પંડિત સુખલાલજી: એક વિરલ વિભૂતિ

સમાજ દર્શનનો વિવેક

કિશોરચંદ્ર ઠાકર

 જૈન વિદ્વાનોમાં  પંડિત સુખલાલજી, પંડિત બેચરદાસ દોશી, વીરચંદ ગાંધી, દલસુખ માલવણિયા વગેરેના નામો આગળ પડતાં છે. વીરચંદ ગાંધીએ તો 1893માં શિકાગો ખાતે ધર્મ પરિષદમાં જૈન ધર્મનું સફળ પ્રતિનિધિત્વ પણ કર્યું હતું. આમ છતાં પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજીનું નામ વધારે જાણીતું છે. જાણીતા સાક્ષર રઘુવીર ચૌધરીએ લખ્યું છે, “પંડિત સુખલાલજી આ પ્રદેશમાં થઈ ગયા ન હોત તો દર્શકને સત્યકામનું પાત્ર ભાગ્યે જ મળ્યું હોત. એક અપંગ માણસ એની કરૂણાનાં બળે દુનિયાને દોરી શકે એ માનવીય શક્યતા દર્શકને આ દાખલામાં દેખાઈ. એમાં ઔચિત્ય છે, પ્રતીતિ છે. પંડિતજીના પ્રત્યક્ષ કે પરોક્ષ પરિચયમાં આવનાર સહુ કોઈ જોઈ શકતું કે અહીં કશુંક અનન્ય છે, મહત્ છે.”

સુખલાલજી આટલી મોટી પ્રતિભા છતાં મારો અનુભવ એવો છે કે જૈનોમાં પણ તેમને નહિ જાણનારો એક મોટો વર્ગ છે. સ્વાભાવિક છે કે જૈન સમાજની બહાર તેમની ઓળખ મર્યાદિત જ હોય. જૈન સાધુસાધ્વીજીને ભણાવનારને પંડિત કહેવાય છે. સુખલાલજી આ કારણે તો પંડિત હતા જ, પરંતુ જૈન ધર્મશાસ્ત્રોનો  ઊંડો અભ્યાસ ઉપરાંત સંસ્કૃત ભાષા પર  તેમનો અસાધારણ  કાબૂ હતો.  તેઓ સંસ્કૃતમાં વાતચીત કરી શકતા અને પ્રવચનો પણ આપી શકતા. શાસ્ત્ર અને સંસ્કૃત સાહિત્યના તેમના બહોળા અભ્યાસને કારણે ખરા અર્થમાં તેઓ પંડિત  હતા.

જન્મ તેમનો ૮ ડીસેંબર ૧૮૮૦ના રોજ સૂરે‌ન્દ્રનગર જિલ્લાના લીમલી(લીમડીનહિ)ગામે સ્થાનકવાસી જૈન પરિવારમાં થયો હતો. ગામમાં તે સમયે ઉપાશ્રય તો હતો, પરંતુ ગામ ખૂબ નાનું હોવાથી  કોઇ સાધુસાધ્વી ચાતુર્માસ માટે ક્યારેક જ આવતા. પરંતુ જ્યારે પણ આવે ત્યારે પંડિતજી તેમનો લાભ લેતા અને ધર્મ વિષે સમજ મેળવતા. અલબત્ત જૈન પરિવારમાં જન્મેલા હોવાથી ધર્મનું પ્રારંભિક જ્ઞાન તો હોય જ.

બાળપણ તેમનું  સામાન્ય બાળકો જેવું જ હતું. એ સમયના રિવાજ મુજબ નાની ઉંમરે  તેમની સગાઈ  થયેલી. પરંતુ 16 વર્ષની વયે  શીતળાની બીમારીમાં તેમણે બન્ને આંખ ગુમાવી હોવાથી તેમની  સગાઈ પણ તૂટી ગઈ.

અચાનક આવી પડેલાં અંધત્વથી તેઓ પરાધીનતા અનુભવવા લાગ્યા. પરંતુ એક ઘટનાએ પંડિતજીના જીવનમાં પરિવર્તન માટેની દિશા ખોલી આપી. દીપચંદજી મહારાજ નામના એક એકલ વિહારી સાધુ લીમલી પધાર્યા. પંડિતજી તેમની પાસેથી સંસ્કૃત સ્તોત્રો સંભળીને કંઠસ્થ કરતા, પંડિતજીને સંસ્કૃત સ્તોત્રો વગેરે બહુ ગમે છે અને ઝડપથી કંઠસ્થ કરી લે છે, એ જાણીને મહારાજે તેમને ભક્તામર, સિંદૂરપ્રકરણ, કલ્યાણમંદિર શોભનસ્તુતિ વગેરે  જૈન સ્તોત્રો કંઠસ્થ કરાવ્યાં. મહાકવિ કાલિદાસ રચિત ‘રઘુવંશ’ના નવ સર્ગ પણ તેમણે કંઠસ્થ કરી લીધા. તેમની સ્મરણશક્તિ એટલી તીવ્ર હતી કે રોજનો એક આખો સર્ગ મોઢે કરી લેતા અને નવ દિવસમાં નવ સર્ગ કંઠસ્થ કરી લીધ!

સ્તોત્ર કે શ્લોકનો અર્થ તેમને સીધેસીધો સમજાતો નહિ. આથી તેમને લાગ્યું કે જો સંસ્કૃત ભાષા જ શીખી લઈએ તો સંસ્કૃત સાહિત્ય સારી રીતે સમજી શકાય. પરંતુ  તે માટે સંસ્કૃત વ્યાકરણ પણ શીખવું પડે. હવે લીમલી જેવા ગામમાં ગુજરાતી શીખવા માટે પૂરતી સુવિધા ન હોય તો સંસ્કૃત તો ક્યાંથી શીખી શકાય? તે પણ તેમના જેવા પ્રજ્ઞાચક્ષુથી?  તેનો યોગ પણ થયો. લીમલીમાં સંસ્કૃતના જાણકાર એવા લધાજી સ્વામી પધાર્યા. તેઓ પોતે પણ પ્રજ્ઞાચક્ષુ હતા. તેમણે પંડિતજીને વઢવાણ ખાતે પોતાના શિષ્ય શ્રી ઉત્તમચંદજી પાસેથી સંસ્કૃત વ્યાકરણ શીખવાની સલાહ આપી. પંડિતજી વઢવાણ જઈને તેમની પાસેથી સારસ્વત વ્યાકરણ અને ચંદ્રિકા શીખ્યા. પરંતુ તેમને આટલેથી સંતોષ ના થયો. તેમને મત  ખરું સંસ્કૃત તો ત્યારે શીખ્યા કહેવાય, જ્યારે સંસ્કૃતમાં વાતચીત કરી શકીએ. પરંતુ આ માટે તો છેક કાશી જવું પડે. જે કાળે વાહનવ્યવહારની સુવિધા ન હતી તે વખતે ગામડાગામનો  એક પ્રજ્ઞાચક્ષુ કાશી કઈ રીતે જઈ શકે? પણ તેમનું મન હતું એટલે માળવે પહોંચી ગયા.

બન્યું એવું કે ભાવનગરથી પ્રકાશિત થતાં ‘જૈન ધર્મપ્રકાશ’ નામનાં સામયિક્માં સમાચાર છપાયેલા કે ગુજરાતમાથી શ્રી ધર્મવિજયજી નામના મહારાજ પોતાના શિષ્યો અને કેટલાક વિદ્યાર્થીઓને સંસ્કૃતમાં પારંગત કરવાના હેતુથી કાશી જવાના છે. પંડિતજીને આ તક જવા દેવા જેવી ન લાગી. પરંતુ પોતે પ્રજ્ઞાચક્ષુ હોવાથી કુટુંબીઓ તો તેમને કાશી જવાની રજા કેવી રીતે આપે? આથી ખાનગીમાં તેમણે એક મિત્ર દ્વારા  ધર્મવિજયજીને પત્ર લખીને કાશી આવવાની ઇચ્છા વ્યક્ત કરી. ધર્મવિજયજીનો સાનુકૂળ જવાબ આવ્યો જેમાં તેમણે લખ્યું “તમે ભલે આંખે દેખી શકતા ન હો, છતાં કાશી આવી શકો છો” વીરમગામથી કેટલાક વિદ્યાર્થીઓ  કાશી જવાના હોવાથી ધર્મવિજયીએ તેમના સંગાથ માટે પંડિતજીને વીરમગામ પહોંચી જવા જણાવ્યું.

પરિવારજનોએ પંડિતજીને કાશી નહિ જવા માટે ખૂબ સમજાવ્યા, પરંતુ પંડિતજીનો મક્કમ નિર્ધાર જોઇને તેમણે નમતું જોખવું પડ્યું.   પંડિતજીના  ભાઈ ખુશાલચંદ તેમને  વીરમગામ સુધી મૂકવા માટે ગયા. ત્યાંથી નાનાલાલ નામના એક શિક્ષક જે પોતે પણ કદી કાશી તરફ ગયા ન હતા તેમને પંડિતજીની સંગાથે મોકલવાની વ્યવસ્થા થઈ. આ વર્ષ હતું ઇ.સ ૧૯૦૪નું. તે સમયે ત્રણેક સ્થળે ટ્રેન  બદલવી પડતી અને દરેક ટ્રેનમાં કુદરતી હાજતની સગવડ હોય એવું તો હતું જ નહિ. વળી સાથીદાર પણ બીનઅનુભવી, ઢીલા તથા ભીરું હતા. આવી લાંબી મુસાફરીમાં દેખતા માણસને પણ તકલીફ પડે તો પછી પંડિતજીની મુશ્કેલીઓની કલ્પના જ કરવી રહી. એક વાર બન્યું એવું કે કુદરતી હાજત માટે તેઓ સ્ટેશને ઉતર્યા, તો એટલી વારમાં ટ્રેન ઉપડી ગઈ. નસીબજોગે સ્ટેશન માસ્તર ગુજરાતી હતા અને તેમની વાત સહાનુભૂતિથી સાંભળીને  શૌચાલયની સુવિધા ધરાવતી બીજી એક્સ્પ્રેસ ટ્રેનમાં બેસાર્યા. આવી અનેક મુશ્કેલીઓ વેઠીને પંડિતજી છેવટે કાશીમાં ‘યશોવિજયજી જૈન પાઠશાળા’માં પહોંચ્યા.

અહીં તેમને પ્રખર પંડિતોનો લાભ મળ્યો. ચારેક વર્ષના અભ્યાસમાં તેઓ  સંસ્કૃત વ્યાકરણ એટલું સરસ રીતે  શીખ્યા કે સંસ્કૃતમાં અસ્ખલિત બોલવાની ક્ષમતા પ્રાપ્ત કરી લીધી. આ ઉપરાંત તેમણે હેમચંદ્રાચાર્યના સંસ્કૃત અને પ્રાકૃત વ્યાકરણ સરસ રીતે શીખી લીધાં. ન્યાયશાસ્ત્રના ગ્રંથો ‘તર્કસંગ્રહ, ‘મુક્તાવલિ’ ‘પંચવાદ વગેરેનો પણ અભ્યાસ પણ કર્યો. ઇ.સ. 1904થી 1908 વર્ષ સુધીના ગાળામાં તો તેમણે ‘કિરાતાર્જુનીય’, ‘શિશુપાલ વધ’ ‘નૈષધીયચરિત’ વગેરે માહાકાવ્યોનો અભ્યાસ કરી લીધો. રઘુવંશ તો તેમને મુખપાઠ હતું જ. મહાકાવ્યનો આસ્વાદ કરવા માટે અલંકારશાસ્ત્રનો અભ્યાસ જરૂરી લાગતા તેમણે તે માટેના ગ્રંથ ‘સાહિત્યદર્પણ’નો અભ્યાસ પણ કર્યો. આ દરમિયાન તેઓ સમેતશિખર અને પાલિતાણાની યાત્રાએ સુધ્ધાં  જઈ આવ્યા.

પાલિતાણામાં તેમને પાઠશાળાના એક મંત્રી મળ્યા. પંડિતજીએ પાઠશાળાના વહીવટની કેટલીક ક્ષતિઓ પ્રત્યે તેમનું ધ્યાન દોરેલું. આ વાતની જાણ પાઠશાળામાં મહારાજશ્રીને થઈ. આથી મહારાજશ્રીનાં પંડિતજી સાથેના વ્યવહારવર્તન બદલાઈ ગયાં. આની અસર બીજા કેટલાક વિદ્યાર્થીઓ પર પણ થઈ અને  પાઠશાળામાં રહેવામાંથી પંડિતજીનું મન ઊઠી ગયું. આથી  સ્વતંત્ર રીતે અભ્યાસ કરવા માટેના બીજા સ્થળો અને શિક્ષકોની શોધ કરવા તેઓ  આગ્રા, ગ્વાલિયર અને વૃંદાવન પણ જઈ આવ્યા. છેવટે કાશીમાં જ એક સ્થળ મળી ગયું. અગવડો તો અહીં પણ  હોવા છતાં પંડિતજીએ અભ્યાસ  ચાલુ જ રાખ્યો.

આ રીતે તેમણે પોતાની  ત્રીસ વર્ષની ઉંમર સુધી વિદ્યાભ્યાસ ચાલુ રાખ્યો. પછી આજીવિકા માટે તેમણે પાલનપુરમાં જૈન સાધુને ભણાવવાનું કામ સ્વીકાર્યું. પાલનપુરમાં તેમને જૈનોના સંપ્રદાયવાદનો અનુભવ થયો. પોતે સ્થાનકવાસી થઈને  મૂર્તિપૂજક મહારાજ સાહેબને.ભણાવે એ વાત કેટલાક સ્થાનકવાસી શ્રાવકોને પસંદ પડી નહિ અને તેમણે અણગમો પણ વ્યક્ત કરેલો. પરંતુ કેટલાક ઉદાર મહારાજ સાહેબોને કારણે પંડિતજીનું કામ ચાલું રહ્યું.

પાલનપુરમાં બીજો એક કડવો અનુભવ તેમને થયેલો. લાડુબેન નામના વિધવા મહિલાને સંસ્કૃત અને પ્રાકૃત ભાષા તથા બીજા જૈન શાસ્ત્રો ભણવાની ઇચ્છા થઈ. આથી પંડિતજીએ એક બાજુ મહારાજ સાહેબો અને બીજી બાજુ લાડુબેનને બેસાડી ભણાવવાનું શરૂ કર્યું. પરંતુ  મહારાજ સાહેબો એક મહિલાની હાજરીમાં અભ્યાસ કરે તે બાબતની જૈન સમાજમાં નિંદા થઈ. આથી પંડિતજીએ તે બહેનના ઘરે અલગથી ભણાવવાનું શરૂ કર્યું. એકલી મહિલાને ભણાવવામાં કમળાગ્રસ્ત સમાજ પીળું જોયા વિના થોડો રહે? વિવાદનો મોટો મધપુડો છંછેડાયો અને પંડિતજીએ પાલનપુર જ છોડી દીધું. પરંતુ મુંબઈ ખાતે શ્રી વિજયવલ્લભસૂરિજીએ તેમને જૂનવાણી માણસોની ટીકાની પરવા નહિ કરવા સમજાવ્યા. તેથી પંડિતજીએ પાલનપુર પાછા આવીને બાકીનું અધ્યયન કાર્ય પૂરું કરેલું. આ અનુભવે તેમને કેટલાક વ્યવહારુ અને દૃઢ સંકલ્પો કરાવ્યા. ત્યાર પછી પંડિતજીએ વીરમગામ, મેહસાણા, પાટણ અને પૂનાનાં જૈન છાત્રાલયમાં પણ અધ્યાપન કાર્ય કરેલું. પાલનપુર હતા ત્યારે તેઓ  આબુ પર્વત પણ ચડી આવ્યા હતા.. જ્યારે રોડરસ્તા ન હતા ત્યારે એક પ્રજ્ઞાચક્ષુને પહાડ ચડવો કેટલો મુશ્કેલ હોઈ શકે તેની આપણે કલ્પના જ કરવી રહી.

વ્યક્તિ તર્કબુદ્ધિને હાજર રાખીને પોતાના ધર્મનો ઊંડાણથી અભ્યાસ કરે તો તે સંપ્રદાયવાદ અને શાસ્ત્રોની જડતાની વંડી ઠેકી જાય છે. પંડિતજીનો જન્મ થયેલો સ્થાનકવાસી જૈન સમાજમાં, પરંતુ તેમણે મૂર્તિપૂજા કે મૂર્તિપૂજકો પ્રત્યે કદી અણગમો વ્યકત કર્યો ન હતો. માત્ર એટલું જ નહિ જૈન મિત્રોને કદાચ એ જાણીને આઘાત લાગશે કે પંડિતજીએ કંદમૂળ ખાવામાં કોઈ દોષ જોયો ન હતો. તેમણે પોતે જ લખ્યું છે કે  *ડુંગળીલસણ એટલા માટે નથી ખાતા કે તે ખાવાથી મોં ગંધાય છે, પરંતુ બટાટા તો પોતે ખાય  છે જ.

પંડિતજીને ગાંધીજીનો પરિચય  થયેલો અને કોચરબ આશ્રમમાં  ગાંધીજી સાથે રહેલા પણ ખરા. આશ્રમના નિયમ મુજબ ત્યાં રહેનારે આશ્રમનું કોઇને કોઇ કાર્ય તો કરવું જ પડે. પંડિતજી પોતે પ્રજ્ઞાચક્ષુ હોવાથી અન્ય કોઇ કામ તો ન કરી શકે તેથી ગાંધીજીએ તેમની પાસે અનાજ દળવાનું કામ કરાવેલું.

ગાંધીજીના પ્રત્યક્ષ અને પરોક્ષ પરિચયે તેમનામાં સાદાઈ અને અપરિગ્રહના ગુણોનો અધિક વિકાસ થયો.  ધાર્મિક ઉદારતાનાં બીજ તો તેમનામાં પડેલા જ હતાં. વિવિધ ધર્મના શાસ્ત્રોના અભ્યાસ અને વૈવિધ્ય ભર્યા લોકસંપર્કથી તેમની ધાર્મિક સહિષ્ણુતા પૂરેપૂરી વિકસી.. હવે તેઓ વિદ્વાન તરીકે બહોળા સમાજમાં સ્વીકૃત થયા.

પંડિતજીએ માત્ર અધ્યયન અને અધ્યાપન જ કર્યા ન હતાં. હિ‌ન્દી અને ગુજરાતી એમ બેઉ ભાષામાં થઈને 32 જેટલા ગ્રંથો તેમણે રચ્યા છે. જૈન ધર્મમાં ઉમાસ્વાતિકના સંસ્કૃત ગ્રંથ ‘તત્વાર્થસૂત્ર’નું ખૂબ મહત્વ છે. પંડિતજીએ તેનો  ગુજરાતી અનુવાદ કરીને તેના પર વિવેચન પણ લખ્યું છે. તેમની કામગીરી જૈન સમાજ પૂરતી સીમિત રહી ન હતી. ૧૯૨૧થી ૧૯૩૦ સુધી તેમણે ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યયન અને અધ્યાપન કાર્ય કરેલું. ૧૯૩૩થી ૧૯૪૪ સુધી બનારસ હિંદુ યુનિવર્સિટિમાં તેઓ અધ્યાપક તરીકે રહયા, ત્યાંથી નિવૃત થયા બાદ મુંબઈ ખાતે ભારતીય વિદ્યાભવન અને પછી ભો જે વિદ્યાભવન અમદાવાદમાં અધ્યાપક તરીકે જોડાયા. 1951માં તેઓ અખિલ ભારત પ્રાચ્ય અને તત્વજ્ઞાન વિભાગના પ્રમુખ બન્યા. ગુજરાતની ત્રણ મોટી યુનિવર્સિટિએ -ગુજરાત યુનિવર્સિટી, સરદાર પટેલ  યુનિવર્સિટિ, અને  સૌરાષ્ટ્ર યુનિવર્સિટિએ‌‌‌-તેમને   ડોક્ટર ઓફ લિટરેચરની માનાર્હ પદવી આપેલી. દિલ્હીની સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પણ તેમણે પ્રાપ્ત કરેલો. 1974માં ભારત સરકારે તેમને ‘પદ્મભૂષણ’થી નવાજેલા.

ગુજરાત સાહિત્ય પરિષદના એક વખતના પ્રમુખ ચંદ્રકા‌ન્ત ટોપીવાલાએ પંડિતજી વિશે લખ્યું છે, ”ગાંધીવાદી તત્વજ્ઞાની એવા આ લેખકે ભારતીય દર્શનશાસ્ત્ર પર મૂળભૂત વિચારણા કરી છે અને તત્વજ્ઞાનને શાસ્ત્રો તેમજ ધર્મની જડ સીમાઓમાંથી મુક્ત કર્યા છે. એમની તત્વવિચારણા પાછળ અનુકંપા અને તર્કનું સહિયારું બળ પડેલું છે. અને તેથી જ તેમણે  ધર્મ અને સંસ્કૃતિનું હંમેશા માનવકલ્યાણના માનદંડથી જ મૂલ્યાકંન કર્યું છે. ક્રિયાકાંડથી મુક્ત અને સમ‌ન્વયદર્શી ધર્મનું સ્વરૂપ એમની વિચારણાનું મુખ્ય બળ છે”.

આ રીતે જેઓ પણ પંડિતજીના પ્રત્યક્ષ કે પરોક્ષ પરિચયમાં આવ્યા હતા તેમણે તેમનામાં અસાધારણ પ્રતિભાના દર્શન કરેલા. એમ કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી કે પંડિતજી માત્ર ગુજરાતની જ નહિ. પરંતુ સમગ્ર ભારતની એક વિરલ વિભૂતિ હતા.

આયુષ્યનાં છેલ્લા દિવસો સુધી વિદ્યાપ્રવૃતિ કરતાં કરતાં ૯૭ વર્ષની ઉંમરે ૨ માર્ચ ૧૯૭૮ના દિવસે પંડિતજીએ નશ્વર દેહનો ત્યાગ કર્યો પરંતુ ગુજરાતની સર્વકાલીન મહાન વ્યક્તિઓમાં તેમનું નામ તો રહેશે જ.


(આ લેખ માટે ‘પંડિત સુખલાલજી’ લેખક  રમણલાલ ચી શાહ, ‘મારું આત્મવૃતાંત’ લેખક પંડિત સુખલાલજી, ‘સહરાની ભવ્યતા’ લેખક  શ્રી રઘુવીર ચૌધરી એ ત્રણ પુસ્તકો તથા ગૂગલનો આધાર લેવામાં આવ્યો છે.)


શ્રી કિશોરચંદ્ર ઠાકરના સપર્ક સૂત્રો :-પત્રવ્યવહાર સરનામું: kishor_thaker@yahoo.in । મો. +91 9714936269

Author: Web Gurjari

3 thoughts on “પંડિત સુખલાલજી: એક વિરલ વિભૂતિ

  1. શ્રી કિશોરભાઇ ઠાકરે ગુજરતની એક મહાન વિભૂતિનો પરિચય કરાવ્યો. કોઇએ કોમેન્ટ ય નથી લખી તે જાણી દુ:ખ થાય છે. જૈન-બ્રાહ્મણ(વૈદિક)-બૌદ્ધધર્મનો તુલનાત્મક અભ્યાસ કરનાર એમના સિવાય બીજો કોઇ ગુજરાતી દેખાતો નથી. પોતે સાધુ ન હોવાથી ગુરુનિયંત્રંણો ન હોય આથી કોઇ પણ ધર્મની ખામી તરફ અંગુલિનિર્દેશ અચૂક કરેલો છે. જૈન સમાજે પણ તેઓશ્રીનો વિરોધ કરેલો છે. પણ પછી સ્વીકારવું પડ્યું છે.
    ગુજરાતી સાહિત્યમાં આમેય તત્વગ્યાન પર લખનારા મર્યાદિત લેખકો છે. પંડિતજી ગુજરતનું ગૌરવ છે જ…..

  2. શ્રી કિશોરભાઈ ઠાકર જૈન ધર્મ અને પરંપરાના ઊંડા અભ્યાસી છે. માત્ર જૈન ધર્મ જ નહીં પણ જુદા જુદા ધર્મ અને સંપ્રદાયની વિશદ માહિતી યોગ્ય રીતે રજૂ કરવાની ક્ષમતા ધરાવે છે. પંડિતજી વિશે આટલી વિસ્તારપૂર્વક, વિવિધ પાસાઓને સમજી શકાય તેવી ભાષામાં અને તે પણ અર્થબોધ થાય તે રીતે રજૂ કરવું તે બધાને માટે શક્ય નથી. મેં પોતે માર્ચ મહિનામાં ‘બે પુણ્યશ્લોક પુરુષો ‘નામનું પુસ્તક વાંચેલું. જે મ્રુદુલા મહેતાએ લખેલું તેવું યાદ આવે છે. આટલું સરળ ભાષામાં વાચકો વાંચે પછી બીજા પુસ્તકો વાંચવાની જરૂર નથી. આપણે જ્યારે સાધારણ રોગોથી પીડાતા હોઈએ અને તેથી હવે મારાથી વાંચી નહીં શકાય એમ કહી આપણે વાચન છોડી દઈએ છીએ ત્યારે ફક્ત સોળ વર્ષની ઉંમરે અંધત્વ પ્રાપ્ત કરેલો યુવાન ઠેઠ કાશી જઈ સંસ્કૃત ભાષાનો અભ્યાસ કરે છે અને 97 વર્ષનું આયુષ્ય ભોગવે છે તે સમય દરમિયાન કાંઈ કેટલી સિદ્ધિઓને પ્રાપ્ત કરે છે. આ એક પ્રકારનું ચરિત્ર લેખન છે. સમાજમાં અત્યારે કિશોર-યુવાનો માટે ચરિત્ર કથાઓ વાંચવી જરૂરી છે ત્યારે કિશોરભાઈએ વેબગુર્જરીના માધ્યમથી એક સ્તુત્ય પ્રયાસ કર્યો છે એમાં કોઈ શંકા નથી. ભૂતકાળમાં તેઓએ ‘ત્યારે કરીશું શું? (ટોલસ્તોય) અને એરિક ફ્રૉમના પુસ્તક sane society ના આધારે તૈયાર કરેલી સમજૂતિ નોંધો પણ એટલી જ રસાળ છે. અને વાંચવી જોઈએ એવો મારો નમ્ર મત છે.
    અભિનંદન.

Leave a Reply

Your email address will not be published.