પરિવહન : અવેધિક શિક્ષણનું ઉત્તમ માધ્યમ

ચેલેન્‍જ.edu

રણછોડ શાહ

એક જમાનામાં શાળા જ માત્ર શિક્ષણનું સ્થળ છે તેવી માન્યતા અને સમજ હતી. અધ્યયન અને અધ્યાપન અહીંયા જ થાય. ધીમે ધીમે તેમાં ફેરફાર આવ્યો. સ્થિર ચિત્રોની પ્રક્રિયામાંથી ચલચિત્રના માધ્યમથી શિક્ષણ આપવાની શરૂઆત થઈ. સ્લાઈડ શો, એપિડાયોસ્કોપ વગેરે જેવાં સાધનો શાળાઓમાં આવ્યા. તે સમયે આ સાધનોને શૈક્ષણિક સાધનો (TLM- Teaching Learning Material) તરીકે ઓળખવામાં આવતાં. મોબાઈલની એન્ટ્રી પડતાં સ્માર્ટ બોર્ડ સહિતનાં સાધનો ગઈ કાલનાં ગણાવા લાગ્યાં.

આ તમામ સાધનો કરતાં એક અગત્યનું શૈક્ષણિક સાધન હતું -ઘરથી શાળા સુધીનો રસ્તો. આજથી લગભગ બે ત્રણ દાયકા પહેલાં મોટાભાગની શાળાઓનો સમય બપોરનો હોવાથી જમ્યા બાદ ખભે દફતર નાંખીને સૌ શાળાએ જવા નીકળી પડતાં. સમય કરતાં ખૂબ વહેલા ઘેરથી શાળાએ જવાં નીકળતાં. ત્યારે લગભગ તમામ બાળકો શાળાએ કોઈ પણ વાહન વિના જતાં. આજે વિશ્વમાં જેનો સૈદ્ધાંતિક સ્વીકાર થઈ ગયો છે તેવી ‘પાડોશી શાળા’ (Neighbourhood School))ની વિભાવના જાણેઅજાણે ત્યારે અસ્તિત્વમાં હતી. પ્રત્યેક શહેર કે ગામમાં શાળાએ જવાનું સાધન ‘પદયાત્રા’ હતું. શાળામાં સાઈકલ લઈને આવતો વિદ્યાર્થી અલગ તરી આવતો. શાળાએ વાહન દ્વારા આવવાની વાત છેલ્લા બે-ત્રણ દસકાની ઊપજ છે. કયારેક વાલીઓ સાઈકલ-સ્કૂટર ઉપર બાળકોને શાળાએ મૂકી જતા. ત્યાર બાદ રિક્ષા, વાન, ખાનગી કાર અથવા શાળા બસમાં આવનજાવનની શરૂઆત થઈ. શહેરોના મોભાદાર રહેઠાણથી શાળાનું સ્થળ એકથી દસ કિલોમીટર દૂર સુધી વિસ્તરી જતાં ‘શાળા બસ’ અનિવાર્ય બની ગઈ. શાળા અને ઘર વચ્ચે અંતર વધતાં આ આવશ્યકતા (Need) નહીં જરૂરીયાત (Necessity) બની ગઈ.

ઘરથી શાળા સધીનો રસ્તો અઘ્યયનનું ઉત્તમ સાધન હતું. ઘરેથી નીકળતો વિદ્યાર્થી રસ્તામાં આવતી નાની મોટી દુકાનો, ફેરિયાઓ, રસ્તા ઉપર વેચાતી વસ્તઓનું નિરીક્ષણ કરતો. જાણેઅજાણે તેને અર્થશાસ્ત્રનું અવૈધિક જ્ઞાન પ્રાપ્ત થતું. અનેક બાબતો તે જાતે જોતો હોવાથી તેનું પૃથકકરણ કરતો. સારાં-ખોટાંનો ભેદ તારવતો. તેની નજર આર્થિક રીતે નબળા અને સબળા ઉપર સહજ રીતે પડતી. મોટી મોટી દુકાનો ઉપર ગોઠવાતી વસ્તુઓનું નિરીક્ષણ કરતાં માર્કેટીંગનું જ્ઞાન પ્રાપ્ત કરતો. કયારેક કુતૂહલવશ કોઈ દુકાન પાસે ઊભો રહી ગ્રાહક અને દુકાનદાર વચ્ચેનો સંવાદ સાંભળતાં વાતચીતની કળા શીખતો. એક રીતે કહીએ તો તેની વ્યાવસાયિક જ્ઞાન પ્રાપ્ત કરવાની શરૂઆત થતી. ધંધો શું કહેવાય? તેનો પ્રત્યક્ષ અનુભવ પ્રાપ્ત કરતો. શાળા-કોલેજના ૧૦-૧૫ વર્ષના સમયગાળામાં ધંધાકીય ફેરફારને નિહાળતો અને તેના વિકાસ માટે શું-શું કરવું પડે તે પ્રત્યક્ષ જોતો હોવાથી તેને પરોક્ષ રીતે વ્યવસાયલક્ષી જ્ઞાન પ્રાપ્ત થતું.

શાળાએ જતાં રસ્તામાં આવતા બાગબગીચા, તળાવ, વૃક્ષો, દવાખાના, મંદિરનું અવલોકન કરવાની તક પ્રાપ્ત થતી. કયારેક શાળાએ જતાં કે આવતાં તે બગીચાની મુલાકાત લેતો. ત્યાં મિત્રો સાથે બેસી ઉજાણી કરતો. શાળામાંથી વહેલાં છૂટતાં સીધા ઘેર જવાને બદલે મિત્રો સાથે રમવા જતો રહેતો. બગીચામાં તો અવૈધિક રીતે વનસ્પતિશાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત થતું. બાગમાં બેસતા વૃદ્ધો સાથે સીધો પરિચય થતો. ‘લુખ્ખા’ કોને કહેવાય તે સમજાવવાને બદલે બાગમાં પ્રત્યક્ષ તેમને જોઈ લેતો. બાગમાં કોઈ સભા હોય તો અજાણ્યા વકતાને સાંભળવાનો કે ઓળખવાનો લ્હાવો પ્રાપ્ત થતો. ભાષાના વિષયમાં ‘બગીચાની મુલાકાતે’નો નિબંધ તે સ્વાનુભાવે લખી શકતો. આ માટે તેને ‘ગૂગલ મહારાજ’ની મદદ લેવાની જરૂર પડતી નહીં!

ગામ કે શહેરનું તળાવ તેને માટે એક મોટું શૈક્ષણિક સાધન હતું. પાણીનો ઉપયોગ અને દુરુપયોગ તે આંખે જોઈ શકતો. તળાવને ગંદું કરતાં લોકો તરક તે નાખુશી વ્યકત કરતો. તળાવને કેવી રીતે સ્વચ્છ રાખી શકાય તે અંગે વિચારતો. તળાવમાં પથ્થર નાંખતા ‘વલયો’ પેદા થતાં તેને માટે વલય શબ્દ અમૂર્ત નહીં ,મૂર્ત બનતો. તળાવની પાળે વિહરતા યુવાનોને જોઈ આનંદિત થતો. તળાવની પાળ ઉપર બેસવાનો આનંદ જેણે માણ્યો હોય તેને જ તેના વાયરાનો અનુભવ થયો હોય ! આવા જ અનુભવો મંદિરની મુલાકાતે પ્રાપ્ત થતા. ફૂટપાથ ઉપર બેઠેલા જાદુગર ‘ટોપલીમાંથી સાપ’ કાઢતાં તે જોતાં આશ્ચર્ય અનભવાતું. તો રસ્તામાં ‘તીન પત્તી’ ખેલતા જુગાર જોઈ લેતો તેથી જુગારની બદી વિશે સમજ આપવાની જરૂ૨ પડતી નહીં. શાળાએ જતાં ઠંડી, ગરમી અને વરસાદનો સીધો સ્પર્શ પ્રાપ્ત થતો. ‘વરસાદની હેલી’ વિશે તે કડકડાટ બોલી શકતો. શિયાળીની સવારે ઠૂંઠવાતા ગરીબ ભિખારીઓને જોઈને તે અનુકંપા, દયા, લાગણી અને પ્રેમ જેવા ગુણો ખીલવી શકતો. આ યાદી ઘણી લાંબી થઈ શકે.

પરંતુ આજે શાળાએ ચાલતા કે સાઈકલ ઉપર જતા વિદ્યાર્થીઓની સંખ્યા જૂજ છે. રિક્ષા, વાન કે શાળા બસ વાહનવ્યવહારનું સાધન બની જતાં ઉપરના તમામ શૈક્ષણિક અનુભવોથી આજના બાળકો વંચિત રહી જાય છે. દૂર દૂર આવેલી શૈક્ષણિક સંસ્થાઓ માટે કદાચ આ જરૂરિયાત પણ હોઈ શકે. મમ્મી-પપ્પા વ્યાવસાયિક બનતાં આ એક અનિવાર્ય આવશ્યકતા બની ગઈ. વાહનમાં જતાં બાળકો પણ અવૈધિક શિક્ષણ તો કયારેક પ્રાપ્ત કરે છે. બસમાં જવાનું હોય તો સમયસર બસ સ્ટેન્ડ ઉપર પહોંચવું પડે, નાસ્તો અને પાણીની બોટલ લઈને જવું પડે. શાળાનું અંતર ખૂબ વધારે હોવાથી લાંબા સમય સુધી મિત્રો સાથે મજા-ગમ્મત કરવાનો સમય મળે. તો આજના અત્યંત ગીચ વસ્તીવાળા શહેરો અને અસંખ્ય વાહનોવાળા રસ્તા ઉપર જતાં બાળકો વાહનવ્યવહારે જાળવવાના નિયમો પરોક્ષ રીતે શીખી શકે. સ્થળની ભૂગોળનું જ્ઞાન પ્રાપ્ત થાય. રસ્તામાં આવતાં વિવિધ સ્મારકોને નિહાળી શકે.

વાલીઓ ધારે અને ઈચ્છે તો આ મુસાફરીને આજે પણ શૈક્ષણિક બનાવી શકાય. બાળકો શાળાએ જતાં વાહનમાં સંગીત માણી શકે તે માટે દિવસ પ્રમાણે તેમને કલાસીકલ, ઈન્સ્ટ્રુમેન્ટલ, લોકગીતો, ફિલ્મી ગીતો કે પાઠયપુસ્તકનાં કાવ્યો સંભળાવવાની વ્યવસ્થા કરી શકાય. શાળાનું વાહન હોય તો પ્રત્યેક માસે બેઠકવ્યવસ્થા બદલી બાળકો વચ્ચે જુદો જ સામાજિકતાનો આલેખ રચી શકાય. કયારેક શાળાનું વાહન જાહેર બગીચા, તળાવ, ધાર્મિક સ્થળે, સરકારી ઓફિસ વગેરે જેવા સ્થળે ઊભું રાખી વિદ્યાર્થીઓને ૧૦-૧૫ મિનિટ કે વધુ માટે મુક્ત સમય આપી શકાય. શાળા બસના માધ્યમથી ટ્રાફિકના નિયમોનું શિક્ષણ આપી શકાય. જો શિક્ષકો બાળકો સાથે બસમાં આવતા હોય તો અવારનવાર અલગઅલગ વિદ્યાર્થીઓ સાથે બેસી તેમને મૂંઝવતા વિષયોની ચર્ચા કરી શકાય. શિક્ષકો તેમની નજીક આવી તેની વિશિષ્ટતાઓ અને મર્યાદાઓ અંગે વિચારોની આપલે કરી શકે. શાળાએ જતાં આવતાં રસ્તા ઉપર સર્જાતા વિવિધ દૃશ્યોનું વિહંગાવલોકન કરી જે તે બસના બાળકો સાથે ચર્ચાવિચારણાનું આયોજન થઈ શકે. એક રીતે તો આ ઘેરથી શાળાનો એક દિવસનો પ્રવાસ છે. પ્રવાસને શિક્ષણનું માઘ્યમ બનાવવામાં વાહનવ્યવહાર મદદરૂપ થઈ શકે.

સજાગ શિક્ષક અને શાળા સંચાલક ટ્રાન્સપોર્ટેશનને માત્ર એક સુવિધા પૂરી પાડવાના ભાગરૂપે ન જોતાં તે અવૈધિક શિક્ષણનું માઘ્યમ બને તેવા પ્રયત્નો કરે તે આજની જરૂરિયાત છે.

આચમન:

બચપન કા જમાના હોતા થા
ખુશિયોં કા ખજાના હોતા થા
ચાહત ચાંદ કો પાને કી
દિલ તીતલી કા દીવાના હોતા થા,
ખબર ન થી કુછ સુબહ કી
ન શામોં કા ઠિકાના હોતા થા,
થક કરકે આના સ્કૂલ સે,
પર ખેલને ભી જાના હોતા થા


(શ્રી રણછોડ શાહનું વીજાણુ સરનામું: shah_ranchhod@yahoo.com )


(તસવીર નેટ પરથી)

 

Author: Web Gurjari

1 thought on “પરિવહન : અવેધિક શિક્ષણનું ઉત્તમ માધ્યમ

  1. ઉપયોગી સૂચન. આ રીતે ઘરથી શાળા અને શાળાથી ઘર સુધીના પ્રવાસમાં જાહેર જીવન વિષે બાળકોને સારું શિક્ષણ આપી શકાય. આવતી કાલના જવાબદાર નાગરિક તૈયાર કરવામાં ફાળો આપી શકાય.

Leave a Reply

Your email address will not be published.