વાદ્યવિશેષ : (૨) : કળવાદ્યો – ‘પેટી’ તરીકે ઓળખાતું હાર્મોનિયમ (૧)

ફિલ્મી ગીતોમાં વિવિધ વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી

પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી

હિન્દી ફિલ્મોનાં ગીતોમાં વિવિધ વાદ્યવિશેષનો આસ્વાદ કરાવતી શ્રેણીનો આરંભ હાર્મોનિયમથી સકારણ કરાઈ રહ્યો છે. હાર્મોનિયમ વિશે વાત કરતાં અગાઉ સંગતવાદ્યો વિશે કેટલીક પ્રાથમિક વિગતો જાણવી જરૂરી છે.

ગાયકી કોઈ પણ પ્રકારની હોય, ગાયકને બે પ્રકારની સહાયની અનિવાર્યપણે જરૂર પડતી હોય છે – સૂરની અને તાલની. અન્યથા ગાયકને માટે પોતાની ગાયકીમાં લાંબા સમય માટે સાતત્ય જાળવી રાખવું મુશ્કેલ બને છે. તે માટે સહાયક વાદ્યો અનુક્રમે સૂરવાદ્ય અને તાલવાદ્ય તરીકે ઓળખાય છે. પહેલાં સૂર ઉત્પન્ન કરનારાં વાદ્યો વિશે વાત્.

સૂરવાદ્યોને મુખ્ય ત્રણ પ્રકારમાં વહેંચી શકાય. ૧) ચાંપ/કળવાદ્યો(Key Instruments), હવા/ફૂંકવાદ્યો(Wind Instruments) અને ૩) તંતુવાદ્યો(String Instruments).

ચાંપવાદ્યોમાં એક તરફ હવા ભરી શકાય તેવી ધમણ જેવી રચના હોય છે. હવા પેટી જેવી જગ્યામાં જમા થઈ, બીજી બાજુએથી બહાર નીકળવાનો પ્રયત્ન કરતી રહે છે. તે બહાર નીકળે ત્યારે તેનાં આંદોલનોને નિયંત્રિત કરીને ચોક્કસ સ્વર/સૂર ઉપજાવી શકાય છે. આ માટે તેમાં યોગ્ય પ્રકારની કાળી તેમ જ સફેદ ચાંપો/કળો હોય છે. સૈદ્ધાંતિક રીતે કાળી:સફેદ કળોનો ગુણોત્તર ૫:૭નો રાખવામાં આવે છે. ચોક્કસ કળના ઉપયોગ વડે નિર્ધારિત સૂર ઉત્પન્ન કરી શકાય છે. મૂળ સિધ્ધાંત એક જ હોવા છતાં ચાંપવાદ્યો વિવિધ પ્રકારમાં જોવા મળે છે. પરંપરાગત રીતે જોતાં ત્રણ પ્રકારનાં ચાંપવાદ્યો ગણાવી શકાય – હાર્મોનિયમ, એકોર્ડીયન અને પિયાનો. પિયાનો ચાંપવાદ્ય જરૂર છે, પણ તે સંદ્ધાંતિક રીતે અલગ પડે છે.

હાર્મોનિયમમાં લાકડાની બનેલી પેટીની સાથે સંલગ્ન એવી ધમણ દ્વારા તે પેટીમાં ભરવામાં આવે છે. હવા ઉપરના ભાગેથી બહાર નીકળે ત્યારે આગળ જોઈ શકાતી કળો દ્વારા તેને ચોક્કસ તરંગલંબાઈ ધરાવતા ધ્વનિનાં મોજાંના સ્વરૂપમાં નિયંત્રિત કરીને સૂર ઉત્પન્ન કરવામાં આવે છે. અગાઉના સમયમાં જેને ધમણ પગ વડે ચલાવી શકાય તેવાં હાર્મોનિયમ પણ જોવા મળતાં. તે દેખાવમાં તો વિશેષ પ્રભાવશાળી હતાં જ, સાથે બીજો ફાયદો તે હતો કે તેને વગાડવા માટે એકસાથે બન્ને હાથનો ઉપયોગ થઈ શકતો. તે ‘પગપેટી’ અથવા ‘પગવાજું ‘ નામથી ઓળખાતાં.

પગવાજું

હાર્મોનિયમની છબિ જોયા પછી અને તેના સિધ્ધાંત વિશે જાણ્યા પછી કદાચ એ સવાલ થાય કે તેમાંથી નીકળતા સૂર કેવા હોય? એટલે કે કોઈ પણ ગીતમાં સ્વતંત્રપણે હાર્મોનિયમ વાદનને પારખવું કઈ રીતે?

ઉસ્તાદ ફારુખ ફત્તેહ અલી ખાનનું એકલ હાર્મોનિયમ વાદન સાંભળવાથી તેના વાદનની તરાહ અને તેના સૂર વિશે ખ્યાલ આવી જશે.

https://www.youtube.com/watch?v=WxxiLWDouJ8

શાસ્ત્રીય સંગીતના ગાયકો સામાન્ય રીતે સૂર મેળવવા માટે તેમ જ ગાયન દરમિયાન જાળવી રાખવા માટે તાનપુરો/તંબૂર અથવા તો સ્વરમંડળનો સહારો લેતા હોય છે. પણ અન્ય ગાયકી – ઉપશાસ્ત્રીય, સુગમ સંગીત, ફિલ્મી ગીતો અને ગઝલગાયકી માટે હાર્મોનિયમને સાનુકૂળ સંગાથી ગણવામાં આવે છે. ભલભલા મહારથી ગાયકો પણ પોતાનું સૂરસાતત્ય જાળવી રાખવા માટે હાર્મોનિયમને અનિવાર્ય ગણે છે.

કેટલાક રૂઢીવાદી સંગીતકારો હાર્મોનિયમને વિદેશી વાદ્ય ગણાવી, તેનો ઉપયોગ નથી કરતા. સામે પક્ષે પંડીત ભીમસેન જોશી જેવા ખ્યાતનામ શાસ્ત્રીય ગાયકો હાર્મોનિયમને સ્વીકારીને જ આગળ વધ્યા છે. ભારતના માહીતિ અને પ્રસારણ ખાતાના પ્રધાન (૧૯૫૨-૧૯૬૨) એવા બાલકૃષ્ણ કેસકરે રેડીઓ પ્રસારણોમાં કોઈ પણ જગ્યાએ હાર્મોનિયમના ઉપયોગ ઉપર પ્રતિબંધ લગાવી દીધો હતો! અલબત્ત, ત્યારના વડાપ્રધાન જવાહરલાલ નેહરુની દરમિયાનગીરી થકી તે પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો હતો.

હાર્મોનિયમ વિશેની આટલી પૂર્વભૂમિકા પછી કેટલાંક ચૂનંદાં ફિલ્મી ગીતોની વાત, જેમાં આ વાદ્યનો ખુબ જ રોચક ઉપયોગ થયો છે. ફિલ્મ ‘સત્યમ શિવમ સુંદરમ’(૧૯૭૭)ના ગીત યશોમતી મૈયા સે બોલે નંદલાલા ના આરંભિક સંગીતમાં પગપેટીનો ઉપયોગ થયેલો છે. વળી વાદ્ય તરીકે તેને પરદા ઉપર જોઈ પણ શકાય છે. અલબત્ત, આરંભિક સંગીત પછી પૂરા ગીતમાં તેનું ક્યાંય પુનરાવર્તન નથી.

આ જ ફિલ્મના અન્ય ગીત સુની જો ઉન કે આને કી આહટ ના આરંભે પણ તેનો ઉપયોગ સાંભળી/જોઈ શકાય છે.

અહીં પણ બાકીના ગીતમાં તેનું ક્યાંય પુનરાવર્તન થતું નથી.

ફિલ્મી ગીતોના ઈતિહાસમાં હાર્મોનિયમ વાદન વડે જાણીતાં બની ગયેલાં કેટલાંક પસંદગીનાં ગીતો સાંભળીએ. સૌ પ્રથમ બે એવાં ગીતો કે જે પાર્શ્વસગીતના શરૂઆતના તબક્કામાં રચાયાં હતાં.

ફિલ્મ ‘સ્ટ્રીટ સીંગર (૧૯૩૮)ના કુંદનલાલ સાયગલના ગાયેલા અને આજ પર્યંત અમર બની રહેલા ગીત બાબુલ મોરા નૈહર છૂટો રે જાય માં ગાયકીની સાથેસાથે હાર્મોનિયમની અને સારંગીની પ્રચ્છન્ન સંગત કાને પડતી રહે છે. સંગીતકાર હતા રાય ચંદ બોરાલ અને પંકજ મલ્લિક.

૧૯૪૦માં રજૂઆત પામેલી ફિલ્મ ‘નર્તકી’ના પંકજ મલ્લિકે સ્વરબધ્ધ કરેલા અને તેમના જ ગાયેલા ગીત યે કૌન આજ આયા સવેરે સવેરે માં ખુબ જ કર્ણપ્રિય હાર્મોનિયમ વાદન સાંભળવા મળે છે.

નૌશાદના સ્વરબધ્ધ કરેલા અને જોહરાબાઈ અંબાલાવાલીએ ગાયેલા  ફિલ્મ મેલા(૧૯૪૮)ના ગીત ફીર આહ દિલ સે નીકલી માં હાર્મોનિયમની સંગત માણી શકાય છે.

કેટલાક કુશળ વાદક કલાકારો ફિલ્મી ગીતો માટે હાર્મોનિયમ ઉપર એવા એવા અંશ વગાડી ગયા છે કે જાણે કે એકોર્ડીયન વાગી રહ્યું હોય તેવો ભાસ થાય. આજે પણ ઘણા શોખીનો એમ માનવા/સ્વીકારવા તૈયાર નથી કે હવે પછીના ગીતમાં કાને પડતા સ્વરો એકોર્ડીયનના નથી પણ હાર્મોનિયમ વડે વગાડવામાં આવ્યા છે. શંકર-જયકિશનના નિર્દેશનમાં તલત મહમૂદે ગાયેલા ૧૯૫૨ની ફિલ્મ ‘દાગ’ના ગીત એ મેરે દિલ કહીં ઓર ચલ માં અસાધારણ સ્તરનું હાર્મોનિયમ વાદન વખતોવખત સંભળાતું રહે છે.

૧૯૫૦માં રજૂ થયેલી ફિલ્મ ‘બાબુલ’ના નૌશાદના નિર્દેશનમાં રચાયેલા ગીત હૂશ્નવાલોં કો ના દિલ દો માં હાર્મોનિયમ મુખ્ય વાદ્ય છે.

અનિલ બિશ્વાસના સંગીત નિર્દેશનવાળી ફિલ્મ ‘આરામ’(૧૯૫૨) ના ગીત શુક્રીયા એ પ્યાર તેરા માં પણ હાર્મોનિયમ વાદન છે. તલત મહમૂદ પરદા ઉપર ગીતની રજૂઆત કરતા જોઈ શકાય છે.

ફિલ્મ ‘કાલા પાની’ (૧૯૫૮)માં સચીન દેવ બર્મનના નિર્દેશનમાં બનેલા ગીત દિલવાલે અબ તેરી ગલી તક આ પહૂંચે માં હાર્મોનિયમ વાદન સતત ધ્યાન ખેંચતું રહે છે.

તે જ વર્ષે આવેલી ફિલ્મ ‘પોસ્ટ બોક્સ નંબર 999’માં સંગીત નિર્દેશન કલ્યાણજી-આણંદજીનું હતું. તેના ગીત બીછડે હુએ મીલેંગે ફીર માં પણ એકદમ પ્રભાવક હાર્મોનિયમ વાદન સાંભળવા મળે છે

૧૯૬૬માં પ્રદર્શિત થયેલી ફિલ્મ ‘તીસરી કસમ’ ના ગીત ચલત મુસાફીર મોહ લીયા રે માં હાર્મોનિયમની રંગત કંઈક ઓર જ છે.

પ્રભાવશાળી હાર્મોનિયમ વાદન ધરાવતાં કેટલાંક વધુ ગીતો વિશે આવતી કડીમાં વાત.


નોંધ :

૧) તસવીરો નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.

૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય છે. ગીત-સંગીત-ફિલ્મ કે અન્ય કલાકારોનો ઉલ્લેખ જાણીબૂઝીને ટાળ્યો છે.

૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.


સંપર્ક સૂત્રો :

શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com

શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com

Author: Web Gurjari

5 thoughts on “વાદ્યવિશેષ : (૨) : કળવાદ્યો – ‘પેટી’ તરીકે ઓળખાતું હાર્મોનિયમ (૧)

 1. સરસ સંગીતમય માહિતી! જલસો કરાવી દીધો, બીરેનભાઈ! આભાર, આભાર, આભાર!

 2. હાલમાં સચીન જામ્ભેકર ઉત્તમ હાર્મોનિયમ પ્લેયર છે.
  Btw ઉત્તમ આાલેખ. આનંદ

 3. black and white keys are just the OUTER things. The SOUND is actually produced by the metal reeds, under the keys, through which the forced air is passed.
  The author should have explained this.

  1. સુરેશ જી, આપના સૂચન મુજબ જો વાદ્યની રચના બાબતે ઊંડી વિગતોમાં ઉતરીએ તો લેખ ક્લિષ્ટ થઈ જાય. આ શૃંખલામાં જે તે વાદ્યની આંતરીક રચના અને વૈજ્ઞાનિક સિદ્ધાંત વિશે વાત કરવાનો નહીં પણ ફિલ્મી ગીતોમાં કોઈ એક વાદ્યના ઉપયોગ વડે જે તે ગીતને શી રીતે શણગારાયું છે તે સંભળાવવાનો ઉપક્રમ છે. આથી એકદમ પ્રાથમિક માહિતી વડે વાદ્યનો પરિચય કરાવ્યા પછી ગીતો ઉપર જ લક્ષ્ય અપાતું રહેશે, જેની નોંધ લેશો.
   I have every reason to believe that you can read Gujrati and also understand Gujrati. Because your suggestion suggests that you must have read the article carefully. Please continue to do so on regular basis. Thanks.

 4. ફિલ્મ સંગીતમાં અનેક વાદ્યોનો ઉપયોગ સંગીતકારોએ કર્યો છે. ચાહે તે દેશી હોયકે વિદેશી. હાર્મોનિયમ વિષે સવિસ્તર માહિતી માટે આભાર.
  એ વાત અહીં અગત્યની છે કે આ વાદ્યનો સંગીતકારોએ કયાં ઉપયૉગ કર્યો.

Leave a Reply

Your email address will not be published.