હુસ્ન પહાડી કા – ૨૧ – નૌશાદનાં હજુ બીજાં પહાડી ગીતો

ભગવાન થાવરાણી

છો  ફરી  લો  તીર્થસ્થાનો  સૌ  મુલકભરના  તમે
એક   મંદિર   ભીતરે   હો   ને   પહાડી  મધ્યમાં ..

પૂરી વિનમ્રતાથી કહું તો આ પહાડી યાત્રા આપ સૌની છે એ કરતાં વિશેષ મારી છે. લેખમાળા નિમિત્તે, અગાઉ જોયેલી ( અથવા છેક જ ન જોયેલી ) ફિલ્મો જોઉં છું ત્યારે જે-તે સમયે ન પકડાયેલી અથવા ન સમજાયેલી કેટલીય ખૂબીઓ હવે નજરે ચડે છે. થોડીક પરિપક્વતા આવી એટલે દ્રષ્યો, ગીતો, ફિલ્માંકનને નવી દ્રષ્ટિએ જોતાં,  ઘણું બધું એવું નજરે ચડે છે જે પહેલાં ઓઝલ રહી ગયું હતું. પહેલાં જે ફિલ્મમાં ગીતો સિવાય કશું જ નોંધપાત્ર નહોતું લાગ્યું એમાં હવે, નવી નજરે જોતાં દિગ્દર્શનના ચમકારા અને વાર્તામાં રહેલી ઝીણી સંવેદનાઓ દેખાય છે. કેટલીક ફિલ્મોના સાવ જ ઉવેખાઇ ગયેલા કેટલાક ગીતો – પહાડીમાં હોય કે ન હોય – અત્યારે સાંભળીને અચરજ થાય છે કે આવા ગીતો આટલા વર્ષો સુધી કેમ બિલકુલ અજાણ્યા રહ્યા ! એક એવી અનુભૂતિ જાણે જીવન નવેસરથી જીવાઈ રહ્યું હોય !

આજે જ્યારે નૌશાદ સાહેબના પહાડી ગીતોમાં લેખમાળા દરમિયાન બીજી વાર પ્રવેશી રહ્યા છીએ ત્યારે એવું જ બન્યું. વાચકોને યાદ અપાવીએ કે આ પહેલાં મણકા – ૪ માં તા. ૨૦ એપ્રિલ ૨૦૧૯ના રોજ પણ આપણે એમની બે પહાડી બંદિશો  ‘ ક્યોં ઉન્હેં દિલ દિયા હાએ યે ક્યા કિયા ‘  ( અનોખી અદા – ૧૯૪૮ ) અને  ‘તોડ દિયા દિલ મેરા તૂને અરે બેવફા‘  (અંદાઝ – ૧૯૪૯) ની ચર્ચા કરી ગયા. આજની બે રચનાઓને પૂર્વાપર સમજવા માટે ફિલ્મ  ‘શબાબ‘ (૧૯૫૪) અને  ‘કોહિનૂર‘ ( ૧૯૬૦ ) પૂરેપૂરી જોઈ તો લાગ્યું કે દિવ્ય સંગીત ઉપરાંત પણ આ બન્ને ફિલ્મોમાં એવું ઘણું બધું છે જે પહેલાં દેખાયું નહોતું અને જેના કારણે એના નિર્દેશકો મોહમદ સાદિક અને સમીઉલ્લાહ સનીને શાબાશી આપવી પડે !

હા, નૌશાદને તો ફરી-ફરી બિરદાવવા જ પડે. એ યુગના કેટલાય સંગીતકારોની માત્ર સંગીત પર જ ચાલેલી ફિલ્મોની ફેરચકાસણી કરીએ તો દરેક ફિલ્મમાં એવા એક-બે ગીતો તો નીકળે જે થોડા-ઘણા નબળાં હોય. બીજી બાજુ, નૌશાદની આજની બે ફિલ્મો શબાબ અને કોહિનૂર ઉપરાંત બૈજુ બાવરા, અનમોલ ઘડી, અંદાઝ, દુલારી, આન, અમર, ઉડન ખટોલા, મધર ઇંડીયા, મુગલે આઝમ અને ગંગા જમુનામાંથી એકાદ તો એવું કમજોર ગીત શોધી બતાડો !

અને એમની શાસ્ત્રીય રાગો પરની પકડ ? આજના બે પહાડી ગીતોમાંના એકની ફિલ્મ  ‘શબાબ’ના કુલ ૧૨ ગીતોમાં એમણે અલગ – અલગ ૧૧ રાગો પર હાથ અજમાવ્યો છે ! જુઓ

ક્રમ ગીત ગાયકો રાગ
૧. મન કી બીન મતવારી બાજે લતા – રફી બહાર
૨. જો મૈં જાનતી બિસરત હૈ સૈયાં લતા માંડ
૩. જોગન બન જાઉંગી સૈયાં તોરે કારન લતા વૃંદાવની સારંગ
૪. આએ ન બાલમ વાદા કર કે રફી ગૌડ સારંગ
૫. દયા કર હે ગિરિધર ઉસ્તાદ અમીર ખાન મુલતાની
૬. ચંદન કા પલના રેશમ કી ડોરી લતા – હેમંત કુમાર પીલુ
૭. મહલોં મે રહને વાલે હમેં તેરે દર સે ક્યા રફી – બંદે હસન – મુબારક બેગમ સહાના કાનડા
૮. યહી અરમાન લેકર આજ અપને ઘર સે હમ નિકલે રફી તિલંગ
૯. મર ગએ હમ જીતે જી માલિક તેરે સંસાર મેં લતા તિલંગ
૧૦. લાગી મોરે મન કી  ઓ સાજના ઝરા યાદ રખના શમશાદ બેગમ દેશ
૧૧. ભગત કે બસ મેં હૈ ભગવાન મન્ના ડે કલાવતી
૧૨. મરના તેરી ગલી મેં જીના તેરી ગલી મેં લતા – રફી પ હા ડી

(આજનું ગીત)

એવી તો હજારો ફિલ્મો છે જે માત્ર અને માત્ર કર્ણપ્રિય સંગીતના કારણે તરી ગઈ હોય -ફિલ્મમાં બીજું કશું નોંધપાત્ર ન હોવા છતાં – પરંતુ ફિલ્મ-સંગીતના સુવર્ણ યુગમાં કેટલીક એવી ફિલ્મો પણ આવી જેમાં ફિલ્મનો વિષય જ સંગીત હોય, જેમ કે બૈજુ બાવરા ( નૌશાદ ), સંગીત સમ્રાટ તાનસેન (  એસ.એન. ત્રિપાઠી ), બસંત બહાર ( શંકર જયકિશન ), ગૂંજ ઉઠી શહનાઈ ( વસંત દેસાઈ ), શબાબ ( નૌશાદ ) અને સુર સંગમ ( લક્ષ્મીકાંત પ્યારેલાલ ). યોગાનુયોગ, આજના એક ગીતની ફિલ્મ ‘ શબાબ ‘ સહિત આમાની ચારમાં ભારત ભૂષણ નાયક છે. કદાચ આ ફિલ્મોના સર્જકોને ગીતોના ફિલ્માંકન માટે એ સૌથી ઉપયુક્ત લાગ્યા !

હવે આવીએ આજના પહેલા પહાડી ગીત પર. ‘શબાબ’ નું આ અણમોલ પહાડી ગીત આમ તો લતાજીના કંઠે સાંભળતા આવ્યા છીએ  ( ફિલ્મનું આ અંતિમ ગીત છે)  પણ એ પહેલાં પણ આ ગીતનો મુખડો રફીના કંઠમાં પણ, કોઈ પણ પ્રકારના વાદ્ય-વૃંદ વિના આવે છે. શકીલ બદાયુની રચિત એ ગીતના શબ્દો

मरना  तेरी  गली  में जीना तेरी गली में
मिट जाएगी हमारी दुनिया तेरी गली में

आए  हैं  तेरे  दर पे  हम जिंदगी लुटाने
तु  देखे  या  न  देखे तु जाने या न जाने
पूरा  करेंगे  हम  तो  वादा  तेरी गली में

दिल  से  तेरी मुहब्बत कम उम्र भर न होगी
हम तुझ पे मर मिटेंगे तुझको ख़बर न होगी
मरने  के  बाद  होगा  चर्चा  तेरी  गली  में ..

( ઉપરના વિડીયોમાં ગીતનો રફીવાળો ભાગ પછીથી છે જે ફિલ્મમાં લતાવાળા ભાગથી ખાસ્સું પહેલાં આવે છે )

ફિલ્મ  ‘ શબાબ ‘ આશ્ચર્યજનક રીતે માત્ર સંગીતપ્રધાન જ નહીં, એક સુંદર ફિલ્મ પણ છે. ફિલ્મના નિર્દેશક મોહમ્મદ સાદિક આ ફિલ્મ પહેલાં પણ ૧૫ ફિલ્મો કરી નામ કમાઈ ચુક્યા હતા. અહીં સુધી આવતાં સુધીમાં નૌશાદ પણ એક સિદ્ધહસ્ત અને કામિયાબ સંગીતકારની નામના મેળવી ચુક્યા હતા.

ફિલ્મની વાર્તા એકંદરે રસપ્રદ છે. રાજ-ઘરાનાના ફરજંદ એવા નુતન અને ભારત ભૂષણને બચપણથી એમના માબાપ એકબીજા સાથે જોડી દે છે. સંજોગવશાત્ ભારત ભૂષણ ડાકુઓના હાથમાં પડી, પોતાની રાજવંશીય ઓળખ ગુમાવી અદના લોકો વચ્ચે ઉછરે છે અને ગુરુકૃપાએ સંગીતને જીવન બનાવે છે. બીજી બાજુ, નુતન કુંવરી તરીકે મોટી થઈ અનિદ્રાના રોગનો શિકાર બને છે. એને જાણ થાય છે કે સંગીતથી અનિદ્રા મટી શકે છે પરંતુ રાજ્યભરના સંગીતકારો સંગીતથી એને સાજી કરવામાં નિષ્ફળ જાય છે. ભારત ભૂષણ એ પડકાર ઉપાડી રાજકુમારીને અનિદ્રાથી મુક્તિ અપાવે છે. બન્નેને જોડતા સંગીતના તાર પ્રેમમાં પરિવર્તે છે પરંતુ બન્નેની દેખીતી રીતે વિભિન્ન પશ્ચાદ્ભૂમિ અને રાજકીય કાવાદાવા એમને એક થવા દેતા નથી. રાજગાયકનું બિરુદ પામેલો નાયક પોતાનું અપમાન સહન ન થતાં મહેલને ઠોકર મારી ચાલ્યો જાય છે. વિરહ સહન ન થતાં રાજકુમારી જોગણનો વેશ ધારણ કરી એને માગણોના કબીલામાં મળવા જાય છે અને ત્યાં જે સ્નેહ-સત્કાર પામે છે તેનાથી અભિભૂત થાય છે.

એક દિવસ નૂતન વાયદા મૂજબ મળવા ન આવતાં ભારત ભૂષણ એક સુંદર બંદિશ  ‘ આએ ન બાલમ વાદા કર કે ‘ થી પોતાની વિરહ-વ્યથા રજૂ કરે છે. એ પછી તુરંત આપણું આજનું ગીત સંક્ષેપમાં, માત્ર મુખડા પૂરતું, રફીના કંઠે, ભારત ભૂષણ દ્વારા ગવાય છે. નાયક પોતાની ભિક્ષુક-મંડળીને, ‘ મહેલ તરફ જાઓ તો આ ગીત ગાજો ‘ કહી હલકા આલાપ સાથે ગીત છેડે છે. એના સાથીઓ સમૂહ-સ્વરોમાં મુખડો ઝીલી લે છે. એ ઝમાનાના નૌશાદના કેટલાય ગીતોમાં આવા સમૂહ-સ્વરોની નજાકત દેખાતી. હવે પછીના  ‘ કોહિનૂર ‘ ના ગીતમાં જોઈશું કે આસપાસ કોઈ સમૂહ ઉપસ્થિત ન હોવા છતાં આ કોરસ અવાજો એક અનોખું વાતાવરણ રચી આપે છે.

ખેર ! ભારત ભૂષણ સાથે દગો ખેલીને એને ગિરફતાર કરી યાતનાઓ આપવામાં આવે છે, રાજકુમારીને પોતાના પ્રેમમાં ગુમરાહ કરવા બદલ. નુતનને અન્ય રિયાસતના રાજકુમાર જોડે પરણાવી દેવામાં આવે છે પણ એ પોતાના પ્રેમની સ્મૃતિમાં ઝૂરતી રહે છે. એનો પતિ એને એક વાર આગ્રહપુર્વક ધૂળ ખાતી વીણા થમાવી પોતાનો પુરાણો સંગીત-શોખ તાજો કરવા કહે છે. નુતન વીણાના છેડે ભરાવેલ નાયકનો કાગળ વાંચે છે જેમાં  ‘મરના તેરી ગલી મેં’ પંક્તિઓ કેદ છે.

વીણા પર પહાડી સુરો. રાજરાનીના ઉંબર પર આવી નમેલો બેહાલ નાયક. નાયિકા સામે પતિ બેઠા છે પણ નુતન ગીતનો મુખડો કોને ઉદ્દેશીને ગાય છે એ આપણે જાણીએ છીએ. લતાનો મંજુલ અવાજ.  ‘તારી ગલીમાં જીવવું, અહીં જ મરવું, અહીં જ અમારી દુનિયાની શરુઆત અને અહીં જ અંત.’ બહાર બેઠેલો નાયક, પોતાની લાગણીઓનો પડઘો પોતાના જ કલામમાં, અંતિમ શ્વાસો ગણતાં ઝીલે છે. ગીતોની અદાયગીમાં નુતનનું કૌશલ્ય અઢાર વર્ષની ઉંમરે પણ ભારોભાર પ્રગટે છે.

‘ તારા આંગણે જીવન લૂંટાવવા આવ્યા છીએ. તને ખબર હોય કે ન હોય, આપેલું વચન પુરુ કરીશું તારા જ ચરણોમાં.’ નાયક ઉંબરે માથું મુકી વિલાતા શ્વાસ ઝાલી રાખે છે. અંતરાલમાં ધીર-ગંભીર વાયલીન્સ અને તુરંત વીણા. ‘ માંહ્યલે સમાયેલ તારો પ્રેમ શાશ્વત રહેશે. અમે તારા પર કુરબાન થઈ જઈશું અને તને તો એ ખબર પણ નહીં પડે. હા, મર્યા બાદ કદાચ તારી ગલીમાં અમારી ફનાગિરીની ચર્ચા થશે ‘

ગીત પુરુ થાય છે. મહેલની બહાર ઝગમગતા દીવાઓમાંથી ઊઠતો ધુમાડો સાંકેતિક રીતે આકાશ તરફ ગતિ કરે છે. મહેલના દરવાનો, દરવાજે કોઈ ભિખારીએ પ્રાણ ત્યજ્યા હોવાનું એલાન કરે છે. નાયિકા વીણા તરફ પાછી ફરી નાયકની ચિઠ્ઠીમાં લખેલો સંદેશ વાંચે છે.  ‘ વીણાના તારમાં મારું જીવન છે. સાચવજે. તાર તૂટે નહીં ‘ નાયિકા એ શબ્દોમાં ઘણું બધું પામી જાય છે. પગથિયે મૃત્યુ પામેલા  ‘ભિખારી’ની લાશ એના પિતા પોતાને ગામ ચાંદીપૂર ઉપડાવી ગયા છે. રાજરાની રથમાં એ તરફ દોટ મેલે છે. ગામમાં એ સ્થળે જાય છે જ્યાં એ નાયકને જોગણ વેશે મળતી હતી. એને નાયકનો અવાજ સંભળાય છે. એને નાયક સાથે માણેલી પળો પણ સાંભરે છે. એ સ્થળે ભગવાનના ઓટલે જલતા દીપકમાથી એ એક દીવો પેટાવે છે અને પ્રભુને આજીજી કરે છે કે જાગતાં – જાગતાં થાકી ગઈ છું. હવે મારે સુવું છે. મારે નીંદર જોઈએ છે. નેપથ્યે ફરી એક વાર હેમંત – લતાના સહિયારા સુરોમાં  ‘ચંદન કા પલના રેશમ કી ડોરી ‘ ગુંજે છે. નુતન માથું ટેકવી દે છે. એણે માંગ્યું એ એને મળી ગયું છે. ચિર નિદ્રા ! એણે પ્રગટાવેલો દીપક બુઝાઈ જાય છે અને એમાંથી ઉઠતી ધૂમ્રસેરો અન્ય ધુમાડામાં ભળી જાય છે.

આ અંત વિગતે એટલે વર્ણવ્યો કે એ પણ આજના ગીતનો જ હિસ્સો છે જાણે. એની ગુણવત્તા સ્હેજે ફિલ્મ  ‘દેવદાસ’ (બિમલ રોય વાળું) ના અંતની યાદ અપાવે છે. ભલે દિગ્દર્શક તરીકે એમ. સાદિક અને બિમલ રોયની સરખામણી ન થઈ શકે, મગર ફિર ભી !

શબાબનો એક અર્થ યૌવન અને સૌંદર્ય છે અને આ ફિલ્મમાં નૌશાદ, શકીલ અને વિશેષ તો લતા અને રફી પોતાના પૂર્ણ શબાબ પર હતા ! નૂતન તો ખરેખર હતી કારણ કે ફિલ્મ રિલીઝ થઈ ત્યારે એ માંડ અઢાર વર્ષની હતી. ભારત ભૂષણ રાબેતા મૂજબ ઉત્તમ ગીતોના તરાપે વધુ એક વાર તરી ગયા છે !

ચાલો, મૃત્યુની ઉદાસીમાંથી જીવનની આહ્લાદકતામાં આવીએ અને જોઈએ નૌશાદની ૧૯૬૦ની હલકી-ફુલકી ફિલ્મ  ‘કોહીનૂર’ નું એક ખુશનુમા ગીત. કેવી અચરજની વાત કે પહાડીમાં નૌશાદ ચિર-પ્રતીક્ષાનું અમર ગીત ‘સુહાની રાત ઢલ ચુકી‘ (દુલારી – ૧૯૪૯) રચી શકે તો એ જ રાગમાં પરમ મિલનનું આજનું આ યુગલ ગીત  ‘દો સિતારોં કા ઝમીં પર હૈ મિલન’  ( રફી – લતા – શકીલ ) પણ સર્જી શકે ! ગીતના શબ્દો :

दो सितारों का  ज़मीं पर है मिलन आज की रात
मुस्कुराता  है  उम्मीदों  का  चमन आज की रात
रंग  लाई  है  मेरे  दिल  की लगन आज की रात
सारी दुनिया नज़र आती है दुल्हन आज की रात

हुस्न  वाले   तेरी   दुनिया  में   कोई  आया  है
तेरे  दीदार  की  हसरत   भी  कोई  लाया   है
तोड़ दे  तोड़ दे परदे का चलन  आज की रात ..

जिनसे  मिलने  की  तमन्ना  थी  वही  आते हैं
चाँद – तारे   मेरी   राहों   में   बिछे  जाते  हैं
चूमता है मेरे क़दमों को गगन  आज की रात ..


ફારસીમાં  ‘ કોહ ‘ એટલે પર્વત અને  ‘ નૂર ‘ એટલે રોશની. આમ,  ‘ કોહ – એ – નૂર ‘  ( કોહીનૂર ) એટલે રોશનીનો પર્વત. આપણા ફિલ્મ રસિકોના માટે ‘કોહીનૂર ‘ એટલે ટ્રેજેડી કીંગ દિલીપ કુમાર અને ટ્રેજેડી ક્વીન મીના કુમારીની ફૂલગુલાબી કોમેડી ફિલ્મ ! અહીં પણ અત્યંત કર્ણપ્રિય સંગીત ઉપરાંત બન્ને મુખ્ય કલાકારોને હળવી ભૂમિકામાં પૂર્ણ કળાએ ખીલતા જોવાનો લહાવો તો છે જ, નિર્દેશક એસ.યુ. સનીના દિગ્દર્શકીય ચમકારા અને વજાહત મિર્ઝા (મુગલ-એ-આઝમ) ના મસ્તીભર્યા સંવાદોના તીખારા પણ ખરા ! કુલ દસ ગીતો અને દરેક પોતપોતાની રીતે શ્રેષ્ઠ ! હમીર જેવા અઘરા રાગમાં રફી  ‘મધુબન મેં રાધિકા’ માં પૂર્ણકળાએ ખીલે તો સરળ પહાડીમાં આપણું આજનું ગળચટ્ટું ગીત પણ ખરું.

ફિલ્મની વાર્તા એ જ રાજકુમાર, રાજકુમારીના પ્રેમની અને એમાં આડખીલી બનતા સેનાપતિ જીવનની. સીધી લીટીના પ્રેમને ત્રિકોણ બનાવવા ઉમેરાયેલી રાજનર્તકી કુમકુમ. સાથે મુકરીની સ્થૂળ કોમેડી.

મીના કુમારી આગળ વેશપલટો કરીને સાધુવેશે આવેલો દિલીપ કુમાર એની મનોકામના શીઘ્ર પરિપૂર્ણ થશે એવું વચન આપી અંતર્ધ્યાન થાય છે અને એ જ રાતે –

ચંદ્રોદયનો સમય. તમરાંનો અવાજ. રાવટીમાં વાધ્યો વગાડતી કનીઝો વચ્ચે મીના કુમારી. એકલ વાયલીન. રફીનો પહાડી આલાપ. રાવટીની બહાર નીકળતી રાજકુમારી. જલતી મશાલો અને ખોડાયેલી નાની-નાની રાવટીઓ. વાંસળી અને અટૂલા વાયલીનનો સુર અને રફીના કંઠે મુખડો. અદ્ષ્ય ગાયકની સંમોહિની પાછળ દોરવાતી રાજકુમારી. મીના મુખડાનો બીજો હિસ્સો ગાય છે.  ‘ બે તારલાઓની આ મિલન-યામિની. મનોકામનાઓનુ ઉદ્યાન ખીલવવાની આ નિશા. ઊર્મિઓનો રંગબેરંગી આકાશના પ્રસ્તારની આ રાત્રિ. વિશ્વ સમૂળગું નવવધુ – શું  દિસે એવી સોહામણી આ સ્વપ્નિલ રજની !

નાયક-નાયિકા આસપાસમાં જ હોવા છતાં એકબીજા સાથે જાણે સુરોની સંતાકૂકડી રમે છે.

અંતરાલમાં કોરસ સ્વરો (કોઈ સમૂહની હાજરી ન હોવા છતાં [!]) રાતના જાદુમાં અને પહાડીની ભીનાશમાં અભિવૃદ્ધિ કરે છે.

‘ હે રૂપમતી ! તારા દર્શનના અભરખા લઈને તારી દુનિયામાં કોઈક બહુ દૂરથી આવ્યું છે. આજ તો ઢાંકપિછોડો હટાવી સામે આવ ! ‘ રાત, વનરાઈ અને ચંદ્ર આ સંવાદ મૌન રહી સાંભળે છે.

ફરી સમૂહ વાયલીન્સ અને તુરંત એકલું વાયલીન અને સંગે મધુરું કોરસ.  ‘ જેમને મળવાની અબળખા હતી એ આવી રહ્યા છે ત્યારે જાણે ચંદ્ર-તારકો સર્વે મારા પંથમાં પથરાતા જાય છે અને બિચારું આકાશ ! એ તો હોંશે-હોંશે મારા કદમ ચૂમી રહ્યું છે !

બીજા અંતરા અને મુખડાના ગવન સાથે નાયક-નાયિકા એકબીજા સમક્ષ પ્રકટ થાય છે. રફીનો શરુઆતવાળો આલાપ ફરી-ફરી ગુંજાયમાન બની, વાતાવરણમાં પહાડી રેલાવતો ધીમે-ધીમે વિલીન થાય છે.

નિતાંત મીઠડી તરજ ! ફિલ્મમાં આ બંદિશની થોડી જ મિનિટો બાદ અન્ય એક રમતિયાળ પહાડી યુગલ ગીત ‘કોઈ પ્યારકી દેખે જાદુગરી‘ (લતા-રફી) પણ આવે છે. આવી ખુશમિજાજ ફિલ્મનો અંત પણ ખુશરંગ જ હોય એ કહેવાની જરુર ખરી ?

નૌશાદ સાહેબના અન્ય કેટલાક નોંધપાત્ર પહાડી ગીતોનો ઉલ્લેખ કરી એમને ભાવભીની વિદાય આપીએ :

૧. રુમઝુમ બરસે બાદરવા મસ્ત ઘટાએં છાઈં રતન ઝોહરાબાઈ અંબાલેવાલી
૨. દૂર કોઈ ગાએ ધુન યે સુનાએ બૈજુ બાવરા શમશાદ બેગમ – રફી – લતા
૩. તસવીર બનાતા હું તેરી ખૂને-જિગર સે દીવાના રફી
૪. નૈન લડ ગઈ હૈ તો મનવા માં કસક હોઈ ગંગા જમુના રફી
૫. તોરા મન બડા પાપી સાંવરિયા રે ગંગા જમુના આશા

આવતા હપ્તે ફરી એક વાર બર્મન દાદા અને એમની પહાડી આખરી બાર …


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

Author: admin

7 thoughts on “હુસ્ન પહાડી કા – ૨૧ – નૌશાદનાં હજુ બીજાં પહાડી ગીતો

 1. ફિલ્મ સંગીતના સુવર્ણયુગ ની શ્રેષ્ઠ પ્રતિનિધિ ફિલ્મોમાંની એક શબાબ પણ બૈજુ બાવરાની જેમ સંગીત રસિયાઓના મન પર છવાઈ ગઈ હતી. બાર ગીતો એને એમાં એક એક ગીત અણમોલ મોતી જેવું હોય એ નૌશાદની સર્જનાત્મક શક્તિ નો પુરાવો છે.
  આજના બંને પહાડી ગીતો તદ્દન વિરુદ્ધ પ્રકૃતિ ધરાવતાં હોવા છતાં પહાડીની મધુરતાથી અત્યંત મોહક બનેલાં છે. ગીતને ફિલ્મના પરિપ્રેક્ષ્ય માં મૂકીને રજૂ કરવાં ને કારણે રજૂઆત વધારે સાર્થક બની જાય છે.

  1. હંમેશા બધા જ આલેખો ઝીણવટપૂર્વક અને રસથી વાંચવા બદલ ખુબ – ખુબ આભાર નરેશભાઈ !

 2. “પહેલાં જે ફિલ્મમાં ગીતો સિવાય કશું જ નોંધપાત્ર નહોતું લાગ્યું એમાં હવે, નવી નજરે જોતાં દિગ્દર્શનના ચમકારા અને વાર્તામાં રહેલી ઝીણી સંવેદનાઓ દેખાય છે.” yes, we get something new, every time we see old movie. May be because of having learned more about different qualitative aspects of film. It is equally true with mankind also.

  “આજના બે પહાડી ગીતોમાંના એકની ફિલ્મ ‘શબાબ’ના કુલ ૧૨ ગીતોમાં એમણે અલગ – અલગ ૧૧ રાગો પર હાથ અજમાવ્યો છે ! ” A unique feature, may not be more such films.
  Both pahadi songs express different mood ,also having known touch of Great Naushad.
  Enjoyed Article.Thanks.

 3. ખરેખર લેખમાં લખેલી વાત કે અત્યારે ઘણી ફિલ્મો કે ગીતો ફરી સાંભળીયે ત્યારે ઘણી નોંધપાત્ર વાત જાણીએ છીએ.. નૌશાદસાબ ને સલામ અને તેના ગીતો વિશે વારંવાર વાંચવા ગમે તેવા લેખ માટે થાવરાણી જી ને પણ ઝૂબ જગુવ સલામ

 4. શ્રી થાવરાણી જી પણ ખૂબ ખૂબ સલામ ..અભિનંદન

Leave a Reply

Your email address will not be published.