બાગબાનકા બસેરા!

*ચીમન પટેલ ચમન

દીકરાની વાતને ચંદ્રકાન્ત આ વખતે ટાળી ન શક્યો!

દીકરાએ પણ કેવી વાત કરીઃ ‘ડેડી, હું જાણું છું કે તમે સ્વાવલંબી જીવન જીવવા માગો છો, પણ મારી બાના અવસાન પછી

તમે એકલા પડી ગયા છો. જ્યારે હું આજ શહેરમાં ઘર લઈને રહેતો હોઉ તો તમને આ સ્થિતિમાં એપાર્ટમેન્ટમાં એકલા રહેવા કેમ દેવાય! તમે અમારા ભાવિ માટે હિમ્મત કરી અમેરિકા આવ્યા. અમને સારું શિક્ષણ આપ્યું. અભ્યાસના વર્ષોમાં રજાઓમાં અમને નોકરી પણ કરવા ન દીધી કે જેથી અમે અભ્યાસમાં પાછા ન પડી જઈએ. અમારી નાની-મોટી માગણીઓને તમે પૂરી પાડી. આજે એ ૠણ અદા કરવાની અમને તક મળી છે ત્યારે એ અમે કેમ જતી કરીએ!”

ચંદ્રકાન્ત એકલો એકલો ડ્રોઈંગરૂમમાં એના એકના એક દિકરા અશ્લેષના એ શબ્દોને યાદ કરતો આંટા મારતો હતો!

દરેક ભરતીય મા-બાપ અંદરથી ઈચ્છતા હોય છે કે એમના દિકરાઓ ભણીગણી એમના જ શહેરમાં નોકરી મેળવી સ્થાયી થાય. ચંદ્રકાન્તની પણ એવી ઈચ્છા હતી અને એ ફળી પણ હતી.

ચંદ્રકાન્ત ભૂતકાળને યાદ કરી કરીને વિચારે જતો હતો.

દીકરાના લગ્ન થયાને એકાદ વર્ષ થયું હશે કે એણે સામે ચડીને દીકરા અને પુત્રવધુને વાત કરેલીઃ

‘આજે મારે તમને એક વ્યવહારિક વાત કરવી છે. દીકરો પરણીને મા-બાપ સાથે રહે એ કોને ન ગમે? સાથે સાથે. મા-બાપ સાથે કેટલું રહેવું એ પણ આજના જમાનામાં વિચારવા જેવું છે. અમે અમારા માબાપ સાથે ઘણા વર્ષો ભેગા રહ્યા છીએ. એમાંથી અમને ઘણા કડવા-મીઠા અનુભવો પ્રાપ્ત થયા છે. તમે બંને અમારી સાથે રહીને કડવા અનુભવોથી કરમાઈ જાવ તે પહેલાં મારે તમને સજાગ કરવા છે. તારી બા અને અંકીની વચ્ચે અત્યારે તો સુંદર મેળ છે. બંને સારી રીતે હસે-બોલે છે, પણ વાસણ ઘરમાં હોય તો કોક દી ખખડવાના! સમાજમાં જેમ બનતું આવ્યું છે તેમ ઘરની સ્ત્રીઓમાં કડવાશ પેદા થવાની જ છે. મારી ઈચ્છા છે કે એ કડવાશ આ ઘરમાં પ્રવેશે એ પહેલાં પાણી પહેલાં પાળ કેમ ન બાંધવી !

તમે બંને સારુ કમાવ પણ છો. અત્યારે તમારે હરવા -ફરવાની ઉમ્મર છે. એક બીજાને વધારે નજીક જઈ અન્યોન્ય પૂરક બનવાનું છે. તમે બંને પાછા એમ ન માની લેતા કે હું તમને આ ઘરમાંથી કાઢવા તૈયાર થયો છું. સંયુકત કુટુંબમાં રહીને મેં જે ગુમાવ્યું છે એ તમે ન ગુમાવો એ જોવાની મારી ફરજ થાય છે. અત્યારે અમારી આર્થિક અને શારીરિક સ્થિતિ સારી છે એટલે અમે બંને એકલા પણ રહી શકીશું. અમારાથી અલગ રહેવાથી તમને જવાબદારીનું ભાન વહેલુ આવશે. બચત કરવાની તક વહેલી પ્રાપ્ત થશે. અલગ રહેવાથી આપણી વચ્ચેનો સબંધ અને પ્રેમ વધારે મજબુત બનશે. લાંબા સમય સુધી ભેગા રહેવાથી મોડું વહેલું મનદુઃખ થવાનું જ છે. મન ને મોતીમાં એકવાર તીરાડ પડે પછી એને સાંધવી અઘળી છે. મને એ પણ ખબર છે કે તમે સામે ચાલીને જુદા રહેવાની માગણી કરવાના નથી! એટલેજ આજે હું સામે ચાલીને આ વાત મૂકું છું. તમારી ઈચ્છા હોય એટલું અમારી સાથે તમે રહો. જે વખતે તમને જુદા થવાની ઈચ્છા થાય કે અમને

જણાવતાં અચકાશો નહિ. તમે આ બાબતમાં વિચાર કરી મને મૌખિક કે કાગળપર ટપકાવી જણાવશો તો મને ગમશે.

પુત્ર કરતાં પુત્રવધુને ચંદ્રકાન્તની આ વાત જલ્દી ગળે ઉતરી ગઈ !

પત્ની પડખે હતી ત્યાં સુધી ચંન્દ્રકાન્તને એની રીટાયર્ડ જિંદગી એકલવાઈ ન લાગી! પત્નીના અણઘાર્યા અવસાન પછી એને આ એકલવાયી જિંદગી ઘણીવાર ગૂંગારાવી જતી હતી! એટલે જ દિકરાની વાત એને ગળે ઊતરી અને સ્વીકારી પણ લીધી.

એક દિવસ સાંજના બધા ભેગા મળીને ટી.વી. જોતા હતા ત્યારે ચેદ્રકાન્તે ધીરેથી દિકરા આગળ વાત મૂકીઃ ‘અશ્લેષ, મારે એક સારામાંના વોકિંગ શૂઝ લાવવા છે. રવિવારના છાપામાંથી કાપી રાખેલી જાહેર ખબરની કાપલી દીકરાના

હાથમાં મૂકતાં એણે ઉમેર્યુ; ‘મારે તો આ ‘નાઈકી’ના આવા લાવવા છે’

જાહેર ખબરની કાપલી સામે જોતાં જ અશ્લેશ ચમકીને બોલ્યો; ‘ડેડી, આ તો ૧૧૦ ડોલરના શુઝ છે!! આટલા મોઘા શૂઝ ને તે પણ ચાલવા માટે?’

‘મોઘા તો છે.‘ સંમત થતાં ચંન્દ્રકાત બોલ્યો. ‘પણ ક્વોલિટીવાળા શૂઝ આવે છે. ચાલવામાં સારા પડે છે. હવે મારી ઉમ્મર થઈ એટલે સારા શૂઝ હોય તો પગને ઈજા થવાના ચાન્સ પણ ઓછા,’

ચાલવા માટે સારા શુઝ હોવા જોઈએ એ વાત સાથે હું સંમત થાઉ છું, પણ એ માટે ‘નાઈકી’ના એરવાળા જ જોઈએ એ કંઈ જરુરી છે?’

પોતાના પોકેટમાંથી પૈસા કાઢવાના આવે ત્યારે સૌને સસ્તી ચીજો તરફનો મોહ જાગતાં વાર નથી લાગતી!

‘તને યાદ છે દિકરા!’ ચંદ્રકાન્ત બોલ્યો. ‘આ ‘નાઈકી’ના એરવાળા શૂઝ જ્યારે પહેલીવાર નિકળ્યા ત્યારે એ લેવા તે જીદ કરેલી. એ વખતે મેં તને આટલા મોંધા શુઝ શું કરવા છે તેમ મેં પણ તને પૂછેલું. તારું મોં પડેલું જોઈ તારી બાએ મારી સાથે ઝગડો કરીને તને ‘નાઈકી’ના શુઝ અપાવેલા, યાદ આવે છે તને?

‘ઓ.કે.’ અશ્લેષ ઢીલો પડતાં બોલ્યો; ‘કાલે જઈશું એ શુઝ લેવા, ઓ.કે. !’

અશ્લેષ પરાણે સંમત થતો હતો એ ચંદ્રકાન્તને સમજતાં વાર ન લાગી.

બીજા દિવસે અશ્લેશે ‘કે-માર્ટ’ ના પાર્કિંગમાં ગાડી વાળી ત્યારે ચંદ્રકાન્તથી બોલ્યા વગર ન રહેવાયુઃ ‘તારે કે-માર્ટમાં કંઈ લેવાનું છે?’

‘ના,’ અશ્લેષ બોલ્યો, ‘આ તો તમારા શૂઝ જો અહિ સસ્તામાં હોય તો જોઈ લઈએ.’

‘કે-માર્ટમાં શોપિંગ કરતાં તને હવે શરમ નથી આવતી?’ ચંદ્રકાન્તે સિધ્ધો જ સવાલ કર્યો.

‘ડેડી, ‘કે-માર્ટ’ હવે પહેલાના જેવો નથી રહ્યો. એમણે ઘણા બધા સુધારા કર્યા છે. ‘નેઈમ’ બ્રાન્ડ વસ્તુઓ રાખતા થઈ ગયા છે.એટલે તો એમણે નામ બદલીને ‘બિગ કે-માર્ટ’ રાખ્યું છે.’

ચંન્દ્રકાન્તને થયું કે એના સવાલથી દીકરાને સમજાયું નથી કે એ શું કહેવા માગતો હતો, એટલે એણે જ સ્પષ્ટતા કરવી પડી! ‘તમે નાના હતા ત્યારે મારી સાથે ‘કે-માર્ટ’માં શોપિંગ કરવા આવતાં તમને શરમ આવતી. અમે અમારું શોપિંગ પતાવીને આવીએ ત્યાં સુધી તમે ગાડીમાં જ બેસી રહેતા એ તને યાદ આવે છે?’

અશ્લેષ કંઈ બોલ્યો નહિ. ચંદ્રકાન્તે વાતને આગળ વધારતાં કહ્યું ‘તું માને ન માને પણ હવે મને ‘કે-માર્ટ’માં જતાં શરમ આવે છે, એટલા માટે કે મારી ઉંમરના કોઈ મને અહિ જોઈ જાય તો એ લોકો મનોમન વિચારવાના કે મેં રિટાયર્ડ થઈ, કમાતા દીકરા અને પુત્રવધુની સાથે રહીને ‘કે-માર્ટ’માં શોપિંગ કરવાનું છોડ્યું નથી !’

‘તો પછી તમારે કયા સ્ટોરમાંથી શૂઝ ખરીદવા છે?’ ઊંચા અવાજે અશ્લેષે પૂછ્યું.

પોતાના પગ તળે પાણીનો રેલો આવે એ કોઈને ગમતું નથી, અને પાણી પહેલાં પાળ કોઈને બાંધવી નથી!

તારા શુઝ ખરીદવા તું અમને કાયમ ‘ઓશમાન’માં ઘસડી જતો હતો એ તો યાદ હશે તને?’ ચંદ્રકાન્તે કઠોર થઈને કહ્યું. ‘ મારે પણ એ જ સ્ટોરમાંથી શૂઝ ખરીદવા છે; સ્પોર્ટસનો સ્ટોર છે ને એટલે!’

મૂગા મૂગા અશ્લેષે ગાડી એ તરફ મારી મૂકી.

થોડા અઠવાડીયા પછી ચંદ્રકાન્તે એક ટી.વી. ખરીદવાની વાત દિકરાની આગળ મૂકીઃ ‘તમે બંને તમારા પોગ્રામો આ ટી.વી. પર જુઓ છો ત્યારે હું પરાણે તમારી સાથે ટી.વી. જૌઉ છું. જો મારી રુમમાં એક અલગ ટી.વી. હોય તો હું મારા પોગ્રામો એકલો એકલો જોઈ શકું અને તમે લોકો તમારા પ્રોગ્રામો આ ટી.વી. પર જોઈ શકો.’

‘ કયો ટી.વી. ખરીદવો છે, ડેડી? ‘ અશ્લેષે પૂછ્યું.

‘સોનીનો તને ખૂબ ગમે છે ને? સાથે સાથે ઉમેર્યું ; ‘ભેગા ભેગા એક ‘વીસીઆર’ પણ ખરીદવો છે કે જેથી હું મારી રુમમાં બેઠો બેઠો મહાભારત જેવી કેસેટો લાવી જોઈ શકું ‘

એકાદ મહિનામાં ચંદ્રકાન્તની રુમમાં નવો ટી. વી. અને ‘વીસીઆર’, બાપ દિકરા વચ્ચે કોઈ પણ ચર્ચા ક્રર્યા વિના આવી ગયા.

એક દિવસ ચંદ્રકાન્તની ગાડી બગડી ને રસ્તામાં જ અટકી ગઈ! અશ્લેષે આવીને એને ‘ટૉ’ કરાવી. ઘરમાં પગ મૂકતાં જ ચંદ્રકાન્તે દીકરાને મનની વાત કરી. ‘બેટા, મારી ગાડી હવે ખૂબ જૂની થઈ ગઈ છે. તું જો અપાવે તો એક નવી ગાડી ચલાવવાની મારી ઈચ્છા છે. તમને ભણાવવામાં મેં આજ સુધી જૂની ગાડીઓ જ ચલાવી છે. તારી બાની પણ ખૂબ ઈચ્છા હતી કે હું એને નવી ગાડીમાં ફેરવું. એ બિચારીને તો નવી ગાડીમાં ફરવા ન મળ્યું ! મને જો નવી ગાડીમાં ફરવા મળશે તો

અમારા બંનેની ઈચ્છાઓ પૂરી થતાં એના આત્માને પણ શાંતિ જરુર મળશે.’

દીકરાઓની માંગ બાપ કરતાં માથી જલ્દી પૂરી કરાય છે. એ કારણે, દરેક દીકરાને બાપ કરતાં મા પ્રત્યે લાગણી વધારે હોય છે. માની વાત આવતાં અશ્લેષને કોઈ દલીલ કરવાનું મન ન થયું. આમેય એને ખબર હતી કે એના ડેડીએ કદી નવી ગાડી ખરીદી નો’તી. જ્યારે જયારે એ એના ડેડીને નવી ગાડી ખરીદવાનું કહેતો હતો ત્યારે એના ડેડી એના અભ્યાસના ખર્ચાની વાત આગળ લાવી મૂકતા અને નવી ગાડીની વાત ત્યાં જ અટકી જતી.

‘ કઈ ગાડીની ઈચ્છા છે, ડેડી?’ અશ્લેષે પૂછ્યુ. અશ્લેષ આટલી સહેલાઈથી સમજી જશે એ ચંદ્રકાન્તે ધાર્યું નો’તું! લક્ષ્મી ચાંલ્લો કરવા આવે ત્યારે મોં ધોવા ન જવું જોઈએ!

‘કેમરી’ તને કેવી લાગે છે?’ ચંદ્રકાન્તે પૂછ્યું.

‘સારી છે અને તમને ફાવશે પણ ખરી,’

ગાડીનો સોદો કરતી વખતે ચંન્દ્રકાન્તે રેડીઓ અપગ્રેડ કરાવીને સી.ડી. પ્લેઅરની વાત કરી ત્યારે અશ્લેષ અકળાયો. ‘ગાડી સાથે કેસેટ પ્લેઅર તો આવે છે, પછી સી.ડી. પ્લેઅરની શી જરુર છે?’

‘એક્વાર સી.ડી.નું સંગીત સાંભળીએ પછી કેસેટનું નથી ગમતું! ચંદ્રકાન્તે દલીલ કરતાં કહ્યું. આમેય તમારા શોખ પૂરા કરવા મેં આજીવન મારા શોખ દબાવી જ રાખ્યા હતા.’ ભૂતકાળને યાદ કરી એમણે ઉમેર્યું; ‘તારી નવી ગાડી લીધી ત્યારે તે કેટલો ખર્ચ કરાવ્યો હતો; ગાડી સાથે આવેલ રેડિયો તે અપગ્રેડ કરાવીને મોટા મોટા સ્પીકરો ગાડીમાં નંખાવેલ અને સી. ડી, ચેન્જર પણ નંખાવેલું ત્યારે મેં તને કહેલું કે આ બધા પૈસા તું ભણવા પાછળ ખર્ચતો હોય તો? આ બધા શોખ કમાઈને ક્યાં પૂરા કરાતા નથી! આ બધી વાતો તને ત્યારે ગળે ઉતરી નો’તી!”

અશ્લેષ મૂગો મૂગો બધુ સાંભળી રહ્યો હતો.

ઘેર પાછા આવતાં ગાડીમાં અશ્લેષે વ્યંગમાં ચંન્દ્રકાન્તને પૂછ્યુઃ ‘ડેડી, ગાડીમાં બીજું કંઈ અપગ્રેડ કરાવવું હોય તો બોલજો.’

અશ્લેષના આ કથનમાં કડવાશ છલકાતી હતી એ ચંદ્રકાન્તને સમજતાં વાર ન લાગી. એટલે જ, ગાડીના કાચને ટિન્ટ કરાવવાની મનેચ્છાને મારવી પડી!

ચંન્દ્રકાન્તની નાની-મોટી માગણીઓ દિન-પ્રતિદિન વધતી જતી હતી. એની માગણીઓથી દીકરા અને પુત્રવધૂના મોંના બદલાતા જતા ભાવોને વાંચી વાંચી ચંન્દ્રકાન્ત વિચારોમાં ખોવાઈ જતો હતો.

એક રાતના ચંન્દ્રકાન્ત સૂઈ ગયા છે એની ખાતરી કરીને અંકિનીએ અશ્લેષને વાત છેડીઃ ‘હું તો તને પહેલેથી જ કે’તી હતી કે ડેડીને આપણા ભેગા રહેવા આવવાનું દબાણ ન કરતો. આપણા ભેગા લાવીને તે શું કાંદા કાઢ્યા! નાના બાળકની જેમ એમની માગણીઓ દિન-પ્રતિદિન વધતી જ જાય છે. આપણને પોસાશે કે નહિ એનો વિચાર તો એ કરતા જ નથી! વસ્તુંઓ માગે છે તો એ ટોપ લાઈનની માગે છે. બાના ગયા પછી એ ઘણા બદલાઈ ગયા છે. વાત વાતમાં તારી પાછળ એમણે કેટલો ખર્ચ કર્યો એ આગળ લાવી તને બોલતો જ બંધ કરી દે છે. હવે જો ડેડી અહિથી જવા માગે તો તું પાછો એમને દબાણ કરતો નહિ!’ અશ્લેષે પિતાનો બચાવ કરવા દલિલો તો કરી, પણ પત્નીના વાક્બાણોથી ઘાયલ થતાં એ આગળ લડી ન શક્યો!

ચંદ્રકાન્તે બંનેની સઘળી વાત અર્ધનિન્દ્રામાં સાંભળી તો લીધી, પણ એની ઊંઘ જ ઊડી ગઈ! ખુલ્લી આંખે પથારીમાં મળસ્કે સુધી એણે આળોટ્યા જ કર્યું. મનોમન એક નિશ્ચય કરી લેતાં એને ઊંઘ તો આવી ગઈ.

બીજા દિવસે બપોરના એક ચિઠ્ઠી લખવા એણે પેન ઉપાડી.

ચિં. અશ્લેષ અને અંકિની,

ગઈ કાલે રાતના તમારી બંને વચ્ચે મારી બાબતે જે વાદવિવાદો થયા તે મેં ઊંઘમાં સાંભળ્યા. મારી માગણીઓ અંકિનીને હદ-પાર વિનાની જરુર લાગી હશે, પણ એની પાછળની મારી ફિલોસોફી તમે બંને સમજ્યા નથી એટલે એ અંગેની સ્પષ્ટતા મારે કરવી પડશે.

મારે આ જીવન જોવું હતું કે મેં જેમ અશ્લેષની નાની-મોટી માગણીઓને સંતોષી તેમ તમે લોકો તમારા ભાવિ બાળકોની માગણીઓને કેવી રીતે સંતોષશો એ મારે જોવું હતું, અનુભવવું હતું. તમારા બાળકોની માગણીઓ તો ખૂબ જ આઘુનિક અને ખર્ચાળ હશે. તમને ઘડીભર ‘અપ-સેટ’ કરી દે એવી હશે. મેં તો મારા શોખને બાજુ પર રાખી, તમારા શોખને પૂરા કર્યા, પણ તમે તમારા બાળકોની માગણી પૂરી કરવા તમારા શોખ પડતા નહિ મૂકો. એટલે જ તમને એ માટે અત્યારથી જ તૈયાર કરવા એક નાટક તમારા ઘરમાં આવીને ભજવ્યું છે!

સાથે સાથે મારે એ પણ જોવું હતું કે તમે લોકો મારી કેવી કાળજી લો છો. સારું છે કે મેં મારી બચત તમારા નામે ટ્રાન્સફર કરી નથી. તારી બાની તો ઈચ્છા હતી કે અમારા ગુજરાન જેટલું રાખીને બાકીની રકમ તમારા નામે ટ્રાન્સફર કરવી, પણ મેં જ એને સમજાવીને કહ્યું હતું કે આપણા બંનેના અવસાન પછી આ બધુ આપણા દિકરાનું જ છે અને એ

ત્યારે સમજી પણ ગઈ હતી.

હું મારા એપાર્ટમેન્ટમાં પાછો જાઉ છું, પણ તમારી સાથેનો સંબધ તોડીને જતો નથી! આપણા સબંધમાં એક નાની તિરાડ પડી છે એ વધારે ઊંડી ઊતરે એ પહેલાં એને મારે સાંધવી છે. તમારે ત્યાં હું અવાર નવાર આવતો રહીશ.

તમારા બંનેના સબંધો મારા કરણે બગડૅ નહિ એ મારા માટે ખૂબ મહત્વનું છે. મારે તો બહુ વર્ષો હવે કાઢવાના નથી. તમારી આગળ તો લાંબી મંઝીલ પડી છે અને તમે બંને હાથમાં હાથ મીલાવી એ મંઝીલ પાર કરો એમાં જ મારી ખુશી છે. અત્યારે હું અલગ રહું એ બંને માટે સારું છે. સાજા-માંદા વખતે તમારી મદદ માગીશ અને તમે એ પ્રેમથી પૂરી પાડશો એની મને ખાતરી છે.

મને અને આ પત્રને સમજવાની કોશિશ કરશો એ આશા સાથે, શુભેચ્છા સહ, આશિર્વાદ આપતો વિરમું છું-તમારો ડેડી.


સંપર્કસૂત્રો :

બ્લોગ – chimanpatel.gujaratisahityasarita.org
ઈ મેઈલ –chiman_patel@hotmail.com
મોબાઈલ – 1- 832-372-3536

Author: admin

1 thought on “બાગબાનકા બસેરા!

  1. કડવી પણ સત્ય વાત. આ લેખ વાંચ્યા પછી બે વિચાર આવ્યાં. પ્રથમ એ કે, પત્ર વાંચ્યા પછી દીકરા -વહુનો મનોભાવ લખ્યો હોત તો વધુ સારું હોત એવું લાગ્યું અને બીજો વિચાર એ આવ્યો કે, વહુને દીકરા કરતાં વધુ સમજદાર બતાવી હોત તો વધુ સારું હોત. પણ અંતે લેખકનો વિચાર, તેનાં શબ્દો અને તેનાં ભાવો સૌથી ઉત્તમ હોય છે.

Leave a Reply

Your email address will not be published.