વાંચનમાંથી ટાંચણ : એક મંદિરની શોધમાં – ભાગ-૧

સુરેશ જાની

[ પુરાતત્વની એક સત્યકથા પર આધારિત ]

શનિવારની એક સાંજે, જંગલમાંથી આવીને તે થાક ઊતારી રહ્યો હતો; અને ભેગા કરેલા અવનવી વનસ્પતિના નમૂના વિભાગવાર જુદા પાડી રહ્યો હતો. વિષુવવૃત્તીય વિસ્તારના એક દેશના એક તળાવની થોડે દક્ષિણે આવેલા એક નાના-શા શહેરમાં તે હજુ બે એક અઠવાડિયા પહેલાં જ આવ્યો હતો. હેન્રી મુહોતને પેરિસથી એ દેશના વિષુવવૃત્તીય જંગલોની વનસ્પતિઓની શોધખોળ કરવા, એક વર્ષ પહેલાં નિયુક્ત કરવામાં આવ્યો હતો. આ નાના’શા ગામમાં તે સાવ કંટાળી ગયો હતો. આમ તો તે ધાર્મિક ન હતો, પણ બીજાં ફ્રેન્ચ ભાષા બોલતાં લોકોને મળાશે, તે આશાએ તેણે રવિવારની ચર્ચની સભામાં જવાનું નક્કી કર્યું.

બીજા દિવસે તે ચર્ચમાં ગયો. પીટર નામનો પાદરી મોટે ભાગે તો સ્થાનિક ભાષામાં જ બાઈબલમાંથી વાંચી રહ્યો હતો; પણ થોડાએક શબ્દો, થોડાં ઘણાં ફ્રેંચ સાંભળનારાં માટે પણ બોલી રહ્યો હતો. સભા પતી ગઈ, પછી પીટરે બીજી ઔપચારિકતા પતાવી, બધા ફ્રેન્ચ લોકોને પોતાના કમરામાં આવવા નિમંત્ર્યાં. સ્વાભાવિક રીતે જ તેનું ધ્યાન નવાગંતુક મુહોત પર વધારે રહ્યું. ઘણી બધી વાતો થઈ. મુહોતને સ્થાનિક ઈતિહાસ, ભૂગોળ, રીતરિવાજ વિગેરે વિશે જાણવાની ઘણી ઉત્કંઠા હતી. કાળી ગરમાગરમ ચા અને સ્થાનિક બનાવટના બિસ્કિટની સાથે વાતોના ગપાટા પણ ખાસ્સાં ચાલ્યાં.  વાતવાતમાં પીટરે એક લોકવાયકાની વાત કરી. ગામથી પચાસેક માઈલ દૂર, તળાવની ઉત્તરે ભયંકર જંગલની વચ્ચે ઘણાં જૂનાં ખંડેરો છે; પરંતુ દુર્ગમ જંગલને કારણે કોઈ ત્યાં જઈ શકતું નથી. તે કોણે બનાવ્યાં અને શા કારણે તૂટી ગયાં તે પણ કોઈ જાણતું ન હતું.

મુહોત ઘેર ગયો, પણ આ વાત તેના મગજમાં ઘૂમરાતી રહી. તેને વનસ્પતિશાસ્ત્ર ઉપરાંત ઈતિહાસમાં બહુ જ રસ હતો. આ પ્રદેશ વિશે તેને આવું બધું જાણવાની બહુ ઈચ્છા હતી, પણ સ્થાનિક લોકોમાં ભણેલા ગણેલા લોક ખાસ ન હતા. જે હતા તે પણ આવી વાયકાઓ સિવાય કશું જ જાણતા ન હતા. તે આ દેશના પાટનગરમાં આવ્યો ત્યારે તેને એટલું જાણવા મળ્યું હતું કે, ઈ.સ. ૧૫૦૦ ના અરસામાં પહેલવહેલા પોર્ચુગિઝ લોકો આ બાજુ આવ્યા હતા અને તેના સો એક વરસ પહેલાં, અહીં બહુ જ જાહોજલાલી વાળી સંસ્કૃતિ અને સામ્રાજ્ય હતાં, પણ દુશ્મનોના આક્રમણમાં તે સામ્રાજ્યનો અંત આવ્યો હતો. અહીંની સ્થાનિક પ્રજા બહુ જ ગરીબ હતી. પીટર પણ વર્ષો પહેલાં આવી ગયેલા પોર્ચુગિઝ લોકોના અહેવાલો, લોકવાયકાઓ વિ. સિવાય કાંઈ જાણતો ન હતો.

મુહોતને તે રાત્રે સપનાંમાં ચિત્રવિચિત્ર પહેરવેશ પહેરેલા, કો’ક અજાણ્યા લોકો કોઈક સાવ અજાણ્યા ભગવાનની અવનવી મૂર્તિની પૂજા કરતાં, ઢોલના ધબકારે નાચતાં અને તેની તરફ ધસી આવતાં દેખાયાં. પસીને રેબઝેબ તે ઝબકીને જાગી ગયો. સવારની ચા પીતાં તેણે સંકલ્પ કર્યો કે, તે ખંડેરોની ભાળ ગમે તે ભોગે કરવી જ.

બીજા રવિવારે ફરી પાછો આ જ ક્રમ ચાલ્યો. મુહોતે કહ્યું –“ પાદરી સાહેબ, મારે ગીચ જંગલોમાં, છેક અંદરના ભાગમાં મારા કામ અંગે જવું છે. જો તમે તૈયાર હો તો, આપણે તે જ વિસ્તારમાં મારી શોધખોળ માટે જઈએ. ખંડેરોની તલાશ પણ થશે, અને મારી વનસ્પતિની પણ. એક સાથે બે કામ થશે.”

પીટરે કહ્યું “ ચર્ચ માટે બીજી કોઈ વ્યવસ્થા થાય તો હું આવું. મને પણ આવું સાહસ કરવાનું ગમે. આવા કામમાં એકાદ બે અઠવાડિયા તો થઈ જ જાય ને.”

બન્ને યુવાન હતા, અને બહુ આસાનીથી મિત્રો બની ગયા હતા. આ કામ અંગે સાથે રહેવાની તક મળશે, તેવું બન્નેને મન થયું.

પછીના અઠવાડિયે તે દેશના પાટનગરમાં આવેલી, દેવળની મોટી કચેરીમાંથી આ માટેની વ્યવસ્થા થઈ ગઈ. બીજા પાદરીને એક મહિના માટે નીમવામાં આવ્યો. આમ ૧૮૬૦ ના માર્ચ મહિનામાં બન્ને મિત્રો પૂરતી સાધન સામગ્રી, અને માણસોનું હાઉસન જાઉસન બે ગાડાંઓમાં ભરીને ઊપડ્યા. સાથે સ્થાનિક જંગલના બે ભોમિયાઓને પણ લઈ લીધા.

ગામ અને ખેતરો પૂરાં થયાં, અને ભયંકર જંગલની શરૂઆત થઈ. ઉત્તર દિશા જાળવી રાખી, કાફલો આગળ વધ્યો. અડાબીડ મોટાં વૃક્ષોની વચ્ચે બકરાં ચરાવનાર ગોવાળિયાઓએ બનાવેલી, નાનીશી કેડી તેમણે પકડી. બે ત્રણ માઈલ તો મુસાફરી ઠીક ઠીક ચાલી. પણ પછી એકાએક કેડી બંધ થઈ ગઈ. હવે શું કરવું?

હવે તો જંગલને કાપીને જ રસ્તો કરવો પડે તેમ હતું. યાહોમ કરીને ઓછાં ઝાડ કાપવા પડે તે રીતે, તેમણે આવા કામના જાણકાર, સ્થાનિક મુખિયાની મદદથી રસ્તો કરવા માંડ્યો. ગીચ ઝાડી કાપવી પણ કાંઈ રમત વાત ન હતી. નીચે ઘણી જગ્યાએ છીછરા પાણીનાં ખાબોચીયાં કે કાદવ પણ હતાં. ઘણીવાર તેમની સાથેનાં ગાડાંઓનાં પૈડાં કાદવમાં અડધા ખૂંપી જતાં હતાં. માંડ માંડ મજૂરો ગાડાંને ઘાંચમાંથી બહાર કાઢતા.

હવે રસ્તો સીધો ઉત્તર તરફ ન રહ્યો. વાંકાંચૂંકા થતાં, મંથર ગતિએ તેઓ આગળ વધતા ગયા. રાતે વાઘોની ડરામણી ત્રાડો અને દિવસે જંગલી હાથીઓની ચિંઘાડો હૈયું વિદારી નાંખતી હતી. ખાવાપીવામાં ય રસ્તામાં જે કાંઈ મળે, તેનાથી ચલાવી લેવાનું હતું, કારણકે લોટ વિ., સામગ્રી બહુ મર્યાદિત હતી. સ્થાનિક રસોઈયાની સમજ અને આવડત સ્વીકારી લીધા વિના બીજો કોઈ વિકલ્પ ન હતો. રસ્તે ચાલતાં સ્થાનિક મજૂરો તેમની કર્ણપ્રિય પણ સમજ ન પડે તેવી ભાષામાં ગીતો ગાઈ રહ્યા હતા. પીટરે સમજાવ્યું કે તેમની જૂની વાયકાઓની કથાઓ, અને યુદ્ધમાં કામ આવી ગયેલા યોદ્ધાઓની શૂરાતન કથાઓનાં આ ગીતો હતાં. મુહોતને તો હવે દિવસે પણ પેલાં સ્વપ્નો દેખાવાં માંડ્યાં!

ઘણી જગ્યાઓએ તો મોટાં ઝાડ એટલાં અડાબીડ ઉગેલાં હતાં કે, બે ચાર ઝાડ કાપ્યાં સિવાય છૂટકો જ ન હતો. આમ થાય ત્યારે કાફલો સાવ રોકાઈ જતો. માત્ર એક બે ભોમિયા જ આગળ જાત માહિતી મેળવવા જઈ આવતા. મેલેરિયામાં પટકાઈ ન જવાય તેનો હમ્મેશ ભય પણ માથે સવાર રહેતો.

પીટરને થતું કે ‘ક્યાં આ જંજાળ વહોરી?’. પણ મુહોતના જ્ઞાનથી તે બહુ જ પ્રભાવિત થયો હતો. તેમની નવી દોસ્તી બરાબર જામી ગઈ હતી. એકલા પાછા જવામાં વધારે મોટાં જોખમો હતાં. હવે તો આગળ ધપવા સિવાય બીજો કોઈ જ આરો ન હતો. મુહોત તેની અજાણ એવી જાતજાતની વનસ્પતિઓની જાણ પેલા ભોમિયા અને દુભાષિયા પીટરની સહાયથી લઈ રહ્યો હતો. તેની સ્કેચબુક સુંદર વનસ્પતિ ચિત્રોથી ભરાવા માંડી હતી.

આમ સફરને ત્રણ અઠવાડિયાં તો જોતજોતામાં થઈ ગયાં. જંગલ તો ક્યાંય ટસનું મસ થતું ન હતું. ક્યાંક હાથીઓએ કરેલા રસ્તા મળતા, પણ તેમની દિશા ભાગ્યે જ અનુકૂળ આવતી. આશાનો દિપક બુઝાવાની તૈયારી કરી રહ્યો હતો. મજૂરો પણ થાકથી લોથ પોથ થઈ ગયેલા હતા. બધા ઘેર પાછા જવાની આશા સેવી રહ્યા હતા.

પીટરે હિમ્મત કરીને કહ્યુ, ” મુહોત! પાછા ફરવામાં જ ડહાપણ છે. ”

મુહોતે કહ્યું , ”મને પણ એમ જ થાય છે. આપણે ત્રણ દિવસ રાહ જોઈએ. જો આ જ ક્રમ ચાલુ રહે અને તળાવ ન મળે તો પાછા.”

આમ બે મિત્રો વચ્ચે ગંભીર ચર્ચા ચાલી રહી હતી; ત્યાં એક ભોમિયો ભરેલા શ્વાસે દોડતો આવ્યો અને કહ્યું ” હાથીઓએ બનાવેલો એક જૂનો રસ્તો મળ્યો છે, અને તે બરાબર ઉત્તર દિશામાં જ જાય છે. ” બન્ને મિત્રોમાં આશાનો સંચાર થયો. કાફલો પણ ઉત્સાહમાં આવી ગયો. બેળે બેળે ભોમિયાએ કહ્યું હતું તે કેડી સુધી તો પહોંચ્યા. કેડી મળ્યા પછી કામ થોડું સરળ બન્યું. ઝાડ કાપવાની નોબત ફરી ન આવી. એ જ દિવસે સાંજે તો આખો કાફલો તળાવના કાંઠે આવી પહોંચ્યો.

તળાવ ઘણું મોટું હતું. આરામ કરી બીજા દિવસની સવારે આગળ પ્રયાણ માટે બાથ ભીડી. સાથે માત્ર બે જ નાનકડી હોડી (canoe) હતી. આથી એમ નક્કી કર્યું કે, કાફલો ત્યાં જ રહી પડાવ નાંખે, અને મુહોત, પીટર, એક ભોમિયો અને એક સશક્ત મજૂર એટલા જ આગળ વધે. સાથે જરુરી ખોરાક અને ઝાડી ઝાંખરા કાપવાનો સામાન લીધો. ……


વધુ આવતા અંકે ….૮-૧-૨૦૨૦ના રોજ


શ્રી સુરેશભાઈ જાનીનાં સંપર્કસૂત્રઃ

· નેટજગતનું સરનામું: ‘ગદ્યસૂર’ અને ‘કાવ્યસૂર’નો સમન્વય – સૂરસાધના

· ઇ-પત્રવ્યવહારનું સરનામું: sbjani2006@gmail.com

Author: admin

1 thought on “વાંચનમાંથી ટાંચણ : એક મંદિરની શોધમાં – ભાગ-૧

Leave a Reply

Your email address will not be published.