અલગ સંવત કે સનના કેલેન્ડર બનાવવામાં આવ્યા. જોકે પહેલું સંવત કે કેલેન્ડર કયું તે વિશે મતમતાંતર છે. એક એવો મત છે કે સમગ્ર જગતમાં સૌ પ્રથમ સંવત કલ્પાબ્દ ( ભારતીય ) રચાયો. જેને બે અબજની આસપાસ વર્ષ થવા જાય છે. જ્યારે સૌથી છેલ્લે હીજરી સન ( ઈસ્લામીક )ની રચના થઈ જેનું ૧૪૪૦મું વર્ષ ચાલી રહ્યું છે. તો કેટલાક ઈતિહાસકારો માને છે કે સૌથી પહેલું કેલેન્ડર હિબ્રુ અથવા યહુદી બન્યું હતું. જેની શરુઆત ઈસ્વીસનથી પૂર્વે ૩૫૦૦ વર્ષ પહેલા કરવામાં આવી હતી. એ કેલેન્ડર સૂર્ય આધારીત કેલેન્ડર હતું. પરંતુ તેમા સૂર્ય અને ચંદ્ર બન્નેને આધાર બનાવવામાં આવ્યો હતો. આ કેલેન્ડરમાં કોઈ વર્ષ બાર મહિનાનું તો કોઈ વર્ષ તેર મહિનાનું હતું. વર્ષના દિવસો પણ ૩૫૩ થી ૩૮૫ દિવસો હતા. તે પછી ચાઈનીઝ કેલેન્ડર આવ્યું. જેની શરુઆત આજથી ૨૫૦૦ વર્ષ પહેલા શરુઆત કરવામાં આવી હતી. તે પછી ઈશુના જન્મથી સતાવન વર્ષ પહેલા ભારતમાં વિક્રમ સંવત શરુ થયો. આ બાબતે કેટલાક લોકોનું માનવું છે કે નેપાળના લિચ્છિવ વંશના પ્રથમ રાજા ધર્મપાલ ભૂમિવર્મા જ વિક્રમાદિત્ય હતા. તો ગુજરાતના કેટલાક સંશોધકો અને દેશના કેટલાક જાણકારો માને છે કે વિક્રમ સંવતની શરુઆત ભારતના સમ્રાટ વિક્રમાદિત્યે જ આ કેલેન્ડર બનાવરાવ્યું હતું. વિક્રમ સંવંતમાં બાર મહિનાનું એક વર્ષ હતું. અને દર ત્રણ વર્ષે વર્ષમાં એક મહિનો ( અધિક માસ ) બેવડાતો. જગતમાં સાત દિવસનું એક અઠવાડિયું ગણવાની શરુઆત વિક્રમ સંવતના આવ્યા પછી થઈ. વિક્રમ સંવત સૂર્ય અને ચંદ્રની ગતિ આધારીત કેલેન્ડર છે. વિક્રમ સંવત આજે પણ નેપાલમાં સર્વાધિત વપરાતું અને રાષ્ટ્રીય કેલેન્ડર છે.

મોટાભાગના ભારતમાં વિક્રમ સંવત ચલણ છે. ભારતમાં વિક્રમ સંવતની શરુઆતને નવું વર્ષ ગણવામાં આવે છે. વિક્રમ સંવતનું કેલેન્ડર બાર રાશી અને બાર સૂર્ય માસ છે. જે દિવસે સૂર્ય જે રાશીમાં પ્રવેશ કરે છે તે દિવસને સંક્રાંતિ ગણવામાં આવે છે. પૂર્ણિમાના દિવસે ચંદ્ર જે નક્ષત્રમાં હોય છે તેના આધારે જ મહિનાના નામ રાખવામાં આવ્યાં છે. ભારતનું રાજકીય કેલેન્ડર ભલે ઈસ્વીસન હોય. પરંતુ ભારતીય સંસ્કૃતિ અને ધર્મમાં અતિ મહત્વનું સ્થાન વિક્રમ સંવતનું છે. દુનિયામાં સૌથી પહેલા તારા, ગ્રહો, નક્ષત્રોને સમજવાનો પ્રયત્ન ભારતમાં જ થયો હતો અને તેમાં પંડિતોને સફળતા મળી હતી. અવકાશી પીંડો અને સૂર્ય ચંદ્રની સુક્ષ્મ બાબતો સમજ્યા પછી જ ભારતના મહાન ખગોળ શાસ્ત્રીઓએ વિક્રમ સંવતનું કેલન્ડર બનાવ્યું હતું. જે ભારતીય કેલેન્ડર તરીકે જગતમાં ખ્યાતિ પામ્યું હતું. ભારતીય કેલેન્ડર બાદ રોમના પ્રથમ રાજા રોમલુસે પોતાના નામ ઉપરથી જ રોમન કેલેન્ડર બનાવ્યું. આ કેલેન્ડર પણ ચંદ્ર આધારીત હતું. આ કેલેન્ડરમાં દસ મહિના હતા. દરેક માસના દિવસ ઓગણત્રીસ અથવા ત્રીસ હતા. તે પછીના રોમના રાજા જુલીયસ સીઝરે નવું કેલેન્ડર પ્રચલીત કર્યું. આ કેલેન્ડર પોપ ગ્રેગરી ત્રીજાએ બનાવ્યું હતું. આ કેલેન્ડરમાં બાર મહિનાના જુદા જુદા ૨૮,૩૦,અને ૩૧ દિવસો રાખવામાં આવ્યા. એક વર્ષના બાવન અઠવાડિયાં હતા.

આજે આખાય જગતનું એક સર્વ સ્વીકૃત અને માન્ય કેલેન્ડર ગ્રેગેરીયન કેલેન્ડર કહેવાય છે. જે સૂર્ય આધારીત છે. આ આંતરરાષ્ટ્રીય કેલેન્ડર છે. આ કેલેન્ડર એલોયસીયસ લીલીયસે બનાવ્યું અને તેને ગ્રેગરીએ પ્રચલિત કર્યું. આમ તો આ કેલેન્ડર જુલીયસ સીઝરે બનાવેલા કેલેન્ડરનું સુધારેલું સ્વરૂપ જ છે. મહત્વનો સુધારો એ છે કે પૃથ્વીની સૂર્યની પ્રદક્ષિણા દરમિયાન ૩૬૫ દિવસ ઉપરાંત વધારે લાગતા ૬ કલાકનો હિસાબ મેળવવા દર ચોથા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં એક દિવસ ઉમેરવામાં આવ્યો છે. જેને લીપ યર કહેવામાં આવે છે. આ કેલેન્ડરને જુદા જુદા સમયમાં વિશ્વના દેશોએ પોતાના દેશના રાષ્ટ્રીય કેલેન્ડર તરીકે સ્વીકાર્યું છે. જેમાં સૌ પ્રથમ ૧૫૮૨માં પ્રશિયા, જર્મની, સ્વિત્ઝરલેન્ડ, હોલેન્ડ અને ફ્લેન્ડ્ર્સે અપનાવ્યું અને સૌથી છેલ્લે સોવિયેત દેશો ( રશિયા ) ૧૯૧૭માં અપનાવ્યું. ભારતમાં આ કેલેન્ડર સત્તાવાર રીતે ૧૭૫૨માં આવ્યું. જેને બ્રીટીશ સામાજ્યના દેશોમાં લાગુ કરવામાં આવ્યું હતું. ૧૭૫૨ પછીના ભારતીય બનાવોને વર્તમાન આંતરરાષ્ટ્રીય કેલેન્ડર મુજબ નોંધવામાં આવ્યા છે.

એક ભારતીય તરીકે આપણે એ વાત યાદ રાખવી ઘટે કે કાળની સુક્ષ્મ ગણતરીઓ અને પૃથ્વીથી લાખો માઈલ દૂર ફરતા અવકાશી પીંડોના અંતર ગણવાની શરુઆત ભારતે કરી હતી. સૂર્યમાળાનો નકશો અને તેના આધારે રચાયેલું ભારતીય જ્યોતીષ શાસ્ત્ર પણ એટલું જ સુક્ષ્મ છે. જોકે જન્મ કુંડલી અને જ્યોતીષ જુદા વિષયો છે. આ વિષયોને ગાણિતીક રીતે સમજવાને બદલે ધાર્મિક વિષય બનાવી દેવામાં આવ્યો છે. પરંતુ સમયની સુક્ષ્મ ગણતરી અને અન્ય ગ્રહોના ગુરુત્વાકર્ષણની અસરોને આધારે બનાવાયેલું ભારતીય જ્યોતીષ શાસ્ત્ર હસવામાં કાઢી નાખવા જેવું નથી. મુશ્કેલી એ છે કે આ વિદ્યાઓના નખશીખ અભ્યાસુઓનો તોટો છે.


શ્રી માવજી મહેશ્વરીનાં સંપર્ક સૂત્રોઃ ફોન નં. +૯૧ ૯૮૨૫૭૨૫૫૯૬ Email mavji018@gmail.com


સંપાદકીય નોંધ – અહીં લીધેલ સાંદર્ભિક ચિત્ર નેટ પરથી સાભાર લીધેલ છે

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.